“ઓ રે ૨સકે! વધુ દારૂ ઢીંચતો નહિ!” શ્રીરામકૃષ્ણદેવે હસતાં હસતાં દક્ષિણેશ્વરના કાલી મંદિરના રસિક મહેત૨ને કહ્યું. શ્રીરામકૃષ્ણદેવ તેને પ્રેમથી ‘રસકે’ કહીને બોલાવતા. રસિક ત્યારે દારૂના નશામાં જમીન પર આળોટી રહ્યો હતો. તેણે કહ્યું, “બાપુ, મારી પાસે એટલા પૈસા જ ક્યાં છે કે રોજ-રોજ દારૂ પીઉં? આ તો સદ્નસીબે નટવ૨ પાંજાની મા મરી અને સાફસૂફ ક૨વા માટે થોડા વધારાના પૈસા મળ્યા એટલે. પણ રોજ-રોજ વળી કોની મા મરવાની છે?’’

રસિક મહેત૨ ભલે દારૂડિયો હતો પણ શ્રીરામકૃષ્ણદેવનો ચાહક હતો. એ જોતો કે શ્રીરામકૃષ્ણદેવ પાસે અનેક લોકો આવજા કરે છે. રોજબરોજના ઈશ્વરીય પ્રસંગો, કથાવાર્તા, ભજન – કીર્તનથી ગુંજતા શ્રીરામકૃષ્ણદેવના ઓરડાને જોઈને એક મૂક વેદના રસિકના મનમાં ઘુમરાયા કરતી. એને થતું એનાં એવાં નસીબ ક્યાંથી કે તે શ્રીરામકૃષ્ણદેવની કૃપા પામે, એમનો ચરણસ્પર્શ કરે? એક દિવસ શ્રીરામકૃષ્ણદેવ શૌચક્રિયા પતાવી પોતાના ઘર ભણી પાછા ફરી રહ્યા હતા. હજુ પંચવટી પાસે પહોંચ્યા જ હતા ત્યાં તો રસિક લાંબો થઈ ભોંય પર આળોટી પડ્યો. શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર ચરણ પકડી આર્તસ્વરે તેણે પોતાના મનની વ્યથા વ્યક્ત કરી દીધી, ‘‘મારું શું થશે?” શ્રીરામકૃષ્ણદેવ અચાનક આ જોઈ ચમક્યા અને એ જ પળે સમાધિસ્થ થઈ ગયા. રસિકની આંખોમાંથી તો આંસુની ધાર. સમાધિ અવસ્થામાંથી સહજ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી શ્રીરામકૃષ્ણદેવે સાંત્વના આપતાં કહ્યું, ‘‘ચિંતા કરીશ નહિ, તારું બધું જ થઈ ગયું. અંત સમયે હું તને તેડી જઈશ.” અને એવું જ બન્યું. મૃત્યુની થોડી વાર પહેલાં રસિકે પોતાની પથારી ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે લઈ જવાનું કહ્યું. મૃત્યુની પળે રસિક પોકારી ઊઠ્યો, “બાપુ, તમે અહીં! તમે સાચે જ આવ્યા, બાપુ!” એમ કહેતાં કહેતાં રસિકે છેલ્લો શ્વાસ લીધો.

શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી શિવાનંદજી મહારાજ (મહાપુરુષ મહારાજ) રસિક મહેતરનો પ્રસંગ સંભળાવી કહેતા, “જે કોઈ વ્યક્તિ શ્રીરામકૃષ્ણદેવને શરણાગત થશે, તે અવશ્ય મુક્તિ પામશે.’’

ઈશ્વર એ અહેતુક કૃપાસિન્ધુ છે, નાત-જાતના ભેદભાવ વગર શરણાગતોની રક્ષા કરે છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-

માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઽપિ સ્યુઃ પાપયોનવઃ।

સ્ત્રિયો વૈશ્યાસ્તથા શુદ્રાસ્તેઽપિ યાન્તિ પરાં ગતિમ્।।

“હે અર્જુન! સ્ત્રી, વૈશ્ય, શુદ્ર તથા પાપયોનિમાં જન્મેલ વ્યક્તિ (ચાંડાલાદિ) પણ જો મારે શરણે આવે છે તો તેને પરમગતિ મળે છે.’’

