કેરી, જામફળ વગેરે ફળો આખાં હોય તો જ ઠાકોરજીને ધરી શકાય; બધા કામમાં લઈ શકાય. પણ એક વાર કાગડો ચાંચ મારી જાય તો તે ઠાકોરજીને ધરી શકાય નહિ, બ્રાહ્મણોને આપી શકાય નહિ, તેમ આપણે પણ ખાવાં ઠીક નહિ. તેવી જ રીતે પવિત્ર હૃદયવાળા બાળક તથા યુવાનોને ધર્મને માર્ગે લઈ જવાનો પ્રયાસ ક૨વો સારો છે, કેમ કે તેમનામાં વિષયવાસના મુદ્દલ દાખલ થયેલી નથી. એક વાર વિષયવાસના દાખલ થયા પછી તેમને પરમાર્થને માર્ગે વાળવા ભારે પડે છે.

હું છોકરાઓ ઉપર આટલો ભાવ શું કરવા રાખું છું તે જાણો છો? તેનું કારણ એ છે કે જ્યાં સુધી તેઓ નાના છે ત્યાં સુધી તેમનું મન સોળેસોળ આના પોતાની પાસે જ છે, પણ પછી તેમાં ભાગ પડતા જાય છે. તેઓ ૫૨ણે છે એટલે આઠ આના મન સ્ત્રી ઉપ૨ જાય છે અને છોકરાં થાય એટલે ચાર આના મન તેમના ઉપર જાય છે અને બાકીના ચાર આના મા-બાપ, માન-અકરામ અને ટાપટીપમાં ચાલ્યા જાય છે. માટે જ જે નાનપણથી ઈશ્વરને મળવાનો પ્રયાસ કરે તે સહેજે ઈશ્વરને મળી શકે છે. ઘ૨ડાં માણસને માટે તે ઘણું કઠણ થઈ પડે છે.

જેમ પોપટને ગળે કાંઠલો આવ્યા પછી તેને બોલતાં શીખવી શકાતું નથી, બચ્ચું હોય ત્યારે શીખવીએ તો તરત બોલતાં આવડે છે, તે પ્રમાણે વૃદ્ધાવસ્થામાં ઈશ્વરમાં મન સહજ રીતે લાગતું નથી; પણ બાળપણમાં છોકરાઓનું મન થોડી મહેનતે ઈશ્વરમાં સ્થિર થાય છે.

એક શેર દૂધમાં નવટાંક પાણી હોય ને તેને કાઢવું હોય તો થોડે તાપે કાઢી શકાય પણ શેર દૂધમાં પોણો શેર પાણી હોય તો સહેલાઈથી કાઢી શકાય નહિ. ઘણાં લાકડાં, છાણાં વગેરેનો બહુ તાપ કરીએ ત્યારે જ કઢાય. તેવી રીતે બાળકના મનમાં વાસના ઘણી ઓછી હોય તેથી તે ઈશ્વર ત૨ફ એકદમ વળે, પણ ઘરડા લોકોના મનમાં વિષયવાસના રગે રગે પ્રસરેલી હોય છે તેથી તેમનાં મન ભગવાન તરફ સહેલાઈથી વળતાં નથી.

જેમ કાચા વાંસને સહેજ વાળી શકાય પણ પાકા વાંસને વાળવા જઈએ તો ભાંગી જાય, તેમ નાની ઉંમરના માણસોના મન સહેજે ભગવાન તરફ લઈ જઈ શકાય, પણ ઘ૨ડા માણસોનાં મન ભગવાન ત૨ફ ખેંચવા જઈએ તો તેઓ છટકીને દૂર ભાગે.

માણસનું મન રાઈની પોટલી જેવું છે. જો એક વખત પોટલી છૂટી ગઈ અને રાઈના દાણા વેરાઈ ગયા તો પછી જેમ તેને ફરી ભેગા કરવા મુશ્કેલ થઈ પડે છે તેમ એક વાર સંસારના જુદા જુદા પદાર્થોમાં મન વહેંચાઈ ગયું તો પછી તેને સ્થિર કરવું બહુ મુશ્કેલ પડે છે. બાળકના મનના આ પ્રમાણે ભાગ પડેલા નથી હોતા તેથી તે ઘણી સહેલાઈથી સ્થિર થાય છે પણ ઘરડાઓનાં મન સોળે સોળ આના સંસારમાં ચોંટેલાં હોય છે તેથી તેમને સંસારમાંથી ખેંચી લઈ ઈશ્વરમાં સ્થિર ક૨વાં બહુ મુશ્કેલ છે.

સૂરજ ઊગ્યા પહેલાં છાશ કરીએ ને જેવું માખણ ઊતરે તેવું સૂરજ ઊગ્યા પછી ઉતરતું નથી. તે પ્રમાણે નાનપણથી જેનો ભગવાનમાં ભાવ હોય અને સાધનભજન કરે તેને ભગવાન મળે છે.

જેમાં વાસનાની ગંધ નથી તેવા મનને કેવું જાણવું? જાણે કે સાવ સૂકી દીવાસળી; એક વાર ઘસીએ એટલે ઝટ સળગી ઊઠે, પણ જો તે ભીંજાઈ ગઈ હોય તો તે ભાંગી જાય ત્યાં સુધી ઘસ્યા કરીએ તો પણ સળગતી નથી. તે જ પ્રમાણે જેમને ખરી લગની લાગી છે, જેમનો સ્વભાવ સીધો અને બિલોરી કાચ જેવો ચોખ્ખો છે, તેમને એક વાર ઉપદેશ દેવામાં આવે તો પણ તેમનામાં ભગવાન ઉપર ભક્તિ ઉત્પન્ન થાય છે. વિષયમાં રચ્યાપચ્યા રહેતા માણસને હજાર વાર ઉપદેશ કરવામાં આવે તો પણ તેને કંઈ અસર થતી નથી.

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘શ્રીરામકૃષ્ણ ઉપદેશ’માંથી સંકલિત )

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.