આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ.

સને ૧૯૨૦ની આસપાસ ભૌતિકવિજ્ઞાન એની ત્રણસો એક વર્ષની પુરાણી તંદ્રામાંથી જાગી ઊઠ્યું. ત્યાં સુધી તો આ વિજ્ઞાન, વિશ્વને એક સુનિશ્ચિત અને સુવ્યવસ્થિત ચાલતા યંત્રના જેવું માનીને સંતુષ્ટ રહેતું રહ્યું પણ પછી એ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદની નિખિલ સ્થૂલ વૈશ્વિકતા (Macro Universe)ના ક્ષેત્રમાં પ્રવેશ્યું અને ત્યાર પછી હાઈઝન બર્ગના – ‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ (Uncertainty Principle)ની સૂક્ષ્મ વૈશ્વિકતા (Micro Universe)ના ક્ષેત્રમાં પણ પ્રવેશ્યું છે. નિખિલ સ્થૂલ વૈશ્વિકતાના ક્ષેત્રમાં આજે ભૌતિક વિજ્ઞાનીઓએ ભલભલા કવિઓની કલ્પનાઓને પણ મહાત કરી મૂકે એવી અકાલ્પનિક હરણફાળ ભરી છે અને ૧૯૮૩ની સાલની શરૂઆતમાં તો આ વિજ્ઞાનીઓએ આપણા વિશ્વની ઉત્પત્તિના કારણભૂત પ્રથમ વિસ્ફોટ (Big Bang) પછીની તરતની સેકંડના ૧૦૪૩ જેટલા સ્વલ્પાતિ સ્વલ્પ સમયનું એક કલ્પિત, સાંકેતિક માનચિત્ર બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. વિશ્વના એ પરિકલ્પિત માનચિત્રમાં કૃષ્ણ છિદ્રો અને શ્વેતછિદ્રો (Black + White holes)નું ખૂબ મહત્ત્વનું સ્થાન છે.

તો વળી સૂક્ષ્મ વૈશ્વિકતાના ક્ષેત્રમાં ડેમોક્રિટસનો પેલો ઘનદ્રવ્યાત્મક, અવિભાજ્ય અને સમગ્ર દ્રવ્ય રાશિ (Matter)ના મૂલદ્રવ્યરૂપ પરમાણુઘટક (atoms) પણ હવે બસો કરતાંય વધારે પરમાણુઘટકોમાં વિભાજિત થઈ ચૂક્યું છે. હવે તો આ ભૌતિક વિજ્ઞાનીઓ પણ આ પરમાણુઘટકોને ‘લઘુતમ પરમાણુ ઘટકો’ કહેતાં અચકાય છે. પરમાણુઘટકોને હવે તેઓ ‘ઘટનાઓ’ કહેવાનું વધુ પસંદ કરે છે અથવા તો ફ્રિટજોફ કેપરા કહે છે તેમ, ગતિશીલ ઊર્જાની ‘પરસ્પર ગ્રથિત તરાહ’ કહેવું વધારે પસંદ કરે છે. પરમાણુના આ સૂક્ષ્મ ઘટકોનું આયુષ્ય ૨ થી ૩ પાર્ટીકલ સેકન્ડ જેટલું હોય છે. ૧ પાર્ટીકલ સેકન્ડ એટલે ૧૦ ૨૩ સેકન્ડ. તેઓ તરંગ રૂપે જન્મે છે અને આ તંરગો ‘તથ્ય’ હોવા કરતાં વધારે તો ‘વિતથ’ (સંભવિત) હોય છે.

