[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે તેમણે 13મી માર્ચ 1985ના રોજ મહાસમાધિ લીધી. તેમનું અંતિમ જાહેર પ્રવચન 12મી જાન્યુઆરી, 1985ના રોજ બેલુડ મઠનાં પ્રથમ રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે યોજાયેલ યુવ-સમ્મેલનમાં થયું હતું, જેમાં લગભગ 5000 યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જે પુસ્તિકા (બંગાળીમાં) વિતરિત કરવામાં આવી હતી તેનું ગુજરાતી રૂપાંતર અહીં રજૂ કરીએ છીએ.]

ધ્યેય નિશ્ચિત રાખો

પુણ્યભૂમિ ભારતવર્ષ આપણી માતૃભૂમિ છે. ઘણાં વરસોની ગુલામી પછી આપણને સ્વાધીનતા મળે માત્ર થોડાં વરસ થયાં છે. આપણા રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવા માટે સામૂહિક પરિશ્રમની જરૂર છે. પરંતુ એ કામ કોઈ હાથાં લે તે પહેલાં ભાવિ ભારતનું સ્પષ્ટ ચિત્ર આપણી પાસે હોવું જોઈએ. ઉદાહરણરૂપે, કોઈ પણ કલાકાર કેનવાસ પર એકદમ જ રંગની પીંછી ફેરવવા નહિ બેસી જાય. એ રીતે કંઈ સરસ ચિત્ર તૈયાર ના થાય. પહેલાં તે બરાબર વિચાર કરીને એને જે ચીતરવું છે, તેનું સ્પષ્ટ માનસિક ચિત્ર ઉપસાવશે, અને તે પછી જ મનમાં ઊપસેલા ચિત્રને તે કેનવાસ ઉપર આકાર આપી શકશે. તે જ રીતે, કોઈ ઈજનેર પણ સીધેસીધું મકાનનું બાંધકામ શરૂ નહિ કરે. પહેલાં તો એ મકાન, શાળા, હૉસ્પિટલ, ઑફિસ કે નિવાસસ્થાન ક્યા હેતુસર બાંધવાનું છે તેની પૂરી માહિતી મેળવે છે અને પછી જરૂરિયાત હોય તે પ્રમાણે એ તેનો નકશો દોરે છે. તેમાં ઝીણામાં ઝીણી વિગતોને ધ્યાનમાં રાખીને તે મુજબ તેનું બાંધકામ શરૂ કરે છે. એટલે તમારા મન સમક્ષ પણ ભાવિ ભારતનું સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ. અને તે પછી રાષ્ટ્રનું નિર્માણ કરવાનું શરૂ કરવું જોઈએ. આપણે ભારતને શું મહાન લશ્કરી રાષ્ટ્ર બનાવવું છે? મને ખાતરી છે કે ના. કેમ કે કોઈ લશ્કરી સત્તા લાંબો સમય ટકી નથી.

આપણે એક ગરીબ રાષ્ટ્ર છીએ અને આપણા લોકોને અન્ન-વસ્ત્ર પૂરાં પાડી શકીએ તે માટે આપણને સંપત્તિની જરૂર છે. પરંતુ શું કેવળ દાળરોટી જ આપણી સમસ્યા હલ કરી શકશે? અમેરિકા અને બીજાં સુવિકસિત રાષ્ટ્રો આટલી બધી પ્રચુર સંપત્તિ ધરાવતાં હોવા છતાં તેઓ મનની શાંતિ અને સાચું સુખ શું ખરેખર ધરાવે છે? એમ હોય તેવું લાગતું નથી. આમાંના કેટલાક દેશોની યુવાન પેઢી તરફ નજર કરો. સમૃદ્ધિનાં આ સંતાનો, કિશોર-કિશોરીઓ, જીવનમાં હતાશા અનુભવે છે અને કશું જ પ્રાપ્ત કરવાનું ન હોવાથી ચારે બાજુ ભટકે છે. તેમાંનાં કેટલાંક તો ખૂબ જ ધનિક છે. પરંતુ જીવનનું કોઈ ધ્યેય નહિ હોવાથી એક પ્રકારની ભયંકર હેતુવિહીનતાનો અનુભવ કરે છે. આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે આપણે લશ્કરી બળ તો જોઈએ છે, પણ આપણા પડોશીઓને લૂંટવા માટે નહિ. આપણે આપણા ગરીબ આમસમાજનું ભરણ-પોષણ કરવા સંપત્તિ તો જોઈએ છે, પરંતુ તે આ રાષ્ટ્રનો આદર્શ ન હોઈ શકે. આ બે ઉપરાંત કંઈક વધુ જરૂરનું છે. આ સંપત્તિ અને શક્તિની સાથે શાંતિ લાવે તેવું એ શું છે?

