(આજે વિદ્યાર્થિની બહેનોને કેટલીય સમસ્યાઓ મૂંઝવે છે. તેનું મુખ્ય કારણ – સાચા શિક્ષણનો અભાવ. જો બહેનોને સાચી કેળવણી આપવામાં આવે તો તેઓ પોતે જ પોતાની બધી સમસ્યાઓનો ઉકેલ કાઢી શકે, એવું સ્વામી વિવેકાનજી દૃઢપણે માનતા. સુપ્રસિદ્ધ લેખિકાએ અહીં બહેનોની વર્તમાન સમસ્યાઓની તેમ જ આ સમસ્યાઓનો ઉકેલ સ્વામી વિવેકાનંદજીના સંદેશમાં કેવી રીતે મળી રહે છે, તેની છણાવટ કરી છે. – સં.)

આર્યોની સભ્યતા અને સંસ્કૃતિના વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન કંઈ ઓછું નથી રહ્યું. આર્યોના સહુથી પ્રાચીન અને પ્રમાણભૂત ગ્રંથ-વેદમાં એના અનેક ઉલ્લેખો મળે છે. તે સમયે સ્ત્રીઓને સર્વોચ્ચ બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કોઈ બાધ નહોતો. ત્યારે સ્ત્રીનું સ્થાન પુરુષની સમકક્ષ જ હતું. ઋગ્વેદની કેટલીય ઋચાઓ ઋષિકાઓ અને બ્રહ્મચારિણીઓ દ્વારા લખાયેલી છે. આ ઋચાઓની રચયિતાઓ તરીકે લોપા, રોમસા, ઘોષા, સૂર્યા, અપાલા, યમી, વિશ્વવારા એવાં ઋષિકાઓનાં નામ પણ બતાવવામાં આવ્યાં છે. પછી ઉત્તરવૈદિક કાળમાં પણ સ્ત્રીઓનું સ્થાન ઘણું ઊંચું હતું. સ્ત્રીઓ આધ્યાત્મિક જ્ઞાન અને દર્શનશાસ્ત્રની શિક્ષા પ્રાપ્ત કરી શકતી હતી. આધ્યાત્મિક ચર્ચાઓમાં ભાગ લઈ શકતી હતી. ઉદ્વાલિકા, વિદગ્ધા, અશ્વલા, ગાર્ગી, મૈત્રેયી, આ વિદૂષીઓએ આઘ્યાત્મિક ચર્ચાઓમાં ભાગ લીધો હતો. આ કાળમાં સ્ત્રીઓ જ્ઞાનથી વિભૂષિત હતી. પછી પુરાણકાળથી સ્ત્રીઓની અવદશાની શરૂઆત થઈ. સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઘટ્યું. સ્ત્રીઓના સમાન અધિકારમાં પણ ઘટાડો થયો. હવે સ્ત્રીઓનું મુખ્ય કર્તવ્ય પતિસેવા અને આજ્ઞાપાલકતા બની ગયું. આ કર્તવ્યે સ્ત્રીઓને અનેક બંધનોમાં જકડી લીધી. સ્મૃતિકાર મનુએ તો મનુસ્મૃતિમાં લખ્યું કે શૈશવમાં માતાપિતા, યુવાનીમાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીનું રક્ષણ કરે છે, સ્ત્રીઓને સ્વાતંત્ર્ય નથી. આમ, સ્મૃતિકાળથી સ્ત્રીઓ સ્વતંત્રતા ગુમાવતી આવી છે. મધ્યયુગમાં તો સ્ત્રીઓની સ્થિતિ અત્યંત દયાજનક બની રહી. વિદેશીઓના આક્રમણોથી હિંદુજાતિને શુદ્ધ રાખવા માટે બ્રાહ્મણોએ સ્ત્રીઓ ઉપર અનેક જાતનાં બંધનો લાદી દીધાં. તેને ઘરની ચાર દિવાલોની અંદર કેદ કરી દીધી. બાળલગ્નો થવા લાગ્યાં. સ્ત્રી માટે પર્દા અને ઘૂંઘટ આવી ગયાં. શિક્ષણ ગયું ને સ્ત્રીને માટે નરી ગુલામી આવી ગઈ. અજ્ઞાનને લઈને અંધશ્રદ્ધા, વહેમો, રૂઢિગત ખ્યાલો ને રીતરસમોની પ્રબળતા છવાઈ ગયાં. આ મધ્યકાળ સ્ત્રીઓ માટે અંધકારનો યુગ ગણાવી શકાય. અંગ્રેજી શાસન કાળમાં પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવને લઈને ભારતીય જીવનપદ્ધતિ અને રાષ્ટ્રીય ચરિત્રમાં નવાં પરિવર્તનનો પ્રારંભ થયો. તેની સાથે સ્ત્રી જાગૃતિની હવાનો પણ સંચાર થવા લાગ્યો. આ નવજાગરણના પ્રણેતા હતા રાજા રામમોહનરાય. તેઓ પોતાના ભાભીને તો સતી થતાં અટકાવી શક્યા નહીં, પણ પછી સરકારમાં સતીપ્રથાની નાબુદીનો કાયદો પસાર કરાવીને અનેક સ્ત્રીઓને પતિની પાછળ પરાણે બળી મરતાં બચાવી શક્યા. તો વિધવાઓના પુનર્વિવાહની જેહાદ જગાવી પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. સ્ત્રીશિક્ષણની હિમાયત કરી સ્વામી દયાનંદ સરસ્વતીએ. એ જ રીતે સ્વામી વિવેકાનંદે સ્ત્રીશિક્ષણની અનિવાર્યતા સર્વને સમજાવીને એ દિશામાં કાર્ય કરવા સહુને અનુરોધ કર્યો. પોતાના વિદેશી શિષ્યા માર્ગારેટ નોબલ, ભગિની નિવેદિતા દ્વારા શારદા વિદ્યાલય સ્થપાવીને કન્યાકેળવણીની દિશામાં તેમણે સર્વપ્રથમ ક્રાન્તિકારી પગલું ભર્યું. એ પછી સ્ત્રીજાગૃતિ માટે અનેક પ્રયત્નો થવા લાગ્યા. પંડિતા રમાબાઈ, મહર્ષિ કર્વે, મહાત્મા ગાંધીજી વગેરેએ સ્ત્રીશિક્ષણના ક્ષેત્રમાં ઘણું કાર્ય કર્યું.

