યહૂદીઓના પ્રદેશ (અત્યારના ઈઝરાયેલ)માં રહેતા સુથારનો એ યુવાન પુત્ર – ઈશુ ખ્રિસ્ત પોતાને ‘ઈશ્વરનો પુત્ર’- કહેવડાવતો હતો અને જોર્ડન, જ્યુડા ગેલીલીના સમગ્ર વિસ્તારમાં ‘ઈશ્વરના સામ્રાજ્ય’ના સંદેશનો બોધ આપી રહ્યો હતો. ‘ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર જ છે’, એ કહેતો. સામાન્ય માણસોને તેમાં પોતાના પયગંબરનાં દર્શન થયાં, જે તેમને સ્વર્ગમાં જવાનું માર્ગદર્શન આપતા હતા. તેણે કેટલાંય કુષ્ઠરોગીઓને સાજા કર્યા, લૂલાંને પગ આપ્યા, અંધજનોને દૃષ્ટિ આપી અને મૃતકોને જિવિત કર્યા. તેનામાં લોકોને ઈશ્વરની સત્તા અને પવિત્રતા દેખાઈ અને તેને ખાનગીમાં ‘યહૂદીઓનો રાજા’ અને ખ્રિસ્ત-ઉદ્ધારક (Saviour) એમ પણ કહેતા.

ઈશુ ખ્રિસ્તે પ્રબોધેલ ‘ઈશ્વરનું સામ્રાજ્ય’ શું છે? આ સામ્રાજ્ય પૃથ્વી ઉપરની કોઈ ચોક્કસ જગ્યાએ નથી; તે તો માનવીના હૃદયમાં છે. હૃદયના સામ્રાજ્ય વડે પ્રભાવિત જીવન, જે દુન્યવી નથી પરંતુ જે પોતાની જીવન-શક્તિનો સ્રોત સીધો પોતાના ‘આત્મા’માંથી મેળવે છે તે જીવનમાં ‘ઈશ્વરના સામ્રાજ્ય’નું પ્રકટીકરણ થાય છે. ઈશુ ખ્રિસ્ત કહેતા, “ઈશ્વરનું સામ્રાજ્ય તમારી અંદર છે. તેને જરાક ખટખટાવશો તો તે તમારા માટે ખૂલી જશે. તે તો સમગ્ર ભોજનને સુગંધિત કરતા આવ્યા જેવું છે.”

આ વિરાટ સામ્રાજ્યને મેળવવા માટે પોતાની પાસે જે કંઈ છે તે બધાનું બલિદાન આપીએ તો પણ ઓછું છે, એક વેપારીએ જેને મેળવવા પોતાનું બધું વેચી નાખ્યું હતું તે ‘સુંદર મોતી’ જેવું એ છે. તે વાસણમાં સારી વસ્તુઓને જવા દઈ, નકામી વસ્તુઓને દૂર રાખતી જાળી જેવું છે. ઈશ્વરનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની આખી ક્રિયા એ સામાન્ય મનુષ્યનું દૈવી, પવિત્ર, પૂર્ણ મનુષ્યમાં રૂપાંતર થવાની ક્રિયા છે. સંત પૉલ આ રૂપાંતરણને સરસ રીતે સમજાવે છે : “આ મૃતકને સજીવન કરવાની ક્રિયા છે; આ નબળાઈનો બળમાં, સત્તામાં, અપયશનો યશમાં અને કુદરતી શરીરનો આધ્યાત્મિક શરીરમાં થતો ઉદય છે. પહેલાંનો દુન્યવી મનુષ્ય આ આખી પ્રક્રિયાને અંતે સ્વર્ગનો સમ્રાટ બને છે. સંત પૉલ ભારપૂર્વક કહે છે કે, “લોહી અને માંસનો ઈશ્વરના સામ્રાજ્ય ઉપર અધિકાર નથી. તેના ઉપર તો આત્માનો જ અધિકાર છે.”

