(ગતાંકથી આગળ)

‘અનિશ્ચિતતાના સિદ્ધાંત’ને ખોટો સાબિત કરવા આઈન્સ્ટાઈન, પોડોલ્સ્કી અને રોઝેને એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું જે ઈ.પી.આર. અસર (E.P.R. Effect) તરીકે જાણીતું છે. જેનો મુખ્ય મુદ્દો એ હતો કે એક જ પ્રકારનાં પરમાણુ ઘટકો એકબીજાથી દૂર હોય છતાં એકબીજાથી સંબંધિત હોય તે કઈ રીતે સંભવી શકે? ૧૯૩૬ સુધી આ માટેની કોઈપણ પ્રકારની માહિતી ઉપલબ્ધ નહોતી અને તેથી અનિશ્ચિતતાનો સિદ્ધાંત ખોટો છે એમ સાબિત થતું હતું.

પરંતુ ૧૯૬૪માં જે. એસ. બેલે ઈ.પી.આર. અસરનું ગાણિતિક સૂત્ર આપ્યું જે “બેલના પ્રમેય” તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રમેયનો ખૂબ મહત્ત્વનો સૂચિતાર્થ એ નીકળતો હતો કે ‘મૂળભૂત રીતે, ગહન સ્તરે સમગ્ર વિશ્વના બધા ભાગો ખૂબ ઘનિષ્ઠતાથી એક્બીજા સાથે સંકળાયેલા છે.’ આ પ્રયોગને સિદ્ધ કરવા માટે જરૂરી ટેક્નીકી સુવિધા તે ગાળામાં નહોતી. પણ ૧૯૭૨માં ડેવિડ બોહમે આ વિચારનું પ્રાયોગિક નિદર્શન કર્યું અને જોયું કે જે આંકડાશાસ્ત્રીય અનુમાનો ઉપર બેલનો પ્રમેય રચાયેલો હતો તે સાચો હતો. આ પ્રયોગ આ પ્રમાણે છે. ધારો કે બે કણોનું બનેલું એક‘ઝીરો સ્પીન’તંત્ર છે. ભૌતિકવિજ્ઞાનમાં આ એક એવી જાતનું તંત્ર છે કે જ્યાં એક કણની સ્પીન (Spin = એક દિશામાં ફરી શકવાની શકિત) બીજાની સ્પીનને નાબૂદ કરી શકે છે. ધારી લઈએ કે આ તંત્રના બે કણો ‘અબ’ને ધ્રુવીકરણના એક જ તબકકામાંથી (Same State of Polarization) એક સાથે, એકબીજાની વિરુદ્ધ દિશામાં છોડવામાં આવે છે. હવે, ધારો કે‘અ’કણને ‘પી’ અંતર કાપ્યા પછી જમણી બાજુસ્પીન આપવામાં આવે તો, એ જ કક્ષા (Plane)માં પણ વિરુદ્ધ દિશામાં જતો કણ ‘બ’ એટલું જ અંતર ‘પી’ કાપ્યા પછી ડાબી બાજુ સ્પીન મેળવે છે અને આ ઘટના આપોઆપ જ બને છે! ઈ.પી.આર. પ્રયોગની ચોંકાવી દેનાર બાબત તો એ છે કે કણ ‘બ’કોઈપણ રીતે જાણી જાય છે કે તેના જોડિયાભાઈ ‘અ’ને તેની ગતિમાં ‘પી’અંતર કાપ્યા પછી જમણી બાજુમાં સ્પીન આપવામાં આવે છે અને તેથી તે કણ ‘બ’ ડાબી બાજુમાં સ્પીન લઈ પોતાનો ત્વરિત પ્રતિભાવ આપે છે! આ ખરેખર કૌતુક છે! ‘બ’ તેના જોડિયાભાઈ ‘અ’ વિષે કેવી રીતે જાણે? કે જેથી તે બિલકુલ સ્વતંત્ર રીતે બરાબર એટલું જ અંતર ‘પી’ કાપીને પોતાની મેળે ડાબી બાજુ સ્પીન લઈ લે છે?

