સ્વામી સ્મણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી, રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સભ્ય અને રામકૃષ્ણ મિશન, શારદાપીઠના સેક્રેટરી છે.

રાષ્ટ્રીય એકતાનો વિષય આજકાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. વિભાજિત થતા લાગતા દેશમાં સુગ્રથિતતા લાવવા માટેના માર્ગો અને સાધનોની ચર્ચા કરવા માટે સંવિવાદો, ચર્ચા સત્રો, પરિષદો, વગેરે વગેરે ગોઠવાયા કરે છે. જો કે અહીં ખૂનામરકી થાય છે, મોરચાઓ અને ભાતભાતના તમાશા નીકળે છે અને એક ટોળું બીજા સાથે લડે છે. પ્રવર્તમાન રાજ્યોમાંથી કાપકૂપ કરી નવાં રાજ્યો ઊભાં કરવાની માગણીઓ વધી રહી છે. નિશ્ચિત ટોળી પ્રત્યેની વફાદારી, ભાષાકીય અભિન્નતા, સાંપ્રદાયિક એકરૂપતા અને સાચી ખોટી ફરિયાદો દેશના જુદા જુદા ભાગોમાં અસ્થિરતા ઊભી કરવામાં પોતાનો ફાળો આપી રહ્યાં છે. દરરોજ સવારે વર્તમાનપત્રો વધુ હત્યા, વધુ હુલ્લડો, વધુ ચળવળોના સમાચાર પીરસે છે. છતાંય, જાણે કે કોઈ અદૃશ્ય સૂત્ર ભારતનું સંચાલન કરી રહ્યું છે.

જો કે કાશ્મીરથી કન્યાકુમારી અને આસામથી પંજાબ સુધીનો ભારતનો ભૂમિખંડ એક રાયપુરા હેઠળ કદી ન હતો તે સાચું છે. તો પણ સાંસ્કૃતિક પરિપાટીએ એકતા હતી. પરંતુ, પાછલાં ૨૦૦ વર્ષના ઈતિહાસે ભારતને એક રાષ્ટ્રીય રાજકીય એકમ બનાવ્યું છે. જો કે આમાંથી બે રાષ્ટ્રો કાપી કાઢવામાં આવ્યાં છે.

રાષ્ટ્રીય એકતા જાળવવાના લાભ મોટા ભાગના ભારતીયો સમજે છે, એ વાત સાચી છે. પણ હંમેશાંની જેમ, રાજકીય ભૂલોથી વૃદ્ધિગત થયેલા જુદા જુદા સમૂહોના સંકુચિત સ્વાર્થો આ વિભિન્નતાનાં વલણો ઊભાં કરે છે.

આપણે અનેક વાર સાંભળીએ છીએ કે, આ ગૂંચો માટે ધર્મ કારણભૂત છે. વિભિન્નતા માટેના લેખનો મોટો ટોપલો ધર્મને દ્વારે ઠાલવવામાં આવે છે. પરંતુ, આ વિચ્છેદક વલણો માટે ધર્મ-મારા મતે સાચો ધર્મ-જવાબદાર છે કે નહીં તે માટે આપણે ઊંડે ઊતરી વિચારવું જોઈએ. એકતાસાધક પરિબળ તરીકે ધર્મનો ઉપયોગ શક્ય છે? ટૂંકમાં, રાષ્ટ્રીય સુગ્રથિતતા માટે ક્યા પ્રકારનો ધર્મ ફાળો આપી શકે? વિભિન્નતાના નહીં પણ, રાષ્ટ્રીય એકતાના પરિબળ તરીકે સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા ધર્મનાં વ્યાવર્તક લક્ષણો આ લેખમાં રજૂ કરવા આપણે પ્રયત્ન કરીશું.

સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ એમના ગુરુ શ્રીરામકૃષ્ણની અનુભૂતિઓ અને બોધ પર આધારિત છે, એ નિ:શંક છે. યુવાન વયે જ સ્વામીજી પૂર્વ અને પશ્ચિમની ચિંતનવિચારણાથી પરિચિત હતા. અર્વાચીન પદ્ધતિઓથી કેળવાયેલી, અસ્તરાની ધાર જેવી એમની તીક્ષ્ણ બુદ્ધિ તેઓ ધરાવતા હતા. તે સાથે, તેમણે ઈશ્વર સાક્ષાત્કાર પણ કર્યો હતો. સુસંવાદિતા, શાંતિ, ત્યાગ અને આનંદનો શ્રીરામકૃષ્ણનો ધર્મ જગતને પ્રબોધવા માટે સ્વામીજી જ યોગ્ય વ્યક્તિ હતા.

