(શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.)

ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે – પ્રાણી જગતનો વિકાસ ‘આત્મરક્ષણ’ માટેના પ્રચંડ પ્રયત્નો કે પ્રતિસ્પર્ધા અને પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતમાંથી થયો છે. પરંતુ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: “સાવ એવું જ નથી. પ્રેમમાંથી પસાર થઈને જ મનુષ્ય આગળ વધે છે; પ્રેમના બંધનથી સમાજ એકત્ર બનેલો છે અને પ્રેમના આધારે જ સમાજની ઉન્નતિ થાય છે.” વળી તેઓ કહેતા: “પ્રેમ, પ્રેમ…એ જ માત્ર ધન.” તેમણે વધુમાં કહ્યું હતું: “જીવો પ્રત્યે જે પ્રેમ ધરાવે છે, તે જ માણસ ઈશ્વરને ભજે છે.”

હું કોઈ મતવાદની સમાલોચના ક૨વા માટે અહીં આ બધી વાતો કહેતો નથી. હું તો માત્ર એટલું જ કહું છું કે સ્વામી વિવેકાનંદ કઈ રીતે વિચારતા અને કેવી વિચારધારાના અવલંબનને કારણે આ રામકૃષ્ણ મિશનની તેમણે પ્રતિષ્ઠા કરી હતી.

આ વિચારધારા તેઓએ તેમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના ચ૨ણ સમક્ષ બેસીને પ્રાપ્ત કરી હતી. બે એક ઘટના કહેવાથી આપ વિષયને સમજી શકશો. એક દિવસ શ્રીરામકૃષ્ણે નરેન્દ્રનાથને પૂછ્યું હતું: “તું શું ઈચ્છે છે?” નરેન્દ્રનાથે કહ્યું હતું: “હું તો નિર્વિકલ્પ સમાધિમાં ડૂબી રહેવા ઈચ્છું છું, ત્યાર બાદ શરી૨ ટકાવવા માટે થોડું નીચે આવી ફરી સમાધિમાં ગરકાવ થઈ જવા ઈચ્છું છું.” શ્રીરામકૃષ્ણ અસંતુષ્ટ બની બોલ્યા: “છિ. છિ, તું આટલો મોટો આધાર- તારા મોઢામાં આવી વાત! મેં તો એમ વિચાર્યું હતું કે તું તો એક વિશાળ વડના ઝાડની જેમ વૃદ્ધિ પામીશ કે જેની છત્રછાયામાં હજારો હજારો લોકો આશ્રય મેળવશે. પણ તું તો સ્વાર્થી બની માત્ર પોતાની જ મુક્તિ ઈચ્છે છે!” સ્વામી વિવેકાનંદના જીવનમાં અવશ્ય નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થઈ હતી, પરંતુ એ બાબતની અહીં આપણે ચર્ચા કરતા નથી. આપણે તો અહીં સ્વામીજીની સમાજદૃષ્ટિની – મનુષ્ય પ્રત્યેના તેમના છાતીફાટ દર્દની ચર્ચા કરીશું કે જે તેમને ઉત્તરાધિકારરૂપે શ્રીરામકૃષ્ણદેવ પાસેથી મળેલી અને તેમના કાર્યમાં પરિણત થઈ હતી.

શ્રીરામકૃષ્ણદેવ મથુરબાબુ સાથે દેવધર પાસે જઈ પહોંચ્યા. ત્યાં તો અનેક ગરીબ લોકો હતા જેમને ખાવા ન મળતું, પહેરવા ન મળતું. તેમના જીર્ણ-શીર્ણ હાડપિંજર જેવા ચહેરાઓ તેમ જ તેલ વગરના બરછટ વાળ જોઈને શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “આ બધાને માથામાં નાખવા માટે તેલ આપ, એક એક નવું વસ્ત્ર આપ અને પેટ ભરી જમવા આપ.” મથુરબાબુ તો રહ્યા સંસારી! શ્રીરામકૃષ્ણ તરફ જોઈને તેઓ કહેવા લાગ્યા: “બાબા, આ બધાની સંખ્યા તો કંઈ એકદમ થોડી નથી. એટલા રૂપિયા જો અહીં ખર્ચી નાખીએ, તો પછી તીર્થદર્શન કઈ રીતે થશે?” શ્રીરામકૃષ્ણદેવ બોલ્યા: “તારી કાશીએ હું જઈશ નહીં. હું આ લોકો પાસે જ રહીશ. આ લોકોનું કોઈ નથી. આ બધાને છોડીને હું જઈશ નહિ.”