સ્વતંત્રતા પછીનાં ૪૮ વર્ષોમાં સ્ત્રીશિક્ષણ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. સ્ત્રીઓની સમાનતા અને સામાજિક ન્યાય માટે ઘણા કાયદાઓ પણ પસાર થયા છે. ગુજરાત જેવાં ઘણાં પ્રગતિશીલ રાજ્યોએ કન્યાકેળવણીમાં માફી આપી છે. આથી સ્ત્રીશિક્ષણનું પ્રમાણ વધ્યું છે. આજે સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં સ્ત્રીઓ કામ કરતી જોવા મળે છે. વિજ્ઞાન, ટૅક્નૉલૉજી, સાહિત્ય, કલા, અવકાશ સંશોધન અને લશ્કરમાં પણ હવે સ્ત્રીઓ કામગીરી બજાવી રહી છે. આ રીતે જોતાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં નારી વિકાસની એક બાજુનું ઉજ્જ્વળ ચિત્ર અંકિત થયેલું જોવા મળે છે. પણ આ ચિત્રની બીજી બાજુ એવી જ અંધકારમય છે. પ્રગતિનું જે ઉજ્જવળ ચિત્ર છે, તે ભારતની કરોડો નારીઓમાંથી માત્ર બે ટકા નારીની સ્થિતિ પ્રગટ કરે છે. પરંતુ ભારતની મોટાભાગની સ્ત્રીઓનું જીવન હજુ પણ અજ્ઞાન અને અંધકારમાં જ ડૂબેલું છે. વિજ્ઞાનની શોધને લઈને હવે તો જન્મ પહેલાં જ સ્ત્રીને મારી નાખવામાં આવે છે. પૃથ્વી ઉ૫૨ જન્મવાનો સ્ત્રીનો અધિકાર પણ ભારતમાં ઝૂંટવી લેવામાં આવ્યો છે. જન્મતાં પહેલાં જ જ્યાં મૃત્યુની તલવાર લટકી રહી છે, ત્યાં જન્મ પછી પણ સલામતી ક્યાંથી હોય? પુત્રીના ઉછે૨માં બેદરકારી ને ઉપેક્ષા, નબળો શારીરિક બાંધો, ઓછું કે નહિવત્ શિક્ષણ, કામનો વધારે પડતો બોજો, બાળપણમાં અપૂરતો વિકાસ, દહેજને કારણે સાસરિયામાં વેઠવો પડતો ત્રાસ, શારીરિક અને માનસિક કજોડાં, સ્વતંત્ર વ્યક્તિત્વનો લોપ, ઘરની ચાર દિવાલોની કેદમાં વ્યતીત થતું ગુલામ જેવું જીવન – આ છે ભારતીય સ્ત્રીના ચિત્રની અંધકારમય બાજુ. ભારતની સ્ત્રી મુક્ત નથી. ભય અને અસલામતીમાં જ તેનું આખું જીવન ફફડતાં વીતે છે. આ રીતે જોતાં સ્ત્રીઓ માટે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ વિકટ બની હોય એવું લાગે છે.

