આજની તાતી આવશ્યકતા – ઈલેક્ટ્રિક શૉક

રાતના ગાઢ અંધકારમાં કલકત્તાનિવાસીઓ ભરનિદ્રામાં લીન હતા, પાંચ દારૂડિયાઓ નશામાં ચૂર થઈ ગપાટા મારી રહ્યા હતા. એમાંના એકે પ્રસ્તાવ મૂક્યો, ‘ચાલો આપણે મજા કરીએ. હું મરી જવાનો ઢોંગ કરીશ, તમે ચારે જણા મને ઠાઠડીમાં નાખી સ્મશાનઘાટે લઈ જાઓ.’ બધાને આ પ્રસ્તાવ ગમી ગયો. ઠાઠડી બનાવી પેલા દારૂડિયાને સુવડાવી ચારે જણા ‘રામ બોલો ભાઈ રામ’ કહેતા કલકત્તાની સડકો પર નીકળી પડ્યા. થોડે દૂર જતાં એક ચોક આવ્યો. નશામાં ચકચૂર હોવાથી સ્મશાનઘાટનો રસ્તો તેઓ ભૂલી ગયા. આગળના બે જણ એક તરફ લઈ જાય તો પાછળના બે જણ બીજી તરફ ખેંચે. આમ ઠાઠડી હાલકડોલક થતાં ઉપરવાળા દારૂડિયાનો નશો ઉતરી ગયો. તે પોકારી ઊઠ્યો, ‘અલ્યા તમે લોકો કરો છો શું? જુઓ તો મારી કેવી હાલત થઈ ગઈ.’ ઠાઠડી ઉપાડવાવાળાઓએ કહ્યું, ‘અમે લોકો સ્મશાનનો રસ્તો ભૂલી ગયા છીએ,’ મડદું થઈને સૂતેલા દારૂડિયાએ કહ્યું, ‘હું કેવડાતલા અને નીમતલા બન્ને સ્મશાનઘાટોનો રસ્તો જાણું છું. પણ અત્યારે તો મરેલો છું એટલે કેવી રીતે કહું!’

આપણી આજે આવી જ દશા છે, આપણે આજની સમસ્યાઓ વિશે જાણીએ છીએ, તે વિશે સુંદર પ્રવચનો આપી શકીએ છીએ, જોરદાર લેખો લખી શકીએ છીએ, આ સમસ્યાઓનું સમાધાન પણ જાણીએ છીએ, તેમ છતાં ઢોંગ કરીને મડદાની માફક પડ્યા છીએ. અજ્ઞાનીઓનાં દુષ્કર્મો કરતાં જ્ઞાનીઓની નિષ્કર્મણ્યતા વધુ ખતરનાક હોય છે; એ વાત સાચી છે. સૂતેલાને જગાડવું સરળ છે પણ સૂવાનો ઢોંગ કરેલાને કેવી રીતે જગાડવા? તેઓના માટે સાધારણ ઍલાર્મકલૉક કામ નહીં કરે, એ માટે તો ઇલેક્ટ્રિક શૉકની જરૂર છે. આ વિદ્યુત ઝંકાર – ઇલેક્ટ્રિક શૉક આપણને મળશે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી. નૉબલ પુરસ્કાર વિજેતા ફ્રેંચ મનીષી રોમાં રોલાં કહે છે, ‘સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચતી વખતે ઇલેક્ટ્રિક શૉક જેવો રોમાંચ અનુભવ્યા વગર રહી શકતો નથી.’ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, શ્રી અરવિંદ, ડૉ. રાધાકૃષ્ણન્, સિસ્ટર નિવેદિતા વગેરે મહાન વ્યક્તિઓના પ્રેરણાસ્રોત હતાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો. શક્તિદાયી વિચાર, કેળવણી, વિવેકાનંદજીના સાંનિધ્યમાં, સ્વામી વિવેકાનંદના પત્રો, જાગો, કે ભારત વગેરે પુસ્તકોમાં એવી જાદુઈ શક્તિ છે કે મડદાંને પણ બેઠાં કરી દે!

આજે વિશેષરૂપે શિક્ષક ભાઈબહેનો માટે આ ઇલેક્ટ્રિક શૉકની તાતી આવશ્યકતા છે. આજનો શિક્ષક વિચારે છે. સમાજના બધા વર્ગોએ અનીતિ અને ભ્રષ્ટાચારને પોતાનો ધર્મ બનાવ્યો છે, ભોગવાદને, ભૌતિક સુખ સમૃદ્ધિને જ જીવનનો ચરમ આદર્શ માન્યો છે. ત્યારે હું એમાં વળી મારી કઈ અલગ ભાત પાડું અને મારી જાતને, કુટુંબને દુઃખી કરું, પ્રલોભનો જતાં કરી નુકસાન કરું અને વેદિયો પંતુજી બની જાઉં? બધા જ નિદ્રામાં પોઢી રહ્યા છે ત્યારે હું જાગીને શું કરીશ?’ પણ તેઓ ભૂલી જાય છે કે શિક્ષક અન્યવર્ગોથી જુદો પડે છે, તેનું કાર્ય સમાજનું અનુસરણ કરવાનું નહિ, સમાજને દોરવાનું છે. સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોમાંથી શિક્ષક ભાઈ-બહેનોને આ મહામંત્ર વારંવાર મળશે : Be and Make. પહેલા પોતે ચારિત્ર્યવાન બનો અને પછી બીજાઓનું ચારિત્ર્યઘડતર કરો.