‘રામચરિતમાનસ’માં પ્રસંગ આવે છે. વિભિષણનો પ્રથમ વાર મેળાપ જ્યારે હનુમાનજી સાથે લંકામાં થાય છે, ત્યારે તેમને પ્રભુ શ્રીરામચંદ્રજી સ્વીકા૨શે કે નહિ એવી શંકા નિર્મૂળ ક૨વા હનુમાનજી તેમને કહે છે:

કહહુ કવન મૈં પરમ કુલીના

કપિ ચંચલ સબહીં બિધિ હીના।।

પ્રાત લેઈ જો નામ હમારા

તેહિ દિન તાહિ ન મિલૈ અહારા।।

(સુંદરકાંડ: ૬/૭-૮)

‘‘કહો તો, હું ક્યાં મોટો કુલીન છું? (જાતિનો) ચંચળ વાનર છું અને સર્વ પ્રકારે નીચ છું. પ્રાતઃકાલમાં જે અમારું (વાનરોનું) નામ લે, તેને તે દિવસે ભોજન ન મળે!’’

પછી શ્રીરામચંદ્રજીની કૃપાનું સ્મરણ થતાં હનુમાનજીનાં બન્ને નેત્રોમાં પ્રેમાશ્રુ આવી ગયાં. તેમણે કહ્યું:

અસ મૈં અધમ સખા સુનુ,

મોહુ પ૨ રઘુબીર (૫/૭)

“હે મિત્ર, સાંભળો, હું એવો અધમ છું તો પણ શ્રી રઘુવીરે મારા પર કૃપા કરી છે.’’

વિભિષણ જ્યારે શ્રીરામચંદ્રજી પાસે જાય છે, ત્યારે સુગ્રીવ તેમને રાવણનો ભાઈ સમજી શત્રુ જેવો વ્યવહા૨ ક૨વા માગે છે, પણ પરમકૃપાળુ શ્રીરામચંદ્રજી કહે છે:

કોટિ બિપ્ર બધ લાગહિં જાહુ,

આએં સ૨ન તજઉં નહિ તાહુ

સનમુખ હોઈ જીવ મોહિ જબહીં,

જન્મકોટિ અધ નાસહિ તબહીં।।

(સુંદરકાંડ-૪૪/૧-૨)

“જેને કરોડો બ્રાહ્મણોની હત્યા લાગી હોય, તેને પણ શરણે આવ્યા પછી હું ત્યજતો નથી. જીવ જ્યારે મારી સન્મુખ થાય છે, ત્યારે તેના કરોડો જન્મનાં પાપ નાશ પામે છે.”

પરમ કૃપાળુ શ્રીરામચંદ્રજી જાતિ, કુળ, મર્યાદાના ભેદભાવ વગર બધા પર કૃપા કરે છે. પાષાણ બનેલી અહલ્યાનો ઉદ્ધાર કરે છે, રાક્ષસયોનિમાં જન્મેલ વિભિષણને શરણ આપે છે, સુગ્રીવ જેવા વાન૨ ૫૨ કૃપા કરે છે, નિમ્ન જાતિના ગુહકને છાતી સરસો ચાંપે છે, નિમ્ન જાતિની સ્ત્રી શબરીનાં એઠાં બોર ખાય છે. ભગવાન શ્રીકૃષ્ણ કુબ્જા પર કૃપા કરે છે, દરિદ્ર સુદામા ૫૨ માગ્યા વગર કૃપા વરસાવે છે. કરુણામૂર્તિ બુદ્ધ અંગુલિમાલ જેવા ભયંકર ડાકુ અને આમ્રપાલી જેવી વારાંગનાનો સ્વીકાર કરે છે, ઈશુ ખ્રિસ્ત રક્તપિત્તિયાની સેવા કરે છે, પતિતા સ્ત્રીનો બચાવ કરે છે.

