શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના

માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે તેઓ છ માસ સુધી સ્ત્રીનો વેશ ધારણ કરી રહ્યા હતા. આ પ્રમાણે સ્ત્રીનાં વસ્ત્રાભૂષણો પહેરીને શ્રીહરિપ્રેમ નિમગ્ન વ્રજગોપિકાઓના ભાવમાં એટલા બધા મગ્ન થઈ રહેલા કે પોતે પુરુષ હોવાનું ભાન તદ્દન અદૃશ્ય થઈ જતું – દરેક વિચાર ચેષ્ટા અને વાણીમાં સ્ત્રી જેવા બની ગયા હતા. આ વેશમાં તેમને ઓળખી કાઢવા તેમના નિત્ય પરિચિત સંબંધીઓને પણ મુશ્કેલ લાગતું. શ્રીરામકૃષ્ણના ભાણેજ હૃદયરામ કહેતા, “દક્ષિણેશ્વરમાં મામા હંમેશા સવારે પુષ્પ ચયન કરતા ત્યારે મેં ધ્યાન દઈને જોયું છે કે સ્ત્રીની માફક તેમનો ડાબો પગ દરેક પગલે આપોઆપ પ્રથમ ઊપડતો.” ભૈરવી બ્રાહ્મણી કહેતાં કે “ઠાકુર એ પ્રમાણે ફૂલ એકઠાં કરતા ત્યારે મને વખતે વખતે ભ્રમ થયો કે સાક્ષાત્ શ્રીમતી રાધારાણી છે.” ફૂલ એકઠાં કરીને તેની સુંદર માળા ગૂંથી શ્રીરામકૃષ્ણ શ્રીરાધાગોવિંદને પહેરાવતા. શ્રી જગદંબાને પહેરાવીને વ્રજગોપિકાઓની માફક શ્રીકૃષ્ણને સ્વામી તરીકે પ્રાપ્ત કરવા માટે કરુણામયી શ્રી કાત્યાયનીને આતુરતાથી પ્રાર્થના કરતા.

શ્રીકૃષ્ણના વિરહના પ્રબળ પ્રભાવે એ કાળમાં તેમના શરીરનાં રૂંવાડાંનાં છિદ્રોમાંથી લોહી ટપકતું, શરીરની યાતનાને લીધે ઇન્દ્રિયો તદ્દન બંધ પડી ગઈ હોવાથી દેહ મડદાની માફક જડ અને બેભાન પડી રહેતો. સ્ત્રી હોવાની ભાવના કરતાં કરતાં તેઓ તે ભાવનામાં એટલા બધા તન્મય થઈ ગયા હતા, કે આ સાધના દરમિયાન સ્વપ્નમાં કે ભૂલથી પણ કોઈ દિવસ પોતાને પુરુષ તરીકે માનતા નહિ અને સ્ત્રી શરીરની માફક તમામ કાર્યોમાં તેમનું શરીર અને ઇન્દ્રિયો સહજભાવે પ્રવૃત્ત થતાં, ત્યાં સુધી કે શરીરમાં સ્વાધિષ્ઠાન ચક્ર છે તે જગ્યાએ રુંવાડાનાં છિદ્રોમાંથી તેમને આ વખતે દર માસે નિયમિત સમયે ટીપું ટીપું લોહી નીકળતું અને સ્ત્રી શરીરની માફક દરેક મહિને ઉપરા-ઉપરી ત્રણ દિવસ સુધી આ પ્રમાણે થતું! ૧૭

