ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભારતની પુણ્યભૂમિમાં આવેલાં પાંચ મુખ્ય સરોવરોનો મહિમા વર્ણવ્યો છે. પહેલું તો ઉત્તર દિશાએ કૈલાસ પર્વતમાં આવેલું માનસરોવ૨ છે, બીજું દક્ષિણ દિશાનું પંપાસરોવ૨, ત્રીજું પૂર્વ દિશામાં ભુવનેશ્વરસ્થિત બિન્દુસરોવર, ચોથું પશ્ચિમ દિશામાં આવેલું નારાયણસરોવર અને પાચમું ભારતના મધ્યમાં આવેલું પુષ્કરસરોવર. આ પાંચ સરોવરોએ જાણે કે ભારતને સાંસ્કૃતિક સાંકળે બાંધી દીધું છે. ભારતની સાંસ્કૃતિક એકતાને સુદૃઢ ક૨વા માટે જ કદાચ ધર્મશાસ્ત્રકારોએ આવું સરોવરીય સીમાંકન કર્યું હશે.

આ સરોવરની સીમારેખાની કલ્પના કે વ્યવસ્થા ઐતિહાસિક દૃષ્ટિએ અપેક્ષાકૃત થોડી મોડી થઈ હશે એમ લાગે છે કારણ કે સૌરાષ્ટ્રનાં ગિરનાર, પ્રભાસ, દ્વારકા વગેરે સ્થાનો જેટલાં પ્રાચીન છે તેટલું કચ્છમાં આવેલું નારાયણસરોવર પ્રાચીન નથી અને એટલું જગવિખ્યાત પણ નથી. તેમ છતાં એ છેક આધુનિક પણ નથી. વળી અન્ય સરોવરો જે ગણાવ્યાં છે તેની પ્રાચીનતા પણ નારાયણસરોવ૨ કરતાં વધારે લાગે છે. આ નારાયણસરોવર વિશે થોડું વધુ ઐતિહાસિક તથ્ય જાણીએ-વિચારીએ.

કચ્છ પ્રદેશમાં આવેલાં તીર્થસ્થાનોમાં બે જ મુખ્ય સ્થાનો ગણાવી શકાય: એક નારાયણસર કે નારાયણસરોવર અને બીજું કોટેશ્વર. આ બન્નેને કશોક સંબંધ પણ છે. અને નારાયણસરોવરના તીર્થપણાના વિકાસમાં કોટેશ્વરના કાનફૂટ્ટા બાવાઓનો ફાળો છે.

કચ્છની વાયવ્યે, કોટેશ્વરની દક્ષિણ દિશાએ આવેલા આ નારાયણસરોવરનો જૂનામાં જૂનો ઉલ્લેખ શ્રીમદ્ભાગવતમાં મળે છે. અને શ્રીમદ્ભાગવતને વિદ્વાનો નવમા શતકમાં રચાયેલું પુરાણ માને છે. આ નવમા શતક પહેંલાં રચાયેલાં પુરાણો કે પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય નારાયણ સરોવરનો ઉલ્લેખ નથી. જોકે એ સંદર્ભમાં શ્રીમદ્ભાગવતના છઠ્ઠા સ્કંધના પાંચમા અધ્યાયમાં આપેલી દક્ષ પ્રજાપતિના હર્યશ્વ નામના દસ હજાર પુત્રોવાળી કથા તો શ્રીમદ્ભાગવતની પહેલાં રચાયેલ વાયુપુરાણ અને વિષ્ણુપુરાણ જેવાં પુરાણોમાં છે તો ખરી, પણ એમાં કયાંય ‘નારાયણસરોવર’નું નામ આવતું નથી. પણ શ્રીમદ્ભાગવત પછી રચાયેલ બ્રહ્મવૈવર્તપુરાણમાં નારાયણસરોવરનો ઉલ્લેખ છે. એ ઉ૫૨થી આપણે એવું તારણ કાઢી શકીએ કે આ નારાયણસરોવર નવમા સૈકાની પહેલાંથી જ-લગભગ આઠમા સૈકાથી તીર્થ તરીકે જાણીતું થયેલું હોવું જોઈએ. આથી વધારે કશો જ પુરાવો નારાયણસરોવરનો સમય કરવા માટે આપણને મળી શકે તેમ નથી.

