રાષ્ટ્રીય યુવા દિન અને યુવા સપ્તાહની ઉજવણી

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઘણાં શાખા-કેન્દ્રોમાં ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક થઈ હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ સ્વામીજીના જીવન સંદેશ વિશે પ્રેરક પ્રવચનો આપ્યાં હતાં. સ્વામીજીના સંદેશને વાચા આપતાં સૂત્રાત્મક વાક્યો, બેનર્સ સાથેના સરઘસ, રમત-ગમત, સંગીત-સાંસ્કૃતિક કાર્યક્રમો, વક્તૃત્વ અને મુખપાઠ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજીના સંદેશને વાચા આપતાં, ફોલ્ડર અને નાની પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બેલૂર મઠમાં આ પ્રસંગે એક આખા દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી સ્વામી શિવમ યાનંદજીના અધ્યક્ષસ્થાને યુવ-સંમેલનનું આયોજન સવારથી કરવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળના રમત-ગમત અને સેવા ખાતા દ્વારા યોજાયેલ ‘રાષ્ટ્રીય એકતા દોડ’નું આયોજન તે દિવસે સાંજના કરવામાં આવ્યું હતું. આ દોડ નરેન્દ્રપૂરથી નીકળીને બેલૂર મઠ સુધી પહોંચી હતી. આ સમારંભના અધ્યક્ષસ્થાને રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી હતા. પશ્ચિમ બંગાળના રમત-ગમત અને યુવક સેવા વિભાગના પ્રધાન શ્રી સુભાષ ચક્રવર્તી, હાવરાના મેયર શ્રી સ્વદેશ ચક્રવર્તીએ સભાને સંબોધી હતી. આ પ્રસંગે પર્યાવરણ ખાતાના રાજ્યપ્રધાન શ્રી પતિતપાવન પાઠક પણ ઉપસ્થિત હતા.

મદ્રાસ મઠ દ્વારા સ્વામી વિવેકાનંદની મદ્રાસની પ્રથમ મુલાકાતના શતાબ્દી વર્ષ અને રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી એકી સાથે કરી હતી. સાત હજાર જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાવિકજનોએ એક સરઘસમાં ભાગ લીધો હતો. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરામનના અધ્યક્ષ સ્થાને એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઈમ્બતૂર કેન્દ્ર દ્વારા આ મહોત્સવ ૧૬મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવ્યો હતો. ભારતના સન્માનનીય ઉપપ્રમુખ શ્રી કે.આર. નારાયણન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી સી. સુબ્રમણ્યમ, તામિલનાડુના શિક્ષણ ખાતાના પ્રધાન શ્રી સી. અરન્ગનાથગમ અને ગ્રામ્ય ઉદ્યોગ ખાતાના પ્રધાન શ્રી નાગુર નિરાને ૧૬મીના રોજ યોજાયેલા રાષ્ટ્રીય યુવાદિન ઉત્સવમાં ભાગ લીધો હતો.

હૈદ્રાબાદ કેન્દ્ર દ્વારા ઉજવવામાં આવેલા રાષ્ટ્રીય યુવા સમાહનું ઉદ્‌ઘાટન ૧૨મી જાન્યુઆરીએ આંધ્રના ઉદ્યોગ પ્રધાન શ્રી એસ. સંતોષ રેડ્ડીએ કર્યું હતું. આ પ્રસંગના અધ્યક્ષસ્થાને સહકાર મંત્રી શ્રી કે. લક્ષ્મીનારાયણ હતા. આ યુવા સપ્તાહના સમાપન સમારંભના અતિથિ વિશેષ સ્થાને કાયદા અને વાહનવ્યવહાર ખાતાના પ્રધાન શ્રી અલ્લપતિ ધર્મરાવ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં જયપુર કેન્દ્રમાં યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધા અને અન્ય સ્પર્ધાઓના પારિતોષિક વિતરણ સમારંભ ૧૭મી જાન્યુઆરીના રોજ રાજસ્થાનના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી કે.સી. અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. કરણસિંહના અધ્યક્ષસ્થાને દિલ્હી કેન્દ્ર દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા-કૉલેજના એક હજારથી પણ વધારે યુવા ભાઈ-બહેનોએ આ જાહેર સભામાં ભાગ લીધો હતો. બૉર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા બેન્ડ સાથે રાષ્ટ્રગીતની ધૂન રેલાવવામાં આવી હતી.