એક નવી ચેતના, નવી જાગૃતિ શિક્ષક સમાજમાં આ ઇલેક્ટ્રિક શૉકથી ફેલાશે અને પછી આ જાગૃતિની લહેર સમસ્ત દેશમાં ફરી વળશે. આપણા પ્રાચીન ભારત અને સ્વાતંત્ર્યકાળમાં શિક્ષકોએ આ જ જાગૃતિની મશાલથી એક મશાલચી બનીને સર્વત્ર ફેલાયેલા અંધકારને ભગાડ્યો હતો. વિદ્યુત્ ઝંકારથી ઝંકૃત થયેલા અને અન્યને ઝંકૃત કરનારા આવા મશાલચીઓની તાતી જરૂર છે.

આજની તાતી આવશ્યકતા-ચારિત્ર્યઘડતર

સમાજમાં રહેતા ચાર પ્રકારના મનુષ્યોનું વર્ણન કરતાં ભર્તૃહરિ કહે છે, ‘એ સત્પુરુષ છે કે જેઓ સ્વાર્થ ત્યજી દઈ પારકાનું કાર્ય કરે છે, સામાન્ય મનુષ્યો સ્વાર્થમાં વાંધો ન આવે તેવી રીતે પારકા માટે ઉદ્યમ કરે છે, જેઓ સ્વાર્થ માટે પારકાનું હિત બગાડે છે, તેઓ મનુષ્યોમાં રાક્ષસતુલ્ય છે, પરંતુ જેઓ પ્રયોજન વિના જ પારકાનું હિત બગાડે છે, તેઓ કોણ છે તે અમે જાણતા નથી.’

સમાજમાં અત્યારે પ્રથમ અને બીજા પ્રકારના મનુષ્યો ઓછા જોવા મળે છે. ત્રીજા અને ચોથા પ્રકારના જ વધુ છે.

એક એકઝીક્યુટીવ એન્જીનીયર કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.૧૦ લાખની લાંચ લે છે અને તેને સિમેન્ટમાં છૂટથી રેતી ભેળવવાની પરવાનગી આપે છે. આવી રીતે બંધાયેલો ડેમ વરસાદમાં ભૂમિ વંદના કરે છે અને હજારો લોકો બેઘર થાય છે, કેટકેટલી જાનહાનિ થાય છે, દેશને કરોડોનું નુકસાન થાય છે. પણ એ એન્જીનિયર આનંદ કરતાં કહે છે, ‘ભલેને મરતાં લોકો, મારું તો આ દશ લાખમાં મકાન બની ગયું ને!’ એક ડૉક્ટર દરદીને તપાસતાં પહેલાં તેનું ખિસ્સું તપાસી લે છે. જરૂર ન હોય તો ય ઓપરેશન કરે છે, જરૂર ન હોય તો ય બધા પ્રકારના ટેસ્ટ કરાવે છે (અલબત્ત પોતે કહે તે લેબોરેટરીમાં કરાવવું આવશ્યક છે!) દરદીઓને ખરચાના ખાડામાં ઉતારે છે, મોટી ફીસ પડાવે છે, પછી બેદિલ બનીને કહે છે, ‘આટલા મોડા કેમ આવ્યા?’ અને અન્ય વિશેષજ્ઞ (અલબત્ત તેના જાણીતા જ!) પાસે તેને વધુ નિચોવવા માટે મોકલી આપે છે. એક મિઠાઈવાળો એક વર્ષમાં સાત સાત માળની હવેલી બાંધે છે – રહસ્ય? મિઠાઈમાં બ્લોટીંગ પેપર ભેળવવું. એક વેપારી ડાલડામાં ગાયની ચરબી ભેળવી રાતોરાત કરોડપતિ બની જાય છે. એક નેતા કેટલાક કરોડ રૂપિયા મેળવવા દેશને નુકસાન પહોંચાડવામાં સંકોચ અનુભવતો નથી. એક શિક્ષક બારમા ધોરણના ટયુશન માટે હજારો રૂપિયાની ફીસની એવી રીતે માગણી કરે છે કે એક ગરીબ વિદ્યાર્થીની લાચાર થઈ આત્મહત્યા કરે છે. પણ શિક્ષકના પેટનું પાણી હલતું નથી. આવા તો કેટલાય માનવરાક્ષસો આજે ચારે તરફ જોવા મળે છે.

