૧૫મી ઑગસ્ટ સ્વાધીનતા દિન પ્રસંગે

 (સ્વામી વિદેહાત્માનંદજી શ્રીરામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી પત્રિકા ‘વિવેકજ્યોતિ’ના સહસંપાદક છે.)

ગણેશ, વિનાયક અને નારાયણ – આ ત્રણેય ભાઈઓ મહારાષ્ટ્રમાં ‘સાવરકર’બંધુને નામે જાણીતા છે. વિદેશી શાસન સામેનું ક્રાંતિકારી આંદોલન, હિન્દુ સમાજના સુધારા અને સંગઠન તથા સાહિત્યક્ષેત્રે આ બધા ભાઈઓનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. તેમ છતાંય તેઓમાં સૌથી પ્રસિદ્ધ વિનાયક દામોદર સાવરકર – ‘સ્વાતંત્ર્યવીર’અથવા ફક્ત ‘વીર સાવરકર’ તરીકે જાણીતા છે. તેમનો કાર્યકલાપ થોડે ઘણે અંશે સર્વવિદિત છે. તો પણ ત્રણેય ભાઈઓનાં જીવન તથા કાર્યની એક લઘુ ઝાંખી અહીં કરી લેવી યોગ્ય ગણાશે.

૨૮ મે ૧૮૮૩ના રોજ નાસિક જિલ્લાના ભંગૂર ગામમાં વિનાયકનો જન્મ થયો હતો. તેમની નવ વર્ષની વયે માતાએ પરલોકગમન કર્યું. અગિયાર વર્ષની વયે તેઓ શિક્ષણ અર્થે નાસિક ગયા. ત્યાં ઈ.સ. ૧૯૦૦માં પોતાની કિશોરાવસ્થામાં જ તેમણે ‘મિત્રમેળા’નામનું એક સંગઠન ઊભું કર્યું. આ સંગઠનનો ઉદ્દેશ પોતાના સભ્યોનું ચારિત્ર્યનિર્માણ કરી તેમનામાં દેશભક્તિ, સ્વાધીનતા અને આત્મબલિદાનની ભાવના ઊભી કરવાનો હતો. ૧૯૦૧માં વિનાયકે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને તે જ વર્ષે તેમનાં લગ્ન પણ થઈ ગયાં. ત્યારબાદ તેઓ પૂના ગયા અને ત્યાંની ફરગ્યુસન કૉલેજમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. અહીં પણ તેમણે ‘મિત્રમેળા’નું સંગઠન કર્યું. આ સંગઠન ઘણું લોકપ્રિય થયું અને રોજબરોજ તેની સભ્યસંખ્યા તથા શાખાઓમાં વધારો થતો ગયો. ઈ.સ. ૧૯૦૫માં બી.એ.નો અભ્યાસ કરવાની સાથે જ લોકમાન્ય તિલકને અધ્યક્ષ બનાવીને પરદેશી વસ્તુઓના બહિષ્કારનું આંદોલન ચલાવ્યું. અને વિદેશી વસ્ત્રોની હોળી પ્રગટાવી. તેમના આ કૃત્યને કારણે તેમના કૉલેજ તરફથી દંડ કરવામાં આવ્યો. એ જ વર્ષે બી.એ.ની પરીક્ષા પાસકર્યા બાદ તેમણે જુદી-જુદી જગ્યાએ કાર્યરત રહેલી તેમની બધી સંસ્થાઓને એકસુત્રે બાંધવા માટે એક ગુપ્ત સભાનું આયોજન કર્યું, જેમાં ભાગ લેવા માટે બસો પ્રતિનિધિ આવ્યા હતા. આ સભામાં તેમણે પોતાની સંસ્થાને અખિલ ભારતીય રૂપ દેતાં તેને ‘અભિનવ ભારત’નું નવું નામ આપ્યું. આ જ બાબતને અનુસંધાને ભ્રમણ કરતાં-કરતાં તેઓ હવે જુદીજુદી જગ્યાએ વ્યાખ્યાન દેવાનું તથા પ્રચારનું કાર્ય કરવા લાગ્યા. સાવરકરની આ ગતિવિધિઓથી અંગ્રેજ સરકાર પણ અજાણ નહોતી અને હવે સરકાર તેમને રાજદ્રોહી માનવા લાગી અને તેમને ગિરફતાર કરવાનો વિચાર કરવા લાગી.

આ જ સમયમાં વિનાયકને પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા તરફથી શિષ્યવૃત્તિ મળી અને તેઓ કાયદાના અભ્યાસ અર્થે ૭ જુન ૧૯૦૬ના રોજ ઇંગ્લૅન્ડ માટે રવાના થયા. પરંતુ ત્યાં જતાં પહેલાં તેઓ પોતાની અનુપસ્થિતિમાં‘અભિનવ ભારત’ના સંચાલનની વ્યવસ્થા સારી રીતે કરતા ગયા. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં એક‘ઈન્ડિયા હાઉસ’નામક સંસ્થા સ્થાપી હતી તથા ત્યાંથી કેટલીક પત્રિકાઓનું સંચાલન કરતા હતા. ત્યાં પહોંચીને પોતાના અભ્યાસ સાથે વિનાયકે આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. તેઓ ‘ઈન્ડિયા હાઉસ’માં વ્યાખ્યાન આપતા અને ત્યાંની પત્રિકાઓમાં લેખ લખતા હતા. કેટલાક સમય પછી આ સંસ્થાની વ્યવસ્થાનો ભાર તેમના પર આવી ગયો. તેઓ નાની-નાની પુસ્તિકાઓ લખીને ઈન્ડિયા હાઉસ તરફથી લંડનમાં વિતરણ કરાવતા હતા. ઈ.સ. ૧૯૦૭માં તેમણે સ્વાધીનતાના પ્રથમ યુદ્ધની સુવર્ણજયંતીની ઉજવણીનું આયોજન કર્યું. આ પ્રસંગે તેમણે એક બૃહદાકાર ગ્રંથ લખ્યો જે પાછળથી ‘૧૮૫૭ના સ્વાતંત્ર્ય સમર’નામે પ્રસિદ્ધ થયો.