સ્વામીજીએ પ્રબોધેલા ધર્મનાં મુખ્ય લક્ષણો ક્યાં છે? આપણે સામાન્યપણે નીચે પ્રમાણે કહી શકીએ :

(૧) બુદ્ધિપ્રધાનતા

(૨) વિશ્વવ્યાપકતા

(૩) માનવતાવાદી ગુણ

(૪) વ્યવહારુતા અને

(૫) ઝનૂનનો અભાવ.

આ લક્ષણો વિશે હવે આપણે સંક્ષેપમાં ચર્ચા કરીએ.

સ્વામી વિવેકાનંદના ધર્મમાં બુદ્ધિપ્રધાનતા

કેવળ માન્યતા માટે સ્વામીજીએ કદી બુધ્ધિનો ત્યાગ કર્યો ન હતો. તેઓ પૂછતા : ‘વિજ્ઞાનની તમામ શાખાઓ જેના પર આધારિત છે, તે બુદ્ધિની શોધો પર ધર્મ આધારિત રહેવા માગે છે? બહારનાં ક્ષેત્રોમાં અને વિજ્ઞાન-શાખાઓમાં આપણે જે શોધ પદ્ધતિનો આશ્રય લઈએ છીએ તે જ ધર્મને લાગુ પાડવાની છે? મારા મતે એમ જ હોવું ઘટે અને હું વળી એ મતનો છું કે આ જેટલું વહેલું થશે તેટલું સારું થશે. આવી ચિકિત્સાથી કોઈ ધર્મ નાશ પામે તો એ નકામો ખોટો વહેમ જ છે. ભલે એ વહેલો નાશ પામતો.’

વિજ્ઞાનની માફક ધર્મે પણ બુદ્ધિ – પ્રમાણના નિયમને અનુસરી વિશિષ્ટ નિશ્ચિત વિધાનથી સામાન્ય તરફ અને સામાન્યથી વૈશ્વિક તરફ જવું જોઈએ. ઉપનિષદો આ પદ્ધતિને અનુસરે છે ને સર્વોચ્ચ સામાન્ય વિધાન सत्-चित् आनंद ब्रह्म અર્થાત, વિશુદ્ધ અસ્તિત્વ, જ્ઞાન પરમાનંદ તરફ આપણને લઈ જાય છે. અર્વાચીન વિજ્ઞાનની જેમ, સ્વામીજીએ પ્રચારેલા વેદાંત અનુસાર બધાં જ પ્રાણીઓ સાથેનું સમગ્ર વિશ્વ એક અસ્તિત્વ છે. આ એકતાને પામવા માટેનો ગંભીર પ્રયત્ન તે જ સાચો ધર્મ કહી શકાય. અને આ સનાતન સત્ય છે એટલે, પ્રત્યેક મનુષ્ય એને જાતે જ પામે તે શક્ય છે, માત્ર શરત એટલી કે સત્યને પામવાનો માર્ગ એ સાચો પસંદ કરે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ધાર્મિક સત્યો કોઈ એક વ્યક્તિ કે સમૂહની માલિકીનાં હોઈ શકે નહીં. જ્યાં વાડાબંધી છે, જ્યાં અમુક સમૂહની ઇજારાશાહીના વિશેષાધિકારની દાંડી પીટવામાં આવે છે ત્યાં, સત્ય માટેની ખોજ સિવાયનાં અન્ય પરિબળો અચૂક જોવા મળે છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ, બુદ્ધિને દેશવટો દીધા સિવાય સત્યની નિર્ભય ખોજ જ ધર્મનો પંથ છે.

