બાંધો સમય મુઠ્ઠીમાં. લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ,

દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ. ૧૮

આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ બની ચૂક્યો છે. અભ્યાસમાં, નોકરીમાં, ધંધામાં, વેપારમાં કે કોઈપણ વ્યાવસાયિક ક્ષેત્રે આ સ્પર્ધામાં વિજયી બની સફળ થવા માટે સૌથી વધારે જરૂર છે પોતાને મળતા સમયના આયોજનની. એમ કહેવાય છે કે આપણે સમયને ખર્ચતા નથી, સમય આપણને ખર્ચી નાખે છે. આવું ન બને એ માટે કામ, સમય અને સમય-યોજના – આ ત્રણેયનું સંકલન જરૂરી છે. અને તો જ મનુષ્યની ઉપર કામ અને સમયનું નિયંત્રણ રહેવાને બદલે મનુષ્ય આ બંને ઉપર નિયંત્રણ રાખી શકે. સમય-વ્યવસ્થા અને સમય આયોજન (Time Management) ઉપર પાશ્ચાત્ય લેખકોનાં અસંખ્ય પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, પરંતુ ગુજરાતી ભાષામાં અત્યંત મુદ્દાસર રીતે લખાયેલ અને ૯૬ પાનામાં જ આવરિત એવું આ પુસ્તક ખૂબ આવકારપાત્ર છે. જીવનની દરેક ક્ષણને ધ્યેયપ્રાપ્તિની મદદ માટે કઈ રીતે વાપરવી એ આ પુસ્તકમાં સુંદર રીતે, વ્યાવહારિક સૂચનો આપીને સદૃષ્ટાંત રજૂ કર્યું છે. સરકતા સમયને મુઠ્ઠીમાં બાંધવા માટે લેખક ‘શું કરવું’ અને ‘શું ન કરવું’ એ બાબતોનાં સૂચનો આપે છે.

શું કરવું

૧. દરેકે પોતાના જીવનના ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ધ્યેયો નક્કી કરી તેની લેખિત યોજના બનાવવી અને જો તેમાં ફેરફાર થાય તો એ પ્રમાણે આ યોજનામાં સુધારાવધારા કરતા રહેવું. ૨. દૈનિક, અઠવાડિક અને માસિક સમયપત્રક બનાવવું. આથી દૈનિક કલાકોનું આયોજન પોતાના ધ્યેયોને સામે રાખીને, તેમના અગ્રતાક્રમ મુજબ થઈ શકે છે. આ માટે કરવા ધારેલ કાર્યોને તેમની અગત્યતા પ્રમાણે ગોઠવવા અને ક્યું કામ કેટલા સમયમાં પૂરું કરવું તે નક્કી કરવું. આ સમયપત્રકનું પાલન કરવાથી જે દિશામાં જવાનું છે તેના કેટલા તબક્કા પસાર થયા અને કેટલા બાકી રહ્યા તેનો સંપૂર્ણ ખ્યાલ આવી શકે છે. ઉપરાંત એ પણ ખ્યાલ આવી શકે કે કેટલો સમય નકામી બાબતોમાં વેડફાયો! ૩. સમયના આયોજનને અમલી બનાવવા ખૂબ જરૂરી બાબત ઉપર લેખક ખાસ ભાર મૂકે છે અને તે છે, પોતાની જાત ઉપર નિયંત્રણ. આ માટે જાત પ્રત્યે કડક થવાને બદલે વિચારપૂર્વક પોતાને સમજવાની કોશિશ કરી, કામ લેવાની જરૂર છે. એ માટે દૃષ્ટાંત આપતાં લેખક કહે છે કે ઘણી વખત ચેતન મન કામનો વિરોધ કરે છે પણ એ વખતે જ મનનાં ઊંડાણમાંથી કામ કરવાનો હુકમ આવતો હોય એવો અનુભવ થાય છે. આ કામ ખરેખર અવચેતન મનમાંથી આવતો હોય છે એવું બને ત્યારે તરત જ તકને ઝડપી કામ કરવાની શરૂઆત કરવી જોઈએ. ૪. સમય વ્યવસ્થાનું પાલન કરતાં કરતાં ક્યારેય ભૂલો થાય તો તેમને સમયના બગાડ તરીકે ન લેતાં, પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. ૫. કામ કરવાની ચોક્કસ પદ્ધતિ વિકસાવવી જોઈએ અને કામના સમય દરમ્યાન બીજા લોકો ગમે ત્યારે આવીને આપણો કિંમતી સમય ન બગાડે તેનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને મિત્રો, મુલાકાતીઓ કે ઑફિસમાં હાથ નીચેના કર્મચારીઓ કે સહકાર્યકરો આપણો સમય લેતા હોય તેને બચાવવા માટે વાત ટૂંકાવીને, ફંટાવીને કે ક્યારેક સ્પષ્ટતાથી ‘ના’ કહેતાં શીખીને કે મુલાકાતીઓ માટે દિવસનો ચોક્કસ સમય નક્કી કરી ‘સમયના પાબંદા’ તરીકેની છાપ ઉપસાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેથી ઘણો સમય વેડફાતો બચી જાય. ૬. સમય પાલન કરવા જતાં માનસિક તંગદિલી ન અનુભવાય તે માટે ખાસ જાગૃત રહેવાની લેખક તાકીદ કરે છે. આ માટે કામના સમયમાંથી થોડો સમય પોતાની અભિરૂચી પ્રમાણેની પ્રવૃત્તિ કરવી જોઈએ.

