(ગતાંકથી આગળ)

તેમ છતાં, આપણામાંના ઘણાને લાગે છે કે, મનની શાંતિ માટે આવી લાંબી શરતો પાળવાનું ફાવશે નહિ. એક જ એવો નિયમ હોય તો પાળીએ, નહિ તો શાંતિને વિદાય આપીએ. આવા વિચારવાળાંને માટે મનની શાંતિની તક ખરી ?

હા, તેને માટે પણ તક છે. એવી કોઈ એક જ ચીજ છે કે, જે કરવાથી મનની શાંતિ મળે ? માણસ કંઈ જ ન કરે, પરંતુ હૃદયપૂર્વક અને ખરા મનથી પ્રભુમાં પ્રેમ રાખે અને પરમાત્માને શોધે તો મનની શાંતિ જરૂર મળે. ખરી રીતે એ માણસ શાંતિ માટે બધા નીતિ નિયમો પાળનાર કરતાં વધારે ડાહ્યો ગણાય. બીજાઓ જ્યારે સાપેક્ષ શાંતિના પ્રયત્નો કરતા હોય છે, ત્યારે આવા માણસોનો પ્રયત્ન સંપૂર્ણ શાંતિનો હોય છે. પરમાત્મા ઉપરનો સાચો પ્રેમ માણસમાં તેના માટે દૃઢ શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. ભગવાન જે કરશે તે તેના ભલા માટે જ કરશે અને એને હંમેશાં બચાવશે, અને એ રીતે સંસારની અનેક ઉપાધિઓ અને ચિંતાઓથી મુક્ત થાય છે. તે એવી શાંતિ મેળવે છે કે જેથી સંસારના બદલાતા સંજોગો તેને હેરાન કરતા નથી. એ સાચું છે કે, કેટલીક વખત આપણી તાકીદની જરૂરિયાત સાપેક્ષ શાંતિની હોય છે. એટલે પહેલી શરૂઆત એ માટે કરવાની હોય. પરંતુ આપણું છેવટનું ધ્યેય સંપૂર્ણ શાંતિનું હોવું જોઈએ. તે શાંતિ આપણી બૌદ્ધિક સમજની પેલી પારની વસ્તુ છે અને તેથી ઓછાથી સંતોષ માનવો ન જોઈએ. અને સાપેક્ષે શાંતિને માટે પણ જાણે અગર અજાણે આપણું હૃદય સંપૂર્ણ શાંતિમાં રહેવું જોઈએ.

શ્વેતાશ્વતર ઉપનિષદમાં સુંદર ભાષામાં કહેવામાં આવ્યું છે કે : “પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા સિવાય તો દુઃખનો અંત ત્યારે જ આવે જ્યારે માણસ આખા બ્રહ્માંડને ચામડાની જેમ વીંટાળી શકે.” (શ્વેતાશ્વતર ઉપનિષદ – 6/20)

વળી, કઠોપનિષદ જણાવે છે કે, “નાશવંત વસ્તુઓમાં એક અનંત સત્ય રહેલું છે, સભાન-સચેતન વસ્તુઓમાં તે એક સાચું ચૈતન્ય રહેલું છે, કે જે અદ્વૈત છે અને – ઘણાની ઇચ્છાઓ પૂરી પાડે છે. સુજ્ઞ પુરુષો કે જેઓ અનંત ચૈતન્યને પોતાનામાં જુએ છે, તેઓને જ શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે બીજાને નહિ.” (કઠોપનિષદ-2/2/13)

‘પળે પળે પરિવર્તન પામતા આ વિશ્વમાં ઓતપ્રોત અને તેની પાર એક એવું સત્ય સત્-ચિત્-આનંદ છે જેમાં પરિવર્તન થતા નથી અને તે તું છે.’ જ્યારે મનુષ્ય પોતાના જ અનુભવથી આ સત્ય પામે છે, ત્યારે સંપૂર્ણ શાંતિ કાયમી બને છે, ભલે જગતનું ગમે તે થાય.