શ્રીમતી રાધારાણીની કૃપા સિવાય શ્રીકૃષ્ણદર્શન અશક્ય સમજીને શ્રીરામકૃષ્ણ તે સમયે એકાગ્રચિત્તે તેમની ઉપાસનામાં પ્રવૃત્ત થયા હતા – પરિણામે થોડા વખતમાં જ તેઓ શ્રીમતી રાધારાણીનાં દર્શનનો લાભ મેળવી કૃતાર્થ થયા હતા. બીજાં દેવદેવીઓના દર્શન વખતે તેમને જેમ અનુભવ થયો હતો તે પ્રમાણે આ દર્શન વખતે પણ તે મૂર્તિ એમના અંગમાં મળી ગઈ. તેઓ કહેતા, “શ્રીકૃષ્ણ પ્રેમમાં સ્વસ્વ હારી બેઠેલી એ નિરુપમ પવિત્ર ઉજ્જવળ મૂર્તિનાં મહિમા અને માધુર્યનું વર્ણન કરવું અશક્ય છે. શ્રીમતીના અંગની કાન્તિ નાગકેસરના ફૂલના કેસરતાંતણા જેવી ગૌરવર્ણની દીઠેલી. ૧૮

આ દર્શન પછી શ્રીમતી રાધારાણીની માફક તેમનામાં પણ મધુરભાવની પરાકાષ્ઠામાંથી ઉત્પન્ન થતા મહાભાવના સર્વ લક્ષણો દેખાઈ આવ્યાં. આ પ્રેમના પ્રભાવે થોડા વખત પછી સચ્ચિદાનંદઘનવિગ્રહ ભગવાન શ્રીકૃષ્ણના પુણ્ય દર્શનનો લાભ તેમને મળ્યો હતો. તેમણે જોયેલી તે મૂર્તિ બીજી બધી મૂર્તિની માફ્ક તેમના શ્રીઅંગમાં સમાઈ ગઈ હતી. આ દર્શન પછી શ્રીરામકૃષ્ણ શ્રીકૃષ્ણચિંતનમાં સંપૂર્ણ રીતે તન્મય બની પોતે તેનાથી ભિન્ન હોવાનું ભાન ભૂલી જઈ, કોઈ વખત પોતે ભગવાન શ્રીકૃષ્ણ હોવાનો અનુભવ કરતા તો વળી કોઈ વખત ‘આબ્રહ્મસ્તંભપર્યન્ત’ ને શ્રીકૃષ્ણ સ્વરૂપે જોતા. એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે બાગમાંથી એક ફૂલ લાવીને હર્ષથી સ્વામી શારદાનંદજીને કહ્યું હતું. “ત્યારે (મધુરભાવની સાધનાકાળે) જે કૃષ્ણમૂર્તિ દેખતો તેના અંગનો આવો જ રંગ હતો.” ૧૯

શ્રીરામકૃષ્ણની વૃન્દાવનની તીર્થયાત્રા

શ્રીરામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે કાશી, પ્રયાગ, વૃન્દાવન વગેરે સ્થાનોની તીર્થયાત્રામાં ગયા હતા. વૃન્દાવનમાં બાંકેબિહારીની મૂર્તિનાં દર્શન કરીને તેમને અદ્ભુત ભાવાવેશ થયેલો, સુધબુધ ભૂલી જઈને તેમને આલિંગન કરવાને દોડી પડેલા! સંધ્યાકાળે ગાયોનું ધણ લઈને જમુના પાર કરીને વગડેથી પાછા ફરી રહેલા બાળગોવાળોને જોતાં જોતાં તેમની અંદર મોરપિચ્છધારી નવનીરદશ્યામ ગોપાલકૃષ્ણના દર્શન પ્રાપ્ત થતાં, તેઓ પ્રેમવિભોર થઈ ઊઠેલા. નિધુવન, ગોવર્ધન વગેરે વ્રજનાં કેટલાંક સ્થાનોએ પણ દર્શન કરવાને તેઓ ગયેલા. આ બધાં સ્થાનો તેમને વૃન્દાવન કરતાં વધારે સરસ લાગેલાં અને વ્રજેશ્વરી શ્રીરાધા તથા કૃષ્ણના વિવિધ ભાવે દર્શન કરીને એ બધાં સ્થળોએ પણ એમનામાં ગાઢ પ્રેમ જાગ્રત થઈ ઊઠેલો. વ્રજની નૈસર્ગિક શોભા, સાધુ તપસ્વીઓનું નિરંતર ઈશ્વરચિંતનમાં મગ્ન રહેવું, સખી વ્રજવાસીઓનું કપટરહિત વર્તન અને નિધુવનમાં સિદ્ધપ્રેમિકા વૃદ્ધા તપસ્વિની ગંગામાતાના દર્શન પામીને તો તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા હતા કે એમને થતું કે વ્રજ છોડીને પોતે હવે બીજે ક્યાંય જશે નહિ, અહીં જ બાકીનું જીવન વિતાવી કાઢશે. પણ છેવટે પોતાની માતા (ચંદ્રામણી દેવી)ના કષ્ટનો ખ્યાલ કરીને તેમણે પોતાનો વિચાર બદલ્યો હતો.

