રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન

વાર્ષિક અહેવાલ (એપ્રિલ 1987 થી માર્ચ 1988)

જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું. તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो मोक्षार्थं जगत् हिताय च” ના બેવડા આદર્શથી પ્રોત્સાહિત થઈને, શક્ય એટલી તમામ રીતે જગતની સેવા કરવા માટેની શક્તિ મેળવવા અને આત્માનો સાક્ષાત્કાર કરવા માટે સાધુઓના સમુદાયને તૈયાર કરવાના હેતુથી સને 1899માં આ સંસ્થાના કાયમી મથકની સ્થાપના બેલુર મઠમાં (પં. બંગાળ, કલકત્તા પાસે) કરવામાં આવી. નાતજાત, સંપ્રદાય કે રંગના ભેદભાવ વગર પ્રાણી માત્રને દિવ્ય તત્ત્વનાં વ્યક્ત સ્વરૂપે ગણીને આ સંસ્થા ગૃહસ્થ ભક્તોનો સાથ લઈને માનવકલ્યાણની પ્રવૃત્તિઓ આગળ ધપાવી રહી છે. સને 1901માં રામકૃષ્ણ મઠનું રજિસ્ટ્રેશન એક ટ્રસ્ટ તરીકે કરવામાં આવ્યું. સને 1909માં આ સંસ્થાને સને 1860ના એકવીસમા કાયદાના અન્વયે – ‘ધ રામકૃષ્ણ મિશન’ના નામથી રજિસ્ટર્ડ કરવામાં આવી. રજિસ્ટર્ડ થયા પછી રામકૃષ્ણ મઠ અને મિશન પોતાની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર વિસ્તારવા માંડ્યું; અને દેશમાં તેમ જ વિદેશમાં પોતાની શાખાઓ શરૂ કરી. સર્વત્ર લોકોની ભૌતિક, બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક આવશ્યકતાઓને સહાયરૂપ થવા પ્રવૃત્તિઓનો પ્રવાહ વહેવા લાગ્યો.

પોતપોતાની શાખાઓ ધરાવતી રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠ એ બંને સંસ્થાઓ અલગ કાનૂની અસ્તિત્વ ધરાવતાં એકમો છે, છતાં રામકૃષ્ણ મિશનનું કાર્યવાહક મંડળ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટીઓનું બનેલું હોવાના કારણે બંને સંસ્થાઓ નિકટ રીતે સંકળાયેલી છે. મિશનનું વ્યવસ્થાતંત્ર મહદંશે રામકૃષ્ણ મઠના સાધુઓના હાથમાં હોય છે, અને બંનેનું વડું મથક બેલુર મઠ ખાતે છે. કાર્યપદ્ધતિમાં સ્પષ્ટ નિયમો ધરાવતું ટ્રસ્ટ મઠનું સંચાલન સંભાળે છે. મિશન એક રજિસ્ટર્ડ સોસાયટી છે, માનવમાં વિરાજેલા પ્રભુની સેવા એ જ સાચી સેવા – એ ભાવના સાથે આ બંને સંસ્થા માનવસેવા અને માનવકલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે, એ ખરું, કે રામકૃષ્ણ મઠ ધર્મ અને ઉપદેશ ઉપર ભાર મૂકે છે, જ્યારે મિશન મુખ્યત્વે સામાજિક ઉત્થાનને વરેલું છે. અત્રે એ દર્શાવવું જરૂરી છે, કે કોઈપણ સંસ્થા દ્વારા શ્રીરામકૃષ્ણ અથવા સ્વામી વિવેકાનંદના નામનો ઉપયોગ થાય તેનો અર્થ એવો નથી કે બેલુર મઠના વડા મથક દ્વારા તેનું સંચાલન થાય છે.

મઠ અને મિશન પોતપોતાનાં અલગ ભંડોળ ધરાવે છે, અને તે અંગેના જુદા હિસાબો રાખે છે. પોતાની સામાજિક પ્રવૃત્તિઓ માટે મઠ અને મિશન એ બંને સંસ્થાઓ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ જાહેર સંસ્થાઓ તરફથી અનુદાન મેળવે છે. આમ છતાં, મઠની અન્ય પ્રવૃત્તિઓ, જાહેર સખાવતો, પ્રકાશનોની આવક વગેરેમાંથી ચલાવાય છે, જ્યારે મિશન વિદ્યાર્થીઓની ફી, જાહેર દાનની રકમો વગેરે પર અવલંબે છે. મઠ અને મિશન એ બંનેના હિસાબો પ્રતિવર્ષ યોગ્ય લાયકાતવાળા ઓડિટરો દ્વારા તપાસવામાં આવે છે. આજે બેલુર મઠ (હાવડા, પ.બંગાળ) ખાતે આવેલા વડા મથકને બાદ કરતાં બધી મળીને કુલ 130 શાખાઓ છે.

Total Views: 422

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.