વિશ્વવ્યાપકતા

જે ધર્મ સત્ય માટેની નિર્ભય ખોજ છે તે વિશ્વવ્યાપક તત્ત્વ પ્રાપ્ત કરે છે. સ્વામીજીની પોતાની તેમ જ તેમના ગુરુની આધ્યાત્મિક સાધના અને અનુભૂતિઓએ એમને દૃઢપણે એવું માનતા કર્યા હતા કે જુદા જુદા ધર્મપંથો એક જ દિવ્ય હેતુને પામવાના માર્ગો છે. એટલે એમના ધર્મની વિશ્વવ્યાપકતા આધ્યાત્મિક અનુભૂતિ પર મંડાયેલી હતી. તેથી તેઓ કહે છે કે, “ધર્મના બધા સંકુચિત, મર્યાદિત, ઝઘડાળુ ખ્યાલો તજી દેવા જોઈએ…. જગતમાં જે કંઈ અસ્તિત્વ ધરાવે છે, શુભ અને મહાન છે અને તે સાથે ભાવિ વિકાસ માટે પૂરતી તક ધરાવે છે, તે સઘળાંનો સમાવેશ ભવિષ્યના ધર્મોએ કરવો જોઈએ. ભૂતકાળમાં જે કંઈ સારું હતું તે સઘળું સાચવી રાખવું જોઈએ; અને એ વર્તમાન ભંડારમાં ભાવિ વધારા માટે દ્વાર ખુલ્લું રાખવું જોઈએ.”

સ્વામી વિવેકાનંદને મન ધર્મ અને આત્માનું વિશ્વવ્યાપિત્વ પર્યાયો જ છે. શિકાગોમાં ધર્મપરિષદમાં એમણે જણાવ્યું હતું તે પ્રમાણે : ‘પવિત્રતા, શુચિતા અને દયાભાવના કોઈ એક ધર્મપંથની સુવાંગ માલિકીનાં નથી.’ ‘દરેક પંથે પરમોદાત્ત ચારિત્ર્યવાન માણસો પેદા કર્યા છે.’

આ રીતે, જડ માન્યતાઓ, ઝઘડાઓ અને ઝનૂનને સ્વામી વિવેકાનંદના ધર્મમાં સ્થાન નથી.

માનવતાવાદ

પરમ સત્યની ખોજમાં સ્વામી વિવેકાનંદ માનવ તરફ પૂંઠ નથી ફેરવતા. હકીકતે, એમની ઊંડામાં ઊંડી લાગણી મનુષ્ય માટે, એની યાતના ને ઉપાધિઓ માટે છે. મનુષ્યમાં, એને કીર્તિના સર્વોચ્ચ શિખરે શી રીતે લઈ જવો તેમાં એમને રસ છે. કેવળ એટલું જ નહીં પણ, મનુષ્યની યાતના દૂર કરે એવો ધર્મ સ્વામીજી માગે છે. કારણ કે માનવીમાં એમનો રસ માત્ર દાર્શનિકનો કે લાગણીનો નથી. ભૂખ્યાને અન્નનો કોળિયો ન આણી આપે કે, વિધવાનાં આંસુ ન લૂછે તેવા ધર્મમાં તેઓ માનતા જ નથી.

તેથી જ તો તેમણે દરિદ્રનારાયણ-રંકમાં વસતા ભગવાનની પૂજાનો આદેશ આપ્યો. એમનાં આવાં વિવિધ સેવાકાર્યોથી લોકોને આધ્યાત્મિક સાધનાનો એક સાચો રાહ મળ્યો. અહીં પણ, પોતાના ગુરુ પાસેથી તેમણે આ ખ્યાલ ગ્રહણ કર્યો, માત્ર દયા નહીં પણ, માનવસેવા એ જ પ્રભુસેવા (શિવજ્ઞાને જીવસેવા).’ એ ગુરુવાક્ય એમના ચિત્ત પર અંકિત થઈ ગયું.

પોતાના અનુયાયીઓ માનવસેવાને દેવઅર્ચન ગણે એમ સ્વામીજી ઇચ્છતા હતા તે સાથે, મનુષ્યમાંની પોતાની શ્રદ્ધા તેઓ વારંવાર વ્યક્ત કરતા; ‘તમારી આ દેહયષ્ટિ પાછળ કેટલી ઊર્મિ, કેટલી શક્તિ, કેટલાં બળો છુપાયાં છે એ તમને ખબર છે? મનુષ્યને સંપૂર્ણપણે ક્યો વૈજ્ઞાનિક સમજી શક્યો છે… એટલે તમે નિર્બળ છો એમ તમારે નહીં કહેવું જોઈએ. સપાટી પરના અધ:પાત પાછળ શી શક્યતાઓ પડેલી છે એ તમે ક્યાં જાણો છો?’

