(ગતાંકથી આગળ)

૧૮. હજારો ગૌરીમાની આવશ્યકતા છે.

આશ્રમનો પાયો હવે દૃઢ થઈ ગયો હતો. સમાજમાં આશ્રમની પ્રતિષ્ઠા પણ સ્થપાઈ ચૂકી હતી. આશ્રમમાં આવનાર સ્ત્રીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધવા લાગી. હતી. પરંતુ ગૌરીમા એ જાણતાં હતાં કે જો કોઈ પણ કાર્ય નક્કર ભૂમિકા ઉપર કરવું હોય અને તે કાયમ માટે ચાલુ રાખવું હોય તો તેને માટેના યોગ્ય પાત્રો પણ તૈયાર કરવાં જોઈએ. સંસ્થા તો જ કાયમ માટે પોતાનું અસ્તિત્વ અને અસ્મિતા ટકાવી શકે. આથી તેમણે એ દિશામાં હવે પોતાનું ઘ્યાન કેન્દ્રિત કર્યું.

ઈ.સ. ૧૯૦૦માં તેમણે કલકત્તામાં માતૃસભાનું આયોજન કર્યું હતું. તેમાં તેમણે હિંદુ સ્ત્રીઓના આદર્શ વિષે ભાષણો આપ્યાં. આ ભાષણો દ્વારા કલકત્તાના ભદ્ર સમાજને ગૌરીમાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનો પરિચય થયો. તેમની વિદ્વત્તા, શાસ્ત્રોનું જ્ઞાન, તેમનું ઊંડું ચિંતન, અને સ્ત્રીઓની ઉન્નતિ માટે તેમના હૃદયની ઉત્કટ ભાવના – આ બધું એ ભાષણો દ્વારા પ્રગટ થતું રહ્યું. થોડા જ સમયમાં તો ઉત્તમ વક્તા તરીકે તેમની ખ્યાતિ પ્રસરી રહી. ગૌરીમાનું કાર્ય હવે બે દિશામાં ચાલવા લાગ્યું – ઉચ્ચ આદર્શોનો વ્યાપક પ્રચાર અને સ્ત્રીઓનું સર્વાંગી ઘડત૨. તેમ છતાં તેમનું મુખ્ય ધ્યેય તો સ્ત્રીઓના જીવન ઘડતરનું જ હતું.

જો સ્ત્રીઓનું પાયામાંથી ઘડતર કરવું હોય તો તેના માટે આ કાર્યને સમર્પિત અને નિષ્ઠાવાન સ્ત્રીઓની જ આવશ્યક્તા છે, એમ તેમને સ્પષ્ટપણે જણાયું. સ્ત્રીઓનો ઉદ્વા૨ સ્ત્રીઓ જ કરી શકશે, સ્વામી વિવેકાનંદે કહેલી આ વાત ઘણા સમય અગાઉ ગૌરીમાએ તો આચરણમાં ઉતારી હતી! તેમને જણાયું કે સ્ત્રીઓના ઉદ્ધારના કાર્ય માટે સમર્પિત સંન્યાસિનીઓનો એક સંઘ હોવો જોઈએ. આથી તેઓ એ દિશામાં પણ કાર્ય કરવા લાગ્યાં. સુપાત્ર જણાય અને વૈરાગ્યની પ્રબળ ભાવના જેમનામાં હોય એવી કન્યાઓને તેઓ નાનપણથી જ એ જાતની તાલીમ આપવા લાગ્યાં. તેમની પ્રેરણાથી અનેક કન્યાઓએ બ્રહ્મચર્યની દીક્ષા લઈને સંઘને પોતાનું જીવન સમર્પિત કર્યું.