ચોથા પ્રકારના મનુષ્યોનો પણ આ સમાજમાં તોટો નથી. બીજાના ઘ૨માં આગ લાગે ત્યારે તાળી પાડી તમાશો જુએ અને આનંદ પામે, એવા મનુષ્યો પોતાનો કોઈ લાભ ન થતો હોય તોય પારકાનું નુકસાન કરવાની એકેય તર્ક છોડતા નથી. એક કૉલોનીમાં દસ ફ્લેટ હોય અને નવ ફ્લેટમાં સાસુ-વહુના ઝઘડા ચાલતા હોય, અને એક ફ્લેટમાં સાચા અર્થમાં શિક્ષિત એવી વહુ આવીને સાસુની સેવા કરતી હોય અને બન્ને વચ્ચે પરસ્પર પ્રેમ હોય તો સાસુ-વહુને અલગ-અલગ બોલાવી એકબીજી વિરુદ્ધની વાતો મીઠું મરચું ભભરાવીને કહીને બન્ને વચ્ચે ઝઘડો કરાવવો એ આવા લોકો પોતાનું પરમ કર્તવ્ય માને છે. તેઓ માનવરાક્ષસ કરતાં પણ ચડિયાતા છે, એટલે ભર્તૃહરિ તેઓનું નામ આપી શકતા નથી. કહે છે, ‘તે કે ન જાનિમહે.’

આજકાલ પાંચમાં પ્રકારના મનુષ્યો પણ જોવા મળે છે, કદાચ ભર્તૃહરિના સમયમાં નહિ હોય! આ લોકોને વિશે પણ કહેવું પડે કે, ‘તે કે ન જાનિમહે!’ આ લોકોને બીજાંના નુકસાનમાં એટલો આનંદ આવે કે પોતાનું નુકસાન કરીને પણ બીજાંનું નુકસાન કરે!

આજની શિક્ષણ પદ્ધતિની વિશેષ દેન – શિક્ષિત બેરોજગારો – એક વિશે વાર્તા છે. એક શિક્ષિત બેરોજગાર વ્યક્તિની પત્ની દરરોજ મેણાં મારતી, ‘તમે કાંઈ કામધંધો કરતા નથી.’ એક દિવસ કંટાળીને તે ઘરેથી ભાગી ગયો. જંગલમાં એક મહાત્માનો ભેટો થઈ ગયો. મહાત્મા તેની સેવાથી પ્રસન્ન થઈ ગયા અને પૂછ્યું, ‘બોલ બેટા, પરમપદની પ્રાપ્તિ માટે જ્ઞાનનો રસ્તો બતાવું કે ભક્તિનો?’ આજકાલના મનોવલણ પ્રમાણે તે માણસ બોલ્યો, ‘બાપુ, મારે જ્ઞાન-ભક્તિ કાંઈ જોઈતું નથી, સિદ્ધિ-ચમત્કાર જોઈએ.’ મહાત્માએ ઘણું સમજાવ્યું કે આધ્યાત્મિક કલ્યાણ જ સાચું કલ્યાણ છે, પણ પેલો માણસ માન્યો નહિ. મહાત્માએ દયાવશ થઇને તેને એક મંત્ર આપી કહ્યું, ‘આ મંત્રનો જાપ કરજે, સમુદ્રદેવતા પ્રસન્ન થઈ તારી ઇચ્છા પૂર્ણ કરશે.’ પેલા માણસે સાધના પ્રારંભ કરી. એક દિવસ સમુદ્ર દેવતા પ્રકટ થઈ ગયા અને તેમણે પૂછ્યું, ‘માગ, માગ, તારે શું જોઈએ?’ તેણે કહ્યું, ‘હે સમુદ્રદેવતા, પત્નીનાં મેણાં હવે સહેવાતાં નથી, મારું દળદર ફીટી જાય એવું કંઈ કરી આપો.’ આમ કહી, પેલો માણસ સમુદ્રદેવતાને ચરણે પડ્યો. ‘તથાસ્તુ’ કહી સમુદ્રદેવતાએ તેના હાથમાં એક શંખ આપ્યો અને બોલ્યા, ‘આ શંખની પૂજા કરી તું જે માગીશ એ તને મળશે.’ પેલો માણસ રાજીના રેડ થઈ શંખ લઈ જતો હતો ત્યારે સમુદ્રદેવતાએ કહ્યું, ‘પણ યાદ રાખજે, આ જાદુઈ શંખ છે, તું જે માગીશ એ તને તરત જ મળશે, અને તારા પાડોશીને વગર માગ્યે એનાથી બમણું મળશે.’ આટલું કહી સમુદ્રદેવતા અંતર્ધાન થઈ ગયા. પેલો માણસ આ છેલ્લી વાત સાંભળી હતાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો, ‘અરર…જે પાડોશી સાથે દરરોજ ઝઘડો થાય છે, એને વગર માગ્યે બમણું મળશે! પરિશ્રમ મેં કર્યો અને ફળ એને!’ ઘેર પાછો ફર્યો અને શંખને એક ખૂણામાં ફેંકી દીધો. પત્નીની તો ઇચ્છા હતી આ જાદુઈ શંખનો ઉપયોગ કરવાની, પણ પતિદેવની સામે કાંઈ બોલી ન શકી. તેઓ એવાં ને એવાં ગરીબ રહ્યાં.