હવે, મેક્સબોર્નના ‘સંભવિત તરંગ’ (Probability Wave)ના ખ્યાલમાંથી વળી પાછો એક નવો તર્ક ફણગો ફૂટે છે : ‘આ ફોટોન્સ અને ઈલેકટ્રોન્સ તો જડ પણ હોઈ શકે અને ચિન્મય પણ હોઈ શકે. કોપનહેગનમાં ભરાયેલ ભૌતિકશાસ્ત્રની પરિષદે કરેલું કવોન્ટમ ફિઝિક્સનું અર્થઘટન અને એવરેટ વ્હીલર નામના વૈજ્ઞાનિકની સમજૂતી એવો વિચાર દર્શાવી જાય છે કે, સમગ્ર વિશ્વ આપણા મનનું સર્જન છે. કવોન્ટમ્ વિજ્ઞાનીઓને મતે આ વિશ્વ ધીરે ધીરે વિષય અને વિષયી, જડ અને ચેતન, દૃશ્ય અને દ્રષ્ટાના સંમિલિત સ્વરૂપે પ્રગટ થતું જાય છે. એટલે, હવે કોઈ પણ વૈજ્ઞાનિક અળગો રહીને પોતાના પ્રયોગોનો ખાલી દ્રષ્ટા જ રહી શકે નહિ. હવે તો એ પોતાના પ્રયોગોની બધી જ પ્રક્રિયાઓમાં એક સક્રિય ભાગીદાર – સક્રિય અંગ તરીકે જ રહી શકે. આ રીતે હવે ભૌતિકવિજ્ઞાન પૂર્વના રહસ્યવાદના ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે. ભૌતિક વિજ્ઞાની જહોન વ્હીલર કહે છે : ‘આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંતમાં અવકાશનું સ્વરૂપ જે વક્ર જણાતું હતું, તે આજે ભૌતિક વિજ્ઞાનના જબરા સંઘર્ષનું કેન્દ્ર બનેલ છે.’ આ નવા ભૌતિક વિજ્ઞાનની અસર પશ્ચિમમાં પણ પડી ચૂકેલી જણાય છે. માઈકલ ટેલબોટ લખે છે : “વિષય અને વિષયોનું આ સમ્મિલિત પારમાર્થિક સ્વરૂપ પશ્ચિમની સંસ્કૃતિને કઈ રીતે બદલી નાખે છે, તે હવે આપણે જોવાનું રહે છે.”

રોકફેલર યુનિવર્સિટીના ભૌતિક વિજ્ઞાની હેઈન્સ પેગલ્સ પોતાના ‘કૉસ્મિક કોડ’ પુસ્તકમાં કહે છે : “આપણે ક્રાંતિકારી જાગરણમાં ઊભા છીએ.” નૃવંશશાસ્ત્ર પર કેન્દ્રિત વિશ્વનો કોપરનિકસે ઉચ્છેદ કર્યાની સરખામણીમાં આ સદીના પ્રથમ દશકમાં થયેલ સાપેક્ષવાદ અને કવૉન્ટમની રચના-ગતિના સિદ્ધાંતોની શોધથી આ ક્રાન્તિ સર્જાઈ છે.’

