(ડિસેમ્બર ’૯૪થી આગળ)

(૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું

ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ રોકાયાં. ત્યાંથી તેઓ દ્વારકા જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને કોઈએ કહ્યું, “મા, તમે આ ગામમાં થઈને ન જશો.” “કેમ? એ ગામમાં કૉલેરા ફાટી નીકળ્યો છે ને માણસો ટપોટપ મરે છે. અને તમે ત્યાં જશો તો તમે પણ જીવતાં નહીં રહો. એ ગામમાં કોઈ જતું જ નથી. ઊલટાનું ત્યાંના માણસો આ બાજુ આવવા ઈચ્છે છે.”

‘એમ? એટલો બધો રોગ ફાટી નીકળ્યો છે?

“અરે, રોજ એટલાં માણસો મરે છે, કે શબોને બાળવા માટેની ય વ્યવસ્થા થઈ શકતી નથી.”

“અરેરે, એવી સ્થિતિ છે? તો તો મારે ત્યાં જવું જ જોઈએ.” “આ તો આપ અહીંના અજાણ્યા છો, એટલે અમારી ફરજ છે કે આપને ચેતવી દેવાં. એટલે આપ ત્યાં ન જાઓ એમ અમે તમને ખાસ કહીએ છીએ.”

પરંતુ એ અનુભવીઓની સલાહને અવગણીને પણ ગૌરીમાઈ એ કૉલેરાગ્રસ્ત ગામમાં ગયાં. ગામના લોકો રોગથી, અસહાય બની ટપોટપ મરતાં હોય અને પ્રભુને જીવન અર્પણ કરેલી સંન્યાસિની પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટે તો તો એમનો સંન્યાસ ધર્મ લાજે. શિવજ્ઞાનથી જીવસેવા, દરિદ્રનારાયણની સેવા એ પરમાત્માની સેવા પૂજા છે – દુર્બળો, રોગીઓ, આફતગ્રસ્તો, દરિદ્રોની સેવા દ્વારા ૫૨માત્માની વધુ નજીક પહોંચાય છે, એ વાત, વરસો પછી સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુભાઈઓને જણાવી હતી અને તેનું આચરણ કરવા અનુરોધ કર્યો હતો. એ જ્ઞાનનું પાલન વરસો અગાઉ બંગાળની એ યુવાન પરિવ્રાજક સંન્યાસિનીએ પોરબંદરની પાસેના એક ગામડામાં કર્યું હતું.