વૃન્દાવનની તીર્થયાત્રાનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું, “હું વૃન્દાવન ગયો હતો મથુરબાબુની સાથે. જ્યાં મથુરાનો ધ્રુવઘાટ જોયો. ત્યાં એની મેળે જે આપોઆપ દર્શન થયાં કે વસુદેવ કૃષ્ણને લઈને યમુના પાર કરી રહ્યા છે.”

“વળી સંધ્યા વખતે યમુનાની રેતીમાં ફરી રહ્યા છીએ. રેતી ઉપર નાનાં નાનાં ઘાસનાં ઝૂંપડાં, મોટાં બોરડીનાં ઝાડ. જોયું તો ગોરજ વખતે ગાયો ગોચરમાંથી પાછી આવી રહી છે, ચાલતી ચાલતી યમુના પાર ઊતરી રહી છે. તેમની પાછળ જ કેટલાક ગોવાળિયા ગાયોને લઈને યમુના પાર ઊતરી રહ્યા છે. જેવું એ બધું જોયું કે તરત જ ‘કૃષ્ણ ક્યાં?’ એમ બોલતોકને હું બેહોશ થઈ પડ્યો!”

“શ્યામકુંડ, રાધાકુંડ વગેરેનાં દર્શન કરવાની મને ઈચ્છા થઈ હતી. મથુરબાબુએ પાલખી કરી આપીને મને રવાના કર્યો. રસ્તો ઘણોય લાંબો હતો, એટલે પૂરી, જલેબી વગેરે ખાવાનુંય પાલખીની અંદર સાથે આપેલું, ખેતરમાં થઈને પસાર થતા મનમાં એવું લાગીને રોવા લાગ્યો કે, ‘અરે! કૃષ્ણ રે! આ બધાં સ્થાનો રહ્યાં છે, પરંતુ તમે નથી! અરે! આ એ જ ખેતરો કે જ્યાં તમે ગાયો ચરાવતા!” ૨૦

અદ્ભુત હતી શ્રીરામકૃષ્ણની વૃન્દાવન પ્રત્યેની ભક્તિ! ત્યાંની પવિત્ર રજ લાવીને તેમણે દક્ષિણેશ્વરમાં પંચવટીતળે નાખી હતી.

શ્રીરામકૃષ્ણ અને વૃન્દાવનલીલા

વૃન્દાવનલીલાની વાત કરતાં કરતાં શ્રીરામકૃષ્ણ ઉત્સાહમાં આવી જતા. જ્યારે જોતા કે એમની પાસે આવતા અંગ્રેજી ભણેલા યુવાનોને વૃન્દાવનલીલાની વાત રુચતી નથી, ત્યારે કહેતા કે “તમે લોકો એ લીલામાં રહેલી શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રીમતીના મનની તાલાવેલીને જ ફક્ત જુઓ અને પકડોને. એ જાતનું મનનું ખેંચાણ ઈશ્વર તરફ થાય ત્યારે તેને મેળવી શકાય. જરા જુઓ તો ખરા, ગોપીઓ પોતાનાં પતિ, પુત્ર, કુળ-શીલ, માન-અપમાન, લજ્જા-ઘૃણા, લોકભય, સમાજભય બધું છોડીને શ્રી ગોવિંદને માટે કેટલી હદે પાગલ થઈ ગયેલી! એ પ્રમાણે કરી શકાય ત્યારે ભગવાનલાભ થાય!” ૨૧