ગૌરીમાની આંતરશક્તિથી સ્વામી વિવેકાનંદ પણ પ્રભાવિત હતા. અમેરિકાથી તેમણે પત્રમાં ગૌરીમા વિષે લખ્યું હતું; “ગૌરીમા ક્યાં છે? આ યુગમાં હજારો ગૌરીમાની આવશ્યક્તા છે, જેમનામાં મહાન ચેતનાદાયિની શક્તિ હોય”. સ્વામીજીએ સમગ્ર ભારતનું દર્શન કર્યું હતું. ભારતની સ્થિતિ અને તેની જરૂરિયાત વિષે સ્વામીજીએ ઊંડું ચિંતન અને મંથન કર્યાં હતાં. તેમને સ્પષ્ટપણે જણાયું હતું કે ભારતને તેની દુર્દશામાંથી બહાર કાઢવું હોય, તેનું પુનરુત્થાન કરવું હોય તો તેની નારી શક્તિને જાગૃત કરવી પડશે. નારી શક્તિને જગાડવા માટે ચેતનાદાયિની શક્તિસ્વરૂપિણી નારીઓની જ જરૂર પડશે. અને એટલે જ તેમણે કહેલું એક નહીં, ચાર-પાંચ નહીં, પણ ભારતની અજ્ઞાન, અંધકારમાં અટવાતી નારીમાં ચેતના જગાડવા તેની પ્રાણશક્તિને પુનઃ ધબકતી કરવા હજારો ગૌરીમાની જરૂર છે. આજથી એક સૈકા પહેલાં સ્વામીજીએ ભારતની નારીના ઉદ્ઘાર માટે ઉચ્ચારેલી આ વાણી આજે પણ એટલી જ લાગુ પડે છે. આજે પણ ભારતની ૭૦ ટકા નારીઓ અક્ષરજ્ઞાનથી વંચિત છે. અજ્ઞાન, વહેમ, કુરિવાજોના ખપ્પરમાં હોમાઈ રહેલી નારીઓને ઉજ્જ્વળ જીવન બક્ષવા આજે પણ હજારો ગૌરીમાની જરૂ૨ છે. જો ગૌરીમાએ ગઠિત કરેલા સમર્પિત સંન્યાસિનીસંઘની વિચારધારા ભારતના પ્રત્યેક રાજ્યમાં કાર્યાન્વિત બની શકી હોત તો આજે ભારતની નારીનું જીવન આક્રંદને બદલે આનંદથી સભર હોત!

સ્વામીજીને ગૌરીમા પ્રત્યે વિશેષ પ્રેમભાવ હતો કેમકે એ યુગમાં વિધવાઓને શિક્ષણ, બાલિકાઓમાં વૈદિક સંસ્કારોનું સિંચન, અને ગૃહસ્થી નારીઓને તેમના ધર્મ પ્રમાણેનું શિક્ષણ ગૌરીમા આપી રહ્યાં હતાં. શિવજ્ઞાનથી જીવસેવાનો શ્રીરામકૃષ્ણનો ઉપદેશ યથાર્થ રૂપે આચરી રહ્યાં હતાં. આથી જ સ્વામીજી ગૌરીમાના કાર્યને બિરદાવતા હતા. તેઓ તેમના શારદેશ્વરી આશ્રમમાં પણ ગયા હતા. તેમણે ગૌરીમાને કહ્યું, ‘‘પશ્ચિમના લોકોની આગળ મેં તમારી વાત કરી છે. અને હું તમને યુરોપ, અમેરિકામાં લઈ જવા માગું છું. એ લોકોને બતાવવા માગું છું કે જુઓ ભારતની સ્ત્રીઓ આવી હોય છે!” સ્વામીજીના હૃદયમાં ગૌરીમાનું કેટલું ઊંચું સ્થાન હતું તે આ પરથી જાણી શકાય છે. જો કે સ્વામીજીની આ ઈચ્છા પૂરી થઈ શકી નહીં. પરંતુ જો ગૌરીમા યુરોપ અમેરિકા ગયાં હોત તો ત્યાંની સ્ત્રીઓ ભારતના આ નારીરત્નની પ્રતિભાથી અંજાઈ ગઈ હોત! સ્વામીજીએ શારદેશ્વરી આશ્રમ જોઈને ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. આજુબાજુનું સુંદર પ્રાકૃતિક વાતાવ૨ણ જોઈને તેઓ મુગ્ધ થયા. તેમાં ભણતી બાલિકાઓની પ્રગતિથી તેઓ ખૂબ જ સંતુષ્ટ થયા. ગૌરીમા સાથે તેમણે સ્ત્રીશિક્ષણ વિષે ચર્ચા પણ કરી અને આ ક્ષેત્રમાં હજુ વધારે સઘન કાર્ય કરવાની પ્રેરણા પણ તેમને આપી. સ્વામીજીએ ભગિની નિવેદિતા, જૉસૅફાઈન, મૅકલાઉડ શ્રીમતી સારા બુલ વગેરે વિદેશી નારીઓનો ગૌરીમાને પરિચય પણ કરાવ્યો. પાશ્ચાત્ય કેળવણીથી સંપન્ન આ વિદેશી નારીઓ ગૌરીમાની કાર્યપદ્ધતિ અને સમર્પિત વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત બની અને તેમની સાથે તેમનો આત્મીય સંબંધ બંધાયો.

