(ગતાંકથી ચાલુ)

(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.)

આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ ત્યારે, રાજકીય પરિસ્થિતિને એ લાગુ પાડીએ ત્યારે, આપણને લોકશાહીની સુંદર ફિલસૂફી સાંપડે છે. આજે આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ. આ લોકશાહીનું મોટા ભાગનું શિક્ષણ આપણે પશ્ચિમમાંથી શીખ્યા છીએ, પરંતુ પશ્ચિમમાં પણ એમાં સાચું ઊંડાણ નથી. એ મોટે ભાગે બાહ્ય વ્યવસ્થા છે. એથી તો પશ્ચિમનો ઈતિહાસ એક તરફ લોકશાહી અને બીજી તરફ સરમુખત્યારશાહી વચ્ચે ઝોલાં ખાય છે. હિટલરનું ફાસીવાદી આંદોલન વધારે પડતી લોકશાહીનો પ્રત્યાધાત છે. એમને લોકશાહી ગમતી નથી અને શેકશાહી ત્યાં પ્રાચીન ગ્રીક પ્રજા પાસે એ હતી અને પ્રાચીન રોમનોએ એનો પ્રયોગ કરી જોયો અને પાશ્ચાત્ય પ્રજાઓએ એને ખૂબ વિકસાવી છે; આ સૌ પાસેથી અહીં આપણે ગણતંત્રવાદી કેવી રીતે બનવું તે શીખ્યા છીએ. એનું ખોળિયું સુંદર છે, પણ એમાં આત્મા નથી. એને આત્મા કેવી રીતે આપવો? પાશ્ચાત્ય વિચારણામાં જુદા જુદા ફિલસૂફો વચ્ચે ગણતંત્રની તરફેણમાં અને વિરુદ્ધમાં ખૂબ વાદ થયો છે, ઉદાહરણ તરીકે, રૂસો લોકશાહીમાં માનતો. પરંતુ જર્મન ફિલસૂફ નિત્સેને એ ગમતું નહીં. વાસ્તવમાં એણે કહ્યું છે, સમાજ કરારની પેદાશ છે એમ કોણ કહે છે ? રૂસો સામાજિક કરારની વાત કરે છે. તે કહે છે કે, સમાજ એક કરારની નીપજ છે.’ હું એનો વિરોધ કરું છું. સમાજ કોઈ કરારની નીપજ નથી પરંતુ, સમર્થ લોકો (ભદ્ર લોકો)ની પેદાશ છે, જે પહાડો પર રહે છે. નીચે રહેતા લોકો પર તેઓ તૂટી પડે છે અને એમના ઉપર આધિપત્ય ભોગવે છે અને એમનું શોષણ કરે છે. સમાજનો ઉદ્ભવ આમ થાય છે અને ગણતંત્રનો કશોજ અર્થ નથી. આવા ફિલસૂફોમાં તમને આ ભાષા જોવા મળશે. હિટલર અને મુસોલીનીએ ગણતંત્રની વિરુદ્ધ જોરદાર બખાળા કાઢ્યા હતા. મને યાદ છે ત્યાં સુધી મુસોલીનીનું એક વાક્ય હું અવારનવાર ટાંકતો. એણે કહ્યું છે, “આપણે માટે લોક્શાહી નથી, ત્રણ પ્રકારના લોકો માટે એ નિર્માઈ છે. કોણ છે તેઓ? ગાયો, સ્ત્રીઓ અને અંગ્રેજો.” લોકશાહીથી તાનાશાહી અથવા એકવિધશાહી (રેજીમેન્ટેશન)માંનું આ ભયંકર પરિવર્તન, એક છેડેથી બીજાનું પરિવર્તન દર્શાવતા પાશ્ચાત્ય જગતના ઇતિહાસમાં આ ભાષા વપરાતી જોવા મળે છે. માર્ક્સવાદી વિચારોમાં પણ સુંદર માનવતાવાદ છે. પરંતુ તેની સાથે, આ પ્રકારની એકવિધતાશાહીય (રેજીમેન્ટેશન) છે. પરંતુ, ભારતીય સાંસ્કૃતિક વારસાના દૃષ્ટિકોણથી લોકશાહીની અર્વાચીન સમજણ પ્રત્યે આપણે આવીશું ત્યારે એક નવું મૂલ્ય આવતું આપણને દેખાશે. એ મૂલ્ય છે. પ્રત્યેક માનવ પ્રાણીનું મૂળગત મૂલ્ય. કોઈનો મૂલ્યાંક અપૂર્ણાંક નથી, દરેકનું મૂલ્ય પૂર્ણાંક છે. લોકશાહીનો આ સુંદર અંશ છે. આપણે ક્વચિત જ એને જોઈએ છીએ. એક નાગરિકના હાથમાંનું મતપત્ર એના ગૌરવનું, એના પૂર્ણ મૂલ્યનું ચિહ્ન છે. પંત પ્રધાનને કેવળ એક મત છે અને કોઈ મામૂલી પથ્થર ભાંગવાવાળાને પણ એકજ મત છે, બન્ને સમાન છે. લોકશાહીમાં માનવતાને પૂર્ણતાભર્યું સ્થાન છે – કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. રાજકીય સંસ્થા તરીકે લોકશાહીના આ ખ્યાલની પાછળ એક તત્ત્વ રહેલું છે. આ તત્ત્વ વૈદાંતમાં, ઉપનિષદોમાં, ‘ગીતા’માં, ‘શ્રીમદ્ભાગવત્’માં આપણને સાંપડે છે. આ તત્ત્વ વિનાની લોકશાહી કેવળ કામચલાઉ બાહ્ય વ્યવસ્થા છે, જે પશ્ચિમની પેદાશ છે અને જેને આપણે અપનાવી છે.

