(સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા શિક્ષણનું ભારતીયકરણવિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું રૂપાન્તરણ – સં.)

પ્રસ્તુત વિષય કેળવણીનાં તાત્ત્વિક પાસાંને સ્પર્શે છે. કેળવણીમાં આપણે જે જે કંઈ કરવાનું છે, તે બધું શા માટે કરવું જોઈએ, એની સૈદ્ધાન્તિક ઉપપત્તિ દર્શાવવાનો આ લેખનો હેતુ છે. આ માટે સૌ પહેલાં તો આપણી અભીપ્સિત આ ભારતીય કેળવણીનું સ્વરૂપ જાણી લેવાનું જરૂરી જણાય છે.

‘शिक्ष् विद्योपादाने’ આ ધાતુમાંથી ‘શિક્ષણ’ શબ્દ નિષ્પન્ન થયો છે. એનો અર્થ ‘વિદ્યાની પ્રાપ્તિ કરવી’ એવો થાય છે. આ ધાતુને કર્તૃવાચકસંજ્ઞા બનાવતો કૃત્પ્રત્યય ‘क’ જોડી દઈએ તો ‘શિક્ષક’ શબ્દ બને છે, અને એનો અર્થ ‘વિદ્યાની પ્રાપ્તિ કરનાર’ એવો થાય છે. પણ આપણે તો રૂઢ અર્થમાં શિક્ષકને ‘વિદ્યાપ્રાપ્તિ કરનાર’ નહિ, પણ કેવળ ‘વિદ્યાપ્રાપ્તિ કરાવનાર’ જ સમજી બેઠા છીએ!! આ અનપેક્ષિત એકાંગી અર્થંસંકોચ થવાનાં કડવાં કારણોમાં ઊતરવાનો તો અત્રે અવકાશ નથી. અહીં તો આ વિષયમાં ભારતીય કેળવણીના અભિગમની જ વાત કરીશું. ભારતીય કેળવણીનું સૂત્ર છે: “अध्ययनपूतमध्यापयेत्- જે વિષયનું અધ્યાપન કરવું હોય, તેને શિક્ષકે પહેલાં પોતાના અધ્યયનથી પવિત્ર કરી લેવો જોઈએ”. વિલિયમ મૉનિયર્સ અને એના પછીના આપ્ટેના કોશોમાં પણ ‘શિક્ષણ’ના learning અને teaching એમ બન્ને અર્થો આપ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ભારતીય કેળવણી નથી તો કેવળ છાત્રાભિમુખી, કે નથી તો કેવળ અધ્યાપકાભિમુખી. પરન્તુ એ ઉભયાભિમુખી છે. અને આજે શિક્ષકની ઓસરતી જતી સજજતા અને વિદ્યાર્થીઓની વધતી જતી વિદ્યાવિમુખતા તરફ એ આંગળી ચીંધી જાય છે.

એક બીજી વાત છે: लभ् ધાતુનું ઈચ્છાદર્શક સંજ્ઞારૂપ (સન્નન્ત સંજ્ઞા) જેમ लिप्सा થાય તેમ शक् ધાતુનું ઈચ્છાદર્શક સંજ્ઞારૂપ शिक्षा થાય છે. આપણા beingના સંદર્ભમાં એનો અર્થ, હોઈ શકવાની ઈચ્છા-તમન્ના-ઝંખના, અર્થાત્ હોવાની શક્યતા એવો થાય છે. અને આપણા becomingના સંદર્ભમાં એનો અર્થ, થઈ શકવાની ઈચ્છા-તમન્ના-ઝંખના, અર્થાત ‘થવાની શક્યતા’ એવો થાય છે. કાળાન્તરે ભાષાવિકાસના ક્રમમાં આ ઈચ્છાદર્શક ધાન્વંગને જ સ્વતંત્ર ધાતુ તરીકેની સ્વીકૃતિ મળી હોય, એમ લાગે છે. આ વાતને ખ્યાલમાં રાખીને જ આપણા કેળવણીના પ્રસ્થાનકારોએ જાણે કે પોતપોતાની શિક્ષણપરિભાષાઓ બાંધી હોય એવું જણાય છે. જેમકે:

સ્વામી વિવેકાનંદે ભીતર પહેલેથી જ પડેલી ભગવત્તાને ઉદ્ઘાટિત કરવાની શક્યતાને કેળવણી કહી, તો મહાત્મા ગાંધીએ માનવમનમાં રહેલા સારાને બહાર લાવવાની શક્યતાને કેળવણી કહી. લેટિન ભાષામાંથી નીકળેલો ‘Education’ શબ્દ પણ કંઈક આવો જ અર્થ સૂચવે છે. આ વાતને ઉપનિષદનો પણ ટેકો છે: “हिरण्ममयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये – સોનાના પાત્રે સત્યનું મોઢું ઢાંક્યું છે, હે પૂષન્ એને ઉઘાડો!

પરન્તુ અહીં એક મુશ્કેલી નડે છે. જો પૂર્વનિહિત ભગવત્તાને જ ઉદ્ઘાટિત કરવાનું કે આપણી અંદરનાં જ પૂર્વનિહિત સારાપણાને માત્ર બહાર લાવવાનું અથવા તો ખાલી સોનાના પાત્રને હટાવવાનું જ કેળવણીનું કામ હોય તો એમાં કેળવણીની સર્જનાત્મકતા ક્યાં રહી? આપણે તો કેળવણીને સર્જનાત્મક પ્રક્યિા કહીએ છીએ અને આ તો માત્ર અનાવરણ જ-અપાવરણ જ થયું!

આનો ઉકેલ આમ છે: જેમ કોઈ બે ખગોળવેત્તાઓ ધરતી પર ઊભા રહીને ‘સૂર્ય ઊગ્યો’ કે ‘સૂર્ય આથમ્યો’ એવા વાક્યપ્રયોગો કરે તો છે; છતાં બન્ને સારી રીતે સમજે છે કે સૂર્ય તો ઊગતો ય નથી અને આથમતો પણ નથી. ધરતી પોતાની ધરી પર ચોવીસ કલાકમાં એક આંટો ફરે છે તેથી દિવસ-રાત થાય છે, તેવી જ રીતે આ સર્જનાત્મકતા કેળવણી માટેનો એક ઔપચારિક શબ્દપ્રયોગ છે. આને શાસ્ત્રીય ભાષામાં સંવાદી ભ્રમ કહેવામાં આવે છે. ભ્રમો બે પ્રકારના છે. એક સંવાદી ભ્રમ અને બીજો વિસંવાદી ભ્રમ. સંવાદીભ્રમ આપણને લક્ષ્યપ્રાપ્તિમાં મદદગાર થાય છે, જ્યારે વિસંવાદી ભ્રમ આપણને અવળે માર્ગે દોરી જાય છે. સંવાદી ભ્રમનું એક વિખ્યાત ઉદાહરણ શાખાચંદ્રન્યાય’નું છે. બીજના ચંદ્રનાં દર્શન કરવા ઉત્સુક એક જણને બીજો જણ, ઝાડની ટગલી ડાળ પર ચંદ્ર છે’ એમ કહે અને પહેલો માણસ એ ટગલી ડાળની ઓથે ઓથે ચંદ્રને પકડી શકે છે. એ બન્ને જણ બરાબર જાણે છે કે ટગલી ડાળથી ચંદ્ર તો કરોડો માઈલ દૂર છે, છતાં પણ એનાથી લક્ષ્ય આંબી શકાય છે. તેવીજ રીતે અહીં કેળવણીમાં સર્જકતાની ઓથે ઓથે અનાવરકતાને આંબવાની છે, સર્જનશીલતાના સંવાદીભ્રમની સહાયથી અપાવરતાને પામવાની છે. સ્વામી વિવેકાનંદે એક સ્થળે સરસ કહ્યું છે કે સૃષ્ટિ કે સર્જનનો અંગ્રેજી અનુવાદ જે Creation કરવામાં આવે છે, તે બરાબર નથી. એ અંગ્રેજી શબ્દ મૂળ શબ્દની અર્થચ્છાયાને બરાબર રીતે પકડી શકતો નથી. સ્વામીજીએ પોતે એ માટે પોતાનો શબ્દ આપ્યો છે, એ છે projection – પ્રક્ષેપ. આ યથાર્થ શબ્દમાં becomingની છાયા પડેલી છે.