મારી તમને સલાહ છે: આપણા પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરો અને અશોક, ચંદ્રગુપ્ત અને કનિષ્ક જેવા સમ્રાટોના સમયમાં આપણું ભારત સુખ-સમૃદ્ધિ અને શૌર્ય વગેરેમાં કેવું મહાન હતું એનું સાચી રીતે મૂલ્યાંકન કરો. વેદ કાળમાં અને બુદ્ધકાલીન ભારતમાં દેખીતી રીતે આપણા આદર્શો ભવ્ય હતા. એટલે જ ભારત ભૂતકાળમાં આવું મહાન બની શક્યું હતું, પણ તો પછી આ અધઃપતન કેવી રીતે થયું? આપણી અવનતિ શા કારણે થઈ તે આપણે શોધી કાઢવું જોઈએ. એટલે ભાવિ ભારતનું પુનર્નિર્માણ કરવા માટે આપણને જે આદર્શોએ મહાન બનાવ્યા તે સ્વીકારવા જોઈએ તથા જેનાથી અધોગતિ થઈ તે ત્યજી દેવા જોઈએ અને તે સમયે જેનું અસ્તિત્વ ન હતું તે વિજ્ઞાન અને ટેક્નૉલોજી નવેસરથી પૂરાં પાડવાં જોઈએ.

આજકાલ આપણે દરેક બાબતમાં વિજ્ઞાનને આગળ ધરીએ છીએ. અમુક બાબત વૈજ્ઞાનિક નથી; તે વહેમ છે. પરંતુ આપણા ભૂતકાળની સદંતર અવગણના કરવી, તેમાં શું શુભ હતું અને છેલ્લાં ત્રણ હજાર વર્ષો સુધી એક રાષ્ટ્ર તરીકે આપણને ટકાવી રાખ્યા તેની દરકાર ન કરવી અને જે પાશ્ચાત્ય ખ્યાલો સમયની કસોટીમાંથી પાર ઊતર્યા નથી, જે માત્ર બસ્સો વર્ષ જૂના અને કેટલાક તો હજુ હમણાંના જ છે તેની પાછળ દોડવું એ વૈજ્ઞાનિક છે? આ ખ્યાલોએ પશ્ચિમનાં રાષ્ટ્રોની સમસ્યા હલ કરી છે? તેઓને સુખશાંતિ છે? હોય તેવું લાગતું નથી. તો પછી એ આદર્શો પાછળ દોડવાની શી જરૂર?

આપણે માણસ છીએ. ઈશ્વરે આપણને ઉપયોગ કરવા બુદ્ધિ આપી છે; નહિ કે કોઈ વ્યક્તિ આવે અને આપણને કંઈક જોરશોરથી કહે એટલે તેમના ઢોરની જેમ આપણી જાતને હાંકવા-હંકાવવા માટે. એટલે, મને લાગે છે કે આપણે આપણા ભૂતકાળ અને વર્તમાન વિષે બધાં સાધનો અને માહિતી એકઠી કરીએ, બરાબર વિચારીએ અને ભાવિ યોજના ઘડીએ. આપણે માત્ર લાગણીઓકણ્ત દોરવાઈ જવું ન જોઈએ.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ માર્ગ બતાવે છે.