યુ.એસ.એ.માં ક્લોઝર અને ફ્રીડમૅને ૧૯૭૨માં જ નિયોન લાઈટમાંથી બહાર નીકળતા અને એક સાથે વિરુદ્ધ દિશામાં જતા પ્રકાશના કણો – ‘ફોટોન યુગ્મો’(Photon Pairs) ઉપર તેમના ધ્રુવીકરણના તબકકામાં ખરેખરો પ્રયોગ કર્યો. તેના ઉપરથી સિદ્ધ થયું કે એક ‘ફોટોન યુગ્મ’માંનો ફોટોન બીજી જોડીનાં ફોટોન સાથે દૂરથી પણ સતત સાન્નિધ્યમાં રહે છે અને આ બંને વચ્ચેનો સંપર્ક ખૂબ જલ્દી એક જ ક્ષણમાં થાય છે. સૌથી વધારે વિચિત્ર બીના તો એ છે કે એક ફોટોન બીજા ફોટોનને જે સંજ્ઞા આપે છે તેની ઝડપ પ્રકાશ કરતાં પણ વધુ છે! (Superluminal Communication). આ પ્રયોગના પરિણામે તો મોટા ભાગના ભૌતિક વિજ્ઞાનીઓને અકળાવી મૂક્યા અને તેથી તેઓએ આ પ્રયોગની ટીકાઓપણ કરી !

પરંતુ, આ પછી ૧૯૮૨માં પેરિસમાં ઍસ્પૅક્ટ(Aspect) ડેલિબાં (Dalibard) અને રોજર (Roger)ની ટીમે પ્રયોગનાં પરિણામોને એકદમ નિ:શંક બનાવવા માટે જરૂરી ચોકસાઈ ઉમેરી અને એ જ તારણ ઉપર આવ્યા કે જુદીજુદી દિશામાં વિખરાયેલા બે ફોટોન વચ્ચેના પરસ્પર સંબંધનું પ્રમાણ ધાર્યા કરતાં પણ વધારે હતું.

બે કણો કે બે પદાર્થો (જે મૂળભૂત રીતે પરમાણુ-ઘટકોના જ બનેલા છે) વચ્ચેનો આવો ત્વરિત સંપર્ક કઈ રીતે સંભવી શકે? જો તેઓ મૂળભૂત રીતે એકબીજા સાથે જોડાયેલા હોય તો જ. હેનરી સ્ટેપ નામના અમેરિકન ભૌતિકશાસ્ત્રી આજ કહે છે. તેઓ લખે છે, “બેલનો પ્રમેય સિદ્ધ કરે છે કે આ વિશ્વ અંતર્ગત રીતે અવિભાજ્ય છે. વિજ્ઞાનની આ સૌથી વધુ ગહન શોધ છે અને પ્રકાશ કરતાં પણ વધુ ઝડપથી માહિતીનું સ્થાનાંતર થઈ શકે છે તે હકીકત બિનવ્યાજબી નથી.”એક ચિંતિત માતા હજારો માઈલ દૂર રહેલા પોતાના બીમાર પુત્ર સાથે માનસિક રીતે સંદેશાની આપ-લે કરે છે તે ટેલિપથીને વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ એ બિંદુ ઉપર આપણે આવી ગયા છીએ.

બેલનો પ્રમેય સફળતાપૂર્વક પ્રમાણિત થયા પછી તેના ઉપરથી ડેવિડ બોહમ વિશ્વને‘અવિભાજ્ય એકત્વ’ ધરાવનાર કહીને ઉમેરે છે, “એક તંત્ર (System)ના ભાગો જો એકબીજા સાથે ગતિશીલ સંબંધ ધરાવી શકે તો આ જ ઘટનાને સમગ્ર વિશ્વ માટે પણ સાચી ઠરાવી શકાય અને તો આ વિશ્વ જુદાજુદા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર ભાગોનું બનેલું છે એ પરંપરાગત ધારણા ખોટી પડે છે.” આ સ્વામીજીના ચોથા વિધાન સાથે સામ્ય ધરાવે છે જ્યાં સ્વામીજી કહે છે કે microcosm – macrocosm. વિશ્વના નાનામાં નાના તંત્ર અને પૂરા વિશ્વ વચ્ચે કોઈ ભેદ નથી. વિશ્વનાઅવિભાજ્ય તંત્રને ડેવિડ બોહમ“ઈમ્પ્લીકેટ ઑર્ડર” (implicate Order) કહે છે અને તેનો મૂળભૂત ઘટક ‘જે છે તે છે.’ તેને સ્થળ કાળનાં બંધન નથી અને તેને સમજાવવા કોઈપણ પ્રકારનું વર્ણન અપૂરતું છે. શ્રીરામકૃષ્ણદેવે એ જ કહ્યું છે કે ઘડો ફૂટી જાય પછી જે છે તે જ રહે છે, અને તે જ एकमेव अद्वितीयम् છે.

