શેઠજીને ઘેર: શેઠજીને ઘેર હું રોજ રાત્રે લગભગ બે વાગ્યા લગી વાંચ્યા કરતો. ત્યારે તેઓ બળજબરીથી મારું વાંચવાનું બંધ કરાવી દેતા.

ત્યાં રહેતો હતો ત્યારે અચાનક એક દિવસ નિત્ય સ્વરૂપ બ્રહ્મચારી આવી ચડ્યા અને તેમણે મને કહ્યું કે, કરાચીમાં સ્વામી બ્રહ્માનંદ તથા તુરીયાનંદજી સાથે એમની ઓળખાણ થયેલી અને એમની પાસેથી મારી વાત સાંભળીને તેઓ જામનગર આવ્યા છે. એમની કપડાંલતાંની જરૂરિયાત પૂરી કરીને એમને જ્યાં જવું હતું ત્યાં પહોંચાડી દીધા. આ નિત્ય સ્વરૂપ બ્રહ્મચારીએ જ થોડીક ટીકા સહિત શ્રીમદ્ભાગવતનું નવું સંસ્કરણ પાછળથી પ્રકાશિત કરેલું.

એ દિવસોમાં હું દરરોજ મીઠાવાળી કૉફી લાકડાના પ્યાલામાં પીતો. આરબોને એ બહુ ભાવે. અહીં રાજાના ઘણા આરબ ખાનસામા હતા.

ધીમે ધીમે કરતાં શેઠજીને મારા ઉપર અતિશય પ્રેમ બંધાઈ ગયો. ભત્રીજાઓને છોડી તેઓ બપોરે બે વાગ્યે બગીચામાં મને લઈને ફરવા નીકળતા. આ એમના ભત્રીજાઓને બહુ વસમું લાગતું. શેઠજીનાં સગાં મારા ઉપર નારાજ, અને વધારામાં વળી એક ઘટના બની. એક દિવસ સવારે શેઠજી ઠાકોરનાં દર્શન કરવા ગયેલા, એ વખતે એક સાધુ અભ્યાગત આવ્યા. જે માણસ મૂઠી ભિક્ષા આપતો હતો, તેને એ સાધુએ એ દિવસે પોતાને ભોજન કરાવવા માટે કહ્યું. તો એ બોલ્યો કે, “એક સાધુ અહીં ખાય છે – તમે જાઓ.” ચાકરના આવા વર્તનથી ‘ખાવાનો નથી’ એમ કરીને હું બહાર જતો રહ્યો. પાછો આવ્યો ત્યારે જોયું કે, શેઠજીની બાજુમાં એ જ સાધુ બેઠા છે. મને આનંદ થયો. શેઠજી બોલ્યા કે, “તમે નથી જમવાના એમ કહેલું એટલે મને થયેલું કે આમની સંગાથે જમીશ!” શેઠજીને એવી ટેવ પડી ગયેલી કે, એક સાધુને પડખે બેસાડ્યા વગર તેઓ જમી ન શકતા.

શેઠજીને ચાકરની વાત કરી દીધી, એટલે શેઠજીએ ચાકરને અનોખી રીતે શિક્ષા કરી. કહી દીધું કે, “ચાળીસ સાધુઓ આવે તો પણ પાછા ન કાઢીશ, ભગવાનની મહેરબાનીથી મારે ઘેર અનાજનો તૂટો નથી.”

આ બનાવથી શેઠજીનાં ઘરનાં માણસો હતાં તેનાથી વધુ નારાજ થયાં. અએ જ્યારે મને ભજન સંભળાવવા માટે શેઠડીએ વિખ્યાત ગાયક મૂળજીને રાખ્યા, ત્યારે તો એમના ગુસ્સાનો પાર ના રહ્યો!

આ બાજુએ ચાતુર્માસનું વ્રત પૂરું થયેલું, હવે ગૃહસ્થના ઘરમાં રહેવું ઠીક નહિ. અને પછી જોયું કે, મારા ઉપર શેઠની અતિશય માયા વધતી ચાલેલી, અને સગાંવહાલાં વધુ ને વધુ ગુસ્સે ભરાતાં હતાં.

શેઠજીને મેં બીજે ઠેકાણે જવાની વાત કરી. એ તો રડી પડ્યા અને એમણે મારા પગ પકડી લીધા. તેઓ બોલ્યા કે, “હું આપના મઠના કર્તાહર્તા બ્રહ્માનંદ સ્વામીને કાગળ લખીશ, આપને અહીં રહેવાની પરવાનગી લઈ આપીશ, શ્રીરામકૃષ્ણદેવનું એક મંદિર અને પૂજાનો બંદોબસ્ત કરી આપીશ (પાછળથી સ્વામી વિવેકાનંદે આ વાત સાંભળીને કહેલું કે “શું કરવા ના લીધું?” આપણી એક સરસ મજાની – Institution સંસ્થા ઊભી થઈ શકી હોત.)

