સંવત્સરી પર્વ પ્રસંગે

ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે,
મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ.

(હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી.)

ક્ષમાના બોલથી અને પ્રેમના ચક્ષુથી સંસારને સંબોધવાની અને જોવાની શીખ આપનાર પર્વાધિરાજ પર્યુષણ છે.

સાધનાના સાત દિવસ પૂરા થયા પછી ઊગે છે સિદ્ધિનો સંવત્સરીદિન.

આત્મશુદ્ધિ અને આરાધનાના સાત દિવસનો સરવાળો ક્ષમાયાચનામાં છે. આકાશના મેઘથી આચ્છાદિત હૈયું જળ વરસાવી સ્વચ્છ બન્યું હોય- રંગરાગનાં ઇન્દ્રધનુ હવે એમાં રહ્યાં ન હોય એવી રીતે સાત-સાત દિવસ તપ, દાન, સ્વાધ્યાય અને પ્રતિક્રમણની પવિત્ર ધારામાં આકંઠ સ્નાન અને આકંઠ પાન કરનારા ઉપાસકોનાં હૃદય વાદળવિહોણા આકાશ જેવાં સ્વચ્છ બન્યાં છે. કામ, ક્રોધ, મદ અને માનનાં ઇન્દ્રધનુ હવે એમની રંગલીલા પ્રસારી આડાં પડ્યાં નથી. નદીઓમાં નવાં જળ આવે અને કાદવ-કીચડ ધોવાઈ જાય તેમ સંવત્સરીદિનના પ્રતિક્રમણ વખતે જીવનમાં અહિંસા, અનેકાન્ત અને અપરિગ્રહની ભાવનાનાં પૂર વધશે તેમ જ ક્ષમાપનાનાં જળ હિલોળે ચડશે.

કેટલાક લોકો કિનારે વસે છે. તેઓ માત્ર સપાટી પરનાં કોડી અને શંખલાં જ મેળવે છે. જળમાં ડૂબકી મારવાની એમને ઇચ્છા કે સાહસ હોતાં નથી. જેઓ પશ્ચાતાપનાં જળમાં કે ઉદારતાનાં વારિમાં ડૂબી ખાતાં નથી, એમાં આકંઠ સ્નાન કરીને શુચિતા પ્રાપ્ત કરતાં નથી એમની સઘળી આરાધના વ્યર્થ જાય છે.

જેઓ ક્ષમે છે, ક્ષમાવે છે, જેઓ ખમે છે, ખમાવે છે તેઓની આરાધના છે. તેઓની ક્ષમાપના છે. આજે ઘે૨-ઘેર, કુટુંબે-કુટુંબે ભડભડતો અગ્નિ પ્રજ્વળે છે. ક્યાંક મન ઊંચાં થયાં છે તો ક્યાંક દિલ રૂઠ્યાં છે. ક્યાંક દ્વેષનો ડંખ સતાવે છે તો ક્યાંક વેરની આગ પ્રજ્વળે છે. શું જીવનભર એ અગ્નિમાં બળતા અને સળગતા રહેવું છે કે શીતલ ક્ષમાપનાના જળમાં સ્નાન કરવું છે?

આજે એનો નિર્ણય લેવાનો છે. અને તો જ પર્વની આરાધના કરી પ્રમાણ છે. ભગવાન મહાવીરે એક કોડી માટે નવસો નવ્વાણું રૂપિયા ખોના૨નું માર્મિક દૃષ્ટાંત આપ્યું છે. ‘એક માણસ કમાવા માટે પરદેશ ગયો. ખૂબ મહેનત કરીને એ હજાર રૂપિયા કમાયો. એ હવે સારા સથવારા સાથે ઘે૨ આવવા નીકળ્યો. એક હજાર રૂપિયામાંથી એક રૂપિયો જુદો રાખ્યો, ને ૯૯૯ વાંસળીમાં નાખી કેડે બાંધ્યા.

એક રૂપિયાની એણે કોડીઓ લીધી. અને નક્કી કર્યું કે આ સો કોડીમાં પ્રવાસખર્ચ પતાવવો. ધીરે ધીરે એણે ઘણો રસ્તો કાપી નાખ્યો. હવે ગામ થોડેક દૂર રહેતાં, એ એક ઠેકાણે ખાવા બેઠો. ત્યાં પોતાની પાસેની એક કોડી ભૂલી ગયો. એ આગળ વધ્યો. માર્ગમાં તેને યાદ આવ્યું કે તે એક કોડી પાછળ ભૂલતો આવ્યો છે; ને હવે એક કોડી માટે વળી નવો રૂપિયો વટાવવો પડશે.