પુરાણકાળની કથાઓમાં આપણે વાંચીએ છીએ કે સ્ત્રીઓનાં અપહરણ થતાં હતાં. સ્ત્રીઓ પર બળાત્કાર થતા, સ્ત્રીઓને ઉપભોગ્ય વસ્તુઓ માનવામાં આવતી હતી. રાણી જેવી ઉચ્ચ કક્ષાની સ્ત્રીને પણ વસ્તુની જેમ જ જુગારના દાવમાં મૂકી શકાતી હતી અને રાજા પણ લોકનિંદાના ભયથી પોતાની નિર્દોષ સગર્ભા પત્નીને જંગલમાં કાઢી મૂકી શકતા હતા. તો પછી તે સમયે સામાન્ય સ્ત્રીઓની કેવી દશા હશે? એ પછી તો યુગો બદલાઈ ગયા. શાસનો બદલાઈ ગયાં, અનેક પ્રકારના પરિવર્તનો થઈ ચૂક્યાં. છતાં સ્ત્રીઓની સ્થિતિમાં ફેર પડ્યો જણાતો નથી. આજે પણ સ્ત્રીઓની આ જ સ્થિતિ છે. કદાચ વધારે બગડી છે. અલબત્ત સ્ત્રીશિક્ષણની સંસ્થાઓ વધી છે. સ્ત્રીકલ્યાણની યોજનાઓ વધી છે. સ્ત્રીઓના વિકાસ માટે અનેક સામાજિક સંસ્થાઓ કાર્યરત બની છે. છતાં પણ ભારતની મોટાભાગની સ્ત્રીઓ હજુ પણ દબાયેલી, કચડાયેલી, રુંધાયેલી છે. વિકાસ અને સુધારાની હવાનો સ્પર્શ પણ તેમને થતો નથી! પોતાનું સ્વતંત્ર અને અલગ અસ્તિત્વ હોઈ શકે તેવી કલ્પના કરવી એ પણ તેમનો ગુનો બની જાય છે! દહેજનો અસુ૨ દ૨ વરસે હજારો સ્ત્રીઓને રહેંસી નાખે છે. ગયા વરસે ૧૯૯૪માં જ દહેજને કારણે ભારતમાં ૪૯૯૫ મૃત્યુ નોંધાયાં છે. આ તો બહાર પડી ગયેલા હોવાથી નોંધાયેલા કિસ્સાની જ સંખ્યા છે. બાકી નોંધાયા વગરના અકસ્માત કે આત્મહત્યામાં ફેરવાઈ ગયેલા કિસ્સાઓની સંખ્યા તો ઘણી જ વધારે થાય. આ ઉપરાંત સ્ત્રીઓ પર થતા અત્યાચારો, બળાત્કાર અને છેડતીના કિસ્સાઓનું પ્રમાણ પણ ઘટવાને બદલે વધ્યું છે. તાજેતરમાં બહાર પડેલા અહેવાલ મુજબ ૧૯૯૪માં સમગ્ર દેશમાં મહિલાઓ ૫૨ થયેલા બળાત્કારના ૧૧,૦૦૦ અને છેડતીના ૨૨૦૦૦થી પણ વધારે કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મોટે ભાગે તો આવા કિસ્સાઓ ૫૨ ઢાંકપિછાડો કરવામાં આવે છે. આવા કિસ્સાઓ સામાન્ય રીતે બહાર આવતા નથી, એ જોતાં આવા કિસ્સાઓની સંખ્યા પણ ઘણી જ વધારે ગણાવી શકાય. આ ઉપરાંત પણ મહિલાઓ સામે બીજી અનેક રીતે અત્યાચારો આચરવામાં આવે છે. આર્થિક શોષણ, જાતીય શોષણ, અન્યાય, મારપીટ, વગેરે તેમાં મુખ્ય છે. સંસદમાં રજૂ થયેલા આ અંગેના આંકડાઓ ચોંકાવનારા છે. ૧૯૯૩માં આવા ગુનાઓ અને અત્યાચારોનો આંકડો ૯૩૯૫૪નો હતો જે ૧૯૯૪માં વધીને ૯૭,૦૦૦નો થયો. મહિલાઓની આ સ્થિતિ સમગ્ર સમાજ માટે અને રાષ્ટ્ર માટે ચિંતાપ્રે૨ક ગણાવી શકાય. એક બાજુ સરકાર પંચાયતો અને સુધરાઈમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત ફાળવે છે, ઉપરાંત મહિલાઓને વધુ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસ ધરાવતી બનાવવા અનેક ધારાકીય પગલાંઓ ભરે છે. મહિલાઓના કલ્યાણ માટે ઈંદિરા કલ્યાણ યોજના હમણાં જ સરકારે બહાર પાડી છે. આ બધા જ પ્રયત્નો છતાં સમાજમાં મહિલાઓ સુરક્ષિત નથી, સલામત ને નિશ્ચિત નથી. આજે શિક્ષિત અને આર્થિક રીતે પોતાના પગ ઉપર ઊભી રહેલી સ્વાવલંબી મહિલા પણ અસલામતી અનુભવે છે તો પછી અશિક્ષિત અને પરાવલંબી મહિલાની દયનીય સ્થિતિની તો વાત જ શી કરવી?

