શ્રીરામકૃષ્ણદેવે એક વાર શ્રીમા શારદાદેવી વિષે કહ્યું હતું : “એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.” આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી, જેને પોતાના હસ્તાક્ષર કરતાં પણ ન આવડે, જેને માટે ફાનસ પેટાવવું એ પણ એક મોટી સમસ્યા, જે કોઈ પરિવારની કુળવધૂની બુદ્ધિની એટલા માટે પ્રશંસા કરે કે તેને ઘડિયાળની ચાવી દેતાં આવડે, જે નળમાંથી પાણી ભરતી વખતે પાઈપમાં ગયેલી હવાનો સિસોટો સાંભળીને ‘ઓય મા, સાપ!’ કહીને ચિત્કાર કરે, એવી સ્ત્રીને સરસ્વતી કહેવી, એ કેવું આશ્ચર્યજનક લાગે. પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે, જ્ઞાનનો અર્થ ફક્ત અક્ષરજ્ઞાન જ નથી થતો, અક્ષર (બ્રહ્મ)નું જ્ઞાન પણ થાય છે. મુંડકોપનિષદમાં બે વિદ્યાની વાત આવે છે–પરા અને અપરા. પરા વિદ્યા એટલે પરમાત્મા વિષેની વિદ્યા-અધ્યાત્મવિદ્યા અને અપરાવિદ્યા એટલે લૌકિક જ્ઞાન જેમાં, વેદોનું જ્ઞાન, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, વગેરે બધું આવી જાય છે.

વિશ્વના ઇતિહાસમાં આપણને કોઈ પણ એવું સ્ત્રીપાત્ર જોવા નથી મળતું જેમાં શ્રીમા શારદાદેવીના જેવું ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન પ્રકટ થયું હોય. ફલહારિણી કાળીપૂજાની રાત્રે શ્રીરામકૃષ્ણદેવે શ્રીમા શારદાદેવીની જગદંબાભાવે ષોડષીપૂજા કરી, પોતાની સાધનાનું સર્વ ફળ તેમનાં ચરણોમાં સમર્પી દીધું હતું. શ્રીમા શારદાદેવીને તેમણે વિભિન્ન સાધનાઓની સમજ આપી હતી, વિભિન્ન મંત્રોની સમજ આપી હતી. મંત્રદીક્ષા કેવી રીતે આપવી તે બધું સમજાવ્યું હતું અને તેમને ગુરુ તરીકેની ભૂમિકા માટે તૈયાર કર્યાં હતાં. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી શ્રીમા શારદામાં અપૂર્વ ગુરુભાવ પ્રકટ થયો હતો. રખે ને આપણે એમ માની લઈએ કે બધું આ શ્રીરામકૃષ્ણદેવને લીધે થયું. નહીં, નહીં, તેઓ તો દેવીના મહિમામાં સ્વપ્રતિષ્ઠિત છે. જાણે સાક્ષાત્ સરસ્વતી! જે કંઈ તેમણે પોતાના જીવનમાં કર્યું તે તે સાધારણ માનવી માટે અશક્ય છે. હજારોને તેમણે મંત્રદીક્ષા આપી, અધ્યાત્મજ્ઞાન આપ્યું, શિષ્યોના પાપતાપ સહન કર્યા, તેઓની ગૂઢ આધ્યાત્મિક સમસ્યાઓનું સમાધાન કર્યું, તેઓનો ઈહલોક અને પરલોકનો ભાર પોતાના પર લીધો અને આમ અપૂર્વ જ્ઞાનદાયિની-મોક્ષદાયિની બન્યાં.