નરેન દ્વારા ઠાકુર સ્વયં કાર્ય કરી રહ્યા છે, તેવી અનુભૂતિ ફક્ત ગૌરીમાને જ નહીં પણ બધાંને એ અનુભુતિ થઈ રહી હતી. આથી સ્વામી વિવેકાનંદ આશ્રમમાં આવ્યા અને ગૌરીમાના કાર્યને તેમણે બિરદાવ્યું, ને પ્રેરણા આપી, તેથી ગૌરીમા અત્યંત પ્રસન્ન થયાં અને આશ્રમના તેમના કાર્યમાં વેગ આવ્યો. મુશ્કેલીઓ સામે ઝઝુમવાની તેમની આંતરિક શક્તિ પ્રબળ બની ગઈ.

૧૯.તેઓ જ બધું ચલાવશે

ગૌરીમાનો કાર્યભાર હવે વધતો જતો હતો. આશ્રમની જવાબદારી, તેના નિભાવ માટે ફંડ ફાળા ઉઘરાવવાનું કાર્ય, આશ્રમવાસિનીઓને અને બહારથી આવતી વિદ્યાર્થીનીઓના શિક્ષણનું કાર્ય, ઉપરાંત પ્રવચનો આપવાનાં અને મુલાકાતીઓ, ભક્તો, શિષ્યો સાથે વાર્તાલાપ ક૨વાનાં – એક સાથે આ બધી જ પ્રવૃત્તિઓ તેમને કરવાની રહેતી. એ ઉપરાંત એમનું પોતાનું કાર્ય પણ ખરું અને તે એમના જીવનસ્વામી ઈષ્ટદેવતા દામોદરની સેવા પૂજાનું કાર્ય. આટલી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં તેઓ કદી થાકતાં નહીં. અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓ આવવા છતાં તેઓ કદી નિરાશ થતાં નહીં કેમકે તેઓ માનતા હતા કે કાર્યના કર્તા તો શ્રીરામકૃષ્ણ પોતે જ છે. તેઓ તો માત્ર તેમનું કરણ છે. નહીંતર બંગાળના એ રૂઢિચૂસ્ત સમાજમાં અકિંચન સ્ત્રીનું તે કેટલું ગજું કે આટલું મોટું કાર્ય સંપન્ન કરી શકે? આથી જ કાર્યની પ્રશંસા થાય તો પણ તેઓ કાર્યની સફળતાનો યશ લેતાં નહીં કે નિંદા થાય તો પણ તેઓ નિરાશ થતાં નહીં. તેમણે કહ્યું હતું;” આ કાર્ય મારું નથી પણ એમનું છે. જેમણે કાર્યમાં ઊતાર્યાં છે, તેઓ જ બધું ચલાવી દેશે. આમાં મુશ્કેલીઓ કે વિઘ્નો આવતાં રહેવા છતાં પણ મને કોઈ દુ:ખ નથી. અને પ્રશંસા મળવા છતાં મારી કોઈ બહાદુરી નથી.”

શ્રીરામકૃષ્ણ પરની એમની એવી અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેમનાં બધાં કાર્યો એક પછી એક પાર પડવા લાગ્યાં. શારદેશ્વરી આશ્રમ કલકત્તાથી તે૨-ચૌદ માઈલ દૂર હતો. આથી કલકત્તાની છોકરીઓ ત્યાં અભ્યાસ ક૨વા માટે આવી શકતી નહોતી. ગૌરીમાને જણાયું કે આશ્રમ શહે૨ની નજીક જ હોવો જોઈએ . આથી એમણે ઈ.સ. ૧૯૧૧માં ગોપાલબાગ લેનમાં એક મકાન ભાડે લીધું. આ મકાન શ્રીમા શારદાદેવી જ્યાં રહેતાં હતાં તે ઘરની નજીક જ હતું. આ મકાનમાં આશ્રમનું કામ શરૂ કરવામાં આવ્યું. શરૂઆતમાં તો ત્યાં દસબાર કુમારિકાઓ અને વિધવાઓ રહેતી હતી. અને બહારથી લગભગ ૬૦ જેટલી છોકરીઓ ભણવા માટે આવતી હતી. આ મકાનમાં થોડો સમય કામ ચાલ્યું. પછી ત્યાંથી આશ્રમને બીજા મકાનમાં ખસેડવો પડ્યો. જુદાં જુદાં કારણો અનુસાર આશ્રમને ઘણા જુદા જુદા ભાડાના મકાનમાં ચલાવવો પડ્યો. તેર વર્ષ સુધી આશ્રમ ભાડાના મકાનમાં ચાલ્યો. હવે ગૌરીમાને થયું કે આશ્રમ માટે નિશ્ચિત સ્થાન હોવું જ જોઈએ. કાર્યની સઘનતા માટે સ્થિર પાયો હોવો જરૂરી છે. એમ જણાતાં તેમણે આશ્રમના પોતાના મકાન માટે પ્રયત્નો શરૂ કર્યા અને તેઓ જમીન શોધવા લાગ્યા. મહારાણી હેમંતકુમારી સ્ટ્રીટના ૨૬ નંબરનો અત્યારના આશ્રમની ભૂમિનો થોડો ભાગ – લગભગ ચા૨ વીઘાં જમીન મળતી હતી. તે શ્રીમા શારદામણિની મંજૂરી મળતાં, રૂ. ૧૨ હજારમાં ખરીદી લીધી. જમીન તો ખરીદી, પરંતુ તેના ઉપર બાંધકામ માટે ગૌરીમા પાસે કંઈ જ પૈસા નહોતા. આથી ઘણો સમય આ જમીન એમ ને એમ જ પડી રહી.