વિશ્વ વિશેનું આ જબરદસ્ત જ્ઞાન, ઉત્તરોત્તર વધતા જતાં ઘણા એવા કૂટ પ્રશ્નો ઊભા કરે છે કે, જેને સામાન્ય માણસની ભાષા આંબવા કે એને સમજવા શક્તિમાન થતી નથી. વિજ્ઞાનીઓ એમના પ્રયોગોમાં શેની ખોજ કરે છે કે શું નિરીક્ષણ કરે છે, તે સામાન્ય જનની પકડમાં આવતું નથી. આઈન્સ્ટાઈને કહ્યું છે : “પરમાણુના સૂક્ષ્મ ઘટકોની દુનિયા એક ન ખોલી શકાય તેવી ઘડિયાળ છે.” આપણે સૌ એના ચક્તા ઉપર ફરતા કાંટાઓને જ માત્ર જોઈ શકીએ છીએ. પણ એની ભીતરની યંત્ર સંરચના પામી શકતા નથી સુવિખ્યાત ભૌતિક વિજ્ઞાની જ્હોન એ. વ્હીલરે તાજેતરની એક મુલાકાતમાં કહ્યું છે : “પ્રયોગોના વિષયમાં વધતા જતા આપણા ઊંડા જ્ઞાને આપણું અજ્ઞાન જ વધાર્યું છે”. વિજ્ઞાની પેગલ લખે છે: “ઘટનાઓના સ્વરૂપના અભ્યાસથી વિજ્ઞાન વધુ ને વધુ મનોગત જ બન્યું છે. વિશ્વનો નિયમ અદૃશ્ય બની ગયો છે, હવે દૃશ્ય ઉપર અદૃશ્યની અસર પડવા લાગી છે.” પરંતુ, વીસમી સદીના સાતમા દશકાથી માંડીને ભૌતિક વિજ્ઞાનીઓએ ધીરે ધીરે કોઈક અગાધ ગંભીર, અસંકીર્ણ અને નિર્વિશેષ તત્ત્વ તરફ ડગલાં માંડ્યાં છે. આજે ઘણા બધા સિદ્ધાંતનિષ્ઠ વૈજ્ઞાનિકોનું લક્ષ્ય, હજારો વર્ષ પહેલાં સંતો અને તત્ત્વજ્ઞોએ જ સ્વપ્ન સેવ્યું હતું, તે ‘ભવ્ય ઐક્ય’નું જ બની ગયું છે. ઉપર જણાવેલી મુલાકાતમાં જ વિજ્ઞાની વ્હીલરે જણાવ્યું હતું! “આપણે વિશ્વને એક આશ્ચર્યરૂપે નિહાળીએ છીએ, પણ એ આશ્ચર્ય તો આપણે પોતે જ છીએ. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે હજુ સુધી આપણે એ સંદેશ બરાબર રીતે વાંચી શક્યા નથી. પણ એક સમય એવો આવશે કે જ્યારે આપણે એકમેવ અદ્વિતીય-અસંકીર્ણનું વિધાન જોઈ શકીશું.” આ ભવ્ય એકતાની જે ધારણા આજનું ભૌતિકવિજ્ઞાન સેવી રહ્યું છે, એ કંઈ માત્ર દ્રવ્યસમૂહ (Matter)ની કે શક્તિ (Energy)ની એકતા જ નથી કે માત્ર વિવિધ પ્રકારનાં વૈશ્વિક પરિબળોની જ એકતા પણ નથી. એ તો છે ભૌતિક વિજ્ઞાનના ઇતિહાસમાં સર્વપ્રથમ ઊગેલી મન અને પ્રકૃતિની – વિષય અને વિષયોની -જડ અને ચેતનની-વિજ્ઞાન અને પ્રયોગની- એકતા! ‘આપણે પોતે જ આશ્ચર્ય છીએ.’ એમ કહેવાનો વ્હીલરનો આશય પણ એ જ છે.

આ ભૌતિક વિજ્ઞાનીઓ કંઈ કોઈ પ્રાચીન કે અર્વાચીન તત્ત્વદર્શન કે ધર્મની અસરમાં આવી જઈને આ એકતા તરફ આગળ નથી વધી રહ્યા. તેઓ તો પોતાના પ્રયોગોથી સાંપડેલાં પરિણામોને આધારે જ આગળ વધી રહ્યા છે. પરમાણુના સૂક્ષ્મ જગતનું અને કાલછિદ્રો (black holes)ના મહાજગતના ઉત્તરોત્તર વધતા જતા જ્ઞાનને લીધે વિજ્ઞાનીઓને લાગ્યું કે, તેમણે હવે વિશ્વના ઊંડામાં ઊંડા મુખ સુધી જવું જોઈએ; એટલું જ નહિ પરંતુ, ચેતન સાથે આ વિશ્વનો શો સંબંધ છે, તે પણ ખોળી કાઢવું જોઈએ.