ઇંગ્લૅન્ડમાં પોતાની અભિનવ ભારતની શાખા શરૂ કર્યા બાદ વિનાયકે ક્રમશ: ફ્રાન્સ અને જર્મનીમાં પણ શાખાઓ શરૂ કરી. બોંબ બનાવવાની કામગીરી શીખવા માટે કેટલાક યુવકોને તેમણે રશિયા મોકલ્યા, પરંતુ ત્યાર પહેલાં જ ફ્રાન્સમાં એક રશિયન યુવાન સાથે તેમનો ભેટો થઈ ગયો. આ યુવકે તેમને બોંબ બનાવતાં શીખવ્યું અને તે વિષયને લગતું એક પુસ્તક પણ આપ્યું. આ પુસ્તકનું લંડનમાં પુનર્મુદ્રણ કરાવ્યું અને ઇંગ્લૅન્ડ તથા ફ્રાન્સના બધા સભ્યોને તેનું વિતરણ કરવામાં આવ્યું. બધાએ પ્રાયોગિક રૂપમાં બોંબ બનાવવાનું પણ શીખી લીધું. પોતાનું ક્રાંતિકારી સાહિત્ય, બોંબ બનાવવાની રીત તથા પિસ્તોલ વગેરે છૂપી રીતે ભારત મોકલવાની વ્યવસ્થામાં સાવરકર લાગ્યા હતા. તેટલામાં જાસુસી વિભાગને આ જાણકારી થઈ જતાં ભારતમાં ગિરફતારી અને હત્યાની પરંપરા શરૂ થઈ ગઈ. તેમના બીજા બંને ભાઈઓને પણ પકડી લેવામાં આવ્યા. તેમના નામે પણ વોરંટ નીકળી ચૂક્યું હતું. પેરીસથી પાછા ફરતા લંડનના સ્ટેશને જ તેમની ધરપકડ કરવામાં આવી અને મુકદ્દમો ચલાવવા માટે તેમને ભારત રવાના કરી દેવામાં આવ્યા. આગળ જતાં જહાજ જ્યારે માર્સેલ્સના બંદરેથી આગળ વધ્યું ત્યારે પહેરેદારોની નજર ચૂકવીને તેઓ દરિયામાં કૂદી પડ્યા અને પાછળથી થતી ગોળીઓની વર્ષાની પરવા કર્યા વગર તરીને સમુદ્ર કિનારે પહોંચી ગયા. પરંતુ કમનસીબે ફરીથી તેમને પકડી લેવામાં આવ્યા અને બંદીવાન બનીને તેઓ ભારત પહોંચ્યા. મુંબઈની હાઈકોર્ટમાં તેમનો કેસ દોઢ મહિના સુધી ચાલ્યો અને ૨૩ ડિસેમ્બર ૧૯૧૦ના રોજ ન્યાયાધીશે પોતાનો ચુકાદો આપ્યો. તેમના પરના ત્રણ ગંભીર અપરાધો સાબિત થયા. જેને પરિણામે તેમને બે આજીવન કારાવાસ અને એક નજરબંધીની સજા ફરમાવવામાં આવી. આમ તેમને કુલ પચાસ વર્ષ કેઠોર કારાવાસનાં ગાળવાનાં થયાં અને તેમની સંપૂર્ણ મિલકત પણ જપ્ત કરી લેવામાં આવી.

કેટલોક વખત મુંબઈની ડોંગરી અને થાણાની જેલમાં રાખ્યા બાદ સરકારે તેમને આંદામાન મોકલી દીધા. ઈ.સ. ૧૯૧૧થી ૧૯૨૪ સુધી કારાવાસમાં રહ્યા બાદ તેમને છોડી દેવામાં આવ્યા. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૭ સુધી તેમને રત્નાગિરીમાં નજરકેદ રાખવામાં આવ્યા. ૧૯૩૭થી ૧૯૪૩ સુધી તેઓ ‘હિન્દુ મહાસભા’ના અધ્યક્ષ રહ્યા. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં તેમણે હિન્દુ સમાજમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા માટે ઘણું કામ કર્યું. દીર્ઘ આયુષ્ય ભોગવ્યા બાદ ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬ના રોજ ૮૩ વર્ષની ઉંમરે તેમનું દેહાવસાન થયું.

સારા વ્યાખ્યાતા હોવાની સાથે તેઓ એક સિહસ્ત લેખક પણ હતા. પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન અનેક લેખો, કવિતાઓ, નાટકો, નવલકથાઓ વગેરે લખ્યાં અને કેટલાય ભાગમાં પોતાની આત્મકથા પણ લખી. તેમની બધી મરાઠી અને અંગ્રેજી રચનાઓનું આઠ ખંડોમાં સંકલન કરીને સમગ્ર સાવરકર વાઙમય નામથી ૧૯૬૩માં પૂનાથી પ્રકાશન થયું.