આ કથળેલી પરિસ્થિતિને ફરીથી સુધારવા માટે સાચા ધર્મના માર્ગ પર ચાલતાં ચાલતાં જ્યાંથી આપણે માર્ગ ભૂલ્યા હતા ત્યાં ફરીથી આપણને લાવવા અને ધર્મમાર્ગે વાળવા શ્રીરામકૃષ્ણનું આગમન થયું. તેઓના અનુપમ શુભ સંદેશથી સમગ્ર વિશ્વમાં નવી સમાજ વ્યવસ્થાનો જન્મ અવશ્યંભાવિ છે. સદીઓથી આ ભારતીય સંસ્કૃતિની જીવાદોરી ધર્મ જ છે. આપણે સાંભળીએ છીએ કે ધર્મને કારણે જ દેશ ખરાબે ચડ્યો છે, પરંતુ સ્વામી વિવેકાનંદ સાવ ઊલટું જ કહે છે: ‘સમાજની આવી પરિસ્થિતિનું કારણ ધર્મ નથી, પણ ધર્મનું સમાજમાં જે રીતે પાલન થવું જોઈતું હતું તે રીતે થયું નહિ તે છે.’ ધર્મ એટલે શું? ચીલાચાલુ વહેમોનું અનુકરણ ધર્મ નથી. શ્રીરામકૃષ્ણના મતાનુસાર ધર્મનું તાત્પર્ય છે અનુભૂતિ. અર્થાત્ એ પરમ સત્યનું પ્રત્યક્ષ દર્શન. એમણે એ પણ બતાવ્યું કે બધા ધર્મો ઈશ્વર-સાક્ષાત્કારના માર્ગે લઈ જાય છે અને તે પણ પ્રત્યક્ષ અનુભૂતિના માધ્યમ દ્વારા. આ જ એકમાત્ર એવું પ્રમાણ છે જે આધુનિક વૈજ્ઞાનિક મનને પ્રતીતિ કરાવી શકે. શ્રીરામકૃષ્ણે પોતાના એકાંતિક ત્યાગ ભાવ દ્વારા સુવર્ણ અને માટીને સમાન ભાવે જોવાની ભાવના કેળવી હતી. પોતાના આવા વિલક્ષણ ત્યાગ દ્વારા વર્તમાન પરિગ્રહી સમાજને એ બોધપાઠ આપ્યો છે કે ધન સંગ્રહ કરવો કે છળકપટ કે બળ દ્વારા કોઈની જમીન પર અધિકાર કરવો એ એક મિથ્યા પ્રવંચના જ છે. એમણે એ પણ જોયું કે એક જ આત્મા બધાંની અંદર રહેલો છે. જાતિ, વર્ણ કે રંગનો ભેદ એમાં નથી. ધનવાન કે નિર્ધન, ઊંચ કે નીચ, સાક્ષર કે નિરક્ષર તેમ જ દરેક નર અને નારી પછી ભલે ગમે તે વંશ કે સંપ્રદાયનાં હોય, પરંતુ એ દરેકની પાછળ એ જ એક આત્મા રહેલો છે. બધા ભેદભાવ તો માત્ર કાલ્પનિક અને માનવસર્જિત છે. આ દૃષ્ટિએ સમગ્ર માનવતા એક જ છે અને એટલે રાષ્ટ્ર કે જાતિઓ કે વર્ગ વચ્ચે ચાલતો આ વર્ગવિગ્રહ નિરર્થક જ છે. આ તો ઉપદેશના ઉપસિદ્ધાંતરૂપે શ્રીરામકૃષ્ણે પ્રતિપાદિત કર્યું કે જીવની શિવભાવે સેવા કરો. અને વધુમાં જણાવ્યું કે, આ ભાવે કરેલી જીવસેવા ઈશ્વર સાક્ષાત્કાર તરફ જ લઈ જાય છે. આ રીતે સદીઓથી કર્મ અને ઈશ્વરોપાસના વચ્ચેના વિરોધને દૂર કરીને એમણે બંનેનો સમન્વય કર્યો. એમણે એ સાબિત કર્યું કે જો યોગ્ય ભાવે કર્મની ઉપાસના થાય, તો કર્મ પણ એક સાચી અને ઉત્તમ ઉપાસના બની શકે.

સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના આ વિશિષ્ટ ઉપદેશ – ‘જીવની શિવભાવે સેવા કરો’ને વધુ મહત્ત્વ આપ્યું અને સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર-પ્રસાર કર્યો. કારણ કે આ યુગમાં વિશ્વશાંતિની સ્થાપના માટે એ અત્યંત જરૂરી છે.

આધુનિક અંધકાર:

પરંતુ આજના સમયમાં આપણે શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના જીવન અને ઉપદેશોને પૂરેપૂરા અનુસરી શક્યા નથી. પરિણામે ચારે દિશામાં ફક્ત અંધકાર જ જોવા મળે છે. સમાજના સર્વ સ્તરો પ્રામાણિકતાનો અભાવ, કાળા બજાર અને કાળાં નાણાંથી ખદબદતા જોવા મળે છે. જે દિશામાં નજર નાખીએ, તે દિશામાં હતાશા અને અવનતિનાં ચિહ્ન દેખાય છે. રાજનીતિનું ક્ષેત્ર કે સામાજિક સંબંધોનું ક્ષેત્ર – બધે એકજ દયનીય પરિસ્થિતિનો ચિતાર જોઈએ છીએ. કોઈ ક્ષેત્રે આપણી પરિસ્થિતિમાં કંઈક ઉન્નતિ થઈ હોવા છતાંયે સમાજમાં નૈતિક દૃષ્ટિએ આપણી દશા ઘણી શોચનીય બની ગઈ છે.

