[રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ સ્વામી આત્માનંદજીનાં ગીતા-પ્રવચનો ‘ગીતા-તત્ત્વચિંતન’ નામના ગ્રંથમાં પ્રકાશિત થયાં છે. તેમાંના કેટલાક અંશો ધારાવાહિક રૂપે અત્રે પ્રકાશિત કરી રહ્યા છીએ. પહેલો અંશ જૂનના અંકમાં પ્રકાશિત થયો હતો. હવે અહીં બીજો અંશ રજૂ કરીએ છીએ. ભાષાંતરકાર – શ્રી કે. વિ. શાસ્ત્રી  – સં.]

ગીતા-યોગશાસ્ત્ર:

ગીતા મનને જાણવાની વિદ્યા છે. એને ‘યોગશાસ્ત્ર’ પણ કહેવામાં આવેલ છે. પતંજલિએ જ્યારે પોતાનાં પ્રખ્યાત યોગસૂત્ર લખ્યાં, ત્યારે પહેલાં તેમણે યોગની વ્યાખ્યા આપી. ‘યોગ’ શું છે? પતંજલિ કહે છે: ‘योदचित्तवृत्तिनिरोध:’ – ‘યોગ એક એવો ઉપાય છે કે જેનાથી ચિત્તની વૃત્તિઓ નિરુદ્ધ થઈ જાય છે.’ અત્યારે તો આપણા મનની વૃત્તિઓ વહેતી સ્થિતિમાં છે. જે રીતે નદી કે નાળામાં પાણી વહી રહ્યું હોય છે, એવી જ રીતે મન પણ અવિરત ગતિથી વહી જ રહ્યું છે. આપણે જાગતા હોઈએ, ત્યારે એક ક્ષણ પણ એવી નથી આવતી કે જ્યારે મન વિચારોથી શૂન્ય રહ્યું હોય. જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અને સ્વપ્ન જોતા હોઈએ છીએ, ત્યારે પણ આપણું મન વહેતું રહેલું જ હોય છે. આપણે સ્વપ્નમાં જે દૃશ્ય જોઈએ છીએ, એ મનના પ્રવાહને લીધે જ સંભવ થઈ શકે છે. કેવળ સુષુપ્તિની દશામાં-સ્વપ્ન વગરની ગાઢ નિદ્રાની દશામાં જ આપણું મન થોડાક સમય માટે સ્થિર અને શાંત હોય છે. ઠીક, જ્યારે સુષુપ્તિમાં આપણું મન શાંત હોય છે, જ્યારે મનનો પ્રવાહ કેટલાક વખત સુધી બંધ હોય છે, ત્યારે શું આપણે એના સ્વરૂપને જાણી શકીએ છીએ ખરા કે? ના, કારણ કે જે જાણનાર મન છે, તે પોતે જ ત્યારે સૂઈ ગયેલું હોય છે. સુષુપ્તિ સિવાય બીજા બધા વખતે મનનો પ્રવાહ અવિરત રીતે વહેતો રહે છે. મનના આ પ્રવાહને રોકવો, એ જ યોગ છે.

એક વાર હું બેલુર મઠ ગયો હતો. ત્યાં ગંગાકાંઠે હું સ્નાન કરી રહ્યો હતો. હું કોઈ તરવૈયો તો ન હતો. નાનપણમાં ગામના તળાવમાં કોઈક વાર હાથપગ મારી પછાડી લેતો. મેં કાંઠા પર જ થોડા હાથ પગ હલાવી જોયા. મને લાગ્યું કે હું તો ગંગામાં સારી રીતે તરી શકું છું, કારણ કે મને આગળ વધવામાં કશી મુશ્કેલી નડી નહિ. હું તો આગળ વધ્યો. થોડે દૂર ગયા પછી કાંઠે ઊભેલા એક માણસે બૂમ પાડી: “આગળ જશો નહિ, બહુ ઊંડાણ છે.” મેં ત્યાં પાણીનો તાગ લીધો તો ખબર પડી કે પાણી અતાગ છે. હું પાછો ફર્યો, પણ પાંચ મિનિટ સુધી હાથપગ હલાવ્યા ચલાવ્યા છતાં હું મુશ્કેલીથી એક બે ગજ પાછો વળી શક્યો. આનું કારણ એ હતું કે જ્યારે હું કાંઠા ઉપરથી ગંગામાં તરી રહ્યો હતો, ત્યારે હું ગંગાના પ્રવાહની સાથે હતો, પણ પાછા ફરતી વખતે હું પ્રવાહથી અવળો બની ગયો હતો. જ્યારે હું ગંગાના પ્રવાહની સાથોસાથ જ આગળ વધી રહ્યો હતો, ત્યારે મને એની તાકાતનો ખ્યાલ આવ્યો ન હતો, પણ જ્યારે હું પાછા ફરવાનો પ્રયાસ કરવા લાગ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે પ્રવાહ કેટલો વેગીલો છે. હું પ્રવાહની ઊલટી દિશામાં તરી જ ન શક્યો. ત્યારે હું ફરીથી પ્રવાહની સાથે સાથે આગળ વધતાં વધતાં ધીરે ધીરે પ્રવાહ કાપતાં કાપતાં માંડ માંડ લગભગ સો ગજ છેટે રહેલા કાંઠા સુધી પહોંચ્યો. આ જ વાત મનના પ્રવાહની સાથે પણ લાગુ પડે છે.