વિનાયકના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકરનું (ઈ.સ. ૧૮૭૬થી ૧૯૪૫ ) સંક્ષિપ્ત જીવન આ પ્રકારનું છે. બાળપણથી તેમનું વલણ ધાર્મિક હતું અને ભગવદ્ગીતા તરફ અધિક રુચિ હતી. કિશોરાવસ્થામાં યોગ અને સંન્યાસ તરફ તેમનું આકર્ષણ રહ્યું. પરંતુ ત્યારબાદ તેઓ સક્રિય રાજનીતિ અને ક્રાંતિકારી આંદોલનમાં ભાગ લેવા લાગ્યા. ઈ.સ. ૧૯૦૦માં ‘મિત્રમેળા’ નામક ગુપ્ત સમિતિની સ્થાપના થઈ અને ત્યારથી તેઓ તેના આધારસ્તંભ રહ્યા. સરકારી મનાઈહુકમની પરવા કર્યા વગર ઈ.સ. ૧૯૦૦માં તેમણે મિત્રમેળા તરફથી એક સભાનું આયોજન કર્યું. પરિણામે તેમને પકડીને તેમના પર કામ ચલાવવામાં આવ્યું. અને તેમનો દંડ પણ થયો. પરંતુ હાઈકોર્ટે તેમની સજા માફ કરી દીધી. પછીના વર્ષે ફરીથી નાસિકમાં ‘વન્દેમાતરમ્’સંબંધી તેમના પર આરોપ લગાડીને તેમને એક માસની જેલ કરવામાં આવી. ઈ.સ. ૧૯૦૬માં સરકારે ઘણા ગંભીર આરોપસર તેમની ધરપકડ કરી. વિસ્ફોટક પદાર્થો બનાવવાની માહિતી દર્શાવતા કાગળો અને તેમના દ્વારા પ્રકાશિત ‘લધુ અભિનવ ભારતમાલા’ કાવ્યગ્રંથની પ્રતો તેમના ઘરમાંથી મળી હતી. તેમના આ પુસ્તકમાં આમ જનતાને સ્વાધીનતા માટે યુદ્ધ કરવાનું એલાન રવામાં આવ્યું હતું. ન્યાયાલયે આ બધાને રાજદ્રોહાત્મક સાહિત્ય ગણીને તેમને આજીવન કાળાપાણીની સજા કરી અને તેમની બધી મિલકત પણ જપ્ત કરી. ગણેશ સાવરકરને થયેલી આ સજાના ભીષણ પ્રત્યાધાતો રાષ્ટ્રના યુવકો પર પડ્યા અને તેના ફલસ્વરૂપ નાસિકના જિલ્લાધીશ મિ. જેકસનની સરેઆમ હત્યા કરવામાં આવી. ત્યારબાદ આ હત્યા અને તેના સંબંધી ષડયંત્રોને અનુલક્ષીને પણ ધરપકડો થઈ. આ મુકદ્મામાં પણ ત્રણ જણને ફાંસી અને બીજા ત્રણને આજીવન કારાવાસની સજા થઈ. જેલમાં ૧૪ વર્ષ ગાળ્યા બાદ માંદગીને કારણે તેમને મુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ પણ તેમણે ઘણીવાર જેલયાત્રા કરી હતી.‘વીરવૈરાગી’‘રાષ્ટ્ર મીમાંસા’‘નેપાળી આંદોલનનો ઇતિહાસ’વગેરે કેટલાંય પુસ્તકો તેમણે મરાઠીમાં લખ્યાં છે.

સૌથી નાનાભાઈ નારાયણ દામોદર સાવરકર (ઈ.સ. ૧૮૮૬થી ૧૯૪૯) પણ એક પ્રસિદ્ધ ક્રાંતિકારી અને લેખક હતા. તેમણે વડોદરા અને પૂનામાં અભ્યાસ કર્યો હતો. અમદાવાદમાં લોર્ડ મિન્ટો પર બોંબ ફેંકવાને કારણે ઈ.સ. ૧૯૦૬માં તેમને બે માસની સજા થઈ હતી. તેના આગલા વર્ષે જેકસનની હત્યાના સંબંધમાં પણ તેમને ૬ માસ સખત કેદની સજા થઈ હતી. તે ઉપરાંત તેઓ ચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસાર્થે કલકત્તા ગયા. ત્યાં કૉલેજની ફીના પૈસાની વ્યવસ્થા કરવા માટે તેમણે કેટલીક નવલકથાઓ લખી. પાછલા જીવનમાં તેમણે“શ્રદ્ધાનંદ”પત્રિકાનું સાત વર્ષ સુધી સંપાદન કર્યું. અછૂતોદ્ધાર માટે પણ તેમણે કાર્ય કર્યું. મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ રહ્યા અને અંતકાળ સુધી હિન્દુ મહાસભાનું સંગઠનકાર્ય કરતા રહ્યા.

સ્વાધીનતા સંગ્રામમાં આટલું મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર બહુમુખી પ્રતિભાશાળી આ ત્રણેય ભાઈઓ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યના આંતરિક અભ્યાસી હતા. આ અભ્યાસનો તેમના આધ્યાત્મિક જીવન અને રાષ્ટ્રીય કાર્યો પર ઊંડો પ્રભાવ પડ્યો છે. આ સંદર્ભમાં જે થોડું ઘણું તથ્ય અમને મળ્યું છે તેના પર હવે ચર્ચા કરીશું.