એક પ્રામાણિક અને સદાચારી વ્યક્તિ માટે આવા કલુષિત વાતાવરણમાં રહેવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે. માત્ર ભારત જ નહિ સમગ્ર વિશ્વ આ સભ્યતાના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.

જવાબદારી – ભ્રામક નીતિ અને શિક્ષણ:

સંસ્કૃતિ સમક્ષ ઊભા થયેલ સંકટનું મૂળ કારણ છે ધર્મની ઉપેક્ષા અને ભૌતિક સુખોની પાછળ આંધળી દોટ. આ ભૌતિકવાદ પશ્ચિમનું જીવનલક્ષ્ય રહ્યું છે અને પશ્ચિમ દ્વારા સમગ્ર જગતમાં આ ભૌતિકવાદ છવાઈ રહ્યો છે. ભારત પણ તેનાથી અલિપ્ત રહી શક્યું નથી. આ ભૌતિકવાદ જીવનમાં સર્વત્ર પ્રવેશી ચૂક્યો છે. અને શિક્ષણના ક્ષેત્રમાં તો તેણે ભારે પગ પેસારો કર્યો છે.

જો મને પ્રશ્ન પૂછવામાં આવે કે, આપણો દેશ ખરાબે ચડ્યો છે તેનું કારણ શું? તો ઉત્તરમાં કહું કે, આપણા મૂળમાં જ ગોટાળો છે. આપણને જે શિક્ષણ મળે છે તેનાં દ્વારા માણસનું ઘડતર થવું શક્ય નથી. જેમ કે બાઈબલમાં કહ્યું છે: ‘થોરે કેળાં પાકે નહિ અને બોરડીની ડાળે આંબાના મોર આવે નહિ.’

આપણા દેશમાં અંગ્રેજો આવ્યા અને તેમણે આપણી ઉપર યુરોપીય શિક્ષણ પદ્ધતિ લાદી હતી. સ્વતંત્ર થયા પછી પણ આજે આપણે એ જ ચીલાચાલુ પદ્ધતિને અનુસરીએ છીએ. એમની શિક્ષણ પદ્ધતિ એમના પ્રયોજન અનુસાર તૈયાર કરવામાં આવી હતી. તેની સાથે તો આપણી આશા-આકાંક્ષા કે ઇતિહાસનો મેળ બેસતો નથી. એટલા માટે જો રાષ્ટ્રીય જીવનધારા પ્રમાણે આપણી શિક્ષણ પદ્ધતિને તૈયાર નહિ કરી શકીએ, જો અંગ્રેજોની પદ્ધતિનું જ અંધ અનુકરણ કરવાનું ચાલુ રાખીએ, તો આ કથળેલી પરિસ્થિતિમાં કંઈ સુધારો થશે નહિ.

કેટલીયે સદીઓથી આ પ્રજાએ પરમ સત્ય મેળવવાની ઝંખના સેવી છે. આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ આ જ ધ્યેયલક્ષી હતી. એને જ કહીએ છીએ – પરાવિદ્યા અથવા અધ્યાત્મવિદ્યા. પરંતુ એટલે કાંઈ અપરા વિદ્યા કે ભૌતિક વિદ્યાભ્યાસની અવગણના કરવામાં આવી ન હતી. આ જ કારણે ભારતે અપરાવિદ્યામાં પણ સર્વોચ્ચ સ્થાન મેળવીને શોભાવ્યું હતું. આપણને જરૂર છે પરાવિદ્યા ને અપરાવિદ્યા વચ્ચે સામંજસ્યની. આ બંને વિદ્યાઓને સુબદ્ધ રાખતી સાંકળોનો અભાવ હોવાથી શિક્ષણ પદ્ધતિમાં પ્રવર્તમાન સમસ્યાઓ અનુભવીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે: પ્રથમ તો આપણે દેશમાં જે જ્ઞાનની શાખાઓ હતી તે બધી જ શીખવવી પડશે. સાથોસાથ અંગ્રેજી પણ ખરું. અંગ્રેજી ભાષા દ્વારા આપણે આખાયે જગત સાથે વ્યવહાર કરી શકીએ. આધુનિક વિજ્ઞાન અને ટેક્નૉલોજીની પણ જરૂર છે, જેથી રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે. પણ જો મનુષ્ય થવું હોય તો શિક્ષણ સાથે પરાવિદ્યાનો સુમેળ-સુયોગ કરવો જ પડશે. પરાવિદ્યાનો પાયો ચારિત્ર છે. ચારિત્રના નિર્માણ વિના કંઈ જ સંભવ નથી. લેક્ચર આપવાથી કે પાર્લમેન્ટમાં ખરડાઓ પસાર કરવાથી ચારિત્ર્યનું ઘડતર થાય નહિ. ચારિત્ર્ય ઘડતર માટે જરૂરી છે – વિશુદ્ધ ધાર્મિક અને નૈતિક તાલીમ. આવી તાલીમ દ્વારા વિદ્યાર્થીનાં મન-બુદ્ધિનું પરિશીલન થાય છે, તે અંતરને નિર્મળ કરે છે. ખરેખરી વસ્તુ તો મન જ છે, મનની સહાયથી જ તો મનુષ્ય જ્ઞાનનાં શિખરો સર કરે છે. એ જ મન કલુષિત થાય તો તેની સહાયથી સાચું જ્ઞાન મળવું શક્ય નથી.

