એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક યાત્રા માનવજાતના ઇતિહાસનું એક નવું જ પૃષ્ઠ આલેખવાની હતી? આજે એ અજાણ ફિરસ્તાની યાત્રાને સો વર્ષ તો થવા આવ્યાં છે, અને છતાંયે પશ્ચિમની વિચારસરણી અને પાશ્ચાત્ય જીવન ઉપર સ્વામી વિવેકાનંદના પ્રભાવનો વ્યાપ અને એનું સ્વરૂપ આપણા મનમાં કંઈ બહુ સ્પષ્ટ તો થયું નથી. ઇતિહાસ બતાવે છે કે, સેન્ટ પૉલ જેવાના ઉપદેશનો સ્વીકાર કરવામાં આ દુનિયાને સદીઓનો સમય લાગી જાય છે. સને. ૩૩માં ઈસુને શૂળીએ ચડાવી દેનાર રોમન બાદશાહે ઘણે લાંબે સમયે ઇસુના પ્રેમના સંદેશાનો સ્વીકાર કર્યો હતો અને લગભગ સને ૩૦૦માં ખ્રિસ્તી ધર્મ રોમનનો રાજધર્મ બન્યો હતો. અહીં હવે માનવજાતના ઇતિહાસમાં પહેલવહેલાં ભારતનો એક સંન્યાસી પૂર્વનો સંદેશ પશ્ચિમમાં, યુરોપ અને અમેરિકાના ખંડોમાં લઈ જઈ રહ્યો હતો!

પણ સ્વામી વિવેકાનંદ પશ્ચિમમાં ગયા શા માટે? અને તે લોકોને પ્રાચીન ભારતનો સંદેશ, તેમની જ અંગ્રેજી ભાષામાં અને તેમની જ વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારસરણીમાં મઢીને શા માટે આપ્યો? ઇતિહાસનાં પરિબળોએ તેમના પર લાદેલા એ લોકોત્તર કર્તવ્યને અગમ આદેશને એમણે તો કેવળ બજાવેલ જ છે. જેમ સંત પૉલ યહૂદીઓના દેશમાંથી ઈસુનો સંદેશ લઈને જેન્ટિલી પહોંચ્યા હતા, તેમ સ્વામી વિવેકાનંદ પણ ભારતનો પ્રાચીન સંદેશ પશ્ચિમમાં પહોંચાડવા માટે જ જન્મ્યા હતા અને સ્વામી વિવેકાનંદ પણ પોતાના ભાગ્યમાં આલેખાયેલા આ ઐતિહાસિક કર્તવ્ય માટે પૂરેપૂરા સભાન હતા. બ્રુકલીન એથિકલ સોસાયટી, યુ. એસ.એ.માં જ્યારે કોઈકે ટકોર કરી કે, “હિન્દુ ધર્મ ક્યારેય ધર્માંતર કરવા-કરાવવામાં માનતો નથી તો તમે અહીં શા માટે આવ્યા છો? ત્યારે સ્વામીજીએ જવાબ વાળ્યો કે, “બુદ્ધની પાસે પૂર્વને આપવા માટે સંદેશ હતો, તેવી રીતે મારી પાસે પશ્ચિમને આપવા માટે સંદેશ છે.”

તેમના પશ્ચિમમાં જવાથી ત્યાંના લોકોને એવી લાગણી થઈ આવી કે, આ કોઈ એવો દેવદૂત આવ્યો છે કે જે ધર્માંતર કરવા-કરાવવા નહિ, પણ સહાય કરવા આવ્યો છે; વટલાવવા નહિ, રૂપાંતર કરવા આવ્યો છે, તેમને વશ કરવા નહિ, પણ પ્રકાશિત કરવા, ખાલી ઉપદેશ દેવા નહિ પણ એ મહાન તત્ત્વજ્ઞાનને જીવવા માટે તેમ જ અન્યને એવું જીવન જીવવામાં સહાય કરવા માટે આવ્યો છે. તે કોઈ અમુક ખાસ રાષ્ટ્રની સંસ્કૃતિનાં પારંપરિત પ્રતીકો અને વિધિવિધાનોનું મમતભર્યું અભિમાન લઈને નહિ, પણ દરેક સચેતનની ભીતર પડેલ સત્ – ચિત્ – આનંદની વેદાંતે પ્રબોધેલી પૂર્ણતાની પૂજા કરવા આવ્યો હતો. એણે કોઈ પારકી ભૂમિમાં પગ નહોતો મૂક્યો, પણ પોતાનાં જ એવાં બહેનો અને ભાઈઓની ભૂમિમાં ડગ માંડ્યાં હતાં કે જેઓ સદીઓથી ‘મૂલગત પાપ’ અને ‘નરકની આગ’ની રૂઢ ગ્રંથિથી બંધાઈને પોતામાં જ રહેલી ઈશ્વરી પૂર્ણતાના જ્ઞાનથી વંચિત રહ્યાં હતાં. શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદની આતુરતાભરી, આર્જવભરી વાણી અવિસ્મરણીય છે : “શાશ્વત આનંદના વારસદારો! હું તમને બંધુઓના મધુર નામે જ સંબોધીશ.”