આ પ્રસંગ અંગે ઊંડું ચિંતન કરવું જોઈએ. આ વાત છે શ્રીરામકૃષ્ણની, જેમણે મૃણ્મય દેવીમાં ચિન્મયીનાં દર્શન કર્યાં હતાં. તેમણે પોતાના જીવનમાં આથી પ્રમાણિત કરી આપ્યું હતું કે હિન્દુઓ માત્ર મૂર્તિપૂજક નથી. તેઓ માત્ર મૂર્તિની પૂજા કરતા નથી. પરંતુ મૂર્તિમાં ભગવાનની જ પૂજા કરે છે. ૧૯મી સદીમાં તેઓએ આ રીતે જીવન જીવી દેખાડ્યું હોવાથી જ આજે ય હિન્દુધર્મ જીવંત છે. આવા શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: “હું તીર્થદર્શન માટે જઈશ નહિ.” આ વાત જો કે સંપૂર્ણ નવી નથી. આ અંગે ભાગવત કહે છે:

યો માં સર્વેષુ ભૂતેષુ સન્તમાત્માનમીશ્વરમ્।

હિત્વાર્ચાં ભજતે મોઢયાદ્ ભસ્મન્યેવ જુહોતિ સઃ।।

(૩, ૨૯-૨૨)

– હું સર્વભૂતોમાં વસેલો છું. સકલ પ્રાણીઓનો આત્મા અને ઈશ્વર છું જે આવા મને છોડીને મૂર્તિની પૂજા કરવા જાય તેની પૂજા કેવી? જાણે કે ભસ્મમાં આહુતિ આપવા જેવી જ.

દક્ષિણેશ્વ૨માં હાજરામહાશયે તેમને કહ્યું હતું: “આપ પરમહંસ, સર્વદા સમાધિમાં ડૂબ્યા રહો તેમ ન કરતાં, નરેન્દ્ર, રાખાલ – આ બધા અંગે વિચાર્યા કરો છો!” આ સાંભળી ઠાકુરે વિચાર્યું હતું કે આનું કહેવું તો બરાબર લાગે છે એમ ક૨વું હવે મને પરવડશે નહિ. ત્યાર પછી તેઓ ઝાઉતલાથી આવે છે ત્યારે એકાએક જગન્માતાએ તેમને કલકત્તા આંખ સામે દેખાડ્યું અને કલકત્તાના લોકો સંસાર રૂપી કાદવમાં દિનરાત ડૂબ્યા રહીને જે યંત્રણા ભોગવે છે, એ જોઈને તેમને દયા આવી. તેઓ વિચારવા લાગ્યા, “ભલે મને લાખોગણું કષ્ટ થાય તો પણ જે રીતે તેમનું મંગલ થાય, ઉદ્ઘાર થાય તેમ જ કરીશ.” આ વિચાર પણ અવશ્ય એકદમ નવો નથી. આપણે ભાગવતમાં જોઈએ છીએ-

પ્રાયેણ દેવ મુનયઃ સ્વવિમુક્તિકામા,

મૌનં ચરન્તિ વિજને ન પરાર્થનિષ્ઠાઃ।

નૈતાન્ વિહાય કૃપણાન્ વિમુમુક્ષ એકો

નાન્યં ત્વદસ્ય શરણમ્ ભ્રમતોઽનુપશ્યે

(૭-૯-૪૪)

પ્રહ્લાદ નૃસિંહદેવને કહે છે;

“હે દેવ! મુનિઓ મોટે ભાગે પોતાની મુક્તિની ઈચ્છાથી નિર્જનમાં મૌનવ્રત ધારણ કરે છે. તેઓ પરાર્થનિષ્ઠ નથી, પરંતુ આ દીન અસુર બાળકોનો ત્યાગ કરીને હું એકલો મુક્ત થવા ઈચ્છતો નથી. સંસારમાં ભટકતા આ જીવોનો આપ સિવાય બીજો કોઈ આશ્રય મને દેખાતો નથી.”