માઈકલ ટેલબોટ પોતાના પુસ્તક ‘બિયૉન્ડ ધી ક્વૉન્ટમ’માં બોહમના સિદ્ધાંત વિષે લખે છે, “બોહમના સિદ્ધાંતની સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે તે માનવમનને સારી રીતે સમજવામાં મદદરૂપ થાય છે. જો પદાર્થનો એક-એક કણ એકબીજા સાથે સંકળાયેલ હોય તો માનવ મગજને પણ બાકીનાં વિશ્વ સાથે સંકળાયેલું ગણી શકાય. તો વિશ્વચેતનાને સમજવા પણ બોહમનો સિદ્ધાંત મદદ કરી શકે અને તો, સમગ્ર માનવજાત એક જ છે તે ફલિત થાય છે.

પોતાના પ્રખ્યાત પુસ્તક ‘ધી ડાન્સીંગ વુલી માસ્ટર્સ’માં આ પ્રયોગનું તારણ કાઢતાં ગેરી ઝૂકેવ લખે છે, “વિશ્વને એક યંત્ર માનનાર અને કાર્ય-કારણથી બદ્ધ “નિશ્ચયાત્મક્તાના સિદ્ધાંત” (determinism)નો આ સાથે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. હવે આપણે સર્વોચ્ચ નિશ્ચયાત્મક્તા – Super determinism તરફ જઈ રહ્યા છીએ, જે મુજબ બ્રહ્માંડની શરૂઆતથી માંડી અત્યાર સુધી જે ઘટનાઓ, બનાવો જેમ છે અને જે પ્રમાણે બની રહ્યા છે તેમ જ હોઈ શકે. કોઈપણ ક્ષણે આપણે ગમે તે કરતા હોઈએ, એ ક્ષણે આપણા માટે એ જ કરવું શક્ય હોય છે. આપણે બીજી રીતે વિચારી ન શકીએ કે બીજી રીતે વર્તી પણ ન શકીએ.”

બેલના પ્રમેય ઉપરથી બોહમે રજૂ કરેલો સિદ્ધાંત, વિશ્વનું ‘holistic’ સમગ્રપણે એક હોવાનું ચિત્ર રજૂ કરે છે. કોએસ્ટલર દરેક પરમાણુઘટકને‘હૉલૉન’કહે છે કારણકે દરેક સૂક્ષ્મ કણ સારાયે વિશ્વ સાથે સંકળાયેલો છે. દરેક કણનું હલનચલન સમગ્ર વિશ્વની સ્થિતિમાં ફેરફાર લાવી શકે છે. આથી બોહમ કહે છે, “દરેક હલનચલન હૉલૉ-મુવમેન્ટ (holo-movement) છે.”આ નવી શોધોને કારણે જૂની માન્યતા (paradigm) કે જે મનને પદાર્થથી, એક વસ્તુને બીજી વસ્તુથી, એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી પાડતી હતી તેને બદલે વિજ્ઞાન એક નવી માન્યતાનો આવિષ્કાર કરી રહ્યું છે જેને કેન વિલ્બર Holistic Paradigm કહે છે જે ભારતનાં ત્રણ હજાર વર્ષો જૂના અદ્વૈત વેદાંતના દર્શનનું જ બીજું નામ છે. સ્વામી વિવેકાનંદે ૧૮૯૬માં લંડનમાં આપેલા ભાષણમાં કહ્યું હતું, “દરેક સર્જનનું એકત્વ એ વેદાંતનો મહાન વિચાર છે. દુ:ખ અને પીડા અજ્ઞાનમાંથી આવે છે; એ અજ્ઞાન કે જે મનુષ્યને મનુષ્યથી, એક દેશને બીજી દેશથી, પૃથ્વીને ચંદ્રથી અને ચંદ્રને પૃથ્વીથી જુદો પાડીને બહુવિધતા (Manifoldness) ને પોષે છે. પણ વેદાંત હે છે, આવી પૃથતા અસ્તિત્વમાં જ નથી, એ સાચી નથી. એ ફક્ત દેખાવની જ છે. આ દેખાવની પાછળ રહેલ એકત્વને ન જોઈ શકવાની સીમિતતા મનુષ્યની પાંચ ઈન્દ્રિયો દ્વારા આવે છે. આથી, વસ્તુનું હાર્દ એ છે કે બાહ્ય દૃષ્ટિએ વિશ્વમાં દરેક વસ્તુ જુદી લાગતી હોવા છતાં બધું એક જ છે અને આ એકત્વ જ ઈશ્વર છે.”

