સૌરાષ્ટ્રને અગ્નિખૂણે શૌર્યાંકિત ગોહિલવાડી ધરા ૫૨, ગોહિલોની મૂળ રાજધાની (ભાવનગર પાસેના) શિહોરથી આશરે અઢારેક માઈલ દૂર પાલિતાણા નામનું પુરાતન શહેર છે. એને પોતાની ગોદમાં રમાડતો દોઢેક માઈલ છેટે જૈનોનું મહાતીર્થ શત્રુંજય પહાડ છે. સાગરસપાટીથી આશરે ૧૯૭૭ ફૂટ ઊંચો આ પર્વત તો ગિરનાર, આબુ, અષ્ટપદ- (કેટલાકને મતે અષ્ટપદને બદલે હિમાલયમાં આવેલ ચંદ્રગિરિ), સમેતશિખર અને શત્રુંજય આ પાંચેય જૈન ગિરિતીર્થોમાં સૌથી વધુ – પવિત્ર મનાયો છે.

જેમ ગિરનાર ભગવાન નેમિનાથથી પરિપૂત થયો કહેવાય છે, તેમ શેત્રુંજય આદિનાથ-આદીશ્વરથી પરિપૂત થયેલ મનાય છે. જૈનોના ચોવીસ તીર્થંકરોમાંના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથ-ૠષભદેવજીએ અહીં તપશ્વરણ કર્યું હતું. તેઓશ્રી નાભિરાજાના મેરુદેવીથી જન્મેલા પુત્ર હતા. એમનું જીવનચરિત્ર શ્રીમદ્ભાગવતના પાંચમા સ્કંધના ત્રણથી છ અધ્યાયોમાં વર્ણવાયું છે. સામુદ્રિક શાસ્ત્રમાં ગણાવેલાં વજ, અંકુશ, ધ્વજ વગેરે શુભચિહ્નો તેમના શરીરાવયવો પર હતાં. ભાગવત અનુસાર (સ્કંધ ૨, અધ્યાય ૭-૧૦) તેઓ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર અને પરમહંસ કોટિને પામેલા સિદ્ધપુરુષ બન્યા હતા.

બધા તીર્થંકરો પોતપોતાનાં અલગ ચિહ્નોથી વિભૂષિત હોય છે. ઋષભદેવનું ચિહ્ન બળદ, છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુનું કમળ, ત્રેવીસમા તીર્થંકર પાશ્વર્નાથનું ફેણ ચડાવેલો સર્પ અને ચોવીસમાં તીર્થંકર મહાવીરનું ચિહ્ન સિંહ છે.

પાલિતાણાથી શત્રુંજય જવાનો પાકો રસ્તો વૃક્ષોથી ઘેઘૂર છે. તળેટીથી ઉપર ચડવા માટે પહોળાં પગથિયાં છે. રસ્તામાં ગરીબ શ્રાવકોએ બંધાવેલી પાદુકાદેરીઓ, વિશ્રામસ્થાનો અને પરબો જોવા મળે છે. શરૂઆતમાં દરવાજે શત્રુંજયના રખેવાળ તરીકે એક મોટા હાથીનું પૂતળું મૂકવામાં આવ્યું છે. પર્વત ચઢવામાં કેટલેક સ્થળે સીધાં ચઢાણ આવે છે. વૃદ્ધો, અશક્તો કે બાળકો જો પર્વત ન ચડી શકે તો એમનામાં પોસાય તેવા લોકો માટે ડોલીની સગવડ છે.