શ્રીમા શારદામણિએ પણ પોતાનું ઐહિક જીવન આ દરમિયાન સમાપ્ત કરી દીધું. શ્રીમાના ચાલ્યા જવાથી ગૌરીમા આઘાતથી મૂઢ બની ગયાં. ઠાકુરના દેહવિલય બાદ એક માત્ર મા જ એમનાં સર્વકાર્યોના પ્રેરણાદાતા હતાં. ગૌરીમાને એવો સખત આઘાત લાગ્યો હતો કે બે વ૨સ સુધી તો તેઓ આશ્રમના મકાન અંગેનું કંઈ જ કામ હાથમાં લઈ શક્યાં નહીં. પણ પછી તેમને થયું કે શ્રીમાના નામનો આશ્રમ છે, અને તેમના માટે જ આ કાર્ય કરવાનું છે. વિશાળ મકાન ઊભું થશે તો શ્રીમાની ઈચ્છા પૂર્ણ થતાં તેઓ જરૂર પ્રસન્ન થશે. આથી તેમણે બે વરસ પછી આ કામ ફરી હાથમાં લીધું અને મકાન માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું. આ કામ કંઈ સહેલું ન હતું . તે માટે તેઓ બારણે બારણે જઈને ફંડ ઉંઘરાવવા લાગ્યાં. કેટલાક ઉદાર હાથે ફાળો આપવા આગળ આવ્યા. તો કેટલાક મોઢું ફેરવી ગયા તો કેટલાકને એમની સફળતામાં શંકા હતી આથી મદદ આપવા તૈયાર થતા નહીં. પરંતુ ગૌરીમાને આ કાર્યની સફળતામાં પૂર્ણ વિશ્વાસ હતો. કેમકે એ કાર્ય કે એની સફળતા એમાંનું કંઈ જ એમનું નહોતું. એ તો શ્રીરામકૃષ્ણનું કાર્ય હતું, અને એમનું કાર્ય કદી નિષ્ફળ જાય જ નહીં એવી તેમને અચળ શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાના બળે તેઓ મુસીબતોને પાર કરતાં કરતાં કઠિન માર્ગ કાપી રહ્યાં હતાં.

આશ્રમના મકાનના બાંધકામ માટે રાણી સરોજબાલાએ સહુ પ્રથમ રકમ ફંડમાં આપી. રાણી સરોજબાલા આસામના ગૌરીપુ૨ના જમીનદાર હતાં. શ્રીમા શારદામણિએ જ તેમને ગૌરીમાનો પરિચય કરાવ્યો હતો. શ્રીમા દેહમાં હતાં ત્યારે રાણી સરોજબાલા કલકત્તા શ્રીમાને પ્રણામ કરવા આવ્યાં હતાં. તેમણે શ્રીમાને કહ્યું, “મા, મને બિલકુલ શાંતિ મળતી નથી. મારે શું કરવું?” ત્યારે શ્રીમાએ તેમને કહ્યું; “મારે ગૌરીપુરી નામની એક પુત્રી છે. ગોપાલબાગાનમાં તેનો આશ્રમ છે. તમે ત્યાં જાઓ અને તેની સાથે વાતો કરો, તમને શાંતિ મળશે.” આથી રાણી ત્યાં ગયાં અને ત્યાં તેમણે ગૌરીમા સાથે વાતો કરી ને તેમના મનનો ભાર હળવો થઈ ગયો ને હૃદયમાં શાંતિનો અનુભવ થયો. ગૌરીમાની સાદાઈ, પવિત્રતા અને ભક્તિભાવનાએ રાણીના હૃદયને જીતી લીધું. તેઓ આશ્રમમાં ચાલી રહેલી સ્ત્રી શિક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓથી ઘણાં જ પ્રભાવિત થયાં અને ત્યારથી જ તેઓ આશ્રમના આશ્રયદાતા બની ગયાં. તે જીવ્યાં ત્યાં સુધી તેઓ આશ્રમને મદદ કરતાં જ રહ્યાં હતાં. એ રાણી સરોજબાલાએ મકાન બાંધકામના ફંડમાં પણ સર્વ પ્રથમ ઘણી મોટી રકમ આપી. તેથી ઈ.સ. ૧૯૨૩ના જગદ્ઘાત્રી પૂજાના દિવસે ગૌરીમાએ ધાર્મિક વિધિ પૂર્વક અનુષ્ઠાન કરીને અત્યારનો જે વિશાળ આશ્રમ ઊભો છે, તેનો પાયો નાખ્યો અને મકાનનું બાંધકામ શરૂ થયું.