યોગ: મનના પ્રવાહને બાંધવાનો વિધિ:

યોગ મનના પ્રવાહને બાંધવાનો વિધિ છે. યોગની પરિભાષામાં કહેવામાં આવ્યું છે કે ચિત્તની વૃત્તિઓના નિરોધનું નામ જ યોગ છે. ચિત્તની વૃત્તિઓ ક્યારેય સ્થિર રહેતી નથી. એ હંમેશાં ચંચલ જ રહે છે. આ વહેતી વૃત્તિઓને બાંધવી, એ ખૂબ જ દુષ્કર કાર્ય છે. આમ છતાં ચિત્તવૃત્તિઓને બાંધવાથી જ મનને જાણી શકાય છે. એને માટે મનને રોકવું પડશે. વિચારોની મદદથી વિચારોને કાપવા પડશે. વિચારો દ્વારા જ વિચારોની પેલી પાર પહોંચવું પડશે. આ જ વિધિ છે. આ વિધિ સાંભળવામાં એક મોટા કોયડા જેવો લાગે છે. વિચારોની જ મદદથી આપણે વિચારોને જ કેવી રીતે કાપી શકીએ? ભારતીય સાધકોએ આ કોયડો ઉકેલ્યો છે. તેમણે કહ્યું: “સંસારમાં રહેવાથી મન હંમેશાં ચંચલ જ રહ્યાં કરે છે, એ સ્વાભાવિક રીતે જ વહેતું જ રહે છે. જ્યારે સાંસારિક બોજાઓ અને ગડબડો ઊભી થાય છે, ત્યારે તો એનો પ્રવાહ વળી વધારે પ્રખર બની જાય છે. એટલા માટે સંસારમાં રહીને તમે મનને જાણી શકશો નહીં. તેથી તમે વનમાં ચાલ્યા જાઓ. એવા એકાંત સ્થળમાં પ્રશાંત ગિરિગુફાઓમાં જઈને રહો કે જ્યાં સંસાર અને એની ચિંતાઓ તમારી સામે ન હોય.” એ જમાનામાં ખાવાપીવાની તો કોઈ સમસ્યા હતી નહિ. કુદરત ખૂબ દયાળુ હતી. નદીઓ નિર્મળ પાણીથી ભરેલી રહેતી, વૃક્ષો ફળોથી લચેલાં રહેતાં અને ધરતીમાં મોટા પ્રમાણમાં કંદમૂળ ભર્યાંભાદર્યાં રહેતાં. ત્યારે લોકો મનને જાણવા માટે અરણ્યવાસી થયા કરતા હતા અને કંદમૂળ ખાઈને આત્મચિંતનમાં મગ્ન રહ્યા કરતા. તેઓ વિચાર કરતા કે મનનો સ્વભાવ કેવો છે? જીવનના આ કોયડાનો અર્થ શો છે? જન્મ અને મૃત્યુનું તાત્પર્ય શું છે? પ્રકૃતિની ભીતરમાં જે મૂલસત્તા છે, એનું સ્વરૂપ શું છે?

પ્રાકૃતિક શક્તિઓનું માનવીકરણ:

દેવતાઓનો ઉદ્ભવ:

આદિમાનવ પ્રકૃતિની શક્તિઓની પૂજા કર્યા કરતો હતો. માનવનો એ સ્વભાવ છે કે એ પોતાના કરતાં વધારે બળવાન શક્તિઓની પૂજા કરતો રહે છે. જ્યારે એ જુએ છે કે તે કોઈ શક્તિ ઉપર અધિકાર મેળવવામાં સફળ થઈ શકે તેમ નથી, ત્યારે તે એની પૂજા કરવા માંડે છે. વેદો માનવમનની વિકાસગાથા છે. માનવમન ક્રમે ક્રમે જે જે પગથિયાં પરથી વિકસિત થતું ગયું છે, એની સુંદર કથા વેદો કહે છે. વેદોમાં પહેલાં આપણે એવા મનને જોઈએ છીએ કે જે હજી અણવિકસેલું છે. પછી એ ધીરે ધીરે વિકસિત થતું જાય છે. અને પકવ  સમય આવતાં એ વિકાસની સૌથી ઊંચી અવસ્થા પ્રાપ્ત કરી લે છે. એટલા માટે હું વેદોને માનવીય મનના વિકાસની ગાથા કહું છું.