ઈશ્વરનું સામ્રાજ્ય કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? દુન્યવી વસ્તુઓના સંપૂર્ણ ત્યાગથી. પૂર્ણત્વ પ્રાપ્ત કરવાના આ કાંટાળા માર્ગને સ્પષ્ટ કરતાં ઈશુ ખ્રિસ્તે કહ્યું : “શિયાળવાંને બખોલ છે, હવામાં ઊડતાં પક્ષીઓને માળો છે, પણ આ રસ્તે જનારે તો માથું મૂકવાની પણ જગ્યા નથી.” તેઓ કહેતા, ‘તારા ઈશ્વરને તારા સમગ્ર હૃદયથી, આત્માથી અને મનથી પ્રેમ કર.’ ઈશ્વરની વાત સમજાવતી વખતે તેઓ ત્રણ પ્રકારના આધ્યાત્મિક સાધકોને ખ્યાલમાં રાખતા. સામાન્ય મનુષ્ય માટે તેઓ ઈશ્વરને ‘સ્વર્ગમાં રહેલા પિતા’ કહેતા. કારણ, મોટા ભાગના મનુષ્યો માટે દ્વૈત ભાવે ઈશ્વરને પૂજવા સહજ છે. તેમની વધારે નજીક આવી તેમનો પ્રેમ સંપાદન કરનારને વધારે ઉચ્ચ શિક્ષણ આપતા. ‘હું દ્રાક્ષ છું અને તમે તે વેલાની શાખા છો.’ તેઓ ઈચ્છતા કે, તેમના આવા શિષ્યો પોતાને ઈશ્વરથી જુદા ન ગણતાં, એ ‘અંતિમ સત્ય’ના એક ભાગરૂપે, ઈશ્વરરૂપી સમુદ્રના મોજા તરીકે જ જુએ. પરંતુ એનાથીય નજીક આવેલા, પોતે ચૂંટેલા અમુકને તેઓ ઉચ્ચતમ સત્ય કહેતા : ‘આ સમય આવી ગયો છે જ્યારે ઈશ્વરના સાચા, નિષ્ઠાવાન પૂજારીઓ તેમની પૂજા દરેક આત્મામાં અને શાશ્વત સત્યરૂપે કરશે. હું અને મારા પિતા એક છીએ. હું પરમાત્મા છું. શાશ્વત જીવન તરફનો માર્ગ છું, જે મને આત્મા રૂપે પૂજે છે તેઓ સત્યના જ પૂજારી છે.’ પોતાના શિષ્ય ફિલિપને તેમણે કહેલું, ‘જેણે મને જોયો છે તેણે ઈશ્વરને જોયો છે. એક દિવસ તું જાણી શકીશ કે હું ઈશ્વરમાં છું, તું મારામાં છે અને હું તારામાં છું.’

પરંતુ ઇતિહાસની વિડંબના અને કરુણતા તો જુઓ! આવા ઈશુ ખ્રિસ્તને વધ-સ્તંભ પર ચડાવવામાં આવ્યા! ભૌતિકતા તરફ અનહદ પ્રેમ રાખનારા યહૂદી પાદરીઓ ખ્રિસ્તની આત્માની વાતો અને એ મેળવવા માટે સર્વસ્વના ત્યાગના ઉપદેશને સ્વીકારી શક્યા નહીં તેઓ ઈશ્વર અને ભૌતિક સમૃદ્ધિ બંને ઈચ્છતા હતા. સ્વામી વિવેકાનંદ કહેતા, “ચર્ચે પોતે ખ્રિસ્તને યોગ્ય બનવાની કોશિશ કરવાને બદલે ખ્રિસ્તને ચર્ચને યોગ્ય બનાવવાની કોશિશ કરી.” પાદરીઓ માટે ઈશ્વરનું સામ્રાજ્ય એટલે પૃથ્વી ઉપરની તેમની ‘સત્તાનો વ્યાપ’ હતું કે જેથી જેરુસલામનો દરેક પથ્થર સોનાનો બની જાય! પણ આવું કશું કરવાનો ખ્રિસ્તે ઈન્કાર કર્યો! અને તેમનો પ્રતિકાર કરતાં કહ્યું, ‘દંભી, અંધ માર્ગદર્શકો તમને ધિક્કાર હો! ગીધની જેમ તમે અંદરથી ગંદકીથી અને મૃત માનવીઓનાં હાડકાંથી ભરેલા છો!’ અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ, ચર્ચમાં જઈ આવ્યા. પાદરીઓને તેઓ બહાર લાવ્યા અને કહ્યું, “આ મારું ઘર પ્રાર્થનાનું ઘર છે. કોઈ ખરીદવાની વસ્તુ નથી.૧૦ અને આ સંઘર્ષનો અંત થયો. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં- “જાદુવિદ્યાની હાર અને પાદરીઓના સ્વાર્થીપણાનો અંત, જેમની ચુંગાલમાંથી ખ્રિસ્તે સત્યના રત્નને છોડાવી દુનિયાને આપ્યું.”