થોડું ચણતર કામ થયું ત્યાં તો ગૌરીમા પાસે રહેલું ભંડોળ ખલાસ થઈ ગયું. ચણતર અંગેની વસ્તુઓ મગાવવાની વાત તો બાજુએ રહી, પણ કડિયાઓને વેતન ચૂકવવા માટેના પૈસા પણ રહ્યા નહીં. આથી ઘણાંએ એમને સલાહ આપી કે નવું ભંડોળ ભેગું ન થાય ત્યાં સુધી કામ બંધ રાખો. પણ ગૌરીમાએ તો દેવું કરીને પણ ચણતર કામ ચાલુ રખાવ્યું. આથી ઘણા એમને સમજાવવા લાગ્યા કે તમે આવું જોખમ ખેડો નહીં. ભંડોળ એકત્ર ન થયું તો પછી દેવું ચૂકવશે કોણ? ઊલટું વ્યાજનો ભાર વધતો જશે. ને પછી દેવું ચૂકવવું એ તમારી ગજા બહારની વાત બની જશે.” પણ ગૌરીમાએ કોઈની વાત સાંભળી જ નહીં. ઊલટું તેમણે તો દૃઢતાપૂર્વક બધાંને કહી દીધું કે “આ કામ બંધ નહીં પડે. મારી પાછળ ઠાકુર ઊભા જ છે. એમણે વચન આપ્યું છે કે તમે પાણી રેડો હું ગારો બનાવીશ. તો હવે તેમનું વચન તેઓ પૂરું ક૨શે જ.” એમની આવી દૃઢતા આગળ કોઈનું ય કંઈ ચાલ્યું નહીં અને દેવું કરીને પણ આશ્રમનું બાંધકામ ચાલુ રહ્યું.

શ્રીરામકૃષ્ણે પોતે આપેલા વચન મુજબ તેઓ સાચ્ચે જ પાણી રેડતા ગયા અને આશ્ચર્યકારક રીતે ફંડ એકત્ર થવા લાગ્યું. કલકત્તાના પ્રતિષ્ઠિત લોકોએ શારદેશ્વરી આશ્રમ માટે દેશબાંધવોને અપીલ કરી. કલકત્તાની હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સર મન્મથનાથ મુખોપાધ્યાય અને બીજા પ્રતિષ્ઠિત અધિકારીઓ આશ્રમ માટે જાતે ફાળો એકત્ર કરવા નીકળી પડ્યા હતા. તે સમયે એક સદ્ગૃહસ્થે મન્મથનાથ દાસને કહ્યું; “હું તમને એક પ્રશ્ન પૂછવા આતુર છું, પૂછું?” “હા જરૂર પૂછો.” એમ કહેતાં તે ગૃહસ્થે પૂછ્યું કે, “ગૌરીમા તેમની રૂઢિવાદી પ્રાચીન જીવન પ્રણાલિના આચરણ માટે બહુ કડક છે. તો પછી તમે તેમના આવા કાર્યમાં શા માટે જોડાયા?” દાસે સ્મિતપૂર્વક શાંતિથી એ સદગૃહસ્થને જવાબ આપ્યો કે, “આ દુનિયામાં ઘણાં કાર્યો એવાં છે કે જેમાં એક જ મંચ ઉપર ઘણા માણસો એકત્ર થાય છે. અને ૫૨સ્પ૨ સહકાર આપે છે. છતાં તે માણસો વચ્ચે સિદ્ધાંતો અને જીવનશૈલી બાબતમાં મતભેદો તો હોવાના. તે છતાં આપણે તેમને તેમના કાર્યમાં મદદ કરીએ છીએ. ચોક્કસ માતાજીની એ પ૨મ ઉદારતા અને તેમના કાર્યે મને તેમના પ્રત્યે આકર્ષ્યો છે. તેથી એક અંગ્રેજ કેળવણી પામેલો હિંદુ અને બ્રાહ્મ તમારી પાસે હાથમાં પાત્ર લઈને તેમના માટે ભીખ માગવા આવ્યો છે!” એક ન્યાયાધીશના મુખે ગૌરીમા માટે આવી પૂજ્યભાવ ભરી વાણી સાંભળીને એ ગૃહસ્થ ચૂપ થઈ ગયા અને ન્યાયાધીશના પાત્રમાં સારી એવી રકમ આપી. આમ ફંડની રકમ એકત્ર થવા લાગી.

