2 ઑક્ટોબર, મહાત્મા ગાંધી જયંતી પ્રસંગ

[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બે ઉપાધ્યક્ષોમાંના એક છે અને રામકૃષ્ણ મઠ, હૈદરાબાદના અધ્યક્ષ છે. ગાંધી જન્મશતાબ્દીના પ્રસંગે પ્રથમ પ્રકાશિત થયેલો આ લેખ ‘વિવેક શિખા’ (ઑક્ટોબર ’86)માંથી સાભાર લેવામાં આવેલ છે. ભાષાંતરકાર – શ્રીમતી પુષ્પા પંડ્યા.]

દુનિયાના મહાન નેતાઓને બે વિભાગમાં વહેંચી શકાય. પહેલા વિભાગમાં એ નેતાઓ આવી શકે કે જેમનો પોતાના સમકાલીન લોકોનાં જીવન અને વિચારો પર વત્તે-ઓછે અંશે પ્રભાવ હોય છે. પરંતુ તેમના મૃત્યુની સાથે જ આ પ્રભાવ જલદીથી ઓસરી જતો દેખાય છે. જ્યારે બીજા વિભાગમાં જે નીવડેલા એવા થોડા નેતાઓ આવે છે કે જેઓ પોતે આ સંસારમાંથી વિદાય લઈ લે છે તે પછી પણ પોતાના જીવન અને સંદેશથી લાંબા સમય સુધી માનવતાને પ્રભાવિત કરતા રહે છે. બીજા વિભાગના આ નેતાઓમાં એવી મહાનતા હોય છે કે જે સમયના પ્રભાવને પાર કરી જાય છે. સંસારની પ્રત્યેક વસ્તુને કાળ પોતાના નિર્મમ પ્રવાહમાં વહેવડાવી દે છે પરંતુ આ મહાપુરુષોના યશરૂપી શરીરનું તો તે કંઈ બગાડી શકતો નથી. આ મહાનતા તે નેતાના જીવન અને સંદેશમાંથી પ્રાપ્ત થતી એવી સ્થાયી અને ગંભીર મહત્ત્વની વસ્તુ પ્રગટ કરે છે કે જે તેના અસ્થાયી અને ક્ષણભંગુર વિચારો તથા મૂલ્યોથી પર હોય છે. ગાંધીજી આ બીજા વિભાગના નેતા હતા.

પોતાના જીવનનાં સૌ મુખ્ય અને કેન્દ્રિય ધ્યેય તરીકે આધ્યાત્મ-સાધનોને ગણાવતાં ગાંધીજીએ લખ્યું છે: “હું મારા જીવનનાં આ ત્રીસ વર્ષોમાં જે લક્ષ્યને પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરતો રહ્યો છું અને જે મારા જીવનની સૌથી મોટી અભિલાષા રહી છે, તે આત્મસાક્ષાત્કારની છે. હું પરમાત્માનાં સાક્ષાત દર્શન કરવા ઇચ્છું છું. મારો ઉદ્દેશ મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. હું આ લક્ષ્ય પ્રાપ્ત કરવા જીવું છું અને મારા બધાં કાર્યો એ તરફ જ અભિમુખ છે. હું બોલીને અને લખીને જે કંઈ કરવા કે કહેવા માગું છું તથા રાજનૈતિક ક્ષેત્રમાં હું જે કંઈ પ્રયત્નો કરું છું તે બધા જ આ એક જ ઉદ્દેશ્યનો નિર્દેશ કરે છે.1

તેમના મૃત્યુનાં વીસ વર્ષ પછી અને પ્રથમ જન્મશતાબ્દીના પ્રસંગે આપણે તેમનાં જીવન અને કાર્યોનો એ દૃષ્ટિથી અભ્યાસ કરવો જોઈએ કે તેમાં ક્યાં સ્થાયી તત્ત્વો છે અને તેમાંતી આપણે શો લાભ મેળવી શકીએ તેમ છીએ. આ જ આપણું ઉચિત કર્તવ્ય હોઈ શકે. વીસ વર્ષના આ ટૂંકા ગાળામાં એમની સામાજિક અને આર્થિક યોજનાઓ તથા કાર્યક્રમોની અનેક બાબતો પોતાનું મહત્ત્વ ખોઈ બેઠી છે. પોતાનાં ભાષણોમાં ગાંધીજીએ પોતે જ તેની એવી સંભાવના વ્યક્ત કરી છે. પોતાની પાછળ ગાંધીવાદના નામ પર કોઈ સંપ્રદાય ઊભો થાય તેને તેઓ બિલકુલ પસંદ કરતા નહોતા. કારણ કે, તેઓ સત્યાચરણને માટે અતિ આગ્રહી હતા. સત્યનું અનુસંધાન ભૌતિક વિજ્ઞાન, સામાજિક જીવન કે આધ્યાત્મિક જીવનના કોઈપણ ક્ષેત્રમાં રૂઢિગત સ્થિર સિદ્ધાંતો પ્રતિ આસક્તિ હોય તે ચલાવી શકાય નહીં. આ દૃષ્ટિએ જોવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે વિચાર્યા વગરની સતત સુસંગતિ નાનકડા ભેજાની જ પેદાશ છે.