પરંતુ એમાં આપણને એક મોટી ઊણપ જણાશે – માનવ મનમાં નિરાશાવાદી લાક્ષણિકતાની ભાવના આપણને આજે જોવાને મળશે. હા, આપણે બધાં સમાન છીએ. આપણે એ જાણીએ છીએ. ચૂંટણી વખતે અમે આવીશું અને તમારા મતની ભીખ માગીશું અને પછીથી અમે તે ભૂલી જઈશું. તમે જાણો છો કે તમે ત્યાં છો અને હું અહીં છું. આપણી રાજકીય તંત્ર વ્યવસ્થામાં આ નિરાશાવાદી લાક્ષણિકતા છે. પરંતુ ઉપનિષદ્ પ્રેરિત આધ્યાત્મિકતાવાળી વિવેકાનંદે પ્રબોધેલી માનવતાવાદી ફિલસૂફી આપણી પ્રજાને પ્રેરશે ત્યારે, સામી વ્યક્તિનાં જ્ઞાતિ, ધર્મ, કે સામાજિક મોભાની દરકાર વિના તેને માટેનું માન આપણામાં પ્રગટશે. દરેક સમાજમાં એક વ્યક્તિની પાસે બીજીના કરતાં વધારે સત્તા હશે. એ રાજકીય સત્તા હોય, આર્થિક સત્તા હોય કે બૌદ્ધિક સત્તા હોય. આમ તો બનવાનું જ છે. પરંતુ આ સત્તાનો વિનિયોગ સૌથી અગત્યની બાબત છે. ભારતમાં આ વિષયની આપણે હજી સુધી ચર્ચા કરી નથી. કારણ કે હજી ગઈકાલ સુધી આપણી પાસે સત્તા જ નહોતી. સદીઓ સુધી આપણે ગુલામ અ હતા. આજે આપણી પાસે સત્તા છે અને એ સત્તાનો વિનિયોગ કેમ કરવો તે વિશેની વિચારણા આપણે હજી આરંભી નથી. પાશ્ચાત્ય દેશોમાં આ વિશે ખૂબ લખાયું છે. બૉંડ રસેલે “સત્તા” (પાવર) શીર્ષકવાળું એક પુસ્તક લખ્યું છે. આપણે આ વિષયનો હજી અભ્યાસ કર્યો નથી પરંતુ, સૌથી અગત્યનો મુદ્દો એ છે કે મારા હાથમાં વધારે સત્તા એટલે બીજા કોઈકના હાથમાં ઓછી સત્તા. સમાજમાં માણસ માણસનો સંબંધ કયા પ્રકારનો રાખવો છે ? આજે સત્તાને કેવી રીતે વાપરવી અને એને કેવી રીતે પચાવવી તે સૌથી અગત્યનો પ્રશ્ન છે. કેવળ આધ્યાત્મિક જ્ઞાન સત્તાને પચાવી શકે. પ્રા. રાધાકૃષ્ણન “મહાભારત” (૫. ૩૪. ૪૨)માંથી એક સુંદર શ્લોક ટાંકતા:

विद्यामदो धनमदस्त्रियोभिजनोमदः।
एते मदावलिप्तानामेत एव सतं दमः॥

અહીં મૂળમાં ભાષાનું સૌંદર્ય જોઈ શકાય છે, અનુવાદમાં સૌંદર્યનો ઘણો અંશ લોપ પામે છે. શ્લોકમાં આમ કહેવાયું છે: મદનાં ત્રણ મૂળ છે. મદ એટલે નશો. માણસ દારૂ પીએ ત્યારે એને નશો ચડે છે. જે કરુણ પરિસ્થિતિનો ઉલ્લેખ છે તેમાં લોકોએ દારૂ પીધો હતો, એમને નશો ચડ્યો હતો અને મૃત્યુ પામ્યા હતા. પ્રથમ પંક્તિમાં શબ્દ વપરાયેલો છે તે ‘મદ’ છે; બીજી પંક્તિમાં એને ઊલટાવી નાખ્યો છે, ‘દમ’ વપરાયો છે; મદ દમ બની જાય છે, જે તદ્ન ઊલટું છે. ‘દમ’ એટલે આત્મસંયમ, આત્મનિયમન, સત્તાનું પચાવવું. પ્રથમ પંક્તિમાં મનુષ્યો માટે મદના ત્રણ સ્રોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યામદ – થોડુંક અમથું જ્ઞાન હોય તો આપણને તેનો નશો ચડે છે. ધનમદ – થોડો વધારે પૈસો આપણને ગર્વિષ્ઠ બનાવે છે, ખાસ કરીને નવા પૈસાદાર થયેલા લોકો ખૂબ ગર્વિલા હોય છે – એ લોકો ધનને પચાવી શકતા નથી. અભિજનો મદ, કુળનો, વંશનો ગર્વ. હું અમુક અમુક કુટુંબમાંથી ઊતરી આવ્યો છું, આ બીજો મદ છે. મદના આ ત્રણ સ્રાતો છે. એ તે મદ – કોને? અલિપ્તાનામ્ – અણઘડ અસંસ્કૃતને, આ ત્રણ મદના સ્રોતો છે. પરંતુ ‘एते एव’ આ જ સ્રોતો દમ થઈ જાય છે, સંપૂર્ણપણે જીરવી શકાય છે. કોને માટે? ‘એત એવ સતં દમ:’. મોટા મનવાળા ઉદાર મનના લોકો આ ત્રણે મદને જીરવી શકે છે. લોકો સાથે તેમનું વર્તન યોગ્ય હોય છે. ‘મારી પાસે સત્તા છે પરંતુ, મેં તે પચાવી જાણી છે. હું એને કેવી રીતે પચાવું? બૌદ્ધિક જ્ઞાન વડે નહીં – નહીં! હું બધે કહું છું: ભારતમાંની વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં આપણા આર્થિક પ્રશ્ન નથી, પણ માનવ સંબંધોનો પ્રશ્ન છે; કોણ વડો બને, કોને પછાડવો અને એવા બીજા સતત ચાલતા સંઘર્ષોમાં એ જોઈ શકાય છે. કારણ કે, એમની બૌદ્ધિક શક્તિ પચી નથી. અને માનવીય બની નથી. તમે એને માનવીય રંગે રસો એટલે બધું બદલાઈ જાય છે.

विद्यामदो धनमदस्त्रियोभिजनो मदः,

આ બધી સત્તાઓ તમારી પાસે હોય પરંતુ આધ્યાત્મિક પ્રકૃતિની નવી પાચક સત્તાવડે તમે એને પચાવો – શિવની આધ્યાત્મિક પાચન શક્તિની જેમ – ત્યારે તે સત્તા માનવીય બને છે. મનુષ્યનો નાશ કરવાને બદલે, તેને ઉપર ઉઠાવે તેવું સત્તાનું માનવતાવાદીકરણ આજની રાજકીય લોકશાહીમાં પાયાનો પ્રશ્ન છે. મારી સત્તાએ તમને નીચે નમાવવા જોઈએ નહીં, એણે તમને ઊંચે ચડાવવા જોઈએ. એ સત્તાને રાજકારણ વિકસાવશે ત્યારે, એ અસાધારણ સત્તા બનશે. જેમની પાસે ખૂબ શક્તિ છે તેવા, રામકૃષ્ણ અને બુદ્ધ જેવા માણસો પાસે તમે જશો ત્યારે, તમારું ઊર્ધ્વગમન થતું અનુભવી શકશો.

