(ગતાંકથી આગળ)

ઉદરામય અને ચિકિત્સા: કાઠિયાવાડ પ્રદેશના લોકોને અતિશય ઘીવાળી વાનગીઓ ખાવાની ટેવ. એમને ચુરમાના લાડુ ખવડાવવા બહુ ગમે. એ રીતે થોડી ઘણીવાર ઘીવાળી ચીજો ખાવાને લીધે મારું પેટ બગડી ગયેલું. એ જાણવામાં આવતાં મણિશંકરજીએ મારા માટે એક મહિના લગી સુશ્રુતે કરેલી ‘સર્વોપઘાત શમનીય રસાયણ’ની વ્યવસ્થા કરી.

ત્યાં વૈદ્યો દવા શરૂ કરતાં પહેલાં ચયન, વમન, સ્વેદન, બસ્તીકરણ વગેરે ષટ્કર્મોની વ્યવસ્થા કરે. પરંતુ મને માત્ર ચયન (જુલાબ) આપેલું. એ ચિકિત્સા મુજબ રોજ વહેલી સવારે ગરમ ગરમ ગુડુચીના ક્વાથ જોડે અડધો તોલો જેઠીમધ અને વાવડીંગનાં ચૂર્ણ ખાધા પછી થોડાક દસ્ત થઈ જાય. પછી સામલક મુગ્દદૂલ (દુકાનમાંથી ખરીદેલાં સૂકાં આમળાં અને આખા મગ મીઠા વગર ભેગાં બાફીને) મસળીને ઠરાવેલા પ્રમાણમાં ઘીવાળા લાલ ચોખાના ભાતની જોડે રોજ એકવાર ખાવાનાં.

ચરક સુશ્રુત વગેરેમાં છે કે, ‘રક્તશાલી મહાશાલી પથ્યમત્વે શ્રેષ્ઠતમઃ.’ એમાં મીઠું સુધ્ધાં નહિ નાખવાનું. મીઠા વગરનો ઘીવાળો ભાત ખાવો જરાપણ ભાવતો નહિ. પણ પંદરથી વધારે દિવસો લગી એ પ્રમાણે ખાધા પછી સહેજસાજ ખારો સ્વાદ જણાતો. એ પ્રમાણેનાં ઔષધ પથ્યનું સેવન મેં લગભગ એક મહિના લગી કરેલું.

હું જ્યારે જામનગર હતો ત્યારે મણિશંકરજીના મોટા ભાઈ સુપ્રસિદ્ધ વૈદ્ય ઝંડુભટ્ટજી જામસાહેબની ચિકિત્સાને માટે બીજે સ્થળે હતા. તેમણે આવીને મને જોઈને કહ્યું કે, હજી બીજા એક મહિના લગી એ જ રીતે ઔષધ પથ્યનું સેવન કર્યું હોત તો સારું થાત.

નાગર બ્રાહ્મણ: ભટ્ટજીઓ છ ભાઈ હતા. એઓ પ્રશ્નોરા તથા વીસનગરા. વડનગરા તથા વીસનગરા બ્રાહ્મણો ઘણું કરીને દેશી રાજ્યોમાં તથા સરકારના ઉચ્ચ શ્રેણીના અમલદારો. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણોમાં ઉચ્ચ શ્રેણીના વૈદ્યો, પંડિતો તથા પુરાતત્ત્વવિદો છે. પુરાતત્ત્વવિદોમાં ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ પ્રખ્યાત છે. મુંબઈના જે પ્રસિદ્ધ વૈદ્યરાજ જોડે મારો મેળાપ થયેલો તેમનું નામ અત્યારે યાદ આવતું નથી.

જામનગરમાં બે શ્રેણીના બ્રાહ્મણો છે. એક મુષ્ટિભિક્ષા કરીને જીવન ગુજારે. એ લોકો ભિક્ષુક બ્રાહ્મણ. એમની સંખ્યા લગભગ પાંચ હજાર જેટલી. બીજી શ્રેણી પૈસેટકે સુખી ગૃહસ્થોની. મજાની વાત તો એ કે ભિક્ષુક શ્રેણીના બ્રાહ્મણો પૈસેટકે સુખી થયા છતાં પણ ભિક્ષા માગે.

બાબાભાઈ વૈદ્ય: ધન્વંતરીધામે જ્યારે સુશ્રુતોક્ત ‘સર્વોપઘાત-શમનીય રસાયણ’નું સેવન કરી રહેલો હતો, ત્યારે વચમાં વચમાં ઉદયપુરના મહારાણાના રાજવૈદ્ય વિખ્યાત બાબાભાઈ વૈદ્ય સસ્તી કાષ્ઠૌષધિ લેવાનું છોડીને એમની સુવર્ણપટવટિ ઔષધ લેવાને માટે ઘણો આગ્રહ કરતા.

