આલ્બર્ટ આઈનસ્ટાઈને ૧૯૩૨ના જુલાઈની ૩૦મી તારીખે એક પત્ર લખેલો. કહેવાતા બુદ્ધિમાનો માત્ર છપાયેલા પાન પરથી જ બધી ‘સિન્થેટિક’ માહિતી ભેગી કરે અને એ વાતો પર મરી પડે તે સામે પોતાનો રોષ એમણે પત્રમાં ઠાલવેલો. દુનિયા પર જે કાંઈ જાણવાનું છે તે બધું ‘વાયા પુસ્તક’ જ મળી રહે ખરું? આપણા દેશમાં દર સાત વ્યક્તિએ માંડ બે વ્યક્તિ ભણેલી હોય છે. સ્ત્રીઓની વાત કરીએ તો દર અગિયાર સ્ત્રીએ માંડ બે સ્ત્રી ભણેલી હોય છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ચાળીસ ટકાથી પણ ઓછું છે અને પંચવર્ષીય યોજનાઓ સાથે નિરક્ષર લોકોના ટકા ઘટે છે, પણ વસતિવધારો એવો છે કે નિરક્ષરોની સંખ્યા વધતી જ રહે છે.

મધ્ય પ્રદેશમાં હોશંગાબાદ જિલ્લાના મેલખડી ગામને નર્મદાનું પૂર ઘેરી વળ્યું ત્યારે એક જગ્યાએ દોઢસો જેટલા માણસો સપડાયા. ગામના માછીમારોએ મોટી હોડી આપવાની ના પાડી. ગામની સરસ્વતી નામની એક મત્સ્યકન્યાએ પથારીવશ બાપની હોડી લઈ માણસોને સલામત સ્થળે ખસેડવા માટે અનેક ખેપો કરી. બધા જ બચી ગયા. સરસ્વતી નિરક્ષર હોઈ તેથી એને અશિક્ષિત કહેવી એ શિક્ષણની વિડંબના કરવા જેવું છે. એ ચીલાચાલુ અર્થમાં ભણેલી હોત તો કદાચ આવી હિંમત પણ ન કરત. બે પ્રશ્નો ઊઠે છે: બધા ભણેલા શિક્ષિત હોય જ એવું ખરું? બધા અભણ અશિક્ષિત જ હોય એવું ખરું?

અક્ષરજ્ઞાન એ શિક્ષણનું એક સાધન ખરું પણ તે એકમાત્ર સાધન નથી. ‘શિક્ષણ’ અને ‘અક્ષરજ્ઞાન’ એ પર્યાય શબ્દો પણ નથી. ‘શિક્ષણ એટલે અક્ષરજ્ઞાન’ એવું સમીકરણ આપણા મનમાં એવો તો કબજો જમાવી બેઠું છે કે આપણે એનાથી મુક્ત થઈ શકતા નથી. નારાયણ દેસાઈનો પુત્ર એક વાર બાપને કહેતો હતો કે, એના જમાનામાં લખવાનું ‘આઉટ ઑફ ડેઈટ’ થઈ ગયું હશે. એવું બને કે ભવિષ્યમાં ટાઈપ કરવા માટે માત્ર અક્ષરો ઓળખતાં આવડે એટલું જ પૂરતું બને. બાળકોને આંક પાકા કરાવવા મરી પડનારાં માબાપ તથા શિક્ષકોને ભવિષ્યમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર લખીને અને ગણીને કરવાની જરૂર નહિ રહે એ સમજાવવું મુશ્કેલ બને છે. આજે પણ એશિયાના ઘણા ખરા દેશોમાં બધી દુકાનોમાં ઍબેકસ (મણકા ખસેડીને હિસાબ કરવાનું સાધન) વપરાય છે, જેની કિંમત માંડ એક ડૉલર હોય. ગજવામાં રહી શકે એવું વિદ્યુત ગણતરીયંત્ર હવે માંડ હજાર જેટલા રૂપિયામાં મળી છે. આમ લેખન અને ગણનના ‘ભાવ’ ભવિષ્યમાં ઘટતા જશે.