સેમેટિક (Semitic) ધર્મોના ઝનૂની અનુયાયીઓ ધર્મ પાછળના રહસ્યને ક્યારેય સમજી શક્યા નથી. આથી જ તેઓ ખ્રિસ્તના ઉપદેશનો તેમના ક્રુસીફીકેશનનો ખરો અર્થ સમજી શક્યા નહીં. જો કે ખ્રિસ્તી ધર્મને વરેલા પાછળના સંતો તેનો અર્થ સમજી શક્યા ખરા! તેમની તપસ્યા, ઈન્દ્રિયદમન, ઉપવાસ, પ્રાર્થના તથા સતત ધ્યાનનાં તેમનાં ઘણાં વર્ષો અને અંદર રહેલાં દાનવીય તત્ત્વો સાથેની તેમની આધ્યાત્મિક-લડાઈ- આ બધાં તેમના આધ્યાત્મિક ક્રુસીફીકેશનનાં સાંકેતિક રૂપો છે, જે આખરે તેમને સંતો-ઈશ્વરના સામ્રાજ્યના રહેવાસી બનાવે છે. ‘ધી વે ઓફ પીલ્ગ્રીમ (The Way of Pilgrim)’ નામના અદ્‌ભુત પુસ્તકના લેખક એક અજાણ્યા રશિયન ખેડૂતે સાત શબ્દોની અવિરત સમજી પ્રાર્થના કરી પૂર્ણતા પ્રાપ્ત કરી હતી. આ સાત શબ્દો હતા – “Lord Jesus Christ! Have mercy on me!” સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં, ચાલતાં, ફરતાં- આ પ્રાર્થનાનું સતત રટણ ચાલુ રહેતું. બ્રધર લોરેન્સ, અવીલાના સંત ટેરેસા, ક્રોસના સેન્ટ જ્હોન, અસીસી (Assisi)ના સંત ફ્રાન્સીસ આ બધાં કેટલાક જ્વલંત ઉદાહરણો છે.

દરેક યુગમાં ઈશ્વરના આવા દીનહીન યાચકો પાસે ઈતિહાસને ઝૂકવું પડે છે! જ્યારે શરૂઆતના ખ્રિસ્તી સાધુઓ રોમમાં પ્રવેશ્યા, ત્યારે રોમન સમ્રાટે ટીકા કરેલી, “શું આ ભિખારીઓ સામ્રાજ્યને ઉથલાવવા માટે આવ્યા છે?” પણ ખરેખર એમ જ થયું. ઈ. સ. ૩૩ માં ખ્રિસ્તને વધ સ્તંભ પર ચડાવવામાં આવ્યા અને ઈ. સ. ૩૨૮ સુધીમાં તો પૂરા રોમન સામ્રાજ્યે પોતાના ધર્મ તરીકે ખ્રિસ્તી ધર્મને અપનાવી લીધો. ઈશ્વરના આ ‘ભિખારીઓ’એ દુનિયાના ભોગે ઈશ્વરના સામ્રાજ્યમાં પ્રવેશવાની હિંમત કરી હતી. જેને પરિણામે દુનિયાનાં તમામ સામ્રાજ્યો તેમનાં ચરણે પડ્યાં! આવા સાચા સંતો અને રહસ્યવાદીઓ (mystics) માટે ખ્રિસ્ત એટલે વધસ્તંભ પર ચડી જનાર શરીર-મનનું એક માળખું નથી. તેમના પવિત્ર હૃદયમાં તો તેઓ હંમેશાં ‘જીવંત હાજરી’ના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે. અવીલનાં સંત ટેરેસા તેમની સાધ્વીઓને કહેતાં, ‘તમને લોકોને પ્રાર્થના કરતી વખતે ખ્રિસ્તને ફોટા સામે જોવાની ટેવ હશે, પણ મને તો હૃદયસ્થ ખ્રિસ્તથી દૂર જવું એ મૂર્ખતાભરેલું લાગે છે.’ ૧૧ આ જ રીતે, મેડોનાની છબી નિહાળતી વખતે શ્રીરામકૃષ્ણે ખ્રિસ્તને જીવંત સ્વરૂપમાં જોયા હતા અને અંતે તેઓ શ્રીરામકૃષ્ણમાં સમાઈ ગયા.

