(ભગિની નિવેદિતા અને ભારતીય નારી)

‘મા, હું તમારે ત્યાં કામ કરવા તો આવું. પણ મારી બે શરત છે.’

‘બોલો, કઈ શરત છે?’

‘પહેલી શરત તો એ કે તમારે ક્યારેય રસોડામાં આવવું નહીં.’

‘અને બીજી?’

‘બીજી શરત એ કે તમારે મારી કોઈ વસ્તુને અડકવું નહીં.’

બંને શરતો આકરી હતી. આ તો પોતાના જ ઘરમાં અસ્પૃશ્ય બનીને રહેવાની વાત હતી. પણ હવે આ શરતોનો સ્વીકાર કર્યા વગર બીજો રસ્તો જ ન હતો. એટલે બૂઢી નોકર બાઈએ મૂકેલી આ બંને શરતોને સ્વીકારી લેવામાં આવી.

ભગિની નિવેદિતા જ્યારે બોસપાડા લેનમાં પોતાના મકાનમાં રહેવા ગયાં ત્યારે તેમને થયેલો આ અનુભવ હતો. અત્યાર સુધી તો તેઓ અંગ્રેજો રહેતા હતા તે ચૌરંગીલેનના વિસ્તારમાં રહેતાં હતાં. એટલે એમને કોઈ તકલીફ નહોતી પડી. પણ હવે તેઓ હિંદુ મહોલ્લામાં સામાન્ય બંગાળી લોકો જ્યાં રહેતાં હતાં, ત્યાં રહેવા આવ્યાં અને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ. એમની ગોરી ચામડી જોઈને જ શેરીનાં લોકો એમનાથી દૂર ભાગતાં હતાં, અરે, એમનો પડછાયો પણ પોતાના પર ન પડી જાય એનું ધ્યાન રાખતાં હતાં. આ કંઈ ઉચ્ચ વર્ગનાં બંગાળી લોકો ન હતાં કે જેઓ અંગ્રેજો સાથે ભળવામાં ગૌરવ સમજે. આ તો હતાં ગરીબ, રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી જકડાયેલાં સામાન્ય લોકો. “એમની શેરીમાં એક ગોરી મેડમ રહેવા આવે અને તે ય પાછી પોતાની દીકરીઓને ભણાવે એ તો કેમ ચલાવી લેવાય?” લોકોનો તીવ્ર વિરોધ શંકાશીલ દૃષ્ટિ, વહેમી માનસ અને તેમના ભયંકર ઈન્કારની વચ્ચે સ્વામીજીનાં આ પુત્રીને પોતાનો માર્ગ જાતે જ કંડારવાનો હતો. આ ઉપરાંત બીજી મુશ્કેલીઓ પણ કંઈ ઓછી ન હતી. ન નોકર મળે. ન રસોઈયો મળે. આજુબાજુમાંથી કોઈનો પણ સહકાર ન મળે. મળે તો કેવળ તીવ્ર ઉપેક્ષા, અસહકાર અને તિરસ્કાર! તે સમયે ગોરાઓને ત્યાં કામ કરનારને કોઈ અડકતું પણ નહીં, આથી નોકરની તો ખૂબ જ મુશ્કેલી હતી. આથી નિવેદિતાને દિવસો સુધી ફલાહાર પર રહેવું પડ્યું હતું. આખરે ઘણી શોધને અંતે આ બુઢ્ઢી સવર્ણ નોકર મળી, પણ તેણે ય બે શરતો મૂકી. નોકરની શોધથી કંટાળી ગયેલાં નિવેદિતાએ આ બંને શરતો સ્વીકારી લીધી. પણ તેને પરિણામે તેઓ પોતાનાં રસોડામાં કદી જઈ શકતાં નહીં. ક્યારેક તો ગરમ પાણી મેળવવા માટે એમને કલાકો સુધી રાહ જોવી પડતી. વૃદ્ધાની