રામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજી જ્યારે યુરોપમાં હતા ત્યારે તેમણે સ્વીત્ઝરલેંડમાં એક તળાવને કિનારે એક અદ્ભુત શિલ્પાકૃતિ જોઈ. ત્રણ વાંદરાઓની એ મૂર્તિ પ્રસિદ્ધ જાપાની શિલ્પાકૃતિથી સાવ જુદી જ હતી, જેમાં ત્રણ વાનરોમાંથી એકે બન્ને આંખો પર હાથ રાખ્યા છે, બીજાએ બન્ને કાનો પર હાથ રાખ્યા છે અને ત્રીજાએ મોઢા પર હાથ મૂક્યો છે, આ શિલ્પાકૃતિમાં તેમણે આશ્ચર્યથી જોયું કે એક વાનરે એક જ આંખ પર હાથ મૂક્યો છે. બીજાએ એક જ કાન પર હાથ મૂક્યો છે અને ત્રીજાએ અર્ધું મોઢું બંધ અને અર્ધું ખુલ્લું રાખ્યું છે. થોડીવાર તો તેઓ આનો અર્થ સમજી ન શક્યા પણ પછી તેમના મનમાં આનો અર્થ એક ઝબકારાની પેઠે સ્પષ્ટ થઈ ગયો: ‘બુરું જોવું નહીં પણ સારું જોવું, બૂરું સાંભળવું નહિ પણ સારું સાંભળવું, બૂરું બોલવું નહિ પણ સારું બોલવું.’

પહેલાં તો તેમને લાગ્યું કે આ એક અભિનવ વિચાર છે પણ પછી તેમના મનમાં વેદનો પ્રખ્યાત શ્લોક આવી ગયો જેમાં આવા જ વિચારો આપેલા છે.

ॐ मद्रं कर्णेभिः श्रृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः।
स्थिरैरऽगैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः॥

(ૠગ્વેદ: ૧.૮૯.૮)

હે પૂજ્ય દેવો! અમે કાન વડે કલ્યાણકારી સાંભળીએ; આંખથી મંગળ જોઈએ અને મજબૂત અંગો વડે સૂક્ષ્મ રહસ્યવાળી શ્રુતિયોથી અમે સ્તુતિ કરીએ. દેવોએ આપેલું આયુષ્ય અમે સંપૂર્ણ ભોગવીએ.

એકવાર એક સાધકે સ્વામી યતીશ્વરાનંદજીને કહ્યું કે એકાગ્રતા કેળવી શકતો નથી. તેમણે જવાબ આપ્યો, “એ સારું છે કે તમને એકાગ્રતા મળી નથી. જો કોઈ અશુદ્ધ મન એકાગ્ર બને તો એ એક બોંબની જેમ ખતરનાક નીવડી શકે છે.” મનની શુચિતા માટે ઉપરના શ્લોકમાં કહ્યા પ્રમાણે આપણી ઈન્દ્રિયોનો સદ્વ્યવહાર કરવાની આવશ્યકતા છે.

છાંદોગ્ય ઉપનિષદમાં નારદ અને સનત્કુમારના સંવાદોમાં આધ્યાત્મિક જીવનની અને ધ્યાનની સફળતાની ચાવી મળે છે. સનત્કુમાર કહે છે:

आहारशुद्धौ सत्त्वशुद्धिः सत्त्वशुद्धौ ध्रुवा स्मृतिः
स्मृतिलाभे सर्वग्रन्थीनां विप्रमोक्षः

(છાંદોગ્ય ઉપનિષદ: ૭/૨૬/૨)

જ્યારે આહાર શુદ્ધ હોય છે ત્યારે, મન શુદ્ધ બને છે, જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે ધ્રુવ સ્મૃતિ મળે છે એટલે કે આપણે પોતાની આધ્યાત્મિક ચેતનામાં પ્રતિષ્ઠિત થઈએ છીએ, આનાથી હૃદયની સર્વગ્રન્થિઓ છૂટી જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આદિ શંકરાચાર્ય પોતાના ભાષ્યમાં ‘આહાર’ શબ્દનો અર્થ ફકત ખાદ્યપદાર્થ એવો કરતા નથી, પણ જે કાંઈ આપણી ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ તે બધું જ ‘આહાર’માં આવે છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે:

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखहा।।

(ગીતા: ૬/૧૭)

દુ:ખોનો નાશ કરવાવાળો યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરવાવાળાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરવાવાળાને અને યથાયોગ્ય સુવાવાળા અને જાગવાવાળાને જ પ્રાપ્ત થાય છે.

કેટલાક લોકોને ઊંધ સાથે વધારે પડતી લેણાદેણી હોય છે! ધ્યાનમાં બેસતાંની સાથે જ ઝોલાં ખાવા મંડી પડે છે. તો વળી કેટલાકને ઊંઘ સાથે જન્મજાત વેર હોય છે, નીંદરની ગોળીઓ પણ તેમને સુવાડી શકતી નથી. પરિણામે તેઓ હંમેશાં તનાવયુક્ત (tense) રહે છે, તેઓને પણ તનાવને કારણે ધ્યાન લાગતું નથી.