એક દૃષ્ટાંત આપું છું: એક વાર વિજ્ઞાનના એક અધ્યાપક અમારી એક કૉલેજની પ્રયોગશાળા જોવા માટે આવ્યા. તેમણે સૂક્ષ્મદર્શક યંત્ર (માઈક્રોસ્કોપ) દ્વારા આંખ વડે જોવા માંડ્યું. તેમને લાગ્યું કે તેઓ ચોખ્ખું જોઈ શકતા નથી. એટલે સૂક્ષ્મદર્શકના લેન્સને ખોલીને રૂમાલથી સાફ કર્યો અને જ્યારે ફરીથી બેસાડીને જોયું તો બધું જ સ્વચ્છ દેખાયું. હવે મનરૂપી જે સૂક્ષ્મદર્શક યંત્રથી તમે જોવાની ઇચ્છા રાખો અને જો તેને સ્વચ્છ, સાફ નહિ કરો તો તેના દ્વારા જ્ઞાન-વસ્તુનું દર્શન કેવી રીતે થઈ શકે?

સ્વામી વિવેકાનંદની ચેતવણી અને નિર્દેશ:

સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ભારત આવ્યા ત્યારે દક્ષિણ ભારતમાં કોઈ એક સ્થળે કેટલાક યુવાનોએ તેમને પુછ્યું:‘સ્વામીજી! તમે રાજકારણમાં આવો, દેશને સ્વતંત્રતા અપાવો, તો તમને સાંભળીશું!’સ્વામીજીએ જવાબ આપ્યો હતો, ‘હું તમને આવતી કાલે જ સ્વતંત્રતા અપાવી દઉં. પરંતુ તમે એને નિભાવી શકશો? એ માટે તમારી પાસે માણસો ક્યાં છે? પહેલાં માણસો સર્જો અને પછી સ્વાતંત્ર્યનો વિચાર કરો.’

સ્વામીજીનું કથન કેટલું સત્ય હતું, આજે તે આપણે સમજી શકીએ છીએ. આપણા દેશની દુર્દશા શા માટે? માણસ નથી એટલે જ. અવળી કેળવણીની પદ્ધતિ અને જીવનપદ્ધતિને કારણે જ માણસો સર્જાતા નથી. આજકાલ વિદ્યાપીઠના યુનિવર્સિટી પદવીદાન સમારંભોમાં જે બધી વાત સાંભળો છો – તેમાં ઘણી વસ્તુઓ હોય છે – પરંતુ તેમાં જીવનના આદર્શોની વાત જોવા મળતી નથી. પ્રાચીન સમયમાં યોજાતા પદવીદાન સમારંભ-સભાઓ, જેનું ઉપનિષદમાં વર્ણન થયું છે – તેનું સ્વરૂપ કેટલું વિલક્ષણ છે! ત્યારે આચાર્ય સ્વગૃહે પાછા ફરતા શિષ્યને કહે છે:‘સત્યં વદ, ધર્મં ચર. સત્ય વચન બોલો. ધર્મનું અનુષ્ઠાન કરો. નિંદનીય કાર્ય કરો નહિ, સદાચરણ કરો.’ તેઓ કહેતા:‘તમે મનુષ્ય બનો.’‘વિદ્યાલય છોડી રહ્યા છો એટલે અધ્યયન-અભ્યાસ છોડશો નહિ, સ્વાધ્યાય કરતા રહેજો.’ વિશેષમાં તેઓ કહે છે:‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ.’ આવો ઉપદેશ તેઓ આપતા. ઉપરાંત, સ્વામીજીએ આ સાથે બીજી બે વાતો પણ ઉમેરી:‘દરિદ્રદેવો ભવ, મૂર્ખદેવો ભવ.’ દીનદુખિયાં ને નિરક્ષરને ઈશ્વરરૂપે નિહાળો.