જો સાપેક્ષ શાંતિ મનને કાબૂમાં રાખવાથી મળી શકતી હોય, તો અનંત શાંતિ આત્માના સાક્ષાત્કારથી અગરતો બ્રહ્મજ્ઞાનથી મળશે જ, કે જેનાથી મનુષ્ય અજ્ઞાન અને દુઃખથી મુક્ત થઈ જશે.

ઘણાએ અનંત શાંતિ મેળવી છે અને તેથી પણ વધારે માણસોએ સાપેક્ષ શાંતિ મેળવી છે. યોગ્ય સાધનથી, પરિશ્રમથી આપણે પણ એકલી સાપેક્ષ નહિ, પણ અનંત શાંતિ મેળવી શકીએ.

ભગવદ્ગીતામાં આપણને મનની શાંતિ માટે પ્રમાણભૂત અને અમૂલ્ય ઉપદેશ મળે છે. અહીં શ્રીકૃષ્ણનો મનની શાંતિ માટેનો ઉપદેશ મનોવૈજ્ઞાનિક અને ધાર્મિક રીતે એવો તો વણી લેવામાં આવ્યો છે કે તે બંને રીતો એકબીજાથી જુદી પડી શકે નહિ. આ ઉપદેશ મુજબ મનુષ્યના અસ્તિત્વનું ખરું કેન્દ્ર પરમાત્મા છે અને સંપૂર્ણ શાંતિ તે કેન્દ્રને પોતાનામાં સ્થાપીને તેનો અનુભવ કરવા ઉપર આધારિત છે. બધા યોગ અને આધ્યાત્મિક નિયમો આ જ વાતને સમર્થન આપે છે – ઈશ્વરનો સાક્ષાત્કાર અથવા આત્માનું પરમાત્મા સાથે જોડાણ થયાનો આધ્યાત્મિક પ્રકાશ મેળવવો. સંપૂર્ણ શાંતિ આ અનુભવમાંથી મળતું સ્વયંભૂ ફળ છે.

આવું સાંભળતાં કેટલાક એમ માને છે કે, આવી શાંતિ થોડા સિદ્ધ પુરુષો માટે જ શક્ય છે. સામાન્ય માણસો કે જેઓની પાછલી જિંદગી દોષમય અને પાપી છે, તેને માટે એ શક્ય નથી પરંતુ ગીતાની પ્રેરણાદાયક વાત એ છે કે, શ્રીકૃષ્ણ કોઈને બાદ કરતા નથી. શાંતિને ગમે તેવા પાપી પણ જો પોતાનાં પાપી કર્મોથી પાછો વળીને નિષ્ઠાપૂર્વક ભક્તિમાં લાગી જાય, તો તે શાંતિ મેળવી શકે છે. શ્રીકૃષ્ણ કહે છે :

“જો મોટામાં મોટો કુકર્મી હોવા છતાં અનન્ય ભાવથી મારી ઉપાસના કરે છે, તેને સાધુ જ સમજવો જોઈએ. કેમ કે, તેનો નિશ્ચય ઉત્તમ છે. હે કુન્તીપુત્ર ! તે થોડા જ વખતમાં ધર્માત્મા બની જાય છે અને નિત્ય શાંતિને પ્રાપ્ત કરે છે. એ તું નિશ્ચય સમજી લે કે, મારા ભક્તનો કોઈ કાળે નાશ થતો નથી.” (ગીતા  93/0-31) સાચે જ આવી દિવ્ય શ્રદ્ધા કોઈ પણ સાધકની શંકા દૂર કરશે.

બધા જ દિવ્ય અવતારોએ આ જ વાત કરી છે કે, પાપીઓને માટેય દ્વાર ખુલ્લાં જ છે અને તેઓ તેમની કૃપાને પાત્ર ગણાશે. જો તેઓ શુદ્ધ અંતઃકરણપૂર્વક પ્રશ્ચાત્તાપ કરે, જો તેઓ દંભી ન હોય તો પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે.

વળી, બધા જ સાધકો એક સરખી તૈયારીવાળા હોતા નથી એમ ધારીને શ્રીકૃષ્ણ જુદી જુદી કક્ષાના સાધકોને માફક આવે તેવી વાત કરે છે : “પહેલાં મારામાં મન લગાવ, પછી મારામાં બુદ્ધિ લગાવ, આ પછી તું મારામાં જ નિવાસ કરીશ. એમાં લગાર પણ શંકા નથી.”