તેઓ એ કૉલેરાગ્રસ્ત ગામમાં ગયાં જ. ત્યાં જઈને જોયું તો તેમને સમાચાર આપવામાં આવ્યા હતા તેથી પણ વધુ ભયાનક સ્થિતિ હતી. અસંખ્ય લોકોને આમ ટપોટપ મૃત્યુના મુખમાં હોમાતાં જોઈને એ સંન્યાસિનીનું હૃદય દ્રવી ગયું અને તેમના અંતરમાંથી દૃઢ સંકલ્પ જાગ્યો કે કોઈ પણ હિસાબે આ લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારવા જોઈએ. પણ તેમની પાસે નહોતાં કોઈ સાધનો કે નહોતી એવી કોઈ સગવડ. વળી તદ્દન અજાણ્યો પ્રદેશ. અપરિચિત લોકો. પણ તેથી શું થયું? હૃદયમાં લોકોને સાજા કરવાની પ્રબળ ભાવના અને દૃઢ સંકલ્પ – આ બે સાધનોથી અન્ય સાધનો ને સહાયને ખેંચી લાવ્યા. તેઓ પોતે ગામના મુખીને મળ્યાં. ગામના બીજા અગ્રગણ્ય લોકોને મળ્યાં. લોકોની વ્યવસ્થિત સારવાર કરવા માટેની તેમણે અપીલ કરી. દૂરથી આવેલી એક નિઃસ્પૃહા સંન્યાસિનીની હૃદયપૂર્વકની નિઃસ્વાર્થ અપીલનો પડઘો પડ્યો જ. લોકોએ તેમને રોગીઓની દવા, સારવાર ને સ્વચ્છતા માટેના તેમના કાર્યમાં પૂરો સાથ સહકાર આપ્યો. ગૌરીમાઈના આત્મતેજ અને તેમના પ્રભાવક વ્યક્તિત્વને પરિણામે ગામના લોકોએ એમની વાતોનો વિના વિરોધે સ્વીકાર કરી લીધો અને એમને પૂરો સહકા૨ આપ્યો. આથી ગૌરીમાઈએ એક બાજુ રોગીઓને માટે દવા, પથ્ય અને કાળજીભરી સંભાળ માટેની વ્યવસ્થા કરી, તે માટે યોગ્ય માણસોને જવાબદારી સોંપી તો બીજી બાજુ ગામમાંથી તમામ ગંદકી અને કચરો દૂર કરાવી ગામને સ્વચ્છ કરાવ્યું. એટલું જ નહીં, પણ હવા સ્વચ્છ ને જંતુમુક્ત બને તે માટે તેમણે ગામમાંથી બાર બ્રાહ્મણોને બોલાવ્યા. ગામના જુદા જુદા ભાગોમાં મંત્રોચ્ચાર સાથે તેમણે ત્રણ દિવસ સુધી યજ્ઞો કરાવ્યા. તેના પરિણામે સમગ્ર ગામની હવા શુદ્ધ થઈ ગઈ. લોકોના મન અને તન પણ શુદ્ધ બની ગયાં અને ફક્ત ત્રણ જ દિવસમાં એ ગામમાં રોગ કાબુમાં આવી ગયો. ગામના લોકો તો ગૌરીમાઈને ભગવાને મોકલેલી પોતાની તારણહાર ગણી તેમની ભક્તિપૂર્વક પૂજા ક૨વા લાગ્યા. પણ ગૌરીમાઈને પોતાની પ્રશંસા કે પૂજામાં લેશમાત્ર પણ રસ ન હતો. એમને માટે તો માર્ગમાં આવેલું આ એક કર્તવ્યકર્મ હતું. તેના પ્રભુનું જ કાર્ય હતું, એમ સમજીને એ કાર્ય પાર પાડી તેઓ ત્યાંથી દ્વારકાના રસ્તે ચાલી નીકળ્યાં.

