(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત પ્રબુદ્ધ ભારતપત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ડિસે. ૧૯૮૬માંપ્રબુદ્ધ ભારતનો વિશેષાંક પ્રકાશિત થયો હતો. તેમાં સંપાદકીય લેખમાં તેમણે પોતાની આગવી ઊંડી ચિંતનશીલ શૈલીમાં શ્રીરામકૃષ્ણદેવના આધુનિક વિશ્વ માટેના અભિનવ પ્રદાન વિશેનું પૃથક્કરણ કર્યું હતું જે આજે વૈશ્વિકીકરણના યુગમાં અત્યંત પ્રાસંગિક છે.)

(ગતાંકથી ચાલુ)

જીવનને અર્થપૂર્ણ બનાવવું

જોસૅફ રૉયસ, વિક્ટર ફ્રેંન્કલે (Viktor Frankle) અને બીજા કેટલાક આધુનિક વિચારકોએ દર્શાવ્યું છે કે, ‘અર્થની ખોજ’ એ મનુષ્યત્વનું સૌથી આગળ પડતું લક્ષણ છે. માત્ર અનુભવથી માણસને સંતોષ થતો નથી; તે તેમાંથી કશોક અંતિમ અર્થ પ્રાપ્ત કરવા માગતો હોય છે. તે વ્યક્તિઓને અને વસ્તુઓને માત્ર ઉપભોગના સાધનો તરીકે નહીં, પરંતુ જીવનના અર્થ તરફ દોરી જતાં દ્વાર તરીકે ગણતો હોય છે. બધી જ સુસભ્ય પ્રજાઓ પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવે તેવા જીવન જીવવાના રસ્તાની સતત ખોજ કરતી રહેતી હોય છે. કમભાગ્યે માનવીની વિજ્ઞાન, કલા, સામાજિક જીવન વગેરે જેવી આધુનિક પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ તેને આ ખોજમાં મદદરૂપ થાય તેમ લાગતું નથી. પરિણામે, લાખો લોકો આજે ‘નિરર્થકતા’ તરીકે ઓળખાતી માનસશાસ્ત્રીય વ્યાધિથી પીડાતા હોય છે.

‘અર્થ’ એ આત્માની સ્વયં-સંપૂર્ણતાની અભિવ્યક્તિ છે. આત્મા તો જે બાબતો તેને પૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ કરે તેને જ ‘અર્થપૂર્ણ’ માને છે. જીવને ‘આત્મા’ તરીકે ઓળખાતું એક ઉચ્ચતર પરિમાણ હોય છે. આ ઉચ્ચતર આત્મા પોતે જેનો અંશ છે તે પરમ-આત્મા કે ઈશ્વરના સાક્ષાત્કાર કરીને જ પૂર્ણતાને પામી શકે છે. આથી માત્ર ઈશ્વર સાક્ષાત્કાર માટેનો પ્રયત્ન જ જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે. ઈન્દ્રિયોનો આનંદ, બૌદ્ધિક સંતોષ, સામાજિક જીવન – આ બધા માનવીની પહોંચની મર્યાદામાં છે, તેમ છતાં તેમની પ્રાપ્તિ માનવીને અપૂર્ણ જ રાખે છે. ઉચ્ચતર હેતુ માટે, અર્થાત્ ઈશ્વરના સાક્ષાત્કાર માટે, મથવું એ માનવીના અસ્તિત્વની જરૂરિયાત છે. શ્રીરામકૃષ્ણનો આ જ પાયાનો ઉપદેશ છે. તેમણે માત્ર ઈશ્વરના અસ્તિત્વમાં જ શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો એમ નહીં, પરંતુ તેના સાક્ષાત્કાર માટેના પ્રયત્નને પણ ભારે મહત્ત્વ આપ્યું. તેમણે લોકોને ઈશ્વરની ખોજ કરવા માટે સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં, કારણ તેઓ જાણતા હતા કે તે સિવાય જીવનને અર્થપૂર્ણ અને જીવવા લાયક બનાવવાનો અન્ય કોઈ માર્ગ જ નથી. અત્યારે વિશ્વના ઘણા ભાગોમાં રહસ્યમય જીવન પ્રત્યે જે રસ પુનઃ જાગૃત થઈ રહ્યો છે, અને સમાધિમય જીવનની લોકપ્રિયતા વધી રહી છે, તે ખરેખર શ્રીરામકૃષ્ણના પ્રાગટ્યનું જ પ્રત્યક્ષ કે પરોક્ષ પરિણામ છે.

કર્મયોગના બે પ્રકારો

જો માણસનું સમગ્ર જીવન ઈશ્વર-સાક્ષાત્કારના અંતિમ ધ્યેય તરફ જ પ્રવૃત્ત કરવાનું હોય, તો પછી પોતાની સાંસારિક પ્રવૃત્તિઓ અને જવાબદારીઓ તરફ તેનું વલણ કેવું હોવું જોઈએ, તે વિષે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્ન પરત્વેનો શ્રીરામકૃષ્ણનો ઉત્તર તેમને આધુનિક યુગમાં કર્મયોગના મહાન ગુરુઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કરે છે. જો કે તેમણે બે પ્રકારના કર્મયોગનો ઉપદેશ આપ્યો હતો: એક, ઈશ્વર-સાક્ષાત્કાર પહેલાંનો, અને બીજો ઈશ્વર સાક્ષાત્કાર પછીનો. મોટા ભાગના લોકોને પોતાના કુટુંબ સાથે રહેવાનું હોય છે, પૈસા કમાવાના હોય છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું હોય છે. એવા લોકોને શ્રીરામકૃષ્ણ એક જ સલાહ આપતા કે, મનની અંદર અનાસક્તિ રાખવી, અને ઈશ્વરને સમર્પિત થઈને રહેવું. જેવી રીતે કોઈ દાસી શ્રીમંત માણસના ઘરમાં કામ કરતી હોય, બધાંની સેવા કરતી હોય, અને બાળકો સાથે પણ જાણે કે તેઓ તેનાં પોતાનાં જ સંતાન હોય તેવું વર્તન રાખતી હોય, છતાં મનમાં તો જાણતી જ હોય છે કે, ખરેખર આમાંથી તેનું પોતાનું તો કશું જ નથી; તે જ રીતે ગૃહસ્થીએ બધો સમય ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં, તથા પોતે માત્ર ઈશ્વરને જ સમર્પિત છે તેવો મનમાં સંપૂર્ણપણે ખ્યાલ રાખીને જ પોતાની (ગૃહસ્થાશ્રમની) ફરજોનું પાલન કરવું જોઈએ.

શ્રીરામકૃષ્ણના આ પ્રથમ પ્રકારના કર્મયોગના ઉપદેશમાં બે મુદ્દાઓ નોંધવા જોઈએ. તેમણે કર્મ ઉપર નહીં, પરંતુ ઈશ્વર પ્રત્યેના પ્રેમ ઉપર ભાર મૂક્યો હતો. તેઓ જાણતા હતા કે લોકોની મોટા ભાગની રોજિંદી ફરજો તેમના ઉપર આપવામાં આવતા ધ્યાનના અને તેમની પાછળ ખર્ચવામાં આવતી શક્તિના એક ભાગ દ્વારા પણ બજાવી શકાય તેમ છે. ડાંગર ફૂટવાનું યંત્ર ચલાવતી સ્ત્રીનું ઉદાહરણ આપતાં તેઓ કહેતા કે, ‘‘આને કહેવાય ‘અભ્યાસ (Practice)નો યોગ.’ તે (સ્ત્રી)ના મનના સોળમાંથી પંદર ભાગ ડાંગર ફૂટવાના યંત્રના સાંબેલા ઉ૫૨ કેન્દ્રિત થયેલા હોય છે કે, ક્યાંક (રખે) તે તેના હાથને કચરી ન નાખે, જ્યારે પોતાના મનના માત્ર એક ભાગ દ્વારા તે બાળકની સંભાળ રાખે છે અને ગ્રાહક સાથે વાતચીત પણ કરે છે. તેવી જ રીતે, જે ગૃહસ્થીનું જીવન જીવે છે તેણે પોતાના મનના પંદર ભાગ ઈશ્વરને સમર્પિત કરી દેવા જોઈએ, નહીં તો તે વિનાશને નોતરશે અને મૃત્યુના પંજામાં સપડાઈ જશે. તેણે સંસારની ફરજો માત્ર મનના એક ભાગ દ્વારા જ બજાવવી જોઈએ.