કૃષ્ણાજી નારાયણ આઠવલે મહારાષ્ટ્રના એક મહત્ત્વપૂર્ણ ચિત્રકાર હતા. પછીથી તેમણે કવિ, લેખક અને પત્રકાર રૂપે પણ ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. વિવિધ વિષયોને આવરી લેતાં તેમનાં પચાસેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં હતાં. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચારમાં તેમણે મહારાષ્ટ્રમાં એક અગ્રણીની ભૂમિકા નિભાવી છે. તેમના દ્વારા સંપાદિત ‘કેરલ કોકિલ’નામનું સચિત્ર માસિક એ સમયે મહારાષ્ટ્રમાં ઘણું લોકપ્રિય થયું હતું. ઈ.સ. ૧૮૯૭માં તત્કાલીન પ્રકાશિત સ્વામી વિવેકાનંદના કેટલાંક પુસ્તકો તેમના હાથમાં આવ્યાં. જે વાંચીને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે આ પુસ્તકોનો મરાઠી ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરવાનો સંકલ્પ કર્યો. ઈ.સ. ૧૮૯૮ના ‘કેરલ કોકિલ’નાં જાન્યુઆરીના અંકથી‘રાજયોગ’નામક સ્વામીજીના પુસ્તકનો ધારાવાહી અનુવાદ તેમાં આવવા લાગ્યો. આની સાથે જ તેઓ ક્રમશ: શ્રી રામકૃષ્ણ ચરિત ‘સુલભ વેદાંત’ નામથી તેમનો ઉપદેશ અને વિવેકાનંદનું જીવન પણ પ્રકાશિત કરવા લાગ્યા. ઈ.સ. ૧૮૯૮માં તેમણે સ્વામીજીનાં ‘કર્મયોગ’નો અનુવાદ પુસ્તક રૂપે પ્રકાશિત કર્યો. વીર સાવરકરની રચનાઓમાં ‘કેરલ કોકિલ’ તથા તેના સંપાદકનો ઉલ્લેખ વારંવાર આવ્યો છે એટલે અમારું અનુમાન છે કે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્ય તથા ખાસ કરીને ‘રાજયોગ’ગ્રંથનો પ્રાથમિક પરિચય સાવરકર ભાઈઓને ‘કેરલ કોકિલ’ના માધ્યમ દ્વારા થયો હોવો જોઈએ.

સ્વામી વિવેકાનંદનાં કાર્ય તથા વિચારોનો ઘણો અદ્ભુત પ્રભાવ એ સમયે જ યુવાવર્ગ પર પડ્યો હતો. પોતાના મોટાભાઈ ગણેશ પરના આ પ્રભાવનું વર્ણન કરતાં પોતાની આત્મકથામાં વીર સાવરકરે લખ્યું છે“એ દિવસોમાં એટલે કે ઈ.સ. ૧૮૯૮-૯૯નાં સંધિકાળમાં મારા ભાઈસાહેબના જીવનમાં વીસમે વર્ષે આવેલી એ લહેર પૂર્ણ પરાકાષ્ઠાએ હતી. અમેરિકામાં વેદાંતની વિજય દુભિ વગાડીને વિવેકાનંદ હમણાં જ પાછા ફર્યા હતા. સમગ્ર હિંદુસ્તાન તેમનાં વેદાંત પરનાં વ્યાખ્યાનો અને ‘રાજયોગ, કર્મયોગ’વગેરે ગ્રંથોથી સંમોહિત થઈ રહ્યો હતો. આ પુસ્તકો અને વ્યાખ્યાનો મારા ભાઈએ તેમજ તેમની પ્રેરણાથી મેં પણ વાંચ્યા. ત્યાર પછી જાણવા મળ્યું કે નિર્વિકલ્પ સમાધિની પ્રત્યક્ષ અનુભૂતિથી સંપન્ન રાજયોગી (એટલે સ્વામીજી) માયાવતીમાં આશ્રમ બનાવે છે અને તેમણે ઘોષણા કરી છે કે ત્યાં આવનારાને (સાધકોને) હું દુર્લભ રાજયોગનું શિક્ષણ આપીશ. બાળપણથી જ ભાઈસાહેબના મનમાં યોગજન્ય આનંદ પ્રાપ્ત કરવાની તીવ્ર ઉત્કંઠા હતી. એટલે આ સમાચાર મળતાં જ તેઓ અધીરા થઈ ગયા. ઘેરથી ભાગીને તેમણે માયાવતી જવાની યોજના બનાવી લીધી. ‘તંત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્’ અચાનક એમ જ થયું અને સંસાર પ્રત્યે તેમના મનમાં તીવ્ર વૈરાગ્યનો ઉદય થયો. પરિવાર, સમાજ, રાષ્ટ્ર વગેરે માટેનાં ઐહિક કાર્યો તેમને તુચ્છ લાગવા માંડ્યાં. એ સમયે એ જ મનોભાવમાં જો તેઓ નીકળી જાત તો સંભવ છે કે તેમનું જીવન એક જુદી જ દિશા પકડી લેત. આ ઉદીપ્ત તરુણ વૈરાગી થઈને નીકળી પડ્યો હોત અને તેના સંકલ્પને ક્રિયાન્વિત કરવામાં અનુલ્લંઘનીય મુશ્કેલી ન આવી હોત અને જો તે માયાવતી પહોંચી ગયો હોત તો સંભવ છે કે તેની જીવન દિશા કંઈક જુદી જ હોત. તેના ફલસ્વરૂપે રાષ્ટ્રીય ક્રાંતિકારી આંદોલન તેના પ્રચંડ યોગદાનથી વંચિત રહી જાત… પરંતુ ત્યારે અચાનક તેઓના કુટુંબ પર પ્લેગની ભયાનક આપત્તિ આવી પડી.”