તો હવે એ જોઈએ કે આ ઉદ્ઘાટક-પ્રકટીકરણરૂપ કેળવણીની પરિણતિ શી છે? એનું લક્ષ્ય શું છે? એ અભિવ્યક્તિની ચરમ સીમા કઈ છે? આ વિચાર કરતાં આપણી સામે કેળવણીના મનીષીઓએ કરેલી ચારેક સંકલ્પનાઓ આવે છે જે આ પ્રમાણે છે: (૧) આચાર્ય જેફ્સની The Whole man – સંપૂર્ણ માનવની સંકલ્પના, (૨) શ્રી રવીન્દ્રનાથ ટાગોરની The Universal man – વિશ્વમાનવની સંકલ્પના (જે ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ જેવી ગૂજરાતી કાવ્યપંક્તિઓમાં પડઘાય છે), (૩) સ્વામી વિવેકાનંદની The temple Universal – વિશ્વમંદિરની સંકલ્પના અને (૪) ડૉ. રાધાકૃષ્ણનની The Universal religion – વિશ્વધર્મની સંકલ્પના.

આ ચારે સંકલ્પનાઓમાં છેલ્લી ત્રણમાં તો સ્પષ્ટ રીતે કેળવણી સાથે વૈશ્વિકતાનો સંબંધ દર્શાવ્યો છે જ. પહેલી સંકલ્પનાના લક્ષ્યાર્થમાં એ જ સંબંધ પડેલો છે. આનો અર્થ એ થયો કે આ કેળવણી સર્વજનીન છે, સમગ્ર છે, વ્યાપક છે, એને દેશકાળના કોઈ ભેદ નથી. જે કોઈ વ્યક્તિ કે સમાજ પોતાના જીવનમાં એને અપનાવે તેની થઈને તે રહે છે, આમ હોવાથી કોઈ હિટલર, કોઈ મુસોલીની કે કોઈ સ્ટાલીનના જહાંગીરી રાષ્ટ્રવાદની બદબૂ એમાં નથી. એમાં તો સર્વજનીનતાની સૌરભ – સમગ્રતાની સુગંધ ભરી છે.

અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે: જો આ કેળવણી ખરેખાત સર્વજનીન હોય તો એને ‘ભારતીય’ એવું વિશેષણ શા માટે આપવું? તો તો પછી ‘કેળવણીનું ભારતીયકરણ’ – આ શબ્દની પણ અન્વર્થકતા કેટલી? આનો ઉત્તર ઈતિહાસ આપે છે કે ખૂબ પ્રાચીન કાળથી અનેક લોહીવાળી અને અનેક વંશવાળી કેટકેટલી પ્રજાઓ આવી. ગ્રીકો આવ્યા. સિથિયનો આવ્યા, પ્રિથિયનો આવ્યા, કુશાણો આવ્યા આ બધી પ્રજાઓ આ ભૂમિ પર એવી તો હળીમળીને, ઓતપ્રોત થઈને રહી કે તે બધીને પોતપોતાની ભાવના, સ્વભાવ, સંસ્કાર અને ચારિત્ર્યમાંથી એક વિરલ રસાયન બન્યું, એ રસાયનથી રસિત સમષ્ટિમાનસની જે વિભાવના છે, તે જ આ ભારતીય કહેવાતી કેળવણી છે. વિશ્વના બીજા કોઈ દેશની ભૂમિ પર આવું રસાયન ક્યારેય જન્મ્યું નથી. આ વાતને વિશ્વના સર્વ વિખ્યાત ઈતિહાસકારો એક સ્વરે સ્વીકારે છે. આમ હોવાથી જ વિશ્વના મહાન ઉદાત્ત આદર્શો પણ અહીં જન્મ્યા અને વિશ્વના લોકોત્તર મહાપુરુષો પણ અહીં ઝાઝા પ્રમાણમાં જન્મ્યા છે. એટલે આ કેળવણીને ‘ભારતીય’ એવું નામ તો એને અન્યાન્ય સ્થળે પ્રચલિત સંકીર્ણ અને સંકુચિત કેળવણીપ્રથાથી પૃથક્ કરીને દર્શાવવા માટે તેમ જ એના ઉગમની તળભૂમિની ગરિમા તરફ ઈશારો કરવા માટે જ અપાયું છે. એ તો એક સાપેક્ષ અને વ્યવહારુ શબ્દપ્રયોગ છે પણ એની વિવક્ષા તો સોએ સો ટકા વૈશ્વિક છે, એમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી.