નોંધવા જેવો બીજો મુદ્દો એ છે કે, શ્રીરામકૃષ્ણે પરંપરાગત હિંદુ ઉપદેશકોની જેમ કર્મયોગ દ્વારા મનના શુદ્ધીકરણ ઉપર ભાર મૂકવાને બદલે ભક્તિની પરિવર્તનકારી શક્તિ અને ઈશ્વરની ઉદ્ધારક શક્તિ ઉપર ભાર મૂક્યો હતો. જો વ્યક્તિ ઈશ્વરનું સતત સ્મરણ કરે, અને તેને ઉત્કટતાપૂર્વક પ્રેમ કરે, તો ઈશ્વર તેના જીવન-વ્યવહારમાં પ્રત્યક્ષ રીતે જ દરમ્યાન થશે, તેનાં બંધનો કાપી નાખશે અને તેને આધ્યાત્મિક પ્રકાશ આપશે. આવી વ્યક્તિને માટે પોતે મનની શુદ્ધતા પ્રાપ્ત કરે ત્યાં સુધી લાંબો સમય રાહ જોવાપણું રહેતું નથી.

દરેક સમાજમાં એવાં થોડાંક પુરુષો અને સ્ત્રીઓ (સામાન્ય રીતે યુવાન અને અપરિણિત) તો હોય છે જ, કે જેમના ઉપર કુટુંબ અને સામાજિક જવાબદારીઓનો ભાર હોતો નથી, અને તેથી તેઓ પોતાનું સમગ્ર જીવન ઈશ્વરને સમર્પિત કરવા માટે મુક્ત હોય છે. આવા લોકોને શ્રીરામકૃષ્ણે બીજા પ્રકારના કર્મયોગનો ઉપદેશ આપ્યો. તેમણે તેઓને પહેલાં આધ્યાત્મિક અભ્યાસ દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાનું, અને તે પછી સમાજમાં પાછા ફરી જનતાને ઈશ્વર સમજીને તેમની સેવા કરવાનું કહ્યું. દૂધ પાણીમાં મુક્ત રીતે ભળી જાય છે, પરંતુ જો તેને દહીં બનવા દેવામાં આવે, અને દહીંમાંથી વલોવીને માખણમાં રૂપાંતરિત કરવામાં આવે, તો તે માખણ પાણીની ઉપર તરશે. એ જ રીતે, શ્રીરામકૃષ્ણે કહ્યું કે, જો વ્યક્તિ કેટલાંક વર્ષોના ઘનિષ્ઠ આધ્યાત્મિક અભ્યાસ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી સમાજમાં કામ કરે, તો તે (સમાજના રંગથી) ખરડાયા વિના રહી શકે છે.

કર્મયોગના આ જે બે પ્રકારોનો શ્રીરામકૃષ્ણે ઉપદેશ આપ્યો, તે (પ્રકારો) તેમના આ પૃથ્વી ઉપરના જીવનકાર્યના બે મહત્ત્વના વિભાગો સાથે સંકળાયેલા છે – તે છે, વૈદિક આદર્શની પુનઃસ્થાપના અને મઠ-પદ્ધતિમાં પુનઃપ્રાણાર્પણ.

ઋષિ-આદર્શની પુનઃસ્થાપના

ભારતમાં વૈદિક યુગમાં જ તેની પછીના સમયની બધી જ આધ્યાત્મિક સિદ્ધિઓનાં બીજ વવાઈ ગયાં હતાં. એ યુગ તે સમયના લોકોની ગ્રામ્ય સાદાઈ ઉપરાંત વાસ્તવિકતાના અને જીવન પ્રત્યેના ઉચ્ચતર ખ્યાલને કારણે પણ નોંધપાત્ર હતો. તે વખતે પવિત્ર અને સાંસારિક (કાર્યો) વચ્ચે ભાગ્યે જ કોઈ તફાવત હતો, અને દૈહિક કાર્યો સહિતની બધી જ પ્રવૃત્તિઓને વૈશ્વિક ‘યજ્ઞ’માં ભાગ લેવા સમાન ગણવામાં આવતી. દરેક વ્યક્તિનું જીવન ગુણાતીત સત્યના સાક્ષાત્કાર અર્થે પૂર્ણપણે સમર્પિત હોઈને, સંસારત્યાગ અને સંસારમાં લપટાયેલા રહેવા વચ્ચેના વિરોધાભાસનો અનુભવ થતો ન હતો. વ્યક્તિગત ઈશ્વર અને નિરપેક્ષ પૂર્ણ, ભક્તિ અને જ્ઞાન, કર્મ અને યોગ, વગેરે વચ્ચેના સૂક્ષ્મ ભેદો (જે પાછળના યુગોમાં ભારતીય આધ્યાત્મિકતાને પીડવાના હતા, તે) હજુ ઊભા થયા ન હતા. સંસારના એક મિથ્યા ભ્રમ તરીકે નહીં, પરંતુ એક તેજોમય આત્માની અભિવ્યક્તિ તરીકે માનવામાં આવતો. વૈદિક જીવનના આ બધાં વિશિષ્ટ તત્ત્વો ઋષિ આદર્શમાં મૂર્તિમંત થયાં હતાં.

આ આદર્શને શ્રીરામકૃષ્ણે આધુનિક માનવને માટે પુનર્જીવિત કર્યો છે. જો કે અત્યંત જટિલતા અને કૃત્રિમતાથી ભરેલું આધુનિક જીવન વૈદિક યુગની ગ્રામ્ય સાદાઈથી ઘણું દૂર ગયેલું લાગે, પરંતુ સમાજશાસ્ત્રીય અધ્યયનોએ એ દર્શાવી આપ્યું છે કે, વર્તમાન સમયના વિચારો, ખ્યાલો અને સામાજિક અભિમુખતાનું સામાન્ય વલણ એકરૂપતા અને પૂર્ણતા તરફ છે. વિજ્ઞાને સત્યના એક અન્વેષણ તરીકે એક ધર્મ જેટલી પવિત્રતા પ્રાપ્ત કરી છે; પદાર્થ અને શક્તિ વચ્ચેની એકતાની શોધે ધાર્મિક અને સાંસારિક (બાબતો) વચ્ચેના ભેદભાવોને ઓછા કરી નાખ્યા છે, અને જ્યારે હવે સાધુઓને સામાજિક જીવન સાથે સંકળાવાનું અનિવાર્ય લાગવા માંડ્યું છે, ત્યારે સાંસારિક લોકો અનાસક્તિ, સંયમ અને ધ્યાનની આવશ્યકતા પ્રત્યે વધારે ને વધારે સભાન થતા જાય છે, આધુનિક માનવી પરમ તત્ત્વ વિષેના ઉચ્ચતર ખ્યાલની અને જીવન જીવવાની પૂર્ણ પદ્ધતિની ખોજમાં છે. ઋષિઓનો પ્રાચીન વૈદિક આદર્શ, જો તેને આધુનિક જીવનની સ્થિતિને અનુકૂળ બનાવવામાં આવે તો, (પ્રાચીન અર્વાચીનના આ) મિશ્ર આદર્શની વર્તમાન જરૂરિયાતને પૂરી કરી શકે તેમ છે. શ્રીરામકૃષ્ણે તેમના સમગ્ર જીવન દરમિયાન આ જ કર્યું હતું.

તેમનું જીવન હિંદુ ધર્મના અન્ય વીર અને પરાક્રમી અવતારોના જીવન કરતાં વૈદિક ઋષિઓના જીવન સાથે વધારે મળતું આવતું હતું. તેમનો ધર્મો વચ્ચેની સંવાદિતા વિષેનો ઉપદેશ એ પુનર્જીવિત કરેલો વૈદિક ખ્યાલ જ છે – માત્ર તેને આધુનિક પરિસ્થિતિઓને અનુરૂપ બનાવવામાં આવ્યો છે, એટલું જ. વૈદિક ઋષિઓ વિશ્વને એક સતત વહેતા પ્રવાહની સ્થિતિમાં ગણતા; શ્રીરામકૃષ્ણે તેને દિવ્ય માતાની લીલા માની હતી. શ્રીરામકૃષ્ણે પોતાના ‘વિજ્ઞાન’ના સિદ્ધાંત દ્વારા વિશ્વમાં દરેક પદાર્થમાં ઈશ્વરીય તત્ત્વની ઝલક જોનારા વૈદિક ઋષિઓના પૂર્ણ દર્શનને જ ફરી વખત ઝીલ્યું છે.

સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણને માત્ર ત્યાગ અને સેવાના સર્વોચ્ચ ઉદાહરણ તરીકે જ નહીં, પરંતુ જીવનના વૈદિક આદર્શનાં મૂર્તિમંત સ્વરૂપ તરીકે પણ ગણતા. આને કારણે તેમણે શ્રીરામકૃષ્ણને ભારતના રાષ્ટ્રીય આદર્શ તરીકે જાહેર માટે કર્યા હતા. સ્વામીજીએ કહ્યું:

‘‘એક રાષ્ટ્ર પાસે પોતે ઉત્થાન પામી શકે તે માટે કોઈ ઉચ્ચ આદર્શ હોવો જ જોઈએ. હવે, તે આદર્શ અલબત્ત નિરપેક્ષ બ્રહ્મ જ હોય. પરંતુ તમે બધા જ કોઈ અમૂર્ત આદર્શ દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી શકવાના નથી, તેથી તમારી પાસે એક વ્યક્તિગત આદર્શ હોવો જોઈએ. અને તમને તે શ્રીરામકૃષ્ણના રૂપમાં પ્રાપ્ત થયેલો છે. (તેમની સિવાય) બીજી વ્યક્તિઓ હવે આપણો આદર્શ બની શકે તેમ નથી તેનું કારણ એ કે તેમના દિવસો પૂરા થઈ ગયા છે; અને વેદાંત દરેકની પાસે પહોંચી શકે તે માટે આધુનિક પેઢી સાથે સહાનુભૂતિ ધરાવી શકે એવી કોઈ વ્યક્તિ હોવી જોઈએ. આ શરત શ્રીરામકૃષ્ણ પૂરી કરે છે. આથી હવે તમારે તેમને બીજા બધા કરતાં આગળ મૂકવા જોઈએ. પછી તેમને સાધુ તરીકે માનો છો કે અવતાર તરીકે, તે બહુ મહત્ત્વનું નથી.

હજારો ભક્તોએ શ્રીરામકૃષ્ણને પોતાના આદર્શ તરીકે સ્વીકાર્યાં છે અને તેમના (શ્રીરામકૃષ્ણના) જીવનના આકાર મુજબ પોતાના જીવનને ઢાળી રહ્યા છે.

મઠ-પ્રણાલીના આદર્શનું પુનર્જીવન

બૌદ્ધ મઠ-પ્રણાલીના પ્રાદુર્ભાવે વૈદિક ઋષિઓના આદર્શને સૌથી મોટો પડકાર આપ્યો હતો. શંકરાચાર્યે ‘સંન્યાસી’ના આદર્શને દૃઢ પાયા ઉપર સ્થાપીને બૌદ્ધોના પડકારને પ્રત્યુત્તર આપ્યો હતો. જો કે તેને પરિણામે ૠષિ-આદર્શ પણ થોડો ઝંખવાયો હતો. તેમ છતાં તે એક ઐતિહાસિક જરૂરિયાત હતી, અને (ત્યારથી) લગભગ એક હજાર કરતાં પણ વધારે વર્ષો સુધી હિંદુઓના ધાર્મિક જીવન ઉપર સંન્યાસીનું પ્રભુત્વ રહ્યું છે. ત્યાગ, પવિત્રતા અને સ્વતંત્રતા એ આધ્યાત્મિકતાનો પાયો છે, અને કોઈ પણ ધર્મ આ સદ્ગુણોને વરેલા સાધુઓના હાર્દ વગર લાંબા સમય સુધી આધ્યાત્મિકતાનું ઉચ્ચ સ્તર જાળવી શકે નહીં. હિંદુ ધર્મનું પુનર્જીવન તેની સંન્યાસીઓની હરોળના પુનર્જીવન વગર અશક્ય જ બની જાય.

શ્રીરામકૃષ્ણ આ ઘણી સારી રીતે સમજતા હતા. અને જો કે તેમણે પોતાના નામે વિધિસર કોઈ સાધુ-સંસ્થાની સ્થાપના કરી ન હતી. છતાં તેમણે એક નવી ‘મઠ-પ્રણાલી’નો પાયો નાખ્યો હતો અને તે લાંબા સમય સુધી ચાલે તે માટે જરૂરી એવી પૂર્વતૈયારી પણ કરી દીધી હતી. તેઓ એક દીક્ષિત સંન્યાસી હતા, અને જે રીતે તેઓ પોતાના સાંસારિક ભક્તો માટે હતા, તે જ રીતે શ્રી રામકૃષ્ણ-સંઘના સાધુઓ માટે પણ એક આદર્શ સમાન હતા. આ ધર્મસંઘે શ્રી રામકૃષ્ણ આદર્શને અનુરૂપ બનવાના શક્ય હોય તે બધા જ પ્રયત્નો કર્યા છે, અને છેલ્લાં સો વર્ષ દરમ્યાન બીજી કોઈ ધાર્મિક સંસ્થાએ રામકૃષ્ણ સંઘની જેટલી સંખ્યામાં જ્વલંત વિભૂતિઓ ઉત્પન્ન કરી નથી. તેણે મઠ-સંસ્થાના આદર્શને સંપૂર્ણ રીતે નવો જ વળાંક આપ્યો છે, અને ભારતમાં મઠ-જીવનને સંપૂર્ણ રીતે પુનર્જીવિત કર્યું છે. આ હકીકત જી.એસ.ધુર્યે જેવા નામાંકિત સમાજશાસ્ત્રીએ કબૂલ કરી છે.૧૦

શ્રીરામકૃષ્ણ જન સમુદાય

કોઈ પણ અલગ, સ્વાયત્ત મઠ-સંઘ, ભલે આધ્યાત્મિક આદર્શોની પવિત્રતાની જાળવણી માટે ગમે તેટલું તે (અલગતા અને સ્વાયત્તતા) જરૂરી હોય તો પણ તેના અમુક આદર્શો સાથે સમાનપણે ભાગીદાર હોય એવા સાંસારિક જનસમુદાયના ટેકા વગર જીવી શકે નહીં કે અસરકારક રીતે કાર્ય કરી શકે નહીં. અમસ્તું પણ, કોઈ પણ સંપ્રદાયના બીન-મઠવાસી ભક્તો માટે એક ઓળખ, પોતાપણાની એક લાગણી અને અમુક પ્રમાણમાં સામૂહિક આઘાર આપવા માટે પણ એક સાંસારિક જન સમુદાય જરૂરી હોય છે. શ્રીરામકૃષ્ણે પોતે પોતાની હયાતી દરમ્યાન જ પોતાના અમાપ પ્રેમના બળ દ્વારા ભક્તોના એક નાનકડા વર્તુલને પોતાની સાથે સાંકળીને આવા સમુદાયનો પાયો નાખ્યો હતો. આ વર્તુલ હવે વિશ્વવ્યાપી રામકૃષ્ણ સમુદાયરૂપે વિસ્તર્યું છે, જે હજારો લોકોને કોઈ દેવળપ્રથાના ચૂસ્ત નિયમો વડે નહીં, પરંતુ માત્ર પ્રેમના જ અદૃશ્ય દોર વડે બાંધી રાખે છે. જો કે સંખ્યાની દૃષ્ટિએ નાનો હોવા છતાં શ્રીરામકૃષ્ણ-સમુદાય હિંદના તથા અમુક બીજા દેશોના કેટલાક ભાગોમાં એક મહત્ત્વની સામાજિક હસ્તી ધરાવે છે, જ્યાં તે સમાજના આધ્યાત્મિક પરિવર્તન માટેના એક ઉદ્દીપક તરીકેનું કાર્ય કરે છે. ઘણા લોકો માટે આધ્યાત્મિક આધારનો આવો અનૌપચારિક સામૂહિક સ્રોત એક મહાન આશીર્વાદ સમાન છે, અને તેનું અસ્તિત્વ એ શ્રીરામકૃષ્ણના માનવજાતિ માટેના પ્રેમ અને કાળજીનો એક વધુ પુરાવો છે.

માનવીય – સંબંધોનું દૈવીકરણ

શ્રીરામકૃષ્ણનું બીજું પ્રદાન (માનવ કલ્યાણના ક્ષેત્રે) માનવીઓ પ્રત્યેના, ખાસ કરીને ગરીબ, પતિત, કચડાયેલા અને દુષ્ટ માનવીઓ પ્રત્યેના, એક નવા અભિગમના વિકાસમાં રહેલું છે. બુદ્ધ અને ઈસુની જેમ તેમને પણ સમાજના બહિષ્કૃતો પ્રત્યે ઊંડી કરુણા હતી. તેમના અત્યંત પ્રિય સાંસારિક શિષ્યોમાંના ગિરીશ, સુરેન્દ્ર અને કાલીપદ તેઓ શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવ્યા પહેલાં રંગીલા અને સ્વચ્છંદ પ્રકૃતિના હતા. તેમણે (શ્રીરામકૃષ્ણ) ઘણી નટીઓ અને પતિતાઓનો ઉદ્ધાર કર્યો હતો. શ્રીરામકૃષ્ણની ચરિત્રકથાઓમાં એ નોંધાયેલું છે કે, એક રાત્રે તેમણે પોતાના લાંબા વાળ વડે એક અસ્પૃશ્યનું સંડાસ સાફ કર્યું હતું. એ (અસ્પૃશ્ય) વ્યક્તિ હતો રસિક-દક્ષિણેશ્વરનો ઝાડૂવાળો. રસિક શ્રીરામકૃષ્ણના હંમેશાં દૂરથી દર્શન કરતો. એક દિવસ હિંમત કરીને તે તેમની પાસે ગયો અને “મારું શું થશે? એમ કહેતો રડતો રડતો તેમના ચરણે ઢળી પડ્યો. શ્રીરામકૃષ્ણ સમાધિમાં સરી પડ્યા, અને સમાધિમાંથી જાગૃત થતાં તેમણે રસિકને આશીર્વાદ આપ્યા અને તેને ખાતરી આપી કે, ‘‘તને તારા મૃત્યુ સમયે બધું જ પ્રાપ્ત થશે.” શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી રસિક પોતાની ઝુંપડી નજીક આવેલા તુલસી – બાગ (જે હજુ પણ મોજુદ છે)માં પ્રાર્થના અને ભજનમાં પોતાનો ઘણો ખરો સમય વીતાવતો. જ્યારે તેની અંતિમ ક્ષણો નજીક આવી, ત્યારે રસિકનો ચહેરો એક ધન્ય સ્મિત વડે ઝળહળી ઊઠયો. “બાપુ, તમે આવી ગયા” – એ શબ્દો ઉચ્ચારતાં તેણે પ્રાણ છોડ્યા.