સ્વામી વિવેકાનંદ એકવાર શ્રીરામકૃષ્ણની પાસે રાધાકૃષ્ણની વૃન્દાવનલીલાની ઐતિહાસિકતા સંબંધે શંકા ઉઠાવીને એ બધી ખોટી વાતો છે એમ પુરવાર કરવાના પ્રયાસો કરવા લાગેલા. તે જોઈને શ્રીરામકૃષ્ણે એમને કહ્યું કે, ‘અચ્છા, માની લીધું કે શ્રીમતી રાધિકાના નામની કોઈ વ્યક્તિ કોઈ દિવસ હતી નહિ, કોઈક પ્રેમિક સાધકે રાધાનું પાત્ર કલ્પેલું છે. પરંતુ એ પાત્રની કલ્પના કરતી વખતે પણ એ સાધકને શ્રીરાધાના ભાવે એકદમ તન્મય થઈ જવું પડેલું એ વાતને માનીશ ને? એમ થતાં તો એ સાધક જ એ વખતે પોતાને ભૂલી જઈને રાધા બની ગયેલો અને વૃન્દાવનલીલાનો અભિનય એ રીતે સ્થૂળભાવે પણ થયેલો, એ વાત સાબિત થાય છે!’ ૨૨

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં કેટલાય પ્રસંગો મળે છે – જ્યારે શ્રીરામકૃષ્ણ શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિથી ભાવાવેશમાં કૃષ્ણના નામનો ઉચ્ચાર કરતાં કરતાં સમાધિમાં ચાલ્યા જાય છે, અથવા કીર્તનમાં મસ્ત થઈ જાય છે. ભાગવતપાઠ સાંભળતી વખતે, કે હરિકીર્તન કરતાં કરતાં, કે રથયાત્રા કે દોલયાત્રાના ઉત્સવમાં ભાગ લેતી વખતે શ્રીરામકૃષ્ણ આમ શ્રીકૃષ્ણ ભક્તિના પૂરમાં તણાઈ જતા. ક્યારેક અક્રૂર, ક્યારેક ગોપી ક્યારેક રાધા અથવા ક્યારેક યશોદાના ભાવનું આરોપણ પોતાનામાં કરતા અથવા તો ક્યારેક તો પોતાને શ્રીકૃષ્ણ માનતા!

એકવાર કલકત્તાના ‘મેદાન’ પાસે એક ઝાડ તળે એક યુરોપિયન છોકરાને ત્રિભંગ ઊભેલો જોઈને તેમને શ્રીકૃષ્ણનું ઉદ્દીપન થયું હતું. એકવાર દક્ષિણેશ્વરમાં ‘કુઠી’ બંગલાની સામે અર્જુનના રથમાં બેઠેલા શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં. આમ કેટલીય વાર તેમને સ્વપ્નમાં અથવા ભાવાવેશમાં શ્રીકૃષ્ણનાં દર્શન થતાં. અદ્ભુત હતી શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણભક્તિ!

‘તવ કથામૃતમ્’

રાસલીલા કરતી વખતે શ્રીકૃષ્ણ જ્યારે અંતર્ધાન થઈ ગયા ત્યારે ગોપિકાઓએ શ્રીકૃષ્ણને રીઝવવા સ્તુતિ કરતાં કહ્યું હતું –

તવ કથામૃતમ્ તપ્તજીવનમ્ કવિભિરીડિતં કલ્મશાપહમ્ ।
શ્રવણમંગલમ્ શ્રીમદાતતમ્ ભૂવિગૃણન્તિ યે ભૂરિદાજના: ॥

શ્રીરામકૃષ્ણની વાણી પણ શ્રીકૃષ્ણની વાણીની જેમ અમૃતમય હતી એટલે જ કદાચ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ – ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’એ આ પુસ્તકના મંગલાચરણમાં ઉપરનો શ્લોક મૂક્યો!

