‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું સુક્ષ્મ અંતર સ્પષ્ટ કરે છે. જેઓ અકસ્માત શિક્ષકના અતિ ઉદાત્ત વ્યવસાયમાં આવી પડ્યા છે તેઓને આ લેખ ઢંઢોળશે અને ઉત્તમ શિક્ષક બનવા પ્રેરશે તેવી આશા સેવીએ. – સ.

શિક્ષકો સામે આજે જૂના જમાનામાં ન હતી એવી સામાજિક, શાસકીય, શૈક્ષણિક અને એવી અનેકાનેક કપરી સમસ્યાઓ એના શિક્ષકત્વને અવરોધતી ખડી થઈ છે, એની ના પાડી શકાય તેમ નથી અને છતાં પણ વિસ્મયકારક રીતે કેટલાક શિક્ષકોનું હીર ઝળકતું હોવાના દાખલા મળી આવે છે. એનું રહસ્ય શું હશે?

ભર્તૃહરિએ આ મર્મ ખોલવાનો પ્રયત્ન આ રીતે કર્યો છેઃ

‘रथस्यैकं चक्रं भुजगयमिताः सप्ततुरगाः निरालंबो मार्गश्चरणविकलो सारथिरपि।

रविर्यात्यंतं प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे॥’

‘રથનું એક જ પૈડું, સાપોથી વીંટળાયેલા સાત ઘોડા, આધાર વગરનો માર્ગ, પગ વગરનો સારથી – આ બધું હોવા છતાં સૂર્ય હંમેશા અપાર આકાશની યાત્રા કરે છે એટલે મોટા માણસોના કાર્યની સફળતા બાહ્ય ઉપકરણો ઉપર નહિ, પણ એમના અંતઃસત્ત્વ ઉપર જ આધાર રાખે છે.’

ભર્તૃહરિનો આ શ્લોક કંઈ કેવળ કોરી કવિકલ્પના જ નથી. એને ભારતીય ચિંતનધારાનું જબરું પીઠબળ છે. ભારતીય ચિંતનધારા માને છે કે દરેક માનવચેતનામાં દિવ્ય અને અનંત શક્તિ પડી છે અને એનું ઉદ્‌ઘાટન પણ થઈ શકે છે. આધુનિક માનસશાસ્ત્ર પણ એમાં સૂર પુરાવીને કહે છે કે માનવમનની અનંત શક્તિમાંથી આપણે સામાન્ય સંજોગોમાં વધારેમાં વધારે માત્ર બે સપ્તમાંશ જેટલી શક્તિનો જ માંડ ઉપયોગ કરી શકીએ છીએ.

પ્રશ્ન એ છે કે તો પછી એ સંગ્રહીત શક્તિ ઉદ્ઘાટિત કેમ નથી થતી? શા માટે લોકોત્તર માનવો નીપજતા નથી? એનો ઉત્તર આપતાં ઉપનિષદ કહે છે: ‘हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्’ ‘સુવર્ણપાત્રથી સત્યનું મોઢું ઢંકાઈ ગયું છે’ પ્રેયસ્-થી શ્રેયસ્ ઢંકાયેલું છે.

વ્યક્તિના અંતઃસત્ત્વને સમજવા માટે આપણે એક અન્ય રૂપકની મદદ લઈએ તો કહી શકીએ કે દરેક માનવમનની આ દિવ્ય અનંત શક્તિ, ભગવાન શંકરના નિબિડ જટાજૂટમાં નિગૂઢ રહેલી ગંગા જેવી છે. અને એ જટાજૂટની કોઈક વિશિષ્ટ દિશાએથી એક છૂટી પડેલી લટમાંથી એક જીવનઝરણું પ્રસ્ફુટિત થાય છે. આ જીવનઝરણાને તે વ્યક્તિનું ‘હોવું’ (being) કહેવામાં આવે છે. એ લટ છૂટી પડવાની દિશા અને એના ઓછાવત્તા પ્રમાણને હિસાબે દરેક વ્યક્તિના being- હોવામાં જુદા જુદા આકારો (ઓછાવત્તાપણું) અને જુદા જુદા આયામો રચાય છે. જેવી રીતે મૂળે એક જ વિદ્યુતશક્તિ વિવિધ માધ્યમો દ્વારા પ્રકાશ, હવા, ઠંડી, ગરમી વગેરે થોડાઝાઝા પ્રમાણમાં અભિવ્યક્ત કરે છે, તેવી જ રીતે આ દિવ્ય અનંત શક્તિ પણ વિવિધ દિશામાધ્યમો દ્વારા વિવિધ રસ, રુચિ, વલણવાળા ‘being’ હોવાને થોડાઝાઝા પ્રમાણમાં અભિવ્યક્ત કરે છે.’