વસ્તુઓનો જો ભૂલે ચૂકે ય સ્પર્શ થઈ જાય તો કેવું પરિણામ આવે, તેની વાત એમણે પોતે જ એક પત્રમાં જણાવી હતી, “મારા જ ઘરમાં બપોરની ચા તૈયાર થઈ અને મને તે આપવામાં આવી. મારી બુઢ્ઢી દીકરી (નિવેદિતાને નોકરાણી મા કહેતી એટલે તેઓ તેને ઝી-બુઢ્ઢી દીકરી કહી બોલાવતાં) પલાંઠી વાળીને ઓસરીમાં મારી સામે બેઠી. તેની પાસે ચાની કીટલી હતી. મેં એક કપ ચાનો ભર્યો, પછી વધારે ગરમ પાણી માટે ઝી તરફ કપ લંબાવ્યો. મારા આશ્ચર્ય વચ્ચે તે વિચિત્ર અવાજ કરીને અંદર જતી રહી અને જ્યારે તે પાછી આવી ત્યારે તે પગથી માથા સુધી ભીંજાયેલી હતી!” નિવેદિતાની સ્પર્શેલી વસ્તુનો જરાક પણ સ્પર્શ થઈ જાય તો તે માથાબોળ સ્નાન કરતી. અને આવું તો કેટલીય વાર બનતું. ઝીને આવું કરવું ન પડે એટલે નિવેદિતા પોતાના જ ઘરમાં પરાયાની માફક રહેતાં હતાં. જેવું ઘરમાં એવું જ મહોલ્લામાં હતું. વિદેશમાંથી આવીને પોતાનાં સંતાનોને કેળવણી આપવા માગતી આ અપરિચિત ગોરી મહિલાને મદદ કરવી તો બાજુએ રહી, પણ મહોલ્લાની સ્ત્રીઓ પણ શંકાની નજરે જોતી હતી અને તેમની અવગણના કરતી હતી. આવા અપરિચિતતાના જ નહીં, પણ તિરસ્કારતા વાતાવરણમાં નિવેદિતાએ એવી સ્ત્રીઓને આત્મીય બનાવી, તેમનામાં શિક્ષણનાં બીજ રોપવાં હતાં; ધર્મના વાડામાં પુરાયેલી આ ગરીબ સ્ત્રીઓમાં આત્મા જગાડવો હતો; એમની લુપ્ત થયેલી ચેતનાને પુન: ધબકતી કરવી હતી. મુશ્કેલીઓ અપાર હતી તો એની સામે નિવેદિતાના અંતરની સંકલ્પશક્તિ અડગ હતી; ગુરુવચનોમાં એમની શ્રદ્ધા અચલ હતી; આત્મશક્તિ પ્રબળ હતી. તિરસ્કાર અને ઉપેક્ષા સામે એમના અંતરનો પ્રેમ વરસતો જ રહ્યો. વિરોધો અને ઈન્કારો સામે નમ્રતાભર્યો વ્યવહાર થતો જ રહ્યો. આ નિર્મળ પ્રેમ અને નમ્રતાભર્યા વ્યવહારનો પ્રતિઘોષ ધીમે ધીમે શેરીજનોના અંતરમાં પડવા લાગ્યો. પ્રથમ પરિચય રૂપે, પછી સહકાર રૂપે અને પછી સ્નેહની અસ્ખલિત ધારા રૂપે. પછી તો નિવેદિતા સમગ્ર શેરીનાં આત્મીયજન બની ગયાં. શેરીના બધા લોકો એમને મદદ કરવા તત્પર રહેવા લાગ્યા. આ વિષે નિવેદિતાએ લખ્યું છે, “હું જાણે આખી શેરીની અતિથિ હોઉં, એવી જવાબદારી તેઓ અનુભવતાં. મને ભોજન મોકલતાં. પોતાની પાસેનાં ફળોમાં મારો ભાગ રાખતાં. એટલું જ નહીં પણ મારે ત્યાં કોઈ મહેમાન આવે તો તેઓ મારી જાણ વગર જ એની આગતા-સ્વાગતા કરતાં.”