એમના ચરણને તમે સ્પર્શે કે તમે ઊંચે ચડો છો. સત્તા વાપરતી વખતે, દરેક વેળા આપણે જોવાનું છે કે તે સત્તા સામા માણસને નીચે નથી પછાડતી પણ ઊંચે લઈ જાય છે. એ બને ત્યારે આપણે સમજવું કે આપણે ત્યાં સંપૂર્ણ લોકશાહી છે; આ રાજકીય તંત્રવ્યવસ્થાને આધ્યાત્મિક પાયા પર ઊભી કર્યા સિવાય એ લોકશાહી આવી શકે નહીં. એ માત્ર લોકશાહી હશે તો, દર ચાર કે પાંચ વર્ષે એક વાર તે હશે. આપણે બધાં લોકશાહેા છીએ. ચૂંટણી પછી આપણે બધું ભૂલી જઈએ છીએ. ચુંટાયેલી વ્યક્તિ પોતે પ્રાપ્ત કરેલા સ્થાનથી ફૂલાય છે, ને એમ વિચારે છે કે, તમે ક્યાં છો તે હું હવે જાણું છું અને હું ક્યાં છું તે પણ જાણું છું. ‘ગીતા’, ‘ઉપનિષદો’ અને ‘ભાગવત્’ના ગહન દર્શન પર આધારિત સ્વામી વિવેકાનંદની માનવતાવાદી ફિલસૂફી લોકોને પ્રેરણા આપશે અને માનવ-માનવ વચ્ચેના વ્યવહારને એવી કક્ષાએ લઈ જશે કે માનવ-માનવ વચ્ચેનો સંપર્ક ઊર્ધ્વગમન કરતો બનશે અને ત્યારે, આ હલકો પ્રકાર જશે. દરેક સમાજમાં અનિયમિત સત્તાએ ઘાણ કાઢ્યો છે. પોતાના પ્રખ્યાત નાટક “મેઝર ફૉર મેઝર”માં (૨.૨. ૧૧૭-૨૨) હજમ ન થયેલી સત્તાનું વેધક ચિત્ર શેક્સપિયર આ ટૂંકા ખંડમાં આપે છે:

“પરંતુ માણસ, અભિમાની માણસ, થોડા કાળ માટે થોડી સત્તાનો વાધો પહેરે છે ત્યારે, પોતાને શું પ્રાપ્ત થયું છે તેનાથી સાવ અજ્ઞાત હોય છે. ક્રોધી વાંદરા જેવું તેનું કાચનું સત્ત્વ, ઊંચેના સ્વર્ગ પાસે એવા ચિત્ર વિચિત્ર લટકાં કરે છે કે દેવદૂતો ય રડી ઊઠે છે.” માનવ આત્માનો નાશ કરવા માટે આપણા સમાજમાં બૌદ્ધિક સત્તાનો અને આર્થિક સત્તાનો દુરુપયોગ થતો આપણે જોયો છે. સ્વામી વિવેકાનંદની માનવતાવાદી ફિલસૂફીમાંથી પાર ઊતરે તેવા તદ્દન નવા સમાજની આજે આપણે જરૂરત છે. આ ફિલસૂફીમાં માનવીમાં રહેલો દિવ્ય સ્કૂલિંગ વિકાસનું કેન્દ્ર બને છે, જે માનજીવનનું ધ્યેય છે. રાજકીય પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, કેળવણી અને ધર્મ દ્વારા આપણામાં રહેલી આ દૈવી શક્તિના વિકાસનો પ્રયત્ન આપણે કરીએ છીએ. દિલ્હીમાં, કે રાજયોમાં, સચિવાલયમાં બેઠેલો અને સત્તા ધારણ કરતો માણસ કોણ છે? એ સેવક છે. આપણી પ્રજાને સ્વાસ્થ્ય અને કલ્યાણ પ્રાપ્ત થાય તે માટે તે માણસની પાસે સત્તા છે. આપણા દેશમાં આ ભાવના લેશ માત્ર જોવા મળતી નથી. સહજ અને સ્વાભાવિક સેવાની ભાવના ઉચ્ચ આધ્યાત્મિક ગુણ છે અને આપણા દેશમાં તે મોટે ભાગે ગેરહાજર છે. આપણા પોતાના દેશમાં આ માનવતાવાદી ફિલસૂફી લાગુ પડાય છે તેના કરતાં પરદેશમાં, આ અર્થમાં તે ઘણી વિશેષે લાગુ પડાય છે. તમે ત્યાં કોઈ પણ ઑફિસમાં જાઓ – ‘આપની હું શી સેવા કરી શકું?’ એ પ્રથમ પ્રતિભાવ છે. ભારતમાં તમે કોઈ પણ ઑફિસમાં જાઓ – ‘આ માણસ મને હેરાન કરવા આવ્યા છે’ – એ વલણ તમને સર્વત્ર જોવા મળશે. પરદેશી કચેરીમાં કેટલીક મુશ્કેલીઓને લઈને હું ઘણી વાર મેાડા ગયા છું. “સ્વામી આપ મેાડા છે. ‘આપની હું શી સેવા કરી શકું?’ આમ તો એ પૂછે અને તરત જ મારા બધા કાગળો તપાસે અને મને વિમાનમાં બેસાડે. આ અનુભવ મને કેટલી બધી વાર થયો છે! તમે વી. આઈ. પી. નહીં હો તે ભારતમાં તમને આ નહીં જોવા મળે.