બાગબઝારના જાણીતા ગુંડા મન્મથના હૃદયપલટાની વાત તો તે કરતાં પણ વધારે નોંધપાત્ર છે. મન્મથ બ્રાહ્મણ હોવા છતાં એવો પહેલવાન અને ગુંડો હતો કે તેનાથી ગુન્હેગાર-આલમના મવાલીઓ પણ ડરતા. એક દિવસ યોગીન માના ભાઈ હીરાલાલે (જેને પોતાની બહેન દક્ષિણેશ્વર જતી તે ન ગમતું) શ્રીરામકૃષ્ણ યોગીન માના ઘરની પહેલી મુલાકાતે આવે ત્યારે મન્મથને ત્યાં હાજર રહેવા કહ્યું હતું, જેથી તેઓ ડરીને ત્યાંથી ચાલ્યા જાય. શ્રીરામકૃષ્ણે ગાડીમાંથી નીચે ઉતરતાં મન્મથ ઉપર દૃષ્ટિપાત જ કર્યો, અને તુરત જ મન્મથનો હૃદયપલટો થઈ ગયો. તે માફી માગતો તેમના ચરણે પડ્યો. થોડા દિવસો પછી મન્મથ ગંગાધર (જે પાછળથી સ્વામી અખંડાનંદ બન્યા હતા)ની સાથે દક્ષિણેશ્વર ગયો, જ્યાં તેને શ્રીરામકૃષ્ણ કાલીમાતાના મંદિરે લઈ ગયા, અને તેના ઉપર ખાસ આશીર્વાદ વરસાવ્યા. ત્યારથી મન્મથ નિષ્ઠાપૂર્વક આધ્યાત્મિક નિયમોનું પાલન કરવા લાગ્યો, અને શ્રીરામકૃષ્ણના નિધન પછી તે વારંવાર ભાવાવેશમાં લીન થવા સાથે ઈશ્વરમય જીવન ગાળવા લાગ્યો.

આવા પતિતો પ્રત્યે શ્રીરામકૃષ્ણનું વલણ માત્ર કરુણા ઉપર નહીં, પરંતુ એક ઉદાત્ત દૃષ્ટિબિંદુ ઉપર આધારિત હતું. તેઓ તે બધામાં ઈશ્વરનાં દર્શન કરતા, અને પોતાનું ઉદ્ધાર કાર્ય પણ ઈશ્વર-ઉપાસનાના એક પ્રકાર તરીકે જ કરતા. ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં પરંપરાગત વલણથી આ ખરેખર એક ક્રાંતિકારી નવપ્રસ્થાન હતું. સદીઓથી દલિતો અને પતિતો સાથે, તેઓ તેમનાં પોતાનાં જ દુષ્કર્મોનાં ફળ ભોગવે છે તેમ માનીને, તિરસ્કૃત કે ઠંડી ઉપેક્ષાભર્યો વ્યવહા૨ ક૨વામાં આવતો. શ્રીરામકૃષ્ણ કદી પાછલા (ભૂતકાળના કે પાછલા જન્મના) કર્મ વિષેની ચર્ચાને ઉત્તેજન આપતા નહીં, અને કદી કોઈને સુધારી ન શકાય તેવા કે ઉદ્ધાર માટે અપાત્ર માનતા નહીં. તેઓ નીચામાં નીચા લોકોમાં પણ માત્ર દૈવી આવિર્ભાવ તથા ભાવિ વિકાસની સુષુપ્ત શક્યતા જ નિહાળતા. તેમણે દૈવી આવિર્ભાવને ત્રણ પ્રકારોમાં વહેંચ્યો હતો: સાત્ત્વિક, રાજસિક અને તામસિક અને અનૈતિક તથા દુષ્ટ લોકોને છેલ્લા પ્રકારમાં રહેલા ગણતા. આ રીતે તેમણે લોકો પ્રત્યેના પોતાના વલણનું દૈવીકરણ કર્યું, અને બધાને પોતાના બનાવ્યા. તેમની પાસે જે કોઈ જતા, તે તેમની પાસેથી શ્રદ્ધા, આશા કે આધ્યાત્મિક શક્તિનો અંશ પ્રાપ્ત કરતા. મહા વિદ્વાન પ્રમદાદાસ મિત્રે લખ્યું છે તેમ, ‘‘શ્રીરામકૃષ્ણના સ્વરૂપે પૃથ્વી ઉપર અવતરેલા એ મહાન આત્મા હંમેશાં સર્વોચ્ચ જ્ઞાનના અમૃતમાં નિમગ્ન રહેતા, અને જે કોઈ તેમના કરુણામય કરનો સ્પર્શ પામતા, તે તુરત જ પોતાના મનને વિષય વાસના અને ધન-સંપત્તિના બંધનમાંથી મુક્ત થયેલું અનુભવતા.”૧૧ શ્રીરામકૃષ્ણે સાધેલા માનવ-સંબંધોના આ દૈવીકરણને કારણે જ સ્વામી વિવેકાનંદ માનવતાવાદને દૈવત્વ અર્પી શક્યા હતા, તથા સમાજસેવાનું આધ્યાત્મીકરણ કરી શક્યા હતા. સમગ્ર રામકૃષ્ણે આંદોલનનો સામાજિક અભિગમ શ્રીરામકૃષ્ણના ‘શિવજ્ઞાને જીવસેવા’ (પ્રભુસેવા તરીકે જનસેવા)ના ખ્યાલમાંથી આકાર પામ્યો હતો.

દિવ્ય માની ઉપાસના

હવે આપણે શ્રીરામકૃષ્ણના જીવનના, કદાચ તે સૌથી અગત્યનું પાસું ન હોય તો પણ, સૌથી અગત્યનાં પાસાંઓમાંના એક ઉપર આવીએ. તે પાસું એટલે તેમની કાલીમાતાની ઉપાસના. એવા પણ કેટલાક લોકો છે કે જે કાલીમાતાને અત્યંત ‘ભયંકર’ માને છે, અને શ્રીરામકૃષ્ણ જેવા એક સૌમ્ય માણસ કાલીમાતાની ઉપાસના શા માટે કરતા, તેની તેમને નવાઈ લાગે છે. પરંતુ શ્રીરામકૃષ્ણ માટે તો કાલી વિશ્વની પરમ મંગલકારી માતા, શક્તિનો સિદ્ધાંત, ખુદ અસ્તિત્વનું જ ગર્ભસ્થાન અને અસ્તિત્વની જ શક્તિ સિવાય બીજું કશું ન હતું. શ્રીરામકૃષ્ણ પરંપરાવાદી અદ્વૈતવાદીઓ કરતાં જુદા પડીને શક્તિને બ્રહ્મનું જ બીજું સ્વરૂપ માનતા. ‘‘જે બ્રહ્મ છે, તે જ વાસ્તવમાં શક્તિ – દિવ્ય મા પોતે જ – છે.”૧૨

શ્રીરામકૃષ્ણની દિવ્ય માની ઉપાસનાનું તેમના વ્યક્તિગત કાર્ય કરતાં પણ ક્યાંય વધારે એવું મહત્ત્વ છે, જે અનેક પ્રકારના સુચિતાર્થો ધરાવે છે. આ એક ઘણો વિશાળ વિષય છે. અને અહીં તો આપણે માત્ર તેના નીચેનાં પાસાંઓની જ સંક્ષેપમાં ચર્ચા કરી શકીએ.