પર્વત પર ચઢતાં આગળ ઇચ્છાકુંડ, કુમારપાળકુંડ વગેરે આવે છે. કુમારપાળ કુંડની પાસે હિંગળાજ માતાજીની પણ એક દેરી છે અને ભૂખણદાસ કુંડ પાસે હનુમાનજીની દેરી પણ છે. આદીશ્વર ભગવાનના મંદિરમાં પ્રવેશવા માટે પુંડરીક દરવાજામાંથી પસાર થવું પડે છે. આ મંદિર શત્રુંજયનું સૌથી પવિત્ર ગણાય છે, અને સૌથી મોટાં મંદિરો પૈકીનું એક છે. એ વિક્રમાદિત્યે બંધાવ્યું હોવાનું કહેવાય છે, પણ એના શિલાલેખ પ્રમાણે આ મંદિર સવા સોમજીએ ઈ.સ.૧૬૧૮માં બંધાવ્યું હતું. આ મંદિર ૫૭ × ૬૮ના માપનું અને બે ચોરસના ભાગમાં વહેચાયેલું છે. એનો ઘૂંમટ ૧૨ સ્તંભો પર મૂકેલો છે. થાંભલાઓની રચના એવી રીતે કરવામાં આવી છે કે ખૂણા ઉપરના ચારને બાદ કરતાં બાકીના આઠનો અષ્ટકોણ બને છે. ગર્ભ ગૃહમાં જુદી જુદી દિશામાં મુખ રાખીને બેઠેલી મૂળ દેવ આદિનાથની ચાર મૂર્તિઓ પધરાવવામાં આવી છે. મૂર્તિઓનાં જુદાંજુદાં અંગો પર બહુમૂલ્ય રત્નો અને સોનાનાં પતરાં જડવામાં આવ્યાં છે.

શત્રુંજયનું શિખર ઉત્તર-દક્ષિણ એમ બે પટ્ટીમાં વહેંચાયેલું છે. બંને પટ્ટી અને એ પટ્ટીઓને જુદી પાડતી ખીણમાં જુદીજુદી કિલ્લેબંધી કરીને અંદર મંદિરો બાંધેલાં છે; બંને પટ્ટીની ‘ટૂંકો’ પાડેલી છે. પર્વત પર આવી દસ ‘ટૂંકો’ છે. દરેક ‘ટૂંક’ને ફરતા મજબૂત ગઢ છે. ચોર-ડાકુથી બચવા આ રચના કરાઈ છે. તળેટીનાં અગમમંદિર, બાબાનું મંદિર અને આયનામંદિર દર્શનીય છે.

શત્રુંજયનો સમગ્ર પ્રદેશ ખીચોખીચ મંદિરોથી ભર્યો છે. આદિનાથ, અને કુમારપાળ, વિમલશાહ, સંપ્રતિરાજા વગેરે દ્વારા બંધાવેલાં દેરાસરો અને ચૌમુખ મંદિર જેવાં સુવિખ્યાત અને નયનરમ્ય મંદિરો અહીં છે; એમાંયે ચૌમુખનું મંદિર તો એટલું ઊંચું-મોટું છે કે વીસ માઈલને અંતરેથી તે દેખા દે છે. ઈસુના બારમા શતકમાં કુમારપાળના મંત્રી અને ઉદયનના પુત્ર વાગ્ભટ્ટે (વાહડે) તળેટીમાં વસાવેલુ કુમારપુર અને પાશ્વર્નાથનું ત્રિભુવનવિહાર વગેરે નજરને જકડી રાખે છે. પર્વતનાં ૮૬૦ જેટલાં સંગેમરમરનાં મંદિરો આપણને મુગ્ધ કરી દે છે. શત્રુંજયક્ષેત્ર ખરેખર દેવનગરી, મંદિરનગરી અને મોક્ષનગરી છે! મંદિરો સિવાય અહીં બીજું કશું જ દેખાશે નહિ.

આટલાં બધાં મંદિરો હોવા છતાં અહીંની ખૂણાખાંચરા સહિતની તમામ જગ્યા એકદમ સ્વચ્છ રાખવામાં આવે છે. ધૂળનો એક કણ પણ ક્યાંય ગોત્યો ન જડે! ડાઘાડૂઘીની તો વાત જ નહિ. ચારે બાજુ નીરવ અને પૂર્ણ શાન્તિ પથરાયેલી રહે છે. મોટાં મંદિરોના ગર્ભગૃહમાં અને એની આસપાસની નાની દેરીઓમાં આપણને પદ્માસનની યૌગિક મુદ્રામાં બેઠેલા ભવ્ય-શાન્ત-સૌમ્ય વિવિધ તીર્થંકરોની સેંકડો મોઢે મૂર્તિઓનાં પાવન દર્શન થાય છે. આધ્યાત્મિક પ્રેરણા ઝંખતા કોઈપણ યાત્રાળુના મનમાં આ વાતાવરણ કશાંક અવર્ણનીય સ્પંદનો જગાડ્યા વિના રહી જ ન શકે. કિનલોપ ફાર્બસે પોતાની ‘રાસમાળા’માં નોંધ્યું છે:

“આ મંદિરનગરી તો અનન્ત શાન્તિનું વરણ કરવા માગતા લોકોનો વિવાહમંડપ છે! ભારતમાં ભાગ્યે જ એવું કોઈ નગર હશે કે જેણે મંદિર નિર્માણમાં આ મંદિરનગરી સાથે હોડ બકી હોય!

બર્જેસે લખ્યું છે: “આખા વિશ્વમાં આ અદ્‌ભુત મંદિરનગરી જેવી મંદિરનગરી નથી.”

આ મંદિરનગરીની એક ઉલ્લેખનીય વિશેષતા એ છે કે અહીં કોઈ મનુષ્ય પોતાનું ઘર બાંધીને રહેતું નથી, કારણ કે આ પર્વતીય મંદિરનગરને એટલું બધું પવિત્ર માનવામાં આવે છે કે આ સ્થળે ખોરાક રાંધવાનું ઉચિત મનાતું નથી. પર્વતની નીચેના ભાગમાં જ પોતાનો ખોરાક તૈયાર કરીને જ યાત્રાળુઓ અહીં આવે છે.

સામાન્ય રીતે જૈનોનાં મંદિરસંકુલો – મંદિરસમૂહો – એક સ્થળે જ હોય છે. સનાતની હિન્દુઓમાં પણ ભુવનેશ્વર, વારાણસી અને અન્ય સ્થળોએ આવાં મંદિરસંકુલો છે તો ખરાં, પણ એ મંદિરસંકુલોની વચ્ચે-વચ્ચે એવીય જગ્યા હોય છે કે જ્યાં પૂજારી વગેરે લોકોનાં રહેઠાણો પણ હોય છે. પણ આ શત્રુંજય તો ફક્ત દેવોનું જ રહેઠાણ છે અને બીજા લોકો પોતાના કોઈપણ હેતુ માટે એનો રહેઠાણ તરીકે ઉપયોગ કરી શકતા નથી.

ઐતિહાસિક દૃષ્ટિએ આ શત્રુંજય, આબુ કે ગિરનાર જેટલો પ્રાચીન નથી. શત્રુંજય પરનું એક મંદિર, સમ્રાટ અશોકના પૌત્ર સંપ્રતિએ બંધાવ્યું હોવાનું કહેવાય તો છે, પણ પુરાતત્ત્વવિદો એવા તારણ પર આવ્યા છે કે આ મંદિર ઈ.સ. ૧૬૧૮માં બંધાયું હતું. ગુજરાતમાં જૈનધર્મના વિકાસને તપાસીએ તો હેમચંદ્રાચાર્યના સમયથી – સોલંકીઓના સમયથી – ગુજરાતમાં જૈન ધર્મ વધારે ફૂલ્યો-ફાલ્યો હતો અને એ જ કાળમાં શત્રુંજય પર્વતે જૈન તીર્થોમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું.

શત્રુંજયનાં મંદિરોમાં જૈન સ્થાપત્યની સઘળી વિશિષ્ટતાઓ, અન્ય સ્થળોનાં જૈનમંદિરોની સરખામણીમાં સૌથી વધુ પ્રમાણમાં દેખાય છે. અહીંની શિલ્પ કળા, ઘણી સદીઓ સુધી ચાલેલા શિલ્પકળા વિકાસની કડીબંધ સામગ્રી પૂરી પાડે છે. નિષ્ણાતો આ શૈલીને મારુગુર્જર શૈલી કહે છે. અહીંનાં કેટલાંક મંદિરો ઠેઠ અગિયારમી સદીમાં બંધાયાં છે; પણ ચૌદમી અને પંદરમી સદીનાં મુસલમાની આક્રમણોને પરિણામે એ નાશ પામ્યાં. એટલે હાલમાં જે મંદિરો છે, તેમાંનાં ઘણાં ખરાં પંદરમી કે સોળમી સદીમાં બંધાયેલાં છે અને હજુ અત્યારના સમયમાં પણ શ્રદ્ધાળુ જૈનભક્તો કાં તો નવાં મંદિરો બંધાવતા રહે છે અથવા તો જૂનાં મંદિરો સમરાવતા રહે છે.