વ્યવહારુ ધર્મ

જીવનની વાસ્તવિકતાઓ સાથે સંબંધ ન હોય તેવો, માત્ર ભાવનાથી છલકાતો ધર્મ સ્વામી વિવેકાનંદનો ન હતો. જગતના મોજશોખમાં ડૂબેલા રહેવું અને જગતથી દૂર ભાગવું તેમ જ જગતને શાપ દઈ પોતાના અંત:કરણને ઉજ્જડ વેરાન બનાવવું ને બધી લાગણીઓને મારી નાખવી; એ બંને અંતિમોને સ્વામી વિવેકાનંદ અવગણતા.

વનોમાં અને ગુફાઓમાં ગોપિત વેદાંતને એ ખુલ્લામાં લાવવા અને સામાન્ય પ્રજાનો ધર્મ બનાવવા માગતા હતા. સ્વામીજી કહેતા કે, “વેદાંતના આ બધા ખ્યાલો બહાર આવવા જોઈએ, વનમાં કે ગુફાઓમાં જ ન રહેવાં જોઈએ. ઉપરાંત, અધિકારીની ખુરશીએ એને આમજનતાની વાટે વ્યાસપીઠે રંકની ઝૂંપડીમાં, માછલી પકડતા માછીમારો અને વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થી સુધી તે પહોંચવા જોઈએ. પોતે આત્મા છે. એમ માછીમારને લાગશે તો એ વધારે સારો માછીમાર થશે, વિદ્યાર્થીને લાગશે કે, ‘હું આત્મા છું’ તો એ વધારે સારો વિદ્યાર્થી થશે. વહેમને મારી હટાવવા માટે અને ઉચ્ચ વર્ણોના અધિકારોને દૂર કરવા માટે વેદાંતનું રૂપાંતર લોકધર્મમાં કરવું જોઈએ.” એમ કહેતાં સ્વામીજી થાકતા નહીં. સ્વામીજી કહેતા, ‘પહેલાં રોટલો, પછી ધર્મ.’ અમેરિકાના પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહેલું : ‘ધર્મનું આર્થિક મૂલ્ય હોય તો ધર્મ સફળ થાય. હજારો સંપ્રદાયો સત્તા માટે સતત યત્ન કરતા હશે પણ, આર્થિક પ્રશ્નને હલ કરતો સંપ્રદાય જ સત્તા ભોગવશે. માણસ પેટનો દોર્યો ચાલે છે.’ આમ, આપણને જણાશે જે જીવનના પ્રવાહથી પર હોય એવા ધર્મનો બોધ સ્વામી વિવેકાનંદ કરતા ન હતા. આવો ધર્મ લોકધર્મ બની શકે નહીં. સામાન્ય જનતામાં વ્યાપક થવા માટે ઈહ લોકના પ્રશ્નોના ઉત્તર ધર્મે આપવા જોઈએ અને, તે સાથે મનુષ્ય છે તે ભૂમિકાએથી એને ઊંચકી એને પરમ સત્યની ઉચ્ચતર ભૂમિકાએ મૂકવો જોઈએ.

ઝનૂન માટે સ્થાન નથી

સ્વામીજીએ પ્રબોધ્યો છે તે ધર્મ ખૂબ આધ્યાત્મિક છે અને તે સાથે એ બૌદ્ધિક અને શાસ્ત્રીય પણ છે; લોકોની યાતના પ્રત્યે દુર્લક્ષ સેવે એવો ધર્મ એ નથી અને આવા ધર્મમાં ઝનૂનને સ્થાન નથી. સ્વામીજી પોતે કહેતા તે પ્રમાણે તેમનો ધર્મ ‘આકાશ જેટલો વિશાળ અને સાગર જેવો મહાન છે.’

ધર્માચરણમાં વ્યક્તિને તેઓ પૂરું સ્વાતંત્ર્ય આપે છે. ‘જેટલા લોકો તેટલા પંથ ભલેને હોય.’ એવો તેમનો ઉદ્‌ગાર છે. જાણતાં કે અજાણતાં, બધા એક જ સત્ય તરફ વળી રહ્યા છે અને આ ખોજમાં, દરેક વ્યક્તિ, બીજીને આડા આવ્યા વિના, પોતાને પંથે પળી શકે છે. આમ, સ્વામીજીનો ધર્મ સંપૂર્ણપણે લોકશાહીવાળો છે.