૧. વૈશ્વિક કુંડલિની જાગૃતિ: આમ જનતામાં મહાપુરુષ મહારાજ તરીકે જાણીતા એવા સ્વામી શિવાનંદે એક વખત જણાવ્યું હતું કે, ‘‘સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે, આ યુગમાં ‘બ્રહ્મ કુંડલિની’ – વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે જવાબદાર એવી ‘મા’ શ્રીરામકૃષ્ણની ઉત્કટ પ્રાર્થના દ્વારા જાગૃત થયેલી છે’’ (સ્વામી વિવેકાનંદના) આ કથન ઉપર ભાષ્ય કરતાં મહાપુરુષ મહારાજે નોંધેલું, “હવે વ્યક્તિગત કુંડલિની જાગૃત થશે તેમાં નવાઈ નથી! આને કારણે જ આપણે બધી જગ્યાએ એક મહાન આધ્યાત્મિક ઉફાળનાં ચિહ્નો જોઈએ છીએ. મા, આદ્યશક્તિ, શ્રીરામકૃષ્ણના દેહનો ઉપયોગ કરીને વિશ્વના કલ્યાણ અર્થે લીલા કરી રહી છે. આપણે હવે ચિંતા કરવાની જરૂર નથી.’’૧૩

તેમના કહેવાનો અર્થ એ હતો કે, શ્રીરામકૃષ્ણે જે સામાન્ય જાગૃતિ આણી હતી તેને કારણે આધ્યાત્મિક અભ્યાસ અને પ્રાર્થનાઓ વર્તમાન સમયમાં વધારે ઝડપથી ફળદાયી બને તેમ હતા.

૨. વિશ્વમાં જીવવા માટેનો ડહાપણભર્યો માર્ગ: શ્રીરામકૃષ્ણે તેમના સમગ્ર જીવન દરમ્યાન આપણને આ દુનિયામાં સંપૂર્ણપણે ઈશ્વર પર જ આધાર રાખીને કઈ રીતે જીવવું તે શીખવ્યું છે. ઘણી વખત લોકો પોતાની પાસે જે આત્મવિશ્વાસ, તર્કસંગતતા, અને બળ હોવાનો દાવો કરતા હોય છે, તે બધું તેમના ‘અહં’ ઉપર આધારિત હોય છે. અહંભાવ લોકોને સતત યુક્તિપ્રયુક્તિઓ અને યોજનાઓ કરતા રહેવા પ્રેરે છે; બીજા લોકો પાસેથી પોતાને ફાયદો થાય તે રીતે કુશળતાથી કામ કઢાવવા, અને પોતાના તરંગો અનુકૂળ આવે તે રીતે પ્રચલિત વ્યવસ્થાને ઊંધી ચત્તી કરવા માટે તત્પર કરે છે. પ્રકૃતિના, ઈશ્વરીય વ્યવસ્થાના, કાર્યમાં આ પ્રકારની દખલગીરી જ જીવનમાં ચિંતા, અવ્યવસ્થા અને દુઃખનું મુખ્ય કારણ બનતી હોય છે. જે વ્યક્તિ દિવ્ય મા ઉપર આધારે રાખે છે તે પ્રાર્થના કરે છે અને પોતાનો માર્ગ સ્પષ્ટ સૂઝે ત્યાં સુધી તે રાહ જુએ છે, અને પછી જેમ જેમ સંજોગો ઊભા થતા જાય તેમ તેમ તે આગળ વધે છે. આવી વ્યક્તિ શાંતિનો આનંદ માણે છે, અને પોતાની જાતને તથા બીજા લોકોને હાનિ પહોંચડવાની શક્યતાને કમ કરે છે.

૩. સ્ત્રીજાતિની ઉન્નતિ: શ્રીરામકૃષ્ણ પરમેશ્વરને નારીરૂપે ગણતા, દિવ્ય મા અને બ્રહ્મ તરીકે ઓળખાતા એવા અંતિમ સત્યને એક જ માનતા, બધી જ સ્ત્રીઓમાં ‘મા’ના દર્શન કરતા. અને નારીત્વને માતૃત્વ સાથે એકરૂપ ગણતા આ બધાંએ સમાજમાં નારીના કર્તૃત્વના ગૌરવને ઊંચકીને ઊંચામાં ઊંચા આસને પહોંચાડ્યું છે, અને સમાજમાં નારીએ ભજવવાના ભાગ તથા નારી પ્રત્યેના સામાજિક વલણો (જે વર્તમાન સમયના વિશ્વમાં કેટલાક કસોટી કરે તેવા પ્રશ્નો ઊભા કરે છે) વિષે પુનર્વિચારણાને જરૂરી બનાવી છે.

અહીં વર્તમાન સદીમાં થયેલા બે મહત્ત્વનાં સામાજિક પરિવર્તનોની નોંધ કરવાનું જરૂરી બને છે. એક છે, નારીની મુક્તિ અને ઉત્થાન. આ તો એક આવકારદાયક પ્રગતિ ગણાવી જોઈએ, અને તેનાથી કોઈ સમસ્યા ઉદ્ભવવી ન જોઈએ. પરંતુ વાસ્તવમાં તેને કારણે, ખાસ કરીને પશ્ચિમમાં, કૌટુમ્બિક બંધનો નબળાં પડ્યાં છે, અને સામાજિક માળખામાં ખરેખરું ભંગાણ પડ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ માટેનું કારણ સ્પષ્ટ જ છેઃ પશ્ચિમના સમાજમાં નારીત્વને માતૃત્વ સાથે એકરૂપ ગણવામાં આવતું નથી, અને તેથી નારીનો ઉત્કર્ષ સાથે સાથે એટલા જ પ્રમાણમાં માતૃત્વની ઉન્નતિનું કારણ બન્યો નથી. વર્તમાન પિતૃપ્રધાન કુટુંબવ્યવસ્થા નવા આકાર લઈ રહેલા સામાજિક માળખામાં એક સંગઠનકારી પરિબળ તરીકે સ્પષ્ટ રીતે જ અપર્યાપ્ત છે.૧૪

(વર્તમાન સમયમાં થયેલું) બીજું પરિવર્તન છે, માર્કસવાદની અસરથી થયેલું સામાજિક વલણોનું રૂપાંતર. એ કદાચ યોગાનુયોગ, પરંતુ અતિ મહત્ત્વનો યોગાનુયોગ, હશે કે, જ્યારે શ્રીરામકૃષ્ણ અંતિમ સત્યના સાક્ષાત્કાર માટેની ઉત્કટ સાધનામાં રોકાયેલા હતા, ત્યારે કાર્લ માર્કસ સમાજની પુનર્રચના માટેની આધારશિલા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બંનેએ પોતાની ખોજ એક સમાન સિદ્ધાંતમાં સમાપ્ત કરી; એ સિદ્ધાંત એટલે માતૃત્વ – શ્રીરામકૃષ્ણે દૈવી માતૃત્વની શોધ કરી, અને કાર્લ માર્કસે માનવ-માતૃત્વની. માર્કસે પિતૃપ્રધાન કુટુંબપ્રથા, જેને તેઓ મૂડીવાદની તરફેણ કરનારી ગણતા હતા, તેની અપૂર્ણતાઓ સ્પષ્ટપણે જોઈ લીધી હતી. તેઓ (તે પ્રથાના) એક વૈકલ્પિક આદર્શની ખોજ કરી રહ્યા હતા. ત્યારે એન્જલ્સે તેમને જર્મન નૃવંશશાસ્ત્રી જે. જે. બેચોફેન (Bachofen)ના અવિસ્મરણીય ગ્રંથનો પરિચય કરાવ્યો.૧૫

બેચોફેને પોતાના મહાન ગ્રંથ નીચે મુજબની પાયાની મીમાંસા (થીસિસ) ઉપર આધારિત કર્યો હતો: ધર્મ માનવસભ્યતાનું શાશ્વત ઝરણું પૂરું પાડે છે, અને ધર્મ મૂળભૂત રીતે સ્ત્રૈણ (નારીત્વ) ગુણ ધરાવે છે. તેના મત પ્રમાણે: ‘‘બધી સંસ્કૃતિઓ વચ્ચે સમત્વ આણનાર એક જ સશક્ત પરિબળ છે, અને તે છે ધર્મ. માનવ-અસ્તિત્વનું દરેક ઉત્થાન અને દરેક પતન આ સર્વોપરી ક્ષેત્ર (ધર્મ)માંથી ઉદ્ભવતા આંદોલનમાંથી પ્રગટતું હોય છે…જો ખાસ કરીને માતૃપ્રધાન કુટુંબવ્યવસ્થા આ પાદરી તંત્રની છાપ ધરાવતી હોય તો તે મૂળભૂત રીતે સ્ત્રૈણ પ્રકૃતિને કારણે, દિવ્ય હસ્તીની એ ગહન અનુભૂતિને કારણે, જે પ્રેમની લાગણી સાથે સમરસ થઈને સ્ત્રીને, અને ખાસ કરીને માતાને, એક પ્રકારનો ધાર્મિક ભક્તિભાવ બક્ષે છે. આ ધાર્મિક ભક્તિભાવ અત્યંત જંગલી-યુગમાં સૌથી વધારે ક્રિયાશીલ હોય છે.