ભારતમાં આપણને બે પ્રકારના લાકો જોવા મળે છે: (૧) ઘૂંટણીએ કેમ પડવું તે જાણતા અને પેાતાનું કામ કઢાવતા, અને (૨) અભિમાનપૂર્વક ઊભા રહી બીજાને નમાવવાનું જાણતા. બન્ને પ્રકારના લેાકો માર્ગ ભૂલેલા છે. બન્નેએ માણસાઈ હાંસલ કરી નથી. મનુષ્યમાં રહેલું માનવીય ગૈારવ એમણે સિદ્ધ કરેલું નથી. માનવતાવાદની આ ફિલસૂફીના પ્રકાશમાં એ બન્નેમાં પરિવર્તન આવશે. માનવીને એના વિકાસના સર્વોચ્ચ શિખરે લઈ જતા વ્યવહારુ વેદાંતના સ્પર્શની આપણને અહીં જરૂર છે. પછી, મુક્તિ અને સમાનતાની ભાવના સાથે બીજા માનવીએ વચ્ચે એ માનવી બનીને ઊભા રહે છે. એ મુક્ત છે, એને ગુલામાના જગતમાં નથી રહેવું, પણ મુક્ત માનવીના જગતમાં રહેવું છે. “હું મુક્ત છું, મારે મુક્ત માનવી સાથે વ્યવહાર કરવા છે.” મુક્ત માનવીના જગતમાં મુક્ત રીતે રહેવાનું, આ કેવા સુંદર ખ્યાલ છે! તમે જેને માભેા કહેા છે તેની કક્ષાના ધોરણસરના તફાવતો વગેરે – આ ખૂબ ભયંકર બાબત છે.

મારે ખેદ સાથે કહેવું જોઈએ કે, સ્વાતંત્ર્ય પછી આપણા પેાતાના જ્ઞાતિઓના ચડઊતર ક્રમ ઉપરાંત, આપણે ઘણા વર્ગોની અને પૈસા પ્રમાણેની ચડઊતરની હારમાળાઓ ઊભી કરી છે. આપણને મળેલા બધા સુંદર શિક્ષણને આજે આપણે અવગણ્યું છે અને આપણા જીવનને ભ્રષ્ટ કરવા માટે નવી છલનાએ ઊભી કરી છે. મનુષ્યમાં રહેલી આધ્યાત્મિક દિવ્યતાની ગહન ભાવના ઉપર આધારિત સ્વામી વિવેકાનંદની માનવતાવાદી ફિલસૂફીની જાગૃત અને પ્રયત્નપૂર્વકની સમજણની આજે આપણને તાતી જરૂર છે.