શત્રુંજયની ગોદમાં, શેત્રુંજી નદીને કિનારે વસેલું પાલિતાણા પણ પ્રાચીન શહેર છે. ‘પાલિતાણા’ શબ્દ, ‘પાદલિપ્ત’ કે ‘પાલિત્તા’ ઉપરથી નિષ્પન્ન થયો છે. મહાન યોગી નાગાર્જુને મૈત્રકકાળમાં પોતાના ગુરુ ‘પાદલિપ્ત’ કે ‘પાલિત્તા’ની સ્મૃતિમાં આ નગર વસાવ્યાનું કહેવાય છે, તો વળી કેટલાક એમ પણ માને છે કે રાજકીય ઉથલપાથલને કારણે મૂળ મગધના જૈનો આઠમા સૈકામાં શીલાદિત્યના શાસનકાળમાં રાજપૂતાના અને સૌરાષ્ટ્રમાં આવી વસ્યા હતા અને એમણે આ શત્રુંજય તીર્થ અને પાલિતાણા વસાવ્યાં હતાં. ગમે તેમ હોય, પણ આ સમયગાળો છેલ્લા તીર્થંકર મહાવીરના અવસાન પછીનો હોવો જોઈએ.

એમ કહેવાય છે કે શત્રુંજયનું મુખ્ય આદિનાથમંદિર પહેલાં તો કાષ્ઠનું હતું પણ જ્યારે રાજા કુમારપાળે અને એના મંત્રી ઉદયને શત્રુંજયની મુલાકાત લીધી ત્યારે તેમને લાગ્યું કે કાષ્ઠમંદિરનો નાશ થઈ શકે એટલે તેમણે પથ્થરનું મંદિર બાંધવા વિચાર્યું હતું; પણ એ વિચારનો અમલ તો ત્યાર પછી વાગ્ભટ્ટે (વાહડે) જ કર્યો હતો.

મહારાજા સિદ્ધરાજ જયસિંહ, હેમચંદ્રાચાર્ય, રાજા કુમારપાળ તેમજ વસ્તુપાલ-તેજપાલ જેવા અનેક સુવિખ્યાત મંત્રીઓ આ પર્વતનાં વિવિધ મંદિરો સાથે સંકળાયેલા છે. તદુપરાંત કુંભકોટનાં જગડુશાહે, મંગલગઢના પેથલશાહે, તેલંગણાના સમાશાહે, ચિત્તોડના કરમશાહે અને બીજા અસંખ્ય શ્રેષ્ઠિપુત્રોએ લખલૂટ ખર્ચ કરીને અહીં મંદિરો બંધાવ્યાં છે અને કેટલાંય મંદિરોની મરામત કરાવી છે. ભારતવર્ષના એક છેડાથી બીજા છેડા સુધીના બધા જ ભાગોમાંથી જૈનોએ અહીંની મંદિરનગરીમાં મંદિરનિર્માણ, મંદિરસંરક્ષણ અને મંદિરોદ્ધાર માટે પોતાનું ઉદાર હાથે યોગદાન આપ્યું છે.