શ્રીરામકૃષ્ણ-અવતારમાં તો જાણે ઈશ્વરની શરણાગતવત્સલતા ચરમ સીમાએ પહોંચે છે. અહેતુક કૃપાસિન્ધુ શ્રીરામકૃષ્ણ કોઈ પણ જાતના ભેદભાવ વગર, ભક્તો પાસેથી સાધનની કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર કૃપા વર્ષણ કરે છે. નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, વગેરે શુદ્ધ, નિર્મળ, ત્યાગી સંતાનો પર તેઓ પોતાના પ્રેમનું વર્ષણ કરે છે, અને ગિરીશ ઘોષ, પદ્મવિનોદ, કૃષ્ણદત્ત, બિહારી વગેરે દારૂડિયાઓ, મન્મથ જેવા ગુંડાઓ, તેલોભેલો વગડાના ડાકુ જેવા ૫૨ પણ કૃપા કરે છે. ગૌરીમા, યોગીન મા, ગુલાબ મા વગેરે ઉચ્ચકોટિની સાધિકાઓ પર પોતાની કૃપા વરસાવે છે અને સમાજમાં તિરસ્કાર પામેલ લક્ષ્મીબાઈ અને ૨મણી જેવી વેશ્યાઓને, નટી વિનોદિની જેવી અભિનેત્રીઓને, વૃંદા અને ભગવતી જેવી દાસીઓને પણ શરણ આપે છે. ગોપાલની મા જેવી ઉચ્ચ કુળની સ્ત્રીઓને તેઓ આધ્યાત્મિક પથે અગ્રસર કરે છે અને ભૈરવી દાયણ, ધની લુહારણ, ખેતીની મા (સુથાર) વગેરે નિમ્ન કુળની સ્ત્રીઓ પર પણ પોતાનો પ્રેમ વરસાવે છે. રાણી રાસમણિના જમાઈ મથુરબાબુ, લક્ષ્મીનારાયણ મારવાડી વગેરે કેટલાય ધનાઢયો તેમની કૃપાના પાત્ર બને છે અને દેવધરના કંગાલો, રાણાઘાટના દરિદ્ર ખેડૂતો, શ્રી દેવેન્દ્રનાથ મજુમદાર જેવા ગરીબ ભક્તો પણ તેમની કૃપાના પાત્ર બને છે. વૈષ્ણવચરણ, ગૌરી પંડિત, નારાયણ શાસ્ત્રી, પદ્મલોચન, વગેરે પંડિતોને, કેશવચંદ્ર સેન, શિવનાથ શાસ્ત્રી જેવા બ્રહ્મસમાજના નેતાઓને, ડૅપ્યુટી મૅજિસ્ટ્રેટ શ્રી અધરલાલ સેન, કૅપ્ટન જેવા સરકારી અમલદારોને, ડૉ. મહેન્દ્રલાલ સ૨કા૨, ડૉ. રાજેન્દ્ર દત્ત, ડૉ. નિતાઈ હાલદાર, ડૉ. ભગવાનદાસ રુદ્ર, દોકડી દાકતર, રાખાલ દાકતર, ડૉ. ભાદુડી, ડૉ. પ્રતાપ, મધુસૂદન દાકતર વગેરે દાકતરોને અને સમાજમાં સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓને શ્રીરામકૃષ્ણદેવ જેટલો પ્રેમ કરતા એટલો જ પ્રેમ રસિક મેહતર, દક્ષિણેશ્વર મંદિરના દરવાન હનુમાનસિંહ, માળી ભર્તાભારી, રસોયા ઈશ્વર ચાટુજ્જે, કામારપુકુરના – શંભુ કુંભાર, મધુ જૂગી, ચંડા ઓઝા (ભૂવો), કાશીપુ૨ના – રસોઈયા ગાંગુલી, મીઠાઈવાળા ફાગુ, ઘોડાગાડીવાળા વેણી સાહા વગેરેને કરતા. સર્વ ધર્મના અનુયાયીઓ પર તેમની કૃપા સમાનરૂપે વરસતી. ખ્રિસ્તી ધર્મના સાધુ પ્રભુદયાલ મિશ્ર અને વિલિયમ્સ, શીખ સિપાહી કુંવરસિંહ, ગેરાતલા મસ્જિદના મુસ્લિમ ફકીર, સર્વ ૫૨ તેમની સમાન કૃપા વરસતી.