બીજું, જે બંધનો સમાજને ટકાવી રાખે છે તે માતૃત્વના ગુણયુક્ત હોય છે. પિતૃપ્રધાન વ્યવસ્થા વિભાજનો અને સંઘર્ષો સર્જે છે. વૈશ્વિક બંધુત્વ માત્ર સમાજના માતૃપ્રધાન માળખામાં જ રચી શકાય છે. બેચોફેન કહે છે:

‘‘બધી જ સભ્યતાઓના, દરેક સદ્ગુણના, અસ્તિત્વનાં દરેક ઉમદા પાસાંના મૂળમાં જે સંબંધ રહેલો છે, તે માતા અને બાળક વચ્ચેનો સંબંધ છે. હિંસાની દુનિયામાં તે પ્રેમના, એકતાના, શાંતિના દૈવી સિદ્ધાંત તરીકે કાર્ય કરે છે. સ્ત્રી પોતાના બાળકને ઉછેરતી વખતે પોતાના અહંની મર્યાદાઓની પેલી પાર જઈને પોતાની પ્રેમાળ સારસંભાળ અન્ય પ્રાણી પ્રત્યે પ્રસરાવવાનું, અને પોતાની પાસે જે કંઈ શોધક બુદ્ધિની દૈવી ભેટ હોય તેને આ અન્ય (પ્રાણી)ના અસ્તિત્વના સંરક્ષણ તથા સુધારા તરફ લઈ જવાનું પુરુષ કરતાં વહેલું શીખી જાય છે. આ તબક્કે સ્ત્રી બધી જ સભ્યતાનો, બધી જ પરોપકારિતાનો, બધા જ ભક્તિભાવનો, જીવિતાત્મા માટેની બધી જ ફિકર-ચિંતાનો, અને મૃતાત્મા માટેના બધા જ શોકનો ભંડાર હોય છે. અને છતાં માતૃત્વમાંથી જે પ્રેમ ઉદ્ભવે છે તે માત્ર વધારે ગાઢ જ નહીં, પરંતુ વધારે વૈશ્વિક સ્વરૂપનો હોય છે. પૈતૃક-સિદ્ધાંત મૂળભૂત રીતે મર્યાદિત કે પ્રતિબંધાત્મક હોય છે, ત્યારે માતૃત્વનો સિદ્ધાંત વૈશ્વિક હોય છે; પૈતૃક સિદ્ધાંત અમુક ચોક્કસ જૂથો પૂરતી મર્યાદિતતા સૂચવે છે, જ્યારે માતૃત્વનો સિદ્ધાંત, પ્રકૃતિના જીવનની જેમ, કોઈ અંતરાય (કે મર્યાદા)ને ઓળખતો નથી. માતૃત્વનો ખ્યાલ બધા જ માનવીઓમાં વૈશ્વિક બંધુત્વની ભાવના પેદા કરે છે. આ ભાવના પૈતૃત્વ-સિદ્ધાંતના વિકાસની સાથે નાશ પામતી હોય છે. પિતાના અધિકાર ઉપર આધારિત કુટુંબ એ એક વ્યક્તિગત (અમુક વ્યક્તિઓનું બનેલું) મર્યાદિત તંત્ર છે, જ્યારે માતૃપ્રધાન કુટુંબ એક વિશિષ્ટ પ્રકારનું વૈશ્વિક લક્ષણ ધરાવે છે, જે બધા વિકાસના આરંભકાળે અસ્તિત્વ ધરાવતું હોય છે, અને ભૌતિક (અર્થપ્રધાન) જીવનને ઉચ્ચતમ આધ્યાત્મિક જીવનથી અલગ પાડે છે. પૃથ્વીમાતાના (ડીમેટર)ની ઐહિક પ્રતિકૃતિ જેવી દરેક માતાની કૂખ બીજી દરેક માતાના બાળકોને ભાઈઓ અને બહેનોની ભેટ આપશે; પિતૃપ્રધાન પદ્ધતિનો વિકાસ લોકોની ભેદભાવ વિનાની એકતાને વિલીન કરી નાખે અને વિચ્છેદના સિદ્ધાંતનો આરંભ કરે તેવો દિવસ આવે ત્યાં સુધી માતૃભૂમિને માત્ર ભાઈઓ અને બહેનોની જ જાણ હશે.’’૧૭

પ્રતિષ્ઠિત માનસશાસ્ત્રી ઍરિક ફ્રૉમે (Eric Fromm), જેના સુંદર અભ્યાસગ્રંથ ઉપર અહીં આપણાં અવલોકનો આધારિત થયેલાં છે – લખ્યું છે કે, અગાઉના સમયમાં યુરોપિયન સમાજ કૅથૉલિક દેવળના માતૃત્વપ્રધાન લક્ષણને કારણે જ પોતાની સંગઠિતતા જાળવી શક્યો હતો. આ સામાજિક અખંડિતતાનો અંત પ્રોટેસ્ટંટવાદે (જે કૅથૉલિક દેવળપ્રથાનો વિરોધી હતો) આણ્યો હતો. ફ્રૉમ કહે છે:

“માતા મૅરી અને દેવળ પોતે માનસશાસ્ત્રીય રીતે એ મહાન માતાનું પ્રતિનિધિત્વ કરે છે, જે પોતાની છાતીમાં પોતાના બધાં બાળકોને રક્ષણ આપે છે. ખરેખર, ખુદ ઈશ્વરમાં પણ માતૃત્વનાં અમુક લક્ષણો – જો કે સભાન રીતે નહીં – રહેલા ગણવામાં આવે છે. દરેક ‘દેવળનો પુત્ર’ જ્યાં સુધી તે દેવળ-માતાનો બાળક રહે, અથવા તો તેની છાતીમાં આશરો લેવા પાછો ફરે ત્યાં સુધી, દેવળમાતાના પ્રેમની ખાતરી રાખી શકે છે, ધાર્મિક વિધિ દ્વારા આ બાળક – સંબંધ સ્થાપિત કરવામાં આવે છે.

“બીજી બાજુ, પ્રોટેસ્ટંટવાદે ખ્રિસ્તીધર્મનાં માતૃપ્રધાન લક્ષણોને પૂરેપૂરી રીતે સાફ કરી નાખ્યાં છે. (પ્રોટેસ્ટંટવાદને કારણે) માતાની અવેજીમાં રહેલા માતા મૅરી કે દેવળ જેવાં પ્રતિકો અદૃશ્ય થયાં છે; તે જ દશા ઈશ્વરમાં રહેલાં માતૃત્વદર્શક લક્ષણોની થઈ છે. લ્યુથર (પ્રોટેસ્ટંટ પંથનો સ્થાપક)ની ધર્મમીમાંસાના કેન્દ્રમાં આપણને પાપી વ્યક્તિને પ્રેમ મળવાની ખાતરી અંગે શંકા કે નિરાશા જોવા મળે છે. અને તેનો માત્ર એક જ ઉપાય છે: શ્રદ્ધા. કાલ્વિનવાદમાં, તથા પ્રોટેસ્ટંટ પંથની બીજી ઘણી શાખાઓમાં, આ (શ્રદ્ધાનો) ઉપાય અપૂરતો સાબિત થાય છે. તે ઊણપને ચોક્કસપણે પૂરી કરવા માટે (આ પંથોમાં) માણસે પોતાની ફરજ પૂરી કરવા માટે ભજવવાનો ભાગ (અર્થાત્ આંતરિક દુનિયાનો સંન્યાસ) નક્કી કરવામાં આવ્યો છે; તથા ઈશ્વરની દયા અને કૃપાની એક માત્ર સાબિતી એટલે સાંસારિક જીવનમાં ‘સફળતા’, તેમ ગણીને આ ‘સફળતા’ની જરૂરને પણ આની પૂર્તિરૂપે ગણવામાં આવી છે.”૧૮

અગાઉ જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે ‘પ્રોટેસ્ટન્ટ ઈથિક ઍન્ડ ધી સ્પિરિટ ઑફ કેપિટાલિઝમ’ નામના પોતાના પ્રખ્યાત ગ્રંથમાં યુરોપમાં પ્રોટેસ્ટંસ્ટ ક્રાંતિના સીધા પરિણામરૂપે આર્થિક સમૃદ્ધિ કઈ રીતે આવી હતી, તે દર્શાવ્યું હતું.૧૯ પરંતુ ફ્રૉમ કહે છે કે, આ સમૃદ્ધિ સફળતા તરફના પ્રચંડ ધસારાને કારણે આવી હતી, જેમાં ગળાકાપ હરિફાઈ, શોષણ અને સંગ્રહ જેવાં મૂડીવાદનાં બધાં જ દૂષણો સમાવિષ્ટ થયાં હતાં. આ ‘ધસારા’ને પિતૃપ્રધાન-વ્યવસ્થાતંત્ર દ્વારા બળ પ્રાપ્ત થયું હતું. તેમ છતાં તે ‘ધસારો’ વ્યક્તિગત એકલતા, પ્રેમ માટેની અસમર્થતા, આંતરિક અસલામતી અને સમાજના અનિવાર્ય વિઘટનનું પણ કારણ બન્યો.