અંગ્રેજોમાં એમણે ચારિત્ર્યની, પ્રામાણિકતા અને અવિચ્છિન્ન ભક્તિ સાથેના માનવતાના ઉત્તમોત્તમ નમૂનાઓ ખોળ્યા અને અમેરિકનોમાં એમણે અદ્વૈતની ખાલી વાતો કરનારા જ નહિ, પણ જીવતા જાગતા વેદાંતીઓ નિહાળ્યા. તેમના જીવનમાં નવ કર્મઠ વર્ષો પૈકી પાંચ કરતાંય વધુ વર્ષો તેમણે પશ્ચિમમાં ગાળ્યાં. તેઓ જાણતા હતા કે, પશ્ચિમની મરુભૂમિ વર્ષોની વાટ જોઈ રહી છે. તેમણે ત્યાં પ્રેમ અને ત્યાગની વર્ષા કરી અને વેદાંતનાં – સર્વ પ્રાણીઓમાં સર્વવ્યાપી, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન દિવ્યતા છે એવાં બીજ વાવ્યાં.

તેઓ અહંકારના લેશમાત્ર ઓછાયા વગર, કેવળ ભગવાનને જ ભરોસે ત્યાં પહોંચ્યા હતા, ઈશ્વરી દૂત તરીકે ત્યાં ગયા હતા. શંકરની બુદ્ધિ, બુદ્ધનું હૃદય અને તેમના ગુરુ શ્રીરામકૃષ્ણની ઈશ્વર સાક્ષાત્કાર માટેની પ્રજ્વલિત ઝંખના લઈને ત્યાં ગયા હતા. એમનો મૂળ મંત્ર આ હતો : “ભીતરની દિવ્યતાનું પ્રકટીકરણ જ જીવનનો ઉદ્દેશ છે. ગ્રંથો, મંદિરો, ગિરજાઘરો, વગેરે તો ગૌણ બાબતો છે.” તેમને માટે આ દુનિયા ન હતી, કેવળ ઈશ્વર જ હતો અને અન્ય જે કંઈ હતું, તે ઈશ્વરથી જ વ્યાપ્ત હતું. અમેરિકાના ઓગણીસમી સદીના મહાન મનોવિજ્ઞાની અને ફિલસૂફ ડૉ. વિલિયમ જેમ્સે સ્વામી વિવેકાનંદમાં રહેલ ‘માનવતા પ્રત્યેનો આદર’ ખૂબ પુરસ્કાર્યો હતો.

