(સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને તેમનામાનસપુત્રગણાતા. તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ હતા. તેમના અત્યંત ઉપયોગી આધ્યાત્મિક ઉપદેશો ‘ધ્યાન, ધર્મ અને સાધનાનામના પુસ્તકમાં સંકલિત ક૨વામાં આવ્યા છે. પુસ્તકના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)

પ્રત્યેક દિવસે ઓછાવત્તા પ્રમાણમાં જપધ્યાન કરવાં. તેમાં એક દિવસ પણ ચૂકવું નહીં. મન તો બાળકના જેવું ચંચળ છે, નિરંતર અહીંતહીં ભાગતું રહે છે. તેને વારંવાર ખેંચીને ઈષ્ટના ધ્યાનમાં લગાવવું જોઈએ. આ રીતે બેત્રણ વરસ કર્યા બાદ જોશો કે હૃદયમાં અનિર્વચનીય આનંદ આવવા લાગ્યો છે. મન પણ શાંત થઈ રહ્યું છે. પહેલાં પહેલાં તો જપધ્યાન નીરસ જ લાગે છે. પરંતુ દવાના સેવનની જેમ મનને પરાણે ઈષ્ટચિંતનમાં ડુબાડેલું રાખવું જોઈએ. ત્યાર પછી ધીમે ધીમે આનંદનો અનુભવ થશે. પરીક્ષામાં સફળ થવા લોકો કેટલી બધી મહેનત કરે છે! પરંતુ એની સરખામણીમાં પ્રભુપ્રાપ્તિ તો ઘણી વધારે સહેલાઈથી થઈ શકે છે. શાંતિથી અંતઃકરણપૂર્વક સરલભાવથી ભગવાનને પોકારવા જોઈએ…

નિરાશ થવાની કોઈ જરૂર નથી. કર્મનું ફળ તો ચોક્કસ મળે જ છે. પરાણે કરો કે ખૂબ ભક્તિપૂર્વક કરો. નામસ્મરણ ક૨વાથી એનું ફળ તો મળશે જ. થોડા સમય સુધી નિયમિત અભ્યાસ કરો. ધ્યાનથી ફક્ત મનમાં જ શાંતિ આવે છે એવું નથી. તેનાથી શારીરિક લાભ પણ થાય છે. રોગ-દોગ દૂર થઈ જાય છે. શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ધ્યાન વગેરે કરવું જોઈએ.

પહેલાં પહેલાં તો ધ્યાન કરવું એટલે જાણે મનની સાથે યુદ્ધ કરવા જેવું છે. ચંચળ મનને ધીમે ધીમે સ્થિર કરીને ઈષ્ટના ચરણકમલમાં એકાગ્ર કરવું જોઈએ. આ અભ્યાસથી થોડા સમય બાદ મસ્તિષ્ક થોડુંક ગરમ થઈ જાય છે. એટલે શરૂ શરૂમાં વધારે ધ્યાન-ધારણા કરી મસ્તિષ્કને વધારે શ્રમિત કરવું યોગ્ય નથી. આ બધું ખૂબ જ ધીમે ધીમે વધા૨વું જોઈએ. થોડો સમય આ રીતે નિયમિત અભ્યાસ કરતા રહેવાથી જ્યારે ઠીક ઠીક ધ્યાન થવા લાગશે, ત્યારે બેચાર કલાક સતત એક આસને બેસીને ધ્યાન-ધારણા ક૨વાથી પણ કોઈ તકલીફ પડશે નહીં; ઊલટું, ગાઢ નિદ્રા બાદ શરીર ને મન જેવાં સ્ફૂર્તિદાયક બની જાય છે, તેવા પ્રકારનો અનુભવ થશે, અને હૃદયમાં આનંદનો પ્રવાહ વહેવા લાગશે.

સાધનાની પ્રારંભિક અવસ્થામાં ખાવાપીવાની બાબતમાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે. શરીરની સાથે મનનો ઘણો નિકટનો સંબંધ છે. ખાવાપીવાના દોષથી શરીરનું સ્વાસ્થ્ય કથળી જાય છે, અને તેને પરિણામે ધ્યાન-ધારણાનો અભ્યાસ પણ થઈ શકતો નથી. તેથી ખાવાપીવાના વિષયમાં આટલા બધા આચારવિચાર પાળવા જોઈએ. ભોજનની વસ્તુઓ એવી હોવી જોઈએ કે જે સહેલાઈથી પચી જાય અને પુષ્ટિકારક હોય, અને ઉત્તેજક ન હોય. વધારે ખાવું પણ સારું નથી. એનાથી તમોગુણ વધે છે. અર્ધું પેટ ભરાય તેટલું ભોજન કરવું. બાકીનો પા ભાગ પાણીથી ભરવો, બાકીનો પા ભાગ વાયુના આવન-જાવન માટે ખાલી રાખવો.

ધ્યાન કરવું તે શું સહેલી વાત છે? કોઈ દિવસ થોડું વધારે ખાવાથી મન એકાગ્ર થઈ શકતું નથી. કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે શત્રુઓને સંયમમાં રાખવા પડે છે અને ત્યાર પછી ધ્યાન કરવાનું શક્ય બને છે. આ શત્રુઓમાંથી એક પણ જો માથું ઊંચું કરે તો ધ્યાન થઈ શકતું નથી. ખૂબ તપશ્ચર્યા કરવી જોઈએ. બે પૈસાનાં છાણાં ખરીદી તેને સળગાવીને અગ્નિની વચ્ચે બેસવું ઘણું સહેલું છે. પણ કામ, ક્રોધ, વગેરે શત્રુઓને વશમાં રાખવા, તેમને માથું ઊંચકવા ન દેવું, તે જ ખરી તપસ્યા છે. નપુંસક ભલા શું કરી શકે? કામ, ક્રોધ, વગેરે શત્રુઓનું દમન કરવું એ જ શ્રેષ્ઠ તપશ્ચર્યા છે.

ધ્યાન વગ૨ મન સ્થિર થતું નથી અને મનની સ્થિરતા વગર ધ્યાન લાગતું નથી. મન સ્થિર થયા બાદ ધ્યાન કરીશું એવું વિચા૨વાથી ધ્યાન ક્યારેય થશે નહીં. બંને એકસાથે કરવાં પડશે.

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.