ભારતવર્ષને ભૂલો નહિ:

આજકાલ જેઓ અભ્યાસમાં તેજસ્વી હોય છે, તેઓ બધા વિદેશમાં જવા માંગે છે. વિદેશમાં જવું સારું છે, પરંતુ વિદેશમાં કાયમ માટે રહી જવું – આ કેવી વાત? શા માટે વિદેશમાં રહી જવું? જે ભારતવર્ષે તમને જન્મ આપ્યો, જેણે તમને મનુષ્ય બનાવ્યા, તે માતૃભૂમિને તમે ભૂલી જાઓ છો – ફક્ત વધુ પૈસા કમાઈ શકો એટલા માટે જ? આપણા દેશ વિરુદ્ધ તમારે ઘણું કહેવાનું છે એ હું જાણું છું. તમે કહેશો: અહીં નકામા ભટકતા મરી જવું, કોઈ કિંમત કરે નહિ, બસો રૂપિયાની નોકરી મેળવવા માટે પણ કેટલી માથાકૂટ-ઝંઝટ કરવાની! પણ અમેરિકામાં તો પાંચસો, હજાર કે પંદરસો ડોલરની નોકરી સરળતાથી મળતી હોય છે. બધી વાત ઠીક છે. આપણા દેશમાં પ્રતિભા કે કાર્યક્ષમતાની કિંમત નથી, એ પણ ઠીક – છતાંયે તમારી સમક્ષ નિવેદન કરું છું: ભારત છોડો નહિ. આ દેશને ભૂલો નહિ, હજુ હમણાં જ સમાચારપત્રમાં વાંચ્યું – વિજ્ઞાનનું કોઈ પારિતોષિક 12-13 ભારતીયોને મળ્યું: પણ તેઓ બધાયે અત્યારે અમેરિકાના નાગરિક છે. એટલે એવું થયું કે, ભારતવર્ષે તમને મનુષ્ય બનાવ્યા, તેની પાસેથી તમે કેટલું દાન સ્વીકાર્યું, છતાંયે પ્રદાન આપવાની વેળાએ વિદેશનું સન્માન કર્યું. એક વાર વિચારી જુઓ.

ભારતવાસીની પડખે ઊભા રહો:

વિદ્યાર્થીઓ, તમે અભ્યાસમાં ધ્યાન રાખો એ જરૂરી છે જ. પરંતુ તમે ભારતવાસી છો એનો મનમાં ખ્યાલ રાખશો. તમારે બહારના લોકો સાથે કોઈ સંપર્ક રાખ્યા વિના અતડા-એકાકી રહેવાનું નથી. તમે જ્યાં વસો છો, તેના આસપાસનાં નગરોમાં કે ગામમાં જઈને જોશો કે કેવી રીતે માણસોએ વસવાટ કર્યો છે, એમની કેવી કફોડી હાલત છે. ત્યારે તમારા મનમાં સ્વામીજીની એ વાત સાચી હોવાની પ્રતીતિ થશે કે આ જનસમૂહમાં જાગરણ લાવ્યા વિના જો મુઠ્ઠીભર લોકોને કેળવણી મળશે તો તેનાથી દેશને કોઈ લાભ નહિ થાય. જો દેશને જાગૃત કરવો હોય, તો બધાંને કેળવણી આપવી પડશે. આ આમજનતાને એવી રીતે કામકાજ શીખવવું જોઈએ, જેથી તેઓ આર્થિક ઉપાર્જન કરતાં શીખે, પોતાના પગ ઉપર ઊભા રહી રોટલો કમાઈ શકે.