સેમેટિક (Semitic) ધર્મમાં ભાગ્યે જ સ્થાન પામતા ‘અદ્વૈત’ના આધ્યાત્મિક આદર્શો સંત પૉલના ધર્મોપદેશ (Gospel) માં જોવા મળે છે. સ્વામી વિવેકાનંદના મત મુજબ તેના પહેલા પાંચ શ્લોકોમાં ખ્રિસ્તી ધર્મનો પૂરો સાર સમાયેલો છે. આ ઉપદેશની શરૂઆત એક ગહન વિચારથી થાય છે. “આરંભમાં શબ્દ હતો, આ શબ્દ ઈશ્વરની સાથે હતો, એ ઈશ્વર જ હતો!”

વેદાંત મત મુજબ પણ આખરી સત્ય (Ultimate reality) ઓમ્ શબ્દમાં સમાયેલ છે. આ બ્રહ્માંડ પદાર્થ છે. (પદ=શબ્દ, અર્થ=અર્થ) એટલે કે શબ્દથી બનેલ છે અને ‘ઓમ્’થી પ્રગટતા પવિત્રતા, જ્ઞાન, શક્તિ અને શાંતિ અવતારના જીવનમાં પ્રગટે છે. રામ, કૃષ્ણ અને રામકૃષ્ણની જેમ જ ખ્રિસ્ત પણ પોતાના સીમિત જીવન દ્વારા જ અસીમ જીવનને દર્શાવે છે. જે બહુ ઓછા માણસો સમજી શકે છે. તેમનામાં (અવતારમાં) અસીમ જીવન છે અને આ જીવન મનુષ્ય માટે પ્રકાશ રૂપ છે, જે અંધકારને ઉજાળે છે પણ અંધકાર તેને સમજી શક્યો નથી.૧૨

પાશ્ચાત્ય લોકો મોટે ભાગે ચર્ચમાં એકસાથે પ્રાર્થના કરીને ધર્મનું પાલન કરે છે. (આધ્યાત્મિક સામ્યવાદ Spiritual Communism) પણ પૂર્વના દેશોના લોકો ઈશ્વરની સાથે એકલા જ વાતો કરે છે. (આધ્યાત્મિક વ્યક્તિવાદ Spiritual individualism). પણ ખ્રિસ્ત શું જંગલમાં એકલા જ ઈશ્વર સાથે વાતો નહોતા કરતા? આ ખ્રિસ્ત પૂર્વના દેશોના વધારે છે, જ્યાં ઈશ્વર સાથેનું રહસ્યમય મિલન વધારે સહજ છે. બાર વર્ષોની ઐતિહાસિક આધ્યાત્મિક સાધના પછી શ્રીરામકૃષ્ણદેવે જોયું કે, તેમના શરીરમાંથી કાળો, બિહામણો માણસ નીકળ્યો અને એ જ વખતે એક દિવ્ય પુરુષ પણ એમના શરીરમાંથી બહાર નીકળ્યો અને તેણે પેલા બિહામણા પાપી માણસને ત્રિશૂળથી મારી નાખ્યો. આ બધી વાસના, મોહ અને ‘હુંપણા’ની ભાવનાના લોપ પછી તેઓ પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ બની ગયા.