આ કેળવણી વ્યક્તિજીવન અને સમાજજીવન, બન્ને રીતે વ્યાપક છે, માતાના ગર્ભથી માંડી મરણપર્યંત ચાલતી આ પ્રક્રિયા, ‘स्वाध्यायान्न प्रमदितव्यम्’ એ શ્રુતિમાં દર્શાવાઈ છે.

આપણાં શિક્ષણ મહાવિદ્યાલયોમાં અને અધ્યાપનમંદિરોમાં લેટીન ભાષામાંથી ઊતરી આવેલા ‘Education’ શબ્દનો અર્થવિસ્તાર કરીને કેળવણીનું દાયિત્વ અને પ્રયોજન શીખવવામાં આવે છે, પણ એની સાથોસાથ આ ઉપરના મુદ્દાઓને આવરી લેવાય તો કેળવણીના ભારતીયકરણને થોડો વધુ વેગ અવશ્ય મળશે એવું હું નમ્રપણે માનું છું.

ભારતીય કેળવણી વિશે આટલું કહ્યા પછી એમાં આધ્યાત્મિકતા અને વૈશ્વિક્તાનું મહત્ત્વ સ્પષ્ટ રીતે સમજાય તો છે જ. છતાં આપણે જરા વધુ સ્પષ્ટ થઈએ.

વિજ્ઞાનના વિકાસે આજે વિશ્વને સાવ સાકડું બનાવી દીધું છે. વિશ્વની ભૌતિક અને બૌદ્ધિક એકતા જાણે કે હાથવગી બની ગઈ છે; આજે તમે ધારો તો વિમાનમાં બેસીને એક સપ્તાહમાં વિશ્વભ્રમણ કરી શકો; આજે લગભગ બધા દેશો એકબીજા સાથે આર્થિક પરસ્પરાશ્રયથી જોડાયેલા છે; એક દેશની ચડતી કે પડતીની અસર બીજા દેશો પર થાય છે; વિચારપ્રવાહો અને કલાસંપ્રદાયો પોતાની સીમાઓ ઓળંગીને સર્વત્ર યાત્રા કરે છે; સમૃદ્ધિ વધી છે, વિદ્યાલયો વધ્યાં છે, છાત્રો વધ્યા છે, વિદ્યાશાખાઓ વધી છે છતાં આવડા બધા આ વિકાસમાં સંવાદિતા કેમ શોધી જડતી નથી? વિશ્વનું આટલું સામીપ્ય તો સંપ, સહકાર, સ્નેહ, સમન્વય અને સંવાદિતા સર્જનારું હોવું જોઈએ. એને બદલે ઈર્ષ્યા, દ્વેષ, હોંસાતોંસી, કુસંપ વગેરે કેમ દેખાય છે? બીજું તો ઠીક, આપણો ભારત પણ એનો કેમ ભોગ બની બેઠો? અધ્યાત્મભૂમિ ભારતનેય એનો ભરડો કેમ?