તેમની અદ્‌ભુત આધ્યાત્મિક સમજણનો એક જ દાખલો જોઈએ. એક વાર તેમના મંત્રશિષ્ય સ્વામી વિરજાનંદજી (જેમણે સ્વામી વિવેકાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા મેળવી હતી અને પાછળથી જેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા અધ્યક્ષ થયા હતા) શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલા. કેટલાય ઈલાજ કર્યા પણ કોઈ ઈલાજ કારગર ન નીવડ્યો. છેવટે જ્યારે શ્રીમા શારદાદેવી પાસે આ વાત આવી ત્યારે તેમણે સ્વામી વિરજાનંદજી મહારાજને પૂછ્યું, “દીકરા! શું તું સહસ્રારમાં ધ્યાન કરે છે. સ્વામી વિરજાનંદજી મહારાજે હા પાડી ત્યારે શ્રીમાએ કહ્યું, “દીકરા, લાંબો વખત સુધી સહસ્રારમાં ધ્યાન કરવાથી જ આવું થયું છે.” સ્વામી વિરજાનંદજીએ આ પછી પોતાની સાધના પ્રણાલી બદલી. તેઓ કલાકો સુધી ધ્યાન કરતા. સાધનામાં લીન રહેતા. હવે તેમણે સહસ્રારમાં ધ્યાન કરવાનું ઓછું કર્યું અને આશ્ચર્યજનક રીતે થોડા જ દિવસોમાં તેઓ સ્વસ્થ થઈ ગયા.

આ તો થઈ તેમના અધ્યાત્મજ્ઞાનની વાત. તેમનું લૌકિક જ્ઞાન પણ ઓછું ન હતું. અભણ હોવા છતાં તેમનામાં અદ્‌ભુત વ્યાવહારિક બુદ્ધિ, વ્યવહાર કુશળતા અને સમજણ શક્તિ હતાં. પોતાની અસાધારણ વહીવટી કુશળતાને લીધે જ શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી દીર્ઘ ૩૪ વર્ષો (૧૮૮૬ થી ૧૯૨૦) સુધી તેમણે રામકૃષ્ણ સંઘનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું અને અનેકવિધ સમસ્યાઓનું સમાધાન કર્યું હતું.

મે ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદજી આરોગ્યપ્રાપ્તિ માટે દાર્જિલિંગમાં હતા, ત્યારે તેમને સમાચાર મળ્યા કે કલકત્તામાં પ્લેગનો ઉપદ્રવ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વામીજી ચૂપ બેસી શક્યા નહીં. તેઓ તુરત જ કલકત્તા પાછા ફર્યા અને સેવાકાર્યમાં લાગી ગયા. પણ નાણાંના અભાવમાં કાર્ય બંધ પડી જાય એવી પરિસ્થિતિ ઊભી થવાથી સ્વામીજીએ સંકલ્પ કર્યો કે આટલી મુશ્કેલીથી બેલુડ મઠની નવી ખરીદેલી જમીનને પણ જરૂર પડ્યે તેઓ વેચી નાખશે. સ્વામીજીના ગુરુભાઈઓ ચિંતામાં પડી ગયા કે, જો મુખ્ય મઠની જમીન જ વેચાઈ જાય તો રામકૃષ્ણ સંઘનું ભવિષ્ય શું? શ્રીમાએ ત્યારે મધ્યસ્થી બની સ્વામીજીને પોતાની પાસે બોલાવી કહ્યું : “દીકરા નરેન! હું દેશવાસીઓના દુ:ખ પ્રત્યેની તારી લાગણી સમજી શકું છું. હું એ પણ જાણું છું કે તમે લોકો શ્રીરામકૃષ્ણના ત્યાગી શિષ્યો છો-તમે લોકો તપસ્યા કરી શકશો, ઝાડ તળે નિવાસ કરી જીવન વિતાવી શકશો. પણ દીકરા, મઠ તો ફક્ત તમારા લોકો માટે નથી. ભવિષ્યમાં કેટલાય યુવાનો આ સંઘમાં જોડાશે, તેઓ તો તમારી જેમ કઠોર જીવન વિતાવી નહીં શકે. અને બીજી વાત, આ મઠની જમીન તો ફક્ત તારી એકલાની નથી. એ તો ટ્રસ્ટની છે. અન્ય ટ્રસ્ટીઓની પરવાનગી વગર તું આ જમીન કેવી રીતે વેચી શકે?” સ્વામીજી પાસે શ્રીમાએ ઉઠાવેલ ટ્રસ્ટીઓની આ કાનૂની પ્રશ્નનો કોઈ ઉત્તર નહોતો. આમ પણ તેઓ માના કહ્યાગરા પુત્ર હતા. તેમણે બેલુડ મઠની જમીન વેચવાનો વિચાર માંડી વાળ્યો. શ્રીમાની અપૂર્વ દૂરદૃષ્ટિ અને તાર્કિક બુદ્ધિએ રામકૃષ્ણ સંઘને વિપત્તિમાંથી ઉગાર્યો.

