રાહત કાર્યો:

આંધ્ર પ્રદેશના વાવાઝોડાગ્રસ્ત લોકો માટે નેલ્લોર જિલ્લાના કોંડાપુરમ મંડલમના 6 ગામોના એક હજાર પરિવારોને રામકૃષ્ણ મઠના રાજમંદ્રી કેન્દ્ર દ્વારા જાન્યુઆરીમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું:

ચોખા 2400 કિ., આમલી 500 કિ., મીઠું 500 કિ., મરચું 250 કિ., ધોતિયાં 1000, સાડીઓ 1000, ચાદર 1700, તૈયાર વસ્ત્રો 753, જૂનાં વસ્ત્રો 4866, ટુવાલ 1000, ધાબળા 1000, ફાનસ 1000, ઍલ્યુમિનમ વાસણોના સેટ 1000

રામકૃષ્ણ મઠના ઢાકા કેન્દ્ર દ્વારા માણિકગંજ અને ટાંગેઈલ જિલ્લાઓના વાવાઝોડાગ્રસ્ત ભાગોમાં 424 મકાનોના બાંધકામની તૈયારીઓ ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના બશીરહાટના હિંગલગાજ બ્લોકમાં વાવાઝોડાગ્રસ્ત લોકો માટે રિલિફ કૅમ્પ ફરીથી ખોલવામાં આવ્યો છે. માલેકમ ઘુમટીના હાઈસ્કૂલ માટે એક નવું બે માળનું મકાન બાંધવામાં આવશે.

તામિલનાડુ:

રામકૃષ્ણ મિશનના કોયમ્બટુર કેન્દ્રમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ્ હસ્તે ત્યાંના શિક્ષણ મહાવિદ્યાલયના ‘રિસોર્સ ઍન્ડ ડૅવલપમૅન્ટ’ કેન્દ્ર સાથે સંલગ્ન કમ્યૂટરરાઈઝ્ડ બ્રેઈલ પ્રૉડક્શન સિસ્ટમ (Computerised Braille Production System)નું ઉદ્‌ઘાટન થયું હતું.

આંધ્ર પ્રદેશ:

રામકૃષ્ણ મઠના રાજમંદ્રી આશ્રમના મંદિરમાં શ્રીરામકૃષ્ણની આરસ પ્રતિમાની પ્રતિષ્ઠા રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળ:

રામકૃષ્ણ મિશનના શારદાપીઠ વિદ્યામંદિરના એક વિદ્યાર્થીએ કલકત્તા વિશ્વવિદ્યાલયની 1989ની પરીક્ષામાં બી.એસ.સી. (ઓનર્સ) રસાયણશાસ્ત્રમાં આઠમું સ્થાન મેળવ્યું છે.

ગુજરાત:

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા

પ્રેમાનંદ સાહિત્ય હૉલમાં સાંજે 4થી 8 સુધી 5મી જાન્યુઆરીએ આ કેન્દ્ર દ્વારા એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું. યુવા વર્ગને રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્યથી યોજાયેલ આ સંમેલનમાં કેટલાક યુવા ભાઈ-બહેનોએ પોતપોતાના નિબંધોનું વાચન કર્યું હતું. રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના પ્રવચન પછી પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ પણ હતો. લગભગ 200 શ્રોતાજનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ

6 જાન્યુઆરીએ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના સાંનિધ્યમાં નવાબગંજ હૉલમાં સાંજે 5-30થી 7-30 એક જાહેર સભા યોજાઈ હતી. યુવા પ્રતિનિધિઓના સુંદર વક્તવ્યો પછી ‘સ્વામી વિવેકાનંદનો સંદેશ’ એ વિષય પર સ્વામી સ્મરણાનંદજી મહારાજનું પ્રવચન હતું. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ આકર્ષક રહ્યો હતો. સભામાં લગભગ 200 શ્રોતાજનો ઉપસ્થિત હતા.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, લીંબડી

‘વર્તમાન યુગ માટે સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા’ એ વિષય પર શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું પ્રવચન 7મી જાન્યુઆરીએ યોજાયું હતું, જેમાં લગભગ 70 શ્રોતાજનો ઉપસ્થિત હતા.

શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભૂજ (કચ્છ)

9મી જાન્યુઆરીએ શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું જાહેર પ્રવચન આ કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં લગભગ 250 શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા. યુવકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. પ્રવચન પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો હતો. આ જાહેર સભા પહેલાં એક પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી, જેમાં પત્રકારોના વિવિધ પ્રશ્નોના ઉત્તર સ્વામી સ્મરણાનંદજી મહારાજે આપ્યા હતા.

શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર, આદિપુર (કચ્છ)

10મી જાન્યુઆરીએ આ કેન્દ્ર દ્વારા એક યુવ-સંમેલન યોજાયું હતું. જેમાં લગભગ 500 ભાઈ-બહેનો હાજર રહ્યાં હતા. ‘સ્વામી વિવેકાનંદનો આજના યુવા વર્ગ માટે સંદેશ’ એ વિષય પર યુવા ભાઈ-બહેનો માટે સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજીએ પોતાના પ્રવચન પછી યુવા ભાઈ-બહેનોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, જૂનાગઢ

આ કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી સપ્તાહ નિમિત્તે 15-1-90ના રોજ સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું. જેમાં લગભગ 400 યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જૂનાગઢના કૉલેજો-હાઈસ્કૂલનાં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ સ્વામી વિવેકાનંદ, શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીના જીવન અને સંદેશના વિવિધ પાસાંઓની સુંદર રીતે છણાવટ કરી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આ પ્રસંગે યુવા ભાઈ-બહેનોને સંબોધ્યા હતા અને તેમનાં પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. તે જ દિવસે સાંજે 4 વાગે કૃષિ યુનિવર્સિટીમાં પણ એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ પ્રશ્નોના ઉત્તર સ્વામીજીએ આપ્યા હતા. તે દિવસે સાંજે છ વાગે એક જાહેર સભાનું આયોજન થયું હતું જેમાં સ્વામી નિખિલેશ્વરાનંદે ‘વર્તમાનમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની પ્રાસંગિક્તા’ એ વિષે પ્રવચન આપ્યું હતું. સભામાં લગભગ 250 શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

શ્રીમા શારદાદેવીની 137મી જન્મતિથિ નિમિત્તે 19મી ડિસેમ્બર 1989ના રોજ સવારે 5-15થી બપોરે 1 વાગ્યા સુધી મંગલ આરતી, વિશેષ પૂજન, ભજન, હવન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. સાંજે આરતી પછી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા શ્રીમા શારદાદેવીના જીવન અને સંદેશને આવરી લેતાં પ્રવચનો પણ યોજાયાં હતાં.

24મી ડિસેમ્બર 1989ના રોજ ‘ક્રિસમસ ઈવ’ નિમિત્તે ઈસુ ખ્રિસ્તની પૂજા આરતી કરવામાં આવી હતી. આ પછી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા ઈસુ ખ્રિસ્તના જીવન અને સંદેશને આવરી લેતાં પરવચનો થયાં હતાં.

સ્વામી વિવેકાનંદની 127મી જન્મજયંતી નિમિત્તે બાલમંદિરથી માંડીને કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે 1થી 10 જાન્યુઆરી સુધી મુખપાઠ અને વક્તૃત્વસ્પર્ધા યોજાઈ હતી. આ વર્ષે 70થી વધુ શાળાઓમાંથી કુલ 3135 સ્પર્ધકો નોંધાયા હતા. જેમાંથી 2357 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓના 180 જેટલા ભાઈ-બહેનો પારિતોષિકને પાત્ર બન્યા હતા. પારિતોષિક વિતરણનો કાર્યક્રમ 18મી જાન્યુઆરીએ યોજાયો હતો. રાજકોટના જિલ્લા કલેક્ટર શ્રી પી.એન. રાયચૌધરી પ્રમુખ સ્થાને રહ્યા હતા અને પારિતોષિક વિતરણ કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના પ્રાધ્યાપક ડૉ. ભાનુપ્રસાદ પંડ્યા અતિથિ વિશેષરૂપે રહ્યા હતા.

18મી એ સવારના સ્વામીજીની જન્મતિથિ પ્રસંગે વિશેષ પૂજા, ભજન, હવન વગેરેનું આયોજન થયું હતું. આ ઉપરાંત સ્વામીજીની પાલખી સાથે યુવા ભાઈ-બહેનો અને ભક્તજનોએ સંકીર્તન કરતાં-કરતાં પરિક્રમા કરી હતી.

સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે રાજકોટની નીચેની અને અન્ય શાળા-કૉલેજોમાં શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને અન્ય સંન્યાસીઓનાં પ્રવચનો યોજાયાં હતાં:

  1. પી. ડી. માલવીયા કૉમર્સ કૉલેજ, રાજકોટ.
  2. શ્રીમતી કમલાબેન શાંતિલાલ નાથાલાલ કણસાગરા મહિલા કૉલેજ, રાજકોટ.
  3. એમ. વી. એમ. મહિલા કૉલેજ, રાજકોટ.
  4. બારદાનવાલા કન્યા છાત્રાલય, રાજકોટ.
  5. શ્રીમતી જે. જે. કુંડલીયા કૉમર્સ કૉલેજ, રાજકોટ

છબીલદાસ મૅમોરિયલ પ્રવચનમાળાના અનુસંધાને તા. 11મી જાન્યુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ અને 13મી જાન્યુઆરીએ શ્રીમા શારદાદેવી પર શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના પ્રવચનો યોજાયાં હતાં.

રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવ-સંમેલન

12મી જાન્યુઆરીએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે સવારે 8થી 12 એક યુવ-સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 360 યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજીએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે 1985થી આપણું રાષ્ટ્ર 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદના જન્મદિનને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવતું રહ્યું છે, કેટકેટલા યુવાનો સ્વામીજીના જીવન-સંદેશથી અનુપ્રાણિત થયા હતા, થયા છે અને ભવિષ્યમાં પણ થશે. રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ‘આજના યુવા વર્ગની સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદના સંદેશમાં તેમનો મળતો ઉકેલ’ વિષે અધ્યક્ષસ્થાનેથી બોલતાં કહ્યું હતું કે આજના યુવા વર્ગમાં જોવા મળતી મોટા ભાગની સમસ્યાઓ, બેરોજગારી, માદક દ્રવ્યોનું સેવન વગેરેનું કારણ તેમનામાં આત્મશ્રદ્ધા અને આત્મ-નિર્ભરતાનો અભાવ છે. તેમણે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદના સાહિત્યનું અધ્યયન આજના હતાશ અને દિશાહીન યુવા વર્ગને યોગ્ય માર્ગદર્શન આપશે અને તેમનામાં આત્મશ્રદ્ધા જગાડશે. પોતાના ચારિત્ર્ય નિર્માણ માટે અને માતૃભૂમિની સેવા માટે ઠેર-ઠેર અભ્યાસ વર્તુળોનો પ્રારંભ કરવા માટે તેમણે યુવા વર્ગને હાકલ કરી હતી.

સ્વામી સ્મરણાનંદજી મહારાજના પ્રવચન પછી એક કલાક સુધી પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. જેમાં યુવા ભાઈ-બહેનોએ પૂછેલા વિવિધ પ્રશ્નોના ઉત્તર સ્વામી સ્મરણાનંદજી મહારાજે આપ્યા હતા.

આ સંમેલનમાં 13 યુવા ભાઈ-બહેનોએ સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય એકતા, આપણી શિક્ષણ નીતિ, યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ અને આમ જનતા, મા શારદા અને આધુનિક નારી, સર્વધર્મસમન્વયના ઉદ્‌ગાતા શ્રીરામકૃષ્ણ, ચારિત્ર્ય ઘડતર, રાષ્ટ્રીય પુનનિર્માણ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ વગેરે વિષયો પર પોતાના મંતવ્યો અસરકારક રીતે રજૂ કર્યા હતા.

12મી એ સાંજે 6-30 વાગે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યક્ષસ્થાને સ્વામી સ્મરણાનંદજી મહારાજ હતા અને અતિથિવિશેષ તરીકે પ્રા. શ્રી કાન્તિકુમાર જે. જોશી, પ્રાચાર્ય, શ્રી પી. ડી. માલવીયા ગ્રૅજ્યુએટ ટીચર્સ કૉલેજ, રાજકોટ રહ્યા હતા. બીજા વક્તાઓ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન-દર્શન વિષે વિસ્તારપૂર્વક છણાવટ કરવામાં આવી હતી. લગભગ 300 શ્રોતાજનોએ આ કાર્યક્રમનો લાભ ઉઠાવ્યો હતો.

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.