થોડા મહિના પહેલાં, પેકિંગ યુનિવર્સિટીના એક અધ્યાપક તરફથી અમારા અદ્વૈત આશ્રમને એક પત્ર મળ્યો – એ પત્ર સુંદર હતો. એ અધ્યાપકે લખેલું કે “અમારી યુનિવર્સિટીના પુસ્તકાલયમાં એક પુસ્તક મારે હાથ આવી ચડ્યું. મેં એ લીધું. મેં જોયું તો રોમા રોલાંએ લખેલું સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્રનું પુસ્તક એ હતું. મેં એ વાચ્યું. મને એની ઊંડી અસર થઈ અને મને લાગ્યું કે માત્ર ભારતને માટે જ નહીં પરંતુ, ચીનમાં અમારે માટે પણ વિવેકાનંદનો સંદેશ છે. પણ અમે એમને વિશે કંઈ વધારે જાણતા નથી. તો એમનાં પુસ્તકો, એમને વિશેનાં પુસ્તકો અને, ભારતમાં એમનું કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે તે માહિતી પર પ્રકાશ પાડી અમારી પર કૃપા ન કરો?” સામ્યવાદી ચીનમાંથી આવતો કેવો નવાઈ ભર્યો પત્ર! શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના બોધમાં એ દેશના ઊંડા રસનો આ માત્ર આરંભ છે. પ્રત્યેક દેશ માટે સ્વામી વિવેકાનંદને આપવાનો ગહન સંદેશ છે. ૧૯૭૭માં, એ વિષય પર મૉસ્કૉ સ્ટેટ યુનિવર્સિટીમાં હું બોલ્યો ત્યારે, મને પણ તેવો પ્રતિભાવ સાંપડેલો. એક પ્રાધ્યાપકે પ્રશ્નાવલીના સમય દરમ્યાન આમ પૂછ્યું, “સ્વામીજી, વિવેકાનંદના બોધની વાત કરતાં આપે કહ્યું કે માનવીમાં દિવ્ય સ્કૂલિંગ છે. એ સાચું છે? આપ એને વિશે કંઈ વધારે કહી શકો? – કારણ કે એ વિષયમાં મને ખૂબ રસ છે.” મનુષ્યની દિવ્ય પ્રકૃતિ વિશે આ સુંદર બોધ વિશે સમજાવતાં મેં દસ મિનિટ ગાળી.

બહારના હસ્તાંતરણથી તમે મનુષ્યને સુખી કરી શકો નહીં. એને અંતરમાંથી ઊગવાનું, પોતાની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવાનું, પોતાના સાચા વ્યક્તિત્વને પ્રગટ કરવાનું તેને કહેવું જોઈએ. તેથી તો, મનુષ્યના વિકાસ માટે, બીજી બાબતો નશા જેવી છે. માનવતાવાદ વૈશ્વિક ફિલસૂફી છે. પરંતુ આપણે એક બાબત વધારીએ, એક પરિમાણ ઉમેરીએ; કોઈ પાપ, કોઈ સામાજિક દરજજો, કશું જ તેને કલંકિત ન કરી શકે તે દિવ્ય સ્કૂલિંગ પર આધારિત માનવતાવાદ એ છે. માણસની એ પ્રકૃતિ છે. પગલે-પગલે એ વિકસવી જોઈએ. દરેક મનુષ્યમાં રહેલી દિવ્ય શક્તિનો વિકાસ એ જ કેળવણી છે. વેદાંતે આ ફિલસૂફી વિકસાવી છે અને એને નવું નામ પ્રાપ્ત થયું છે. સર જુલિયન હક્સલેએ બીજા સંદર્ભમાં એ નામ આપ્યું હતું. એમને મતે, આજના યુગમાં આપણી પાસે ઘણાં શાસ્ત્રો છે, પરંતુ આપણે એક નવા શાસ્ત્રની જરૂર છે. એમણે એને નામ આપ્યું, “માનવ શક્યતાઓનું શાસ્ત્ર.” પ્રાચીન વેદાંત બિલકુલ “માનવ શક્યતાઓનું શાસ્ત્ર” જ છે. આ શક્યતાઓના વિકાસની રીતિ (ટૅકનિક)નું શાસ્ત્ર હજારો વ્યાસપીઠ પરથી આવી સુંદર ભાષામાં સ્વામી વિવેકાનંદે આપણને સૌને શીખવ્યું છે.