જ્યાં સ્ત્રીઓની આવી અવદશા છે, જ્યાં સ્ત્રીઓ દીન અને હીન છે, ગુલામ છે, તે દેશમાં કદી સમૃદ્ધિ ને શક્તિ આવી શકે નહીં. આપણા દેશની દરિદ્રતા, દુર્બળતા અને પડતીનું આ એક મુખ્ય કારણ છે. આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘‘વેદ ઉપનિષદમાં બ્રહ્મચર્ચામાં પોતાની વિદ્વતા દર્શાવીને સ્ત્રીઓએ ઋષિપદ પ્રાપ્ત કર્યું છે. ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરે જ છે. બધી પ્રજાઓએ સ્ત્રીઓ પ્રત્યે યોગ્ય સન્માનની ભાવના રાખીને જ મહત્તા મેળવી છે, જે દેશ અને જે પ્રજાએ સ્ત્રીઓનું સન્માન જાળવ્યું નથી તે કદી મહાન થઈ નથી કે થવાની નથી. હિંદુજાતિના અધઃપતનનું કારણ મહાશક્તિની આ જીવંત પ્રતિમાઓ પ્રત્યે માનની લાગણી નથી એ છે.’’ એક સૈકા પહેલાં સ્વામીજીએ ઉચ્ચારેલાં આ વાક્યો આજે પણ એટલાં જ લાગુ પડે છે. આઝાદીના ૪૮ વર્ષ પછી પણ આપણે સમૃદ્ધ બન્યાં નથી. સ્વતંત્રતા પછી આપણે જેટલી પ્રગતિ કરવી જોઈએ તેટલી પ્રગતિ કરી શક્યાં નથી. સમાજમાં ભૂખમરો, બેકારી, ભાવવધારો, વસ્તીવધારો, ભ્રષ્ટાચાર જેવી રાષ્ટ્રવ્યાપી સમસ્યાઓથી આપણે ઘેરાઈ ગયાં છીએ. હજુ પણ આપણી ગણના પછાત રાષ્ટ્રોમાં થાય છે. આનું એક કારણ આપણી સ્ત્રીઓની પછાતતા ને અજ્ઞાનતાને ગણાવી શકાય. સ્વામીજી આ સંદર્ભમાં કહે છે કે ‘‘જો તમે તમારા નારીવર્ગની સ્થિતિ સુધારી શકો તો કંઈકે કલ્યાણની આશા છે. નહીંતર તમે જેવા છો તેવા જ પછાત રહેવાના.” સ્વામીજીનાં આ વચનો સાંપ્રત-સમાજમાં પણ એટલાં જ પ્રસ્તુત છે.