એક દિવસે પતિદેવતા નોકરીની શોધમાં બહાર ગયા હતા ત્યારે પત્નીથી રહેવાયું નહિ. ઘરનો એક ખૂણો સાફ કરી ત્યાં શંખદેવતાને પધરાવ્યા અને પૂજા પ્રારંભ કરી. શંખદેવતા પ્રકટ થઈ ગયા. પત્નીએ કહ્યું, ‘અમારો ઉદ્ધાર કરો, ઘરમાં કાંઈ ખાવાનું નથી. પહેરવાનાં વસ્ત્રો ફાટી ગયાં છે. મકાન પડું પડું થઈ રહ્યું છે.’ શંખદેવતા ‘તથાસ્તુ’ કહી અદૃશ્ય થઈ ગયા. સાંજે પતિદેવતા પાછા ફર્યા ત્યારે આભા બની ગયા. તેનાં અને પાડોશીનાં બે તૂટેલા મકાનોની જગ્યામાં ત્રણ સુંદર ભવનો જોયાં. ‘આ વળી હું ક્યાં આવી ચડ્યો!’ એમ વિચારતો હતો ત્યાં તો સુંદર વસ્ત્રોમાં સજ્જ એક સ્ત્રીએ તેને બોલાવ્યો. પહેલાં તો તે ઓળખી ન શક્યો. પાસે જઈને જોયું તો પોતાની પત્ની! પત્નીએ આનંદના અતિરેકમાં કહ્યું, ‘જુઓ પેલા સાધુએ આપેલ શંખના પ્રતાપે આપણું મકાન કેટલું સુંદર થઈ ગયું! કેટલાં સુંદર વસ્ત્રો આવી ગયાં! કેટલું સારું ખાવાનું આવી ગયું છે! લો, થોડું ખાઈ લો.’ પતિદેવતાના ચહેરા પર વિષાદની છાયા જોઈ પત્નીએ કહ્યું, ‘કેમ, તમને આ બધાથી આનંદ થતો નથી!’ પતિએ કહ્યું, ‘અરે ગાંડી, સામે તો જો, પેલા પાડોશીનાં કાંઈ પરિશ્રમ કર્યા વગર બે સુંદર ભવનો નિર્માણ થઈ ગયાં. આમાં મને ખાવાનું ક્યાંથી ભાવે?’ ખરેખર તેણે કાંઈ ખાધું નહિ. આખી રાત અફસોસ કરતો રહ્યો, ‘પરિશ્રમ મેં કર્યો અને ફળ મારા પાડોશીને મળ્યું અરે, આવું તો કંઇ હોય?’ છેવટે એનાથી ન રહેવાયું, બીજે દિવસે સવારના પહોરમાં શંખદેવતાની પૂજા પ્રારંભ કરી. શંખદેવતા પ્રકટ થયા ત્યારે તેણે કહ્યું, ‘હે શંખદેવતા, મારા મકાનની સામે એક કૂવો બનાવી દો અને મારી અને મારી પત્નીની એક એક આંખ ફોડી નાખો.’ ‘તથાસ્તુ’ કહી શંખદેવતા અંતર્ધાન થઈ ગયા. આ બન્ને પતિપત્નીની એક એક આંખ જતી રહી, પાડોશીના પરિવારનાં જનોએ પણ પોતાનાં નેત્રો ગુમાવ્યાં, દૃષ્ટિ ગઈ અને તેઓનાં મકાનોની સામે બનેલા બે કૂવામાં પડીને બધાં મરી ગયાં. હવે આ માણસ આમ કહી આનંદમાં નાચવા લાગ્યો, ‘હાશ! ભલે ને મારી એક આંખ ગઈ પણ પાડોશી તો બધાં મરી ગયાં!’

આજે સમાજમાં ત્રીજા, ચોથા અને પાંચમાં પ્રકારના માનવોનું પ્રમાણ વધી રહ્યું છે. કહેવાતા શિક્ષિતોમાં આવા માનવરાક્ષસોનું પ્રમાણ વધુ છે. અને જેટલા વધુ શિક્ષિત તેટલું રાક્ષસીપણું વધારે! આથી પુરવાર થાય છે કે આપણે આજે જે શિક્ષણ આપી રહ્યા છીએ તે રાક્ષસનિર્માણકારી’ શિક્ષણ છે. સ્વામી વિવેકાનંદે એક સો વર્ષ પહેલાં Man making Education – માનવનિર્માણકારી શિક્ષણની વાત કરી હતી, એક ભાવિ માનવના નિર્માણના શિક્ષણનો પથ કોરી આપ્યો હતો પણ એ રસ્તે આપણે ન ચાલ્યા, તેનું આ પરિણામ છે.

સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’ સ્વામીજીએ કહ્યું, ‘હું ધારું તો આજે જ તમને સ્વાધીનતા અપાવી શકું, પણ તમે તેને પચાવી શકશો?’

સ્વામીજી ભારતની સ્વાધીનતા અવશ્ય ચાહતા હતા; મોટાભાગના સ્વાતંત્ર્ય આંદોલનના નેતાઓના પ્રેરણાસ્રોત તેઓ હતા. પણ તેઓ એમ માનતા હતા કે જ્યાં સુધી માનવનિમાર્ણકારી શિક્ષણ દ્વારા દેશના મોટાભાગના લોકો સાચા અર્થમાં શિક્ષિત નહીં બને ત્યાં સુધી તેઓ મત આપવાના અધિકારનો પૂરતો ઉપયોગ નહિ કરી શકે. જ્યાં સુધી ચારિત્ર્યવાન નેતાઓ દેશને નહીં સાંપડે ત્યાં સુધી આપણને સ્વાધીનતાનાં મીઠાં ફળ નહીં સાંપડે. આજે જ્યારે ચારિત્ર્યવાન લોકોના અભાવને લીધે આપણા દેશની દુર્દશા થઈ છે ત્યારે સ્વામીજીના ઉપર્યુક્ત વિચારોની મહત્તા આપણે વધુ સારી રીતે સમજી શકીએ છીએ.