શ્રીમદ્ભાગવતની કથા આવું કહે છે: દક્ષ પ્રજાપતિએ હર્યશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને પ્રજોત્પત્તિ કરવા આદેશ આપ્યો. પણ એ આદેશ અવગણીને હર્યશ્વો પશ્ચિમ દિશામાં ચાલ્યા ગયા. (શ્રીમદ્ભાગવત, ૬/૫/૧-૨) પશ્ચિમ દિશામાં નારાયણસર નામનું એક તીર્થ છે, ત્યાં સિન્ધુ અને સાગરનો સંગમ થાય છે. એ તીર્થ સિદ્ધો અને મુનિઓએ સેવેલું છે. હર્યશ્વોએ ત્યાં તપ કર્યું. (શ્રીમદ્ભાગવત, ૬/૫/૩-૫)

શ્રીમદ્ભાગવતે કરેલું નારાયણસરોવરનું વર્ણન, અત્યારના જ ભૂજથી ૮૧ માઈલ છેટે, રણમાં કોરીના મુખ આગળ આવેલા નારાયણસરોવરનું જ વર્ણન છે. એમાં તો કશો શક નથી પણ પ્રશ્ન એ થાય છે કે શ્રીમદ્ભાગવતમાં, “સિન્ધુસમુદ્રયોઃ સંગમો યત્ર—” એટલે કે એ સ્થળે સિન્ધુ નદી અને સાગરનો સંગમ થાય છે એવું લખ્યું છે, જ્યારે આજના નારાયણસરોવરના સ્થળે તો સિન્ધુ અને સાગરનો સંગમ જોવા મળતો નથી, તેનું કેમ?

ભૌગોલિક ફેરફારો આ પ્રશ્નનો ઉત્તર આપે છે. એ ફેરફારો જણાવે છે કે સિન્ધુનદીનાં મુખો દિવસે દિવસે પશ્ચિમ દિશા તરફ ખસતાં રહ્યાં છે. શ્રીમદ્ભાગવત રચનાના સમયે સિન્ધુનું એક મુખ્ય મુખ કચ્છની કોર નાળમાં – કોરી નદીમાં – હતું. ઈ.પૂર્વ ૩૨૫માં સિકંદરે એ પૂર્વ મુખનું નિરીક્ષણ-પરીક્ષણ કર્યું. ત્યારે ત્યાં ‘ક્ષીરસાગર’ કાંઠે આવેલા મીઠા મહેરામણ જેવા આ મહાસરોવ૨ને તીરે આવ્યાનો ઉલ્લેખ તેણે પોતાની પ્રવાસ નોંધમાં કર્યો છે.

આ રીતે આશરે હજારેક વર્ષ પહેલાં સિન્ધુનદીનું વહેણ ધીરેધીરે પશ્ચિમ તરફ વધારે ને વધારે વળી ગયું હશે, ત્યારે એની અસર આ સરોવરને પણ થઈ હશે, એ ક્ષીણ થતું ચાલ્યું હશે અને પછી છેવટે બગડતાં બગડતાં આજની અવસ્થામાં આવી પડ્યું હશે. આજે તો એ કેવળ સ્થાનિક નાળાંઓથી ભરાતું રહેતું નાનકડા તળાવ જેવું સ્મરણાવશેષ જ રહી ગયેલું જોવા મળે છે.