કેટલાક દિવસ-રાત મનોરંજનમાં ગાળે છે એ જ જાણે કે તેઓનો મુખ્ય ધંધો હોય! તેઓ જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે મન સ્વાભાવિકપણે જ ચંચળ રહે છે. આથી વિપરિત કેટલાક આધ્યાત્મિક જીવનનો અર્થ હંમેશાં ગંભીર રહેવું, દિવેલ પીધેલા મોઢે રહેવું એમ માને છે. તેઓનું પણ ધ્યાન સતત ચિંતામગ્ન અને વિષાદગ્રસ્ત રહેવાથી લાગતું નથી. સ્વામી વિવેકાનંદજી તો ત્યાં સુધી કહે છે કે ‘સોગિયું ડાચું લઈ ઘરની બહાર નીકળશો નહિ. વિષાદના આ રોગનું સંક્રમણ કરવાનો તમને કોઈ અધિકાર નથી. હંમેશાં આનંદમય હૃદયે અને હસતાં-હસતાં તમે સંસારની કોઈ પણ પ્રાર્થના કરતાં-કરતાં પણ ઈશ્વરની વધુ નજીક રહી શકશો.’

‘ખડું ખાઉધરો અને ૫મુ પાણીપીતો’ની વાર્તાની જેમ કેટલાક લોકો ખાવે-પીવે જ ખબરદાર હોય છે. સંસારની અજબગજબની ખાદ્ય વસ્તુઓને ઠાંસી-ઠાંસીને પેટમાં ભરવાની કળામાં તેઓ નિપુણ હોય છે. તેઓ ધ્યાનમાં કેવી રીતે નિપુણ થઈ શકે? તો કેટલાક વળી ઉપવાસ, વ્રત, એકટાણાને જ ધર્મનું સર્વસ્વ સમજે છે અને ગજા ઉપરાંત ઉપવાસ કરે છે, શરીર અને મનને નિર્બળ બનાવે છે. આવા નિર્બળ મનથી અને તનથી ધ્યાન કેવી રીતે સારું થાય? એટલે જ કહ્યું છે:

‘शरीरम्-आद्यं खलु धर्म साधनम्’ શરીર નીરોગી હશે તો મન પણ સબળ થશે અને ઉચ્ચ ચિંતન કરવાને યોગ્ય બનશે. કેટલાક દંભવૃત્તિને પોષવા ખાતર એકાદશીનો ઉપવાસ કરે છે. સ્વાભાવિક છે તેમને ધ્યાનમાં ફળાહારની અલકમલકની વાનગીઓ જ દેખાય! “ઉપવાસ”નો ખરો અર્થ-ઈશ્વરની પાસે નિવાસ – એવો થાય છે, પણ મૂળ ઉદ્દેશ ભુલાઈ જવાથી ઈશ્વરનું ધ્યાન બરાબર થતું નથી. એવા તપસ્વીઓ જેમનો દેહાત્મબોધ ચાલ્યો ગયો છે, તે કઠોર ઉપવાસ કરે તો વાંધો નથી પણ સામાન્ય લોકો માટે તો શ્રીકૃષ્ણે કહેલ મધ્યમ માર્ગ જ ઉપયુક્ત છે. સિદ્ધાર્થે (ભગવાન બુદ્ધે) જંગલમાં કઠોર તપસ્યા આદરેલી. પેટમાં આંતરડાં દેખાવા માંડ્યાં. શરીર એટલું દુર્બળ થઈ ગયું કે એક વાર લથડિયું ખાઈ પડી ગયા. ત્યારે તેમના કાને એક નાચનારી બાઈના શબ્દો પડ્યા, જે પોતાની સખીઓ સાથે પાસેના નગરના ઉત્સવમાં જવા માટે પાસેથી પસાર થઈ રહી હતી. “જ્યારે સિતારના તાર બરાબર ખેંચવામાં આવ્યા હોય ત્યારે નૃત્ય બહુ સારી રીતે થાય છે. તારને હદ બહાર ખેંચવાથી તાલ સચવાતો નથી. તાર અને પગના તાલ એકસરખા રાખવા માટે મધ્યસર સિતાર રાખવી જોઈએ. જો તાર હદ બહાર ખેંચવામાં આવે તો તે તૂટી જાય છે, ગાવાનું પડ્યું રહે છે, એટલે તારને વધારે ય ન ખેંચવા તેમ ઢીલા ય ન રાખવા. આ શબ્દો સાંભળી સિદ્ધાર્થ બોલી ઊઠ્યા: “મોટા વિદ્વાન બ્રાહ્મણ પાસેથી જ મને જે જ્ઞાન મળ્યું નહીં, મહાન યોગીઓ પાસેથી પણ જે જ્ઞાન મળ્યું નહીં તે જ્ઞાન આ અભણ બહેનના શબ્દોમાંથી મળે છે. મેં મારા શરીરને હદ બહાર દુ:ખ દીધું, શરીરના તારને હદ બહાર ખેંચ્યા, ઈન્દ્રિયોને હદ બહાર તાણ આપ્યું, તેથી મારા અંત:કરણમાંથી સત્યનું સંગીત નીકળતું નથી. એટલું જ નહિ, પણ હૃદયના તાર તૂટી જવાનો ભય ઊભો થયો છે. મારી શરીરશક્તિ ઘટી ગઈ છે અને વધારે ખેંચવાથી જો આ શરીર પડી જશે તો મારી અને જગતની બધી આશાઓનો આધાર તૂટી પડશે. માટે હવે શરીરને હદ બહાર કષ્ટ આપવું તે યોગ્ય નથી. તપશ્ચર્યામાં મધ્યમ માર્ગ ગ્રહણ કરવો જોઈએ. શરીર એ ધર્મનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે, માટે તેને દુ:ખ દઈને મારી નાખવું ન જોઈએ પણ તેને સંયમથી સુદૃઢ કરવું જોઈએ.”

(ક્રમશ:)

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.