ગાંધીજીએ ‘હરિજન’માં (30-9-1939, પૃષ્ઠ 282) આ વિષય પર લખ્યું છે કે: “મારું લક્ષ્ય કોઈ વિશેષ પ્રશ્ન પર પહેલા જે વક્તવ્યો પ્રગટ કર્યાં હોય તેની સાથે સુસંગત વિચારો વ્યક્ત કરતા રહેવાનું નથી. તેના કરતાં મારું લક્ષ્ય ચોક્કસ સમયે મારી સમક્ષ સત્ય જે રૂપમાં પ્રસ્તુત થાય છે તેની સાથે સુસંગત થવાનું છે. એનું પરિણામ એ આવ્યું છે કે હું એક સત્યથી બીજા સત્ય તરફ આગળ વધતો બરાબર વિકસિત થતો રહ્યો છું.”

સત્ય પ્રત્યેના આ પ્રેમને કારણે ગાંધીજીએ કોઈ સંપ્રદાય કે સંગઠન સાથેના બંધનનો અસ્વીકાર કર્યો છે. ‘યંગ ઈંડિયા’માં (25-8-1921, પૃષ્ઠ 267) ગાંધીજીએ લખ્યું છે કે: ‘સિમલાથી પત્રવ્યવહાર કરનાર એક વ્યક્તિએ વારંવાર મને એ જ પ્રશ્ન પૂછ્યો છે કે શું હું કોઈ સંપ્રદાય બનાવવા માગું છું? અથવા કોઈ પ્રકારની દિવ્યતાનો દાવો કરું છું? મારા પોતાના એક પત્રમાં મેં તેને જવાબ આપી દીધો છે પરંતુ પત્રલેખક ઇચ્છે છે કે આવનારી પેઢી માટે હું તેની સાર્વજનિક ઘોષણા કરી દઉં. મેં ખૂબ જ રૂઢ રીતે સ્પષ્ટ ભાષામાં એ વ્યક્ત કરી દીધું છે દિવ્યતા માટેનો મારો કોઈ પ્રકારનો દાવો નથી. હું ભારત અને માનવજાતનો એક નમ્ર સેવક હોવાનો દાવો કરું છું અને તેની જ સેવા કરતો રહીને મૃત્યુ પામવા ઇચ્છું છું. હું કોઈ પણ પ્રકારનો સંપ્રદાય સ્થાપવા માગતો નથી. વસ્તુતઃ મને મારા કોઈ સંપ્રદાય અથવા અનુયાયી વર્ગથી સંતોષ થઈ જ ન શકે, કારણ કે હું કોઈ નવાં સત્યોને પ્રતિપાદિત કરતો નથી. હું તો ફક્ત સત્યને જે રૂપમાં જાણું છું તે જ રૂપમાં તેનું પ્રતિપાદન કરું છું. અને મારો એ પ્રયાસ હોય છે કે એ જ રૂપમાં હું તેનું અનુસરણ કરું. મારો અવશ્ય એવો દાવો છે કે અનેક પ્રાચીન સત્યો પર મેં નવો પ્રકાશ પાડ્યો છે.’