અન્ય એક વાર રામકૃષ્ણ મિશન સમક્ષ એક વિકટ સમસ્યા આવી ત્યારે પણ શ્રીમાએ પોતાની આગવી બુદ્ધિમતા દ્વારા સંઘને વિપત્તિમાંથી ઉગાર્યો હતો. બંગાળ સરકારના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું કે બંગાળના ક્રાંતિકારીઓ સ્વામી વિવેકાનંદના અગ્નિશિખા જેવા સંદેશ અને લખાણોથી અખૂટ ઉત્સાહ મેળવે છે અને તેને આદર્શ તરીકે અપનાવે છે. એ સિવાય બંગાળના ગવર્નર લોર્ડ કારમાઈકેલે ઈ. સ. ૧૯૧૬માં ઢાકા દરબારમાં ભાષણ આપતી વખતે રામકૃષ્ણ મિશન વિષે એવાં કેટલાંય ભયાનક વિધાનો કર્યાં કે, જેથી જનતાના મનમાં ભય વ્યાપી ગયો કે મિશન સાથે સંપર્ક રાખવાથી રાજ્યના કોપનો ભોગ બનવું પડશે. ત્યારે કેટલાક ક્રાંતિકારીઓ પોતાનું જીવન પરિવર્તન કરી મિશનમાં જોડાયા હતા. તેઓને રાખવા કે સંઘમાંથી કાઢી મૂકવા એવી પણ એક વિમાસણ ઉત્પન્ન થઈ હતી. આવી કટોકટીની પરિસ્થિતિમાં નિર્ભય રહી શ્રીમા શારદાદેવીએ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી શારદાનંદજીને સૂચન કર્યું કે બ્રિટિશ સરકારને સાચી હકીકતનો ખ્યાલ આપવો જોઈએ, જેથી મિશનના સંન્યાસીઓને કે મિશનની કીર્તિને આંચ ન આવે. શ્રીમાના આ સૂચનથી સ્વામી શારદાનંદજીએ એક જાહેરાત કરી, મિસ મેક્લાઉડ વગેરે મિત્રોની મદદથી સરકારને મિશનના વાસ્તવિક સ્વરૂપનો પરિચય કરાવ્યો અને તેઓ પોતે જ ઉચ્ચ કક્ષાના ઓફિસરોને મળ્યા અને એમનો એવો ભય દૂર કર્યો કે રામકૃષ્ણ મિશન એક રાજનૈતિક સંસ્થા છે. આ બધાંને પરિણામે લોર્ડ કારમાઈકેલે ૨૬મી માર્ચ, ૧૯૧૭ના રોજ સ્વામી શારદાનંદજી પર એક પત્ર લખી જણાવ્યું : “રામકૃષ્ણ મિશન તથા તેમના સભ્યોની કોઈ પણ પ્રકારની આલોચના કરવાનો મારો હેતુ ન હતો. હું જાણું છું કે, મિશનનું તમામ કાર્ય રાજનીતિથી સંપૂર્ણ રીતે મુક્ત છે. તેઓ સામાન્ય જનતાની જે સેવા આજ સુધી કરતા આવ્યા છે, તેથી બધાં પાસેથી પ્રશંસા સિવાય બીજું કંઈ મેં સાંભળ્યું નથી.” આમ, શ્રીમાની અસાધારણ બુદ્ધિમતાથી રામકૃષ્ણ સંઘ પર આવી પડેલી એક મોટી આફત ટળી ગઈ.