આ યાત્રા દરમિયાન ગામના એક રાજાએ પણ તેમને પોતાના મહેલમાં આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો ન હતો. આથી રાજા ખુદ એમને મળવા તેમના ઉતારે ગયા હતા. રાજાને કંઈ સંતાન ન હતું. તેણે પુત્ર પ્રાપ્તિ માટે ગૌરીમાઈના આશીર્વાદ માંગ્યા. ત્યારે ગૌરીમાઈ તેમને મંદિરમાં લઈ ગયાં. મંદિરમાં ભગવાન કૃષ્ણને બતાવીને તેમણે કહ્યું; “રાજાસાહેબ, તમે આનાથી વધારે ઉત્તમ બીજું એકેય બાળક મેળવી શકશો નહીં. તમે તમારા સમગ્ર હૃદય અને આત્માથી ઉત્કટપણે એને ચાહો અને તમને તેનાથી જ સુખ શાંતિ મળશે.” આમ રાજાની અત્યંત ઝંખનાને એમણે પ્રભુપ્રાપ્તિની ઝંખનામાં ફે૨વી નાખી. પોતાની પાસે જે કોઈ કંઈ પણ માગણી લઈને આવતું, તો તેઓ તેની વાતને ધ્યાનપૂર્વક સાંભળતાં, સ્વીકારતાં અને પછી એની માગણીને પ્રભુ સાથે જોડી દેતાં અને આવના૨ને ખબર પણ ન પડે તે રીતે તેની અંદર પ્રભુભક્તિનાં બીજ રોપાઈ જતાં. આ હતી તેમની લોકોને જાગૃત કરવાની વિશિષ્ટ શક્તિ. દ્વારિકા એ તો ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી નગરી. અહીં પણ ભગવાન શ્રીકૃષ્ણની ચરણરજ પડેલી છે. ગૌરીમાઈ દ્વારકામાં પણ થોડો સમય રહ્યાં. ભગવાન રણછોડરાયનાં દર્શન કરતાં કરતાં તેઓ એવા તન્મય બની જતાં કે તેઓ પોતાની જાતને પણ ભૂલી જતાં. મેવાડની મીરાંની ઉત્કટ ભક્તિને પોકારે આ જ રણછોડરાયે તેમને પોતાની અંદર સમાવી લીધી હતી. અને હવે એ જ રીતે હિંદના છેક સામે છેડેથી આવેલી – કૃષ્ણપ્રેમમાં મત્ત બનેલી ગૌરી ઉત્કટ ભાવે કૃષ્ણને પોકારી રહી હતી. મંદિરમાં જપ કરતાં કરતાં તેઓ એવાં તો તન્મય બની ગયાં હતાં કે સ્થળ કાળ ભૂંસાઈ ગયાં. અને સામે નાચી રહ્યાં થૈ થૈ કરતા બાલકૃષ્ણ. શું મનોહર રૂપ! શું એનું નર્તન! શું એની છટા! અને શું એના મુખ ઉપરની અવર્ણનીય નિર્દોષતા! શ્યામલ વર્ણ ને માથે મયુરપિચ્છનો મુગટ ને જાણે આ મોહક બાલસ્વરૂપ ક્યાંય સુધી એમની આંતરદૃષ્ટિ સામે નર્તન કરી રહ્યું અને પછી ધીમે ધીમે આ ભાવજગત ક્યાં વિલીન થઈ ગયું તેની તેમને ખબર પણ ન પડી. પરંતુ આ અલૌકિક દૃશ્યે હવે એમના અંતરમાં પૂર્ણ પુરુષોત્તમને પૂર્ણપણે પામવાની ઝંખનાને તીવ્રતમ બનાવી દીધી. અને એ જ ઝંખના એમને બાલસ્વરૂપ શ્રીકૃષ્ણની પગલીઓ જ્યાં પડી છે, તે વૃંદાવનની પવિત્ર ભૂમિ પર ફરી પાછી લઈ આવી.

(૭) એક દિવ્યાનુભૂતિ

વૃંદાવનની ભૂમિ પર શ્રીકૃષ્ણ સાથે તાદાત્મ્ય પ્રાપ્ત ક૨વાની ગૌરીમાઈની ઝંખના તીવ્રતમ બની ગઈ. જાણે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રીકૃષ્ણના વિરહમાં વ્યાકુળ બનેલી, ને શ્રીકૃષ્ણની શોધમાં બહાવરી બની ભટકતી રાધારાણી ન હોય! રાતદિવસ એમના હૃદયમાં કૃષ્ણ મિલન માટેનો તલસાટ આગ બનીને ભભૂકતો રહ્યો. “ઓ પ્રિયતમ, તું ક્યાં છે? ક્યાં છે ચિત્તચોર નટખટ કનૈયો? ક્યાં છૂપાયો છે તું? તારા વિરહની આગમાં હું સળગી રહી છું! તું આવ. ઓ કૃષ્ણ કનૈયા, તું આવ ને તારી મધુર બંસરીના નાદે મારા આત્માને ભરી દે.” હૃદયનો આવો તલસાટ અને વલોપાત ચાલતો જ રહ્યો. ગૌરાંગદેવની વ્યાકુળતા જાણે ગૌરીમાઈના અંતરમાં જાગી ગઈ હતી. કૃષ્ણ વગર હવે તેમને ક્યાંય ચેન પડતું નહોતું. આવી ઉત્કટતા, આવી તીવ્ર વેદના અને આટઆટલા આંસુ છતાં ય હજુ તેમના જીવનદેવતા પૂર્ણરૂપે પ્રગટતા ન હતા. તેમ તેમ જીવન અકારું બનતું જતું હતું. “અરેરે, આવું કૃષ્ણવિહોણું જીવન શા કામનું? આ જીવનનો કોઈ જ અર્થ નથી. પ્રિય પ્રભુ મળતા નથી. અને જીવનના દિવસો બોજો બનીને કેમે ય વીતતા નથી. ઓ કૃષ્ણ, હવે તો તું નથી તો હું પણ નથી. મારે આવું જીવન જોઈતું જ નથી.” એમ વિચારીને તેમણે પોતાના જીવનનો ત્યાગ કરી દેવાનું નક્કી કર્યું. વૃંદાવનની લલિતાકુંજમાં પ્રાણત્યાગ કરવાના હેતુથી જ તેઓ આવી પહોચ્યાં. કરવા આવ્યાં હતાં તેઓ પોતાના જીવનનો ત્યાગ. પણ તેને બદલે નવું જ જીવન તેમને આ લલિતાકુંજમાંથી પ્રાપ્ત થયું. પ્રાણત્યાગને બદલે પ્રાણપ્રાપ્તિ થઈ ગઈ!

