એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો.

મીઠા કૂવાનું પાણી ગામ આખું પીએ!

એક દિવસ બે કૂતરાં લડવા લાગ્યા. એક નબળું, એક સબળું! બંને સામસામા ભસ્યાં. ભસવામાંથી લડવા પર આવ્યાં. લડતાં લડતાં સબળા કૂતરાએ નબળાને દબાવ્યું. નબળું કૂતરું પાછા પગે ભાગ્યું. ભાગતાં ભાગતાં કૂવામાં પડ્યું.

સવારે પનિહારીઓ પાણી ભરવા આવી. જોયું તો અંદર કૂતરું.

વાત તરત ચોરા પર પહોંચી. ડાહ્યા ગામપટેલ બહાર આવ્યા. તેમણે પચીસ કડીબંધ જુવાનોને બોલાવ્યા ને કહ્યું,

“કૂવામાંથી બસો ડોલ પાણી ખેંચી કાઢો. કૂવો તરત શુદ્ધ થઈ જશે.”

પચીસ જુવાનિયા મંડ્યા. બસો ડોલ પાણી કાઢી નાખ્યું.

જુવાની છે! વળી તેઓને વિચાર થયો કે બસો ડોલ બીજી પણ કાઢી નાખીએ.

બસ! પછી તો પાણી બિલકુલ પવિત્ર થઈ જાય!

થોડી વારમાં બીજી બસો ડોલ ખેંચી કાઢી. પછી સહુ આવ્યા ગામપટેલ પાસે. ચારસો ડોલ પાણી કાઢ્યાથી પટેલ તો રાજીના રેડ થયા. જુવાનિયાઓને શાબાશી આપી અને પૂછ્યું,

“પણ કૂતરું કયાં નાખ્યું તમે?”

જુવાનિયા કહે, ‘અરે પટેલ! અમે તો ડોલો ખેંચી પાણી કાઢ્યું, કૂતરું તો હજી અંદર જ છે.’

ગામપટેલે મોટો નિસાસો નાખ્યો.

પ્રસંગનો મર્મ એ છે કે માનવી આખી જિંદગી ધાર્મિક ક્રિયાઓ કરે છે, છતાં ધર્મને એ પામતો નથી. ક્રિયા પાછળ જ્ઞાન ન હોય તો ક્રિયા સાવ કોરીધાકોર રહેશે. ધર્મને માત્ર આચારમાં ફેરવી નાખનારા શુષ્ક ક્રિયા કરે છે. એમાં ધર્મની ભાવનાનો ધબકાર હોતો નથી. પરિણામે એક બાજુ ક્રિયા ચાલે છે અને બીજી બાજુ એ જ ચીલાચાલુ જીવન વીતે છે. ધર્મ તો ક્યાંય દેખાતો નથી. ધર્મ એ બહારથી લાદવાની ચીજ નથી. ધર્મ એ આડંબરનું ઘરેણું નથી. એ તો અંતરમાંથી ઊગતી ઉચ્ચ જીવનપ્રણાલી છે.

આજે મોટે ભાગે ધર્મની ક્રિયાઓ ધનના વ્યયનું કે ગર્વનું સાધન બની ગઇ છે. પોતે આટલા ઉપવાસ કે એકાદશી કરી એની ગાઈ-વગાડીને જાહેરાત કરે છે. એની નજર ઉપવાસ પર છે. ઉપવાસના પ્રચાર પર છે. એવા ઉપવાસ અંતરશુદ્ધિને બદલે આડંબરનું માધ્યમ બની જાય છે. કેટલાક માત્ર જડતાથી જ ક્રિયાને વળગી રહે છે. જે ક્રિયામાં જાગૃતિ ન હોય એ માત્ર કસરત જ બની રહે છે.

ધાર્મિક ક્રિયાને જીવનમાં તાણાવાણા માફક વણવાની હોય. એનો ધજાગરો કરવાનો ન હોય.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.