પરંતુ જ્યારે બાંધકામ અટકી પડે તેવી સ્થિતિમાં ઉધાર લઈને પણ ગૌરીમાએ કામ ચલાવ્યું, ત્યારે નાણાં મેળવવા માટે શું ક૨વું જોઈએ તેની ચર્ચા-વિચારણા કરવા માટે એક સલાહકાર સમિતિની નિમણૂક કરવામાં આવી. સલાહકાર સમિતિની આ બેઠકમાં એક વગદાર માણસે ઊભા થઈને કહ્યું, “હું શ્રીમંતોમાંથી પચાસ હજાર રૂપિયા એકઠા કરી આપીશ.” આ રકમ એ જમાનામાં કંઈ નાની સૂની નહોતી. એ વગદાર માણસ એ કાર્ય જરૂ૨ કરી શકે તેમ હતો, છતાં ગૌરીમાએ ઊભા થઈને તેમની આ વાતનો અસ્વીકાર કરતાં કહ્યું; “ના ભાઈ, મારે આશ્રમ માટે આવી રીતે એકત્ર થયેલા ભંડોળની જરૂ૨ નથી. એ મારા સિદ્ધાંતની વિરુદ્ધનું છે. જે અનીતિ ને અસત્યના માર્ગે આવી હોય તેવી કોઈ પણ રકમ હું નહીં સ્વીકારું.” સ્પષ્ટ ના પાડી દીધી. દૈવીકાર્યોને પાર પાડવા સાધન પણ વિશુદ્ધ હોવાં જોઈએ એવું તેઓ દૃઢપણે માનતાં હોવાથી તેમણે હીનમાર્ગેથી આવેલી સંપત્તિને કદી સ્વીકારી નહીં. એવો જ એક બીજો પ્રસંગ પણ બન્યો હતો. એક વ્યક્તિ આશ્રમને ઘણું મોટું દાન આપવા ઈચ્છતી હતી. તે સમયે બાંધકામ માટે નાણાંની જરૂર પણ ઘણી હતી. પરંતુ ગૌરીમાએ જાણ્યું કે આ માણસે પોતાના સદ્ગત ભાઈની પત્નીને છેતરીને નાણાં મેળવ્યાં છે, એટલે એમણે એ નાણાં લેવાની ઘસીને ના જ પાડી દીધી કે “મારે તારી સહાયની કોઈ જરૂર નથી.” સાધન શુદ્ધ હશે તો જ સાધ્ય ઝડપથી સિદ્ધ થશે એ સૂત્રને ગૌરીમાએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું હતું અને એથી તેઓ કોઈ પ્રલોભનોને ક્યારેય વશ થયાં ન હતાં. છતાં રૂપિયા પચાસ હજાર જેવી રકમ ફાળામાં આવી. એમાંથી આશ્રમનું ત્રણ માળનું મકાન બંધાયું. ઈ.સ.૧૯૨૪ના અંતે ગૌરીમા પોતાના પ્રિય સ્વામી દામોદરને લઈને આશ્રમમાં પ્રવેશ્યાં. પરંતુ આ પ્રવેશ માટે તેમને એકધારું અઢાર મહિના સુધી સખત કામ કરવું પડ્યું હતું અને તે પણ ૬૯ વર્ષની ઉંમરે.