ઉત્તર સ્પષ્ટ છે: ભારતીય કેળવણીમાંથી ઓસરી ચૂકેલી આધ્યાત્મિકતા જ એનું એકમાત્ર કારણ છે. એટલે જ રાધાકૃષ્ણન્ શિક્ષણપંચે નિદાન કરીને સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી આપણી કેળવણીમાં આધ્યાત્મિકતાનો વિનિયોગ નહિ થાય ત્યાં સુધી દેશને માટે કોઈ આરોઓવારો નથી. “Cultural History Of India’ અને “Wonder That Was India” નામનાં બન્ને પુસ્તકોમાં ડૉ. એ. એલ. બાશામે તેમજ ‘ભારતભારતી’માં મૈથિલીશરણ ગુપ્તે ભારતવર્ષનાં જે ભવ્યોદાત્ત ચિત્રો ઉપસાવ્યાં છે, તેના ઊંડાણમાં જોઈશું તો માલૂમ પડશે કે એ સમયે ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક પુટ અપાયેલો હતો. ધીરેધીરે કાળબળે એ ઓસરતો ચાલ્યો અને આજની દુર્દશામાં પરિણમ્યો.

આધ્યાત્મિકતા જ જીવનને જીવવા જેવું બનાવે છે કેવળ બૌદ્ધિકતા પ્રધાનતયા વિશ્લેષક છે, આધ્યાત્મિકતા સંશ્લેષક છે. કેળવણીમાં બન્નેનો પોતપોતાના સ્થાને વિવેકપુર:સર-કૌશલથી-ઉપયોગવિનિયોગ થવો જોઈએ. આ વિવેક-કૌશલને જ ગીતામાં ‘યોગ’ કહેવામાં આવ્યો છે. તો હવે એ જોઈએ કે કેળવણીમાં વિનિયોજ્ય આ આધ્યાત્મિકતા છે શું?

ભગવદ્ગીતા કહે છે કે ‘स्वभावोडध्यात्ममुच्यते’ પોતાનો હોવાનો ભાવ, એ આ અધ્યાત્મ છે. પોતાના beingની પિછાણ એ આધ્યાત્મિકતા છે; Self awareness – સ્વસંવેઘતા એ આધ્યાત્મિકતા છે; મુખરિત વ્યક્તિમત્તા, આત્માભિમુખતા, આત્મપરાયણતા એ આધ્યાત્મિકતા છે. ટૂંકમાં વ્યક્તિની પોતાના અધિષ્ઠાન સાથે એકરૂપતા થવી, તે આધ્યાત્મિકતા છે. આ વાતને જરા વિગતથી સમજીએ.

જનસામાન્ય તો વ્યક્તિત્વનાં બે જ ઘટકોને ઓળખે છે: (૧) perception – ઈન્દ્રિયજન્યજ્ઞાન, ઈન્દ્રિયો દ્વારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું ગ્રહણ અને જ્ઞાન થાય છે તે અને (૨) conception – ધારણા; મેળવેલા ઈન્દ્રિયજન્ય જ્ઞાનને માણસ પોતાના તર્કો, ભાવો, સંસ્કારો અને વાતાવરણ આદિ દ્વારા જે કોઈ અર્થ આપે છે તે. આ બન્ને વ્યક્તિત્વવિકાસનાં પગથિયાં તો છે, પણ પરાકાષ્ઠા નથી. વ્યક્તિત્વવિકાસનો એ કાચો માલ છે.