ગૌરીમાઈ લલિતાકુંજમાં આવ્યાં અને તેઓ પ્રાણત્યાગ પહેલાં પ્રાર્થના કરવા લાગ્યાં. પ્રાર્થના કરતાં કરતાં તેઓ ભાવસમાધિમાં સરી પડ્યાં. બાહ્ય જગતનું ભાન લુપ્ત થઈ ગયું. વિરહવેદના, પ્રાપ્તિની ઝંખના બધું જ ઓગળી ગયું. અરે, ‘હું’નું ભાન પણ ભુલાઈ ગયું. અને અસ્તિત્વ એક પરમ આનંદમાં ડૂબી ગયું. બસ અહીં નહોતો વિરહ કે નહોતું દુઃખ, નહોતી ઝંખના કે નહોતી પ્રાપ્તિ. આ તો આનંદની સહજ સ્થિતિ હતી. જેને પામવાનું હતું, એ જ એ પોતે હતાં, એ જ, એ જ આનંદ, બસ, અહીં બીજું કોઈ હતું જ નહિં. તો કોણ કોનાં દર્શન કરે અને કોણ કોને પામે? આ પરમ આનંદની અદ્ભુત ભાવસમાધિએ એમની સમગ્ર ચેતનાને આવૃત્ત કરી લીધી. સ્થળ, કાળ બધું જ ભુલાઈ ગયું અને એક માત્ર આનંદમય વ્યાપ્ત, અસ્તિત્વમાં તેઓ એકરૂપ બની ગયાં. આખી રાત આ જ આનંદમય ચેતનામાં તેઓ નિમગ્ન રહ્યાં. બીજો દિવસ પણ એ જ સ્થિતિમાં પસાર થઈ જાત. પણ વૃંદાવનની સ્ત્રીઓ લલિતાકુંજમાં દર્શને આવી. તેઓ ગૌરીમાઈને ઓળખતી હતી.

“અરે આ તો આખી રાત આમ જ સમાધિમાં મગ્ન રહ્યાં લાગે છે! આપણે એમની આગળ કીર્તન કરીએ, એટલે તેઓ પાછાં સપાટી પર આવી જશે.” એક જાણકાર સ્ત્રીએ કહ્યું. અને તેમ કરતાં ધીમે ધીમે તેમની બાહ્ય ચેતના પાછી આવી. પણ જે ચેતનામાંથી તેઓ સમાધિમાં સરી પડ્યાં હતાં એ ચેતના જ હવે તેમની નહોતી રહી. આત્મવિસર્જનની લાગણીને બદલે આત્મપ્રાપ્તિની સહજ આનંદમય સ્થિતિ તેમને પ્રાપ્ત થઈ. એ જ દિવ્યાનંદનો અનુભવ કરતાં કરતાં તેઓ લલિતાકુંજમાંથી પાછા આવ્યાં અને આત્મત્યાગની ભાવના એ પછી એમનામાં ક્યારેય ઊઠી નહીં. પરંતુ એ પછી તેઓ સતત ભાવની ઉત્કટતામાં રહેવા લાગ્યાં. આત્મવિસ્મૃતિ અને ભાવમય જગતના દિવ્યાનંદની અનુભૂતિ હવે તેમને વારંવાર થવા લાગી, જાણે તેમની પૂર્ણ પુરુષોત્તમને પામવાની તીવ્રમય ઈચ્છાએ તેમને ચેતનાની સામાન્ય સ્થિતિમાંથી સહજાનંદની સ્થિતિમાં પરમાત્મા સાથેની તદ્રુપતાના ભાવજગતમાં મૂકી દીધાં.