ઓગણીસમી સદીના નવમા દશકમાં પશ્ચિમની ક્ષિતિજોમાં ઘેરાતાં જતાં અને ધરતીને ભૌતિક સ્વર્ગમાં પલટાવવાનું સ્વપ્ન સેવતાં ઝંઝાવાતી વાદળોને સ્વામી વિવેકાનંદ સિવાય બીજો કોઈ જોઈ શક્યો ન હતો અને એમના સિવાય કોઈનેય એની સાથે કશું લાગતુંવળગતું પણ ન હતું. ૧૮૯૭માં પશ્ચિમમાંથી વિજયનું પુનરાગમન કર્યા પછી તેમણે ભારતના લોકોને કહ્યું : “જો આધ્યાત્મિક પાયો નહિ હોય તો આવતાં પચાસ વર્ષમાં આખીય પશ્ચિમી સંસ્કૃતિના ટુકડેટુકડા થઈ જશે અને માત્ર ઉપનિષદ પ્રબોધ્યો ધર્મ જ યુરોપને ઉગારી શકશે.” સ્વામી વિવેકાનંદ જ્યારે પશ્ચિમની ભૂમિમાં પ્રવેશ્યા, ત્યારે ત્યાં જૂની યુગવ્યવસ્થા નવી યુગવ્યવસ્થા માટે માર્ગ મોકળો કરી રહી હતી. વિજ્ઞાન અને ધર્મના ક્ષેત્રમાં ત્યાં મહાન સંક્રાન્તિકાળ ચાલી રહ્યો હતો. માનવ આદમ અને ઈવમાંથી નહિ, પણ વાનરમાંથી ઊતરી આવ્યો છે, એવી ડાર્વિનની શોધ સાથે જ પરંપરાગત ખ્રિસ્તી ધર્મની તત્ત્વમીમાંસાનો આખોય મહેલ મૂળમાંથી હચમચી ઊઠ્યો હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમી સંસ્કૃતિ અસલામતીના વિક્ષોભકારી સમયમાંથી પસાર થઈ રહી હતી. ઉત્તરોત્તર વધતી જતી બૌદ્ધિકોની સંખ્યામાંથી ચર્ચના પ્રભુત્વવાળા ધર્મ તરફની અને જગતની બહાર રહેલા ઈશ્વર તરફની શ્રદ્ધા અને આસ્થા ઘટતી જતી હતી. પણ હજુ નૂતન જીવન બક્ષનાર પ્રામાણિત તત્ત્વદર્શનનો ઉદય થવો બાકી હતો.

ટૂંકમાં, પશ્ચિમ એ વખતે બૌદ્ધિક ઉન્માદ અને આધ્યાત્મિક મુશ્કેલીઓમાં સપડાયેલું હતું. સ્વામી વિવેકાનંદના પોતાના કહેવા પ્રમાણે ત્યારે પુરાતનપંથીય સંશોધનોના ભારે હથોડાના સપાટાઓ પ્રાચીનપંથી રૂઢિઓના ચિનાઈ માટી જેવા ઢગલાઓને ચૂર્ણવિચૂર્ણ કરી રહ્યા હતા, ત્યારે પશ્ચિમમાં ધર્મ કેવળ અબૂધોના હાથમાં સપડાયો હતો અને કેટલાક જ્ઞાનીઓ ધર્મ સાથે સંબંધિત બધી બાબતો તરફ ઘૃણાની નજરે જોતા હતા.

રૂઢિભંજક અને બૌદ્ધિક વિજ્ઞાનની જાગૃતિના આ કાળમાં પણ જ્યારે કેટલાક અજ્ઞાનીઓ પોતાની જૂની પુરાણી પરંપરાઓને જોરથી વળગી રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે કેટલાક જ્ઞાનીઓ શાંતિ અને સમાધાનની શોધ માટે કોઈ બીજા તત્ત્વદૃષ્ટિની ખોજ કરવા લાગ્યા. એ વખતે પશ્ચિમના બૌદ્ધિકોમાં સંશયવાદનું જોર વધ્યું હતું. સંશયવાદી તર્કોના સમાધાનમાં નિષ્ફળ નીવડેલાં દેવળોનો લાખો લોકોએ ત્યાગ કરી દીધો, કેટલાક લોકો શોપનહોરના હતાશાવાદને તાબે થયા હતા અને પોતાની હસ્તીરૂપી તીવ્ર પીડાકારી ઉદ્વેગમાં સબડતા રહ્યે રહ્યે જીવતરના અંતની રાહ જોઈ રહ્યા હતા કે જે જીવતર શોપનહોરના મતે ભાગ્યવિધાતા ભગવાન દ્વારા નહિ, પણ કેવળ ધારણ કરવાની ‘સંકલ્પ શક્તિ’ દ્વારા જ શાસિત થાય છે. એ આંધળી સંકલ્પ શક્તિએ જ સારું અને ખરાબ બંનેને બેપરવાઈભરી અબુધતાથી સર્જ્યા છે. વળી, કેટલાક લોકો કાન્ટના અજ્ઞેયવાદને અનુસરવા લાગ્યા હતા. આ અજ્ઞેયવાદની ધારણા છે કે, પારમાર્થિક સત્ અજ્ઞાત છે અને માનવમન માટે અવિજ્ઞેય જ રહેવાનું. બસ, આ ધારણાથી જ પરિતોષ લેવાનો પરંતુ પશ્ચિમના બહુસંખ્યક લોકો તો સીધા જ ન્યૂટોનિયન વિજ્ઞાન અને ઔદ્યોગિક ક્રાંતિના યુગે આપેલી બક્ષિસ સમી ભૌતિક સમૃદ્ધિ અને ઉન્નતિની ચળકાટભરી દુનિયા તરફ જ ઢળી ગયા. રોજબરોજ ઉદ્‌ભવતી નવ નવી ટેકનોલોજી વિજ્ઞાનનો પર્યાય બની રહી. ટેકનોલોજીના વધતા વિકાસે અમેરિકાએ અને યુરોપે પોતાને જ વિજ્ઞાનના એકમાત્ર રખેવાળ માની લીધા, ભૌતિકતા-સુવર્ણ અને સુખસગવડો જ તેમનો આરાધ્ય દેવતા બની રહ્યો, વૈજ્ઞાનિક ભૌતિકવાદ તેમનો મુદ્રાલેખ બની રહ્યો. સત્ય અને વાસ્તવિકતાનું વિજ્ઞાનનું મૂળ પ્રાણતત્ત્વ થોડા વખત માટે ગૌણ બની ગયું. આ ડોલર-વાંછુ વિજ્ઞાનની કરુણાંતિકાને સ્વામી વિવેકાનંદની આર્ષદૃષ્ટિ પામી ગઈ અને એમણે કેલિફોર્નિયામાં પશ્ચિમને સાવધાન કર્યું : “તમે ભૌતિકતાનો વિકાસ કર્યા કરશો તો તમે ભૌતિક જડ જ બની જશો.”