આપણી દરેકની આ ધારણાઓ, વ્યક્તિગત રસ, રુચિ, વલણ અને સુષુપ્ત શક્તિ અનુસાર એકબીજાથી નોખનોખી હોય છે. એટલે દરેકનું વ્યક્તિત્વ એકબીજાથી જુદું પડી જાય છે. જેમ એક માણસનો ચહેરો બીજા માણસના ચહેરા સાથે પૂરેપૂરો મળતો આવતો જ નથી, તેમ એક માણસનું વ્યક્તિત્વ બીજા માણસના વ્યક્તિત્વ સાથે સાવ મળતું આવતું જ નથી. વીલ ડ્યુરાંએ માણસનાં વ્યક્તિત્વોને જુદાજુદા વિવિધ આકારવાળા રંગબેરંગી અરીસાઓ સાથે સરખાવ્યા છે. આ Conceptionની-ધારણાની લીલા છે.

જનસાધારણને જાણીતાં વ્યક્તિવિકાસનાં આ બે પગથિયાં પછી જ કેળવણીનું ખરેખરું કાર્ય શરૂ થાય છે. વ્યક્તિત્વના આ વૈવિધ્યને એકસૂત્રે બાંધવાનું કામ કેળવણીએ કરવું જોઈએ; એ માટે એણે વ્યક્તિગત રસ-રુચિ-વલણોને પખાળવાં-પલાળવાં જોઈએ, એનો પરિષ્કાર કરવો જોઈએ. એ કેમ બનશે! છાત્રોમાં જીવનવિકાસના ત્રીજા પગથિયાંને રચીને એ થાય છે. એ ત્રીજું પગથિયું છે અધિષ્ઠાનની એકતા સાથે વ્યક્તિત્વના વૈવિધ્યનું અનુસંધાન કરવું તે. એને ‘Conviction’- આસ્થા કે પ્રતીતિ કહેવાય છે.

આ બધું સમજવા-સમજાવવાની રીત કંઈક આવી છે: સર્વવ્યાપક સૂર્યના પ્રકાશમાં રહેલા વિવિધ અરીસાઓ બે કામ કરે છે. એક તો સૂર્યપ્રકાશથી તે પોતે પ્રકાશિત થાય છે અને બીજું સૂર્ય પ્રકાશને પોતાની અંદર ઝીલે પણ છે. એવી જ રીતે સર્વવ્યાપક અખંડ એક ચૈતન્યમાં અધિષ્ઠિત આ વિવિધ વ્યક્તિત્વો ચૈતન્યપ્રકાશથી પોતે તો પ્રકાશે છે જ સાથોસાથ એ ચૈતન્યપ્રકાશને પોતામાં ઝીલે પણ છે. પ્રકાશ વગર અરીસાની હસ્તી જણાતી નથી, તેમ ચૈતન્યપ્રકાશ વગર વ્યક્તિત્વનું કોઈ અસ્તિત્વ નથી. આ આસ્થાયુક્ત સમજણ જ આધ્યાત્મિકતા છે. વ્યક્તિ જેટલો વધારે ચૈતન્યપ્રકાશને પોતામાં ઝીલી શકે તેટલો તે ઊંચો ઊઠેલો કહેવાય. માનવમાં ચૈતન્યપ્રકાશ વધારે પ્રતિફલિત થયો એટલે એ સમાજ બનાવી શક્યો. વિશ્વના મૂળમાં આ એક અખંડ ચૈતન્ય અધિષ્ઠાનરૂપે રહેલું છે એવી જીવતી-જાગતી આસ્થા આધ્યાત્મિકતા છે અને એ આધ્યાત્મિકતાનો વિનિયોગ શિક્ષણમાં થાય તો જ એમાંથી ઊગતાં માનવીય મૂલ્યો-નૈતિકતા, કરુણા, પ્રેમ વગેરે જીવનમાં આવી શકે. બધાં જ માનવ મૂલ્યોના પાયામાં આ આસ્થા હોવી જોઈએ – કેળવણીમાં એની આવશ્યકતા છે.