તે જ રીતે સામ્યવાદ પણ આદર્શ સમાજ વિકસાવવામાં સફળ થયો નથી. અલબત્ત, માતાએ ભજવવાના ભાગનું મહત્ત્વ માર્કસ (સામ્યવાદનો પ્રણેતા) સમજ્યો હતો, પરંતુ તેણી પોતાના વ્યક્તિગત કુટુંબના બંધનમાં બંધાયા સિવાય એક સ્વતંત્ર એકમ તરીકે કાર્ય કરે તેમ તે ઈચ્છતો હતો; કારણ, માર્કસ સમાજની પુનર્વ્યવસ્થા કૌટુમ્બિક વર્ગોને બદલે એક જ ઘટકના નમૂના ઉપર કરવા માગતો હતો. આ લક્ષ્ય શક્ય નથી, અને ઈચ્છનીય પણ નથી; કારણ, તે (નારીના) શીલના આદર્શનો ભંગ કરે છે, જે નારીત્વના ગૌરવ અને માતૃત્વની પવિત્રતા માટે અત્યંત આવશ્યક છે. ઉપરાંત સામ્યવાદ રાજકીય બાબતો સાથે સંબંધ ધરાવતો હોઈને, મૂડીવાદને શાસિત કરનારાં નિષ્ઠુર તત્ત્વો જેવાં જ તત્ત્વો દ્વારા તે (સામ્યવાદ) પણ શાસિત થાય છે.

આપણે આ લાંબી ચર્ચામાં એટલા માટે ઉતર્યા છીએ કે, તેનાથી શ્રીરામકૃષ્ણની દિવ્ય માની ઉપાસનામાં અને માતૃત્વને ગૌરવ અપાવવામાં જે વિપુલ સામાજિક શક્યતાઓ રહેલી છે તે દર્શાવી શકાય. માનવસમાજનું સંપૂર્ણપણે માતૃપ્રધાન સિદ્ધાંતો ઉ૫૨ જ પુનર્નિર્માણ કરવાનું તો ભારતમાં પણ અશક્ય થઈ પડે. પરંતુ જો સમાજે શોષણ, અન્યાય અને હિંસાથી મુક્ત એવું વિશ્વબંધુત્વ થોડા અંશે પણ પ્રાપ્ત કરવું હોય તો, સમાજજીવનનાં બધાં જ અંગો ઉપર માતૃત્વની ભાવનાનું શાસન હોવું જ જોઈએ. ઑફીસોમાં, કારખાનાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં અને ધંધાના સંચાલનમાં પણ, વહીવટના આધાર તરીકે માતૃપ્રધાન અભિગમ રહેલો હોવો જોઈએ. સૃષ્ટિના આરંભકાળે, આજે પણ કેટલાક આદિવાસી સમાજોમાં છે તેમ, માતાની પ્રતિમા જ છવાયેલી રહી હતી. શ્રીરામકૃષ્ણે આદિકાળની આ માતૃપ્રતિમાને જ આજના સુધરેલા માનવી માટે પાછી આણવાનું કાર્ય કર્યું છે. જો માણસો આ પૃથ્વીને કે સમગ્ર વિશ્વને એક દિવ્ય માતા તરીકે જોવા માંડે તો પછી તેઓ જંગલોનો અને વન્યજીવનનો આડેધડ વિનાશ કરવામાં, પર્યાવરણને પ્રદૂષિત કરવામાં કે કત્લેઆમ અને સંહાર કરવામાં સામેલ નહીં થાય. (પરિણામે) વિશ્વમાં શાશ્વત શાંતિની સ્થાપના શકય બનશે.

આમ, છતાં માતૃત્વ તેનો સૌથી વધુ નિર્ણાયક ભાગ ભજવે છે વ્યક્તિના વિકાસના ક્ષેત્રમાં. પુખ્તવયના જીવનની લગભગ બધી જ વ્યક્તિલક્ષી સમસ્યાઓનું મૂળ વ્યક્તિના બચપણમાં માતા દ્વારા થયેલી તેની ભૂલભરેલી સારસંભાળમાં શોધી શકાય. જે બાળકોને તેમની માતા પાસેથી પૂરતો પ્રેમ અને સંભાળ પ્રાપ્ત થતાં નથી હોતાં તેઓ વિકૃત વ્યક્તિત્વનો ભોગ બનતા હોય છે. પૅસ્ટાલોઝી (Pestalozzi) નામના મહાન શિક્ષણશાસ્ત્રીએ દર્શાવ્યું છે કે, માતા એક એવો આદર્શ છે કે જે બાળકના દુનિયા સાથેના ભાવિ સંબંધો નિશ્ચિત કરે છે. પ્રતિષ્ઠિત માનસશાસ્ત્રી અને ફ્રૉઈડના એક સમયના અનુયાયી એવા આલફ્રેડ ઍડલર કહે છે: “બાળકમાં સામાજિક લાગણીનો વિકાસ કરવો તે કાર્ય માતાનું છે. આપણે કેટલાંક બાળકોમાં જે વિચિત્ર વ્યક્તિત્વ જોઈએ છીએ તે તેમની માતા સાથેના સંબંધોમાંથી ઉદ્ભવેલું હોય છે, અને આ (વિચિત્ર) વિકાસ જે દિશા પકડે છે તે માતા-બાળક વચ્ચેના સંબંધની સૂચક હોય છે.”૨૦ મનુષ્યની આંતરિક સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા અસ્તિત્વની અસલામતીની હોય છે. ઘણા લોકો કોઈ પણ બાહ્ય કારણ વગર સતત અસલામતી અને અસ્વસ્થતાની જે લાગણી અનુભવતા હોય છે, તે સામાન્ય રીતે બચપણમાં તેમને પૂરતો પ્રેમ ન મળ્યો હોવાને કારણે હોય છે. ઍરિક ફ્રોમ કહે છે, “આંતરિક સલામતી, માણસને કોઈ પોતાને નિર્વ્યાજપણે (નિઃસ્વાર્થપણે) ચાહે છે તેવી જાણકારીમાંથી પ્રાપ્ત થાય છે.’’૨૧ આ પ્રકારનો નિર્વ્યાજ પ્રેમ તો માત્ર માતા જ આપી શકે. માતા અસહાય બાળકની, ખાસ કરીને તેના જીવનના શરૂઆતના થોડાં વર્ષો સુધી, જે સારસંભાળ લે છે, તે ભવિષ્યમાં બાળક ઉપર તેનું કોઈ નૈતિક કે સામાજિક ઋણ રહેશે તેવા ખ્યાલ ઉપર આધારિત નથી હોતી; અરે, બાળક ઉપર માતાના પ્રેમને પાછો વાળવાનું સુધ્ધાં કોઈ ઋણ નથી હોતું.

શ્રીરામકૃષ્ણે માતૃત્વને જે ઊંચા આસને સ્થાપિત કર્યું છે, તે વ્યક્તિગત અને સામૂહિક જીવનમાં માતાની નિર્ણાયક ભૂમિકા પ્રત્યે, તથા વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં નિર્વ્યાજ (નિઃસ્વાર્થ) પ્રેમના વિકાસની જરૂરિયાત પ્રત્યે, પુરુષો અને સ્ત્રીઓની આંખ ઉઘાડનારું બની રહેવું જોઈએ. તે કૌટુમ્બિક જીવનની પુનર્રચનાની, તથા આધુનિક સમાજમાં આધુનિક નારીના વલણોમાં પરિવર્તનની જરૂર પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે.