એક રીતે જોઈએ તો ‘સાક્ષરતા’ (literacy) મૅક્લૂહાનના પેગામ પર સવાર થઈને ‘માધ્યમતા’ (mediacy)નો લેબાસ ધારણ કરી રહી છે. ક્યૂબા, નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ જેવા દેશોમાં કહેવાતી સાક્ષરતાને કોરાણે મૂકી ખેડૂતોને ટેલિવિઝન પર શિક્ષણ આપવામાં આવે છે. ખેતીની નવી તરકીબોનો પ્રચાર ટેલિવિઝન પરથી થાય છે અને એ રીતે લાભેલો ખેડૂત પછી પોતાનાં બાળકોને નિશાળે મોકલવા ઉત્સુક બને છે. હરિયાણામાં ટેલિવિઝન ખરીદવા માટે ગ્રામપંચાયત તરફથી સબસીડી મળે છે. બી.બી.સી. પ૨ Has Book a Future? નામનો કાર્યક્રમ પ્રસારિત થયો હતો. બ્રિટિશ મ્યુઝિયમની વિશાળ લાઈબ્રેરીની અભરાઈ દર વર્ષે પાંચ કિલોમીટર જેટલી લંબાવવી પડે છે. કામના એક જ દિવસે માત્ર ઈંગ્લૅન્ડમાં સવાસો પુસ્તકો બહાર પડે છે. કેટલું વાંચીશું? કયારે વાંચીશું? બધું વાંચીને પાગલ તો નહિ થઈ જઈએ?

ભારતમાં વાચન કરતાં શ્રવણનો મહિમા હતો. બે વેદ મોઢે કરનારા દ્વિવેદી (દૂબેજી), ત્રણ મોઢે કરનારા ત્રિવેદી (તરવાડી) અને ચારને ચાવી જનારા ચતુર્વેદી (ચોબેજી)ની બોલબાલા હતી. શ્રુતિ અને સ્મૃતિની જબરી પ્રતિષ્ઠા હતી. કદાચ તેથી જ ભારતમાં વિદ્વાનને માટે ‘બહુશ્રુત’, જ્યારે અંગ્રેજીમાં ‘Well – read’ શબ્દો પ્રચલિત થયા. કાગળની શોધ થઈ ત્યાં સુધી માણસે માટીનાં ચોસલાં પર, ઘેટાંના ઊન પર અને ચામડાં પર લખ્યું. કાગળે જ્ઞાનને ‘પંક’ કરવાનું શક્ય બનાવ્યું ત્યારથી શ્રવણનો મહિમા ઘટતો રહ્યો. અને સ્મરણનો મહિમા પણ ઓસર્યો. હવે માઈક્રોફિલ્મ અને માઈક્રોફિશ દ્વારા એક લાઈબ્રેરી સમાવી શકે એટલું એક કબાટમાં સમાવી શકાય છે. બે – ત્રણ વર્ષ પર એક જૈન મુનિએ ખાદી ગ્રામોદ્યોગ બૉર્ડ પાસે બે હજાર વર્ષે ટકી શકે એવા કાગળની માગણી કરી. બૉર્ડે તેવો કાગળ પૂરો પાડ્યો પણ છે. (બે હજાર વર્ષ કાગળ ન ટકે તો પૈસા પાછા એવું બૉર્ડ કહી શક્યું હોત!)

ન ભૂલીએ કે દુનિયાનો જાણીતો બંધ બાંધનારો અને આપણો ભાકરા નાંગલ બંધ બાંધનારો હાર્વે સ્લોકમ નિશાળે નહોતો ગયો. સૌરાષ્ટ્રના એક જૈન મુનિએ અપાસરાની ડિઝાઈન જાતે (એ વિષયના ભણતર વગર જ) તૈયાર કરેલી જેને એ વિષયના જાણકારોએ ખૂબ વખાણેલી. મુંબઈના ભૂતપૂર્વ ગવર્નર સ્વ. શ્રીપ્રકાશે એક યાદ રહી જાય તેવી વાત કરેલી. એમણે ગવર્નર તરીકે પરદેશી મહાનુભાવોને જે જે ભેટો આપેલી તેમાંની એક પણ ભેટ એવી ન હતી જે ‘ભણેલા’ માણસે બનાવી હોય! મહાત્મા ઑગસ્ટિન કહેતા કે: ‘દુનિયા એક મહાન પુસ્તક છે. જેઓ ઘરની બહાર કદી નીકળતા નથી તેઓ એ પુસ્તકનું એક જ પાનું વાંચવા પામે છે.’ આ અર્થમાં સરસ્વતીને ‘અભણ’ કહી શકીશું ખરા? એણે દુનિયાની કિતાબનું એક જ પાનું વાંચ્યું હોત તો?

કવિના શબ્દોમાં ‘જ્ઞાન, ગુમાનની ગાંસડી’ કહેવાતા શિક્ષિતોના મન પરથી ઊતરે તો હળવાશ પણ એમને જ મળશે.

Total Views: 231

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.