ઊઠો, જાગો!

વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું – “ઊઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં સુધી મંડ્યા રહો.” ત્યારના યુવા વર્ગે આ આહ્વાન ઝીલી લીધું, અને આપણને રાજનૈતિક સ્વાધીનતા અપાવી. પણ સ્વાધીનતા પછી શું થયું? આપણે પોતાના વ્યક્તિગત સ્વાર્થમાં રત થઈ ગયા. આપણે ઊઠ્યા, જાગ્યા અને ફરી સૂઈ ગયા! સ્વામીજીએ એમ નહોતું કહ્યું કે, “ઊઠો, જાગો અને પછી સૂઈ જાવ.” સ્વામીજીએ તો કહ્યું હતું, “જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો.” ‘લક્ષ્ય’ સ્વામીજીના મત પ્રમાણે ફક્ત રાજનૈતિક સ્વાધીનતા નહોતું. રાજનૈતિક સ્વાધીનતા તેઓ અવશ્ય ચાહતા હતા પણ તેને અંતિમ લક્ષ્ય નહોતા માનતા. ૧૮૯૭માં મદ્રાસમાં વ્યાખ્યાન આપતી વખતે સ્વામીજીએ કહ્યું હતું, “જગતમાં મહાન વિજ્ય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન સમ્રાટ અશોકે વર્ણવી છે. ફરી એક વાર ભારતે વિશ્વનો વિજ્ય કરવો જ જોઈએ. આ મારા જીવનનું સ્વપ્ન છે; અને હું ઈચ્છું છું કે આજે અહીં મને સાંભળી રહેલા તમો દરેકે દરેકના મનમાં એ સ્વપ્ન હોય અને જ્યાં સુધી તમે એ સ્વપ્ન સફળ ન કરો ત્યાં સુધી અટકો નહીં… આપણી સમક્ષ આ મહાન આદર્શ છે. અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય ક૨વા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં.

…ઓ ભારત! તું ખડો થઈ જા, અને, તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ!”

કોણ કરશે આ કાર્ય? સ્વામીજીએ કહ્યું હતું, “મારી આશા યુવા વર્ગ પર છે.” ત્યારના યુવાનોએ સ્વામીજીનું પ્રથમ સ્વપ્ન ભારતની સ્વાધીનતાનું સ્વપ્ન – સાકાર કર્યું હતું. મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન્, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચાર્ય, શ્રી અરવિંદ, ભગિની નિવેદિતા વગેરે દેશભક્તોના પ્રેરણાસ્રોત હતા – સ્વામી વિવેકાનંદ. હવે સ્વામીજીનું બીજું સ્વપ્ન ‘ભારત દ્વારા સમસ્ત વિશ્વનો વિજય’ સાકાર કરવા માટે વર્તમાન સમયના યુવાવર્ગે કમર કસવી પડશે.

વિશ્વના સુપ્રસિદ્ધ ઈતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બીએ પણ કહ્યું હતું, “આપણે વર્તમાનમાં પૃથ્વીના ઈતિહાસના એક યુગ-પરિવતનના અધ્યાયમાં જીવી રહ્યા છીએ જે ઈતિહાસનો પ્રારંભ કર્યો છે પાશ્ચાત્ય ભાવાદર્શે; પણ જો આ અધ્યાયને સમગ્ર માનવજાતિના આત્મહનન અને સ્વલોપથી બચાવવો હોય તો તેની પરિણતિ ભારતીય હોવી જોઈએ… માનવ ઈતિહાસની આ સર્વાધિક ભયંકર ઘડીએ બચવાનો એક માત્ર પથ છે ભારતનો પથ. સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીરામકૃષ્ણની સર્વધર્મ સમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવજાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય, અને આ અણુયુગમાં આપણને આત્મવિનાશથી બચાવવા માટેનો આ એક માત્ર વિકલ્પ છે.”