૪. સાધનાનો સર્વોચ્ચ પ્રકાર: શ્રીરામકૃષ્ણના મત પ્રમાણે, ‘‘ઈશ્વરને માતા તરીકે માનવાનું આ વલણ એ સાધનામાં છેલ્લામાં છેલ્લો અને સૌથી સારો પ્રકાર છે.” ‘‘ઓ ઈશ્વર, તું મારી મા, અને હું તારું બાળક છું” -એ આધ્યાત્મિક્તામાં સૌથી અંતિમ શબ્દ છે.૨૨ વૈષ્ણવધર્મના ગ્રંથો ઈશ્વર પ્રત્યેના પાંચ આધ્યાત્મિક ભાવો વર્ણવે છે: શાંત, દાસ્ય, સખ્ય (મિત્રભાવ), વાત્સલ્ય (માતૃભાવ) અને મધુર (પ્રેમભાવ). આ બધા ભાવોના ઉદાહરણ જેવા કેટલાક પ્રખ્યાત ભક્તો પણ થઈ ગયા છે. પરંતુ એક બાળકના માતા પ્રત્યેના ભાવ માટે (જેને શ્રીરામકૃષ્ણે સૌથી ઊંચી આધ્યાત્મિક સ્થિતિ ગણી હતી) ઉપરના બધા જ ભાવો કરતાં પણ તે શ્રેષ્ઠ છે તેમ દર્શાવી શકે તેવું કોઈ પ્રેરણાદાયી ઉદાહરણ જરૂરી હતું. શ્રીરામકૃષ્ણે તેમના પોતાના જ દેહ દ્વારા આવું ઉદાહરણ પૂરું પાડીને વિશ્વભરના આધ્યાત્મિક સાધકોની એક મોટી જરૂરિયાતને પૂર્ણ કરી છે.

પોતાની જાતની આપેલી ભેટ: આપણે શ્રીરામકૃષ્ણે તેમના પોતાના જીવન અને ઉપદેશ દ્વારા માનવજાતના કલ્યાણ અને પ્રગતિ માટે આપેલા કેટલાક પ્રદાન વિષે ચર્ચા કરી છે. (જો કે) તે ઉપરાંત પણ બીજા કેટલાક પ્રદાનો છે – જેવા કે, આધ્યાત્મિક આચાર (કે નિયમો)નું ‘વ્યાકુળતા’માં સરલીકરણ, મૂર્તિપૂજાના સત્યની સ્થાપના, આધ્યાત્મિક પ્રગતિના સહાયક તરીકે ગીત અને નૃત્યનું પુનરુજ્જીવન, વગેરે વગેરે – જે બધાંની અહીં વિસ્તૃત ચર્ચા શક્ય નથી.

તેમ છતાં, તેમનો સૌથી મોટો ફાળો તેઓ પોતે જ છે. માનવજાતે પૂર્ણ શુદ્ધતા, આધ્યાત્મિક ઉદાત્તતા, અને સૌને સમાવી લેતા પ્રેમવાળી આવી વ્યક્તિને જન્મ આપીને પોતાને સમૃદ્ધ બનાવી છે. અને પોતાના ગૌરવને ઊંચામાં ઊંચા સ્તરે પહોંચાડ્યું છે. જો તેમનો જન્મ ન થયો હોત, તો દુનિયા ઘણી વધારે ગરીબ હોત. તેમની શક્તિઓ અને ફાળાની તો ક્યાં વાત કરવી? માત્ર તેઓ પોતે જ બસ છે. તેમને એક અવતાર તરીકે, તેઓ કહેતા તે રીતે ‘અનંત તરફ દોરી જતી દીવાલમાંના દ્વાર’ તરીકે પૂજી શકાય. પરંતુ તેના કરતાં પણ વધારે, તેઓ પોતે જ પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેઓ આપણી જાણમાંના સૌથી વધુ ચાહવા-લાયક વ્યક્તિ છે. શું દુનિયાએ (તેમના કરતાં) વધારે, મોટો પ્રેમી કદી જોયો છે? ઘણા લોકો માટે તેમના સિવાયની જિંદગી અકલ્પ્ય કે નિરાધાર બની જાય તેમ છે. તેમને (તેવા લોકો) માટે પૃથ્વી ઉપરનો તેમનો (શ્રીરામકૃષ્ણનો) અવતાર એ માનવજાત ઉપર પરમ આત્માએ વરસાવેલી શ્રેષ્ઠ કૃપા સમાન છે.

એ રીતે, શ્રીરામકૃષ્ણની ૧૫૦મી જન્મજયંતીને કોઈ અંજલિ આપવાના ભાવ કરતાં ઈશ્વર પ્રત્યેનો આભાર વ્યક્ત કરવાના ભાવ સાથે ઉજવવાનું વધારે યોગ્ય થશે. તેમણે કદી માન માગ્યું નથી, તેમ તેમને કદી તેની જરૂર પણ પડી નથી. તેમને સન્માનીને તો માત્ર આપણે આપણી જાતને જ સન્માનીએ છીએ. તેઓ તો પોતાના અલૌકિક મહિમામાં હંમેશાં મસ્ત જ છે. આપણે શ્રીરામકૃષ્ણના સ્વરૂપમાં (પરમાત્મા પાસેથી) જે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. તેમાંથી આનંદ પામીએ અને આ શતાબ્દી વર્ષ સમગ્ર માનવજાતિ માટે ઈશ્વરીય કૃપાનું વર્ષ બની રહે તેવું પ્રાર્થીએ.

૮. ‘ઘી ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ’ ન્યુયૉર્ક આવૃત્તિ, તથા નવી મદ્રાસ આવૃત્તિમાં પણ. પૃ. ૩૬૭

૯. ‘ધી કમ્પલીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૭૨), ગ્રંથ ૭, પૃષ્ઠ ૪૧૪

૧૦. જુઓ, જી.એસ.ધુર્યે: ‘ઈન્ડિયન સાધુઝ’ (મુંબઈ, પોપ્યુલર પ્રકાશન, ૧૯૩૬) પૃ.૨૩૫

११.    विज्ञानर्पांयुषनिमग्नमूर्ति:

परस्पर्श यान् यान् दयया करेण।

ते कामिनीकांचनरिक्तचित्ता:

सद्यो बभूवुर्भुवि रामकृष्णः॥

(પ્રમદાદાસ મિત્ર, ‘रामकृष्ण शतकम्’)

૧૨. “જિનિ બ્રહ્મ, તિનિ શક્તિ, તિનિ-ઈ-મા” – એ શ્રીરાકૃષ્ણના સંદેશના આધ્યાત્મિક વિભાગનું એક મૂળભૂત સૂત્ર છે.

૧૩. ‘ફૉર સીકર્સ ઑફ ગૉડ’ : અનુ. સ્વામી વિવિદિશાનંદ અને સ્વામી ગંભીરાનંદ (કલકત્તા, અદ્વૈત આશ્રમ, ૧૯૭૫, પૃ.૭-૮)

૧૪. અહીં એ ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ દેશોમાં જાહેર જીવનમાંથી સ્ત્રીને બાકાત રાખવાનો આગ્રહ રાખતા એવા મુસ્લિમ કટ્ટ૨વાદનો ઉદ્ભવ એ પિતૃપ્રધાન કુટુંબવ્યવસ્થાને મજબૂત બનાવવા, તથા પાશ્ચાત્ય ઉદારમતવાદના આક્રમણ સામે તેનું સંરક્ષણ કરવા માટેની એક સ્વયં-સુધારણાત્મક સામાજિક પ્રક્રિયા છે.

૧૫. માર્કસ અને એન્જલ્સ અમેરિકન નૃવંશશાસ્ત્રી એલ.એચ.મૉર્ગનના ગ્રંથનો પણ સંપૂર્ણપણે અભ્યાસ કર્યો હતો; મોર્ગન પણ પોતાના અમેરિકન-ઈન્ડિયનો (મુળ વતનીઓ)ના પોતાના અભ્યાસ દ્વારા બેચોફેનના જેવા જ નિષ્કર્ષ ઉપર આવ્યો હતો.

૧૬. જે.જે.બેચોફેન ‘મીથ’, રિલિજિયન ઍન્ડ મધરરાઈટ – જૉસેફ કૅમ્પબેલ દ્વારા સંપાદિત (પ્રિન્સટન: પ્રિન્સ્ટન યુનિ. પ્રેસ. ૧૯૬૮), પૃ. ૮૫)

૧૭. એજન, પૃ. ૭૯-૮૦

૧૮. ઍરિક ફ્રૉમ: ‘ધી ક્રાઈસીસ ઑફ સાયકો-ઍનાલિસીસ’ (પેલીકન આવૃત્તિ/પૅન્ગ્વીન બુકસ, ૧૯૭૩), પૃ. ૧૪૫-૧૪૬

૧૯. વેબરે પણ ભારતની ગરીબી તેના સંસારથી દૂર લઈ જનારા ધર્મોની અસરને કારણે આવી હતી, તેવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

૨૦. આલ્ફ્રેડ ઍડલ૨: ‘અન્ડરસ્ટૅન્ડિંગ હ્યુમન નેચર’ (ન્યુયૉર્ક: પ્રિમિયર બુક/કેસેટ લાયબ્રેરી, ૧૯૫૯) પૃ. ૨૨૦.

૨૧. ફ્રૉમ; પૂર્વોક્ત ગ્રંથ, પૃ. ૧૪૨, ૧૪૮.

૨૨. ‘ધી ગૉસ્પેલ’, પૃ. ૭૦૧.

ભાષાંતર: શ્રી દેવેન્દ્ર ભટ્ટ

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.