ઈશુ ખ્રિસ્તે ચાલીસ દિવસો જંગલમાં વિતાવેલા, જેને વિષે આપણને કોઈ માહિતી નથી. પરંતુ શ્રીરામકૃષ્ણદેવની સાધનાની રજેરજની માહિતી નોંધાયેલી છે. મહાન ખ્રિસ્તી રોમાં રોલાં કહેતા, ‘શ્રીરામકૃષ્ણ આપણા ઈશ્વરનો નવો અવતાર છે. દરેક વખતે તેઓ પોતાની જાતને જરા વધુ પ્રગટ કરે છે.૧૩ જો કે ખ્રિસ્તી લોકો માને છે કે, ઈશ્વરે પોતાના એકમાત્ર પુત્ર ખ્રિસ્તને માનવતાને પૂર્ણત્વ પ્રાપ્ત કરાવવા મોકલ્યા છે. પરંતુ, શા માટે ઈશ્વર પોતાના બીજા પુત્રને માનવતાની સેવા કરવા માટે ન મોકલી શકે? વારંવાર પોતાને પ્રગટ કરવાની ઈશ્વરની સત્તા ઉપર કોણ પ્રતિબંધ મૂકી શકે? ભગવદ્‌ગીતામાં તો કહ્યું જ છે, જ્યારે પૃથ્વી ઉપર અધર્મનું આચરણ વધે છે ત્યારે ધર્મનું પુન:સ્થાપન કરવા ઈશ્વર મનુષ્ય રૂપે અવતરે છે. લંડનમાં આ જ વસ્તુને સ્વામી વિવેકાનંદે સમજાવી હતી : “વૈશ્વિક વિચારોનાં મોજાં દરેક પાંચસો વર્ષે ફરી ફરી ઉદ્‌ભવે છે, અને આ મોજાં મનુષ્યનો આકાર લઈને ઈશ્વર બને છે, જે પોતાના મનમાં તે તે યુગના વિચારને પ્રાધાન્ય આપી તેને કોઈ નક્કર સ્વરૂપમાં માનવજાતને પાછા આપે છે. દુનિયામાં જે મહાન સામાજિક ચળવળો થાય છે તે નખશિખ પવિત્રતા અને દૃઢ ચારિત્ર્યવાળાં આવાં મોજાંને લઈને જ થાય છે.”૧૪ ખ્રિસ્તના ચુસ્ત અનુયાયી ટોયન્બી કહે છે, જ્યારે માનવજાત હજી થોડાં હજાર વર્ષો આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ટકાવી રાખવાની છે. ત્યારે તેને પ્રેમાળ અને સર્વશક્તિમાન ઈશ્વરની જરૂર છે.૧૫

અને, વેદાંત કહે છે કે જો ખ્રિસ્ત, શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ તથા અનેક સંતો ઈશ્વરના સામ્રાજ્યમાં પ્રવેશી શકે તો આપણે શા માટે ન પ્રવેશી શકીએ? વેદાંત મનુષ્યમાં તેમ જ દરેક જીવમાં રહેલ દિવ્યતા ઉપર ભાર મૂકે છે. જે મુજબ ધર્મ એ ઊંચ કે નીચ, વ્યાવહારિક કે ધાર્મિક – દરેક પ્રકારના જીવનનું દૈવીકરણ છે. આ જ સત્યને સ્વામી વિવેકાનંદે ૧૮૯૩માં શિકાગોની ધર્મસભામાં વાચા આપી હતી. “ભાઈઓ, મને તમારું સંબોધન એ મધુર નામથી કરવા દો- અમૃતના પુત્રો, હા, હિંદુઓ તમને પાપી કહેવાની મના કરે છે. તમે ઈશ્વરનાં સંતાન છો, અમૃતના સહભાગી છો, પવિત્ર અને પૂર્ણ છો. મનુષ્યને પાપી કહેવો એ જ માનવતાની ઉપર કાળાં ધાબાં લગાડવા જેવું પાપ છે.”૧૬

આ અમૃતના સહભાગી સહભાગી થવાનો રસ્તો ભગવદ્‌ગીતા ચીંધે છે. “જ્યાં જ્યાં અર્જુન જેવા સત્યના શોધકો છે જે ઈશ્વરત્વના પૂર્ણ સ્વામી એવા કૃષ્ણના (કોઈ પણ અવતારના) શબ્દોને અનુસરે છે, ત્યાં ત્યાં સમૃદ્ધિ, સફલતા અને એથી પણ વધુ તો જીવનમાં આધ્યાત્મિક પૂર્ણતા ચોક્કસ આવશે.” અને આ ઈશ્વરના સામ્રાજ્યની ખતમ થવાની બીક નથી, તે તો કાયમ વધતું રહે છે.

આમ, આપણે સૌ ઈશ્વરના સામ્રાજ્યના હકદાર છીએ. ત્યાગ, પવિત્રતા અને સત્યનો પ્રકાશ જીવનમાં લાવવાથી સૌ તેને મેળવવા સમર્થ બને છે. આ જ સાધના જેના સાધ્ય રૂપે ખ્રિસ્ત, બુદ્ધ કે રામકૃષ્ણનો જન્મ થાય છે. આવા ઈશ્વરીય અવતારોનાં જીવન ફક્ત તેમની સામે દીપ પ્રગટાવીને નમન કરવા માટે નથી, તેમના જીવનને, તેમની સાધનાને, તેમના ઉપદેશને આપણા જીવનમાં વણી લેવા પડશે અને તો આપણે પણ ચોક્કસ ઈશ્વરના સામ્રાજ્યમાં પ્રવેશી, મનુષ્યત્વમાંથી દેવત્વ મેળવી મુક્ત બની શકીશું.

