15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે

[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક ‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ આજની પરિસ્થિતિમાં દેશવાસીઓને વિશેષતઃ યુવાવર્ગને ખૂબ જ માર્ગદર્શક નીવડશે. રાજનૈતિક સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા છતાં આજે 42 વર્ષો પછી પણ આર્થિક, સાંસ્કૃતિક અને નૈતિક રીતે આપણે લક્ષ્યથી ઘણાં દૂર છીએ, એ હકીકત છે. સ્વામી વિવેકાનંદજીએ આ વાતની આગાહી આજથી લગભગ 90 વર્ષ પૂર્વે કરી હતી. તેનાં કારણો પર પ્રકાશ ફેંકીને આજની પરિસ્થિતિમાં આપણાં કર્તવ્ય તરફ પૂજનીય મહારાજે આપણા સૌનું ધ્યાન દોર્યું છે. આ પુસ્તકમાં સંકલિત લેખોમાંનો પ્રથમ લેખ રજૂ કરીએ છીએ. – સં.]

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાથી ભારત પાછા ફર્યા ત્યારે ઘણા લોકોએ એમને રાજકારણમાં પ્રવેશ કરીને ભારતને સ્વતંત્ર કરવા માટે વિનંતી કરેલી. જવાબમાં સ્વામીજીએ કહ્યું : “વાત તો જાણે ઘણી સરસ. ધારો કે આવતી કાલે હું ભારતને સ્વતંત્ર કરી દઉં છું. પરંતુ તમે એ સ્વતંત્રતાની રક્ષા કરી શકશો ખરા ? આખા દેશભરમાં – તમારામાં એવા માણસો ક્યાં છે ?” સીધાસાદા એ શબ્દોમાં સ્વામીજીએ આપણને સમજાવી દીધું કે, જ્યાં સુધી આપણી પાસે માણસો, ચારિત્રવાન મનુષ્યો નથી, ત્યાં સુધી તો આપણે કશું કામ કરી શકવાના કે કશું પ્રાપ્ત કરી શકવાના નથી. અને આજે સ્વામીજીના એ કથનનું મૂલ્ય આપણે બરાબર સમજી શકીએ છીએ. દેશમાં આજે આટલી બધી સમસ્યાઓ શાથી છે ? એટલા માટે કે આપણી પાસે આવા માણસો નથી. દેશમાં જો આપણી અંદર આવા યોગ્ય માણસો હોત તો કોઈ પ્રકારની મુશ્કેલી જ રહી ના હોત, અને બધા જ આદર્શો – પછી તે રાજકીય, શૈક્ષણિક કે બીજા કોઈ પણ હોય, – તેમણે સિદ્ધિ કરી લીધા હોત. જોઈએ તેવા ચારિત્રવાન માણસોના અભાવે તો આપણે કશી પ્રગતિ સાધી નથી શકતા. પણ આવા માણસો મેળવવા કયાંથી ?  સંસદમાં ખરડો પસાર કરીને ? કાયદા-કાનૂન બનાવીને ? ના, માણસને સાચા અર્થમાં મનુષ્ય બનાવનાર માત્ર એક જ સાધન છે તે છે ધર્મ.

અને એટલા માટે જ સ્વામીજીએ વારંવાર ભાર દઈ દઈને આપણને કહ્યું છે : ‘તમારા અંતરાત્માને ઢંઢોળીને જગાડો અને એ જાગી ઊઠેલી આત્મશક્તિની સાથે કાર્યમાં ઝંપલાવી દો. ભારતના નવનિર્માણ કાજે, તમારે ધર્મ ને કર્મ બંનેને લેવાં જ રહ્યાં. ધર્મની સહાય વિના ભારત કદી ઉન્નત બની શકશે નહિ. ધર્મ તો ભારતની જીવાદોરી છે, પ્રાણશક્તિ છે. એને એકને જ, ધર્મને જ સંભાળી લઈએ, તો બાકીનું બીજું બધું આપમેળે થઈ જશે.’