પ્લેગના આ રોગચાળા દરમિયાન સાવરકરના પિતાનું અવસાન થયું. કુટુંબના કેટલાક સભ્યો માંદા પડી ગયા અને આ કારણોસર ગણેશ માયાવતી જઈ શક્યા નહીં. ત્યાર બાદ કુટુંબની જવાબદારી તેમના પર આવી પડી. એટલે ક્રમશ: તેઓ પોતાના બે ભાઈઓના સહયોગથી વિપ્લવ આંદોલનના કાર્યમાં લાગી ગયા. પરંતુ આ સાથે તેમની મંડળીમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન મનન ચાલતું રહ્યું. કારણ કે આ પુસ્તકોને કારણે તેમના મનમાં હિન્દુધર્મ અને સંસ્કૃતિ માટે અતૂટ આસ્થા ઊભી થવા માંડી અને તેની સાથે ચારિત્ર્યનિર્માણ માટે સાધના તથા રાષ્ટ્ર કાજે જીવન બલિદાન કરવાની પ્રેરણા પણ મળતી હતી. એમ કહેવાય છે કે સ્વામી વિવેકાનંદના Song of Sanyasin (સંન્યાસીનું ગીત) નામક કવિતાનો તેમણે મરાઠીમાં અનુવાદ પણ કર્યો હતો.

૨૩ ડિસેમ્બર ૧૯૧૦ના રોજ વિનાયકને બેવડી આજીવન કેદની (પચાસ વર્ષની) સજા ફરમાવવામાં આવી. પ્રથમ એક મહિનો મુંબઈની ડોંગરીની જેલમાં, તે સિવાય કેટલોક સમય થાણાની જેલમાં રાખીને તેમને આંદામાન મોકલી દેવામાં આવ્યા.

પોતાના કારાવાસ જીવનના પ્રથમ દિવસની મનોદશાનું વર્ણન તેમણે પોતાની ‘સપ્તર્ષિ’ નામની એક લાંબી કવિતામાં કર્યું છે. આ મરાઠી કવિતા ઘણી ભાવપૂર્ણ છે અને તેના પ્રાસંગિક અંશનો ભાવાનુવાદ આ પ્રમાણે છે:

“જેલમાં આખા દિવસની કઠોર મજૂરીનું કામ પૂરું થયું કે મારું મન ફરીથી સવારે જે વિષય પર ચિંતન કરતો હતો ત્યાં પાછું ફર્યું. એ સમયે મારા ધ્યાનના વિષયો હતા મહાવૈરાગ્યવાન પૃથ્વીના દેવતા શ્રીમાન ભગવાન રામકૃષ્ણના શિષ્યોત્તમ સ્વામી વિવેકાનંદ. આપણે જડવાદી અને અશ્રદ્ધાળુ લોકોના મનમાં સત્ય-અસત્ય વિષે ઘણીવાર દ્વન્દ્વ પેદા થાય છે. પરંતુ સ્વામીજી જ્યારે આપણને પરિચિત એવી જડવાદની ભાષામાં જ કપિલ અને પતંજલિનાં સૂક્ષ્મ તત્ત્વો સમજાવે છે ત્યારે શ્રદ્ધા થવા લાગે છે. તેમના બુદ્ધિજન્ય યુક્તિવાદથી મને ખાતરી થઈ ગઈ હતી કે યોગ કોઈ ગોપનીય તત્ત્વ નહીં, પરંતુ એક શાસ્ત્ર છે. આવી રીતે ખૂબ મહેનત પછી સંધ્યા વખતે કઠોર પરિશ્રમમાંથી મુક્તિ મેળવીને ચિત્ત એકાગ્રતામાં પ્રગતિ કરવાના હેતુથી નિયમાનુસાર હાથ-મોઢું ધોઈને મેં યોગીરાજનો રાજયોગ ગ્રંથ ખોલ્યો. ઓ હો! શાંતિરસનો આ પ્યાલો એક ક્ષણ માટે પણ હોઠેથી અળગો કરવાનું મન થતું નહોતું. તેમાં પ્રકાશિત તેમના સમાધિ અવસ્થાના ચિત્રને દેવમૂર્તિ માનીને મેં પ્રણામ કર્યા અને તે ઉપરાંત નાસિકાગ્રમાં દૃષ્ટિ સ્થિર કરીને હું મનને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવા લાગ્યો. પરંતુ મન તો ઘણું ચંચળ છે, જ્યારે સાધુજનોને પણ તે આટલું દુનિગ્રહ પ્રતીત થાય છે, તો પછી આપણા જેવા બિનઅભ્યાસુ જડ જીવોની તો વાત જ શી કરવી? મારું મન કોઈ રીતે વશ રહેતું નહોતું. તેને તો કેવળ પ્રિય અને અપ્રિયની સમજણ હતી, સારા ખરાબની કંઈ ખબર નહોતી. બુદ્ધિને હાથતાળી દઈને તે ઈન્દ્રિયો સાથે અહીં-તહીં દોડતું હતું. જો કે માનવ-મનનો આવો જ ઉશૃંખલ સ્વભાવ છે તો પણ સારા એવા કઠોર અભ્યાસનું વ્રત લઈને તે થોડા અંકુશમાં આવી જાય છે. આ રીતે નિષ્કામ કર્મ દ્વારા મારી પાસે જે મૂડી જમા થઈ હતી તેના બળ વડે મનની સ્વચ્છંદ ગતિ પર થોડો અંકુશ આવી જતો અને તે વશીભૂત થઈ જતું. આ કારણે અહીં તહીં દોડ્યા પછી પણ જ્યારે તે પકડમાં આવી જતું ત્યારે શરમાઈને તે વૃત્તિનો ત્યાગ કરતું. આવી રીતે ઘણી વૃત્તિઓનું શમન થયા બાદ ચિત્ત ધ્યાનમગ્ન થયું અને આત્મતિની સુખદ અનુભૂતિનો થોડો થોડો આસ્વાદ મળવા લાગ્યો. હૃદયમાં શાંતિરસનું મોહક ઝરણું વહેવા લાગ્યું અને કૈવલ્યાનંદનાં તુષારબિંદુ વેરાવા લાગ્યાં. હે પ્રભુ! તારા અદૃશ્ય ચરણોની જો કણ જેટલી પણ કૃપા મળી જાય તો અમારા જેવા ત્રિતાપદગ્ધ શરણાગતોનાં હૃદય કેટલાં શીતળ થઈ જાય! કૈવલ્યામૃતના પૂરમાં સ્નાન કરેલા અને તમારા અધરામૃતનું પાન કરેલા એ (શબ્દો) તો એવા જ હોય. પેલા સ્તુત્ય સદ્ગુરુની ઉપલબ્ધિ માટે આ બંદિવાનનું ચિત્ત આકર્ષિત થયું છે અને તે સતત પેલા અજ્ઞાત દેવનું ચિંતન કરી રહ્યું છે. નરેન્દ્રની (વિવેકાનંદ)દિવ્ય હેતુથી પ્રેરિત જડવાદી યુક્તિ પર આધારિત શ્રદ્ધાપૂર્ણ વાતો શ્રીરામકૃષ્ણે સાંભળી. તેમણે એમ પણ કહ્યું કે ‘ઇશ્વર નથી. જો હોય તો તેમને બોલાવો. જો સાચે જ તેમનું અસ્તિત્વ હોય તો મને તેમનાં પ્રત્યક્ષ દર્શન કરાવો.’ તેઓ (શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને) સ્પર્શ કરતાં બોલ્યા, ‘બેટા, તું ઈશ્વરને જોઈશ’ અને આ સાથે જ ફક્ત નામ માટે નહીં પરંતુ તેમનું સર્વતોભાવેન વિવેકાનંદમાં રૂપાંતર થયું. ઓ હો આવી જ રીતે સ્પર્શ કરીને પ્રભુ સાથે મેળાપ કરાવનાર કોઈ ગુરુ મને પણ શું મળશે? જો મળી જાય તો હું મારું આ જીવન તેમના પર ન્યોચ્છાવર કરી દઉં.”