અને મને ખાતરી છે કે, યુવા પેઢી સ્વામીજીના શિક્ષણથી પ્રભાવિત થશે ત્યારે, આ દેશમાં સાચી ક્રાંતિ થશે. ક્રાંતિ શબ્દના અર્થો ઘણા છે. પરંતુ સાચી ક્રાન્તિ માનસિક વલણોનું પરિવર્તન લાવનારી છે. બાહ્ય પરિવર્તનો ઘણાં બધાં આવે પરંતુ આપણાં માનસિક વલણો એ જ રહે – આજે ભારતમાં મને આ દેખાય છે. આપણી પાસે લોકશાહી સરકાર અને માળખું છે પરંતુ, એમાં કામ કરતા લોકોનાં માનસ મોટે ભાગે જમીનદારશાહી છે. ગાડાંખેડૂના મનવાળો ગાડું હાંકનાર ખટારા(ટ્રક)ને ન ચલાવી શકે તેમ આવા મનવાળા લોકો લોકશાહીના યંત્રને કેવી રીતે ચલાવી શકે? એ બની શકે નહીં. તેથી માનસિક વલણમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી, માળખામાં કરેલા ફેરફારનો કાંઈ જ અર્થ સરશે નહીં.

તેથી જ તો વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન તેમ જ એમની માનવતાવાદી ફિલસૂફીની જાણકારી આજે ભારતમાં લોકોને માટે ખૂબ અગત્યનાં છે. એમના સાહિત્યમાં શક્તિ છે. રોમા રોલાં આપણા દેશનાં નહીં પરંતુ ફ્રાન્સવાસી – આ સાહિત્યથી આકર્ષાયા અને એમણે પોતાનો પ્રતિભાવ આપ્યો; પોતાની લાગણીઓને અદ્‌ભુત ભાષામાં તેમણે વ્યક્ત કરી છે. એમના શબ્દોનું અવતરણ આપીને હું મારું પ્રવચન પૂરું કરું છું: “એમના (વિવેકાનંદના) શબ્દો મહાન સંગીત છે, બીથોવનની શૈલીના ખંડો, હૅન્ડૅલના વૃંદગાનની કૂચના દિલ હલાવતા તાલ છે,” (ધ લાઈફ ઑફ વિવેકાનંદ ઍન્ડ ધ યુનિવર્સલ ગૉસ્પેલ’, માયાવતી, ૧૯૭૦ પૃ. ૧૪૬) હૅન્ડૅલ અને બીથોવન બન્ને જર્મન સંગીત રચિયતાઓ હતા. બીથોવનના મહાન પ્રશંસક રોમા રોલાંએ એને વિશે પુસ્તક લખ્યું છે. બીથોવન અને હૅન્ડૅલના મહાન સંગીતની સાથે વિવેકાનંદના શબ્દોની તુલના કર્યા પછી રોમા રોલાં આગળ લખે છે: “વિજળીના ઝાટકા જેવી એક ઝણઝણાટી મારા અંગે અંગમાં અનુભવ્યા સિવાય, ત્રીસ વર્ષોના અંતરે પુસ્તકોનાં પાનાંઓમાં વેરવિખેર પથરાયેલાં આ કથનોને હું સ્પર્શી શકતો નથી. અને એ મહાવીરના મુખમાંથી એ ધગધગતા શબ્દો બહાર પડ્યા હશે ત્યારે એમણે કેવા આંચકાઓ અને કેવી સમાધિઓ ઉત્પન્ન કર્યાં હશે! વિવેકાનંદ સાહિત્ય આ કરી શકે છે અને હું દૃઢપણે માનું છું કે આ પ્રજાને વિવેકાનંદ સાહિત્યનો આંચકો આપવામાં આવશે ત્યારે, એનું સંપૂર્ણ પરિવર્તન થશે. એને સ્પર્શ કરો, આધાત અનુભવો – તમે બીજી વ્યક્તિ બની જશો. આ દેશને આજે એની જરૂર છે.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

(શ્રીરામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર (કલકત્તા)માં ૨૩ જુલાઈ, ૧૯૮૧ને દિવસે, એ ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ મંત્રી સ્વામી રંગનાથાનંદજીએ આપેલું વ્યાખ્યાન)

Total Views: 227

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.