[શ્રીરામકૃષ્ણભક્તમાલિકા:- પ્રથમ ભાગ: લેખક: સ્વામી ગંભીરાનંદ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ, મૂલ્ય રૂ. ૩૬/૪૧: ઑગસ્ટ ૧૯૮૯]

કોઈ પક્ષીવિદ્ સજ્જન ઊંચી અગાશીએ ચડી વિવિધ પ્રકારના પક્ષીધ્વનિ વહેતા કરે તે રીતે, દક્ષિણેશ્વરની અગાશીએ ચડી, સંધ્યા આરતીની ઝાલર રણકતી હોય તે ટાણે શ્રીરામકૃષ્ણ આર્તસ્વરે પોકારતા: ‘અરે, મારા વહાલા શિષ્યો! તમે ક્યાં છો? તમારા વિના મારાથી હવે રહેવાતું નથી અને પેલા પક્ષીપ્રિય સજ્જન પાસે એના ધ્વનિના પ્રત્યુત્તરમાં જાતભાતનાં પંખીઓ ઊડી આવે તે રીતે શ્રીરામકૃષ્ણ પાસે એક પછી એક એમના શિષ્યો આવવા લાગ્યા. એ રીતે આવેલા શિષ્યોમાંથી બાર શિષ્યોના જીવનની વધતી ઓછી અમૂલ્ય માહિતી આપતું પુસ્તક તે સ્વામી ગંભીસનંદે મૂળ બંગાળીમાં લખેલા પુસ્તકનો શ્રીમતી જ્યોતિબહેન થાનકીએ કરેલો આ સુવાચ્ય અનુવાદ છે.

પુસ્તકના આ પ્રથમ ભાગમાં સ્વામી વિવેકાનંદ (નરેન્દ્રનાથ), બ્રહ્માનંદ (રાખાલચંદ્ર), યોગાનંદ (યોગીન), પ્રેમાનંદ (બાબુરામ), નિરંજનાનંદ (નિત્યનિરંજન), શિવાનંદ (તારકનાથ), શારદાનંદ (શરત્), રામકૃષ્ણાનંદ (શશી), અભેદાનંદ (કાલીપ્રસાદ), અદ્ભુતાનંદ (લાટુ), તુરીયાનંદ (હરિનાથ) અને અદ્વૈતાનંદ (મોટા ગોપાલ)ની જીવનકથા, ઠાકુર સાથેનું એમનું મિલન, ઠાકુરે કરેલું તેમનું ઘડતર, એમની સાધના અને સિદ્ધિઓ વગેરે બાબતોનો સમાવેશ થયેલો છે.

ઈ.સ. ૧૮૬૧થી ૧૮૭૦નો દાયકો ભારતના ભાગ્યવિધાતાઓના જન્મનો દાયકો બન્યો હોય તેવું લાગે છે. સને ૧૮૬૧માં કવીવર રવીન્દ્રનાથ ઠાકુરના જન્મથી તે આરંભાય છે. શ્રીરામકૃષ્ણના આ બારમાંના દસ શિષ્યવરો આ દાયકામાં જન્મેલા છે ને મહાત્મા ગાંધીજી પણ આ જ દાયકામાં ૧૮૬૯માં અવતર્યા હતા. સ્વામી અદ્વૈતાનંદ (ગોપાલદા) ઠાકુરથીયે આઠેક વર્ષ મોટા, સને ૧૮૨૮ આસપાસ જન્મ્યા હતા અને સ્વામી શિવાનંદ (તારકનાથ) સને ૧૮૫૪માં, બાકીના તમામ અદ્ભુતાનંદ (લાટુ) સુદ્ધાં આ દાયકામાં જ જન્મ્યા હતા (૧૮૮૬ના ઑગસ્ટની ૧૬મી તારીખે, કાશીપુરના ઉદ્યાનગૃહમાં, શ્રીરામકૃષ્ણના મહાનિર્વાણ પછી લેવાયેલી એક સમૂહછબીમાં જોતાં, તેઓ તેમની પાછળ ઊભેલા રામકૃષ્ણાનંદ અને બાજુએ ઊભેલા બ્રહ્માનંદ જેવડા જ દેખાય છે)