આ માટેનો પહેલો પ્રયત્ન, વિજ્ઞાનીઓને ભૌતિકશાસ્ત્રમાં અદ્યતન ‘એકતાના સિદ્ધાંત’ તરફ દોરી ગયો અને બીજો પ્રયત્ન વિજ્ઞાનીઓના બીજા જૂથને માનસશાસ્ત્ર જીવશાસ્ત્રની એક વિષયતા પ્રતિપાદિત કરવા તરફ દોરી રહ્યો છે. એકત્રિત ક્ષેત્રોના સિદ્ધાંત (Unified Field theories) માટેની જરૂરિયાત તો વિશ્વના મૂળ પદાર્થ તરીકે જડદ્રવ્યનો મહેલ ખડો કરી દેવાનાં હવાતિયાં મારતા વિજ્ઞાનીઓની હતાશાનું જ પરિણામ છે. ડેમોક્રિટસે જેને ‘એટમ્સ’ – પરમાણુ કહ્યો, અને જે જડ (Matter) દ્રવ્યોનો પાયો ગણાયો હતો. તે તો આજે લેપ્ટોન્સ (હળવા), મેસોન્સ (મધ્યમ) અને હેડોન્સ (ભારે) એવા ત્રણ પ્રકારના બસો કરતાંય વધારે સૂક્ષ્મ પરમાણુઘટકોમાં વિભાજિત થઈ ચૂક્યો છે. વળી, આ સૂક્ષ્મઘટકો પણ છ પ્રકારના ‘ક્વાર્ક્સ’થી (ઘણામાંથી) કોઈ એક સૂક્ષ્માતિસૂક્ષ્મ કલ્પિત (સ્ફૂલ્લિંગથી) બન્યા છે. ‘અપ’ (ઊર્ધ્વ), ડાઉન (નિમ્ન), સ્ટ્રેન્જ (વિલક્ષણ), ચાર્મ્ડ (તૈજસ), ટોપ (શિખરી) અને બોટમ (તલીય) આ છ પ્રકારના ક્વાર્ક્સ છે, આ બધા ક્વાર્ક્સને ભેગા રાખવા માટે ભૌતિક વિજ્ઞાનીઓએ વળી એક ‘ગ્લુઓન’ નામના નવા પરમાણુઘટકની કલ્પના કરી છે. વિશ્વના મૂળમાં જડ દ્રવ્યને પાયા તરીકે ઠોકી બેસાડવાની દોડફોડમાં આજે વિજ્ઞાનીઓ ગળાડૂબ છે. ન્યુકેસલ યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રી પૉલ ડેવીસ કહે છે : “ક્વાર્ક્સનો અને ગ્લઓન્સનો આવો ઝડપી અને ગુણાત્મક ઉદ્ભવ, ‘એ પ્રાથમિક કે પાયાના મૂળ પદાર્થો છે’ – એવા આપણા ખ્યાલને શું મૂર્ખતાભર્યો સાબિત નથી કરી દેતો?”

અહીં જ પૂર્વનિર્દિષ્ટ ‘સમાન વિષયક્તા’ના સિદ્ધાંતીઓ તરફથી આશ્વાસન સાંપડે છે. તેઓ માને છે કે માત્ર અંતિમ પરમાણુ ઘટકને શોધી લેવાથી જ કંઈ ભૌતિકશાસ્ત્ર સરળ બની જતું નથી. પણ જો શક્ય હોય તો એને માટે એક એવા બળની શોધ કરવી જોઈએ કે જેમાંથી આ વિશ્વનાં બધાં જ બળો ઉત્પન્ન થયાં હોય. આ એકવિષયતાના (unified field theory) સિદ્ધાંતનો સર્વપ્રથમ સ્વપ્નદ્રષ્ટા આઈન્સ્ટાઈન હતો ખરો, પણ એ એમાં સફળ ન થયો. એનું પહેલું કારણ તો એ હતું કે, એણે સૂક્ષ્મ પરમાણુ-ઘટકોની ‘અનિશ્ચિતતા’ના મૂળભૂત સિદ્ધાંતને સ્વીકાર્યો નહીં. આજે તો હવે ‘એકવિષયતા’ના ક્ષેત્રના બધા જ સિદ્ધાંતોએ આ સિદ્ધાંતને તેમ જ ક્વોન્ટમના અન્ય સિદ્ધાંતોને નિયમો તરીકેનું સ્થાન આપી દીધું છે.

ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ

આજે ભૌતિકશાસ્ત્રની દુનિયા ચાર પ્રકારના બળો સાથે કામ પાડી રહી છે : (૧) વિદ્યુત-ચુંબકીય બળો (Electro-Magnetic forces) (સને ૧૮૬૪માં મેક્સવેલ નામના ભૌતિક વિજ્ઞાનીએ ઠરાવ્યું કે વિદ્યુત અને ચુંબક, એ બન્ને એક જ બળનાં બે પાસાં છે.) (૨) તીવ્ર આંતર ક્રિયાનાં બળો (Strong Interactions) કે જે નાભિકીય કણો (nuclear particles)ને સાથે ઝકડી રાખે છે. (૩) દુર્બળ આંતર ક્રિયા (Weak Interaction forces)નાં બળો કે જે રેડિયો એક્ટિવ તત્ત્વોમાંથી નાભિકીય કણો (nuclear particles) ઉત્સર્ગ કરવા માટે જવાબદાર છે અને છેલ્લે (૪) ગુરુત્વાકર્ષણ બળ (Gravitational forces). ૧૯૬૦ના દશકમાં અબ્દુસ સલ્લામ, સ્ટીવન વેઈન બર્ગ, અને શેલ્ડોમ એલ. ગ્લેશોએ ‘વિદ્યુતીય-દુર્બળ’ (Electro-Weak) બળોનો એક એવો વિચાર રજૂ કર્યો કે, જેણે વિદ્યુત-ચુંબકીય બળોને અને દુર્બળ આંતરક્રિયાનાં બળોને એકીસાથે જોડ્યો.

આ કામ માટે તેમને ૧૯૨૧નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. આજે રશિયાના પૉલીકોવ અને નેધરલેન્ડના નુરાર્ડ હૂફ્ટ જેવા વિજ્ઞાનીઓ સૂચવે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ વખતે પ્રારંભિક વિસ્ફોટ (Big – Bang) થયો. તે પછી, આ વિશ્વ જ્યારે બાલ્યાવસ્થામાં હતું ત્યારે વિદ્યુત ચુંબકીય બળોને અને તીવ્ર આંતરક્રિયાવાળાં બળોને એકસાથે બાંધી રાખે તેવું ચડિયાતું બળ ઉત્પન્ન થયું હતું. બળોનું આ ભવ્ય જોડાણ એવું સૂચવે છે કે આપણા વિશ્વની પ્રારંભની અવસ્થામાં ‘મેગ્નેટિક મોનોપોલ’ નામના એક વિલક્ષણ પદાર્થની હસ્તી હતી. ૧૯૮રના ફેબ્રુઆરીમાં બ્લાસ કેબ્રેરા નામના સ્ટીનફર્ડ યુનિવર્સિટીના યુવાન વિજ્ઞાનીકે તો આ ‘મેગ્નેટીક મોનોપોલ’ ચોક્કસ રીતે શોધી લેવાનો દાવો પણ કર્યો છે. આજે ગુરુત્વાકર્ષણ સિવાયનાં બધાં બળો, બળોની આ ‘ભવ્ય એકતા’ની પ્રક્રિયા તળે છે.

ગુરુત્વાકર્ષણનું બળ હજુ સુધી આ ‘ભવ્ય એકતા’ની બહારનું રહ્યું છે. જો કે ભૌતિક વિજ્ઞાનીઓ “સુપર યુનિફાઈડ ક્વોન્ટમ” (પારગામી સમાયોજક ક્વોન્ટસ)ના સિદ્ધાંતનાં સ્વપ્નો સેવે છે તો ખરા. એ ગુરુત્વાકર્ષણના બળને એક પ્રમુખ બળ સાથે જોડી દેશે. એટલું જ નહિ પરંતુ, ઊંચી ઘનતા ધરાવતા તારાના ધડાકા સાથેના વિસ્ફોટથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયા પછીની તરતની થોડી સેંકડોમાં શું બન્યું હતું તેનું પણ સ્પષ્ટ ચિત્ર આપી જશે.