એક વાર શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે નાવમાં બેસી પાણીહાટીના ઉત્સવમાં ગયા હતા. શ્રીમા શારદાદેવીએ પુછાવ્યું કે તેઓ પણ સાથે જાય કે નહિ, શ્રીરામકૃષ્ણદેવે કહેવડાવ્યું કે, જો તેમની ઇચ્છા હોય તો તેઓ સાથે જઈ શકે છે. શ્રીમા ગયાં નહિ. આથી શ્રીરામકૃષ્ણદેવે શ્રીમાની બુદ્ધિમતાની પ્રશંસા કરતાં કહ્યું : “ઠીક થયું, તેઓ ન આવ્યાં. નહિ તો લોકો ટીકા કરત અને કહેત, ‘જુઓ જુઓ હંસ-હંસીનું જોડકું આવ્યું છે.’ પાછળથી શ્રીમાએ આ ઘટના વિષે વાત કરતાં કહ્યું હતું કે, તેઓએ પાણીહાટી જવાનો વિચાર માંડી વળ્યો. કારણ કે શ્રીરામકૃષ્ણદેવે કહેવડાવ્યું હતું, કે જો તેની ઇચ્છા હોય તો જાય આથી તેઓ સમજી ગયાં કે, શ્રીરામકૃષ્ણની પોતાની ઇચ્છા નથી કે તેઓ જાય. નહીં તો તેમણે ચોક્કસ શબ્દોમાં જવા માટે કહેવડાવ્યું હોત.

પોતે અભણ હોવા છતાં શ્રીમાની બુદ્ધિની વિશાળતા અને શિક્ષણ પ્રત્યેનો તેમનો ઉદાર, પ્રગતિશીલ અભિગમ આશ્ચર્ય પમાડે તેવો છે. તેઓ પોતે લખી ના શકતાં પણ વાંચી શકતાં. રામાયણ, મહાભારત, વગેરે ગ્રંથો તેઓ વાંચતાં. તે જમાનામાં બંગાળનાં ગામડાંમાં પરિસ્થિતિ એવી હતી કે છોકરીઓના વિવાહ નાની વયે કરી દેવામાં આવતા અને શાળામાં છોકરીઓનું જવું સમાજમાં સારું ન ગણાતું. શ્રીમા શારદાને બાળપણમાં જયરામબાટીમાં પાઠશાળામાં ભણવા ન મળ્યું, પણ તેમની જ્ઞાનની પિપાસા એટલી હતી કે દક્ષિણેશ્વરમાં મોટી વયે પણ તેમણે ચોરીછૂપીથી ભણવાનું શરૂ કર્યું. પણ શ્રીરામકૃષ્ણના ભત્રીજા હૃદયરામે તેમના હાથમાંથી ચોપડીઓ ઝૂંટવી લીધી. રામકૃષ્ણ સંઘના બ્રહ્મચારીઓને તેઓ અંગ્રેજી શીખવા માટે પ્રોત્સાહિત કરતાં. પોતાની સેવિકા સરલા બાલા (પછીથી પરિવ્રાજિકા ભારતીપ્રાણા)ને તેમણે નર્સિંગની ટ્રેનિંગ લેવા પ્રોત્સાહિત કર્યાં હતાં. સિસ્ટર નિવેદિતાને તેમણે શાળા શરૂ કરવા માટે પ્રેરણા આપી હતી. એક વાર એક માતા પોતાની ૯ વર્ષની બાળકીને લઈને શ્રીમા પાસે આવ્યાં અને કહેવા લાગ્યાં, “જુઓ તો મા, આ છોકરી આવડી મોટી થઈ ગઈ છે અને કહે છે, વિવાહ નથી કરવા.” શ્રીમાએ માતાને જ ઠપકો આપતાં કહ્યું, ‘તે તો સારી જ વાત કરે છે. અત્યારથી વિવાહ શા માટે? તેને નિવેદિતા શાળામાં મોકલી આપો. ભણી ગણીને મોટી થાય પછી વિવાહ કરવા હોય તો કરે અથવા અપરિણીત રહેવું હોય તો ભલે તેમ કરે!’

લોકોની ટીકા સહન કરીને પણ તેઓ પોતાની ભત્રીજીઓ રાધુ અને માકુને ભણવા મોકલતાં.