પશ્ચિમની નૈતિક ફિલસૂફીના પાયારૂપ ગણાયેલા અનુભવવાદ, પરિણામવાદ, ઉપયોગિતાવાદ કે આધિભૌતિક સુખવાદ જેવા પ્રવાહો ભારતીય કેળવણીને કે ભારતની ધર્મકેન્દ્રી પ્રજાને ક્યારેય સંતર્પક નીવડી શકે નહિ. ભારતની પ્રજાની નસમાં તો આ વેદાન્તી નિષ્ઠા જ કામયાબ થઈ શકે.

હવે પ્રશ્ન એ છે કે આ આસ્થા વિદ્યાર્થીઓમાં રોપીશું કેવી રીતે? રવીન્દ્રનાથ તો એમ કહે છે કે ‘We can give informations collectively, but we can educate individually’. ડૉ. રાધાકૃષ્ણન પણ કહે છે કે, “વ્યક્તિઓને પલટાવીને આખા સમાજને બદલી નાખવાનું કામ ધીમુંય છે અને કપરુંય છે, પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” આમ આસ્થાના વિનિયોગના એકમ તરીકે વ્યક્તિ જ સ્વીકારાઈ છે, એ તો તકલીફની વાત થઈ! પ્રાચીન સમયમાં તો Class education હતું એટલે યોગ્ય વ્યક્તિઓને વીણી-વીણીને કેળવણી આપવી શક્ય હતી; પણ આજે તો Mass educationનો જમાનો છે! ત્યારે કરીશું શું? અવિનાશલિંગમ્ વગેરે કેટલાક શિક્ષાવિદોએ એ માટે કેટલીક સામૂહિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ કલ્પી છે. આ પરિસંવાદના શાળાઓને મોકલાયેલા અને પ્રતિનિધિઓને પાઠવેલા નિર્દેશપત્રમાં એને આવરી છે, પણ હજી એ પડકાર તો છે જ.

અહીં તાત્ત્વિક દૃષ્ટિએ મૂલવવા જેવો મહત્ત્વનો મુદ્દો, એક માનસશાસ્ત્રીય તથ્ય છે: મનોવિજ્ઞાન દરેક વ્યક્તિની આસપાસની આભા (ઓરા)માંથી ઊઠતાં કંપનો-તરંગો (Vibrations)ને સ્વીકારે છે. અને સંપર્કમાં આવતી અન્ય વ્યક્તિપર થતી એની અસરને કબૂલે છે. કેટલાંક લોકોત્તર વ્યક્તિત્વો એવાંય સબળ હોય છે કે એ વ્યક્તિની ગેરહાજરીમાં પણ લાંબા ગાળા સુધી એના તરંગો વાતાવરણમાં ઘૂમતા રહી જનજીવન પર અસર કરતા રહે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે સમષ્ટિમાનસના આવા તરંગો દર પાંચસો વરસે એક અવતાર જન્માવે છે. આ અસર તરંગોની સબળતા અને ગ્રાહકની ગ્રહણ-ક્ષમતા પર આધાર રાખે છે. આપણી તીર્થ યાત્રાનું આ જ રહસ્ય છે.

આ માનસશાસ્ત્રીય તથ્યના પાયા ઉપર સામૂહિક શિક્ષણ માટેની કેટલીક પ્રવૃત્તિઓ યોજીને છાત્રોનાં રસ-રુચિને તે તરફ વાળવાનો યત્ન ફળદાયી બનવા સંભવ છે. લોકોત્તર મહામાનવોનાં અને વિશિષ્ટ વ્યક્તિત્વસંપન્ન મહાનુભાવોના જીવનનું વાચન, દર્શન, યાત્રા વગેરે યોજીને એની સાથે ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ વગેરેનો અનુબંધ બાંધવો ઘટે અને એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવું ઘટે કે જેમાંથી છાત્રોના અપેક્ષિત વર્તનપરિવર્તનનું માપ કાઢી શકાય. વળી, શિક્ષકે પોતે જ પોતાના વ્યક્તિત્વમાંથી ઉદાત્ત અને સબળ તરંગો ઉપજાવવાની અવિરત સાધના કરવી જ રહી. પૂર્વકથિત, કેળવણીની ઉભયાભિમુખતાની આ તાતી માગ છે.