કેમ્બ્રિજનો વિખ્યાત ખગોળ વિજ્ઞાની સ્ટીફન હૉકીંગ એવું વિચારે છે કે, વૈશ્વિક બળોનું આ પારગામી જોડાણ, અર્વાચીન સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર (theoretical physics)ની એક આગળ પડતી સમસ્યા છે.

આજે વિશ્વના આરંભની ખોજ ઘણાબધા વિજ્ઞાનીઓ માટે રસનો વિષય છે. તેમને લાગે છે કે એક વાર જો આરંભક વિસ્ફોટની પ્રથમ ક્ષણોનું માનચિત્ર પુન: નિર્મિત થઈ જાય, તો આ બળોના પારગામી જોડાણની સમસ્યા હલ થઈ જાય. કારણ કે પ્રથમ ક્ષણોનું આ માનચિત્ર જ એ વાત સ્પષ્ટ કરી દેશે કે, એક જ પ્રકારના બળમાંથી બીજાં બધાં બળો કેવી રીતે ઉત્પન્ન થયાં. કૃષ્ણ છિદ્રો (black holes) માટેની ખોજ, આ આરંભક વિસ્ફોટનું માનચિત્ર રચવામાં વિજ્ઞાનીઓને મદદ કરી રહી છે. (આ શોધ કરવામાં સ્ટીફન હોકીંગનો મોટો ફાળો, એણે સને ૧૯૭૪માં કૃષ્ણ છિદ્રનું – કાળાં ધાબાનું સહુ પહેલાં સાચું ચિત્ર ઝડપીને કૃષ્ણ છિદ્રના અસ્તિત્વને સાબિત કર્યું છે.

પણ આરંભક વિસ્ફોટનો સિદ્ધાંત (Big Bang theory) માનવામાં ઘણી મુશ્કેલીઓ છે. એમાંની મુખ્ય તો એ માન્યતાને લીધે ઊભી થઈ છે કે, આ વિશ્વ શાશ્વત છે. કારણ કે આપણા વિશ્વનો સઘનતમ ઘટક પ્રોટોન શાશ્વત અને અક્ષય મનાવ્યો છે. પરંતુ આજે આ અસ્થિર અંતરાય દૂર થયો છે અને એથી વિજ્ઞાનીઓ માટે ‘ભવ્ય જોડાણ’નો માર્ગ મોકળો થઈ ગયો છે. સને ૧૯૬૦ની આસપાસ રશિયન વિજ્ઞાની આન્દ્રેઈ સખારૉવે સ્વતંત્ર રીતે ભાખ્યું કે પ્રોટોન પણ ક્ષીણ થઈ નાશ પામે છે. આજે ભારતની કોલારની સોનાની ખાણોની ગહરાઈઓમાં, મોન્ટ બ્લેન્કની ટનલોની નીચે તેમ જ અમેરિકામાં અગરની ખાણોની નીચે કામ કરતા ભૌતિક વિજ્ઞાનીઓએ છેવટે આ વાતને અનુમતિ આપી છે કે પ્રોટોન પણ ચોક્કસ નાશ પામે છે. છેલ્લામાં છેલ્લી ગણતરી મુજબ તેમનું આયુષ્ય ૧૦ ૩ર વર્ષો છે. બ્રહ્માંડના આયુષ્ય કરતાં કરોડો ગણું વધારે.

ઓક્સફર્ડના રોજર પેનરોઝ અને કેમ્બ્રિજના સ્ટીફન હૉકીંગે તો આજે વિજ્ઞાનીઓ માટે વિશ્વસર્જનની પ્રથમ ક્ષણની ક્ષિતિજો સાવ ખોલી જ નાખી છે. હાર્વર્ડના વિજ્ઞાની વિલિયમ પ્રેસ કહે છે કે: ‘સ્ટીફનની બુદ્ધિપ્રતિભા સમસ્યા ઉકેલવા તરફ ધસી રહી છે.’ પારગામી જોડાણની સમસ્યા તો ગુરુત્વાકર્ષણ પૂરતી રહી છે અને વિલિયમ પ્રેસ માને છે કે : “આ ભવ્ય જોડાણની સિદ્ધિમાં હૉકીંગ અવશ્ય સફળ થશે. એનું મુખ્ય કારણ તો એ છે કે, એણે આઈન્સ્ટાઈન જેને ‘અંત:પ્રેરણાત્મક છલાંગ’ કહેતો હતો તે માર્ગ પકડ્યો છે.”