પણ કેડે ૯૯૯ રૂપિયાનું જોખમ હતું. એ લઈને એકલા પાછા ફરવું ઠીક નહોતું, એણે એક ઠેકાણે ખાડો ખોદી રૂપિયા દાટ્યા ને કોડી લેવા પાછો ફર્યો.

જે સ્થળે વિસામો લીધો હતો ત્યાં તપાસ કરી. જ્યાં ભાથું ખાધું હતું તે જગ્યા ફંફોળી. જ્યાં પાણી પીધું હતું ત્યાં કાદવમાં હાથ નાખીને કોડી શોધી. પરંતુ ક્યાંય કોડી ન જડી. દોડતો પાછો પોતાના સ્થળે આવ્યો તો ત્યાં દાટેલા રૂપિયા કોઈ કાઢી ગયું હતું.

એની તો કોડીયે ગઈ અને નવસો નવ્વાણું રૂપિયા પણ ગયા. ભગવાન મહાવીરે કહ્યું કે જેમ પેલા માણસે કેાડી માટે નવસો નવ્વાણું ખોયા એમ માણસ પોતાની વૃત્તિઓ ખાતર લાખેણા આત્માને ખોઈ નાખે છે, કોડી જેવા દેહ માટે આત્માની અમીરાઈ ગુમાવે છે.

સંવત્સરીનો મર્મ

પર્યુષણપર્વની આરાધનાના દિવસોમાં આત્માને ખોજવાની જરૂર છે. કોડી જેવો દેહ અને તેમાં રહેલાં મદ, માન, મોહને ભલે ખોઈ નાખીએ પણ લાખેણા આત્માને શોધીએ. આમેય પર્યુષણ એ આત્માની નજીક જવાનું, આત્માને શોધવાનું પર્વ છે. ક્ષમાપન એનો સર્વશ્રેષ્ઠ મૂળ મંત્ર છે. વે૨ના અંધકારમાં, દ્વેષના દાવાનળમાં, બદલાની બૂરી ભાવનામાં વિહરતા જીવને માટે આજે આત્મીય પ્રેમને કાજે પ્રાયશ્ચિત્તનું પર્વ ઊગ્યું છે. દીપાવલીના પર્વે નફાતોટાનો હિસાબ કરવામાં આવે. સંવત્સરીપર્વનો અર્થ છે વાર્ષિક પર્વ. આ દિવસે વર્ષભરનાં સારાં-નરસાં કાર્યોનું સરવૈયું કાઢીને ખોટાં કાર્યોમાંથી મુક્તિ મેળવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન ક૨વો જોઈએ. આપણાં આગમ શાસ્ત્રોમાં ત્રણ વેપારીનું એક દૃષ્ટાંત આવે છે. આમાં ત્રણ વેપારીઓ સરખી મૂડી લઈને વેપાર કરવા નીકળ્યા હતા. દેશ દેશાવરમાં ઘૂમીને ઘણા દિવસે સહુ પાછા ફર્યાં. પહેલો વેપારી મૂળ મૂડીને બમણી કરીને પાછો આવ્યો. બીજો ભાવની મંદીમાં ફસાયો છતાં મૂળ મૂડી સાચવીને પાછો આવ્યો. ત્રીજો વેપારી તો નુકસાનીમાં ડૂબી ગયો. કમાણીની વાત તો દૂર રહી પણ મૂળગી રકમ જ ખોઈને આવ્યો.

આ ત્રણ વેપારી જેવા સંસારના તમામ જીવો છે. પહેલા પ્રકારના જીવો મનુષ્યરૂપી મૂળ મૂડીને જાળવે છે ને ઉપરાંત પૂજ્યતાને પામે છે. મનુષ્યજીવનમાં સદાચાર, શીલ ને વ્રત પાળી મુક્ત બને છે.

બીજા પ્રકા૨ના જીવો મુક્ત નથી બનતા, પણ મનુષ્યત્વ જાળવી રાખે છે, સાદા આચારો એ પાળે છે.

ત્રીજા પ્રકારના જીવો તો મનુષ્યત્વ પણ ખોઈ નાખે છે ને અનાચારી ને દુરાચારી બની નરકના ભાગી બને છે.