વિદ્યાર્થીઓ સમક્ષ એક પ્રસ્તાવ:

તમારી કેળવણી સંપૂર્ણ થઈ જાય, ત્યારે સંસારમાં પ્રવેશો તે પહેલાં બે વરસ તમારા દેશ કાજે આપો. જે દીનદુખિયાં, લખતાં કે વાંચતાં શીખ્યાં નથી, તેમને મનુષ્ય બનાવવા માટે બે વરસ તેમની સાથે રહો. એ કાર્ય કરવાથી, તમારા જીવનનો આરંભ કરો તે પહેલાં આ લોકોના આશીર્વાદ તમને મળશે. આ લોકોના આશીર્વાદથી તમારા જીવનમાં સફળતા મળશે અને દેશ પણ ઝડપથી પ્રગતિશીલ બનશે.

મહિલાઓ સમક્ષ એક પ્રસ્તાવ:

બહેનોને ઉદ્દેશીને થોડા શબ્દો કહેવા માગું છું. જો આપણે મહાન રાષ્ટ્રની અસ્મિતા મેળવવી હોય તો નૈતિક અને સામાજિક ગ્લાનિ અને નિર્બળતા અવશ્ય દૂર કરવાં જ પડશે. આ વિષયમાં મને લાગે છે કે મહિલાઓ પુરુષો કરતાં વિશેષ જવાબદારી સંભાળવા માટે સમર્થ છે. અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, અનાથ બાળકોની સમસ્યા વગેરે સામાજિક વ્યાધિ અને વિષમતા વિરુદ્ધ મહિલાઓ આપમેળે પોતાને સંગઠિત કરી શકે છે. ત્રણસો કે ચારસો અનાથ બાળકો માટે વિશાળ આશ્રમ ઊભા કરવા કરતાં એક કે બે બાળકની જવાબદારી લેવા માટે માતા-પિતા શોધી કાઢો. આ તમે જરૂર કરી શકો, ખરું ને? અનેક સાધન-સંપન્ન વ્યક્તિ છે, જેમને સંતાન નથી, તે દરેકેદરેક એક કે બે સંતાનને હૂંફ આપીને ભરણપોષણ અને શિક્ષણની જવાબદારી ન લઈ શકે?

આવી વ્યવસ્થા અનાથાશ્રમથી ઘણી શ્રેયસ્કર છે. કારણ, અનાથાશ્રમમાં બાળકો કુટુંબ અને માતા-પિતાના પ્રેમથી વંચિત રહે છે. સંતાનહીન પતિ-પત્ની આ સ્નેહ આપીને એક-બે અનાથ બાળકને ઉછેરીને મનુષ્ય બનાવી શકે. આ રીતે એક વિરાટ ભગીરથ કાર્ય સુસંપન્ન થઈ શકે.

ગામડાં તરફ નિહાળો:

સાચું ભારત તો ગામડાંમાં વસે છે. દેશની અનુસૂચિત જાતિ અને નીચલા વર્ગોને વિકાસ માર્ગે વાળા નહિ શકીએ, તો ભારતનું ભાવિ અંધકારમય છે. આર્થિક વિકાસની સાથે એમનામાં સભ્યતાનો વિકાસ કરવો પડશે.

નીચલા વર્ગોમાં ભયાનક ગરીબી છે. આજ એક મૂઠી દાણા મળે, બીજે દિવસે તે મળે નહિ. આ ભૂખ્યા પેટની જવાળા સાથે અન્ય સમસ્યા ઊભી છે. જેમ કે આરોગ્ય, દૂષિત પર્યાવરણ, દૂષિત જલ વગેરેની સમસ્યાઓ. એટલે આજે પછાત જાતિની, નીચલા વર્ગોની સમસ્યાને રાષ્ટ્રીય સ્તરે મોખરાનું ઉચ્ચ સ્થાન આપવું પડશે.

વિકાસ-માર્ગના શત્રુ દૂર કરો:

આપણા સમાજના વિકાસમાર્ગના અવરોધક-દરેક નિરર્થક પ્રકારના નકામા રીતરિવાજો સૌથી પ્રથમ દૂર કરો. વિશેષ કરીને અસ્પૃશ્યતા દૂર કરો. આપણે મોઢે વેદાંતની વાતો કરીએ છીએ અને બીજી ઘડીએ કહીએ, ‘મારા ઘરમાં પ્રવેશો નહિ – દાખલ થશો નહિ’ – ‘તમારા હાથનું પાણી નહિ પીઉં.’ આ બધાનો કંઈ અર્થ ખરો? આ બધું તો નિરર્થક ગાંડપણ જ છે. આવું આચરણ કરવાને લીધે આપણે આધ્યાત્મિક આદર્શ જીવન-વ્યવહારમાં ચરિતાર્થ ન કરી શક્યા અને આપણા રાષ્ટ્રમાં જે કાંઈ શુભ છે તે બધાનો વિનાશ નોતર્યો છે.