પરિવ્રાજક બનીને સ્વામીજીએ સમગ્ર ભારતવર્ષનું પરિભ્રમણ કર્યું હતું ત્યારે તેઓ ભારતના સામાન્ય મનુષ્યોના નિકટના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ભારતના સામાન્ય કુટુંબોમાં નારીની દુર્દશા પણ જોઈ હતી અને ત્યારથી જ ભારતની નારીના ઉદ્ઘાર માટેની યોજનાઓ એમના મનમાં આકાર લઈ રહી હતી. ભારતની સ્ત્રીની સ્થિતિ વિષે એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું: ‘‘લોકાચારના ભારથી આ દેશની સ્ત્રીઓ સાવ નિર્જીવ અને જડ થઈને કઈ કક્ષાએ પહોંચી છે, તે તમને ત્યારે જ સમજાય કે જ્યારે તમે પશ્ચિમના દેશોનો પ્રવાસ કરો” સ્વામીજી પશ્ચિમની નારીઓની બુદ્ધિમત્તા, કેળવણી, મુક્તવિચારધારાને બિરદાવતા હતા અને ભારતની સ્ત્રીઓમાં આ ગુણો આવે તેવું ઈચ્છતા હતા, પણ સાથે સાથે ભારતીય સ્ત્રીઓમાં જે ત્યાગ, સેવા, સમર્પિતતા રહેલાં છે, તે પણ જળવાવાં જોઈએ તેમ તેઓ દૃઢપણે માનતા હતા. અમેરિકાની સ્ત્રીઓની સમક્ષ આપેલા પ્રવચનમાં તેમણે કહ્યું હતું, ‘‘તમારી બુદ્ધિમત્તા અમારી સ્ત્રીઓમાં આવે એ અમને બહુ જ ગમે પણ જો તે પવિત્રતાના ભોગે આવવાની હોય તો નહીં.” સ્વામીજી સ્ત્રીઓના ચારિત્ર્ય ને પાવિત્ર્યને બુદ્ધિમત્તા કરતાં વધારે મહત્ત્વનું ગણતા હતા.

સ્ત્રીઓને જાગૃત અને આત્મનિર્ભ૨ ક૨વા માટેનો એક માત્ર ઉપાય તેમને સાચું શિક્ષણ આપવાનો છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું: ‘‘પ્રથમ તેમને શિક્ષણ આપો, પછી તેમને તેમના પર છોડી દો. એટલે તેમને ક્યા સુધારાઓ આવશ્યક છે, તે તેઓ જ તમને કહેશે. તેમને લગતી બાબતોમાં માથું મારનાર તમે કોણ?”

સ્ત્રીઓની સ્થિતિ સુધારવા નીકળેલા કહેવાતા સુધારકોએ સ્વામીજીનાં આ વચનો યાદ રાખવાં ઘટે, જ્યાં સુધી સ્ત્રી પોતે પોતાની સ્થિતિ વિષે જાગૃત નથી, જ્યાં સુધી સ્ત્રીને પોતાને પોતાની સમસ્યાઓની ખબર નથી, ત્યાં સુધી બહારથી ગમે તેટલા ઉપાયો કરવામાં આવે એ બધા નિષ્ફળ જ જવાના. ગમે તેટલા કાયદાઓ કરવામાં આવે તો તે માત્ર કાગળ પર જ રહેવાના. જાગૃત અને શિક્ષિત સ્ત્રીઓ જ પોતાની સમસ્યાઓને સાચી રીતે સમજી શકે અને તેના ઉકેલ માટેની સહાય માગી શકે. એટલે સ્વામીજી કહે છે કે સમસ્યાઓનો ઉકેલ શિક્ષણ દ્વારા સ્ત્રીઓને એ સ્થિતિમાં મૂકી આપવામાં છે કે જ્યાં તે પોતે વિચારી શકે, નિર્ણય લઈ શકે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું: ‘‘સ્ત્રીઓના પ્રશ્નોમાં હસ્તક્ષેપ કરવાનો આપણો અધિકાર કેવળ શિક્ષણ આપવા પૂરતો જ છે. સ્ત્રીઓને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ કે તેઓ પોતાની સમસ્યાઓનો પોતાની મેળે જ ઉકેલ લાવી શકે. એમના માટે બીજું કોઈ તેમ કરી શકે નહીં, તેમ કરવું જોઈએ પણ નહીં. ભારતીય સ્ત્રીઓ દુનિયાની બીજી સ્ત્રીઓ જેટલી જ પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવાને સમર્થ છે.’’