આ ભાવભીનું ચિત્રણ સાવરકરના કારાવાસજીવનના પ્રથમ દિવસની મનોદશાનું છે. ઈ.સ. ૧૯૧૧માં રચેલી તેમની કવિતામાં તેઓ લખે છે કે છેલ્લા છ મહિનાથી હું આ ‘રાજયોગ’નો અભ્યાસ કરી રહ્યો છું. પોતાની જેલની આત્મકથામાં તેમણે લખ્યું છે કે રોજ વ્યાયામ કરતી વખતે હું મુખેથી યોગસૂત્રોનો પાઠ કરતો હતો અને તેમાંથી એકએક સૂત્ર પસંદ કરીને તેના પર ચિંતન કરતો હતો. પરંતુ તેઓ ‘રાજયોગ’ પુસ્તક પોતાની સાથે આંદામાન લઈ જઈ શક્યા નહોતા. શ્રી રા. બા. સોમણ કે જેઓ તે સમયે થાણાની જેલમાં કારકુન તરીકે નોકરી કરતા હતા તેમણે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે “આંદામાન જતાં પહેલા સાવરકરની જે ચીજો જપ્ત કરીને પછી લિલામ કરવામાં આવી હતી તેમાં કેટલાંક પુસ્તકો પણ હતાં, જેમાં ‘રાજયોગ’ નામનું પુસ્તક મેં જોયું હતું તેવું મને યાદ આવે છે.”

પોતાનાં ૧૪ વર્ષ જેટલા લાંબા કારાવાસ દરમિયાન વિનાયકે જુદી-જુદી ભાષાઓમાં કેટલીયે વાર શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યનું પારાયણ કર્યું હતું. તેમનું સુપ્રસિદ્ધ મરાઠી પુસ્તક ‘માઝી જન્મટેપ’ (મારી જન્મટીપ)માં આ તથ્યની સૂચક ઉક્તિઓ જ્યાં ત્યાં મળી આવે છે. આંદામાન પહોંચતાં જ તેમને પુસ્તકોનો અભાવ સાલવા લાગ્યો, કારણ કે તેઓ લખે છે કે “મારાં પોતાનાં જે પુસ્તકો હતાં તેને થાણામાં જ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. આંદામાનના રાજકેદીઓ પાસે જે પુસ્તકો હતાં તે બધાં નાનાં હતાં તેમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં કેટલાંક પુસ્તકો હતાં.” ઈ.સ. ૧૯૧૨ના ડિસેમ્બરમાં તેમના નાના ભાઈ નારાયણે તેમને કેટલાંક પસંદ કરેલાં પુસ્તકોનો સંગ્રહ મોકલ્યો હતો. તેમાં સ્વામી વિવેકાનંદનાં કેટલાંક પુસ્તકો હોવાથી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતો સંદેશો વિનાયકે મોકલ્યો હતો. સારા સાહિત્યનો અભાવ જેલમાં જણાતો હોવાથી જેલવાસીઓ ત્યાં એક પુસ્તકાલયની સ્થાપના કરવા ઇચ્છતા હતા. કેટલાંક વર્ષોના પ્રયત્ન બાદ જેલના અધિકારીઓની પરવાનગી મળી અને બે હજાર પુસ્તકોનો સંગ્રહ કરીને એક સુંદર પુસ્તકાલય બનાવ્યું. વિનાયક લખે છે કે શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદનાં ચરિત્રો જુદીજુદી ભાષામાં ત્યાં ઉપલબ્ધ હતાં. અમે ત્યાં બંગાળી સાહિત્યનું યથેચ્છ અધ્યયન કર્યું… શ્રીરામકૃષ્ણનાં લીલામૃત આદિ અનેક ખંડવ્યાપી પૂર્ણાંગ ચરિત્ર મૈં (બંગાળીમાં જ) વાંચ્યાં. ત્યાં ‘ચિત્રમય જગત’ નામક મરાઠી માસિક પત્રિકા પણ આવતી હતી. જેમાં એ દિવસોમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિષયક સામગ્રી નિયમિત રીતે પ્રકાશિત થતી હતી. ઉક્ત ગ્રંથાલયમાં અંગ્રેજી પુસ્તકોની સંખ્યા સૌથી વધારે હતી. વિનાયકે લખ્યું છે કે તેમાં પણ વિવેકાનંદ અને રામતીર્થનાં બધાં પુસ્તકોની ત્રણ ત્રણ નકલો હતી. તેમણે આ પુસ્તકાલયનું એકે એક પુસ્તક વાંચી લીધું અને વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, કુરાન, બાઈબલ વગેરેનું અધ્યયન વિશેષ રીતે કર્યું. ટોમસ એ. કેમ્પિસનું ‘ઈમિટેશન’ (ઈસાનુસરણ) તેમનું સૌથી પ્રિય પુસ્તક હતું. સ્વામીજીએ ઉપનિષદોને હિન્દુધર્મ અને દર્શનના મૂળ આધાર માન્યા છે અને વિનાયકે પણ બરાબર મન દઈને તેમને વાંચ્યાં. તેઓ લખે છે કે દશોપનિષદમાંના દરેકને વારાફરતી લઈને રાતોની રાતો સુધી તેના પર ચિંતન કરીને, એક વર્ષમાં બધાંનું સર્વાંગપૂર્ણ અધ્યયન કર્યું.”