કલકત્તા શહે૨માં આશ્રમનું મકાન બંધાવાથી અને ગૌરીમાની ખ્યાતિ સર્વત્ર પ્રસરી જવાથી બાલિકાઓની સંખ્યા પણ વધવા લાગી. શહેરમાંથી ભણવા માટે આવતી બાલિકાઓની સંખ્યા ત્રણસોની થઈ અને આશ્રમ વાસિનીઓની સંખ્યા ૬૦ની થઈ. આમ ગૌરીમાના કાર્યને ઘણી સફળતા મળી. ગૌરીમાની કાર્યશક્તિથી પ્રભાવિત થયેલ સ્વાતંત્ર્ય ચળવળના નેતા જતીન્દ્રનાથ બસુએ મન્મથનાથ દાસને કહ્યું હતું, “એક બંગાળી સ્ત્રી અને તે ય પાછી સાધનસંપત્તિહીન, તે આવડી મોટી બહેનોની સંસ્થા ઊભી કરી શકે તે માન્યામાં નથી આવતું. જ્યારે તેમણે આશ્રમ માટે જમીન ખરીદવાની વાત કરી ત્યારે તો મને વિશ્વાસ જ નહોતો બેસતો કે આવડો મોટો આશ્રમ ઊભો થશે.” તેના ઉત્તરમાં મન્મથનાથે કહ્યું, ‘‘તમે સ્ત્રીની વાત કરો છો, પણ કેટલા પુરુષો સાથે મળીને પણ આવું કામ કરી શકે એ તો બતાવો!” આટલો બધો સર્વત્ર આદર સત્કાર અને બહુમાન મળવા છતાં ગૌરીમા તો બધાંથી અલિપ્ત હતાં. કેમકે આ સઘળી સફળતા અને સિદ્ધિના સ્વામી તો શ્રીરામકૃષ્ણ જ હતા તેમ તેઓ પણ સ્વામી વિવેકાનંદની જેમ માનતાં હતાં.

હવે ગૌરીમાની દુરદર્શિતાએ સંસ્થાના દીર્ઘજીવન માટે જવાબદારીઓનું વિકેન્દ્રીકરણ કરવાની યોજના અમલમાં મૂકી. તેમણે એક પરામર્શ સમિતિ નીમી. તેમાં પ્રસિદ્ધ નેતાઓ અને અગ્રણીઓને સામેલ કર્યા. આ સમિતિ માર્ગદર્શન આપે, તેની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સહાય કરે. આમ તત્કાલીન નેતાઓ અને અગ્રણીઓ બાલિકા વિદ્યાલયમાં રસ લેતા થાય અને પોતાનું સક્રિય યોગદાન આપે તેવી વ્યવસ્થા તેમણે ઊભી કરી. તો બીજી બાજુ કલકત્તાની સુશિક્ષિત સ્ત્રીઓને પણ તેમણે આ વિદ્યાલયના સંચાલનમાં સામેલ કરી જેથી શિક્ષિત સ્ત્રીઓની શક્તિઓનો પણ સંચાલન કાર્યમાં ઉપયોગ કરી શકાય. તેમણે આ શિક્ષિત મહિલાઓની એક મહાસમિતિ રચી. આ મહાસમિતિમાંથી તેમણે થોડી સક્રિય મહિલાઓની એક કાર્યવાહક સમિતિ બનાવી, કે જે સમિતિ સંચાલનના કાર્યમાં સહાય કરે. આ રીતે એમણે વિદ્યાલયને સર્વશિક્ષિતજનોને તે પોતાનું લાગે તેવી ગોઠવણ કરી. આ જ તો હતી ગૌરીમાની કાર્યકુશળતા અને સંચાલનશક્તિની આંતરિક સૂઝ. તેઓ આધુનિક પ્રકારની મૅનૅજમૅન્ટની કોઈ સ્કૂલ કે કૉલેજમાં ભણ્યાં ન હતાં, છતાં એમણે પોતાની આંતરસૂઝથી સંચાલન વ્યવસ્થા ગોઠવી હતી, તે એવી સુદૃઢ હતી કે તેમણે પ્રતિષ્ઠિત કરેલા આદર્શો ઉપર આજે પણ સંસ્થા ઘણી જ વિસ્તીર્ણ બનીને ચાલી રહી છે.

ગૌરીમા એ પણ જાણતાં હતાં કે સંસ્થાના યોગ્ય સંચાલન માટે સુશિક્ષિત સજ્જનોની સહાયની જેટલી જરૂર છે, એટલી જ જરૂર છે તેના માટેના સંસ્થામાંથી જ તૈયા૨ થયેલા સમર્પિત સેવકોની. આથી સંસ્થામાં અભ્યાસ કરી રહેલી આશ્રમવાસિનીઓ સંસ્થાને સેવા આપે તે માટે પણ તેમણે યોજના અમલમાં મૂકી.

સંસ્થાની વ્રતધારિણી બ્રહ્મચારિણીઓ કે જેઓ સંસ્થાના કાર્યમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છતી હોય તેમને માટે તેમણે એક માતૃસંઘની સ્થાપના કરી અને પોતે તેનાં અધ્યક્ષ બન્યાં. માતૃસંઘની આ દીક્ષિત વ્રતધારિણીઓને સ્ત્રીઓના ઉદ્ધારના કાર્ય માટે તેઓ જાતે તાલીમ આપવા લાગ્યાં.