નિવેદિતાના નિર્મળ સ્નેહનો જાદુ સર્વત્ર પ્રસરવા લાગ્યો. હવે એની બુઢ્ઢી દીકરીના હૃદયમાં પણ એ જાદુએ પોતાનો પ્રભાવ પાડ્યો. “ભલે આ ગોરી મેડમ છે, છતાં એનો વ્યવહાર તો હિંદુ સ્ત્રી કરતાં પણ ચઢિયાતો છે. ઠાકુર અને સ્વામીજીની કેવી ભક્તિ-પૂજા કરે છે! એને અડકવાથી કંઈ અપવિત્ર થવાય?” બુઢ્ઢીનું હૃદય સતત વિચારતું રહ્યું, અને આખરે એનું માથાબોળ સ્નાન કરવાનું છૂટી ગયું. એટલું જ નહીં પણ હવે તે નિવેદિતાનાં એઠાં વાસણો પણ સાફ કરવા લાગી! નિવેદિતાએ આ વિશે પત્રમાં જણાવ્યું હતું: “અને હવે વિચિત્ર છતાં સત્ય એ છે કે તે મારાં કપ-રકાબીને સાફ કરી આપે છે. પરંતુ જ્યારે બીજી મેમ સાહેબ મને મળવા આવે ત્યારે એ બધાંનાં વાસણ મારે સાફ કરવાં પડે છે!”

રૂઢિચુસ્ત વૃદ્ધ સ્ત્રીના હૃદયમાં એ જમાનામાં આટલું પરિવર્તન કરવું એ કંઈ નાની સૂની સિદ્ધિ ન હતી.

પરંતુ આથી ય મહાન સિદ્ધિ તો નિવેદિતાએ જ્યારે એ જ શેરીમાં શ્રીરામકૃષ્ણ બાલિકા વિદ્યાલયની સ્થાપના કરીને સામાન્ય લોકોની બાલિકાઓને શિક્ષણ લેતી કરી ત્યારે મેળવી. એમની શાળાના ઉદ્ઘાટન અંગે વિચારણા કરવા બલરામ બોઝના ધરે એક સભા મળી હતી. તેમાં સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, અન્ય શિષ્યો, ભક્તો, ગૃહસ્થો વગેરે સર્વે હાજર હતા. આ સભામાં સર્વની સમક્ષ ઊભાં થઈને નિવેદિતાએ પોતાની શાળાની યોજના રજૂ કરી. યોજના તો રજૂ કરવામાં આવી. પણ શાળામાં ભણનાર કોઈ જ ન હતું! એ જમાનામાં સામાન્ય સ્કૂલમાં પણ કોઈ પોતાની કન્યાઓને મોકલવા તૈયાર ન હતું, તો પછી આ તો અંગ્રેજ મહિલા! એમની પાસે શિક્ષણ લેવા કોઈ પોતાની કન્યાને મોકલવા તૈયાર ન હતાં. પરંતુ જ્યારે નિવેદિતા વક્તવ્ય આપી રહ્યાં હતાં, ત્યારે એમણે જોયું કે સ્વામીજી પાછળ રહેલા ગૃહસ્થોની વચ્ચે જઈને કંઈક ગુસપુસ કરી રહ્યા હતા. જ્યારે સભાની કાર્યવાહી પૂરી થઈ ત્યારે સ્વામીજીએ ઊભા થઈને નિવેદિતાને કહ્યું: ‘સારું, કુમારી નોબલ. આ સદ્ગૃહસ્થ પોતાની પુત્રીને તમારી શાળામાં મોકલશે.’ ત્યારે નિવેદિતાને ખ્યાલ આવ્યો કે સ્વામીજી શી ગુસપુસ કરી રહ્યા હતા. પછી તો બીજા ગૃહસ્થોએ પણ પોતાની પુત્રીઓને મોકલવાની તૈયારી દર્શાવી અને આમ થોડી સંખ્યા થઈ.

