[શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય અને સમગ્ર રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ત્રીજા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના બંગાળી ગ્રંથ ‘સ્મૃતિકથા’માં વર્ણવેલ તેમના ગુજરાતભ્રમણના કેટલાક અંશો ધારાવાહિકરૂપે અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદજીની શોધમાં નારાયણ સરોવર અને આશાપુરા થઈ માંડવી ભણી જતી વખતે તેમને શા અનુભવો થયા તે આપણે પાછલા અંકમાં વાંચ્યું. પછીનું વૃત્તાંત અહીં આપવામાં આવે છે.  – ભાષાંતરકાર : શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ  – સં.]

(ગતાંકથી આગળ)

માંડવીમાં સ્વામીજીનાં દર્શન :

ક્યારેક ઊંટ પર તો ક્યારેક વળી ઘોડા પર રખોપિયાની જોડે મને માંડવી પહોંચાડી દીધો. સમાચાર મળ્યા કે, સ્વામીજી એક ભાટિયાને ઘેર રહેલા છે. તરત જ ત્યાં ગયો.

જોયું કે સ્વામીજી પહેલાંના જેવા હવે નથી રહ્યા. રૂપલાવણ્યે ઓરડાને ઉજાળતા બેઠેલા, પણ મને જોતાં જ ચમકી ઊઠ્યા. રસ્તાની આખીયે રામકહાણી સાંભળી. સાંભળીને સ્વામીજીને મનમાં ડર પેઠો કે આ ગંગાધરે આટલી આફત વહોરીને, આટલી વિપત્તિઓ વટાવીને જીવને વ્હાલો કર્યા વિના મને પકડી પાડ્યો છે, તે હવે કેમે કરીને મારો સાથ છોડશે નહિ. બોલ્યા કે, “મેં એક મનસૂબો ઘડેલો છે. તમારામાંથી (ગુરુભાઈઓમાંથી) કોઈ પણ જોડે રહેવાથી એને પાર પાડી નહિ શકું.”

પણ મેં તો એકેય વાત કાને જ ન ધરી. છેવટે સ્વામીજીએ કહ્યું, “જો હું તો બગડી ચૂક્યો છું, મારો સંગ તજી દે.” મેં કહ્યું, “ભલેને તમે બગડી ચૂક્યા; હું તો તમને ચાહું છું. તમારા ચારિત્ર જોડે એને શી લેવા કે દેવા ? પણ તમારા કામની આડે હું નહિ આવું. તમને મળવાને માટે વ્યાકુળ થઈ ઊઠેલો, એ ઇચ્છા પૂરી થઈ ગઈ છે. હવે તમે એકલા જઈ શકો છો.”

સ્વામીજી એ સાંભળીને રાજીરાજી થઈ ગયા. બીજે જ દહાડે એ ભૂજ જવા રવાના થઈ ગયા. હું એમની જોડે ગયો નહિ અને બીજે દહાડે ભૂજ જવા નીકળ્યો. ત્યારે સ્વામીજીને ખાતરી થઈ ગઈ કે, હવે હું એમની સ્વતંત્રતા ઉપર આડો હાથ નહિ નાખું.

સાધુ આનંદ આશ્રમ :

ભૂજમાં સ્વામીજીએ મને કહ્યું કે, “અહીંના રાજા જે રીતે માનપાન આપી રહેલા છે તેને લીધે અહીં વધારે દહાડા રહેવાથી ઘણાની આંખોમાં આપણે કણાની માફક ખૂંચવા લાગીશું. પચીસ વર્ષે પહેલાં આનંદ આશ્રમ નામના એક બંગાળી સંન્યાસીએ ભૂજ આવીને રાજ્યની ઘણી ઉન્નતિ સાધેલી. તે વખતે રાજાનો એવો શિરસ્તો હતો કે, એ ઈજારા પર ગામ આપે. જે માણસ ઈજારો લે તે પ્રજા પર અમલ બજાવીને ઈજારાની રકમ કરતાં કેટલાય ગણી વધારે રકમ વસૂલ કરે. એને કારણે પ્રજા પર ઘણો જુલમ ગુજરે. આનંદ આશ્રમે રાજાને સારી સલાહ આપીને એ પ્રથા રદ કરાવી અને બ્રિટિશ રાજ્યના જેવી સુવ્યવસ્થા દાખલ કરાવી. આજે પણ એમણે સ્થાપેલા કાયદા પ્રમાણે રાજ્ય ચાલે છે. પણ આનંદ આશ્રમ કારભારીઓની આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યા. ખોરાકમાં ઝેર ભેળવીને એમના દુશ્મનોએ એમની હત્યા કરી. આપણી પણ એવી જ દશા થઈ શકે. આ જગ્યાએથી કાલે જ નીકળી જઈએ આપણે.”