શ્રીરામકૃષ્ણે આ જ જીવ કલ્યાણના માર્ગનું અનુસરણ કર્યું હતું અને સ્વામી વિવેકાનંદે આ માર્ગનું અવલંબન લઈને જગત કલ્યાણની સાધના આરાધવા નિર્દેશ કર્યો હતો. અલબત્ત ‘જગત કલ્યાણની સાધના’ એ શબ્દ પ્રચલિત અર્થમાં વપરાયો. પરંતુ ઠાકુરનો ભાવ જુદો હતો. આપ લોકોએ કદાચ શ્રીકૃષ્ણદાસ પાલનો ઠાકુર સાથેની મુલાકાતનો પ્રસંગ વાંચ્યો હશે. શ્રીરામકૃષ્ણે એક વખત શ્રીયુત કૃષ્ણદાસ પાલને પૂછ્યું હતું: “જીવનનો ઉદ્દેશ્ય શો છે?” તેઓએ કહ્યું હતું: “જગતનો ઉપકાર ક૨વો.” શ્રીરામકૃષ્ણે તેમને કહ્યું હતું – “જગતનો ઉપકાર તમે શું કરશો? જગત શું આટલું જ!”

વાસ્તવિક રીતે જગતનો ઉપકાર તો એક માત્ર ભગવાન જ કરી શકે. તો પછી આપણે શું કરી શકીએ? આપણે ‘શિવજ્ઞાને જીવસેવા’ કરી શકીએ. આ ઉપદેશ સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના શ્રીમુખેથી સાંભળ્યો હતો. એક દિવસે શ્રીરામકૃષ્ણે એક વિશેષ ધર્મમતની વાત ઉપાડી કહ્યું હતું, ‘‘એ મત પ્રમાણે મનુષ્યનાં ત્રણ કર્તવ્યો છે – જીવો પ્રત્યે દયા, હરિનામમાં રુચિ અને વૈષ્ણવ સેવા.” નામમાં રુચિ બરાબર સમજાય, વૈષ્ણવ સેવા પણ સમજાય પરંતુ ‘જીવો પ્રત્યે દયા’ બોલતાં જ તેઓ સમાધિસ્થ થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, ‘‘જીવો પ્રત્યે દયા – જીવો પ્રત્યે દયા? કીટાણુંનો યે કીટ તું જીવ પ્રત્યે દયા કરીશ? દયા કરનાર તું કોણ? ના – ના જીવ પ્રત્યે દયા નહિ – શિવજ્ઞાને જીવની સેવા.”

દયા એટલે શું? હું મોટો અને તું નાનો. મારી પાસે કંઈ આપવા જેવું છે તે હું આપું છું અને તું માથું નીચું રાખી ગ્રહણ કર અને જીવનપર્યંત મારો કૃતજ્ઞ રહે – આ છે દયાનો ભાવ. ઠાકુરે કહ્યું- “ના, ના, શિવજ્ઞાને જીવની સેવા. આ બધા શિવ, આ બધા નારાયણ, એવી નારાયણ બુદ્ધિથી – શિવબુદ્ધિથી એ બધાની સેવા કરવાની છે.