ભારતવર્ષની વર્તમાન અવસ્થાની આલોચના કરીને પ્રત્યેકનું કર્તવ્ય છે – નસીબના ફૂટેલા, પછાત રહી ગયેલા નીચલા વર્ગના લોકોની ઉન્નતિ સાધવા માટે કાર્ય કરવું. પ્રત્યેકનું કર્તવ્ય છે – આ લોકોની આર્થિક સુધારણા અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયત્નો કરવા. પ્રત્યેકનું કર્તવ્ય છે, સામાજિક જીવનમાં આદર્શ અને નૈતિક મૂલ્યોની પુનઃ પ્રતિષ્ઠા કરવી; જેથી સમસ્ત જનતાના ભોગે કેટલાક મૂઠીભર માણસો આજે જે નિંદનીય સ્વાર્થ સાધી રહ્યા છે, તે સંપૂર્ણ દૂર થઈ જાય.

પછાત વર્ગોના લોકો વચ્ચે જઈને જેવી રીતે તેમને અન્ન-વસ્ત્ર પૂરાં પાડવાં પ્રયાસ કરવા પડશે, તે જ રીતે તેમને ગંદા પરિવેશ સંબંધે જાગૃત કરવા પ્રયત્ન કરવા પડશે. ચલચિત્રની પણ મદદ લઈને આ કામ થઈ શકશે. તેમના સ્વાસ્થ્ય વિષે વિકાસમૂલક અને સંસ્કૃતિમૂલક ચિત્ર દેખાડવાં જરૂરી છે. તેમને સહાય કરો. બીજાને સહાય કરીને આપણે જાતે સુખી થઈએ છીએ. આપણે પોતાનો સ્વાર્થ સાધીને જે સુખ મેળવીએ, તે કરતાં આપણી મદદથી બીજું કોઈ સુખી થયેલું જોઈએ તો અનેકગણું વધારે સુખ મળે.

શ્રીરામકૃષ્ણની અમૃતવાણીનો પ્રચાર કરો:

બીજું કાંઈ જો ન કરી શકો તો શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણીનો પ્રચાર કરો. આ અમૃતવાણીના પ્રચારને પરિણામે બહુ સુંદર ફળ મળશે. કારણ કે તે વચનામૃતો તેજપુંજ સમાન છે. જેમ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે:‘જે ગીતાનો પાઠ કરશે અથવા તો બીજાને તેનો પાઠ કહી સંભળાવે, તે પણ પુણ્ય સંચય કરે છે.’ એટલે આપણું કર્તવ્ય છે, સમાજના સર્વ સ્તરે શ્રીરામકૃષ્ણની અમૃતવાણીનો પ્રચાર.

શ્રીરામકૃષ્ણની વાણીનો પ્રચાર માત્ર ભારતમાં જ નહિ સમગ્ર વિશ્વમાં કરો. જગતમાં જ્યાં શ્રીરામકૃષ્ણનો સંદેશ પહોંચ્યો છે ત્યાં તેનો આગ્રહપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ઉપરથી એ નિશ્ચિત છે કે જગત એમના સંદેશને ઝીલી લેવા ખૂબ તત્પર ઊભું છે.

તમને અનુરોધ કરું છું – તમે વ્યક્તિગત ભાવે, કે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ- ભાવવધારાનાં પ્રતિષ્ઠિત કેન્દ્રો દ્વારા શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર કરો અને તેના પ્રકાશપુંજથી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિયતાપૂર્વક લાગી જાઓ.

સ્વામી વિવેકાનંદને આનંદિત કરો:

હું આશા રાખું છું કે, તમે સ્વામી વિવેકાનંદને હતાશ નહિ કરો. તમારા સૌની ઉપર સ્વામીજીને અગાધ વિશ્વાસ હતો. સ્વામીજીએ રાષ્ટ્ર ઉપર જે જવાબદારી મૂકી છે તે તમે આનંદપૂર્વક ઉઠાવી લો. સ્વામીજીની આકાંક્ષા પૂર્ણ કરીને તેમને આનંદિત કરો. હું પ્રાર્થના કરું છું, તેમના મુખરિત હાસ્યની આભા આપણા સૌના ઉપર આશીર્વાદરૂપે વરસતી રહો!

Total Views: 421

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.