કૃષ્ણપ્રિયા ગૌરીમાઈ કંઈ વૃંદાવનમાં છૂપાં રહી શકે? તેમની ઉત્કટ ભાવાવસ્થાની વાતો સર્વત્ર થવા લાગી. તેમના કાકા શ્યામાચરણને મથુરામાં પણ આ સમાચાર મળ્યા. સમાચાર મળતાં જ તેઓ ગૌરીમાઈને શોધવા વૃંદાવન આવી પહોંચ્યા અને તેમને પ્રેમથી પોતાના ઘરે પાછાં લાવ્યા. આ વખતે કાકાએ તેમને છૂપી રીતે કલકત્તા મોકલવાની ગોઠવણ ન કરતાં તેમણે સમજાવટનો માર્ગ લીધો અને આ માર્ગમાં તેઓ સફળ થયા. તેમણે ગૌરીમાઈને એમની માતાના હૃદયદ્રાવક પત્રો વંચાવ્યા. પુત્રીનું મુખ જોવા માટે મા કેટલાં તલસી રહ્યાં છે, તે આ પત્રોથી ગૌરીમાઈએ જાણ્યું. આટલાં વરસોમાં તેમના દાદીમા ને પિતા મૃત્યુ પામ્યા હતા, તે સમાચાર પણ તેમને જાણવા મળ્યા. એકાકી બનેલી મા પોતાના દુન્યવી દુઃખોમાં શાતા મેળવવા સંન્યાસિની પુત્રીને મળવા ઝંખી રહી હતી. તેની કાકાએ કરેલી રજૂઆતથી ગૌરીમાઈ આખરે કાકાની સાથે કલકત્તા જવા તૈયાર થયાં.

વરસો બાદ માતા પુત્રીનું મિલન થયું. પોતાની સુંદર પુત્રીને સંન્યાસિનીના વેષમાં દુર્બળ દેહે જોઈને માતાનું હૃદય કાબુમાં ન રહ્યું. તેઓ પુત્રીને ભેટીને ચોધાર આંસુએ રડવા લાગ્યાં. જ્ઞાની પુત્રીએ માતાના હૃદયને શાંત કર્યું અને તેમને સાચી શાંતિનો માર્ગ બતાવ્યો. માતાના આગ્રહથી થોડો સમય તેઓ ત્યાં તેમની પાસે રહ્યાં. હવે બધાં સગાંઓ અને સ્વજનો તેમને ખૂબ જ આદર આપતાં હતાં. તેમની સાથે જ્ઞાનચર્ચા પણ કરતાં હતાં. ઘરનાં સ્વજનો અને માતાએ ઈચ્છયું કે તેઓ ઘ૨માં જ રહીને સાધન ભજન કરે અને હવે ક્યાંય બહાર જાય નહીં. પરંતુ મમતા ને આસક્તિના સઘળાં બંધનો જેના એક માત્ર કૃષ્ણના અતૂટ પ્રેમ- બંધનમાં ઓગળી ગયાં હતાં, તેમને કુટુંબનું કોઈ પ્રેમબંધન ફરીથી બાંધી શક્યું નહીં. તેમનો મુક્ત આત્મા હવે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથનાં દર્શન કરવા વ્યાકુળ બની રહ્યો હતો.” મા, મને રજા આપો. પુરીમાં પૂર્ણ પુરુષોત્તમનાં દર્શન કરીને પછી હું જલ્દી તમારી પાસે પાછી આવીશ” આમ માતાને સાંત્વના આપીને આ વૈરાગ્ય પંખિણી ફરીથી દિવ્યધામ પ્રત્યે ઊડી ગઈ.

(ક્રમશઃ)

Total Views: 121

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.