એક અવકાશવિજ્ઞાનીએ અમેરિકામાં એક ભારતીય સંન્યાસીને પૂછ્યું, “અમે જ્યારે ચંદ્ર ઉપર ગયા ત્યારે અમારા અવકાશયાનને ચંદ્ર ઉપર ઉતારવા અમને કોઈ ખ્રિસ્તની જરૂર પડી નહોતી!” સ્વામીજીએ વેદાંતના સરળ સત્યના પ્રકાશમાં ઉત્તર આપ્યો, “હા, ખ્રિસ્ત તમારી અંદર છે. તેની સત્તા, તેનો પ્રેમ, પવિત્રતા, ઉત્કૃષ્ટતા, તેમનું જ્ઞાન બધું તમારી અંદર છે. જેટલો તમે આ બધાનો તમારી ટેકનોલોજીને વિકસાવવા પ્રયત્ન કર્યો તેટલી તમને સફળતા મળી છે. હવે એ જ શક્તિને તમે ખ્રિસ્તની દિવ્યતાને તમારી અંદર પ્રગટાવવા વાપરો તો તમે એ પણ કરી શકો!”

માયાવતી અદ્વૈત આશ્રમ (સ્વામી વિવેકાનંદે હિમાલયમાં સ્થાપેલ આશ્રમ)ના લાઈબ્રેરી રૂમના એક ખૂણામાં ઈશુ ખ્રિસ્તની છબી લટકે છે. તે પૌર્વાત્ય ખ્રિસ્તની છબી છે, યોગી ખ્રિસ્તની કે જેને શ્રીરામકૃષ્ણ ઋષિકૃષ્ણ કહેતા. આ છબીમાં ઈશુ આકાશ તરફ આંખ ખુલ્લી રાખી પ્રાર્થના નથી કરતા. કમલાસનમાં આંખ બંધ કરીને બેઠા છે, અને આત્માની અમાપ ગહેરાઈમાં અંદરની તરફ જુએ છે તેમના મુખ ઉપરથી શાંતિ પ્રસ્ફુલિત થાય છે ઈશ્વરનો પુત્ર પોતાની અંદર રહેલા ચિર શાંતિ અને શાશ્વત જ્ઞાનયુક્ત, જેની કોઈ સીમા નથી તેવા ઈશ્વરના સામ્રાજ્યમાં ડૂબેલો છે.

(પ્રસ્તુત લેખ અંગ્રજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના નવેમ્બર ૧૯૮૭ના તંત્રીલેખ ઉપરથી તૈયાર કરવામાં આવ્યો છે.)

સંદર્ભસૂચિ

૧.         સેંટ મેથ્યુ., ૭ : ૭.

૨.         સેંટ મેથ્યુ, ૧૩: ૩૩.

૩.         સેંટ મેથ્યુ, ૧૩ : ૪.

૪.         સેંટ મેથ્યુ, ૧૩ : ૪૭.

૫.         ૧, કોરીન્થીઅન્સ, ૧૫ : ૩૫-૩૮, ૪ર-૫, ૪૭.

૬.         ૨, કોરીન્થીઅન્સ, ૫ : ૬-૮.

૭.         સેંટ જ્હોન, ૪: ૩૩.

૮.         સેંટ જ્હોન, ૧૪:૮.

૯.         ધી કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૭૨) વોલ્યુમ-૭, પૃ. ૩૦.

૧૦.       સેંટ લ્યુક, ૧૯ : ૪૫.

૧૧.        સેંટ ટેરેસા ઓફ અવીલા, ધી વે ઓફ પરફેક્શન (ન્યુયોર્ક : ઈમેજ બુક્સ, ૧૯૬૪) પૃ. ૨૩૦.

૧૨.        સેંટ જ્હોન, ૧: ૪.

૧૩.       રોમાં રોલાં, ધી લાઈફ ઑફ શ્રીરામકૃષ્ણ (કલકત્તા : અદ્વૈત આશ્રમ, ૧૯૭૦) પૃ ૧૧-૧૩.

૧૪.       ધી કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, (૧૯૬૩), વોલ્યુમ-૪, પૃ. ૩૯.

૧૫.       એ. જે. ટોયન્બી, એક્સપીરીયન્સીસ (લંડન : ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૬૯) પૃ. ૧૩૬.

૧૬.        ધી કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, (૧૯૭૨), વોલ્યુમ-૧, પૃ. ૪.

Total Views: 235

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.