ભાગવતના ઉલ્લેખ પછી ઘણાં વરસો સુધી આ નારાયણસરોવરનો ઇતિહાસ અંધારામાં રહ્યો પણ પંદર- સોળમી સદીથી એના ઇતિહાસનાં પાનાં લખાવાં શરૂ થયાં છે. નારાયણસરોવરની ઉત્તરે આવેલ કોટેશ્વરમાં કાનફૂટ્ટા બાવાઓનું-નાથપંથી સાધુઓનું ભારે જોર હતું અને આ નારાયણસર પણ એમના જ હાથમાં હતું. પણ ગિરનારથી નારણગર નામના એક અતીત સાધુએ કાનફૂટાઓ પાસેથી એ લઈ લીધું અને નારાયણસરનો પુનરુદ્ધાર કર્યો.

આ નારણગરે જ નારાયણસરોવરનાં પાકાં પગથિયાં બંધાવ્યાં, પાકી પાળ બાંધી, વચ્ચે વચ્ચે ઘાટ બંધાવ્યા, પાસે એક ધર્મશાળા બંધાવી, બ્રહ્મપુરી ચણાવી અને આ રીતે નારાયણસરોવરનો ભાગવતવર્ણિત મહિમા ફરીથી જીવંત કરી દીધો.

નારાયણસરોવ૨ના વિકાસમાં બીજો સૌથી અગત્યનો ફાળો આપનાર કચ્છના રાવ દેશળજીનાં રાણી મહાકુંવર (ઈ.સ.૧૭૧૮થી ૧૭૪૧) હતાં. આ વાધેલી રાણી વિ.સં. ૧૭૯૦ની સાલમાં શ્રદ્ધાપૂર્વક દ્વારકાની યાત્રાએ ગયાં હતાં. ત્યાંના પંડાઓની કનડગત અને મેંણાંટોણાંથી ત્રાસેલી રાણીએ દ્વારકાધીશ પાસેથી પ્રેરણા મેળવીને દ્વારકાધામ અન્ય સ્થળે ખડું કરવાની પ્રતિજ્ઞા લીધી. એ માટે એને નારાયણસરની પવિત્ર ભૂમિ જ પસંદ પડી. આધ્યાત્મિક તરંગો અહીં ઊછળતા માલૂમ પડ્યા. અભિનવ દ્વારકાધામ નિર્માણ થઈ શકે એવું સ્થાન નારાયણસરોવર વગર બીજું તે ક્યું હોય? રાણીનો પુત્ર રા’ લખપત પણ કચ્છના એક સંવેદનશીલ અને રંગીલા કવિ અને કલાપ્રેમી હતા. અને દીવાન દેવકરણ શેઠ પણ સાનુકૂળ હતા. એટલે રાણીએ નારાયણસરોવ૨નો ભારે વિકાસ કર્યો.

પુરાણોના કહેવા પ્રમાણે આ નારાયણસરોવરને તીરે વિષ્ણુના આદિનારાયણના સ્વરૂપની અનાદિકાળથી આરાધના થતી હતી જે આદિનારાયણનું મંદિર કોટેશ્વરના કાનફૂટ્ટા નાથસાધુઓના હાથમાં આવ્યું તે આ રાણીએ ફરીથી બંધાવ્યું. આ ઉપરાંત એણે નારાયણસરોવરની પાળ ઊંચી કરાવી, ત્રિકમરાય, ગોવર્ધનનાથ, દ્વારકાનાથ, રણછોડરાય અને લક્ષ્મીજીનાં મંદિરો પણ ચણાવ્યાં અને પાછળથી વિ. સં. ૧૮૮૫માં એ જ કોટમાં કલ્યાણરાયનું મંદિર પણ બંધાવ્યું.

સિંધુ નદીના એક ફાંટારૂપ કોરી નદીના મુખ પર આવેલ નારાયણસર ઉપરથી પાસે વસેલ ગામનું નામ પણ નારાયણસર જ છે. ગામ પાસે નારાયણસર તળાવ છે. આ નારાયણસર ગામની મધ્યમાં જ એક કતારમાં ગોઠવાયેલાં સાત મંદિરો આવેલાં છે. એ દેખાવ મનોહર અને ભવ્ય છે. આ મંદિરોને ફરતો કોટ બાંધેલો છે અને આ કોટની આસપાસ ગામ લોકોનાં ઘરો આવેલાં છે. નારાયણસરોવર પાસે પ્રાચીનકાળમાં આવેલ નાથબાવાઓના કબજાવાળા આદિનારાયણના મંદિરની નિશાની નથી, પણ વાઘેલી રાણીએ બંધાવેલું આદિનારાયણનું ત્યાર પછીનું નવું મંદિર અત્યારે છે.

