સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે,
સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ,
કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે,
કીધો કાંઈ કરમ ભરમનો ઉચ્છેદ.
તન મન સોંપ્યાં રે સતગુરુ ચરણમાં રે,
પ્રેમ થકી કીધા પિયુજીને હાથ,
બાહિર ભીતર રે રસિક વ૨ ૨મી રહ્યો રે,
નજરેથી ન જાય મારો નાથ.
– સતગુરુ.

અજાણી ને હતી રે અનંત આવ૨ણે રે,
સતગુરુએ પડળ કીધાં દૂર,
અહોનિશ ઝીલું રે પ્રેમ આનંદમાં રે,
જ્યાં જોઉં ત્યાં હરિ રહ્યા ભરપૂર.
– સતગુરુ.

આપુને ભૂલી રે વરતું વિદેહીમાં રે,
પ્રગટી કાંઈ પૂરણ બ્રહ્મદશાય,
શુદ્ધ વિચારે રે જે હતું તે રહ્યું રે,
અણછતા રવિદાસ જશ ગાય.
-સતગુરુ સાથે રે.ત

કાવ્યાસ્વાદ

પોતાના ગુરુ ભાણસાહેબનું નામ ઘેર ઘે૨ ગાજતું કરનાર તેમના શિષ્ય રવિસાહેબે (સને ૧૭૨૭-૧૮૦૪) ગુરુ મહિમાની અનેક સાખીઓ અને અનેક ભજનો ગાયાં છે અને ગુરુના નામનો ડંકો વગાડ્યો છે. ભાણસાહેબની શિષ્ય પરંપરામાં રવિસાહેબે જ્ઞાનનાં તાતાં કિરણો અને ભક્તિનાં મેઘધનુષ્ય બિછાવ્યાં અને એ રીતે કરડા જ્ઞાન અને કોમળ પ્રેમનો મસ્તાનો પ્યાલો ભરી ભરીને છલકાતી વાણી તેમને કંઠેથી નીકળી છે, અને સર્વત્ર આનંદ આનંદ છવાયો છે. આ ભજનમાં રવિદાસ ગુરુએ કરાવેલ સત્યદર્શનનો મનોમન મહિમા ગાય છે.

ભારતના કે જગતભરના મરમી સંતોના મેળામાં ભાગ લેવા આપણે કોઈ ગુજરાતી સંતને મોકલવા હોય તો રવિદાસનું નામ તરત જ હોઠે ચડે. રવિસાહેબની આધ્યાત્મિક અનુભૂતિનું ઊંડાણ ને વિશાળતા જોતાં તેમને ‘સ૨ભંગી’ની ટોપી ઓઢાડી શકાય અને એમના સદ્ગુરુ ભાણે એટલે જ એમને ટોપી ઓઢાડી હશે. એક જ પરમાત્મતત્ત્વને અનેક રીતે જાણવા, માણવા અને ઓળઘોળ થઈ આત્મસાત્ કરવા રવિસાહેબમાં અપાર તલસાટ છે, અથાક તલાશ છે અને હ૨ મુકામ પર પોતાની અનુભૂતિને વાચા આપવાની અનોખી છટા છે. એ જ્ઞાનની વાત કરશે તો શ્રીરામકૃષ્ણ પરમહંસ કહેતા તેમ “કોરી ફિલોસોફી” નહિ ગોખે. એ પ્રેમની વાત ક૨શે તો છીછરાં જળને છેટાં રાખી પાતાળ ભેદી અમરઝરો હોય!

સતગુરુ સાથે મારે પ્રેમ બંધાયો અને તેમણે મને એક જ સંકેતથી બ્રહ્મનું પૂરું રહસ્ય સમજાવી દીધું. કાર્ય-સૃષ્ટિ અને કારણ-પરમાત્મા બંનેને મેં સમદૃષ્ટિએ અનુભવ્યાં. અને તેથી મારાં કર્મબંધન અને ભેદ-ભ્રમણા નાશ પામ્યાં.

‘આપુને ભૂલી રે’ – અહંકારનો લય કરીને વિદેહીમાં-જીવનમુક્તિમાં વિચરી રહું એવી બ્રહ્મદશા પ્રાપ્ત થઈ. શુદ્ધ વિચાર કરતાં કાંઈ નવીન પ્રાપ્તિ નથી થઈ. પણ માયાભાસ દૂર થતાં જે મૂળ સત્ય સ્વરૂપ હતું તે જ પ્રગટી રહ્યું છે. રવિદાસ મનોમન એનો મહિમા ગાય છે.

– મકરંદ દવે

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.