શ્રીમાની વ્યાવહારિક કુશળતા તેમના દૈનંદિન જીવનમાં પ્રગટ થતી. વર્ષાઋતુના આગમન પહેલાં જ તેઓ ઘરની મરામત કરાવી લેતાં, પાર્સલનાં પેકેટ, શાક તથા ફળની છાલ, વગેરે ફેંકવાની ના કહેતાં, તેનો સંગ્રહ કરી જરૂર પડ્યે ઉપયોગ કરતાં. શેરડીની છાલ સુકાવીને બાળવાના કામમાં લાવતાં. ભાતનું ઓસામણ ફેંકી દેવાને બદલે ગાયને ખવડાવવાનું કહે. આવશ્યક વસ્તુઓની ખરીદી, જ્યારે વસ્તુઓ સસ્તી હોય ત્યારે અગાઉથી કરી લેતાં. એક વાર કોઈ ભક્તે તેમને કીમતી વસ્ત્રોની ભેટ આપવાનો વિચાર કર્યો. પણ શ્રીમાએ તેને આ બદલે જમીનનો ટુકડો ખરીદી દેવાનું કહ્યું. જમીન ન મળવાથી તે પૈસાની ડાંગર ખરીદવાનું કહ્યું. પછીથી તે ડાંગરની ચાર ગણી કિંમત મળી હતી.

એક વાર શ્રીમા જ્યારે કલકત્તાથી જયરામબાટી પાછાં ફર્યા ત્યારે તેમણે જાણ્યું કે ગ્રામપંચાયતે તેમના ઘર પર ટેક્સ લાદ્યો છે. શ્રીમાએ ટેક્સ નાબૂદી માટે અરજી કરવાનું સૂચવ્યું અને કહ્યું, “હમણાં તો હું છું, ભક્તો આ પૈસા આપી દેશે. પણ મારા ગયા પછી સંન્યાસીઓને ભીખ માગી આ પૈસા એકઠા કરવા પડશે.” શ્રીમાના આગ્રહથી એ વર્ષે તો નહિ પણ તેના પછીના વર્ષથી ગ્રામ પંચાયતે ટેક્સ માફ કર્યો.

એક વાર એક વ્યક્તિએ શ્રીમાને પત્ર લખી પોતાની સમસ્યા જણાવી કે, હાલ તે જે નોકરી કરી રહ્યો છે, તેમાં તેને જૂઠું બોલવું પડે છે. ગરીબ હોવા છતાં તેણે વિચાર્યું છે કે, આ નોકરી છોડી દેવી. શ્રીમાએ તેને નોકરી ન છોડવાની સલાહ આપી. જે સેવક પત્ર વાંચી રહ્યો હતો તે તો આશ્ચર્યચકિત થઈ ગયો. શ્રીમાએ આવી સલાહ આપવાનું કારણ જણાવતાં કહ્યું, “હમણાં તો તે સત્યને ખાતર નોકરી છોડવા તત્પર થયો છે પણ પછી પેટની જ્વાળાથી ચોરી કરતાં પણ નહિ અચકાય” શ્રીમાએ પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી આ વ્યક્તિની ભવિષ્યની સમસ્યાને ઓળખી લીધી હતી અને આવી વ્યાવહારિક સલાહ આપી હતી. ઉચ્ચતમ આદર્શવાળાં હોવા છતાં શ્રીમા કેટલાં વ્યવહારુ હતાં! જીવન પ્રત્યેની તેમની દૃષ્ટિ કેટલી આધુનિક અને વ્યાવહારિક હતી તેનું આ એક ઉદાહરણ છે. આવાં તો અનેક ઉદાહરણો શ્રીમાના જીવન-સંદેશમાં જોવા મળે છે, જે તેમના વ્યાવહારિક જ્ઞાનની સાબિતી પૂરી પાડે છે.

એકવાર બેલુડ મઠમાં સરસ્વતી પૂજાને દિવસે એક બ્રહ્મચારી પૂજા પ્રારંભ કર્યા પહેલા શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) પાસે આશીર્વાદ લેવા ગયા ત્યારે તેમણે કહ્યું, “શ્રીમા (શારદાદેવી) પોતે જ સરસ્વતી છે. તેમની કૃપા વડે તેઓ આપણું અજ્ઞાન દૂર કરે છે અને જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરે છે.”

સરસ્વતી પૂજાના પાવન પ્રસંગે સરસ્વતીરૂપિણી શ્રીમા શારદાને પ્રાર્થીએ, “મા, અમને સાચું જ્ઞાન આપો, નિર્મળ મતિ આપો, તમારાં ચરણકમળોમાં શુદ્ધ ભક્તિ આપો.”

Total Views: 300

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.