“હે ધનંજય, અગર મારામાં તું મન સ્થિરતાથી લગાવી નથી શકતો તો સૌથી પહેલાં સતત પ્રયાસપૂર્વક યોગથી મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. જો તેમ કરવામાં પણ તું સમર્થ નથી, તો મારા માટે કર્મો કરવામાં તત્પર થા. જેના વડે કરીને તું સિદ્ધિને પ્રાપ્ત કરીશ. કદાચ તારાથી તે પણ ન થઈ શકે, તો આત્મનિગ્રહ કરીને સર્વકર્મોના ફળનો ત્યાગ કર અને મારામાં આશ્રય લે. કેમ કે અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યાગથી શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે.” (ગીતા  અધ્યાય 12/8થી 12)

એ સમજવાનું છે કે, અહીં “કર્મ ફળનો ત્યાગ”નો મહિમા ગવાયો છે. કારણ કે, કર્મનો માર્ગ સમજાવવાનો છે. કામમાં રોકાયેલ અજ્ઞાની માણસ માટે તેમજ ધ્યાન કરતા આગળ વધેલા સાધક માટે તૃષ્ણાનો ત્યાગ તરત જ મનની શાંતિ લાવે છે. એટલે તૃષ્ણા ત્યાગ બંને જાતના સાધકો માટે શાંતિ મેળવવાનો વ્યવહારું રસ્તો છે.

આપણે કર્મયોગી માટે ગીતાના મહત્ત્વના અનેક સંદેશોમાંથી એક જોયો. આ સંદેશ, જેઓ સંસારનાં ભૌતિક બંધનો છોડીને ફક્ત ધ્યાનના માર્ગે વળ્યા છે તેમને જ માટે ફક્ત સત્યરૂપ નથી. કર્મમાર્ગે પણ આધ્યાત્મિક અનુભૂતિ અને શાંતિ મળે છે. એવું જ્ઞાન ગીતા સિવાય જગતનાં બહુ જ થોડાં શાસ્ત્રોએ આપ્યું છે.

શ્રીકૃષ્ણ કહે છે : “યોગી કેવળ શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી સંગરહિત થઈને આત્મશુદ્ધિને માટે કર્મ કરતા રહે છે. યુક્ત પુરુષ કર્મફળથી મુક્ત થઈને નિષ્ઠાને પ્રાપ્ત કરવાવાળી શાંતિને મેળવે છે. ફળમાં આસક્ત, કામનાવાળા અને અયુક્ત પુરુષ કર્મથી બદ્ધ થાય છે.” (ગીતા : અધ્યાય 5/11-12)

આત્માની મુક્તિ અને શાંતિ અથવા બંધન મુક્તિ માટે કર્મ એ યોગ હોય તો તે કર્મ સાધન બને છે. શ્રીકૃષ્ણના ઉપદેશ મુજબ કોઈપણ મનુષ્યે કર્મ કર્યા સિવાય રહેવું ન જોઈએ. અને કર્મરત રહે તે જ યોગી છે. કર્મની પસંદગી તે તેની પોતાની અનુકૂળતા મુજબ જરૂર કરે, પરંતુ તે પસંદગી દુષ્ટ ન હોવી જોઈએ. કર્મયોગી તો એ જ કહેવાય કે જે આ કામમાં પરોવાયેલા છે તેમ છતાં તેમના કર્મના અહંથી મુક્ત છે, તેઓ પ્રભુની ખાતર જ કામ કરે છે એવો તેમનો દૃઢ વિશ્વાસ છે અને છતાં તેમનાં કર્મનાં ફળ તરફ રાગ નથી અને તેઓના ધ્યેય તરફ ભક્તિભાવથી દૃઢ છે તેઓ શાંતિ પ્રાપ્ત કરી શકે છે.