ચૌદમી નવેમ્બર, ઈ.સ. ૧૮૯૮ ના રોજ કાલીપૂજાના દિવસે શ્રીમાશારદામણિના હસ્તે નિવેદિતાના વિદ્યાલયમાં કાલીપૂજા થઈ અને શ્રીમાના હસ્તે વિદ્યાલયનો ઉદ્ઘાટન વિધિ પણ કરવામાં આવ્યો. શ્રીમાએ નિવેદિતાના વિદ્યાલયને આશીર્વાદ આપતાં કહ્યું: “આ વિદ્યાલય પર મા કાલીના આશીર્વાદ ઊતરો. એમાં બાલિકાઓને આદર્શ બાલિકાઓ બનવાની તાલીમ મળો.” શ્રીમા શારદાદેવીના આશીર્વાદ મળવાથી નિવેદિતાનું સમગ્ર અંતર પ્રસન્ન થઈ ગયું. આ વિષે એમણે લખ્યું છે. “શ્રીમાના આશીર્વાદને હું એક શુભ ચિહ્ન માનું છું. હું કલ્પના જ કરી શકતી નથી કે તેમના આશીર્વાદ કરતાં બીજું કોઈ મહાન શુભ શકુન હોઈ શકે.”

નિવેદિતાના જીવનનું મધુર સ્વપ્ન શ્રીરામકૃષ્ણ બાલિકા વિદ્યાલય રૂપે સાકાર થવા લાગ્યું. લોકો તો આ વિદ્યાલયને નિવેદિતા વિદ્યાલય તરીકે જ ઓળખતા હતા. શ્રીમાના આશીર્વાદથી શરૂ થયેલું આ વિદ્યાલય ધીમે ધીમે પાંગરવા લાગ્યું. તેમાં અભ્યાસની સાથે સાથે ચિત્રકામ, માટીકામ, સીવણ વગેરે ગૃહઉપયોગી કલાઓનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. હવે નિવેદિતાની સુવાસ સમગ્ર કલકત્તાના જનસમાજમાં પ્રસરવા લાગી અને બંગાળી સદ્ગૃહસ્થો પણ હવે પોતાની કન્યાઓને આ વિદ્યાલયમાં મોકલવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. નિવેદિતાએ શરૂ કરેલું આ વિદ્યાલય આજે પણ શ્રીરામકૃષ્ણ શારદા મિશન ભગિની નિવેદિતા વિદ્યાલય તરીકે કલકત્તામાં પ્રસિદ્ધ છે. અસંખ્ય બાલિકાઓ આદર્શ બાલિકાઓ બની આ વિદ્યાલયમાંથી બહાર નીકળે એવા શ્રીમા શારદામણિદેવીએ આપેલા આશીર્વાદ, આ વિદ્યાલયમાં મૂર્તિમંત બની રહ્યા છે.