સ્વામી વિવેકાનંદ ખૂબ સારી રીતે જાણતા હતા કે, પારંપરિત ધાર્મિક લાગણીઓનો મેળ, કોઈ રીતે આ દૃઢ ભૌતિકવાદીઓ કે બુદ્ધિવાદીઓ સાથે બેસી શકે તેમ નથી. કારણ કે એમને એ માટે સબળ તર્ક જોઈતો હતો. ૧૮૯૬માં લંડનમાં ‘પૂર્ણતા અને તેનું પ્રકટીકરણ’ વિષય પરના વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદે જાહેર વિધાન કર્યું : “આજે યુરોપમાં ભૌતિકવાદ પ્રસરેલો છે. સંશયવાદીઓની મુક્તિ માટે તમે ભલે પ્રાર્થના કરો, પણ તેઓ કશું તમારું માનશે નહિ, તેમને તો બૌદ્ધિક તર્ક જોઈએ છે. યુરોપની મુક્તિ તર્કપૂત વૈજ્ઞાનિક ધર્મ અને વેદાન્ત ઉપર આધાર રાખે છે. એ વેદાંત કે અદ્વૈત, અભેદ એકતા, નિરાકાર ઈશ્વર એ જ એક એવો ધર્મ છે કે જે કોઈ પણ બૌદ્ધિક જનસમાજ પર કંઈક પકડ જમાવી શકે અને એ ત્યારે આવે છે કે, જ્યારે ધર્મ અદૃશ્ય થતો જણાય છે અને અધર્મ ફેલાતો જતો નજરે પડે છે અને એટલા જ માટે એ વેદાંતે યુરોપ અને અમેરિકાનું ક્ષેત્ર પસંદ કર્યું છે.”

પરંતુ આ કાર્ય કંઈ સહેલું ન હતું. ૧૮૯૬માં સ્વામીજી અમેરિકાના વિખ્યાત વિદ્યુતવિજ્ઞાની શ્રીનિકોલા ટેસ્લાને મળ્યા. ૧૮૯૬ના ફેબ્રુઆરીની ૧૩મી તારીખના શ્રી એફ.ટી. સ્ટર્ડીને લખેલા પત્રમાં સ્વામીજીએ લખ્યું :

‘વેદાંતના પ્રાણ, કલ્પ અને આકાશ વિશે સાંભળીને શ્રીટેસ્લા પ્રભાવિત થયા. તેમને મતે આધુનિક વિજ્ઞાન એ જ સિદ્ધાંતો ધરાવી શકે છે. શ્રીટેસ્લા માને છે કે, જડ પદાર્થ અને બળોનું પર્યવસાન એક મૂલગત શક્તિમાં થાય છે, એવું તેઓ ગાણિતિક રીતે દર્શાવી શકે છે. આવતે અઠવાડિયે જઈને હું તેમને મળીશ અને તેમના આ નવા ગાણિતિક નિદર્શનને જોઈશ.’