તે વખતે ઉપસ્થિત રહેલા નરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણની આવી વાણી સાંભળીને સેવાનો ગૂઢ મર્મ હૃદયંગમ કર્યો હતો અને સેવાના આ આદર્શને મૂર્તસ્વરૂપ આપવા કૃતનિશ્ચયી બન્યા હતા. સારા ય ભારતમાં તેઓ ભમ્યા હતા. પરંતુ કોઈ માર્ગ મળતો ન હતો. અંતે કન્યાકુમારીમાં ભારતના અંતિમ સ્થળ પરની એક શિલા પર ઈ.સ. ૧૮૯૨ના છેલ્લા સપ્તાહમાં અથવા તો કદાચ ઈશુ ખ્રિસ્તના જન્મદિવસે, બેસીને તેઓ ધ્યાનમગ્ન બન્યા હતા. ત્યારે તેમની સામે સત્ય સ્પષ્ટપણે પ્રકટ થયું. તેમને સમજાયું કે જ્યાં સુધી લોકોમાં જાગૃતિ આવે નહિ ત્યાં સુધી ભારતની ઉન્નતિ કોઈ હિસાબે થઈ શકે નહિ. લોકોની ઉન્નતિ થાય ત્યારે જ ભારતની ઉન્નતિ સંભવી શકે. પરંતુ લોકોની આ પ્રકારની ઉન્નતિ ધર્મ દ્વારા થશે, ધર્મ છોડીને નહિ.

ત્યાર બાદ સ્વામીજીએ પશ્ચિમમાં જઈને અદ્વૈત વેદાંતનો સંદેશો પહોંચાડ્યો. વિદેશમાં આધ્યાત્મિકતાનો અભાવ છે. તેમનો એ અભાવ દૂર કરીને તેના બદલામાં જો કંઈક પ્રાપ્ત થાય તો તેનાથી ભારતવર્ષની ઉન્નતિ કરવા સ્વામીજી ઈચ્છતા હતા. તેમના પ્રયત્નથી વિદેશમાં આધ્યાત્મિકતાનાં અને ભારતમાં પ્રગતિનાં બીજ રોપાયાં હતાં.

આ દેશમાં સંન્યાસીઓ વનમાં – જંગલમાં પોતાની મુક્તિ માટે સાધના કરે છે. અન્યની સેવામાં સામાન્યતઃ તેઓ જોડાય નહિ. અલબત્ત બધા જ સમયે આ પ્રમાણે ન હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે બૌદ્ધ સમાજમાં સેવાધર્મ પ્રચલિત હતો. આપ જાણો છો કે વાસવદત્તાની સેવા એક બૌદ્ધ ભિખ્ખુએ કરી હતી. પરંતુ ભૂતકાળના એ યુગની વાત આપણી પાસે અજાણ જ રહી ગઈ છે. સ્વામીજીએ એ જ સેવાધર્મને પુનર્જીવિત કર્યો.

સ્વામીજીએ કહ્યું: સેવાનું આ વ્રત સંન્યાસીઓએ ગ્રહણ કરવાનું છે. માત્ર પોતાની મુક્તિ માટે નહિ, અન્યના કલ્યાણ માટે પણ. અને તેનાથી પોતાની મુક્તિ સહજ બની રહેશે. ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ આ હતો તેમનો મંત્ર. ૫૨ને ૫૨ માનીને તેનું કલ્યાણ કરવા નહિ. હું પૂજા કરું છું-અન્યની નારાયણ ભાવે. હકીકતમાં ત્યાર બાદ પારકાં કહેવા જેવું કોઈ રહેતું નથી. મનુષ્ય રૂપે ભગવાન જ સામે ૨હે છે! શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું: “મૂર્તિમાં ઈશ્વરની પૂજા થાય અને જીવતા મનુષ્યમાં થાય નહિ?” આપણે કુમારિકામાં ભગવતીની પૂજા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભક્તિમાન ગૃહસ્થ આ બધી બાબતમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ પતિ અને પત્નીને શિવ અને શક્તિરૂપે માને. જીવનમાં એક ધર્મભાવ લઈને આવે તે રીતે જોતાં આપણે ધર્મભાવનાના આધારે અન્યની સેવા કરીને ભગવાનનું અવલંબન કરીએ. આપણે વિચારીએ કે નારાયણ આપણી સામે આપણી સેવા ગ્રહણ કરવા માટે ઉપસ્થિત છે. જેને જે બાબતમાં અભાવ હોય, વિદ્યાનો અભાવ હોય, શારીરિક શક્તિનો અભાવ હોય, આધ્યાત્મિક અભાવ હોય, બધા જ પ્રકારના અભાવ દૂર કરવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે. આપણે એ જ કરી રહ્યા છીએ – ‘શિવજ્ઞાને જીવસેવા.’