ગાંધીજીના સંદેશનો શાશ્વત આત્મા સત્ય અને અહિંસામાં વસેલો છે. તેમણે પોતે જ આ હકીકત પર કેટલીયે વાર પ્રકાશ પાડ્યો છે. આ દિશામાં ગાંધીજીની અદ્વિતીય ભેટ એ છે કે તેમણે આ મહત્ત્વપૂર્ણ ગુણોનો પ્રયોગ સામૂહિક, સામાજિક તથા રાજનૈતિક જીવન અને કાર્યોનાં અનેક ક્ષેત્રોમાં કર્યો છે. તેમણે જે આગ્રહની સાથે આધ્યાત્મિક અનુસંધાન કર્યું હતું તે જ આગ્રહ સાથે તેમણે સર્વત્ર માનવીય આત્માની સ્વતંત્રતા અને ગરિમાની રક્ષા માટે તેનું સંઘર્ષમાં પણ રૂપાંતર કર્યું હતું. તેમણે રાજનીતિમાં આ મૂલ્યોને પ્રતિષ્ઠિત કરીને તેને માનવીય વિકાસમાં મહાન ઉદ્દેશ્યની સિદ્ધિનો એકમાત્ર માર્ગ બનાવી દીધો. તેમણે માનવ-પ્રાણીને દેવતુલ્ય માનવના રૂપમાં વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો, તેમણે માનવજાતને ભાગ્યને ચૌટે ઊભેલી જોઈ હતી. ગત કેટલીક શતાબ્દીઓમાં મનુષ્યની પ્રજ્ઞા સંપૂર્ણ શિસ્તબદ્ધ અને ધારદાર થઈ ચૂકી છે. મનુષ્ય શક્તિ તથા સત્તાનાં વિરાટ સાધનોનો સ્વામી બની ચૂક્યો છે. પરંતુ આધ્યાત્મિક દિશા-નિર્દેશના અભાવમાં આ સંપૂર્ણ પ્રગતિએ મનુષ્યની પાશવિક ક્ષુધાને જ ઉત્તેજિત કરી છે. તેના આંતરિક સંઘર્ષો અને તાણને વધારે ઊંડા કર્યા છે. જેના ફળસ્વરૂપે સંસારમાં ઘૃણા, હિંસા અને યુદ્ધનું વાતાવરણ તૈયાર થતું રહ્યું છે. પોતાના અનેક સમકાલીન વિચારકોની જેમ જ ગાંધીજીએ પણ એ વાતની આવશ્યકતા સ્વીકારી હતી કે મનુષ્યે પોતાના ભૌતિક અને બૌદ્ધિક જીવનમાં જે વિકાસ કર્યો છે તેને અનુરૂપ પોતાના આધ્યાત્મિક જીવનમાં પણ વિકાસ કરવો જોઈએ. તેનું ભૌતિક અને બૌદ્ધિક જીવન આધ્યાત્મિક જીવન કરતાં વધારે પ્રત્યક્ષ અને વાસ્તવિક હોય છે. પરંતુ આધ્યાત્મિક જીવન એટલું પ્રત્યક્ષ અને વાસ્તવિક હોતું નથી પણ વીસમી શતાબ્દીના જીવવિજ્ઞાને એ સિદ્ધ કરી દીધું છે કે મનુષ્યના વાસ્તવિક વિકાસનું ક્ષેત્ર વિશેષ રૂપથી તેનું આધ્યાત્મિક જીવન જ છે. જ્યારે મનુષ્યની જીવન શક્તિને આધ્યાત્મિક દિશા મળે છે ત્યારે જ તે સાચો માનવ બની શકે છે અને ત્યારે જ તેનું જીવન સારું જીવન બને છે. તેમાં નિષ્ફળ થવાથી તેની જીવનશક્તિ જડ થઈ જાય છે. અને તેની આંતરચેતના મૂર્છિત થવા લાગે છે. એવી સ્થિતિમાં તેનું જીવન મિથ્યા થઈ જાય છે. અને તેને ન પૂરી શકાય તેટલી હાનિ પહોંચે છે. કેન ઉપનિષદ (2.5)માં તેની ઉદ્ઘોષણા આ શબ્દોમાં કરવામાં આવી છે:

‘इह चेदवेदिदथ सत्यमस्ति

न चेदिहावेदिन्महती विनष्टिः’

“જ્યારે મનુષ્ય અહીં (આ જીવનમાં) અનુભવ કરી લે છે (પોતાના આધ્યાત્મિક પરિભ્રમણોનો) ત્યારે તે ખરેખરા જીવનનો અનુભવ કરી શકે છે. જો તે અહીં આ અનુભવ કરવામાં નિષ્ફળ જાય છે તો તેને ઘણી જ ખોટ સહન કરવી પડે છે.”