સ્વામીજીથી છૂટા પડવું :

બંને જણા ભૂજથી માંડવી આવીને પંદર દહાડા ત્યાં રહ્યા. પછી સ્વામીજી પોરબંદર ગયા અને એના પાંચસાત દહાડા પછી હું પોરબંદર પહોંચ્યો. ત્યાં વળી ફરી વાર બંને જણાનો મેળાપ થયો.

અહીં સ્વામીજી શંકર પાંડુરંગને ઘેર પરોણા હતા. તેઓ પોરબંદર (સુદામાપુરી)ના શાસનકર્તા (દીવાન) હતા. સ્વામીજી કહેતા કે, એમના જેવા વેદના પંડિત એમણે ભારતમાં જોયા નથી. અથર્વવેદનું ભાષ્ય સહેલાઈથી મળતું ન હોવાથી તેમણે પોતે તે ભાષ્ય પ્રકાશિત કરેલું. એમની જોડે સંસ્કૃતમાં બોલવાનો મહાવરો કરીને સ્વામીજી થોડા જ દિવસમાં પારંગત થઈ ગયેલા.

પોરબંદરથી સ્વામીજીએ જૂનાગઢ તરફ અને મેં કાઠિયાવાડ પ્રયાણ કર્યું. ત્યાંથી જેતપુર, ગોંડલ અને રાજકોટ થઈને જામનગર ગયો. જામનગર જતાં રસ્તામાં ભયંકર વાવાઝોડું નડેલું. જામનગરમાં એક વરસ લગી રહ્યો.

જામનગર (નવાનગર) :

આ ઠેકાણે કાઠિયાવાડનાં સંસ્મરણોના વિસ્તારપૂર્વકના વર્ણનની વચમાં 1893ની સાલમાં વૈદિક શિક્ષણ સંબંધની મારી જાણકારી તથા પ્રયાસોની કહાણી નોંધવી અપ્રાસંગિક નહિ થાય. સેવાવૃત્તિનાં બીજ રોપાયાં જામનગરમાં, રાજપૂતાનામાં એ ધીમેધીમે વધ્યાં અને મુર્શિદાબાદમાં ફાલ્યાંફૂલ્યાં અને ફળ્યાં.

જામનગરમાં પહેલ વહેલાં પહોંચીને ‘ધન્વંતરી ધામ’ નામના ભવનમાં હું વૈદ્યરાજ મણિશંકર વિઠ્ઠલજીનો મહેમાન બનીને ત્રણ-ચાર મહિના રહેલો. વિઠ્ઠલજી નાગર બ્રાહ્મણ અને વ્યવસાયે વૈદ્ય.

જામનગરમાં ત્રણ અગ્નિહોત્રી ગૃહસ્થો હતા, તેમાં બાબાભાઈ વૈદ્ય મોવડી. તેઓ જાતે નાગર બ્રાહ્મણ, મહાપંડિત અને ઉદયપુરના રાજવૈદ્ય હતા. એમનો ચાતુર્માસનો યજ્ઞ આ ધન્વંતરીધામમાં જ ધામધૂમથી ઉજવાય. કાઠિયાવાડ અને ઉદયપુરની ઘણી જાણીતી વ્યક્તિઓ એમાં આમંત્રિત થઈને આવે. એમાંથી ઉદયપુરના મહારાણા ફત્તેહસિંહજીના ભાઈના ભાઈ સુખસિંહજી તથા ભાવનગરના દીવાન ઉદયશંકરના પૌત્ર જોડે મારી ઓળખાણ થયેલી.

ઘણા વખતથી ચરક-સુશ્રુત સંહિતા વાંચવાની મારી ઇચ્છા હતી. ધન્વન્તરી ધામે પહોંચતાં જ સુશ્રુતસંહિતા વાંચવી શરૂ કરી. કલકત્તાના જીવાનંદ વિદ્યાસાગર દ્વારા પ્રકાશિત ચરક સુશ્રુત સંહિતાની ટીકા ન હોવાથી ઉદયપુરના રાજા, મેવાડના મહારાણાએ પ્રકાશિત કરેલો શબ્દાર્થ ચંદ્રિકા નામનો દળદાર કોષ જ મારો એકમાત્ર આધાર હતો. (ક્રમશઃ)

Total Views: 504

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.