સ્વામી વિવેકાનંદની એવી ઇચ્છા હતી કે પૂર્વ કાળમાં જે લોકોએ હિંદુધર્મ છોડીને બીજા મતને સ્વીકાર્યો છે તેમને ફરીથી પાછા લાવવાનો પ્રયાસ કરવો જોઈએ તથા હિંદુઓનું ધર્માંતરણ રોકવું જોઈએ. સાવરકરે આ દિશામાં પણ ઘણું કાર્ય કર્યું. એક મુસલમાન કર્મચારીએ ભય અને લોભ દેખાડીને જેલના એક ઉત્તર ભારતીય બ્રાહ્મણ છોકરાનું ધર્માંતરણ કર્યું હતું. વિનાયકે તેનો વિરોધ કર્યો અને ફરીથી તેને હિંદુસમાજમાં ભેળવવા માટે હઠ પકડી. આ કજિયો જેલના મોટા અધિકારીઓ સુધી પહોંચી ગયો. ત્યાં વાદવિવાદ દરમિયાન સાવરકરે સ્વામીજીનું જ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું, “બીજા ઐતિહાસિક શુદ્ધીકરણના ઉદાહરણ જવા દઈએ તોપણ આર્યસમાજીઓ શુદ્ધિ કરીને હિંદુ બનાવી જ લે છે. ધારો કે આ બાબતની પણ તમને ખબર ન હોય, પરંતુ સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકાથી આવ્યા હતા ત્યારે આવતાંની સાથે જ તેમણે કુમારી નોબલને હિંદુદીક્ષા આપીને ભગિની નિવેદિતા બનાવ્યાં હતાં એ તો આપે સાંભળ્યું જ હશે. તેમનાં પુસ્તકો અહીં આપણા પુસ્તકાલયમાં છે. જોઈએ તો ત્યાંથી સત્ય શોધી શકાશે.” તે સિવાય જેલમાં એક તેલુગુ કર્મચારી હતો જેના પિતાએ ધર્માંતર કરેલ હોવાથી ખ્રિસ્તી ધર્મ તેને વારસામાં મળ્યો હતો. વિનાયક પાસેથી હિંદુધર્મનો ઇતિહાસ અને મહાત્મ્ય સાંભળીને તે ફરીથી હિંદુધર્મ અંગીકાર કરવા તૈયાર થયો. તેનો શુદ્ધીકરણ સમારંભ થયો અને તે મંદિરમાં જઈને પૂજા કરવા લાગ્યો. સાવરકર લખે છે કે તે તિલક કરવા લાગ્યો અને વિવેકાનંદનાં પુસ્તકો વાંચવાની પણ તેણે શરુઆત કરી. ઇંગ્લૅન્ડથી નિવેદિતાને લાવીને સ્વામીજીએ તેને હિંદુસાધના અને ભારતની સેવામાં જોડી દીધાં. એ બાબતે સાવરકરને મુગ્ધ કરી દીધા હતા. તેમણે પોતાના હિંદુત્વ’ નામક સુપ્રસિદ્ધ ગ્રંથમા લખ્યું છે કે જે વ્યક્તિ ભારતદેશને પોતાની પિતૃભૂમિ માને, જેમની નસોમાં આ દેશના મહાપુરુષોનું લોહી વહી રહ્યું હોય અને જે આ ધરતીને પોતાની પુણ્યભૂમિ માને છે તે જ હિન્દુ કહેવડાવવાના અધિકારી છે. આ વિષય પર સવિસ્તાર ચર્ચા કર્યા બાદ તેઓ લખે છે- “પરંતુ એક જગ્યાએ આપણા માટે જરૂર થોડીક સમસ્યા ઊભી થાય છે, તે એ કે શું આપણે ભગિની નિવેદિતાને હિંદુ કહી શકીએ? અપવાદ જ નિયમને પ્રામાણિકતા પ્રદાન કરે છે. આપણી આ દેશભક્ત અને ગૌરવમયી ભગિનીએ આપણા સમગ્ર દેશને પોતાની પિતૃભૂમિના રૂપમાં સ્વીકાર્યો છે. આ દેશ માટે તેમને સાચો પ્રેમ હતો, અને જો આજ આપણો દેશ સ્વતંત્ર હોત તો આવા સ્નેહપૂર્ણ આત્માઓને નાગરિકતાનો અધિકાર આપવામાં આપણે અગ્રણી હોત. જો કે પહેલું લક્ષણ તેમનામાં સંપૂર્ણપણે જોવા મળે છે. બીજી બાબત પૂર્વજોના લોહી અંગેની, તે માટે કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી, તો પણ હિંદુત્વનું ત્રીજું મહત્વપૂર્ણ લક્ષણ તેમને હિંદુ તરીકે પ્રસ્થાપિત કરે છે. કારણ કે તેમણે આપણી સંસ્કૃતિ અપનાવી લીધી હતી અને આપણા દેશને તેઓ પોતાની પુણ્યભૂમિ માનતા હતાં. આપણે હિંદુઓ એટલા કોમળ હૃદયના અને ભાવુક છીએ કે ભગિની નિવેદિતા કે એમના જેવી બીજી કોઈ વ્યક્તિ આપણી સાથે એટલી આત્મીયતાપૂર્વક હળીભળી જાય તો અજાણપણે પણ તે હિન્દુત્વમાં સ્વીકાર પામે છે. પરંતુ આને નિયમનો અપવાદ જ સમજવો જોઈએ. ઉપર્યુક્ત વાક્યમાં વિવેકાનંદની કન્યા ભગિની નિવેદિતા પ્રત્યેની તેમની આંતરિક શ્રદ્ધા જ અભિવ્યક્ત થઈ છે.