નાની બાલિકાઓ અક્ષરજ્ઞાન મેળવે, લખતાં, વાંચતાં, તેમજ ભરત ગૂંથણ, ચિત્રકામ વગેરે કરતાં શીખે અને પોતાના જીવન વિશે જાગ્રત બને એ જેટલું જરૂરી હતું, એટલું જ મોટી સ્ત્રીઓમાં પણ જાગ્રતિ લાવવાનું જરૂરી હતું. માટે નિવેદિતાએ ‘બહેનોનું ઘર’ સ્થાપ્યું. અહીં કોઈપણ સ્ત્રી કોઈપણ જાતના ભેદભાવ વગર આવી શકતી હતી, અને પોતાની મુશ્કેલીઓમાં માર્ગદર્શન મેળવી શકતી હતી. દરિદ્ર, દુ:ખી અસહાય નારીઓ સ્વમાનભેર જીવન જીવતાં શીખે, તેમનામાં આત્મગૌરવ અને આત્મવિશ્વાસ જાગ્રત થાય એ માટે તેઓ સતત પ્રયત્ન કરતાં. તેઓ કહેતાં: “જો સ્ત્રીઓ પણ પુરુષના જેટલી જ માનવ હોય તો તેના સંપૂર્ણ વિકાસ માટે તેને પુરુષ જેટલો જ અધિકાર છે.” એ માટે સ્ત્રીઓને શિક્ષણ મળવું જોઈએ, એમ તેઓ માનતાં હતાં. તેમણે તત્કાલીન ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ખામી દર્શાવતાં કહ્યું: “ભારતની કેળવણી અપૂર્ણ છે. તેમાં સ્ત્રીશિક્ષણ માટે લેવાનારાં નવાં પગલાંનો આપણે વિચાર કરવાનો છે.” નિવેદિતાના પ્રયત્નથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્ત્રીશિક્ષણને પણ સ્થાન આપવામાં આવ્યું.

જ્યારે કુમારી માર્ગારેટ નોબલ ઈંગ્લૅન્ડમાં સ્વામીજીનાં વ્યાખ્યાનોથી અત્યંત પ્રભાવિત થઈને સ્વામીજીનાં શિષ્યા બન્યાં ત્યારે સ્વામીજીએ એમને કહ્યું હતું: “અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. આ કાર્યમાં તમે મને ઘણી સહાય કરી શકશો એમ મને લાગે છે.” ગુરુનાં આ વચનો, નિવેદિતાએ ભારતમાં આવી સાર્થક કર્યાં. ભારતની નારી માટે એમના હૃદયમાં અપાર મમતા અને આદરભાવ હતાં. ભારતીય નારી અસંસ્કૃત છે. આવડત વગરની છે, અજ્ઞાન છે, એવું કહેનારને તેઓ સણસણતો જવાબ આપતાં. પશ્ચિમના દેશોની સ્ત્રીઓ પણ ભારતીય નારીના ત્યાગ અને સ્વાર્પણ વિષે નિવેદિતાનાં પ્રવચનો દ્વારા જ જાણી શકી હતી. એક પ્રવચનમાં તેમણે ઈંગ્લેન્ડમાં કહેલું: “જેઓ એમ કહે છે કે ભારતીય નારી અજ્ઞાન અને દબાયેલી છે, તેમને મારો જવાબ છે કે ભારતીય નારી દબાયેલી નથી જ. બીજા દેશો કરતાં ભારતમાં સ્ત્રીઓ પ્રત્યે ખરાબ વર્તણૂંક ઓછી પાશવી અને મામૂલી હોય છે. સુખ, સામાજિક મહત્ત્વ અને નારીનું ઉત્તમ ચારિત્ર્ય એ રાષ્ટ્રીય જીવનની મોટામાં મોટી મૂડી છે.” ભારતીય નારીને અક્ષરજ્ઞાન ન હોવા છતાં તે આંતરિક રીતે સમૃદ્ધ અને સુસંસ્કૃત છે, એનું દર્શન આજથી એક સૈકા પહેલાં નિવેદિતા કરી શક્યાં હતાં. એક બીજા પ્રવચનમાં એમણે કહ્યું હતું: “ભારતીય નારી અજ્ઞાન છે, એ આરોપ સરાસર જૂઠ્ઠો છે. તેઓ અજ્ઞાન એ અર્થમાં ખરી કે બહુ જ ઓછી સ્ત્રીઓ લખી-વાંચી શકે છે. પરંતુ દરેક મા અને દાદીમા મહાભારત, રામાયણ અને પુરાણની વાર્તાઓ બાળકોને કહી શકે છે. હકીકતે લખવું એ જ સંસ્કૃતિ નથી. પણ એ સંસ્કૃતિનું પરિણામ છે. જે ભારતીય જીવન વિષે જાણે છે, અને જેણે ભારતીય સ્ત્રીને જોઈ છે, તે આ જાણી શકે છે. જેને ભારતીય ઘરના શિક્ષણ, સંસ્કાર, ગૌરવ, ખાનદાની, ચોખ્ખાઈ, કરકસર, ધાર્મિક તાલીમ અને મન તથા હૃદયના સંસ્કાર મળ્યા છે, તે ભલે કદાચ તેની પોતાની ભાષામાં એક શબ્દ પણ ન વાંચી શકે કે પોતાનું નામ ન લખી શકે તો પણ તે પોતાના ટીકાકાર કરતાં સાચા અર્થમાં વધુ શિક્ષિત છે.” ભારતીય નારીની સાચી મહાનતાને નિવેદિતા ઓળખી શક્યાં હતાં. તેના ત્યાગ, સ્વાર્પણ અને સહનશીલતાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. એમણે પશ્ચિમની નારીઓને ભારતીય નારીની મહત્તા દર્શાવતાં કહ્યું: “કોણ કહે છે કે ભારતમાં નારીનાં સન્માન અને ગૌરવ નથી જળવાતાં? ભારતમાં નારીનું જે રીતે સન્માન થાય છે, અને ગૌરવ જળવાય છે, એ રીતે દુનિયાના કોઈપણ દેશમાં નહીં થતું હોય. ભારતમાં માતૃત્વની પૂજા થાય છે. પત્નીત્વની નહીં. ભારતમાં સ્ત્રીનું મુખ્ય કાર્ય પત્નીનું નહીં પણ માતાનું છે. માતા તરીકે ભારતની સ્ત્રી સર્વોચ્ચ છે, અને શ્રેષ્ઠ છે. ભારતમાં પુરુષ ‘મારી પત્ની’ એમ કહીને નહીં પણ ‘મારાં બાળકોની માતા’ એમ કહીને પત્નીને ગૌરવભેર બોલાવે છે. આનાથી વધારે ઉચ્ચભાવના બીજી કઈ હોઈ શકે?”