સ્વામી વિવેકાનંદે આજથી એકસો વર્ષો પહેલાં કહ્યું હતું, ‘કોઈ પણ દેશ એટલા માટે મહાન અથવા સારો નથી બની જતો કારણ કે તેની સંસદ એક અથવા બીજો નિયમ ઘડે છે, પણ એ તો આધાર રાખે છે દેશવાસીઓ કેટલા મહાન અને સારા છે. સમસ્ત વિશ્વની સંપત્તિ કરતાં પણ મનુષ્યો વધારે મૂલ્યવાન છે, માટે પ્રથમ મનુષ્યોનું નિર્માણ કરો.’ આજે જ્યારે આપણો દેશ કૌભાંડોની ઘટમાળમાં અટવાઈ ગયો છે, ચારિત્ર્યવાન નેતાઓના અભાવમાં લોકો કોને મત આપવો તેની વિમાસણમાં પડ્યા છે ત્યારે સ્વામીજીના ઉપર્યુક્ત કથનનું તાત્પર્ય બરાબર સમજાય છે. પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણું બજેટ રૂ. બે હજાર કરોડનું હતું તે વધીને આઠમી યોજનામાં બે લાખ એંસી હજાર કરોડનું થયું છે, તેમ છતાં ૩૦ ટકા લોકો નિરક્ષર છે, (બાકીના સાક્ષર તો છે પણ સાચા અર્થમાં શિક્ષિત કેટલા છે એ એક પ્રશ્ન છે), ૨૪ ટકા લોકો ગરીબી રેખાની નીચે છે.

વળી કહેવાતા શિક્ષિતો શું પોતે સુખી છે? સ્વામી વિવેકાનંદ કહેતા, ‘આપણે તો એવી કેળવણીની જરૂર છે કે જેના વડે ચારિત્રનું નિર્માણ-ઘડતર થાય, મનની શક્તિમાં વૃદ્ધિ થાય, આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ.’ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા વાળા વિદ્યાર્થી ભાઈ બહેનો મનથી એટલા નિર્બળ હોય છે કે નાની સમસ્યાઓથી ગભરાઈ જાય છે, ક્યારેક આત્મહત્યા કરવા પ્રેરાય છે. જીવન જીવવાની કળા તેઓને શિખવવામાં આવતી નથી તેનું આ પરિણામ છે.

ખેર, જાગ્યા ત્યારથી સવાર! હવે માનવ નિર્માણકારી શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે. રાષ્ટ્રનું ઘડતર યુવાપેઢીના ચારિત્ર્યઘડતર પર નિર્ભર કરે છે અને આ ચારિત્ર્ય-ઘડતરમાં શિક્ષક ભાઈ-બહેનોનો ફાળો સૌથી વધુ રહેશે. વ્યક્તિના ચારિત્ર્ય – ઘડતર માટે કેટલાંક પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે : ૧. તેના પોતાના અચેતન મનના પૂર્વજન્મના સંસ્કારો ૨. તેના માતા પિતાથી પ્રાપ્ત થયેલ સંસ્કારો ૩. આસપાસનું વાતાવરણ ૪. શિક્ષકો. આધુનિક મનોવૈજ્ઞાનિકો પ્રમાણે ૮ થી ૧૫ વર્ષની ઉંમરના બાળકો પર માતા-પિતા કરતાં પણ શિક્ષકોનો પ્રભાવ વધુ હોય છે. દરેક શિક્ષક ઓછામાં ઓછા એક હજાર બાળકોના સંપર્કમાં આવે છે. સંસ્કાર સિંચન દ્વારા શિક્ષક ભાઈ બહેનો રાષ્ટ્ર-ઘડતરમાં આ રીતે અત્યંત મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે અને માટે જ તેઓને ઉચ્ચતમ સન્માન આપવું ઘટે.