તાજેતરમાં રશિયાના મ્યુઝિયમોમાં કલકત્તાની ઍશિયાટીક સોસાયટી દ્વારા થયેલી શોધખોળોમાં અનેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પ્રાપ્ત થયા છે. તેમાંનો એક છે – નાઝારૉવ નામના ખેડૂતે ફેબ્રુઆરી, ૧૯૨૮માં કવિવ૨ રવીન્દ્રનાથ ટાગોરને લખેલ પત્ર. આ પત્રમાં લખ્યું છે, “…પરંતુ તમારી રચનાઓમાં મને સૌથી વધુ ગમે છે ‘સાધના’. આ સિવાય મારી પાસે ભગવદ્ગીતા, ઉપનિષદના થોડા અધ્યાયો, ‘ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’ (શ્રીરામકૃષ્ણ કથામૃત) અને સ્વામી વિવેકાનંદના ગ્રંથો છે. મને એમ લાગે છે કે ભલે કોઈ જન્મથી યુરોપિયન હોય તો પણ આધ્યાત્મિક રીતે મનથી તેણે ભારતીય હોવું જોઈએ.”

આજે સમસ્ત વિશ્વ ભારતીય અધ્યાત્મ દ્વારા તેનો વિજય થાય એની વાટ જોઈ રહ્યું છે. પાશ્ચાત્ય જડવાદી સભ્યતાના કડવાં ફળ પામીને સમૃદ્ધશીલ દેશો હવે માનસિક શાંતિની પ્રાપ્તિ માટે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મને મેળવવા આતુર થઈ ગયા છે. સમૃદ્ધશાળી દેશોમાં નશીલા પદાર્થોનું સેવન, આત્મહત્યાનું પ્રમાણ અને માનસિક રોગીઓનું પ્રમાણ વધી રહ્યું છે. અમેરિકામાં અડતાલીસ ટકા લોકો ભયથી ત્રસ્ત થઈ શસ્ત્રો રાખતા થઈ ગયા છે. હેમલૉક સૉસાયટીના સંસ્થાપક ડૅરૅફ હમ્ફ્રીસ દ્વારા લિખિત પુસ્તક ‘Final Exit’ અમેરિકામાં બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે; કારણ કે એમાં આત્મહત્યા કરવાના વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા છે. જાપાનમાં સુરુમી વાતારુ (Tsurumi Wataru) દ્વારા લિખિત આત્મહત્યા કરવાના ઉપાયો વિશેનું પુસ્તક ‘Kanzen Jisutsu Manual or The Complete Manual of Suicide’ અત્યંત પ્રસિદ્ધિ પામ્યું છે. છેલ્લાં બે વર્ષોમાં તેની ત્રણ લાખથી વધુ પ્રતો વેચાઈ ગઈ છે. ફ્રાન્સમાં આત્મ-હત્યા કરવાવાળાઓ માટે સૂચનો વિશેનું પુસ્તક (‘Suicide – User’s Instructions) સૌથી વધારે વેચાયેલ પુસ્તકોમાંનું એક હતું. ૧૯૮૨થી ૧૯૮૭ સુધીમાં તેની એક લાખ સિત્તેર હજાર પ્રતો વેચાઈ ગઈ. ફ્રાન્સમાં લગભગ એક લાખ પાંત્રીસ હજાર લોકો દર વર્ષે આત્મહત્યા કરે છે. ઑસ્ટ્રેલિયામાં ગયે વર્ષે લગભગ દોઢ લાખ યુવક- યુવતીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

રાયટરના રિપોર્ટ પ્રમાણે (૧૭ મે ૧૯૯૩) જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પહેલીવાર જે સ્વાસ્થ્ય રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રમાણે ૪૪ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૪૨ ટકા પગારદાર લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે.

રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો વ્યાખ્યાનની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે કલકત્તામાં નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ૧૧, ૧૨, ૧૮ અને ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૩માં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં બોલતી વખતે જર્મનીની વેદાંત સોસાયટીના અધ્યક્ષ ફ્રેંક ઝાઈસીને (Frank Ziesin) કહ્યું હતું, “અહીં ભારતમાં નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં બોલવાનો અવસ૨ મળવાથી હું ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું, કારણ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ મારા દેશ – જર્મનીમાં આવ્યા હતા – પોતાના દેશની સ્વાધીનતાની શોધ માટે. આજે અમે જર્મનીથી અહીં નેતાજીના ભારત પાસે આવ્યા છીએ – પોતાના આત્માની સ્વાધીનતાની શોધ માટે. કારણ કે આત્માની મુક્તિ વિશેનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન કેવળ ભારતમાં જ મળે છે.”