સ્ત્રીઓની સમસ્યાઓનું મૂળ કારણ નિરક્ષરતા અને અજ્ઞાન છે. તેથી તેમના મનનો વિકાસ થતો નથી. તેમની વિચારશક્તિ વિકસતી નથી, તેમનામાં આત્મવિશ્વાસ જાગતો નથી. પરિસ્થિતિનો સામનો કરવાની તેમનામાં હિંમત નથી કેમ કે તેઓ આત્મનિર્ભર નથી. તેથી તેઓ અન્યાય ને અત્યાચારોને જિંદગી સુધી ચૂપચાપ સહન કર્યા કરે છે. પણ જો સ્ત્રીઓને સાચું શિક્ષણ આપવામાં આવે તો આવું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી સ્ત્રીઓમાં એ સમજ અને દૃષ્ટિ ખીલે છે, જેનાથી તે પોતે જ પોતાની સમસ્યાઓ ઉકેલી શકે છે. સ્વામીજી કહે છે તેમ શિક્ષણ આપ્યા પછી સ્ત્રીઓને એમના પ્રશ્નો જાતે ઉકેલવા દેવા જોઈએ. તેમાં હસ્તક્ષેપ ક૨વો જોઈએ નહીં.

સ્વામીજી આત્મનિર્ભરતા અને જાગૃતિ માટે જે શિક્ષણ આપવાની વાત કરે છે, તે ફક્ત પુસ્તકીયું શિક્ષણ નહીં પણ રચનાત્મક શિક્ષણ છે. આ વિષે તેઓ કહે છે ‘‘રચનાત્મક શિક્ષણની દિશામાં કંઈ એકલી પુસ્તકીયા વિદ્યા ન ચાલે. આપણે એ શિક્ષણની આવશ્યક્તા છે કે જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય, મનનું બળ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને મનુષ્ય પોતાના પગ ઉપર ઊભો રહી શકે.” આવા શિક્ષણથી જ સ્ત્રીઓ પોતાના પ્રશ્નોના ઉકેલ લાવી શકશે. સ્વામીજીએ આપેલી રચનાત્મક શિક્ષણની આ પરિભાષાથી આપણા અત્યારના શિક્ષણને મૂલવતાં, અત્યારનું શિક્ષણ કેટલું પાંગળું છે, તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. અને તેથી જ તો અત્યારનું શિક્ષણ વધ્યું છે. પણ જીવનની સમસ્યાઓ ઘટી નથી ઊલ્ટું વધી રહી છે.

સ્વામીજીએ ધર્મને કેળવણીનો મેરુદંડ કહ્યો છે, ધાર્મિક પાયા ૫૨ શિક્ષણની ઈમારત રચવામાં ન આવે તો એ ઈમારત લાંબો સમય ટકતી નથી. શિક્ષણમાં આંતરશિસ્ત, ચારિત્ર્ય ઘડતર અને બ્રહ્મચર્યના પાલન ઉપર ભાર મૂકેલો હોવો જોઈએ. આ બાબતો વગર શિક્ષણ મનુષ્યનું ઘડતર કરવામાં નિષ્ફળ જાય છે. આજે શિક્ષણ પામેલા યુવાનો અને યુવતીઓમાં અજંપો, અશાંતિ અને અસહિષ્ણુતા વ્યાપેલા જોવા મળે છે. અભિમાન, ઉચ્છૃંખલતા, અધીરાઈ, ઉતાવળ, વિવેકદૃષ્ટિ અને શાણપણનો અભાવ એ આજના શિક્ષણની ફલશ્રુતિ છે અને તેથી જ આજનું શિક્ષણ વ્યક્તિને સમસ્યાઓનો ઉકેલ લાવવાની સ્થિતિમાં મૂકી દેવાને બદલે સમસ્યાઓની વચ્ચે મૂકી દે છે. આ પરિસ્થિતિને દૂર કરવાનો એક માત્ર ઉપાય સ્વામીજીએ પ્રબોધેલા રચનાત્મક શિક્ષણ આપવામાં રહેલો છે.

સ્ત્રી શિક્ષણ માટે સ્વામીજીએ ધર્મ, કળા, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણ, આરોગ્ય, આ વિષયો ૫૨ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્ત્રીઓનું શિક્ષણ જીવનની સર્વ બાબતોમાં તેમને સૂઝ આપે તેવું હોવું જોઈએ. આ ઉપરાંત સ્ત્રીઓમાં શૌર્ય અને વીરતાના ગુણો જાગે અને તેઓ આત્મરક્ષણ કરી શકે તે માટેની પણ તેમને તાલીમ આપવી જોઈએ. સ્ત્રી શિક્ષણ વિષેના સ્વામીજીના આ વિચારો પરથી જાણી શકાય છે કે ભારતની સ્ત્રીઓની સ્થિતિ વિષે સ્વામીજીએ કેટલું ઊંડું ચિંતન કર્યું હશે અને તેથી જ ભારતીય સ્ત્રીની શક્તિઓ અને નબળાઈઓનું સ્પષ્ટ દર્શન એમની પાસે હતું. સ્ત્રી શિક્ષણ આપનારા શિક્ષકો પણ પવિત્ર, નિર્મળ અને સાત્ત્વિક હોવા જોઈએ, એ બાબત ૫૨ પણ ભાર મૂક્યો હતો. ગમે તે વ્યક્તિ સ્ત્રી શિક્ષણનું કાર્ય કરી શકે નહીં.