આંદામાનથી પાછા ફર્યા બાદ પાછળના સમયમાં સાવરકરે હિંદુસમાજમાંથી અસ્પૃશ્યતા, અસમાનતા વગેરે દૂષણો દૂર કરવામાં તથા તેમનાં સંગઠનોમાં મન પરોવ્યું. આ અનુસંધાને તેમણે એક રાષ્ટ્રધ્વજનું પણ નિર્માણ કર્યું. તેમાં ત્યાગના પ્રતીક તરીકે ભગવું વસ્ત્ર, તેની પૃષ્ઠભૂમિ પર બ્રહ્મતેજનું પ્રતીક, ૐકારયુક્ત કુંડલિની અને ક્ષાત્રવીર્યનું દ્યોતક ચિત્રણ હતું. એમાં કોઈ સંદેહ નથી કે આમાંનું કુંડલિનીનું રેખાંકન અને તેની વ્યાખ્યા સ્વામીજીના ‘રાજયોગ’ ગ્રંથ પર જ આધારિત હતા. તેઓ લખે છે – “આ (કુંડલિની) કોઈ વિશેષ જાતિ કે વર્ણની સંપદા નથી. બધા લોકોમાં તેનો નિવાસ છે. મેરુદંડની બન્ને તરફ બે નાડીઓ છે, જેને હિંદુઓના શાસ્ત્રકારોએ ઈડા અને પિંગલા કહી છે. તેઓ એકીજી સાથે માળાની જેમ જોડાયેલી છે. આ બન્નેની વચ્ચે એક ત્રીજી નાડી પણ છે જેને સુષુમ્હા કહે છે. તેમાં કેટલાંક નાડી કેન્દ્રો આવેલાં છે જેને યૌગિક ભાષામાં પદ્મો કહેવાય છે. આવા મુખ્ય છ પદ્મો છે જેને મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપૂર, અનાહત, વિશુદ્ધ અને સહસ્રાર કહેવામાં આવે છે. મૂલાધારમાં એક અદ્ભુત શક્તિનો નિવાસ છે જે કુંડલિની મુદ્રામાં સ્થિત હોય છે. યોગ અને ધ્યાનની સાધનાથી એ જાગે છે અને પ્રત્યેક પદ્મમાંથી પસાર થતી અદ્ભુત અલૌકિક અનુભૂતિઓની પ્રાપ્તિ કરાવતી તે સહસ્રાર પદ્મમાં પહોંચે છે ત્યારે યોગના સાધકને એક અદ્ભુત, ઈન્દ્રિયાતીત પરમ આનંદનો બોધ થાય છે. આ અવસ્થાને યોગીંગણ કૈવલ્યાનંદ, વજ્યાની મહાસુખ, અદ્વૈતવાદી બ્રહ્માનંદ અને ભક્તગણ પ્રેમાનંદ તરીકે ઓળખાવે છે. હિન્દુ હોય કે અહિન્દુ, આસ્તિક હોય કે નાસ્તિક, નાગરિક હોય કે વનવાસી આ પરમ – આનંદને પામવો એ જ માનવ જીવનનું ચરમ લક્ષ્ય છે. યોગશાસ્ત્ર વ્યક્તિગત અનુભૂતિનું વિજ્ઞાન છે. એટલે તેમાં મતભેદને કોઈ સ્થાન નથી. એ કહેવું જરૂરી નથી કે આ બધો સ્વામીજીના ‘રાજયોગ’નો જ પ્રતિધ્વનિ છે.

સ્વામી વિવેકાનંદે પોતાના જીવનકાળમાં અને ત્યારબાદ અધિકાંશ દેશપ્રેમી સ્વાતંત્ર્ય યોદ્ધાઓને પ્રભાવિત કર્યા હતા. આપણે જોયું કે સાવરકર બંધુઓ ઉપર પણ શ્રીરામકૃષ્ણ અને વિશેષ કરીને સ્વામીજીનો કેવો ઘેરો પ્રભાવ પડ્યો હતો. આ પ્રેરણા ખાસ કરીને સ્વામીજીની યોગસાધના પ્રત્યેનું તેમનું તીવ્ર આકર્ષણ અને માતૃભૂમિ પ્રત્યેની ઉદ્દામ ભક્તિના રૂપમાં જોવા મળે છે

ભાષાંતર : શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.