શ્રી રામરૂપી શ્રી રામકૃષ્ણ

‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈં?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો – ‘બાબાજી, બસ પાસમેંહીં હૈ.’ એ રામાયતી સાધુ હર્ષોલ્લાસથી વિચારવા લાગ્યો : ‘હાશ! આટલા મહિનાની પદયાત્રાનો થાક હવે ઉતરશે.’ ‘મારા ઇષ્ટ શ્રીરામનાં દર્શન હવે થશે.’ આ કલ્પનાથી જ તેનું મન નાચી ઊઠ્યું. જે દિવસે તેને ખબર પડી હતી કે તેના ઇષ્ટ શ્રીરામ ભગવાને પૃથ્વી પર ફરી જન્મ લીધો છે અને શ્રીરામકૃષ્ણ પરમહંસ રૂપે દક્ષિણેશ્વરમાં નિવાસ કરી રહ્યા છે, ત્યારથી તેને તેમના પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી લાગી હતી. ‘અહો! કેટલા મહિનાની દર્શનાભિલાષા આજે પૂરી થશે.’ આમ વિચારતા નવીન ઉત્સાહથી તેણે ઝડપભેર ચાલવા માંડ્યું. દક્ષિણેશ્વરના મંદિરમાં પહોંચીને તરત જ તેણે પૂછ્યું, ‘પરમહંસ મહાશય કહાં હૈ?’ દક્ષિણેશ્વર મંદિરના કર્મચારીઓએ કહ્યું. ‘અરે, ઉન્હોંને તો કુછ દિન પહેલે શરીર છોડ દિયા.’ આ વાત સાંભળતાં જ તે સાધુ પર જાણે આભ તૂટી પડ્યું. ‘હમ ઇતના તક્લીફ કરકે ઉનકે વાસ્તે પૈદલ આતે હૈં ઔર વો શરીર છોડ દિયા?’ આમ કહીને રડવા લાગ્યો. અને દુ:ખી વિષાદ ભર્યા મનથી પંચવટીમાં ગુમસુમ બેસી રહ્યો. આમ ને આમ ત્રણ દિવસો પસાર થયા. પણ સાધુ તો ન બોલે કે ચાલે. લોકોએ સમજાવ્યું – કોઈએ અન્ન ગ્રહણ કરવાનું કહ્યું પણ તે તો ખાધાપીધા વગર એકલો ગુમસુમ બેસી રહ્યો. એક રાતે એક અદ્ભુત ઘટના બની. તેણે જોયું કે ગંગા તરફથી શ્રીરામકૃષ્ણદેવ દિગંબરરૂપમાં આવી રહ્યા છે, તેમના હાથમાં એક માટીનું પાત્ર છે. તેઓ બકુલતલા ઘાટ પર આવ્યા અને પેલા રામાયતી સાધુને પોતાના હાથમાં રહેલ માટીના પાત્રમાંથી ખીર ખવડાવી અને પછી અદૃશ્ય થઈ ગયા. સાધુ તૃપ્ત થયો, તેની મનોવાંછના પૂર્ણ થઈ. બીજે દિવસે સવારે જ્યારે આ ઘટનાની વાત તેણે આનંદથી રામલાલદાદા (શ્રીરામકૃષ્ણના ભત્રીજા શ્રી રામલાલ ચટ્ટોપાધ્યાય)ને કરી ત્યારે તેઓ તો સાંભળીને આશ્ચર્યચક્તિ થઈ ગયા અને પેલા રામાયતી સાધુના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. જે માટીના પાત્રમાં શ્રીરામકૃષ્ણદેવે સાધુને ખીર ખવડાવી હતી, તે પવિત્ર પાત્ર રામલાલદાદાએ સ્મૃતિરૂપે ઘણાં વર્ષો સુધી પોતાની પાસે સાચવીને રાખ્યું હતું.

શ્રીરામરૂપી શ્રીરામકૃષ્ણનાં દર્શન ઘણાએ કર્યા હતાં. બ્રાહ્મસમાજના નેતા પંડિત શિવનાથ શાસ્ત્રી એકવાર દક્ષિણેશ્વર ગયા હતા. શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં પ્રવેશ કરતી વખતે તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. શ્રીરામકૃષ્ણ તીર ધનુષ્ય લઈને બેઠા હતા! શ્રીરામકૃષ્ણ પંડિત શિવનાથ શાસ્ત્રીને તેમના સાત્વિક સ્વભાવ માટે ખૂબ જ ચાહતા. તેમને જોતાં વેંત તેઓ ધનુષ્ય પડતું મૂકીને દોડતાં શાસ્ત્રીજી પાસે આવ્યા. તેમને પ્રેમથી ગાઢ આલિંગન કર્યું. અને ભાવાવેશમાં મૂર્છિત થઈ ગયા.

શ્રીરામકૃષ્ણના અંતરંગ પાર્ષદ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજને એકવાર દર્શન આપી શ્રીરામકૃષ્ણદેવે કહ્યું – ‘તને ખબર છે, મારે (રામાવતારમાં) ચૌદ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો!’