તોરણો, ઘૂંમટો, મૂર્તિઓ તેમજ બેનમૂન અને નાજુક શિલ્પકલાથી શોભતાં આ વિવિધ મંદિરો ખરેખર અદ્‌ભુત છે. જે-જે મહાનુભાવોએ આ મંદિરસમૂહો રચ્યા છે, તેમના નામથી તે-તે મંદિરસમૂહ ઓળખાય છે. એને ‘વસતી’ કે ‘વસહી’ કહેવામાં આવે છે. આદીશ્વર ભગવાનના શિખરની સામેના શિખર પર હેમાભાઈએ બંધાવેલ મંદિરસંકુલ ‘હેમાવસહી’ની ટૂંક કહેવાય છે. ખીણમાં મોતીશાહ શેઠે બંધાવેલો સોળ મંદિરોનો સમૂહ મોતીશાહ ટૂંકને નામે જાણીતો છે. એનું મુખ્ય મંદિર ત્રણ માળવાળું અને ભવ્ય છે. ઘોઘલાના બાલાભાઈએ પાંચ મંદિરોનો સમૂહ બંધાવ્યો છે. એમાં ભગવાન આદીશ્વરની પદ્માસનમાં બેઠેલી મૂર્તિ અઢાર ફૂટ ઊંચી છે. કહેવાય છે કે એક ખડકમાંથી કોતરીને એ બનાવાઈ છે. એની પૂજા કરવા માટે નીસરણીની જરૂર પડે છે.

એક અડસટ્ટા પ્રમાણે આ મંદિરનગરીમાં ૧૦૬ મોટાં મંદિરો, ૭૦૦ નાનાં મંદિરો, ૧૧૦૦૦ મૂર્તિઓ અને ૯૦૦ પાદુકાઓ છે. જૈન પંરપરા પ્રમાણે આ શત્રુંજય જૈનોનું મુખ્ય તીર્થસ્થાન છે, એ મોક્ષનગરી કહેવાય છે અને ગિરનાર તો એનો એક ભાગ માત્ર છે.

આ શત્રુંજ્યને અનેક-લગભગ નવ્વાણું-નામો આપવામાં આવ્યાં છે. એમાં સિદ્ધાચલ, ઉમાસામ્બુગિરિ, બ્રહ્મગિરિ વગેરે નામો વધુ જાણીતાં છે. ભારતભરના ભાવિક જૈનો આ પર્વતની પરિક્રમા કરે છે. આવી ખાસ યાત્રાઓ દર વરસે કાર્તિકી પૂર્ણિમા અને ચૈત્રી પૂર્ણિમાએ થાય છે. ચુસ્ત જૈનો એકટાણું જમીને પગપાળા ચાલીને, સંયમ પાળીને અને વ્રતો રાખીને આ પરિક્રમા કરે છે. આ ઉપરાંત, કાર્તિકી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ, ચૈત્રી પૂર્ણિમા અને વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિવસોમાં ઉત્સવો ઉજવાય છે. આ દિવસોમાં હજારોની સંખ્યામાં જૈનો આ તીર્થધામની મુલાકાત લે છે.

વલભીના રાજા શીલાદિત્યની વિનંતીને માન આપીને ધનેશ્વર સૂરિએ આ શત્રુંજ્યનું માહાત્મ્ય લખ્યું છે. તેમજ જિનપ્રભસૂરિએ પોતાના ‘વિવિધતીર્થકલ્પ’ નામના ગ્રંથમાં આ શત્રુંજ્યને પ્રથમતીર્થ તરીકે વર્ણવ્યો છે.

જૈનો, જૈનેતરો, વિદેશીઓ – બધા પર્યટકો આ અદ્‌ભુત રમણીય તીર્થસ્થળે અવારનવાર આવ્યા કરે છે. લગભગ ૯૦૦ વરસના ઇતિહાસને પોતામાં સમાવીને બેઠેલો આ સિદ્ધક્ષેત્ર શત્રુંજ્ય, પર્વત પર કોતરી કાઢેલી અને મૂલ્યવાન હીરા-ઝવેરાતથી જડેલી પગથારથી શોભે છે, સૂર્યપ્રકાશમાં ચળકતા ટાવર જેવા લાગતા સુંદર શિલ્પકલાયુક્ત સ્તંભોથી આપણી આંખો જકડી રાખે છે, ત્રેવીસ તીર્થંકરોની પાદપૂલિથી પરિપૂત થયેલો એ આપણી સંવેદનાઓને જગાડે છે, ત્યાગ-વ્રત-તપનું સામ્રાજ્ય ભોગવતો અને સાધુ-સાધ્વીઓની સુધાવાણીથી સદા સ્નાન કરતો રહેતો આ નયનાભિરામ શત્રુંજ્ય આ વિશ્વની ખરેખર એક અજાયબી છે.

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.