સવારના આઠ-નવ વાગ્યા હશે. દોલયાત્રાના સાત દિવસ પછી, રામ, મનમોહન, રખાલ, નિત્યગોપાલ, વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક ભક્તોને ભાવ-અવસ્થા થઈ છે. ભાવ-અવસ્થામાં નિત્યગોપાલની છાતી લાલ થઈ છે. સૌ બેઠા એટલે માસ્ટરે ઠાકુરને પ્રણામ કર્યા. તેમણે જોયું કે, રાખાલ જમીન ઉપર ઢળી પડ્યા છે, ભાવમગ્ન અને બાહ્ય ભાનરહિત. ઠાકુર તેની છાતીએ હાથ મૂકીને ‘શાંત થાઓ’, ‘શાંત થાઓ’ એમ બોલે છે. રાખાલની આ બીજી ભાવ-અવસ્થા. એ કલકત્તામાં હોય ત્યારે પોતાના પિતાને ઘેર રહે, વચ્ચે વચ્ચે ઠાકુરનાં દર્શન કરવા જાય. એ અરસામાં તેઓ શ્યામપુકુરમાં આવેલી વિદ્યાસાગર મહાશયની સ્કૂલમાં કેટલાક દિવસ ભણ્યા હતા.

ઠાકુરે માસ્ટરને દક્ષિણેશ્વરમાં કહ્યું હતું કે, હું કલકત્તામાં બલરામને ઘેર જવાનો છું, તમે આવજો; એટલે એ એમનાં દર્શન કરવા આવ્યા છે. ફાગણ માસ, વદ સાતમ, સને ૧૮૮રની ૧૧મી માર્ચ, શનિવાર, શ્રીયુત બલરામ ઠાકુરને આમંત્રણ આપીને તેડી લાવ્યા છે.

ભક્તો ઓસરીમાં બેસીને પ્રસાદ લઈ રહ્યા છે. બલરામ સેવકની માફક ઊભા છે. તેમને જોતાં એમ ન લાગે કે, એ આ ઘરના માલિક હશે.

માસ્ટર આજે અહીં નવાસવા આવ્યા છે. હજી સુધી ભક્તોની સાથે પરિચય થયો નથી. માત્ર દક્ષિણેશ્વરમાં નરેન્દ્રની સાથે વાતચીત થયેલી.

કેટલાક દિવસ પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર શિવમંદિરનાં પગથિયાંની ઉપર ભાવમગ્ન થઈને બેઠેલા છે. ચાર-પાંચ વાગ્યાનો સમય હશે. માસ્ટર પાસે બેઠેલા છે.

થોડીક વાર પહેલાં ઠાકુર પોતાના ઓરડામાં જમીન ઉપર બિછાનું પાથરેલું હતું તેમાં આરામ કરતા હતા. હજી સુધી ઠાકુરની સેવાને માટે તેમની પાસે ભક્તોમાંથી કોઈ રહેતું નથી. હૃદયના ચાલ્યા ગયા પછી ઠાકુરની સેવામાં મુશ્કેલી પડે છે. કલકત્તાથી માસ્ટર આવ્યા એટલે ઠાકુર તેમની સાથે વાતો કરતાં કરતાં, શ્રીરાધાકાન્તના મંદિરની સામેના શિવમંદિરનાં પગથિયાં પર આવીને બેઠા હતા. પરંતુ મંદિર જોતાં અચાનક ભાવમગ્ન થયા છે.

ઠાકુર જગન્માતાની સાથે વાતો કરી રહ્યા છે. બોલી રહ્યા છે કે ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ મા, કોઈની ઘડિયાળ બરાબર ચાલતી નથી. તમને બરાબર સંપૂર્ણ રીતે કોણ સમજી શકે? પણ આતુર બનીને તમારું સ્મરણ કર્યે, તમારી કૃપાથી બધે રસ્તે થઈને તમારી પાસે પહોંચી શકાય. મા, ખ્રિસ્તીઓ દેવળમાં કેવી રીતે તમારી ઉપાસના કરે, તે એક વાર દેખાડો. પરંતુ મા, અંદર જાઉં તો માણસો શું કહેશે? જો કોઈ બૂમરાણ થાય તો? પાછા કાલિમંદિરમાં પેસવા ન દે તો?… એટલે પછી દેવળનાં બારણાં પાસેથી જ દેખાડજો.’

બીજે એક દિવસે ઠાકુર પોતાના ઓરડાની નાની પાટ પર બેઠા છે. આનંદમય મૂર્તિ-સહાસ્યવદન. શ્રીયુત કાલીકૃષ્ણની સાથે માસ્ટર આવી પહોંચ્યા.

કાલીકૃષ્ણને ખબર નહોતી કે. તેનો મિત્ર તેને ક્યાં લઈ જાય છે. મિત્રે કહેલું કે, કલાલની દુકાને જવું હોય તો મારી સાથે ચાલો; ત્યાં એક પીપ ભરીને દારૂ છે. માસ્ટરે આવીને ઠાકુરને પ્રણામ કરી લીધા પછી પોતાના મિત્રને જે કહ્યું હતું તે બધું કહી બતાવ્યું. ઠાકુર પણ હસવા લાગ્યા.

ઠાકુર બોલ્યા, “ભજનાનંદ, બ્રહ્માનંદ, એ આનંદ જ દારૂ, પ્રેમની સુરા. માનવજીવનનો ઉદેશ ઈશ્વર પર પ્રેમ થવો, ઈશ્વરને ચાહવો. ઈશ્વર પર ભક્તિ જ સારવસ્તુ. જ્ઞાન વિચાર કરીને ઈશ્વરને જાણવો બહુ જ કઠણ” એમ કહીને ઠાકુર ગીત ગાવા લાગ્યા:

‘કાલી કેવી એ કોણ જાણે મન,
ષડદર્શન નવ પામે દર્શન’… ઈત્યાદિ.

ઠાકુર શ્રીરામકૃષ્ણ વળી કહે છે કે, ઈશ્વરને ચાહવો એ જીવનનું ધ્યેય, જેમ કે વૃંદાવનમાં ગોપગોપીઓ, ગોવાળિયાઓ શ્રીકૃષ્ણને ચાહતા. જ્યારે શ્રીકૃષ્ણ મથુરા ગયા ત્યારે ગોવાળિયાઓ તેમના વિરહમાં રોતારોતા ફરતા. એમ કહીને ઠાકુર ઊર્ધ્વદૃષ્ટિ કરીને ગીત ગાય છે.

જોઈ આવ્યો એક નવીન ગોવાળ,
નવીન તરુની ડાળ ધરીને,
નવીન વત્સ ખોળે લઈને,
બોલે ક્યાંહાં રે ભાઈ કનાઈ…
વળી ‘ક’ વિના અક્ષર ના વે,
બોલે ક્યાં છો રે ભાઈ,
અને નયન-જળમાં તર્યે જાય….

ઠાકુરનું પ્રેમભર્યું ગીત સાંભળીને માસ્ટરનાં નેત્રોમાં જળ ભરાઈ આવ્યાં.

[શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ ૧ (૧૯૮૨) પૃ.સં.૩૧-૩૨]
Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.