શ્રીરામકૃષ્ણને ચોસઠ તંત્રોની સાધના કરાવનાર ભૈરવી બ્રાહ્મણી દક્ષિણેશ્વરમાં પંચવટીની નીચે પોતાના ઇષ્ટદેવ શ્રી રઘુવીરને નૈવેદ્ય ધરી રહ્યાં હતાં. ધ્યાન કરતાં કરતાં તેમને અપૂર્વ દર્શન થયાં. બાહ્યભાનનો લોપ થતાં તેમની આંખોમાંથી પ્રેમની અશ્રુધારા વહેવા લાગી. શ્રીરામકૃષ્ણદેવ એ સમયે એકાએક ત્યાં આવી ચડ્યા અને દૈવી આવેશમાં ધરાવેલ નૈવેદ્ય આરોગવા લાગ્યા. થોડીવાર પછી બ્રાહ્મણીને સંજ્ઞા આવતાં તેમણે આંખો ઉઘાડી અને પોતાને થયેલ દર્શનની સાથે આ દૃશ્યનું સામ્ય અનુભવતાં આનંદથી તેમના રુંવાડાં ઊભાં થઈ ગયાં. આવી રીતે શ્રીરામકૃષ્ણનાં શરીર અને મનમાં આશ્રય કરી રહેલા શ્રી રઘુવીરના જીવન્ત દર્શનનો લાભ મળવાથી પ્રેમગદ્‌ગદ્ ચિત્તે આંસુઓની ધારા સાથે દીર્ઘકાલ પર્યંત પૂજેલી પોતાની શ્રીરઘુવીર શિલાનું તેમણે ગંગામાં વિસર્જન કર્યું.

એકવાર શ્રીરામકૃષ્ણ (ગદાધર)ના પિતા શ્રીક્ષુદીરામ પોતાના ઇષ્ટ શ્રીરઘુવીરની પૂજા કરી રહ્યા હતા. તેઓ જ્યારે ધ્યાનમાં નિમગ્ન હતા ત્યારે બાળક ગદાધરે શ્રી રઘુવીરની પુષ્પમાળા પોતાના ગળામાં પહેરી લીધી અને પિતાને કહેવા લાગ્યો. ‘જુઓ મેં રઘુવીરનો વેશ ધારણ કર્યો છે. જુઓ તો ખરા, આ પુષ્પમાળા પહેરીને કેવો લાગું છું!’૧૦

શ્રીરામકૃષગદેવના દેહવિલય પછી શ્રી મા શારદાદેવી જ્યારે કામારપુકુરમાં રહેતા હતા ત્યારે તેમને પણ શ્રીરામકૃષ્ણના દર્શન થયાં હતાં. એક દિવસે શ્રીરામકૃષ્ણે શ્રીમાને દર્શન આપીને કહ્યું – ‘ખીચડી ખવડાવો.’ શ્રીમાએ ખીચડી રાંધીને શ્રીરામ – કૃષ્ણના ઇષ્ટ શ્રીરઘુવીરને ભોગ ધરાવ્યો. શ્રીમા પણ શ્રીરામકૃષ્ણને શ્રીરઘુવીરથી અભિન્ન માનતા.

શ્રીરામ અને શ્રીરામકૃષ્ણના ચરિત્રમાં સામ્ય

શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણમાં દિવ્યભાવ અને માનવભાવનું અદ્ભુત સંમિલન થયું હતું. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જેમ સાહસ, સુંદરતા, સહનશીલતા વગેરે માનવ ભાવોની સાથે શરણાગત વત્સલતા, ભક્તવત્સલતા, પતિતોદ્ધાર વગેરે દિવ્ય ભાવો પણ તેમનામાં એકી સાથે જોવા મળે છે.

ભારતના યશસ્વી કવિએ અયોધ્યાપતિ શ્રીરામચંદ્રજીના લોકોત્તર ચરિત્રનું વર્ણન કરતાં લખ્યું:

વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ ।
લોકોત્તરણાં ચેતાંસિ કોનું વિજ્ઞાતુમર્હતિ ॥

શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પણ બાળકની સરળતા અને મહામાનવની કઠોરતા એકીસાથે જોવા મળે છે.