ગૌરીમાનું સ્ત્રીકેળવણીનું આવું અનોખું કાર્ય જોઈને કલકત્તાની હાઈકૉર્ટના તે સમયના ન્યાયમૂર્તિ સ૨ મન્મથનાથ મુખોપાધ્યાયે જણાવ્યું હતું; “આ તપ: સિદ્ધ દૂરદૃષ્ટિસંપન્ન મહાન નારીએ પ્રાચીન ભારતીય રાષ્ટ્રીય આદર્શની સાથે આધુનિક ઉપયોગી કેળવણીનું સામંજસ્ય સાધીને પોતાના ગુરુપત્નીના પવિત્ર નામથી આશ્રમની સ્થાપના કરી છે કે જેથી સ્ત્રીઓ આદર્શમાતા અને ગૃહિણી અને આદર્શ આચાર્ય અને સાધિકા બની શકે, અને હિંદુ સમાજને સુશિક્ષણ દ્વારા કલ્યાણના માર્ગે ચલાવી શકે.” ગૌરીમાના કાર્યની સુવાસ જેમ જેમ પ્રસરતી ગઈ તેમ તેમ મહાન વ્યક્તિઓ તેમના આશ્રમની મુલાકાતે આવવા લાગી. મહાન વૈજ્ઞાનિક પ્રફુલ્લચંદ્ર રૉય, બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના આદ્યસ્થાપક પંડિત માલવિયાજી, મૉડર્ન રીવ્યુના તંત્રી રામાનંદ ચેટર્જી, હાઈકૉર્ટના ન્યાયાધીશ મન્મથનાથ મુખરજી, વાઈસરૉયની કાઉન્સિલના સભ્ય સતીશરંજન દાસ, મહામહોપાધ્યાય કવિરાજ ગણનાથ સેન, પ્રિન્સિપાલ ગિરીશચંદ્ર બોઝ, વગેરે તે સમયની બંગાળની વિવિધ ક્ષેત્રની તેજસ્વી પ્રતિભાઓ ગૌરીમાના આશ્રમના અને તેમનાં કાર્યોના સંપર્કમાં હતી. તે સમયની વિદુષી નારીઓ શ્રીમતી કે. સી. ડે. શ્રીમતી અનુપમા દેવી, શ્રીમતી એસ.એન. સરકાર, દીર્ઘા પાટીઆની રાણી વગેરે પણ ગૌરીમા સાથે સંકળાયેલી હતી. પંડિત માલવિયાજી તો આશ્રમની પ્રવૃત્તિઓ અને સ્ત્રીઓને અપાતું શિક્ષણ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા હતા અને ગૌરીમાના કાર્યને તેમણે બિરદાવ્યું હતું.

જ્યારે અસહકારની ચળવળ અંગે મહાત્મા ગાંધીજી કલકત્તા આવ્યા ત્યારે ગૌરીમાની મુલાકાત તેમના શિષ્ય રાજારામે દેશબંધુ ચિત્તરંજનદાસને ત્યાં ગોઠવી હતી. એક બંગાળી સંન્યાસિનીને શુદ્ધ હિન્દીમાં વાત કરતાં જોઈને ગાંધીજીને ખૂબ જ આશ્ચર્ય થયું. ગાંધીજીએ તેમને તેમની પ્રવૃત્તિઓ વિષે પૂછ્યું ત્યારે પોતાના કાર્ય વિષે વાત કરીને ગૌરીમાએ તેમને ગીતાના નિષ્કામ કર્મ વિષે જણાવ્યું. એટલું જ નહીં, પણ વર્તમાન સમયમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના આદર્શો કેટલા બધા ઉપયોગી છે, તેની વાત પણ ગાંધીજીને તેમણે સમજાવી. ગાંધીજી અને દેશબંધુ બંને ગૌરીમાની વિદ્વત્તા, નમ્રતા અને તેજસ્વિતાથી પ્રભાવિત થયા હતા.

હવે ગૌરીમાની સુવાસ બંગાળ પૂરતી જ મર્યાદિત રહી ન હતી. પણ સમગ્ર દેશભરમાં પ્રસરી રહી. તેમનો આશ્રમ અને વિદ્યાલય બંનેનો પાયો સુદૃઢ થઈ ગયો હતો. બંગાળમાં તેઓ દેવીની જેમ પૂજનીય બની ગયાં હતાં. પરંતુ તેઓ તો સઘળાં માન-પાનથી અલિપ્ત રહીને સર્વને એમ જ કહેતાં કે “હું કંઈ નથી કરતી, બધું તેઓ જ કરી રહ્યા છે!”

(ક્રમશઃ)

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.