રાજકોટ આશ્રમમાં યોજાયેલ એક દિવસના યુવ-સંમેલનમાં પાંચસોથી વધારે યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

પૂરૂલીયા વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને થઈ હતી.

ભુવનેશ્વર કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિન અને યુવા સપ્તાહ તેમજ સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ શતાબ્દી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૧૨મી જાન્યુઆરીએ યોજાયેલ સમારંભનું ઉદ્‌ઘાટન ઓરિસ્સાના મુખ્ય પ્રધાન શ્રી બીજુ પટનાયકના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારંભના અધ્યક્ષસ્થાને ઓરિસ્સા રાજ્યના રમત-ગમત, સાંસ્કૃતિક અને યુવા સેવાના પ્રધાન શ્રી શરદકુમાર હાજર રહ્યા હતા. આ પ્રસંગના ઉપલક્ષ્યમાં રેલીઓ, વક્તૃત્વ, ક્વીઝ, પ્રશ્નોતરી, નિબંધ લેખન વગેરેનું આયોજન ભુવનેશ્વર અને ઓરિસ્સાના વિવિધ વિભાગોમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં વિશાળ સંખ્યામાં યુવા ભાઈબહેનોએ ભાગ લીધો હતો.

૧૨મી જાન્યુઆરીથી ૧૪મી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય યુવાદિન અને સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ શતાબ્દી વર્ષની ઉજવણી આસનસોલ (પ. બંગાળ) આશ્રમ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જાહેરસભા, ઉદ્‌ઘાટન સમારંભ, સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ વિશેનું ચિત્ર પ્રદર્શન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેન્ગલપટ્ટ કેન્દ્રમાં પણ શાળા-કૉલેજોના વિદ્યાર્થીઓ માટેની ઉપર્યુક્ત મહોત્સવની ઉજવણી નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ગંગા સાગર મેળા મેદાનની નજીકમાં એક હજાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક રેલીનું આયોજન મનસાદ્વીપ આશ્રમ દ્વારા ૧૨મી જાન્યુઆરીએ થયું હતું.

કલકત્તાના ગદાધર આશ્રમ દ્વારા આજુબાજુના વિસ્તારની ૩૦ શાળાઓ અને સ્થાનિક સંસ્થાઓની મદદથી આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૨૦૦ જેટલા યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

સભા, સરઘસ, રમત-ગમત, સાહિત્યિક સ્પર્ધાઓ અને સ્વામીજીના જીવન સંદેશ વિશેની પુસ્તિકાઓનું વિતરણ આ યુવા સપ્તાહના ઉપલક્ષ્યમાં કેરળના કાલાડી આશ્રમ દ્વારા તા. ૧૧ અને ૧૨મી જાન્યુઆરીએ યોજાયું હતું.

આસામના જલ્પાઈગુરી આશ્રમ દ્વારા આ મહોત્સવ પ્રસંગે યોજાયેલી જાહેરસભામાં ૨૫૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ભાવિકજનોએ ભાગ લીધો હતો.

૧૨મી જાન્યુઆરીના રાંચી દ્વારા ઉજવાયેલા યુવાદિન મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભક્તજનો અને આદિવાસી બાળકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત કલકત્તાના અદ્વૈત આશ્રમ, અગરતલા, આંટપુર, ચંડીગઢ, ખેતડી, માલદા અને વિશાખાપટ્ટનમ કેન્દ્રો દ્વારા પણ આ યુવા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.