પણ ટેસ્લા તેમનું વચન પાળવામાં નિષ્ફળ નીવડ્યા. પશ્ચિમી વિજ્ઞાનને જડ પદાર્થ અને શક્તિની એકતાના સાક્ષાત્કાર માટે આલ્બર્ટ આઈન્સ્ટાઈનના ઉદય સુધીનાં વધુ દસ વર્ષ રાહ જોવાનું બાકી હતું.

આમ છતાં સ્વામી વિવેકાનંદે પશ્ચિમની વૈજ્ઞાનિક ભાષામાં વેદાંતનો ઉપદેશ દેવાનું ચાલુ જ રાખેલું. જો કે તેમના જ કહેવા પ્રમાણે, એ ભારે સંઘર્ષનું કામ હતું. એ વખતે સેંકડો વર્ષથી પરદેશી ગુલામીને મૂંગે મોંએ સહન કરી રહેલા પીડિત અને નિદ્રિત ભારત તરફ પશ્ચિમના લોકો એક અજ્ઞાની, જંગલી દેશ તરીકે જોતા હતા. એમને મતે ભારતમાં સર્પોના જાદુ બતાવવામાં, વિધવાઓને બાળી મૂકવામાં, મૂર્ખાઈભર્યા વહેમોમાં અને અકલ્પનીય મૂર્તિપૂજામાં જ ભારતનો ધર્મ અને તત્ત્વજ્ઞાન સમાઈ જતાં હતાં! વળી, પશ્ચિમના તથાકથિત બૌદ્ધિકોની ઘણીમોટી સંખ્યા પણ ભારતીય વિચારધારાના આત્મા, માયા, જીવ, કર્મ, ધર્મ જેવા ઊડીને આંખે વળગે તેવા વિષયોને જરા પણ પિછાણતી ન હતી. આવા તદ્દન જુદા જ સમાજમાં અને જુદી જ સભ્યતામાં વેદાંતનાં પ્રયોગાત્મક સત્યોની સ્થાપના કરવી, એ તો કંઈ માનવેતર બુદ્ધિ, શક્તિ અને અભીપ્સા ધરાવતા આધ્યાત્મિક ધુરંધરના કમરતોડ પરિશ્રમ વડે જ સાધ્ય બને તેમ હતું. ટેસ્લાને મળ્યા પછી ચાર દિવસે સ્વામીજીએ પોતાના મદ્રાસી શિષ્ય આલાસિંગાને લખ્યું : “તમે જુઓ, હિન્દુ વિચારધારાને અંગ્રેજીમાં રજૂ કરવી અને એના શુષ્ક તત્ત્વજ્ઞાનને અને આંટીઘૂંટીવાળી પુરાણ કથાઓને તેમ જ સાવ અણઘડ અને બિકાળવા મનોવિજ્ઞાનને એક સીધાસાદા લોકપ્રિય ધર્મસ્વરૂપે રૂપાંતરિત કરવી અને સાથોસાથ ઉત્તમોત્તમ દિમાગોની આવશ્યક્તાઓને પહોંચી વળવું એ કેટલું કઠિન કામ છે! એ તો કેવળ એ જ જાણી શકે કે, જેણે એ માટે પ્રયત્ન કર્યો છે.”

પોતાના ક્ષેત્રના નામધારી નિષ્ણાતો તરફથી જેને સ્વીકૃતિ ન મળી હોય તેવી કોઈ પણ બાબતને માનવામાં તે જમાનાના વિજ્ઞાનીઓ એકદમ વિમુખ જ હતા. એ વૈજ્ઞાનિકોનું આવું વલણ ભારે મોટી મુશ્કેલી હતી. ૧૮૯૬ના જાન્યુઆરીમાં ન્યૂયોર્કના પ્રવચનમાં સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ રીતે આ વૈજ્ઞાનિકોના મમતનો ઉલ્લેખ કર્યો છે :

‘જ્યારે એક મહાન પ્રાચીન ઋષિ, એક દૃષ્ટા, સત્યને સગી આંખે નીરખનાર એક પુરાતન પયગંબર કંઈક કહે છે ત્યારે આ અર્વાચીન વિજ્ઞાનીઓ અને આધુનિક માણસ ઊભા થઈ જાય છે અને કહે છે : ‘અરે, એ તો મૂર્ખ હતો!’ પણ એને બદલે હક્સ્લી કે ટાઈનબોલનું નામ આપો તો બસ, એ તેમને માટે સાચું થઈ જાય છે. એક ધડાકે તેઓ એ વાત માની લે છે. પ્રાચીન વહેમો અને પ્રાચીન પોપની જગ્યાએ હવે તેઓ નવા વિજ્ઞાની પોપને બેસાડી રહ્યા છે.’