આ બાર અને આ ગ્રંથના બીજા ભાગમાં જેમની કથા મંડાઈ છે તે સૌ ગુરુભાઈઓની સાધના, તપસ્યા, તેમના ત્યાગ, વૈરાગ્ય, સિદ્ધિ-પ્રાપ્તિ, તેમણે કરેલી સેવાશુશ્રૂષા, તેમનાં વ્યાખ્યાન-સાહિત્ય, તેમની આધ્યાત્મિક ચેતનાજાગૃતિ, તેમની વચ્ચે રુચિબુદ્ધિ, વગેરેના ભેદો છતાં શ્રીરામકૃષ્ણ પ્રત્યેના તેમના અનુરાગમાં, તેમણે ચીંધેલે માર્ગે આગળ જવામાં તથા ‘શિવજ્ઞાને જીવસેવા’ ના તેમના ઉપદેશના અમલમાં સૌ એક હતા. આ અદ્ભુત સુંદર પુસ્તક વાંચતાં જણાશે કે એમાંના દરેક ભારતમાતાની કૂખ ઉજાળનાર મહાન સપૂત હતા, આધ્યાત્મિક પ્રકાશથી દીપ્તિમંત હતા અને ત્યાગ કે સેવા, તપ કે સાધના, અપરિગ્રહ કે અમાનીપણું, ટૂંકમાં કહીએ તો, ગીતાના ૧૬મા અધ્યાયના આરંભમાં જણાવાયેલી દૈવી સંપત્તિનું એક જ્વલંત, ઉત્કૃષ્ટ ઉદાહરણ હતા. ‘ભક્તમાલિકા’ના આ જવાહરો ગીતાના સ્થિતપ્રજ્ઞનાં, યોગીનાં, ભક્તનાં, જ્ઞાનીનાં હાલતાંફરતાં ઉદાહરણો હતાં.