ગાંધીજી કેવળ મૌખિક સત્યના આગ્રહી નહોતા. તેઓ એવા સત્યની શોધમાં હતા કે જે સમગ્ર જીવન અને અનુભવના કેન્દ્રમાં અન્તર્નિહિત રહેલું હોય. જ્યારે આપણે ક્રમશઃ તેમના સત્યસંધાનના ઊંડાણમાં ઊતરવા લાગીએ છીએ ત્યારે આપણને તેમના સામાન્ય જીવનના સ્વભાવ પર પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સ્વભાવના અંતરંગ સત્યના દર્શન થાય છે અને આપણે તેમનાં પ્રાણીમાત્ર સાથેના તાદાત્મ્ય અને આધ્યાત્મિક એકતાનો અનુભવ કરવા લાગીએ છીએ. આ શોધનું એક સ્વાભાવિક પરિણામ એ છે કે આપણે  પ્રાણીમાત્ર પ્રત્યે ક્રમશઃ આપણો પ્રેમ વધારતા જઈએ. કારણ કે આધ્યાત્મિક ઐક્ય અને બંધુત્વની ચેતનામાંથી જ પ્રેમનો ઉદ્ભવ થાય છે. એટલે ગાંધીજીએ સત્ય પ્રત્યેના પોતાના આગ્રહને, પ્રેમ પ્રત્યેના પોતાના આગ્રહની સાથે જોડી દીધો અને તેને અહિંસાની સંજ્ઞા પ્રદાન કરી. ગાંધીજીએ પોતાની ચોતરફ માનસિક અને ભૌતિક હિંસાનું બાહુલ્ય જોયું. એટલે જ તેમણે અહિંસા પર આટલું જોર દીધું છે. તો પણ તેમને એ સંદેહ સતત રહ્યા કરતો કે સામાન્યતઃ બને છે તેમ લોકો તેમની અહિંસાને નિષેધાત્મક અર્થમાં ગ્રહણ કરવા લાગે. એટલે તેમણે વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે, અહિંસા પ્રેમની વાસ્તવિક અને વિધેયાત્મક શક્તિ છે. પ્રેમના આ વિધેયાત્મક સિદ્ધાંત દ્વારા જ કોઈક પ્રકારની સક્રિય સામાજિક નૈતિકતા ગ્રહણ કરી શકાય અને તેનું પોષણ પણ કરી શકાય. અહિંસાના નિષેધાત્મક સિદ્ધાંતથી આ કદી સંભવી ન શકે. ગાંધીજી મુખ્યત્વે ગતિશીલ સામાજિક નૈતિકતાના ઉપદેશક તથા એનું વ્યવહારમાં આચરણ કરનારા હતા. તેમની નૈતિકતાનો ઉદ્દેશ આધ્યાત્મિક દૃષ્ટિથી સંવેદનશીલ સ્ત્રી-પુરુષોમાં અંતર્નિહિત પ્રેમનાં સ્રોતને મુક્ત કરવાનો છે જેથી સમગ્ર સમાજની નૈતિકતા ઉન્મત્ત અને સુદૃઢ થઈ શકે. ફક્ત સમાજ પોતાનાં સભ્યોને સર્વાંગીણ વિકાસની પ્રેરણા દઈ શકે.

ગાંધીજીના રાજસત્તા સંબંધી વિચારો તેમના ઉપર્યુક્ત માનવસ્વભાવ સંબંધી દર્શન પર જ આધારિત છે. સ્વતંત્ર ભારતમાં લોકતાંત્રિક રાજસત્તા સંબંધી પોતાની પરિકલ્પના પ્રસ્તુત કરતાં ગાંધીજીએ કહ્યું છે:

‘હું એ બતાવી દેવાની આશા રાખું છું કે કેટલાક લોકો સત્તા પ્રાપ્ત કરી લે તેથી સાચું સ્વરાજ્ય આવતું નથી. પરંતુ બધા લોકો દ્વારા એ સત્તાના દુરુપયોગ સામે પ્રતિરોધ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાથી જ તે આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, સત્તાના નિયમન અને નિયંત્રણ માટેના પોતાના સામર્થ્ય પ્રત્યે જનતાને સજાગ કરવાના શિક્ષણ દ્વારા જ સ્વરાજ્યની ઉપલબ્ધિ થઈ શકે.’2