આદિકાળમાં માનવપ્રકૃતિની શક્તિઓથી ડર્યા કરતો હતો. એ જોતો હતો કે જ્યારે જબરદસ્ત વાવાઝોડું આવે છે, ત્યારે વૃક્ષો તૂટીને નીચે પડી જાય છે, ઝૂંપડીઓ ધસી પડે છે અને ધન નાશ પામે છે. આદિમાનવે કલ્પના કરી કે ગમે તેમ હો પણ વાવાઝોડું કોઈ એક શક્તિ છે. એણે એ શક્તિનું માનવીકરણ કર્યું. મનુષ્યનો આ એક સ્વભાવ છે કે એ જેની પૂજા કરે છે, એને માનવીય રૂપ આપી દે છે. તે ઈશ્વરને પણ માનવીય રૂપ આપી દે છે અને એને બધા માનવીય ગુણોથી યુક્ત બનાવી દે છે. આનું કારણ એ છે કે મનુષ્યની કલ્પના એના પોતાના મન વડે મર્યાદિત થયેલી છે. જો કોઈ માછલી ઈશ્વરની કલ્પના કરે, તો એ ઈશ્વરને એક બહુ મોટી માછલીના રૂપે જ નીરખશે. જો કોઈક ભેંસ ઈશ્વરની કલ્પના કરે, તો ઈશ્વરને એ એક ખૂબ મોટી ભેંસના રૂપમાં જ જોશે. આવી જ રીતે જો કોઈ પક્ષી ઈશ્વરના સ્વરૂપ વિશે વિચારશે, તો એની કલ્પનામાં ઈશ્વર એક બહુ મોટા પક્ષીનું રૂપ ધારણ કરશે. આથી જ્યારે મનુષ્ય ઈશ્વરની કલ્પના કરે છે તો એ એને માનવીય ગુણોવાળો કરી દે છે. આ માણસનો પોતાનો સ્વભાવ છે.

જ્યારે આદિમાનવે ઝંઝાવાતની પ્રચંડતાનો અનુભવ કર્યો ત્યારે એણે કલ્પના કરી કે આ એક માનવથી ઊંચી શક્તિ છે. એને એણે ‘મરુત્’ એવા નામથી ઓળખી, એણે વિચાર્યું કે ‘મરુત્’ એક દેવતા છે. એ જ્યારે મનુષ્યો ઉપર પ્રસન્ન થાય છે ત્યારે એમને પ્રાણ બક્ષે છે અને એ જ્યારે કોપાયમાન થાય છે, ત્યારે એમના પ્રાણ હરી લે છે. એટલા જ માટે વેદોમાં મરુતની સ્તુતિ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે, “હે મરુત્ અમે તમારી ઉપાસના કરીએ છીએ. અમને જે જે વસ્તુ સુન્દર અને વહાલી લાગે છે એ અમે તમને અર્પણ કરીએ છીએ. તમે અમારા પર કૃપા કરો. ઝંઝાવાતોને મોકલશો નહિ.” આ રીતે વેદોની ઋચાઓનો જન્મ થાય છે. માણસે જોયું કે અગ્નિ જ્યારે કુપિત થાય છે, ત્યારે આખો કબીલો બળીની રાખ થઈ જાય છે, આખી સંપત્તિ સ્વાહા થઈ જાય છે. એટલા માટે એણે વિચાર્યું કે અગ્નિ એક દેવતા છે. અને જ્યારે એ સંતુષ્ટ થાય છે ત્યારે આપણી રક્ષા કરે છે. એથી અગ્નિની સ્તુતિમાં ઋચાઓ બનાવવામાં આવી. આવી જ રીતે એણે જોયું કે જ્યારે ખૂબ ભારે વર્ષા થાય છે, ત્યારે માલમિલકત અને પાકનો નાશ થઈ જાય છે. એણે કલ્પના કરી કે વર્ષાનો પણ એક દેવ છે. આ દેવને એણે વરુણ નામ આપીને ઓળખ્યો આ રીતે વેદોમાં આપણે જુદા જુદા દેવોનો આવિર્ભાવ થતો જોઈએ છીએ. પ્રકૃતિની જુદી જુદી શક્તિઓને માનવીય રૂપ આપવાને કારણે જ આ બધા દેવોનો જન્મ થયો છે. અને એમનો એવો ઉદય થવો, એ મનની એક સ્વાભાવિક પ્રક્રિયાનું પરિણામ છે.

(ક્રમશઃ)

Total Views: 467

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.