આમાંના પ્રત્યેકની કુલકથાની વહી વાંચતાં, પ્રત્યેકના કુળની ભૂમિકા, જ્ઞાતિબદ્ધ સમાજમાં જ્ઞાતિ, બંગાળના જમીનદારી પ્રધાન અર્થતંત્રમાં અને અંગ્રેજોના સંપર્કથી ઊભી થયેલી અંગ્રેજી ભણી પાશ્ચાત્ય સંસ્કારના રંગે રંગાયેલાઓની નવી સમાજવ્યવસ્થામાં મોભો, આર્થિક સ્થિતિ, ભણતર, ધાર્મિક કે આધ્યાત્મિક રુચિ, આ બધાંમાં બધા એકમેકથી નોખા પડતા હતા. રાખાલ અને બાબુરામ જમીનદારોના દીકરા હતા, નરેન્દ્રના અને તારકના પિતા કલકત્તાના તે સમયના આગેવાન વકીલો હતા. શરત્ ચક્રવર્તીના પિતા મોટી ફાર્મસીના માલિક હતા. તો લાટુના પિતા સામાન્ય ગોપાલક હતા. યોગીન અને હરિનાથ, બીજાઓની તુલનાએ, બાળવયમાં જ ઠાકુરનાં દર્શનનો અને પરિચયનો લાભ પામ્યા હતા. નરેન્દ્રને અજ્ઞેયવાદ સતાવી રહ્યો હતો અને ઈશ્વર છે કે નહીં તેની મૂંઝવણ દૂર કરવા માટે તે ઠાકુર પાસે ગયા હતા. વળી, નરેન્દ્ર અને રાખાલ વિશે કહેવું હોય તો કહી શકાય કે, એ બંને બ્રાહ્મસમાજની ખડકી કૂદી દક્ષિણેશ્વર આવ્યા હતા. ગોપાલદાને બાદ કરતાં લગભગ દરેક ૧૪થી ૧૯ વર્ષની વચ્ચેની વયના, અંગ્રેજીમાં ‘ટીન એયજર’ કહેવાય છે તેવડા હતા; શશી વીસ વર્ષના હતા. એકંદરે સૌ કૈશોર્ય વટાવી, યુવાનીને ઊંબરે ડગ માંડતા, મૂછનો દોરો ફૂટુંકૂટું થતો હોય તેવડા હતા. કાગદીનો ધંધો કરતા ગોપાલદા મોટી વયે આવ્યા હતા. પત્નીનું અવસાન થતાં તેમનું મન સંસારમાંથી ઊઠી ગયું હતું. રામચંદ્ર દત્તને ત્યાં સેવક તરીકે કામ કરતાં લાટુ પોતાના શેઠની સાથે દક્ષિણેશ્વર ગયા હતા ત્યારથી જ હીરાપારખુ રામકૃષ્ણ પછાત કોમના, બંગાળ બિહારની સરહદ પરના કોઈ ગામડેથી આવેલા અભણ લાટુનું આધ્યાત્મિક હીર પારખી લીધું હતું. સને ૧૮૮૧માં ઠાકુરના ભાણેજ હૃદયરામને દક્ષિણેશ્વરથી જવાનું થતાં, ઠાકુરે પોતાની સેવા માટે લાટુની માગણી કરી હતી, જેનો એમના ભક્ત રામચંદ્ર દત્તે સ્વીકાર કર્યો હતો. યોગીનના આખા કુટુંબનો ઠાકુરને પરિચય હતો. બાબુરામના બનેવી, બલરામ, ઠાકુરના મોટા ભક્ત હતા, જો કે એમને ઠાકુર પાસે લાવનાર માસ્ટર મહાશય તરીકે ઓળખાતા, ‘કથામૃત’ના સુપ્રસિદ્ધ લેખક મહેન્દ્રનાથ ગુપ્ત હતા.

આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા, ભિન્ન ભિન્ન બુદ્ધિશક્તિ અને ભિન્ન ભિન્ન વલણોવાળા તરવરતા આ બધા યુવકોની ભિન્નતાઓને લક્ષમાં રાખીને શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઘડ્યા [હોડીના મુસાફરો ઠાકુરને ‘ઢોંગી’ કહેતા હતા ત્યારે ચૂપચાપ એ સાંભળી લેવા બદલ યોગીનને ઠપકો (પૃ.૧૧૩). અને હોડીમાં બેઠેલાઓને મુખે થતી ઠાકુરની નિંદા સાંભળી હોડી ડુબાડવા તૈયાર થઈ જનાર નિત્યનિરંજનને પણ ઠપકો. (પૃ.૧૬૨)] તે દરેકની ચેતનાશક્તિને કેવી રીતે જાગૃત કરી, અને એ શક્તિનો ઉપયોગ કરતાં નરેન્દ્રને કેવા રોક્યા (પૃ. ૨૫), દરેકના મનની વાત તેમણે કેવી રીતે જાણી અને એમને કહીને ચકિત કરી દીધા. એમની ઉપર ક્યારે ને કેવી રીતે લગામ લગાવી (……. પણ ચાવી મારા હાથમાં છે : પૃ. ૨૬) અને સૌને કેવી રીતે એકસૂત્રે બાંધી, એમને સીધું કહીને, પ્રત્યક્ષ ઉદાહરણ દ્વારા કે બીજી કોઈ ઘટના દ્વારા, પોતે સાજાનરવા હતા ત્યારે માંદગીને બિછાનેથી અને મૃત્યુને પેલે પારથી પણ એમને સાધનાની અને સેવાની, ત્યાગની અને નિષ્કામ કર્મની, સમન્વયની ઉદારદૃષ્ટિથી અને દરિદ્રનારાયણમાં ભગવાન જોવાની જે પ્રેરણા આપી તેની ભવ્યોદાન, પાવનકારી અને પ્રેરકકથા ‘ભક્તમાલિકા’ છે.