આ વિષે તેઓ કહે છે: ‘‘સુધારકો પોતે બ્રહ્મચર્યનું પાલન કર્યા વગર સ્ત્રી શિક્ષણનો આરંભ કરવા દોડી નીકળ્યા છે અને પરિણામે એવી રીતે પોતે ઠોકર ખાધી છે. બધી સારી પ્રવૃત્તિઓના સ્થાપકોએ પોતાની ઈષ્ટ પ્રવૃત્તિઓનો આરંભ કરતાં પહેલાં કડક આધ્યાત્મિક તાલીમ દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, નહીંતર તેમનાં કાર્યોમાં ખામીઓ રહેવાની જ.” અત્યારની સુધારણાનાં કાર્યોની નિષ્ફળતાનું એક કારણ સુધારકોની શુદ્ધતાનો અભાવ પણ ગણાવી શકાય. સ્ત્રીઓ જ સ્ત્રીઓને આગળ લાવી શકશે, તેમને જાગૃત કરી શકશે. એમ સ્વામીજી માનતા હતા. એટલે જ ભગિની નિવેદિતાને તેમણે સ્ત્રીઓની જાગૃતિ માટેનું કામ સોંપ્યું હતું. સમગ્ર દેશની સ્ત્રીઓના ઉદ્ધાર માટે સ્વામીજીના મનમાં યોજના હતી. પણ એ યોજનાને તેઓ અમલમાં મૂકે તે પહેલાં જ તેમણે મહાસમાધિ લઈ લીધી. જો એ યોજના અમલી બની હોત તો આજે ભારતની નારીઓનું બંને બાજુનુ ચિત્ર ઉજ્જ્વળ હોત! સ્વામીજી બ્રહ્મચારિણીઓ અને સંન્યાસીઓનો એક મઠ રચવાનું ઈચ્છતા હતા. નાનપણથી જ બાલિકાઓને આ મઠમાં શિક્ષણ આપવાની યોજના હતી: ‘‘શિક્ષણ લીધા પછી જો તેઓ ઈચ્છે તો બ્રહ્મચારિણી બની, મઠની સભ્ય બની, આજીવન સેવાવ્રતધારિણી બને, પછી તેમને તાલીમ આપવામાં આવે. આવી તાલીમ પામેલી બ્રહ્મચારિણી સાધ્વીઓ ગામડાંઓ અને નાનાં નાનાં શહેરોમાં કેન્દ્રો સ્થાપે અને સ્ત્રી શિક્ષણનું કાર્ય કરે. આ રીતે સમગ્ર દેશભરમાં સ્ત્રી શિક્ષણનું કાર્ય શરૂ થતાં થોડા વ૨સોમાં જ સ્ત્રી જાગૃતિનું પ્રમાણ વધવા લાગે. ત્યાગી, તપસ્વી, ચારિત્ર્યવાન, ભક્તિમયી સ્ત્રીઓ દ્વારા જ દેશમાં સ્ત્રી શિક્ષણનું સાચું કાર્ય થશે તેમ તેઓ માનતા હતા. તેમણે કહ્યું હતું કે જો આ દેશની સ્ત્રીઓના જીવન આવી રીતે ઘડાય તો જ સીતા, સાવિત્રી, ગાર્ગી જેવી આદર્શ સ્ત્રીઓનું ભારતમાં ફરીથી દર્શન થાય.”