આજની તાતી આવશ્યકતા – શિક્ષકોનું સન્માન

તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણબોર્ડના વિરુદ્ધમાં ચુકાદો આપી તેને આદેશ આપ્યો છે કે સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે સ્થાન આપવું. આ ચુકાદામાં ન્યાયમૂર્તિશ્રી હંસારિયાએ એક માર્મિક ઘટના ટાંકી છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પ્રાધ્યાપક પોતાના અભ્યાસખંડમાં અભ્યાસમગ્ન હતા, ત્યારે એક અંગ્રેજ સૈનિકે ઉશ્કેરાયેલી લાગણી સાથે ત્યાં પ્રવેશ કર્યો અને તે વખતે ચાલી રહેલા વિશ્વયુદ્ધમાં જર્મનો સામે લડી રહેલા દેશના સંખ્યાબંધ સૈનિકોના વેદનાભર્યા ઘાવોમાં હિસ્સેદાર નહીં બનવા માટે પ્રાધ્યાપક પર રોષ ઠાલવ્યો. પ્રાધ્યાપકે શાંતિથી યુવાન સૈનિકને પૂછ્યું, ‘જે દેશ માટે તું પોતાનું લોહી રેડવા તૈયાર છો તે દેશ એટલે શું?’ સૈનિકે જવાબ આપ્યો, ‘દેશની સરહદો, દેશના લોકો.’ પ્રાધ્યાપકે પૂછ્યું, ‘બસ એટલું જ?’ સૈનિકે વિચારીને જવાબ આપ્યો, ‘દેશ એટલે દેશની સંસ્કૃતિ.’ પ્રાધ્યાપકે શાંતિથી કહ્યું, ‘તો મારા મિત્ર, હું અહીં અભ્યાસખંડમાં બેઠો બેઠો આ દેશની સંસ્કૃતિના રક્ષણનું કાર્ય કરી રહ્યો છું.’ સૈનિક શાંત પડ્યો અને પ્રાધ્યાપકને આદરપૂર્વક નમન કરી ચાલ્યો ગયો.

સુપ્રીમ કોર્ટના અન્ય એક કેસમાં નિર્ણય આપતી વખતે ન્યાયમૂર્તિ શ્રી મોહન જે. કહે છે, ‘યુદ્ધ જિતાય છે, શાંતિ જળવાય છે, વિકાસ સધાય છે, સભ્યતાનું સર્જન થાય છે અને ઇતિહાસ ઘડાય છે, આ બધું કંઈ યુદ્ધભૂમિમાં થતું નથી. એ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જ થવા પામે છે, એ જ સંસ્કૃતિની બીજશાયિકાઓ (Seedbeds) છે.’

ઈંગ્લેંડની એક શાળામાં એકવાર એક રાજાની મુલાકાત વખતે શાળાના હેડમાસ્તરે પોતાનો હેટ ન ઉતાર્યો તેથી અધિકારીઓ નારાજ થયા અને રાજાને ફરિયાદ કરી. રાજાએ કહ્યું, તેણે ઠીક જ કર્યુ છે, વિદ્યાર્થીઓની સમક્ષ તેને, એટલે કે હેડમાસ્તરને – શિક્ષકને જ સર્વોચ્ચ માન મળવું જોઈએ,’

આ તો થઈ વિદેશની વાત. આપણા દેશની સંસ્કૃતિમાં તો એવી પરંપરા છે કે શિક્ષકોને – ગુરુઓને રાજા-મહારાજાઓ પણ સર્વોચ્ચ આસને બેસાડે છે. પહેલાંના સમયમાં લૌકિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન – પરા અને અપરા વિદ્યા એકીસાથે અપાતાં અને આમ શિક્ષકો એ ગુરુની ભૂમિકા અદા કરતા અને રાજા મહારાજાઓ પાસેથી સર્વોચ્ચ સન્માન મેળવતા. આજની તાતી આવશ્યકતા છે, શિક્ષકોને આવું ઉચ્ચ સન્માન આપવું જેથી સમાજના સર્વોત્કૃષ્ટ આદર્શવાન પ્રતિભાવાન લોકો ડૉક્ટર, એન્જિનીયર કે આઈ.એ.એસ. ઓફિસર બનવા કરતાં શિક્ષક બનવા પ્રેરાય. ઉત્કૃષ્ટ શિક્ષકો દ્વારા જ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું – ઉત્કૃષ્ટ નાગરિકોનું નિર્માણ થશે, રાષ્ટ્રનું ભવ્ય ઘડતર થશે.

દિવ્યતાના પ્રકટીકરણની શ્રેષ્ઠ તક – શિક્ષકત્વ

સ્વામી વિવેકાનંદ કહે છે – ‘પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે. આ દિવ્યતાને પ્રકટ કરવી એ જ માનવજીવનનો ઉદ્દેશ છે અને એ જ ધર્મનું સર્વસ્વ છે. મતવાદો, રીતિ રિવાજો, બાહ્ય ઉપચારો એ બધું તો ગૌણ છે.’ આ દિવ્યત્વના પ્રકટીકરણ માટે સ્વામીજી રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ-આમ ચાર યોગોના સમન્વયને જીવનમાં અપનાવવાનું કહે છે. સિસ્ટર નિવેદિતાના કહેવા પ્રમાણે સ્વામી વિવેકાનંદના સંદેશની વિશેષતા આ છે – પરિશ્રમ કરવો એ જ પ્રાર્થના છે, કાર્ય કરવું એ જ પૂજા છે. સ્વામીજીના મત પ્રમાણે કારખાનું, લેબોરેટરી, ખેતર વગેરે ઈશ્વરપ્રાપ્તિ માટે એટલાં જ યોગ્ય સ્થળો છે જેટલાં કે મંદિરો અથવા તપસ્વીઓની ગુફાઓ. જો કે દરેક કાર્ય પૂજા બની શકે છે અને દરેક સ્થળમાં આ કર્મયોગ-વ્યાવહારિક વેદાંત – આચરી શકાય છે, તેમ છતાં વિદ્યાદાન – જ્ઞાનદાનનું પવિત્ર કાર્ય વધુ સરળતાથી વધુ સારી પૂજા બને છે અને મંદિર કે વિદ્યામંદિરના શાંત પવિત્ર વાતાવરણમાં આ સાધના વધુ સરળતાથી શક્ય છે, એ હકીકત નકારી શકાય નહીં.