તેઓ એક પ્રખ્યાત રસવૈદ્ય હતા. પારદનિર્મિત ઔષધના પ્રયોગથી તેઓ અસાધ્ય રોગથી પીડાઈ રહેલાને રોગમુક્ત કરતા. ચરક સુશ્રુતમાં પારદનિર્મિત ઔષધોની વ્યવસ્થા ન જોઈને હું એનું સેવન કરવા માટે સંમત થયો નહિ. ચરક સુશ્રુતમાં લોહ, સુવર્ણ, માક્ષિક વગેરે ધાતુઓનો પ્રયોગ છે. તથા ઉપધાતુ મનઃશિલાનો ઉલ્લેખ જોવા મળે છે. ‘રસચંદ્ર ચિંતામણિ’નું નામ પણ ઘણું આધુનિક છે. વૈદકના ગ્રંથોમાં એનો બહોળો પ્રયોગ છે. એ તાંત્રિક ગ્રંથ છે. આચાર્ય પ્રફૂલ્લચંદ્ર રાય નાગાર્જુનને જ રસાયણના સૌથી મુખ્ય આચાર્ય તરીકે ગણાવે છે.

શેઠજીને ઘેર આગમન: મણિશંકરજી પોતાને ‘રસૈશ્વરાચાર્ય’ કહીને ઓળખાવતા. તેઓ દરરોજ એક પારદ લિંગની પૂજા કરતા, પારાના તેઓ ભારે ભક્ત તથા પારાને બ્રહ્મ કહેતા. એમની પાસે એ ચાર મહિનામાં મારું ચરક અને સુશ્રુત ભણવાનું પૂરું થયું. વાગ્ભટ્ટ તથા ભાવપ્રકાશનો પણ થોડોક અભ્યાસ કર્યો.

બે-ત્રણ મહિના રહ્યા પછી શંકરજી શેઠ (બેંકર) ઘણીવાર અમારી પાસે આવતા. તેઓ જાણીતા ધનવાન તથા દાતા હતા. એક મહિના લગી સુશ્રુતોક્ત ઔષધના સેવનના પરિણામે મને અતિશય દુર્બળ થઈ ગયેલો જોઈને તેઓ મને પોતાને ઘેર લઈ ગયા. ત્યાં હું લગભગ ચાર મહિના લગી બપોરે દૂધભાત અને રાત્રે ફક્ત દૂધ લઈને રહેલો.

પ્રગટ કરવા જેવી ન હોવા છતાં પણ દેશાચાર સંબંધે મારે વિસ્તારથી બધી વાત લખવી પડશે. એમ કરવામાં મારાથી થોડીક અસભ્યતા થાય તો વાચકો પાસે ક્ષમા યાચું છું.

ઝંડુભટ્ટજીને ઘેરથી રાત્રે શેઠજીને ઘેર આવતાં રસ્તાની બેઉં બાજુએ જે જોયેલું છે, તેને કહેતાં અને લખતાં અત્યંત ઘૃણા અને શરમ જાગી ઊઠે છે. એ રસ્તાની બંને તરફ સ્ત્રીપુરુષો વગર સંકોચે બેસીને મળત્યાગ કરે. રસ્તા વચ્ચેથી કોઈ જતું હોય તો પણ તેમની સહેજે શરમ રાખે નહિ. હું પરદેશી, આવો અનાચાર જોઈને મોઢું ઢાંકીને ચાલતો અને નવાઈની વાત તો એ કે, શહેરની બધી ગાયો એ બધું ખાઈ જાય. સવારે દેખાતું કે આટલા મોટા શહેરના બધા રસ્તા ચોખ્ખાચટ છે. શેઠજી મારે માટે એક ગાયને ઘેર બાંધી રાખીને ચારો દેતા. એ જ ગાયનું દૂધ મને આપતા.

આ ઠેકાણે શંકરજી શેઠનો થોડોક પરિચય આપું. તેઓ ગૃહસ્થ, વર્ણોરા નાગર બ્રાહ્મણ. વર્ણોરા નાગરો ઘણુખરું રંગે ગોરા અને દેખાવડા હોય. શેઠજી ઘૂંટણ લગી પહોંચતા લાંબા હાથવાળા અને ઊંચી કાઠીના પુરુષ હતા. એમનો ઉપલો હોઠ સ્વાભાવિક કાપવાળો હતો અને આંખો મોટી મોટી હોવા છતાં પણ એમને માણસનું મોઢું જોવું હોય તો ઠેઠ એના મોઢા પાસે આંખો રાખીને જોવું પડતું.