આધુનિક વૈજ્ઞાનિક પુરોહિતો દ્વારા એ વખતે વૈજ્ઞાનિક ભૌતિકવાદની પૂજા નિર્વિઘ્ને ચાલી રહી હતી. સ્વામી વિવેકાનંદ માટે ખરેખરો સંઘર્ષ તો ૧૯મી સદીનું પશ્ચિમી વિચારમંડળ જેને અચલ અને અજેય માની રહ્યું હતું, એવી વિજ્ઞાની ભેખડની વિશાળ વજ્રમય દીવાલોમાં અમિટ પ્રહાર કરવાનો હતો.

પણ આ ભેખડમાં બાકોરાં પાડવાની શરૂઆત થઈ ચૂકી હતી. એનું પહેલું દેખીતું કારણ તો એ લોકોની ડૉલરપૂજા અને લિપ્સાની પ્રતિક્રિયા હતી અને બીજું કારણ ૧૮૯૩માં મિકેલ્સન અને મોર્લીના પ્રયોગોથી માંડીને અણુવિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધોની ક્રાન્તિકારી હારમાળાનો પ્રભાવ હતું અને આજે પણ એ અદ્વૈત વેદાંત કે જે આશરે સો વરસ પહેલાં પૂર્વના એ ફિરસ્તાએ તેમને પ્રબોધ્યું હતું તે જ અર્વાચીન ભૌતિક વિજ્ઞાનની સંકુલ સમસ્યાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે. સ્વામી વિવેકાનંદના અવસાન પછી બાર વરસમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી, યુદ્ધવિરોધી પ્રચાર માટે જેલવાસી બનાવેલા યુરોપના મહાન તત્ત્વજ્ઞ રોમાં રોલાંએ જેલમાંથી બહાર નીકળતાવેંત જ છેવટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના સંદેશનું શરણું સ્વીકાર્યું અને એને જ જીવનની ગુરુચાવી-જ્વરાક્રાન્ત યુરોપનો દુ:ખનાશક લેપ ગણ્યો. જો કે તદ્દન ભૌતિકવાદી એ સમાજની બે સ્વાભાવિક આતુરતાઓ લાલસા અને યુદ્ધના ઉત્તરોત્તર વધતા જતા કોલાહલને રોમાં રોલાં જેવાનું સ્વામી વિવેકાનંદના ઉપદેશનું આ અનુસરણ અને પુરસ્કારણ પણ રોકી શક્યું નહિ અને ૧૯૩૯માં ખૂબ વધારે વિનાશકારી બીજું વિશ્વયુદ્ધ આવી પડ્યું. ૧૯૪૫માં પહેલો અણુબોમ્બ પ્રાયોગિક ધોરણે આલ્મોગોર્ડોમાં ફેંકાયો અને પછી લાખ્ખો લોકોના આંચકા અને આતંકની ચીસો વચ્ચે હિરોશિમા અને નાગાસાકી ઉપર સફળતાથી ઝિંકાયો. જ્યારે આ પ્રકલ્પના મુખ્ય સહાયક વિખ્યાત ભૌતિકવિજ્ઞાની રોબર્ટ ઓપનહાયમર આ મહાન પ્રસંગની ઉજવણી માટેના સમારંભમાં હાજરી આપવા ગયા ત્યારે તેમણે ઉદ્વેગપૂર્વક જોયું કે, એ મિલન એક ‘ઉદાસીન નિષ્ફળતા’ જ હતી અને એ અણુધડાકા તરફ પછીથી લોકોની અસંમતિ હતી. ઓપનહાયમરે આવી મૂંઝવણભરી મન:સ્થિતિમાં જોયું કે, બીજી રીતે શાંત દેખાતો એક વૈજ્ઞાનિક ઉજાણીમાંથી ઊઠીને ખાધેલું ઓકી કાઢવા જઈ રહ્યો છે! અને ત્યારે છોભીલા પડેલા ઓપનહાયમરે લખ્યું : “પ્રતિક્રિયા શરૂ થઈ ચૂકી છે!”

(ક્રમશ:)

(સ્વામી જિતાત્માનંદના “VIVEKANANDA INTERPRETS VEDANTA TO THE WEST” લેખને આધારે.)

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.