આ મંદિરોના નિભાવ માટે જૂના કચ્છ રાજ્યે જમીનો ગામો વગેરે કાઢી આપ્યાં છે. અત્યારે પણ એ જાગીરની આવક દ્વારા મંદિરોનું જતન થાય છે. એ જાગીરનો વહીવટ બ્રહ્મચારી સંભાળે છે. કચ્છની મુખ્ય ભૂમિ અને નારાયણસરોવરની ધરતી વચ્ચેના ખારા-પાટમાં આવેલ ચીકણો ભૂમિભાગ ઓળંગવા માટે પાતશા શેઠ ગોકળદાસ લીલાધરે લગભગ વિ.સં. ૧૯૧૯માં ઘણો ખર્ચ કરીને અહીં એક ઊંચો પથરાળ માર્ગ બનાવેલો.

આ મંદિરો બન્યા પછી નારાયણસરોવરનું માહાત્મ્ય દિનપ્રતિદિન વધતું જ રહ્યું છે અને એ સ્થળે ઉત્તરોત્તર નવાં નવાં મંદિરો બનતાં રહ્યાં છે. કલ્યાણરાય, મહાપ્રભુજી, ભવેશ્વર, રામનાથ અને રામચંદ્રનાં મંદિરો પણ બંધાયાં તેમજ પુરાણી મહત્તાનાં સ્મરણો સાચવતાં રામગુફા, લક્ષ્મણગુફા, શેષગુફા, સનત્કુમારનું આસ્થાન, સીતાવાડી, રામકૂવો વગેરે ધર્મસ્થાનકો પવિત્ર પર્યાવરણ ફેલાવતાં દેશપરદેશના શ્રદ્ધાળુઓને પોતાના તરફ ખેંચતાં ખડાં છે.

કારતક માસની પૂનમે દર વરસે અહીં નારાયણસ૨ના શણગાર પ્રસંગે મોટો યાત્રા-મેળો – ભરાય છે. અને ત્યારે કચ્છ, સિંધ, સૌરાષ્ટ્ર, મારવાડ, પંજાબ, મધ્યભારત, ગુજરાત વગેરેના હજારો યાત્રીઓ ઉમટી પડે છે અને નારાયણસરમાં સ્નાન કરી પાવન બને છે. સિંધી-હિન્દુ શ્રદ્ધાળુઓ નારાયણસર પહોંચી જાય છે અને ભગવાન સાથે તાદાત્મ્ય સાધે છે અને “હે ત્રિકમા! હે ત્રિકમા”ના વિહ્વળ પોકારો પાડી, પ્રેમમાં પાગલ બનીને પ્રભુ નામના ઉદ્ઘોષથી વાતાવરણને ભરી દે છે. તો વળી મારવાડી યાત્રીઓ નારાયણસરની યાત્રાની છાપ મેળવ્યા વગરના જીવતરને વ્યર્થ ગણે છે. કેટકેટલી કઠિનાઈઓ વેઠીને ઠેઠ મારવાડથી નારાયણસરની યાત્રા કરવાને તેઓ જિંદગીનો અમૂલ્ય લહાવો ગણે છે. તેમને મન આ યાત્રા જીવનની કૃતાર્થતા છે.

ભારતના અનેક વલ્લભ આદિ આચાર્યો, સાધુ-સંતોએ પોતાનાં પુનિત પગલાં આ તીર્થસ્થાનમાં પાડ્યાં છે. પોતાની પરિવ્રજ્યા દરમિયાન સ્વામી વિવેકાનંદે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી અને હજુએ અનેક સંતો, મહંતો, અધ્યાત્મવીરો અહીંની યાત્રા અવશ્ય કરતા રહે છે. કેટલાક તો આ ભૂમિમાં જ જીવવું અને અહીં મરવું એવો નિશ્ચય કરીને અહીં પલાંઠી વાળીને જીવનપર્યંત રહેનારા પણ નજરે પડે છે!