ભારતની પ્રત્યેક નારી તેમને મન બહેન હતી. એ અર્થમાં તેઓ ભારતીય નારીના સાચાં ભગિની બની રહ્યાં. તેમણે ભારતની નારીના હૃદય સાથે એકતા સાધી હતી. એમના સુખદુ:ખમાં સમભાગી બન્યાં હતાં. ભારતીય નારીના ઉદ્ધાર વગર ભારતનું નવોત્થાન શક્ય નથી, એ પોતાના મહાન ગુરુના શબ્દોને અપનાવીને ભારતીય નારીના ઉદ્ધાર માટે એમણે પોતાનું જીવન સમર્પી દીધું. ભારતીય નારીઓને ઉદ્બોધતાં તેઓ કહે છે:

“તમે, મારી બહેનો કે જેમાંની દરેકને હું આ સુંદર ભૂમિની કન્યા હોવાના નાતે ખૂબ ચાહું છું. હું તમને આગ્રહ કરું છું કે તમે પશ્ચિમના સાહિત્ય કરતાં તમારા મહાન સાહિત્યનો અભ્યાસ કરો. તમારું સાહિત્ય તમારો ઉદ્ધાર કરશે. તેને વળગી રહો. તમારા કૌટુંબિક જીવનની સાદાઈ અને સૌમ્યતાને વળગી રહો. પવિત્રતા જાળવો… મને તમારી નાની બહેન માનો. અને મારા માટે પ્રાર્થના કરો. આ સુંદર અને પવિત્ર ભૂમિને હું ખૂબ ચાહું છું અને ખૂબ અસરકારક રીતે હું તમારી સેવા કરવા ઈચ્છું છું.”

Total Views: 228

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.