હવે, જે વ્યક્તિનું ‘being- હોવું’ જ શિક્ષકનું અભિવ્યક્ત થયું હોય છે, તે તો નિઃશંક રીતે સાચુક્લો શિક્ષક હોય જ. એ જ એનું સહજ જીવનસ્વરૂપ છે. એ શા માટે કે કેવી રીતે શિક્ષક છે, એ સવાલ જ નિરર્થક છે. સૂર્યને પૂછીએ કે તું શા માટે પ્રકાશે છે? પાણીને પૂછીએ કે તું શા માટે ઢોળાવ તરફ વહે છે? વાયુને પૂછીએ કે તું શા માટે વાય છે? આ પ્રશ્નોનો સૂર્ય, પાણી કે વાયુ પાસે કશો ઉત્તર નથી – ઉત્તર હોઈ શકે જ નહિ કારણ કે પ્રકાશ એ સૂર્યનું સ્વરૂપ જ છે, વહેવું એ પાણીનું સ્વરૂપ જ છે, વાવું એ વાયુનું સ્વરૂપ જ છે. એમ સહજ શિક્ષકત્વ એ એવી વ્યક્તિનું સ્વરૂપ જ છે. સૂર્યમાંથી પ્રકાશ, જળમાંથી વહેવું અને વાયુમાંથી વાવું કાઢી લઈએ તો એનું અસ્તિત્વ જ ન રહે, તેમ આવી વ્યક્તિમાંથી એનું શિક્ષકત્વ કાઢી લઈએ તો એનું અસ્તિત્વ જ નહિ રહે. મકરંદભાઈની કાવ્યકડી યાદ આવે છે :

‘ફૂલ તો એની ફોરમ ભાળી રાજી!

કોઈનું નહિ ફરિયાદી ને કોઈનું નહિ કાજી,

ફૂલ તો એની ફોરમ ભાળી રાજી!’

પરંતુ વિશ્વ ઇતિહાસનાં પાનાં પર આવા શિક્ષકો કેટલા ઓછા છે? તેઓ તો આંગળીને વેઢે ગણાય તેટલા જ મળે છે. કોઈક જ શુકદેવ, કોઈક જ શંકરાચાર્ય, એકાદ સૉક્રૅટિસ કે એકાદ જ્ઞાનેશ્વર જ ને? ચીંથરે વીંટ્યાં રતન જેવા કેટલાક નાના મોટા આવા અનામી શિક્ષકો પણ આમાં આવતા હશે. એ બધા સાદર વંદનીય છે કારણ કે એમનું અંતઃસત્ત્વ જ સ્વરૂપબુદ્ધિ છે. એમની હસ્તી જ શિક્ષક છે.

મોટા ભાગના શિક્ષકો કંઈ આવા સહજ શિક્ષકો હોતા નથી એવાઓનું પ્રથમ પ્રસ્ફુટિત જીવનઝરણું શિક્ષક સ્વરૂપનું ન હોવા છતાં સંસ્કારસંયોગવશાત્ શિક્ષક થવાની ઝંખના એમનામાં જાગે છે અને પછીથી એ આયામ સાધનાથી ખુલી જાય છે અને એમના ‘હોવા’ (being) સાથે એવા તો ઓતપ્રોત બની જાય છે કે પછી ક્યારેય એને ‘હોવા થી અલગ પાડી શકાતો નથી. આને ‘થવું’ (becoming) કહેવામાં આવે છે.

આ ‘થવા’ ‘becoming’ નું સ્વરૂપ શું છે? કહે છે કે બિલાડીના બચ્ચાંનો જન્મ થયા પછી છ મહિને એની આંખોનો આયામ ઊઘડે છે પણ ઊઘડ્યા પછી એ બિલાડીના બચ્ચાના જીવન સાથે – વ્યક્તિત્વ સાથે એટલો તો એકાકાર થઈ જાય છે કે એને એનાથી અલગ પાડી શકાતો નથી. આ પશ્ચાદ્ ભાવિ પ્રક્રિયા એ એનું થવું ‘becoming’ છે. વિદન્તી છે કે ભમરી કોઈ ઈયળને ડંખ મારી પોતાના ભોંણમાં રાખે છે અને કાળાન્તરે એ ઈયળ ભમરીનું રટણ કરતાં કરતાં ભમરીના રૂપમાં ફેરવાઈ જાય છે, એવું જ આ becoming – થવાનું પણ છે.