આ પછી તેમણે આશ્ચર્યજનક વાત કહી. તેમણે કહ્યું, “અમને માત્ર એક જ વાતનો ખેદ છે કે વારંવા૨ રામકૃષ્ણ મઠ અને મિશનને અનુરોધ કરીએ છીએ, છતાં આટલાં વર્ષોથી ચાલતા અમારા જર્મનીના વેદાંત કેન્દ્રને ઔપચારિક માન્યતા આપીને તેઓ સંન્યાસીઓને જર્મનીમાં મોકલતા નથી. આથી અમે વિચાર કર્યો છે, અમે પોતે સંન્યાસીઓ તૈયાર કરીશું. એક જર્મન યુવતી અત્યારે સગર્ભા છે, તે રાતદિવસ શ્રીરામકૃષ્ણ કથામૃત અને વેદાંતનાં પુસ્તકોનું અધ્યયન કરી રહી છે અને ઈશ્વરને પ્રાર્થના કરી રહી છે કે તેના ગર્ભમાં જે બાળક છે તે સંન્યાસી બને.”

વિશ્વના કેટલાક ભાગોમાંથી વેદાંતનાં કેન્દ્રોનો પ્રારંભ કરવા માટે અને પહેલેથી ચાલી રહેલાં કેન્દ્રોને માન્યતા આપવા માટે રામકૃષ્ણ મઠ અને મિશન પર દબાણ આવી રહ્યું છે. ઘણાં નવાં કેન્દ્રો ખુલી રહ્યાં છે અને ઘણાં કેન્દ્રોને માન્યતા અપાઈ રહી છે, પણ સંન્યાસીઓના અભાવને કારણે પૂરી માગ સંતોષાતી નથી. તાજેતરમાં રશિયામાં, કૅનૅડામાં અને નૅધરલૅન્ડમાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઔપચારિક કેન્દ્રોનો પ્રારંભ થયો છે. સંયુક્ત રાજ્ય અમેરિકા (૧૨), બાંગ્લાદેશ (૧૨) તેમજ જાપાન, ફ્રાન્સ, સ્વિટઝરલૅન્ડ, ઇંગ્લૅન્ડ, સિંગાપુર, મોરિશિયસ, ફિઝી વગેરે કેન્દ્રો તો ઘણાં વર્ષોથી કાર્યરત છે.

વિડંબના એ છે કે આજે જ્યારે પાશ્ચાત્ય સમૃદ્ધશાળી દેશો વેદાંતના અમૃતનું પાન કરવા તત્પર થઈ રહ્યા છે ત્યારે આપણા દેશનાં યુવા ભાઈ-બહેનો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવામાં મશગુલ છે. આપણે અન્ય દેશો પાસેથી ઘણું બધું શીખવાનું છે, તેની ના નહિ. પણ સ્વામી વિવેકાનંદજી કોઈ પણ જાતના આંધળા અનુકરણ કરવાની – નકલ કરવાની – વિરોધમાં હતા. આપણા સર્વાંગીણ વિકાસ માટે પાશ્ચાત્ય વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી અને વેદાંતનો સુમેળ આવશ્યક છે એમ તેઓ માનતા. પણ આંધળા અનુકરણનો તેઓ સખત વિરોધ કરતા. આજથી લગભગ સો વર્ષો પહેલાં સ્વામીજીએ બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્બોધન’ (માર્ચ ૧૮૯૯)માં ‘વર્તમાન ભારત’ નામનો લેખ લખ્યો હતો. તેમાં તેમણે પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણ કરવાના આત્મઘાતી વલણ સામે લાલબત્તી ધરી હતી અને ભારતવાસીઓને પોતાની માતૃભૂમિ પ્રત્યેની ફરજ અદા કરવાનું આહ્વાન કર્યું હતું. આજે પણ આ આહ્વાન કેટલું પ્રાસંગિક છે! સ્વામીજીએ લખ્યું હતું- “હે ભારત! અહીં જ તારે માટે મહાન ભય છે. પશ્ચિમનું અનુકરણ કરવાની મોહિનીએ તારા ઉપર એવી ભૂરકી નાખી છે કે સારું શું અને ખરાબ શું તે હવે તર્કબુદ્ધિથી, ન્યાયબુદ્ધિથી, વિવેકથી કે શાસ્ત્રના આધારથી નક્કી કરાતું નથી… ભારતવાસી! માત્ર આમ બીજાઓના પડઘા પાડીને, બીજાઓનું આવું અધમ અનુકરણ કરીને, બીજાઓ ઉપર આધાર રાખીને, આ ગુલામને છાજતી નિર્બળતાનું, આ અધમ તિરસ્કારપાત્ર ક્રૂરતાનું પાથેય લઈને શું તું સંસ્કૃતિ અને મહત્તાના સર્વોચ્ચ શિખરે પહોંચવાનો છે?..ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ – ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહીં કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઈન્દ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહીં કે તારો જન્મ જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહીં કે તારી સમાજવ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહીં કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મા૨નારો ભંગી સુધ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે.”