હું તો ડરી ગયો. મા-બાપ અને સંસારને તજીને ઈશ્વરને ખાતર બહાર નીકળી આવ્યો છું, તે છેવટે આમની માયામાં બદ્ધ થઈ જઈશ? મનમાં ઠરાવ્યું કે શેઠજીને કહ્યા વગર જ રાતોરાત છાનોમાનો નાસી જઈશ. પછી નાસવાનો વખત આવ્યો ત્યારે જોયું કે શેઠજી અચાનક ભયંકર તાવમાં લવરી કરી રહેલા છે. ત્યારે મારું મન પીગળી ગયું. એમના સાજા થયા વગર તો નહિ જ જવાય. શેઠજીની ચાકરી કરવા રહી પડ્યો.

વિષપ્રયોગ: જામનગરમાં કૉફી ઘણી પિવાય. હું પણ રોજ કૉફી પીતો. શેઠજી સાજા થઈ ગયા તે પછી એક દિવસ કૉફી પી રહેલો ત્યારે કૉફીનો સ્વાદ અત્યંત તીખો લાગ્ અને થયું કે તેના પર તેલ તરે છે. વિચાર્યું કે કાં તો કૉફીના પાણીમાં મસાલાવાળા હાથ લાગી ગયા છે અને અહીં આટલો બધો ઘીનો વપરાશ છે તે કદાચ કોઈક રીતે ઘીનો ભેગ થઈ ગયો છે. કોઈને પણ કશું કહ્યા વગર નાની નાની ચાર ચલાણી જેટલીક કૉફી પી નાખી. થોડીક વાર પછી ભયંકર ઝાડા છૂટી પડ્યા. લગભગ આખોય દિવસ જુલાબ થતા રહ્યા અને ચાર દિવસ લગી ઊભા થવાની તાકાત રહી નહિ. ઝંડુ ભટ્ટ વિઠ્ઠલજીએ ઔષધ-પથ્યની વ્યવસ્થા કરી.

થોડા દિવસ પછી શેઠજી સારા થઈ ગયા ત્યારે એક દિવસ ઝંડુ ભટ્ટજીને ઘેર નાસી આવ્યો. ત્યાં જઈને કહ્યું કે, “હવે હું શેઠજીને ઘેર પાછો નથી જવાનો.” ભટ્ટજી રાજી થઈને બોલ્યા, “ઉત્તમ સંકલ્પ. મેં સાંભળ્યું છે કે એ ઘેર આપને ઝેર આપવાનું કાવતરું થઈ રહેલું છે. આપને જોવા આવેલો ત્યારે ઘણા લોકો ત્યાં હોવાથી કહી શક્યો નહિ.” મને એમની વાતમાં વિશ્વાસ પડ્યો નહીં.

પરંતુ એને બીજી દિવસે લૂગડાંલત્તા લઈ આવવાને માટે શેઠજીને મકાને ગયો અને મેં જોયું કે શેઠડી તો લાંબા પડ્યા પડ્યા ફક્ત રડ્યા જ કરે છે. અને એક જ દહાડામાં શરીર નખાઈ ગયું છે. મેં એમને ઘણું સમજાવ્યું કે હું આ જ શહેરમાં રહ્યો છું, હંમેશાં મળવાનું થશે. એમણે કહ્યું કે, “બાબાજી, તમારો કૉફીનો સરંજામ જોઉં છું અને તમે મને છોડીને જતા રહેશો, એવો વિચાર આવવાથી પછી કેમેય કરીને ધીરજ નથી રહેતી. હવે તો અહીં તમે કૉફી નહિ પીવાના. આજે તો પીને જાઓ.”

કૉફી આણવામાં આવી. પણ આ શું? પાછી એવી જ તીખી કૉફી અને ઉપર તેલ તરે! એકાદ બે ઘૂંટડા પીને સીધો ઝંડુ ભટ્ટજીને ઘેર દોડ્યો. ત્યાં પહોંચતા જ ઝાડા! ઝંડુ ભટ્ટજીએ બધી વાત સાંભળીને કહ્યું કે, “આપને મેં પહેલી વાર આવું થયેલું ત્યારની વાત કહી નથી. કૉફીની જોડે ધતૂરાનાં બી ભેળવેલાં હતાં.” આ વખતે પણ મેં વિશ્વાસ ન કર્યો. છેવટે ભટ્ટજીએ ધતૂરાનું બી મંગાવ્યું. એને જીભ અડાડતાં જ પછી અવિશ્વાસ રહેવા પામ્યો નહીં. પણ એટલા જરાક સ્પર્શથી તે દિવસે પણ દસ્ત થઈ ગયેલા.

ભટ્ટજીએ કહ્યું કે, “તમારા કહ્યા પ્રમાણે શેઠજી ઊઠતા અને બેસતા તથા પૈસા ખર્ચતા અને તેના ઉપર વળી મંદિર બાંધી દેવાની વાત થઈ. પાછા શેઠજી ક્યાંક તમારે ખાતર થઈને બધું ફનાફનિયા કરી નાખે, એટલા માટે આપને ખસેડવાના પ્રયત્નો – સાવ આ દુનિયામાંથી જ!”

(ક્રમશઃ)

ભાષાંતરકાર: શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ

Total Views: 521

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.