શ્રીરામકૃષ્ણદેવે જે દિવસે ‘જીવો પ્રત્યે દયા’ પ્રસંગે શિવજ્ઞાને જીવની સેવાની વાત કરી હતી તે દિવસે તે જ વાત સાંભળીને સ્વામી વિવેકાનંદે – ત્યારના નરેન્દ્રનાથે કહ્યું હતું: “આજે એક નવીન વાત સાંભળી છે. જો ભગવાન સુઅવસર આપશે તો હું એને કાર્યમાં પરિણત કરી દેખાડીશ અને એમાં જ હું જોઉં છું, સમસ્ત સાધનપથનો સમન્વય. કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અથવા ધ્યાનયોગ – બધા જ અહીં એકઠા થાય છે.”

સ્વામી વિવેકાનંદે જે ભાવધારા શ્રીગુરુના ચરણતળે બેસીને પ્રાપ્ત કરી હતી તે જ તેઓ આપણને આપી ગયા છે. અહીં એક વાત ખાસ કહેવી જોઈએ:

સ્વામીજીએ જ્યારે શ્રીરામકૃષ્ણ સંઘ સ્થાપ્યો ત્યારે નિયમાવલી બનાવીને અમને કાર્યરત થવા આદેશ આપ્યો હતો. ત્યારે સાથો સાથ તેમણે અનુરોધ કર્યો હતો કે તમે ક્યારેય રાજકારણમાં જોડાશો નહિ અને સમાજ સુધા૨ણા માટે ક્યારેય જશો નહિ.

સ્વામીજીના નિર્દેશ પ્રમાણે અમે સમાજની સેવા કરવા જઈએ છીએ. રાજનીતિની અમે અવજ્ઞા નથી કરતા તેમજ સમાજસુધારણાની પણ અવહેલના કરતા નથી. પ્રત્યેકનું પ્રયોજન હોય છે. સ્વામીજી તેમનાં વક્તવ્યોમાં કેટલી બધી વાતો કહી ગયા છે! કેટલા બધા દૃષ્ટિકોણ બતાવી ગયા છે! કઈ દિશામાં જતાં સમાજની ઉન્નતિ થશે અને કઈ દિશામાં જતાં દેશનું કલ્યાણ થશે, વગેરે. પરંતુ અમે રામકૃષ્ણ મઠ અને મિશનમાં કામ કરીએ છીએ. અમે કદી રાજકારણમાં જોડાવા ઈચ્છતા નથી. અમે ક્યારેય સમાજસુધા૨ણામાં જવા ઈચ્છતા નથી. અમારા સંન્યાસીઓ મત દેવા જતા નથી અથવા કોઈ પક્ષમાં જોડાઈને પ્રચાર કરવા જતા નથી.

સ્વામીજીની આ વાણી અને સંદેશ અમને પથદર્શન કરાવે છે. તેમના ચીંધેલા માર્ગે ચાલવા અમે પ્રયત્ન કરીએ છીએ. એ જ માર્ગનું અવલંબન કરીને વિભિન્ન જગ્યાએ કેટલીક સંસ્થાઓ સ્થાપિત થઈ છે અને કાર્ય થઈ રહ્યું છે. આવશ્યક્તાના પ્રમાણમાં તે ઓછું હોઈ શકે પરંતુ એમાં અમારા પ્રાણનું ખેંચાણ છે. ભગવાનનું સોંપેલું જે કામ અમારા ઉપર આવે છે, અમે ઈચ્છીએ કે તે કાર્યનું સારી રીતે પરિચાલન થાય, જેથી કરીને સેવાનું એક ઉદાહરણ અથવા આદર્શ જોઈને અન્ય લોકો પણ વિવિધ જગ્યાએ વિવિધ સંસ્થાઓ ઊભી કરી શકે અને સમાજનું અને જગતનું ખરેખર કલ્યાણ થાય.

ભાષાંતરઃ શ્રી કુસુમબહેન પરમાર

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.