દોષદર્શન અને આંતરખોજ

આજના દિવસે આપણે જાતને ખોળવાની છે. ભૂલ કોનાથી નથી થતી? માણસ માત્ર ભૂલને પાત્ર ગણાય છે. આવી ભૂલ કોઈ વાર આપમેળે થાય છે, કોઈ વાર કર્મબળે થાય છે, કોઈ વાર ગે૨સમજથી થાય છે. આપણે ઇચ્છીએ કે ન ઈચ્છીએ તો ય જીવનના વ્યવહારમાં કલેશ અને કંકાસ થાય છે. આ બધી ભૂલો કર્મની પાટી પર જરૂર અંકિત થશે. પણ એ વજ્રલેપ બને તે પહેલાં એ પાટીને કોરી કરવાનો પ્રયત્ન તે ક્ષમાપના છે. ભગવાન મહાવીરે એમના પૂર્વભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે શૈય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડ્યું હતું. યુગો વીતી ગયા પછી ભગવાન મહાવી૨ની સાધનાનું બારમું વર્ષ ચાલતું હતું ત્યારે પૂર્વ ભવનો શૈય્યાપાલક ગોવાળ તરીકે આવે છે. ભગવાન મહાવીરના બંને કાનમાં શૂળ ખોસી દે છે. આ ઘટના બતાવે છે કે વેરનું ઝેર સમયસર ઉતારવામાં ન આવે તો કેવું દારૂણ પરિણામ આવે? સંવત્સરીપર્વની સાચી સિદ્ધિ દોષ-દર્શનમાં છે. ડગલે ને પગલે વેરાયેલા રાગ-દ્વેષના પંક પાર કરી જવામાં છે. ભૂલો પ્રત્યેની જાગૃતિમાં છે. જો માનવી સમયસર પોતાની ભૂલો અને ભોગો પ્રત્યે જાગૃત ન થાય તો એની ઘણી ખરાબ દશા થાય છે. એ અસત્યવાદી, વ્યસની, આસક્ત અને હિંસક બની જાય છે. આવા અજ્ઞાની મનુષ્યની દશા વિશે ‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે:

નિચ્ચુવ્વિગ્ગો જહા તેણો, અત કમ્ભ ભમ્મેહિ।
તારિસો મરણેડતે વિ નાડડરાહેઇ સંવરં।।૧૧।।

(દશ. અ.પ્રઉ. ૨. ગા. ૩૯)

(જેવી રીતે રોજ ભયભીત રહેતો ચો૨ પોતાનાં કુકર્મો વડે દુઃખી થાય છે, તેવી જ રીતે અજ્ઞાની મનુષ્ય પોતાનાં કુકર્મોને લીધે દુઃખી થાય છે અને અંતકાલ પાસે આવતાં છતાંય તે સંયમની આરાધના કરી શકતો નથી.)

એક એંશી વર્ષનાં માજી મરણપથારીએ હતાં. જીવનના આખરી શ્વાસ લેતાં હતાં. કોઈએ એમને કહ્યું કે માજી, હવે બધાંને ખમાવો. ત્યારે માજીએ કહ્યું, કે હું બધાંને ખમાવું છું પણ વચેટ દીકરાને ખમાવતી નથી, કારણ કે એ નખ્ખોદિયાનું મારે મોં જોવું નથી. આમ એંશી વર્ષે પણ, અને જિંદગીના આખરી શ્વાસે ય માનવીના મનમાંથી ખોદિયો-નખ્ખોદિયો જતા નથી. છેલ્લે જ્યારે નવકાર સંભળાવતા હોય ત્યારે પણ માણસ જીવનનાં વેરઝેર અને બદલાની ગાંઠ વધુ ને વધુ મજબૂત બાંધતો હોય છે.

આમ પર્યુષણના આ દિવસો એ આંતરખોજના દિવસો છે. માનવી સતત બહાર ભ્રમણ કરતો રહે છે. બહારની દુનિયા જોવી પણ સરળ હોય છે. એને માટે નજર હોય તો ચાલે, દૃષ્ટિની જરૂર નથી. આપણી ઈંદ્રિયોનું મુખ પણ બાહ્યજગત ભણી વિશેષ રહેતું હોય છે. પરંતુ પર્યુષણના દિવસો એ આત્મનિરીક્ષણના દિવસો છે. વ્યવહારમાં અનેક જીવોને દુભવવાનું બને છે. એમની તરફ અન્યાય, અનાદર કે અપરાધ થઈ જાય છે. વેર, વિરોધ કે વૈમનસ્ય જન્મે છે. આ બધાંનો વિચાર કરીને એ ભૂલભરેલા માર્ગેથી પાછા વળવાની વાત છે, તેમની ક્ષમા માગવી, એમની સાથેનો વે૨ અને વિરોધ ત્યજી દેવો. એટલું જ નહીં પણ એમની સાથે મૈત્રીભાવ કેળવવો એ ક્ષમાપનાનો હેતુ છે.

ક્ષમાપનાના મંત્રમાં ક્ષમા માગવી અને આપવી એમ બંને ભાવો સમાયેલા છે. કોઈની ક્ષમા માગતા પહેલાં માણસને અહંકારના શિખર પરથી નીચે ઊતરવું પડે છે. જે માગતાં મોટાઈ કે નાનાઈ નડે નહીં એનું નામ જ મિચ્છામિ દુક્કડં.

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.