હું જ્યારે એમને ત્યાં ગયો ત્યારે તેઓ વિધુર, છોકરા છૈયાં વગરના. બે ભત્રીજા, બે ભત્રીજીઓ, એક વિધવા ભાભી એમની અઢળક સંપત્તિનાં વારસદારો હતાં.

થોડાક દિવસ ત્યાં રહેતાં-રહેતાં મેં જોયું કે, શેઠજીનાં અતિશય ઘરડાં માતા તરફ કોઈનું પણ લક્ષ નથી. કોઈ એમની ખબર રાખતું નહિ. એમનાં પોતાનાં જાડા મોટાં કપડાં તેઓ પોતે જ ધૂએ. ઘરનાં સૌનાં પોતીકાં નોકર ચાકર, પણ માની પાસે એક બાઈ સુધ્ધાં નહિ. શેઠજીનો માતા તરફનો આવો અનાદર જોઈને એમને કહું કહું કરતો હતો, એવામાં એક દિવસે કપડાં નીચોવતાં નીચોવતાં માજી પડી ગયાં. તે દહાડે શેઠજીને કહ્યું કે, “આપની આટલી સંપત્તિ, આટલા માણસો, તોયે ઘરડાં માની આવી દશા કેમ? અમારા દેશમાં આવું ન હોય.” માતૃભક્ત બંગાળીઓની વાત એમને કરી. શેઠજી બોલ્યા, “અમારા દેશમાં પરણ્યા પછી કોઈ માની ખબર લે નહિ. બહુ ખરાબ પ્રથા છે. બોલો મારે શું કરવું જોઈએ?” મેં કહ્યું, “માને રોજ પ્રણામ કરીને પૂછો કે, આપની શી ઇચ્છા છે?” શેઠજી એ પ્રમાણે કરવા લાગ્યા ત્યારે માજી કશો જ જવાબ આપતાં નહિ. શેઠજી રોજ એક પાવલી આપીને માને પ્રણામ કરતા. માજી ધન્યવાદ દેતાં પણ ઘરનાં બીજા બધાં મારા ઉપર ચીડાતાં.

શેઠજીની દિનચર્યા: શેઠજી દરરોજ બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને હૂંફાળા પાણીએ ન્હાઈને પૂજામાં બેસતા. એક પગારદાર બ્રાહ્મણ આવીને એમને પૂજા કરાવતો. સંધ્યા આહનિક અને શિવપૂજન બાદ દરરોજ ત્રણ અધ્યાય ચંડીના તથા ગીતાપાઠ કરીને બિલીપત્ર, તુલસી અને ફૂલ વગેરે લઈને એ જ બ્રાહ્મણના સંગાથમાં ભીડભંજન તથા કલ્યાણજીનાં દર્શન કરવા જતા.

મંદિરેથી આવીને એક હજાર મણકાની તુલસીની માળાનો જપ એમના બેઠકખાનામાં બેસીને કરતા. એ જ વખતે યાચકોની માંગ પૂરી કરવાનું અને આવનારાઓ સંગાથે વાતચીત કરવાનું પણ રાખતા. ત્યાર બાદ રોજિંદું કામકાજ શરૂ કરતા. કોઈપણ કારણોસર એ નિયમોનો ભંગ થતો નહિ.

એક સદાવ્રત તથા મૂઠી ભિક્ષાની વ્યવસ્થા હોવા છતાં પણ એમને ઘેર ઘણા બ્રાહ્મણો એમની સાથે ભોજન કરતા. સાધુ સંન્યાસી અને ભિક્ષાર્થીઓ ઘરને આંગણે આવીને એમને એમ પાછા ન ફરતા.

મને દરરોજ ભજન સંભળાવવાને માટે શેઠજીએ સ્વામી વિવેકાનંદના પરિચિત એક ગાયક બ્રાહ્મણને રાખેલો. એનું નામ મૂળજી. કાઠિયાવાડમાં ભ્રમણ કરતી વેળાએ એક વર્ધિષ્ણુ નામને ગામે સ્વામીજીને એને મોઢેથી ભક્તકવિ સૂરદાસજીનાં ‘દયાનિધિ તેરી ગતિ લખી ના પરે,’ ‘પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો’ વગેરે ભજનો અને ખાસ કરીને તો સવારે ’શશધર-તિલક-ભાલ, ગંગા જટાપર’ ભજન સાંભળવાનું બહુ ગમતું.

  ભાષાંતરકાર: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ

Total Views: 491

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.