ભારતની વર્તમાન સર્વ સમસ્યાઓનું સમાધાન સ્વામીજીના ઉપરોક્ત ‘સ્વદેશ-મંત્ર’માંથી મળે છે. રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય પુનર્નિર્માણ, અનામત વિરોધી આંદોલન, ઉદારીકરણની નવી આર્થિક નીતિના પ્રત્યાઘાતોની સમસ્યા – આ સર્વ સમસ્યાઓનું સમાધાન સ્વામીજીની આ પ્રેરક-વાણીમાં મળે છે. ઘેર-ઘેર, પ્રત્યેક સ્કૂલ-કૉલેજમાં, પ્રત્યેક સ્થળે આ પ્રેરક વાણીનો – સ્વદેશ મંત્રનો – પ્રતિદિન ઉચ્ચાર થાય તો ભારત અવશ્ય મહાનતાના સર્વોચ્ચ શિખરે પહોંચી જશે. ‘વર્તમાન ભારત’ નામના લેખમાં, ઉપરોક્ત ‘સ્વદેશ-મંત્ર’માં, સ્વામીજી અત્યંત પ્રેરક વાણીમાં આહ્વાન કરતાં આગળ લખે છે, “હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા, અને અભિમાન લે કે તું ભારતવાસી છે, અને ગર્વપૂર્વક ગર્જના કર કે ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે!’ તું પોકારી ઊઠ કે ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે! તારી કમર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તો પણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર, કે ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારો ઈશ્વર છે. ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે. ભાઈ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે!’ અને અહોરાત પ્રાર્થના કર કે હે ગૌરીપતે, હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ! મને મર્દ બનાવ!”

સ્વામીજી કહેતા, “આપણને મનુષ્ય બનાવે તેવો ધર્મ જોઈએ છીએ, મનુષ્ય બનાવે તેવી કેળવણી જોઈએ છીએ.” રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે સૌ પ્રથમ મનુષ્યનું ચારિત્ર્ય ઘડતર કરવું પડશે, અને આ ચારિત્ર્ય ઘડતર યુવાવસ્થામાં જ થઈ શકે.

એક બાળક અત્યંત નટખટ હતો. પિતાએ વિચાર કર્યો, આને એવું કઠિન કાર્ય સોંપું કે કાર્ય કરવામાં જ મશગુલ રહે અને તોફાન ન કરે, જેથી હું મારું કાર્ય કરી શકું. પિતાએ ભારતનો નકશો લઈ તેના નાના-નાના ટૂકડા કર્યા અને પુત્રને કહ્યું, “આ નકશાને ફરી સાંધી દે તો.” પિતાએ વિચાર્યું “બિચારા બાળકને ભૂગોળનું જ્ઞાન કેટલું હશે? આખો દિવસ નીકળી જશે.” આશ્ચર્ય! થોડી જ વારમાં બાળક સાંધેલો નકશો લઈને હાજર થયો! પિતાએ જ્યારે જોયું કે નકશો બરાબર છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધાં રાજ્યો પોતપોતાની જગ્યા પર છે. તેણે આશ્ચર્યથી બાળકને પૂછ્યું, “આ કઠિન કાર્ય આટલીવારમાં કેવી રીતે કર્યું? બાળકે હસતાં હસતાં જવાબ આપ્યો, “વાત એમ છે પપ્પા, હું નકશાના ટુકડાઓ ગોઠવી રહ્યો હતો ત્યારે જોયું તો પાછળ માણસનું ચિત્ર છે. મેં માણસનો હાથ, પગ, માથું, ઠીક જગ્યાએ જોડી દીધાં તો ભારતનો નકશો પોતાની મેળે સંપૂર્ણ બની ગયો.”