બીજા દેશોમાં વસતા પોતાના જ ભાઈઓનો નાશ કરવા માટે અણુશસ્ત્રો (thermonuclear weapons) બનાવવા પોતાની જાતને વેચી દેનાર ભૌતિકવિજ્ઞાનીઓ આમ કરીને હૉલિસ્ટિક વિશ્વના આ અદ્વૈતનાં મૂલ્યોને અવગણે છે, એટલું જ નહીં, પણ પોતાના જ્ઞાનને નકારાત્મક અને ખંડનાત્મક હેતુઓ સિદ્ધ કરવા માટે હોડમાં મૂકે છે. જો આ અદ્વૈત વેદાંતને વ્યવહારમાં મૂકવામાં આવે તો વિજ્ઞાનીઓ ‘મૂલ્યલક્ષી વિજ્ઞાન’તરફવળી શકે છે. આશા રાખીએ કે અદ્વૈત વેદાંતનો‘સર્જનના એકત્વનો’સિદ્ધાંત હવે જ્યારે પ્રાયોગિક રીતે સિદ્ધ થયો છે ત્યારે વિજ્ઞાનીઓ તેને સ્વીકારી, વ્યવહારમાં વણી લે.

મદ્રાસમાં સ્વામી વિવેકાનંદે આપેલ વ્યાખ્યાન ‘આપણી સામેનું કાર્ય’માં આજના વિજ્ઞાનીઓ માટેની ભવિષ્યવાણી સંભળાય છે. તેમણે કહ્યું, “વિશ્વની સંસ્કૃતિના વિકાસની સાથે-સાથે જીવનનો પ્રશ્ન વધુને વધુ ગહન બનતો જાય છે. પણ જીવનનું રહસ્ય તો વેદાંતનાં તથ્યોએ સમજાવેલું છે જ કે ‘સમગ્ર જીવન એક જ છે.’ વિશ્વનો એક પરમાણુ પોતાની સાથે સમગ્ર વિશ્વને ખસેડ્યા વગર પોતાના સ્થાનેથી ચલિત ન થઈ શકે અને હવે એ વધુને વધુ સ્પષ્ટ થતું જાય છે કે કોઈપણ સમસ્યાનો હલ જાતીય, વંશીય, રાષ્ટ્રીય કે એવી કોઈ સાંકડી ભૂમિકા પરથી ન મળી શકે. દરેક વિચારે, એ સમગ્ર વિશ્વને ન આવરી લે ત્યાં સુધી; દરેક અભિલાષાએ, એ પૂરી માનવજાતને, નહીં, જીવનને તેની સમગ્રતામાં આવરી ન લે ત્યાં સુધી વિસ્તરવું પડશે.”

દરેક પદાર્થને ત્રણ આયામો છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદે તેમાં ચોથો‘સમય’નો આયામ ઉમેર્યો છેઅને આજનું વિજ્ઞાન, વેદાંતના સમર્થન સાથે તેમાં પાંચમો આયામ ઉમેરે છે- ‘આત્મા’ (spirit), જે સમય અને સ્થળથી પર હોવા છતાં પ્રકૃતિ, જડ પદાર્થ અને ચેતન જીવોના વિશ્વને પ્રક્ષેપિત કરે છે, પ્રગટ કરે છે અને તેને સમગ્રપણે આવરિત પણ કરે છે. (સંપૂર્ણ)

(પ્રસ્તુત લેખ સ્વામી જિતાત્માનંદજીના પુસ્તક, “હૉલિસ્ટિક સાયન્સ ઍન્ડ વેદાંત” (Holistic Science and Vedanta-Bharatiya Vidya Bhavan, 1991)ને આધારે તૈયાર કરવામાં આવ્યો છે.)

Total Views: 164

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.