રાજસત્તા એ નાગરિકની પરિપૂર્ણતાની અભિલાષાની પૂર્તિની સાધિકા છે. એનું સંવર્ધન અને વિકાસ જ રાજસત્તાના અસ્તિત્વનું ઔચિત્ય છે. આ સંવર્ધન અને વિકાસ મુખ્યત્વે મનોવૈજ્ઞાનિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક હોય છે. પરંતુ તેમાં આધારરૂપે આર્થિક સુરક્ષા અને રાજનૈતિક સ્થિરતા અપેક્ષિત છે. વિવેકપૂર્ણ સહકારી શ્રમ તથા અન્યોન્યાશ્રયની નૈતિક ચેતનાથી ઉદ્ભવેલ સેવા ભાવનાથી જ તેને પ્રાપ્ત કરી શકાય છે. આને માટે સમાજમાં સત્ય અને અહિંસાના અવિભાજ્ય મૂલ્યોનો વ્યાપક ફેલાવો અપેક્ષિત છે. રાષ્ટ્રના નાગરિકોની પ્રગતિ નૈતિક સ્તર સુધી ન થઈ જાય ત્યાં સુધી લોકતંત્રનું અસ્તિત્વ અનિશ્ચિત બની રહે છે. આ બાબતમાં ગાંધીજી કહે છે:

‘લોકતંત્રના સંબંધમાં મારી એવી ધારણા છે કે તેમાં એકદમ નબળા વર્ગના લોકોને પણ, જેઓ બધી રીતે પ્રબળ છે તેમના અધિકારો જેવા જ અધિકારો મળવા જોઈએ. અહિંસા વગર આ કદી સંભવી શકે નહીં.’3

ઓગણીસમી સદીના જીવવિજ્ઞાનની વિકાસ-પ્રક્રિયાનું જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેમાં પ્રેમનાં નૈતિક મૂલ્યો તથા માનવ તરફની માનવની શુભ ભાવનાને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. જેમ કે ટોમસ હક્સલેએ પોતાના ‘ઇવોલ્યુશન ઍન્ડ એથિક્સ’ નામના ગ્રંથમાં જણાવ્યું છે કે, પેલા જીવ વૈજ્ઞાનિકોના મતે તો વિકાસનો અર્થ ફક્ત એટલો જ હતો કે અસ્તિત્વ માટેના સંઘર્ષમાં જે યોગ્યતમ પુરવાર થાય તે જ બાકી રહે. જ્યારે નીતિશાસ્ત્ર અનુસાર વિકાસનો અર્થ એ થાય છે કે, શક્ય હોય ત્યાં સુધી વધારેમાં વધારે લોકોને પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સમર્થ બનાવવા. આ રીતે ઓગણીસમી સદીમાં વિકાસની કલ્પના નીતિશાસ્ત્રને સમાંતરે ચાલી રહી હતી. પરંતુ વીસમી શતાબ્દીમાં જીવવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પ્રગતિ થઈ છે તેણે માનવીય સ્તર પર નૈતિકતાને વિકાસનું કેન્દ્રબિંદુ માની લીધું છે.

આધુનિક યુગના મુખ્ય જીવવિજ્ઞાની સર જૂલિયન હક્સલે ‘વિકાસની પરિકલ્પના’ વિષય પર વિચાર કરતાં વિકાસની પ્રક્રિયાને એક આધ્યાત્મિક દિશા આપી છે, મનુષ્યનો વિકાસ ફક્ત જૈવિક નથી પરંતુ તે મનોસામાજિક પણ છે, જેમાં માનસિક ક્રિયાકલાપો અને તેનાં પરિણામોનાં સમુચ્ચયાત્મક આત્મપ્રક્ષેપણ અને આત્મવૈવિધ્ય સમાયેલાં છે. એવી સાંસ્કૃતિક પરંપરાના માધ્યમથી તે ક્રિયાન્વિત થાય છે. એટલે વિકાસની માનવીય સ્તર પર પ્રગતિના પ્રમુખ ચરણ આવી વૈચારિક અને માનસિક ક્રાંતિઓ દ્વારા અગ્રેસર થાય છે. જેનાં જ્ઞાન, વિચાર અને વિશ્વાસનાં માનસિક સંઘટનોમાં નવાં પ્રભાવી પ્રતિરૂપો બહાર આવે છે. આ સંઘટનો, શરીરસ્થિત અથવા જૈવિક નહીં પરંતુ વૈચારિક હોય છે.4

વીસમી સદીમાં જીવવિજ્ઞાનમાં જે ક્રાંતિકારી પ્રગતિ થઈ તે અનુસંધાને માનવીય વિકાસના લક્ષ્ય તરીકે મહત્તર પરિપૂર્ણતાને માનીને હક્સલેએ કહ્યું છે:

‘આપણા વર્તમાન જ્ઞાનને અનુલક્ષીને એમ કહી શકાય કે મનુષ્યનું સર્વોત્તમ વ્યાપક લક્ષ્ય ફક્ત અસ્તિત્વનું રક્ષણ કરવું. સંખ્યાવૃદ્ધિ સંઘટનની વર્તમાન જટિલતા કે પર્યાવરણ પરનું તેનું વર્તમાન નિયંત્રણ જ નથી. પરંતુ એક ઉચ્ચ કક્ષાની પરિપૂર્ણતા છે. આ પરિપૂર્ણતા માનવજાતિ દ્વારા સામૂહિક રૂપમાં વધારેમાં વધારે સંભાવનાઓની અપેક્ષાકૃત વ્યાપક ઉપલબ્ધિ અને વ્યક્તિગત રૂપે તેના વધારેમાં વધારે સભ્યોના સહ-અસ્તિત્વની ચેતનામાં સમાયેલાં છે.’5

પરિપૂર્ણતાના આ નિશ્ચિત ફેલાવાના વૈજ્ઞાનિક અધ્યયન પર ભાર મૂકતાં હક્સલે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે:

‘જો એકવાર આપણે મહત્તમ પરિપૂર્ણતાને મનુષ્યનું ચરમ અથવા સર્વાધિક પ્રભુત્વકારી લક્ષ્ય માની લઈએ તો માનવીય સંભાવનાઓ માટે આપણને એક એવા વિજ્ઞાનની જરૂર પડશે કે જે હવે પછી આવનાર મનોસામાજિક વિકાસની દીર્ઘ યાત્રામાં આપણું માર્ગદર્શન કરી શકે.’6

આંતરમાનવીય સંબંધોમાં સત્ય અને અહિંસાના પ્રતિષ્ઠાપન માટે ગાંધીજીએ જે સંદેશો આપ્યો છે તેમાંથી “માનવીય સંઘટનના નવા માનસિક પ્રતિરૂપોની દિશામાં અગ્રેસર વૈચારિક ક્રાંતિઓ” જેવી એક મુખ્ય ક્રાંતિ જ પરિલક્ષિત થાય છે. ગાંધીજી કહે છે:

‘આશ્ચર્યોના આ યુગમાં કોઈ વિચાર કે વસ્તુ નવીન છે માટે જ તે મૂલ્યહીન છે એમ કોઈ નહીં કહે. વળી, મુશ્કેલ હોવાને કારણે પણ તેને અસંભવ કહી દેવું, તે પણ યુગની ભાવનાને અનુરૂપ નથી, આપણે જે ચીજોની સ્વપ્નામાં પણ કલ્પના નહોતી કરી તે રોજબરોજ પ્રત્યક્ષ દેખાઈ રહી છે. અસંભવ સંભવ બની રહ્યું છે. આજકાલ હિંસાને ક્ષેત્રે જે આશ્ચર્યજનક શોધો થઈ રહી છે તેથી આપણે નિરંતર ચકિત થતા રહ્યાં છીએ. પરંતુ મારી એવી માન્યતા છે કે અહિંસાને ક્ષેત્રે શોધો થશે કે જે વધારે અકલ્પનીય છે અને જે આજે વધારે અસંભવ લાગે છે.’7

આ એ જ વિજ્ઞાન છે કે જે સંસારના સમસ્ત ધર્મોનું આધ્યાત્મિક સારતત્ત્વ છે. માનવીય સંભાવનાઓનું આ જ વિજ્ઞાન છે. ગાંધીજીએ આ જ વિજ્ઞાનને પોતાના સંદેશ અને તેથી આગળ જઈએ તો પોતાના જીવનના ઉદાહરણથી અત્યધિક સમૃદ્ધ બનાવેલ છે.

સંદર્ભ – સૂચિ

(1)           ‘એન ઓટોબાયોગ્રાફી’, ભૂમિકા, પૃષ્ઠ 4-5

(2)          નિર્મલકુમાર બોઝ ‘સિલેક્શન્સ ફ્રોમ ગાંધી‘, પૃષ્ઠ 101

(3)          ડી. જી. તેંડુલકર; ‘લાઈફ ઑફ મોહનદાસ કરમચંદ ગાંધી’, ભાગ 5, પૃષ્ઠ 343

(4)          જુલિયન હક્સલે, ‘એવોલ્યુશન આફટર ડાર્વિન, ભા. 1, પૃ. 20

(5)          એજન, ભાગ 3, પૃષ્ઠ 251

(6)          એજન, ભાગ 1, પૃષ્ઠ 21

(7)          ‘હરિજન’: 25-4-1940, પૃષ્ઠ 160

Total Views: 430

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.