(શિખરિણી સોનૅટ)

કદી મેં ઇચ્છાઓ અવગણી નથી, રોકી ય નથી;

સ્વયં ફૂટે તેને સહજ સ્ફુરવા ને વિકસવા

દીધી છે, વાસંતી તરુ જયમ વને દક્ષિણ હવા

ઝીલીને ખીલી રહે કુસુમિત થઈ – ટોકી ય નથી;

અહો કેવી કેવી લગની લગીં તી! કૈં કશી વળી

સ્ફુરીં તી ઇચ્છાઓ! કંઈ કંઈ ચગ્યાં સ્વપ્ન ય હતાં!

અરે પ્રાર્થ્યું માગ્યું વિનત થઈ કૈં કૈં વિનવતાં;

રહું જોઈ એનો વિફલ ઢગ એકત્રિત કરી;

હું મારી સંધ્યાને સમયતટ બેઠો જીવનને

વિલોકું છું: વીણી વીણી વિફલ સ્વપ્નોની કળીઓ,

કળીઓ ઇચ્છાની લઈ સ્રજ ગૂંથું જે ન ફળીઓ,

કરું આ માળા યે અરપણ તમારા જ ચરણે;

-પછી પ્રત્યૂષે મેં નિરખ્યુ: સ્રજ કંઠે ધરી હતી

તમે જાતે! તેમાં ફૂલ જ ફૂલ, એક્કે કળી ન’તી!

– ઉશનસ્

Total Views: 219

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.