સ્વામીજી ધર્મસાધનાઓના ચાર પ્રકાર પાડે છે : (૧) જ્ઞાનયોગ (૨) કર્મયોગ (૩) ભક્તિયોગ અને, (૪) રાજયોગ.

પોતાના મનના બંધારણ અનુસાર દરેક વ્યક્તિ પોતાનો પંથ પસંદ કરી શકે છે જેથી, ધર્મને નામે લડવા ઝઘડવાનો પ્રશ્ન રહેતો નથી. ઝનૂની વિધિનિષેધોથી, ક્રિયાકાંડોથી અને પુરોહિતવાદમાં અટવાતાં હોઈએ ત્યારે નહીં પણ, સંપૂર્ણ મુક્તિના વાતાવરણમાં સાચી ધર્મસાધના શક્ય છે.

આજના સમયમાં ધર્મનું સ્થાન

ઘણા માણસો એવું વિચારતા હોય છે કે ધર્મની પળોજણ શા માટે કરવી? ને ખાસ તો, ભેદ ઊભા કરી ધર્મ અંદરોઅંદર લડાવે છે ત્યારે, સમાજમાંથી એને સદંતર હડસેલી શા માટે ન મૂકવો?

પરંતુ, માનવજાત માટે ધર્મની આવશ્યક્તા જણાઈ છે એ હકીકત છે. એનો નાશ કરવા આપણે ગમે તેટલું ઇચ્છીએ, એમ થઈ શકવાનું નથી. કારણ, માનવ હૃદયમાંના શૂન્યાવકાશને ધર્મ ભરી દે છે. આપણે જાણીએ છીએ કે કેટલાક દેશોમાં અને ઇતિહાસમાં કોઈ કોઈ કાળે, ધર્મને હડસેલવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ, આવા બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે. તો પછી રસ્તો શો છે? બુદ્ધિ પ્રધાનતા, વિશ્વવ્યાપિતા, માનવતાવાદ, વ્યવહારુતા અને પસંદગીની છૂટ. આ શરતો પૂરી કરે તેવા ધર્મ અંગે લોકોને શિક્ષણ આપવું તે જ એક માર્ગ છે. એક્તા માટે સહાય કરવાને બદલે ભાગલા પાડવાનું કામ કેટલીક વાર ધર્મ કરે છે તેનું અગત્યનું કારણ એ છે કે પોતાનો સ્વાર્થી હેતુ સિદ્ધ કરવા રાજકરણ એનો ઉપયોગ કરે છે. ભારતમાં અને બીજે, આપણે જે કોમી હુલ્લડો જોઈએ છીએ તેમને, ધર્મ કરતાં રાજકારણ સાથે વધારે નિસબત છે. તો, કોમવાદ દૂર કરવો હોય તો ધર્મ ઉપરની રાજકારણની અસરને બિલકુલ અળગી કરવી રહી. એથી ઊલટું થાય તે વધારે સારું થશે, અર્થાત્, પોતાનાં ઊંચેરાં મૂલ્યો વડે, હું જે તે સાચા ધર્મનું તત્ત્વ કહું છું તે ધર્મે રાજકારણ ઉપર અસર કરવી જોઈએ. મહાત્મા ગાંધીને આ કાર્યના પ્રયત્નમાં સારી સફળતા મળી હતી. પરંતુ, એમના મૃત્યુ પછી, સ્વાર્થી રાજકીય હેતુઓ હાંસલ કરવા માટે ધર્મનો ઉપયોગ કરાયો હતો.

તારણ

અત્યાર સુધીની ચર્ચામાં દર્શાવાયું છે કે, સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા ઊર્ધ્વગામી સિદ્ધાંતો પર આધારિત ધર્મ, વિભાજન અને દ્વેષનાં બીજ રોપવાને બદલે, રાષ્ટ્રની એકતા સ્થાપવામાં કેવો વજ્રલેપી બની શકે છે. ભારતની સૌ વિચારશીલ વ્યક્તિઓએ પોતાની સાંપ્રદાયિક વફાદારી ત્યજીને ધર્મને નામે ચાલતા અગડમ્ બગડમ્‌થી અને વહેમોથી મુક્ત હોય અને ‘આકાશ જેવો વિશાળ તથા સાગર જેવો ગહન’ હોય તેવા ધર્મના પ્રચારમાં લાગી જવું જોઈએ.

ભાષાંતરકાર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 192

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.