શું ન કરવું?

૧. પ્રલોભનો જેવાં કે ટી.વી., સનસનાટી ભરેલી વિગતોવાળાં સામયિકો વગેરેથી દૂર રહેવું. કારણ કે તેઓ ભાગેડુવૃત્તિને પોષી વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. ૨. ક્લબ, મિત્રમંડળ વગેરેને જોઈએ એ કરતાં વધારે સમય ન આપવો.

સમયના આયોજન માટે કે આ સૈદ્ધાંતિક માળખું તૈયાર કર્યા બાદ, પાછળના પ્રકરણોમાં લેખક ઉદ્યોગપતિ, વેપારી, નોકરિયાત, ડૉક્ટર કે વિદ્યાર્થી પોતાના સમયનું કઈ રીતે આયોજન કરી શકે તે દર્શાવવા દરેક માટે અલગ પ્રકરણ ફાળવી ખ્યાલ આપે છે. જેમ કે ઉદ્યોગપતિઓ માટે પર્સનલ સેક્રેટરીનો કાર્યક્ષમ ઉપયોગ કે સારા વાચન અને ઉપયોગી સામાજિક પ્રવૃત્તિ કે સંસારી કાર્યોનું મૂલ્ય; વેપારી માટે દુકાન કે પેઢી ઉપર બેઠાં બેઠાં ધંધાને લગતાં પુસ્તકોનું વાચન કે રેડિયો, ઘડિયાળ, કેલક્યુલેટર રીપેરીંગ જેવી લાભદાયી પ્રવૃત્તિ અને દુકાન કે પેઢીનો સમય પૂરો થયા બાદ સમાજોપયોગી કે જ્ઞાતિમંડળની પ્રવૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે.

એકંદરે, આ પુસ્તક નાનું હોવા છતાં ઉપયોગી અને માહિતીસભર છે. ‘સમયના પાબંદા’ બની ખરા અર્થમાં સફળ, શક્તિશાળી, કાર્યક્ષમ મનુષ્યો બની ચોક્કસ ક્ષેત્રોમાં પોતાનું આગવું પ્રદાન કરવા ઇચ્છનાર દરેક માટે વસાવવા લાયક છે.

– ડૉ. ચેતના માંડવિયા

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.