ભારત છે જ ક્યાં? આ દેશ આત્મવિસ્મૃતિની ઊંડી ખીણમાં અટવાયો છે. અભારતીય જીવનદૃષ્ટિ તથા જીવનશૈલીની જાળમાં ફસાયો છે. પ્રથમ તો આત્મસંસ્કૃતિનો પુરુષાર્થ કરવો પડશે. ભારત રુસ કે ચીન નથી. અમેરિકા કે ઑસ્ટ્રેલિયા નથી. ભારતવર્ષ તો મહર્ષિ સંસ્કૃતિનો વારસદાર દેશ છે. કૃષિ સંસ્કૃતિનો હકદાર દેશ છે.

પદાર્થપરાયણ, ભોગપરાયણ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની વિરોધી જીવનશૈલી ગણાય. તે શૈલીની ઘેલછામાં ઉતાવળા થઈને વિશ્વ સાથે આર્થિક તુલનામાં ઉતરવું મોટો અવિવેક ગણાય.

“અર્થમ્ અનર્થમ્ ભાવય નિત્યમ્” અર્થ જે દિવસે જીવનનું પરમ સાધ્ય બનશે તે દિવસે માનસિક વિકૃતિઓની અનર્થ પરંપરા સર્જાશે. વિદ્યમાન ભારતીય શિક્ષણ મનુષ્યને ધનપરાયણ, ઉપભોગપરાયણ બનાવે છે. ઈર્ષ્યાળુ અને સ્પર્ધાખોર થવા પ્રેરે છે. તેમાંથી નારીનું શું નવજાગરણ થવાનું છે? નારી પણ નર પ્રમાણે “અભારતીય” સ્વકેન્દ્રિત વ્યક્તિ બનશે.

અગત્યની વાત તો એ છે કે સ૨કા૨ ભારતીય સંસ્કૃતિનું અધ્યયન – મનન કરેલા, તેમાં શ્રદ્ધા ધરાવનારા, તેના સમર્થકો, શિક્ષાવિદો અને ધર્મપુરુષોને નિયંત્રિત કરે. તેની શિક્ષાપરિષદમાં સમૂળી શિક્ષણ ક્રાન્તિ પરત્વે સાંગોપાંગ સહચિન્તન થાય અને શિક્ષણ પદ્ધતિમાં આમૂલાગ્ર ફેરફાર લાવવામાં આવે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે મનુષ્યમાં નિહિત ભાગવતી સત્તાને પ્રગટ કરવાનું વિજ્ઞાન અને કળા શિખવાડે તેને શિક્ષણ કહેવાય. વૈયક્તિક અને સામાજિક ચારિત્ર્યને પરમ સમ્પદા ગણવાનું કૌવત જગાડે તેને શિક્ષણ કહેવાય. મનુષ્યદેહધારી પ્રાણીને સાચા અર્થમાં મનુષ્ય બનાવે તેને શિક્ષણ કહેવાય. “ન માનુષાત્ પરં કિચિત્” એવો માનવી ઊભો કરે – પછી તે નર હોય કે નારી – તેને શિક્ષણ કહેવાય.

આજના વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો જીવનવિષયક માહિતીનો વેપાર કરનારા વેપારીઓના અડ્ડા બન્યા છે. રાજકીય સત્તા માટે ગમે તેવાં સાધનો, માધ્યમો અને પ્રક્રિયાઓ વાપરનારા સત્તાલાલચુ, ભ્રષ્ટાચારી રાજકારણીઓના હાથા બન્યા છે. તેમાં કેટલાક અપવાદ હશે. પણ મોટા ભાગે સરકારી તેમ જ ગેરસ૨કારી શિક્ષણસંસ્થાઓ ભારતીય સંસ્કૃતિ કે જીવનમૂલ્યોના પક્ષધર રહ્યા નથી એ તથ્ય સ્વીકારવું રહ્યું.

નારીત્વ કે નરત્વ દેહનું લિંગ – ચિહ્ન છે. તેનું પોતાનું આગવું સૌન્દર્ય છે. પાવિત્ર્ય છે. માનવીય જીવનમાં તેની ભિન્ન ભિન્ન ભૂમિકા છે. તેમાં શ્રેષ્ઠત્વ કે કનિષ્ટત્વની કલ્પના કરવી સાવ અપ્રસ્તુત છે.

ભારતીય કન્યાઓ માટે એવી કેળવણી હોવી જોઈએ જે તેમના ચિત્તમાં પોતાના માનુષત્વનું જ્ઞાન ને ભાન જગાડે; પોતાના વ્યક્તિત્વનું ગૌરવ તેમના ચિત્તમાં જગાડે. નારી દેહ નરદેહ જેટલો જ પવિત્ર છે, સક્ષમ છે એનું ભાન જગાડે.

એવી કેળવણી મળશે ત્યારે જ નારીનું દેહપરાયણ રૂપનિષ્ઠ અને વ્યક્તિનિષ્ઠ માનસ બદલાશે. પછી તે પોતાને ચિરભોગ્યા માનીને દેહ પાછળ પાગલ નહિ બને. પ્રસાધન પરાયણ નહિ બને.

નારી દેહમાં માતૃત્વની સંભાવના-શક્તિ નિહિત છે. માતૃત્વ ધારણ કરવું એક પરમ પાવન તપસ્યા છે. જે દિવસે શિક્ષિત નારીને પત્નીત્વ કે માતૃત્વ અંગે અણગમો લાગવા માંડશે, તેની શરમ લાગવા માંડશે, તે દિવસે પરિવારનો એકમ ભાંગી પડશે. આજે પણ તેમાં તિરાડો પડી છે.

જ્યાં સુધી શિક્ષણક્ષેત્રે સમૂળી ક્રાન્તિ નહિ થાય ત્યાં સુધી શિક્ષણ સંસ્થાઓમાંથી કાં તો પુરુષાનુગામિની, કાય૨ ને નિર્બળ સ્ત્રી પાંગરશે અથવા તો પુરુષદ્વેષી, ઉદ્દંડ ને આક્રમક નારી નિપજશે. નાગરિક ધર્મને ઓળખનારી, સ્વતંત્ર વ્યક્તિત્વથી મંડિત મહિમામયી મહિલા જાગૃત નહિ થાય. વિશ્વનાગરિક બનાવા કાજે તત્પર વ્યક્તિ જાગૃત નહિ થાય.

આશા રાખીએ કે ભારતની શિક્ષિત નારીઓ નવજાગરણ સાધવા પ્રતિબદ્ધ થશે. રાષ્ટ્રવ્યાપી અભિયાનો ચલાવીને શિક્ષણ ક્ષેત્રે સાંગોપાંગ પરિવર્તન લાવવાનું પરાક્રમ કરશે.

Total Views: 393

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.