પરંતુ નિઃસ્વાર્થ કર્મ અને ભક્તિ સાથે જેઓને શાંતિ મેળવવી છે, તેમને માટે ધ્યાનનું મહત્ત્વ ગીતા બતાવે છે. શ્રીકૃષ્ણ કહે છે : “જે મનોનિગ્રહી નથી, તેની બુદ્ધિ સ્થિર થતી નથી. આત્મયોગ રહિત પુરુષને શાંતિ મળતી નથી. અને અશાંતને સુખ ક્યાંથી પ્રાપ્ત થશે ?” (ગીતા : અધ્યાય 2/66)

શ્લોક ઉપરથી શ્રીશંકરાચાર્ય લખે છે : “જે અસ્થિર છે તે ધ્યાનમાં મન ટકાવી શકતો નથી, ત્યાં પ્રજ્ઞા તથા આત્મજ્ઞાન હોઈ શકે નહિ. જે અસ્થિર છે, તે ધ્યાન કરી શકે નહિ. અને આત્મજ્ઞાન મેળવવા ઇચ્છા કરી શકે નહિ. તદુપરાંત જેને આત્મજ્ઞાન મેળવવાની ઇચ્છા નથી તેને શાંતિ હોય જ નહિ. ખરી રીતે તો આપણી તૃષ્ણાઓને ઇન્દ્રિયોના ભોગો તરફથી વાળી લઈએ તો જ સુખ પ્રાપ્ત થાય. તૃષ્ણા એ જ દુઃખ છે. જ્યાં તૃષ્ણા છે ત્યાં સુખનો પડછાયો પણ ન હોય. અરે, સુખની વાસ પણ ન હોય.”

આપણે હરવા ફરવાનો ત્યાગ કરવાનો નથી તેમજ શાંતિ મેળવવા માટે દુન્યવી બધી ઇચ્છાઓ છોડી દેવાનો પ્રયત્ન કરવાનો નથી. સમજવા જેવી વાત એ છે કે, માણસે પોતાના અંતરમાં ઊતરીને મનને એવી રીતે સ્થિર કરવાનું છે કે, બહારની કોઈ વસ્તુ તેને હલાવી શકે નહિ. આવા સ્થિતપ્રજ્ઞની સ્થિતિનું વર્ણન કરતાં શ્રીકૃષ્ણ કહે છે :

“જેવી રીતે સમુદ્રમાં ચોતરફી પાણી ભરાતું રહે છે. પણ તે પોતાની મર્યાદા છોડતો નથી, ઓછો વધારે થતો નથી. તેવી જ રીતે સર્વ કામોપભોગ સામે ઉપસ્થિત હોવા છતાં તે સમાન ભાવે રહે છે. સુખ-દુઃખની ન્યૂનાધિકતા રહેતી નથી તેને શાંતિ મળે છે. કામનાઓને ચાહવાવાળને શાંતિ મળતી નથી.” (ગીતા : અધ્યાય 2/70)

અને ધ્યાનની આ સ્થિતિ પ્રાપ્ત કરવાની રીતો બતાવે છે :- ‘આમ તેમ જોયા વગર શાંત મનથી અને બ્રહ્મચર્યવ્રતી થઈ મનને સંયમમાં રાખી મારામાં ચિત્ત લગાવી મત્પરાયણ થઈ ભયમુક્ત ભાવથી યોગમાં બેસ. આ પ્રકારે મનના સંયમપૂર્વક આત્માના યોગભ્યાસીને અંતમાં નિર્વાણને આપવવાળી અને મારા સ્વરૂપમાં સ્થિર કરવાવાળી શક્તિ પ્રાપ્ત થાય છે.” (ગીતા : અધ્યાય 4/14-15)

વળી, યજ્ઞની ભાવનાથી એ જ ધ્યેયને પ્રાપ્ત કરવા જે કર્મો કરતા હોય તેમને માટે શ્રીકૃષ્ણ ગીતાના ચોથા અધ્યાયમાં યજ્ઞના જુદા જુદા પ્રકાર બતાવે છે.