શ્રીરામકૃષ્ણે પૂરી રીતે નાણીજાણીને, જોઈ તપાસીને, નરેન્દ્રને (વિવેકાનંદને) બધાના નેતા નીમ્યા હતા. સ્વામીજીએ ૧૮૯૩ની શિકાગોની વિશ્વધર્મપરિષદમાં દિગ્વિજય કરી જગતને સ્તબ્ધ કરી દીધું તેની પહેલાં પણ અલવર, ખેતડી, કચ્છ, લીંબડી, મૈસૂર, રામનદ, વગેરે નાનાંમોટાં રજવાડાંના રાજામહારાજાઓ, તેમના બુદ્ધિશાળી અને ધાર્મિક મનોવૃત્તિવાળા મંત્રીઓ અને બાળ ગંગાધર ટિળક જેવા ગણમાન્યો પર પોતાનો પ્રભાવ તેમણે જમાવ્યો હતો. પરંતુ, એ પરિષદે બે હેતુ બર આણ્યા : એ પરિષદે વિવેકાનંદને પ્રાચીન દિગ્વિજયી જગદ્‌ગુરુઓની પરંપરામાં મૂક્યા અને શ્રીરામકૃષ્ણના પ્રત્યક્ષ જીવન દ્વારા પ્રતિપાદિત ધર્મસમન્વયની નવા યુગની નોબતની દાંડી ત્યાં – બજી. સ્વામી વિવેકાનંદની આ સિદ્ધિ એટલી મહાન હતી કે એ મહત્તાના તેજે એમના સાથી ગુરુભાઈઓ અંશત: ઢંકાઈ ગયા, પરંતુ આ ‘ભક્તમાલિકા’ના વાંચનથી આપણી આંખો આડેનાં પડળ દૂર થશે અને, વિવેકાનંદને જો માળાનો મેર કહીએ તો રત્નમાલાના આ અન્ય ભક્તરત્નોના તપ:પુત, સેવામય, ત્યાગ-વૈરાગ્યયુકત, જ્ઞાનવિજ્ઞાન સમૃદ્ધ દિવ્ય જ્યોતિનાં સુભગ દર્શન થશે.