રાષ્ટ્રીય એકતા આજે કેટલી વિકટ સમસ્યા છે! દેશની બધી સમસ્યાઓના મૂળમાં છે – ચારિત્ર્યનો અભાવ. ભારતની પ્રથમ પંચવર્ષીય યોજના માત્ર રૂ. ૨,૦૦૦ કરોડની હતી, આઠમી પંચવર્ષીય યોજના રૂ. ૨,૮૦,૦૦૦ કરોડની છે, તેમ છતાં આજે ભારતના લગભગ ૨૦ કરોડ લોકો ભરપેટ ભોજન કરી શકતા નથી તેનું કારણ શું છે? ભ્રષ્ટાચારનો વ્યાપ – ચારિત્ર્યનો અભાવ. આજે સ્વામીજીના સંદેશને વધુ સારી રીતે સમજી શકીએ છીએ કે જ્યાં સુધી મનુષ્યનું ચારિત્ર્ય નિર્માણ નહીં થાય ત્યાં સુધી દેશનું પુનર્નિર્માણ નહીં થાય, જ્યાં સુધી દરેક ભારતવાસી ભારત પ્રત્યે – પોતાની માતૃભૂમિ પ્રત્યે – પ્રેમ નહીં કેળવે ત્યાં સુધી ભારતનો વિકાસ નહીં થાય અને સ્વામીજીનું ભારત દ્વારા સમસ્ત વિશ્વનો વિજય કરવાનું સ્વપ્ન અપૂર્ણ રહી જશે.

યુવા ભાઈ-બહેનોને ચારિત્ર્યઘડતરના ઉપાયો: આત્મશ્રદ્ધા, આત્મ-નિર્ભરતા, આત્મ-જ્ઞાન, આત્મ-સંયમ અને આત્મ-ત્યાગ – વિશેનું માર્ગદર્શન સ્વામી વિવેકાનંદજીના પ્રેરણાદાયી ગ્રંથોમાંથી સાંપડશે. એટલે જ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા સ્વામી વિવેકાનંદ શિકાગો ભાષણ શતાબ્દી પ્રસંગે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, તામીલ, તેલુગુ, ઉડિયા વગેરે ભાષાઓમાં સ્વામીજીનાં ચાર પુસ્તકોની કુલ લગભગ ૨૦ લાખ નકલો યુવાવર્ગમાં નિઃશુલ્ક વિતરણ માટે પ્રકાશિત કરવામાં આવી છે. શાળા-કૉલેજોમાં સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશ વિશે પ્રવચન-પ્રશ્નોત્તરી પછી આ પુસ્તકો વિના મૂલ્યે યુવા ભાઈ – બહેનોને આપવામાં આવે છે, જેથી તેઓ ‘આજની શિક્ષણપ્રણાલીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણનો અભાવ’ હોવાથી ભટકતા રહેવાને બદલે ચારિત્ર્યઘડતરની અનૌપચારિક કેળવણી મેળવી શકે. આજની સુષુપ્ત યુવાશક્તિને જાગ્રત કરવા માટે આ પુસ્તકો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યાં છે, એક નવી ચેતના આધુનિક યુવા વર્ગમાં પ્રસરી રહી છે. નોબલ પુરસ્કાર વિજેતા ફ્રેંચ મનીષી રોમાં રોલાંના શબ્દોમાં, આ પુસ્તકો, યુવા વર્ગ માટે ‘વિદ્યુતનો ઝટકો’ (electric shock) પુરવાર થઈ રહ્યાં છે.