આ સ્થળની અતિ પ્રાચીનતા દર્શાવતી એક કિંવદન્તી પણ આ તીર્થસ્થળની મહત્તા વધારવા માટે જોડી કઢાઈ છે. આ કથા કહે છે કે જ્યારે જલપ્રલય થયો ત્યારે ધરતીના મહામૂલા પદાર્થો જળમાં ગરક થઈ નાશ પામ્યા. આ પદાર્થોની શોધ કરવા માટે ભગવાન નારાયણે કાચબાનું રૂપ ધારણ કર્યું અને આમ કચ્છપાવતાર ધારણ કરીને ભગવાન ક્ષીરસાગરમાં વસ્યા. પછી પોતાની પીઠ પર મંદરાચલ પર્વતનો રવૈયો કરીને સમુદ્રમંથન થયું અને સાગરમાંથી એ મહામૂલાં ચૌદ રત્નો મેળવ્યાં. એવું લાગે છે કે એ કાળમાં કદાચ કચ્છના આ સાગરકાંઠેથી સમુદ્રખેડ થઈ હશે અને એ ઘટનાને આ પૌરાણિક રૂપક દ્વારા કાવ્યાત્મક રીતે રજૂ કરવાનો આ પ્રયાસ હશે.

ઐતિહાસિક ઉપકરણોને અભાવે નારાયણસરની સળંગ હકીકત આપણને ભલે સાંપડતી ન હોય, છતાં ખંડિત અવસ્થામાં પણ એ હકીકત જેટલી સાંપડે છે તેટલી પણ આ ભૂમિનું તીર્થત્વ અને પાવિત્ર્ય અવશ્ય પુરવાર કરે છે અને ઇતિહાસનાં અંધારાં ઉલેચવાની પ્રેરણા આપે છે.

કચ્છના પશ્ચિમ તરફના છેડે કોરી નદીના મુખની પાસે જ્યારે સાગરની ભરતી ચડે છે, ત્યારે રેતી અને પથ્થરોની એક કરાર થઈ જાય છે અને જાણે કે એક ટાપુ બની જાય છે. આવી ટાપુરૂપ બનેલી ધરતી પર નારાયણસરોવર જાણે કે ધર્મધ્વજા હોય તેમ ખડું છે. એ વખતનો એનો દેખાવ ખૂબ જ મનોહર લાગે છે, અને ત્યારે એ નિહાળનારના મનમાં એવી લાગણી થયા વગર રહેતી જ નથી કે આ ધરતી ખરેખર પરાપૂર્વથી અનેકાનેક ઋષિઓ, મુનિઓ, સિદ્ધો, પ્રચેતાઓ વગેરેની તપશ્ચર્યાથી પવિત્ર બની છે, ભાગવતકાર એની સાખ પૂરે છે. નિર્મલતા અને પવિત્રતાનું પરમધામ આ નારાયણસરોવ૨ ભક્તજનોના હૃદયને ખેંચતું રહ્યું છે અને ખેંચતું રહેશે જ એમાં શક નથી.

સંદર્ભગ્રંથો:

(૧) કચ્છનું સંસ્કૃતિદર્શન- શ્રી રામસિંહજી રાઠોડ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ

(૨) ગુજરાતનાં તીર્થસ્થાનો- શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી

પ્રકાશક: સંસ્કૃત સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ.

(૩) ‘પુરાતત્ત્વ’ (પાંચમા વરસની ફાઇલ)

(૪) સ્વામી વિવેકાનંદ – જીવનચરિત્ર

પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

(૫) ગુજરાતદર્શન

પ્રકાશક: ગુજરાત સરકારનું માહિતી પ્રકાશનખાતું

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.