તો આજના ભૌતિકવિજ્ઞાનથી ઊપસતું વિશ્વનું છેલ્લામાં છેલ્લું દર્શન શું છે? ઘણીબધી રીતે આ ચિત્ર, ભારતની વિશ્વવિભાવનાના ‘કલ્પ’ કે સર્જનચક્ર (ભવચક્ર) સાથે તેમ જ સત્-ચિત્-આનંદ સ્વરૂપ પૂર્ણ બ્રહ્મને વિશ્વના શાશ્વત અધિષ્ઠાન તરીકે અને સમગ્ર સર્જનના મૂળ તરીકે માનતા વેદાન્ત દર્શન સાથે ખૂબ મોટી સમાનતા ધરાવે છે. પણ જ્યુડોખ્રિસ્તીઓની વિશ્વવિભાવના સાથે એની જરા સરખી પણ સમાનતા જણાતી નથી. હૉકીંગ કહે છે. : “આ આરંભક વિસ્ફોટ ખરેખર સર્જનનો આદિ ન પણ હોય. તમે એને ઓછામાં ઓછું એક સર્જનના રૂપે ગણી શકો અને એના સર્જક તરીકે ઈશ્વરનું આવાહન કરી શકો.”

આ વિશ્વનું સંચાલન કેવી રીતે થાય છે? કેવળ એક યંત્રની પેઠે સુનિશ્ચિત અને સુવ્યસ્થિત રીતે ચાલતા કાર્યકારણભાવથી યુક્ત એવા વિશ્વની વિભાવનાને તો ૧૯૨૭માં હાઈઝન બર્ગના ‘અનિશ્ચિતતાના’ સિદ્ધાન્તે સાવ ભોંય ભેગી જ કરી દીધી છે. અનિશ્ચિતતાને કે અચોક્કસતાને જ આ કવોન્ટમ વિજ્ઞાનનો કે અણુઘટક દ્રવ્યવિજ્ઞાનનો પાયો ગણવામાં આવ્યો છે. આજે ૧૯૭૦ના દશકમાં લંડનમાં ડેવીડ બોહમે અને કેલિફોર્નિયામાં ક્લોઝર અને ફ્રીટમેને કરેલી બેલના પ્રમેયની પુન: સમીક્ષાએ એવું ઠરાવી આપ્યું કે ક્વોન્ટમ્સની સંકીર્ણતાથી ખૂબ ખૂબ ઊંડે એકતા, સમગ્ર વિશ્વને પાયામાં રહેલી સંબદ્ધતા-ઐક્ય પડેલ છે. યુ.એસ.એ.ના એટમિક એનર્જી કમિશનના હેનરી સ્ટેપે ૧૯૮૩ના જાન્યુ.માં પ્રકાશિત થયેલી તેમની તાજેતરમાં લેવાયેલી મુલાકાતમાં લખ્યું : “બેલનો પ્રમેય તો વિજ્ઞાનની એક જબરી શોધ છે.” હૉકીંગે કબૂલ્યું છે કે, “એવું માનવું સુસંગત જણાય છે કે, કોઈ એકતાસાધક સિદ્ધાન્ત અવશ્ય હોવો જોઈએ. કે તેથી બીજા બધા નિયમો એક મહાનિયમના ભાગરૂપે રહે. તો અમે જે શોધવા માગીએ છીએ તે એ છે કે, એવો કોઈ મહાનિયમ છે ખરો કે, જેમાંથી બીજા બધા નિયમો ફૂટી શકે? મને લાગે છે કે અહીં તમે મને એ પ્રશ્ન પૂછી શકો , હું ઈશ્વરમાં માનું છું કે નહિ?”