૧૯૮૫થી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપલક્ષ્યમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિન – ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષ ‘રાષ્ટ્રીય યુવા દિન’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે – આનું કારણ આપતાં કહેવામાં આવ્યું છે – ‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું એમણે પાલન કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે છે.”

રાષ્ટ્રીય યુવા દિનના ઉપલક્ષ્યમાં એવી આશા સેવીએ કે ભારતનો યુવા વર્ગ ફરી જાગશે અને સ્વામીજીના સંદેશને “ઊઠો, જાગો અને લક્ષ્યપ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો” યાદ રાખીને જ્યાં સુધી લક્ષ્યપ્રાપ્તિ ન થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહેશે.

ગાંધીજી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્રી જવાહરલાલ નહેરુ વગેરેના સમયના યુવાવર્ગના પ્રેરણાસ્રોત હતા – સ્વામી વિવેકાનંદજી. આજના યુવા વર્ગે ફરી સ્વામી વિવેકાનંદજીને પોતાના હીરો માર્ગદર્શક બનાવવા પડશે. આજના યુવા વર્ગ પાસે બધું જ છે – બૌદ્ધિક પ્રતિભા, કાર્ય કૌશલ્ય, ઉત્સાહ, મહત્ત્વાકાંક્ષા વગેરે, ફક્ત માર્ગદર્શનનો અભાવ છે. આ માર્ગદર્શન તેઓને સ્વામીજી પાસેથી મળશે.

ઘણા યુવા ભાઈ-બહેનો પૂછે છે – એવા નેતા હીરો ક્યાં છે જેને અમે અનુસરી શકીએ? ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગના ચિર પ્રેરણાસ્રોત – ચિર નેતા છે. કોઈ કહેશે “પણ આજે તો તેઓ હયાત નથી” નહીં, નહીં, આજે પણ તેઓ સૂક્ષ્મરૂપે વિરાજમાન છે અને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે કેટલાંયને પ્રેરણા આપી રહ્યા છે, તેઓનું માર્ગદર્શન કરી રહ્યા છે. વિશેષરૂપે હાજર છે તેઓ પોતાના ગ્રંથોમાં – અક્ષર દેહમાં સ્વામીજીએ કહ્યું હતું, “એવું કદાચ બની શકે કે હું આ દેહને જૂના વસ્ત્રની જેમ ત્યાગી દઉં, પણ હું અવિરત કાર્ય કરતો રહીશ. જ્યાં સુધી વિશ્વના સમસ્ત માનવો ઈશ્વર સાથે એકાત્મભાવ નથી થઈ જતા ત્યાં સુધી હું દરેક સ્થળે પ્રેરણા આપતો રહીશ.”

સ્વામીજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) અને જન્મતિથિ (૨૩ જાન્યુઆરી) પ્રસંગે તેમના ચરણોમાં પ્રાર્થીએ, “અમને એવી શક્તિ આપો જેથી આપના ગ્રંથો વાંચી, આત્મસાત્ કરી આપના ઉપદેશો પ્રમાણે પોતાનું ચારિત્ર્યનિર્માણ કરી શકીએ, જેથી રાષ્ટ્રનું પુનર્નિર્માણ થાય અને પછી ભારત પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા સમસ્ત વિશ્વનો જય કરે જેથી વિશ્વના સૌ માનવો સુખ-શાંતિ પ્રાપ્ત કરે.”

સંદર્ભ સૂચિ:

૧. ‘ભારતમાં આપેલાં ભાષણો’ પૃ. સં. ૧૫૦-૧૫૧

૨. ‘Shrl Ramakrishna and His Unique Message’ – સ્વામી ધનાનંદ – રામકૃષ્ણ વેદાંત સૅન્ટર, લંડન દ્વારા પ્રકાશિત પુસ્તકમાં ભૂમિકા

૩. ‘ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’, (અમદાવાદ આવૃત્તિ) ૩ ડિસેમ્બર ૧૯૯૪

૪. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, પુસ્તક ૬, પૃ. સં. ૧૪૧-૧૪૨

૫. ભારત સરકારના રમતગમત ખાતાના પત્ર No. D. O. N. F. ૬ -૧/૮૪/૧૭૭ તા. ૧૭ ઑક્ટોબર ૧૯૮૪

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.