વળી સાધના માટે નિયમિતતા, (Regularity), સ્થિરતા (Stability), નિશ્ચિંતતા (Security) વગેરે પણ સહાયરૂપ થાય છે. શિક્ષક ભાઇબહેનોને સમયબદ્ધ રીતે શાળાએ જવાનું અને આવવાનું, સમયસર પોતાના વિષય તાસ લેવાના હોય છે. ધંધો કરનારની જેમ રાત-દિવસની યંત્રવત્ દોડધામ નહિ અથવા કારખાનામાં કાર્ય કરતાં નોકરિયાતોની જેમ સિફ્ટ ડ્યૂટી નહિ! સાધના માટે, સ્વાધ્યાય માટે સમય પણ તેઓ ધારે એટલો ફાળવી શકે – પૂર્વઘોષિત રજાઓ, અઘોષિત રજાઓ, વેકેશનની રજાઓ, હડતાલની રજાઓ સિવાય Earned leave, Casual leave, Medical leave વગેરે ખરી જ. પીરીયડો વચ્ચે પણ સમય કાઢી શકાય. વળી તેઓને નિશ્ચિત પગાર (Fixed Salary) મળે એટલે જીવનમાં સ્થિરતા અને નિશ્ચિંતતા (Security) હોય છે જ્યારે ધંધામાં તો ક્યારેક ચડતી આવે તો ક્યારેક પડતી ય આવે. આમ બધી રીતે જોતાં શિક્ષકત્વનું કાર્ય એ સાધના માટે સૌથી વધુ અનુકુળ કાર્ય છે. જ્ઞાનદાનથી મોટું ક્યું દાન હોઇ શકે? ઉચ્ચતમ સેવાની સર્વોત્તમ તક તેઓને મળેલ છે. ‘જે કરે સેવા તે પામે મેવા’ના સિદ્ધાંત પ્રમાણે તેઓને આમ બેવડો લાભ મળી શકે છે. વંદન હો સમાજના પાયાના પૃથ્થર સમાં શિક્ષક ભાઇ-બહેનોને!

૭મી જૂન, ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદે મિસ માર્ગારેટ નૉબેલને પત્ર દ્વારા સળગતો સાદ આપ્યો હતો – ‘દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મ બલિદાન તે કાયદો હતો અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે શૂરવીર અને શ્રેષ્ઠમાંયે સર્વશ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અનંત દયાવાળા સેંકડો બુદ્ધોની જરૂર છે… જાગો, ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુઃખમાં બળી રહી છે, તમા૨ાથી સૂઇ રહેવાય કે? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવો જવાબ ન આપે ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો.’ મિસ નૉબલે આ પોકાર સાંભળ્યો, પોતાનું સમસ્ત જીવન ભારતીય નારીના શિક્ષણના કાજે, ભારતમાતાના કાજે, જગતના ઉદ્ધારના કાજે નિવેદિત કરી દીધું, એટલા માટે સ્વામી વિવેકાનંદે તેમને બ્રહ્મચર્યદીક્ષા વખતે નામ આપ્યું – ‘નિવેદિતા’. પોતે જાગૃત થયા પછી તો તેમણે કેટકેટલાંયને જગાડ્યાં! તેમનું જીવન શિક્ષક ભાઈ બહેનો માટે અત્યંત પ્રેરણાદાયી છે.

વિશ્વનો ઇતિહાસ આવાં જ શિક્ષક ભાઇ-બહેનોનો ઇતિહાસ છે જેમણે પોતે માનવસમાજ માટે ઐતિહાસિક કાર્ય કર્યું છે અથવા ઇતિહાસ સર્જનારા મહાન વ્યક્તિઓના શિક્ષકરૂપે તેઓને પ્રેરણા પૂરી પાડી છે. કેટલાય અંગ્રેજો પોતાની મહાનતાનો શ્રેય ૧૯મી શતાબ્દીના સુપ્રસિદ્ધ હેડમાસ્ટર આર્નોલ્ડ થૉમસનને આપે છે. ૧૯મી શતાબ્દીના શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અથવા તો આપણી શતાબ્દીના શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’, સ્વામી પ્રેમેશાનંદજી – કેટકેટલાનાં નામ યાદ કરવાં? સ્વામી વિવેકાનંદ પોતે પણ સંન્યાસ ગ્રહણ કર્યા પહેલાં. શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની શાળામાં થોડા સમય માટે ‘હેડમાસ્ટર’ રૂપે રહ્યા હતા, શિક્ષકત્વનું કાર્ય તેમને સૌથી વધુ પસંદ હતું.

શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ – માસ્ટર મહાશયથી કાકાસાહેબ કાલેકલર ખૂબ પ્રભાવિત થયા હતા, તેમને મળવા તેઓ કલકત્તા ગયા હતા. શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે જે વાર્તાલાપો કરતા તે માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં લખી રાખતા. પછીથી સ્વામી વિવેકાનંદના આગ્રહથી તેમણે પુસ્તકાકારે આ ડાયરીનાં લખાણ પ્રકાશિત કર્યાં. મૂળ બંગાળીમાં લખાયેલ આ પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો હિન્દી અનુવાદ સૂર્યકાન્ત ત્રિપાઠી – નિરાલાજીએ કર્યો છે.

અંગ્રેજી, ફ્રેંચ, જર્મની, સ્પેનીશ, રશિયન, ડચ વગેરે વિદેશની ઘણી ભાષાઓમાં, અને ગુજરાતી, મરાઠી, કન્નાડ, તામિલ, તેલગુ, મલયાલમ, ઉડિયા, વગેરે દેશની કેટલીય ભાષાઓમાં આ પુસ્તકના અનુવાદોની લાખો પ્રતો પ્રકાશિત થઇ છે. કેટકેટલાંય નરનારીઓનાં જીવનમાં કથામૃતની અમીધારાએ શાંતિનું સિંચન કર્યું છે, કેટલાંયને આત્મહત્યામાંથી, હતાશામાંથી ઉગાર્યા છે, કેટકેટલાંયના જીવનમાં પરિવર્તન આણ્યું છે. રામકૃષ્ણ મઠ અને મિશનના અનેક સંન્યાસીઓ પોતાના જીવનના પરિવર્તન માટે આ પુસ્તકને પ્રેરણાસ્રોત માને છે. એક શિક્ષક વિશ્વના ઇતિહાસમાં કેટલું મોટું પ્રદાન કરી શકે તેનું આ ઉજ્જવળ ઉદાહરણ છે.

આજે રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં અનેક કેન્દ્રોના વડારૂપે આસનસ્થ સંન્યાસીઓના પ્રેરણાસ્રોત હતા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ, જેઓ પોતાના પૂર્વાશ્રમમાં એક શિક્ષક હતા. તેમના તેજસ્વી ચારિત્ર્યથી પ્રભાવિત થઇ, તેમની પ્રેરણા મેળવી કેટલાય યુવકોએ પોતાનું સમસ્ત જીવન જગતના કલ્યાણાર્થે હોમી દીધું – રામકૃષ્ણ મિશનમાં જોડાઇ ગયા. તેઓ પોતે તો ઘણાં વર્ષો પછી રામકૃષ્ણ સંઘમાં જોડાયા. આ અંકમાં પ્રકાશિત તેમનો લેખ વાંચવાથી ચારિત્ર્ય – ઘડતર વિશે તેમનાં સૂચનો કેટલાં મહત્વનાં છે તેનો ખ્યાલ આવશે.

આજે પણ કેટલાંક શિક્ષક ભાઇ-બહેનો નામ યશ – માન – સન્માનની અપેક્ષા રાખ્યા વગર, પ્રતિકૂળ સંજોગોમાં પણ, નિંદાની પરવા કર્યા વગર, ઉન્નત જીવન જીવી રહ્યાં છે અને વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં, રાષ્ટ્રનિર્માણમાં, સમાજ ઘડતરમાં મહાન ભૂમિકા ભજવી રહ્યાં છે. આ સૌ શિક્ષક ભાઇ-બહેનો હાર્દિક અભિનંદનને પાત્ર છે – તેઓને આપણા વંદન હો.

પ્રભુના ચરણોમાં પ્રાર્થના કે આવાં મહાન શિક્ષક ભાઇ-બહેનોની સંખ્યા વધતી રહે – સ્વામી વિવેકાનંદનો સળગતો સાદ ‘જાગો, જાગો’ સાંભળીને શિક્ષક ભાઇ-બહેનો પોતે જાગે અને બીજાંઓને જગાડે, પોતાનું ચારિત્ર્ય ઘડતર કરે, વિદ્યાર્થીઓને સાચા અર્થમાં મનુષ્ય બનાવે, અને આમ પોતાનું માનવ જીવન સાર્થક કરે અને સમાજ ઘડતર માટે, વિશ્વના કલ્યાણ માટે મહાન યંત્ર રૂપ બને.

***

૭મી જૂન, ૧૮૯૬ના રોજ સ્વામી વિવેકાનંદે મિસ માર્ગારેટ નૉબેલને પત્ર દ્વારા સળગતો સાદ આપ્યો હતો – ‘દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મ બલિદાન તે કાયદો હતો અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દુનિયાના વીરોમાંયે શૂરવીર અને શ્રેષ્ઠમાંયે સર્વશ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અનંત દયાવાળા સેંકડો બુદ્ધોની જરૂર છે… જાગો ઓ મહાનુભાવો! જાગો, દુનિયા દુઃખમાં બળી રહી છે, તમારાથી સૂઇ રહેવાય કે? ચાલો, સૂતેલા દેવો જ્યાં સુધી જાગે નહીં, જ્યાં સુધી અંદર રહેલા દેવો જવાબ ન આપે ત્યાં સુધી પોકાર પાડ્યા જ કરો.’

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.