“હે પરંતપ, કર્મયજ્ઞથી જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. વાસના રહિત સર્વ કર્મ જ્ઞાનથી નષ્ટ થઈ જાય છે.” (ગીતા : અધ્યાય 4/33) “તત્ત્વદર્શી જ્ઞાની લોકો પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવા કરવાથી તને તે જ્ઞાનનો ઉપદેશ આપશે તેના જાણવાથી તને આવો મોહ ઉત્પન્ન થશે નહિ. અને તેના પ્રભાવથી તું સર્વ પ્રાણીઓને આત્મામાં અને મારામાં દેખી શકીશ.” (ગીતા : 4/35) કદાચ સર્વ પાપીઓથી પણ વધારે પાપ કરવાવાળો તું હોય, તો પણ જ્ઞાનરૂપી નૌકાથી તેને તું પાર કરી જઈશ.” (ગીતા : 4/36) “કેમ કે, આ લોકમાં જ્ઞાન કરતાં કોઈપણ અધિક પાવન કરવાવાળી વસ્તુ બીજી છે જ નહિ. યથાકાળમાં પુરુષ પોતાની અંદર જ તે જ્ઞાન મેળવે છે, ત્યારે તે યોગ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.” (ગીતા : 4/38) (ગીતા : અધ્યાય 4/33, 35, 36, 38) આ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે તેને સંપૂર્ણ શાંતિ કેમ પ્રાપ્ત થાય છે તે બાબત શ્રીકૃષ્ણ કહે છે :

“શ્રદ્ધાવાન, જ્ઞાનપરાયણ અને ઇન્દ્રિય સંયમ કરવાવાળાને જ્ઞાન લાભ થાય છે અને તે શીઘ્ર જ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે.” (ગીતા : અધ્યાય 4/38)

અલબત્ત, સંપૂર્ણ શાંતિ મેળવવા માટેની બધી જ શિસ્ત પાળવા માટે કેટલાકને ફાવતું નથી. તેવાઓને માટે કોઈ બીજી રીત છે કે જેથી તેઓ પણ શાંતિ પ્રાપ્તિ કરી શકે ? આવા સાધકો માટે શ્રીકૃષ્ણનું મહદ્ કૃપા ભર્યું આમંત્રણ છે :

“હે અર્જુન, ઈશ્વર સર્વના હૃદયમાં સ્થિત થઈને શરીર યંત્ર ઉપર ચઢાવેલા પ્રાણીઓને પોતાની માયા વડે ઘુમાવી રહ્યો છે.”

“હે ભારત ! તું સર્વ ભાવથી તેને જ શરણે જા. તેના પ્રસાદથી તને પરમ શાંતિ અને નિત્યધામ પ્રાપ્ત થશે.” (ગીતા : 18/61-62)

ભગવાન શ્રીકૃષ્ણના આ ઉપદેશથી આપણે જોઈ શકીએ છીએ કે, પરમશાંતિ, જો પ્રયત્ન કરવામાં આવે તો, દરેકને માટે શક્ય છે. તેમણે એવી રીતો બતાવી છે કે, જુદી જુદી પ્રકૃતિવાળાઓને તેમજ સાધારણ બુદ્ધિવાળા માણસોને પણ માફક આવે તેવી છે. જેઓને જીવવાનો શું અર્થ છે. તે બાબતની સ્પષ્ટ સમજણ છે તેઓને પરમ શાંતિના ધ્યેય તરફ આગળ વધવાનો એક માર્ગ છે. પરમશાંતિની આ શક્યતાને જેઓ સિદ્ધાંત તરીકે પણ માનતા હોય તેમને પણ સાપેક્ષ શાંતિ મેળવવામાં અને આપણા અસ્તિત્વના ગુણને વધારવામાં મદદરૂપ થશે.

પરંતુ શાસ્ત્રોમાં બતાવેલ શાંતિના આ બધા ઉપદેશોનો સ્પષ્ટ ધ્વનિ એ છે કે : જોકે મનુષ્યમાં દિવ્ય શક્યતાઓ છે જ – તે તેની મૂળભૂત પ્રકૃતિ છે એમ સમજીને તેણે શાશ્વત શાંતિ પામવાનું ધ્યેય રાખવું. (સમાપ્ત)

Total Views: 431

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.