ગીતાનો સંદેશ

ગીતાના મુખ્ય સંદેશ વિષે શ્રીરામકૃષ્ણ કહેતા કે દસ વાર ‘ગીતા ગીતા’ ઉચ્ચારવાથી ‘તાગી તાગી’ થઈ. ત્યાગ એ જ ગીતાનો મુખ્ય સંદેશ. શ્રીરામકૃષ્ણનું જીવન જાણે કે ગીતાના આ મુખ્ય સંદેશની વ્યાખ્યારૂપ હતું, તેઓ ત્યાગીઓના બાદશાહ હતા. કામ, કાંચન, કીર્તિ સર્વસ્વના આવા અદ્ભુત ત્યાગનું ઉદાહરણ ધર્મજગતના ઇતિહાસમાં ક્યાંય જડતું નથી.

ઉપસંહાર

શ્રીરામકૃષ્ણની પોતાના સંબંધે સ્વીકૃતોક્તિ ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર હોવા છતાં સગુણ સાકાર થાય છે, પૃથ્વીનો ભાર ઉતારવા અવતરે છે. યુગના પ્રયોજન અનુસાર વિભિન્ન રૂપોમાં – શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીચૈતન્ય, શ્રીબુદ્ધ વગેરેનાં રૂપોમાં તેમની લીલાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. પણ શ્રીરામકૃષ્ણ – અવતારમાં પૂર્વના બધા અવતારોની લીલાઓનું થોડું પુનરાવર્તન જોવા મળે છે, વળી નવીન અભૂતપૂર્વ લીલા પણ જોવા મળે છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણની લીલાઓની સાથે શ્રીરામકૃષ્ણની અવતાર લીલાના સામ્યની થોડી ચર્ચા આપણે કરી. આવી જ રીતે અન્ય અવતારોના જીવનસંદેશ સાથે પણ તેમના જીવન-સંદેશનું સામ્ય છે. માટે જ સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણના પ્રણામમંત્રમાં તેમને ‘સર્વધર્મસ્વરૂપ’ અને ‘અવતારવરિષ્ઠ’ તરીકે બિરદાવે છે. પણ આની વિસ્તૃત ચર્ચા અહીં પ્રાસંગિક નથી.

ખરેખર તો આ વિષય અત્યંત ગહન છે, સાધના સાપેક્ષ છે, આપણી સાધારણ બુદ્ધિને અગમ્ય છે. માટે શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં પ્રાર્થના કરીએ, “હે પ્રભુ, તમે ખરેખર કોણ છો તે સમજવાની પણ શક્તિ અમારામાં નથી, એવી શ્રદ્ધાભક્તિ પણ અમારી પાસે નથી, આ શક્તિ, શ્રદ્ધા, ભક્તિ પણ તમે જ અમને આપો.”

હરિ: ૐ તત્ સત્

સંદર્ભસૂચિ

૧૭. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ -૨ સાધકભાવ (૧૯૯૦) પૃ.સં. ૧૯૩
૧૮. એજન પૃ.સં. ૧૯૨
૧૯. એજન પૃ.સં. ૧૯૪
૨૦. શ્રીરામકૃષ્ણ કથામૃત-૧ (૧૯૮૨) પૃ.સં. ૩૭૧ -૩૭૨
૨૧. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ-૨ સાધકભાવ (૧૯૯૦) પૃ.સ. ૧૭૮
૨૨. એજન પૃ.સં. ૧૭૯

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.