આ ‘થવા’ની પ્રક્રિયામાં પાછળથી ઊઘડેલો આયામ ભલે મૂળના ‘હોવા’ના સ્વરૂપ સાથે એકાકાર થઈ જતો હોય છતાં એ મૂળ ‘હોવા’ના સ્વરૂપ કરતાં અલગ છે. દૂધનું જ દહીં બને છે છતાં દૂધ એ કંઈ દહીં તો નથી જ એટલે આ ‘થવા’નો ‘હોવા’ કરતાં તફાવત જાણવો જરૂરી છે. ‘થનારા’ શિક્ષકો વધુ હોવાથી પણ એ પ્રક્રિયા સમજવી જરૂરી છે.

‘હોવું’ જન્મજાત અથવા તો જીવનનું સ્વરૂપ જ છે, જ્યારે ‘થવું’ એ પશ્ચાદ્ભાવી પરિણામરૂપ છે; ‘હોવું’ એ સહજ છે, જ્યારે ‘થવું’ એ પ્રયત્નસાધ્ય છે; ‘હોવું’ એ વસ્તુતંત્રી છે, જ્યારે થવું’ એ પુરુષતંત્રી છે, ‘હોવા’ પર માનવની ઇચ્છા – અનિચ્છા કામ લાગતી નથી, રુધિરાભિસરણ જેવી અનૈચ્છિક સ્નાયુઓ જેવી એ પ્રક્રિયા છે, જ્યારે ‘થવું’ એ માનવની ઇચ્છાને અર્ધીન છે. ‘હોવા’માં સાધ્યની સભાનતાને અવકાશ નથી. ‘થવા’માં સાધ્યની સભાનતા હોય છે.

‘થનારા’ શિક્ષકોને મૂલવવા અને પ્રેરવા માટે આટલું વિવરણ પૂરતું થશે. કારણ કે જેને કોઈ પણ ભોગે સાચા શિક્ષક થવાની તાલાવેલી જાગી છે, શિક્ષક થવાના જેના સંસ્કારો તીવ્રપણે પ્રજ્વલિત થઈ ચૂક્યા છે, એણે પોતાની પાત્રતા કેળવવી રહી, માર્ગ શોધવો રહ્યો, ધ્યેય આંબવું જ રહ્યું.

જેનામાં શિક્ષકનું ‘હોવું’ છે, એનાથી બીજે ક્રમે આવતા આવા ‘થનારા’ શિક્ષકોની પાત્રતા – અધિકાર વિષે કાકાસાહેબ કાલેલકર ચાર આંતરિક ઉપકરણો આવશ્યક માને છે. યાદ રાખવું ઘટે કે આ ઉપકરણો બાહ્ય નથી જ. આ ચાર અંતઃસ્થ ઉપકરણોમાં (૧) સ્વાતંત્ર્ય, (૨) નિષ્ઠા – નમ્રતાપૂર્વકની શ્રદ્ધા (૩) હિંમત અને (૪) પ્રેમ-અમી નજરનો સમાવેશ થાય છે. આ પાત્રતા વગર સાચા શિક્ષક થઈ શકાય નહિ.

આ ચાર ઉપકરણોની આંતરિક મૂડી સાથે ‘થનાર’ શિક્ષક પોતાની શિક્ષણયાત્રા આરંભે છે. ક્યા માર્ગે એ યાત્રા આરંભશે? આ માર્ગ કંડારવાની બાબતમાં આપણા ઉપનિષદોના દ્રષ્ટાઓએ પ્રાચીન કાળમાં પણ જાગ્રતપણે વિચાર્યું છે. એ માર્ગ મુખ્યત્વે સ્વાધ્યાય અને પ્રવચનનો માર્ગ છે, શ્રવણ અને મનનનો માર્ગ છે, જ્ઞાનના આદાન પ્રદાનનો માર્ગ છે, સહચિંતનનો માર્ગ છે. રથીતરે એમાં ‘સત્ય’ ભેળવીને અને પૌશિષ્ટિએ એમાં ‘તપ’ (સર્જનાત્મક પરિશ્રમ) ભેળવીને તેમજ બીજાનોએ પણ એમાં અન્ય કેટલાંક તત્ત્વો ભેળવીને એ માર્ગની ચોકસાઈ વધારવાનું કહ્યું છે, પણ મૌદ્ગલ્ય તો આ બધાં જ તત્ત્વોને સ્વાધ્યાય અને પ્રવચનની જ આડપેદાશ માનીને સ્વાધ્યાય – પ્રવચનને જ મુખ્ય માને છે. જો કે આ બધું માણસના વ્યક્તિગત મનની તાસીર પર આધાર રાખે છે એટલે દરેક મતને એનું પોતીકું મહત્ત્વ છે.