વાસ્તવિક રીતે જે દિવસે સ્વામીજીએ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ‘હિન્દુ ધર્મ’ વિષય પર પ્રવચન આપ્યું તે દિવસથી ભારતે આળસ મરડીને ઊંઘમાંથી ઊઠવાનું શરૂ કરી દીધું હતું. હિન્દુધર્મના સંદેશની આ સુરાવલીઓ સાંભળીને જ સમગ્ર અમેરિકા મંત્રમુગ્ધ થઈ ડોલવા લાગ્યું. અને આખાય જગતે જોયું કે ભારત ઊંઘતું નથી, મૃતપ્રાયઃ નથી, પણ જીવતું જાગતું છે. અને ખાલી જીવતું જાગતું છે એટલું જ નહિ પરંતુ, દુનિયા આખીને જીતી લઈ શકે તેટલું સામર્થ્ય પણ ધરાવે છે. પણ શેના વડે એ જગતને જીતશે ? એટમ બૉંબથી ? ના. સ્વામી વિવેકાનંદ કહે છે તેમ, ‘શાંતિ ને શુભ કામનાઓના સંદેશ વડે’. આ આદર્શ દ્વારા ભારત દુનિયાને એક કરી મૂકશે. બધા ભેદભાવને મિટાવી દઈને ‘એક વિશ્વ’નું નિર્માણ કરશે.

ધર્મ તો આપણા જીવનનો મૂળ પાયો છે. સ્વામીજીએ કહ્યું : ‘જો આપણે આપણા ધાર્મિક જીવનને સંગીન રાખશું તો બાકીનું બધું જ બરાબર રહેશે.’ સ્વામીજીના પ્રયાસોથી દેશના ધર્મજીવનમાં સૌ પ્રથન નવજાગરણ આવ્યું અને તેને પગલે પગલે રાષ્ટ્રજીવનનાં બાકીનાં બધાં ક્ષેત્રોમાં – શિક્ષણમાં, સાહિત્યમાં, કલામાં, અર્થનીતિમાં, રાજનીતિ, વગેરેમાં નવજાગૃતિનાં એંધાણ પરખાવા માંડ્યાં. તેથી જ સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું છે : ‘સૌ પ્રથમ પાયાની જરૂરિયાત સમજીને ધર્મને જાળવી રાખો.’ આપણને બીજી ઘણીબધી જરૂરત હશે, પણ આ ધાર્મિક આદર્શને પોષનારી બધી બાબતોને તો આપણે મેળવવી જ રહી. એને વિસારે પાડવાનું આપણને પોસાય તેમ નથી.

એટલે હું મહામંડળના સભ્યોને કહીશ કે સૌથી પહેલાં સાચા અર્થમાં મનુષ્ય બનો. કામકાજ વગેરે તે પછીથી આવશે. સૌથી પહેલાં જો માનવ નહિ બની શકો તો બધાં કાર્ય વ્યર્થ જશે. સીધેસીધા એકદમ કામમાં મંડી પડશો, તો ફક્ત અંદરઅંદર ઝઘડ્યા કરશો, મારામારી કરશો ને એવું બધું કરશો. એટલે પહેલાં માનવ બનવાની કોશિષ કરો. ધાર્મિક બનવાનો પ્રયત્ન કરો. તમારે જીવનમાં ચારિત્ર નિર્માણને અગ્રતા આપવી જોઈએ. એ જ વાત હું તમને ખાસ કહેવા માગું છું. સ્વામી વિવેકાનંદજીએ આપણી સમક્ષ રજૂ કરેલો આદર્શ આ હતો. આ જ એમનો સંદેશ હતો. અને એમનો આ આદેશ કેવળ યુવાનો માટે જ નહોતો. એકેએક ભારતવાસીને સાદ કરી કરીને એમણે આહ્‌વાન દીધેલું : ‘આવો, સહુ આવો ને સૌ પ્રથમ મનુષ્ય બનો.’

સ્વામીજીને મારી પ્રાર્થના છે કે તેઓ આપણને એવી શક્તિ આપે; આપણે માનવ બનીએ અને એ ભરીભરી માણસાઈ-માનવતા દ્વારા વધુ ને વધુ મહાન ભારતના નિર્માણકાર્યમાં લાગી જઈએ. સ્વામીજીનું અમોઘ વચન છે : ‘ધરતીના પટ પર એક પણ એવી તાકાત નથી કે હવે પછી ભારતનો સામનો કરી શકે.’ આ જ સ્વામીજીનો સંદેશ છે. ભારત જાગી ઊઠ્યું છે, અને વિશ્વરાષ્ટ્રોના મંચ ઉપર પોતાના હકનું સ્થાન પ્રાપ્ત કરશે એમાં શંકા નથી. ફરી એક વાર હું સ્વામીજીને પ્રાર્થના કરું છું : તેઓ આપણને શક્તિ પ્રદાન કરે, આપણે ભારત માટે, સમગ્ર વિશ્વ કાજે કાર્ય કરીએ તથા સમસ્ત દ્વેષ-ઇર્ષ્યાને દૂર કરી દઈએ અને ‘એક વિશ્વ’નું નિર્માણ કરીએ.

Total Views: 642

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.