પ્રવર્તમાન ભૌતિક વિજ્ઞાનની આખી દુનિયા આ વિશ્વની અંતિમ એકતાના જ્ઞાન તરફ ધસી રહી છે. વેદોના આધ્યાત્મિક અને જ્ઞાન કાંડ રૂપ વેદાન્તે સમગ્ર અસ્તિત્વના અધિષ્ઠાન રૂપે રહેલી આ એકતાને અને સમગ્ર જ્ઞાનના અંતિમ લક્ષ્યને સુનિશ્ચિત કરી આપ્યું છે અને વેદાન્તનો આ ઐક્યમૂલક સંદેશ, વિજ્ઞાન અને યંત્રવિદ્યાથી સંપન્ન પશ્ચિમની દુનિયાને, એમની આજની વૈજ્ઞાનિક ભાષામાં જ, સૌ પ્રથમ ૧૮૯૦ના દશકમાં એક હિન્દુ સંન્યાસી સ્વામી વિવેકાનંદે આપ્યો. તેમણે પશ્ચિમની આગળ તાર્કિક રીતે રજૂ કરેલી આ વિચારસરણી ઘણી બધી રીતે પશ્ચિમની આજની વૈજ્ઞાનિક શોધોને આંબી જાય છે. ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં એ પશ્ચિમની ભૂમિ પર પગ મૂકતાં જ વિવેકાનંદે પશ્ચિમના વિજ્ઞાન અને ભારતના વેદાન્ત દર્શનના ભાવિ જોડાણની ઉદ્‌ઘોષણા કરી હતી. ૧૮૯૩ની શિકાગોની ધર્મસભામાં મળેલી પશ્ચિમવાસીઓની ઑગસ્ટ એસેમ્બલીમાં વિવેકાનંદે ઘોષણા કરી :

“એકતાની ખોજ સિવાય વિજ્ઞાન બીજું કશું જ નથી. એ પૂર્ણ એકતા શોધી લીધા પછી વિજ્ઞાન આગળ ધપતું અટકી જશે. કારણ કે એનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું. જેમાંથી બધાં જ બીજાં તત્ત્વો બની શકે તેવા એક તત્ત્વની શોધ કરી લીધા પછી શક્તિઓને આવિર્ભૂત કરે એવી એક શક્તિની ખોજ કરવાની સેવા જ બજાવવા સક્ષમ બન્યા પછી ભૌતિક વિજ્ઞાન પણ અટકી જશે. એવી રીતે ધાર્મિક વિજ્ઞાન પણ જ્યારે આ મર્ત્ય એકમાત્ર જીવન રૂપ, આ નિરંતર પરિવર્તનશીલ જગતના અચલ શાશ્વત અધિષ્ઠાન રૂપ, એક-અદ્વિતીય એવા પરમાત્મ તત્વને શોધી લેશે કે જેમાંથી માયામય અનેક આત્માઓ અભિવ્યક્ત થાય છે, સંપૂર્ણ થઈ જશે. અનેકતા અને દ્વૈત દ્વારા અંતિમ ઐક્ય -અદ્વૈત સુધી પહોંચી શકાય છે. આના પછી ધર્મ આગળ વધી ન શકે. વિજ્ઞાનની બધી શાખાઓનું લક્ષ્ય આ જ છે.

અર્વાચીન વિજ્ઞાન અને વિવેકાનંદના વિચારોનો સંગમ આજના જમાનામાં અભ્યાસનું એક મહત્ત્વનું ક્ષેત્ર બન્યો છે. ઉત્તરોત્તર વધતા જતા ચિંતકોનું ધ્યાન ધીરે ધીરે એના તરફ વળી રહ્યું છે.

સંદર્ભ

આ લેખ સ્વામી જીતાત્માનંદ લિખિત Modern Physics and Vedanta નામના પુસ્તકમાં પ્રથમ લેખ “whilter Physics to-day” નામના લેખના મુદ્દાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

Total Views: 196

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.