હવે જોઈએ કે આ શિક્ષણયાત્રીને એ માર્ગ પર ચાલીને ક્યાં પહોંચવું છે? એનું લક્ષ્યસ્થાન – એનું સાધ્ય શું છે? એ લક્ષ્ય છે ‘શિવેતરક્ષતિ’- અમંગલનો નાશ – માંગલ્યની પ્રાપ્તિ. આ માંગલ્યનો આકાર પ્રકાર કંઈ યાત્રારંભ વખતે જ સુસ્પષ્ટ બની જતો નથી. જો પહેલાં જ એનો સાક્ષાત્કાર થઈ જાય તો યાત્રાનો કશો અર્થ રહેતો નથી. કલકત્તાની યાત્રા કરવાની શરૂઆતમાં જ કલકત્તા દેખાઈ જતું નથી. એ ધીરે ધીરે નજીક આવતાં આવતાં સ્પષ્ટ થતું જાય છે. એટલે એની કલ્પનાજાળમાં ફસાયા વગર આ શિક્ષણયાત્રીએ ઉપકરણ ચતુષ્ટયની પૂંજી સાથે શ્રદ્ધાપૂર્વક પોતાની યાત્રા ઉપર્યુક્ત માર્ગ પર ત્વરિત શરૂ કરી દેવી જોઈએ.

આ શિક્ષણયાત્રાની પ્રક્રિયા દ્વિમુખી છે. એ દ્વારા એક બાજુ શિષ્યમાં સંસ્કાર સિંચન કરતો રહે છે અને બીજી બાજુ પોતે પોતાને પામતો રહે છે, એમાં આદાન પણ થાય છે અને પ્રદાન પણ થાય છે. આ બન્ને એક સાથે સમાન્તરે જ થયા કરે છે. એમાં કોઈ ક્રમ જેવું નથી. સમાન્તર પ્રક્રિયા માટે ભાગવતમાં સરસ ઉદાહરણ આપ્યું છે. ભૂખ્યો માણસ જેમ જમતાં જમતાં કોળિયે કોળિયે ક્ષુધાશાન્તિ, પુષ્ટિ અને તૃષ્ટિ એક સાથે સમાન્તરે પામે છે એના જેવી જ આ પ્રક્રિયા છે.

પોતાની શિક્ષણયાત્રામાં રત શિક્ષણયાત્રી ભલે ગમે તે વિષય ભણાવતો હોય ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભાષા – ગમે તે વિષય હોય, પણ તે દ્વારા ફલશ્રુતિરૂપે તો આ દ્વિમુખી પ્રક્રિયાની બતાવેલી ફલશ્રુતિ જ હશે. કમોદમાંથી ફોતરાં કાઢી ચોખા છડવાનું કામ નખથી કરવામાં આવે, ખાંડીને કરવામાં આવે કે કોઈ યંત્રથી કરવામાં આવે, એમાં કશો ફેર પડતો નથી.

એક ચેતનાનો (શિક્ષકનો) બીજી ચેતના (વિદ્યાર્થી) સાથે યોગ- આંતર સંબંધ સાધ્યા વગર આ ફલશ્રુતિ નીપજી શકતી નથી. જડ સાથે ચેતનાનો આંતરસંબંધ સ્થાપી શકાતો નથી. જેમ માતાના હાથનું ભોજન હૉટેલના ભોજન કરતાં અનોખું છે, તેવી રીતે દૂરદર્શન કે આકાશવાણીમાં અભ્યાસ પાઠો કરતાં આ બે જીવંત ચેતનાઓનો યોગ અનોખો જ છે.

આવા થનારા શિક્ષકનું- શિક્ષણયાત્રીનું અંતઃસત્ત્વ એની કર્તવ્યબદ્ધિ કે ધર્મબુદ્ધિ છે. જડ પદાર્થો સાથે પનારો પાડનારા અન્ય બધા વ્યવસાયો કરતાં ચૈતન્ય સાથે આંતરસંબંધ સાધતા શિક્ષકપણાને પસંદ કરવાના એના રસ રુચિ-વલણને ખરેખર ધન્યવાદ ઘટે છે.