આજે પણ વિશ્વના દરેક માનવ પર કૃપા વરસાવવા શ્રીરામકૃષ્ણદેવ રાહ જોઈને ઊભા છે. તેઓ અહેતુક કૃપા સિન્ધુ છે, કારણ વગર ભક્તોને શરણ આપે છે, એટલે આપણે ‘આપણી યોગ્યતા છે કે નહિ’ એવા સંશયો ત્યજી તેમની શરણે જઈએ, ચિંતામુક્ત બનીએ, ભયરહિત થઈએ.

એક વા૨ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીને કેટલાક બ્રહ્મચારીઓએ વિનંતી કરી, “મહારાજ, આપે તો શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી છે, અમને આપના મુખેથી એમની વાતો સાંભળવી છે.” પૂ. મહારાજે આ વાત નકારતાં કહ્યું, ‘‘એ બધી વાતો તમને શ્રીમા વિષે પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવશે. તો પણ તમે આટલો આગ્રહ કરો છો, તો શ્રીમાએ કહેલી અત્યંત મૂલ્યવાન એક વાત કહું છું. શ્રીમા શારદાદેવી કહેતાં, ‘આ વખતે શ્રીરામકૃષ્ણદેવે આવી કૃપાના દરવાજા ખોલી દીધા છે.’ એનો અર્થ સમજ્યા? આ પહેલાં ગર્ભમંદિરમાં સ્થપાયેલ ઈશ્વરની મૂર્તિનાં દર્શન ક૨વા દરવાજા ઊઘાડવા પડતા, તાળું ખોલવું પડતું, સ્ટોપર ખોલવી પડતી, પણ શ્રીરામકૃષ્ણદેવના આગમનથી હવે આ દર્શન અત્યંત સુલભ થઈ ગયાં છે. તાળું ખૂલી ગયું છે, સ્ટોપર ખૂલી ગઈ છે, દરવાજા માત્ર વાસેલાં છે, માત્ર એક ધક્કો દેવાથી ખૂલી જશે!”

એક વાર એક ભક્તે શ્રીમા શારદાદેવીને કહ્યું, મા, મને બહુ ડર લાગે છે. શ્રીમાએ કહ્યું, “દીકરા તેં શ્રીરામકૃષ્ણદેવનું શરણ લીધું છે, પછી ભય શેનો? જો શરણાગતની રક્ષા તેઓ ન કરે તો તો એ તેમનો મહા અપરાધ થશે.”

તો પછી હવે ભય શેનો? ચાલો, સંશયરહિત થઈ, ચિંતામુક્ત થઈ, શ્રીરામકૃષ્ણદેવના શરણે જઈએ અને સ્વામી વિવેકાનંદજી સાથે ઉત્સાહપૂર્વક ગાઈએ:

નિર્ભય ગતસંશય દૃઢનિશ્ચય માનસવાન

નિષ્કારણ ભક્તશરણ ત્યજિ જાતિ કુલ માન।।

“હે પ્રભુ, ,તમે જાતિ, કુળ, માન વગેરે કોઈ પણ જાતના ભેદભાવ વગર શરણાગતો ૫૨ અહેતુક કૃપા કરો છો, તેથી અમને દૃઢ નિશ્ચય થઈ ગયો છે, કે અમારી રક્ષા થશે જ, અમે સંશયરહિત, ભયરહિત થઈ ગયા છીએ.’’

૧ ઘણા યાત્રીઓ દક્ષિણેશ્વરના દર્શને જાય છે ત્યારે આ સ્થળ જોવા આજે પણ જાય છે.

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.