દેશના ઉજ્જ્વળ ભાવિ માટે સારા નાગરિકો અને મહાપુરુષોના સર્જન માટે પણ સુશિક્ષિત અને ચારિત્ર્યવાન સ્ત્રીઓની દેશને જરૂર છે. આ વિષે સ્વામીજીએ એક પ્રવચનમાં કહ્યું હતું: ‘‘માત્ર સુશિક્ષિત અને ધાર્મિક માતાઓના ઘ૨માં જ મહાન પુરુષો જન્મે છે. પરંતુ તમે તો નારીઓને સંતાનોત્પત્તિના યંત્રોની અવદશાએ પહોંચાડી દીધી છે. અફસોસ! શું તમારા શિક્ષણનું આ પરિણામ છે? નારીની ઉત્ક્રાંતિ પહેલી થવી જોઈએ. અને ત્યારે જ ભારતનું, કોઈ પણ સાચા અર્થમાં ભલું થઈ શકશે.” પુરુષપ્રધાન સમાજમાં નારીને ભોગ્ય વસ્તુ તરીકે માનવમાં આવતી જોઈને સ્વામીજીનો આક્રોશ ભભૂકી ઊઠતો હતો. બીજા એક વ્યાખ્યાનમાં આ આક્રોશને વ્યક્ત કરતાં તેઓ કહે છે: “આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આટલો બધો ભેદ શા માટે પાડવામાં આવે છે, એ સમજવું ઘણું જ મુશ્કેલ છે. વેદાંત તો એમ કહે છે કે પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલો છે. તમે હંમેશાં સ્ત્રીની ટીકા કરો છો, પણ તેની ઉન્નતિ માટે તમે શું કર્યું? સ્મૃતિઓ વગેરે લખીને કડક નિયમોના બંધનોમાં નાખીને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિના યંત્ર જેવી બનાવી દીધી છે. જગન્માતાની પ્રતિમૂર્તિ જેવી સ્ત્રીઓની જો તમે ઉન્નતિ નહીં કરો તો તમે એમ માનતા નહીં કે તમારા ઉદ્ધારનો બીજો કોઈ રસ્તો છે.”

સ્ત્રીઓની આ અવદશા સુધારવા માટે સ્ત્રીઓને સમાન ગણવી જોઈએ એમ સ્વામીજી ભારપૂર્વક કહે છે. તેઓ કહે છે કે આત્મામાં કોઈ ભેદ જ નથી. આથી ભલે દેહની રચના જુદી હોય પણ સ્ત્રી અને પુરુષ સમાન જ છે. તેમણે કહ્યું હતું કે: “જ્યાં સુધી તમે શરીર ભેદ પરથી નજર ઉઠાવી લેતાં શીખશો નહીં અને સામાન્ય મનુષ્યની ભૂમિકાએ સ્ત્રીને જોશો નહીં ત્યાં સુધી તમારી સ્ત્રીઓનો વિકાસ સાચોસાચ થવાનો નથી. ત્યાં સુધી તે પુરુષોના રમકડાં જેવી જ થઈને રહેશે.” સ્વામીજીની વેધક દૃષ્ટિ નારી સમસ્યાના છેક મૂળ સુધી પહોંચી છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષનું અહંમયુક્ત આધિપત્ય અને નારીનું ઉપભોગ વસ્તુ તરીકેનું દાસત્વ એ નારી સમસ્યાઓનું મૂળ છે, એ તેઓ સ્પષ્ટપણે જોઈ શક્યા હતા. સ્વામીજી પ્રશ્ન પૂછે છે કે ‘‘શું નારી શબ્દ ફક્ત સ્થૂલ દેહ સાથે જ સંપર્ક ધરાવે છે?’’ જ્યાં સુધી આત્મદૃષ્ટિથી આ પ્રશ્નનો ઉત્તર આપવામાં નહીં આવે ત્યાં સુધી એક યા બીજા પ્રકારે નારી જીવનની સમસ્યાઓ રહેવાની જ. એટલે જ સ્વામીજી સર્વસમસ્યાઓના ઉકેલ માટે જ્ઞાનની ચાવી આપે છે. આત્મદૃષ્ટિને જાગૃત કરવાનું કહે છે.

સ્વામીજી ત્યાગી, તપસ્વી, વિરક્ત ને જીવનમુક્ત સંન્યાસી હોવા છતાં તેમનું હૃદય પ્રેમ અને કરુણાથી છલકતું હતું. વિશ્વજનનીનું વાત્સલ્ય ને માધુર્ય તેમના અંતરમાંથી વહેતાં હતાં અને એથી જ તેઓ ભારતની સ્ત્રીઓની સ્થિતિને અને સમસ્યાને મૂળભૂત રીતે સમજી શક્યા હતા. આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે તેમણે જે માર્ગ કંડારી આપ્યો એ જ સાચો માર્ગ છે. અને તેમાં જ સ્ત્રીઓનું જ નહીં પણ ભારતવર્ષનું કલ્યાણ છે.

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.