કેટલાક શિક્ષકો એવા જોવા મળે છે કે જેમનામાં શિક્ષકનું ‘હોવું’ નથી હોતું અને ‘થવા’ની કોઈ તૈયારી પણ હોતી નથી. આમ છતાં પણ તેઓ પોતાને શિક્ષક તરીકે સ્થાપિત કરવા – માનવા મનાવવા માગતા હોય છે. આવા શિક્ષકો પોતે શાળામહાશાળામાં મેળવેલી વિષયમાહિતીની મૂડી ઉપર જ મુસ્તાક હોય છે અને પોતાની આખી કારકીર્દિ દરમિયાન વિદ્યાર્થીઓને એ માહિતીની જ કવાયત કરાવ્યા કરે છે, સ્વાધ્યાય – પ્રવચનના સાતત્યને નેવે મૂકી દે છે; પાત્રાપાત્રતાની પરવા કરતા નથી. આ સાચા શિક્ષકો નથી, આભાસી શિક્ષકો છે. મનુસ્મૃતિ આવા શિક્ષકોને ‘મૃતજીવી’ અથવા ‘મૃતકાધ્યાપકાઃ’ એવું નામ આપે છે. આવા કહેવાતા શિક્ષકો ઘમંડી, પ્રમાદી અને કશું જ જીવનોપયોગી કાર્ય કરવામાં અસમર્થ હોય છે. એમનું અંતઃસત્ત્વ કેવળ કામનાબુદ્ધિ કે અર્થબુદ્ધિ હોય છે. કશીક ભૌતિક ઉપલબ્ધિ જ તેઓ ઝંખતા હોય છે.

આવા શિક્ષકોનું ઊર્ધ્વીકરણ પણ શક્ય લાગે છે. એમની પાસેની માહિતીની પૂંજી અને તે દ્વારા સાચા શિક્ષકની થવાની કીર્તિકામના સાથે સાચા શિક્ષક થવાની ઝંખના અને તે માટેની તૈયારીનો મેળ બેસાડવો હોય તો એ માટેની શરત એમને સાચે રસ્તે ધક્કો મારવાની લાગે છે. કોઈ સાચા માર્ગદર્શક દ્વારા એ ધક્કો લાગી જાય તો તેઓ અવશ્ય સાચા શિક્ષકમાં પલટાઈ જઈ શકે તેવું લાગે છે. તુલસીદાસને એની પત્નીનાં વેણનો ધક્કો આંચકો લાગ્યો હતો અને એમનું આખું વ્યક્તિત્વ પલટાઈ ગયું હતું એ આપણે સૌ જાણીએ છીએ, આપણે આશા રાખીએ કે આવા શિક્ષકોને યોગ્ય માર્ગદર્શક મિત્ર મળે અને સાચા શિક્ષકો વધે.

પ્રવર્તમાન માનવજીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે તેવો શિક્ષકોનો ચોથો વર્ગ પણ હસ્તી ધરાવે છે. એ વર્ગ, વગ, ડોનેશન, અનામત કે લઘુમતિની નીતિને જોરે બની બેઠેલા હકવાદી અને તકવાદી શિક્ષકોનો છે, ગમે તે કરીને કેવળ ઉદરપોષણ કરી લેવાની છલબુદ્ધિ જ તેમના અંતરમાં હોય છે. આવા આવી પડેલા શિક્ષકોનું નામ કોઈ શબ્દકોશમાં નથી. ભર્તૃહરિના શબ્દોમાં કહીએ કે ते के न जानीमहे। તેમના નામની ખબર નથી. આવી વ્યક્તિઓને પોતાનું અને સમાજનું ભલું કરવા ખાતર શિક્ષણ જગત છોડી દેવાની અને પોતાની શક્તિ કે વલણ અનુસાર અન્ય વ્યવસાય પસંદ કરી લેવાની વણમાગી સલાહ આપ્યા સિવાય આપણે શું કરી શકીએ? યુદ્ધ છોડીને સંન્યાસી થવા ઈચ્છતા અર્જુનને શ્રીકૃષ્ણે કહ્યું હતું તેજ આ સલાહ છે: ‘स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः। સ્વધર્મમાં રહી મરવું ભલું પણ પરધર્માનુસરણ તો ભયંકર જ છે.’ કૃષ્ણ અર્જુનની સત્ત્વવૃત્તિ જાણતા હતા કે સંન્યાસી બનેલો અર્જુન ત્રીજે દિવસે તીરકામઠું ઉપાડીને વનનાં હરણોનો શિકાર જ કરત ને?

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.