જીવનવિકાસમાં આસ્થાનું આ ત્રીજું પગથિયું ભૌતિકસમૃદ્ધિનું વિરોધી નહિ, પણ પૂરક છે. આ આધ્યાત્મિકતાનું સોપાન ભૌતિકતાને ઉજાળે છે-માંજે છે. આપણે ગમે તે વિદ્યાશાખામાં આગળ વધીએ પણ એ ભૌતિકવિદ્યા બધી આ આધ્યાત્મિકતામાં ઝબોળાવી-ઝકોળાવી-મંજાવી જોઈએ એટલી જ શરત છે. તો જ ભૌતિકવિદ્યા દીપશે. અન્યથા એ કેવળ ‘કાચો માલ’ જ બની રહેશે. એટલે જ ઉપનિષદ્ કહે છે: द्वें विद्ये वेदितव्ये परा च अपरा च… विद्यां च अविद्यां च यस्तद्वेदोभयं सह अविद्याया मृत्युं तीर्त्वा विद्यया मृतमश्नुते… ॥

અહીં અવિદ્યાનું -ભૌતિકવિદ્યાનું મહત્ત્વ જરાય ઓછું અંકાયું નથી.

જ્યારે આસ્થાનું આ ત્રીજું સોપાન પરિપક્વ થાય છે ત્યારે એમાંથી કીટ-ભ્રમરન્યાયે આપોઆપ ચોથું Realizationનું-અનુભૂતિનું સોપાન ઉદ્ભવે છે. આ સર્વવિદ્યાની પરિણતિ છે અને એની ફલશ્રુતિ વૈશ્વિકતા છે. આ ભારતની કેળવણીનો સર્વોચ્ચ આદર્શ છે. પૂર્વદર્શિત સંકલ્પનાઓમાં આ જ આદર્શ ડોકાય છે. આ આદર્શને આંબતા ‘વિશ્વમાનવ’ વિશે પણ થોડી વાત કરી લઈએ:

આ વિશ્વમાનવ વ્યક્તિત્વના અપાર વૈવિધ્યને સ્વીકારશે, એટલું જ નહિ પણ એનો આદર કરશે અને સૃષ્ટિની ગત્યાત્મકતા માટે એને અનિવાર્ય પણ માનશે કારણ કે કેવળ નિર્લેપ, અખંડ સર્વવ્યાપી ચૈતન્ય ગતિ કરી ન શકે. સ્વામી વિવેકાનંદ તો દરેક વ્યક્તિ દીઠ અલગ-અલગ આધ્યાત્મિકતા – અલગ-અલગ ધર્મ હોય, એમ માનતા હતા. શ્રુતિ પણ કહે છે: एकाकी न रमते…! શ્રી ઠાકુરના ‘જતો મત તતો પથ’ના ઉપદેશમાં અને પુષ્પદન્તના ‘रूचीनां वैचित्र्यात्… આદિ શ્લોકમાં પણ આ જ સંદેશ અપાયો છે.

વળી આ વિશ્વમાનવ આ વૈવિધ્યલીલાની અધિષ્ઠાનભૂત અખંડ ચૈતન્યમાં સદા રમમાણ રહેશે. પોતે અકબંધ અને અનાસક્ત રહીને આ વૈવિધ્યલીલાનો સાક્ષી બની રહેશે. અને પોતાનાં બધાં જ વર્તનોમાં આ સર્વવ્યાપક ચૈતન્યની વિશાલતા, સંવાદિતા, ઐક્ય, અખંડતાનાં દર્શન કરાવશે. સંસારના સર્વે સદ્વ્યવહારો એને સહજ હશે.

ભારતીય કેળવણીની આ અંતિમ ફલશ્રુતિ છે.

Total Views: 261

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.