ગોપાલદાને પત્ની જતાં, ‘ભલું થયું ભાંગી જંજાળ’ થયાની વાત અગાઉ કરી છે. રાખાલ, યોગીન અને તારક પણ પરણેલા હતા. પણ એમને પ્રીતમે કહેલો પરમ રસ પીવો હતો એટલે સુતવિતદારા છોડતાં દુ:ખ નહીં પણ આનંદ થયો હતો. નરેન્દ્ર અને શરત્ પોતાની ઉજ્જવલ કારકિર્દી છોડીને ચાલ્યા આવે છે (પૃ.૧૯, ૨૪૧), તો બાબુરામને પરીક્ષામાં ‘પાસ’ થવાનો ‘પાશ’ બાંધી શકતો નથી (પૃ. ૧૩૭). શરત્ ઘરની કેદમાંથી નાસી મઠમાં જાય છે (પૃ. ૨૪૧) તો, મઠની કેદમાંથી છોડાવવા આવેલાં માતાપિતાને રાખાલ દૃઢતાપૂર્વક જણાવી દે છે કે, હું અહીં આનંદમાં છું. હવે આશીર્વાદ આપો કે, આપ બધાં મને ભૂલી જાઓ અને હું પણ તમને બધાંને ભૂલી જાઉં’ (પૃ. ૮૧). જો કે મઠમાં ત્યારે ખાવાનાયે સાંસા હતા. પોતાની વત્સલતાથી શશી બીજા મઠવાસીઓની કાળજી રાખે છે (પૃ. ૨૫૦) તો, લાટુ અને કાલી શ્રી શારદામાની સેવામાં મગ્ન રહે છે. એ દરેકના ત્યાગની ગાથા ભવ્ય છે. કારણ કે દરેકનો વૈરાગ્ય ભવ્ય છે. એમાંના દરેકની તપશ્ચર્યા કઠોરમાં કઠોર છે. સૌ અપરિગ્રહને વરેલા છે. અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં એ સૌને પરસ્પરને માટે અનન્ય સાધારણ બંધુપ્રેમ છે, નિરક્ષર અદ્ભુતાનંદ પણ વિવેકાનંદની મશ્કરી કરી શકે છે : [પૃ. ૩૧૨] જે ઉગ્ર મતભેદ અને તીવ્ર વાદાવાદીને ઓળંગી જાય છે. પોતાનું કાર્ય કરવા માટે ઠાકુરે તે સૌને એવા તો એકસૂત્રે બાંધ્યા છે કે, મતભેદ ત્યાં રહી શકે જ નહીં, ભલે પ્રસંગ કેવળ શશી (રામકૃષ્ણાનંદ)ના જીવનમાં બન્યો હોય (પૃ. ૨૪૬) પરંતુ, ઠાકુર પ્રત્યક્ષ હતા ત્યારે કે તેમના નિર્વાણ પછી બધા જ ઠાકુરને જ શોધતા હતા – It is I Whom Thou seekest,

‘ભક્તમાલિકા’ માંની દરેક કથા આ મહા જ્યોતિર્ધરોના જીવનના પ્રેરક પ્રસંગોને સરળ પણ સચોટ ભાષામાં નિરૂપે છે. દરેક જીવનકથા વાંચતાં આપણા ચિત્તમાં બે પ્રતિભાવ ઊઠે છે: એકમાં આપણે કથાનાયકની મહત્તા જોઈએ છીએ, બીજો પ્રતિભાવ ઠાકુરનો વિરાટ, વ્યાપક છે.

ગ્રંથની ‘ભૂમિકા’ બાંધતાં સ્વામી શ્રી માધવાનંદજીએ જણાવ્યા પ્રમાણે, ‘એ લોકો આ ધરતીના જીવ નહોતા……….. એમાંના બધા જ કોઈ ને કોઈ વિશિષ્ટ શક્તિ લઈને જન્મ્યા હતા. અને એમના (ઠાકુરના) દિવ્ય સ્પર્શને પરિણામે એ લોકોમાં………. અપૂર્વ આધ્યાત્મિક વિકાસ થયો હતો.’ આગળ ચાલતાં શ્રી માધવાનંદજી જણાવે છે તેમ, ‘આ લોકોનાં વ્યક્તિગત કાર્યોમાં ઘણો તફાવત હોવા છતાં પણ આ બધું શ્રીરામકૃષ્ણ ભાવ-ધારાથી પ્રેરિત’ હતું. સ્વામી માધવાનંદજીએ યોગ્ય જ કહ્યું છે કે, ‘આ લોકોનું જીવન શ્રીરામકૃષ્ણના જીવનના ભાષ્યરૂપ છે.’ (ભૂમિકામાંથી)

શ્રીરામકૃષ્ણના દિવ્ય સ્પર્શ, પ્રભાવની ઝાંખી કરાવતું આ પુસ્તક ગુજરાતના વાચકવર્ગને સુલભ કરી આપવા બદલ વાચકો શ્રીરામકૃષ્ણ આશ્રમ (રાજકોટ) ના ઋણી રહેશે અને આ ગ્રંથના બીજા ભાગનું પ્રકાશન તરત થાય તેવી આકાંક્ષા રાખશે.

-દુષ્યંત પંડ્યા

Total Views: 170

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.