શ્રીરામ સત્યનિષ્ઠ હતા. પિતાએ આપેલ વચનને પૂરું કરવા સ્વેચ્છાથી પોતે ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો. શ્રીરામકૃષ્ણ પણ બાળપણથી જ સત્યનિષ્ઠ હતા. તેમણે ધની લુહારણને વચન આપ્યું હતું કે ઉપનયન સંસ્કાર વખતે પહેલી ભિક્ષા તેની પાસેથી જ લેશે. પરિવારના લોકોના સખત વિરોધ છતાં તેમણે પોતાનું વચન પાળ્યું. શ્રીરામકૃષ્ણે જગદંબાને ધર્મ-અધર્મ, પાપ-પૂણ્ય, સારું-નરસું, યશ-અપયશ વગેરે દેહ – મનનું સર્વસ્વ અર્પણ કરી દેવા છતાંયે તેઓ ‘આ લે તારું સત્ય અને આ લે તારું અસત્ય’ એમ કહી શક્યા નહિ. અદ્ભુત સત્યનિષ્ઠા તેમનામાં હતી. જે દિવસે જે ઠેકાણે જઈશ એમ બોલતા તે દિવસે તેઓ ત્યાં બરાબર સમયસર પહોંચતા જ. આની પાસેથી અમુક વસ્તુ લઈશ એમ કહ્યા પછી તેના સિવાય બીજા કોઈની પાસેથી તે ચીજ લઈ શકતા જ નહિ! જે દિવસે બોલ્યા કે હવેથી અમુક વાનગી ખાઈશ નહીં કે અમુક કામ હવેથી કરીશ નહીં, તે દિવસથી ફરીથી તે ખાઈ શક્તા નહીં કે કરી શકતા નહીં.

શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણ પણ માતાપિતાને સ્નેહ કરતાં અને તેમની આજ્ઞાનું પાલન કરતા. શ્રીરામકૃષ્ણ જ્યારે વૃન્દાવન ગયા હતા ત્યારે તેમણે ત્યાં જ રહી જવાનું લગભગ નક્કી કરી નાખ્યું પણ માતાને આથી દુ:ખ થશે એમ સંભારીને તરત જ કલકત્તા રવાના થયા.

વિનય-પત્રિકામાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે. ‘મૈં પતિત તુમ પતિત-પાવન, દોઉ બાનક બને’ ‘હું પતિત છું, અને તમે પતિતપાવન છો એટલે બન્નેનો હવે સુમેળ થઈ ગયો.’ શ્રીરામચંદ્રજીની જેમ શ્રીરામકૃષ્ણ પણ પતિતપાવન હતા. ગિરિશ ઘોષ, નટી વિનોદિની, પદ્ધવિનોદ, કૃષ્ણદત્ત બિહારી, ભગવતી દાસી, મન્મથ ગુંડો વગેરે શ્રીરામકૃષ્ણના દિવ્ય સ્પર્શથી પાવન બન્યા હતા. બીજાઓનાં પાપ ગ્રહણ કરવાથી શ્રીરામકૃષ્ણને કેન્સરનો રોગ થઈ ગયો તો પણ તેમણે પતિતોના ઉદ્ધારનું કાર્ય બંધ ન કર્યું. શ્રીરામની જેમ શ્રીરામકૃષ્ણ પણ અહેતુક દયાસિન્ધુ શરણાગત વત્સલ હતા. જ્યારે રાવણનો ભાઈ વિભિષણ શ્રીરામની શરણે આવ્યો ત્યારે બીજાઓની તેના વિશે શંકા હોવા છતાં તેમણે તેને શરણ આપ્યું હતું અને કહ્યું હતું –

કોટિ વિપ્ર વધ લાગહિ જાહું ।
આયે શરન તજઉં નહિ તાહુ ॥
(રામચરિત માનસ ૫/૪૪/૧)

‘જો કોઈ કોટિ બ્રાહ્મણોની હત્યા કરીને પણ મારી શરણે આવશે તો પણ હું તેનો ત્યાગ નહિ કરું’

શ્રીરામકૃષ્ણ પણ ભક્તોને, પાપીતાપીઓ વગેરે બધાને તેમની કુલ, મર્યાદા, જાતિ, વગેરે પર ધ્યાન ન આપી શરણ આપ્યું. એકવાર કામારપુકુરમાં વરસાદના દિવસોમાં ચાલતી વખતે એક માછલી તેમના શ્રીચરણો નીચે આવી ગઈ, તેમણે દયાર્દ્ર ચિત્તે સાથે ચાલવાવાળાને કહ્યું – ‘અરે! શરણાગત થઈ છે, તેને પાણીમાં છોડી આવો’ એટલે જ સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણની આરતી – સ્તુતિમાં કહે છે – ‘નિષ્કારણ ભક્ત શરણ ત્યજી જાતિ કુલ માન’

(કમશ:)

સંદર્ભ સૂચિ

૮. ઉદ્‌બોધન વર્ષ : ૪૯ પૃ. સં. ૫૩
૯. ‘પ્રબુદ્ધ ભારત’ ફેબ્રુઆરી ૧૯૩૬ પૃ. સં. ૮૨
૧૦. શ્રીરામકૃષ્ણ પુંથી (તૃતીય સંસ્કરણ) ઉદ્‌બોધન કાર્યાલય, કલકત્તા પૃ. સં. ૧૧
૧૧. ‘શ્રીશ્રી માયેર કથા’ (૧૫મું સંસ્કરણ) ઉદ્‌બોધન કાર્યાલય, કલકત્તા પૃ. સં. ૨૧૦

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.