સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ. – સં.

(માર્ચ ’૯૬થી આગળ)

૧૫. ચારિત્ર્યશક્તિ વિના માનવીનું ભાવિ અંધકારમય છે.

હું અમેરિકન યુવકોનો પ્રશંસક છું. બેકારી હોવા છતાં એની બહુ ચિંતા એમને નથી. ધારો કે તેઓ કૉલેજમાં અભ્યાસ કરે છે; એમના અંતરમાંથી કોઈ ધક્કો લાગે છે અને એના પ્રતિભાવરૂપે તેઓ પોતાનો અભ્યાસ છોડી વિશ્વના પ્રવાસે ઉપડે છે કે એક બે વરસ માટે કોઈ અવિકસિત દેશમાં સેવાકાર્ય માટે જોડાય છે. પોતાની જાતને તેઓ કહે છે : ચાલો આપણે જગત જોઈએ કે, બીજા દેશમાં સ્વયંસેવક તરીકે જઇએ. આપણા વિકસિત દેશમાં, સ્વાતંત્ર્યની ભાવના સાથેનું આ વલણ જોવા મળતું નથી. યુ.ઍસ.એ.માં રોજની ઘટમાળ પ્રત્યેનો આપણો વળગાડ નથી. બધો પ્રવાસ પૂરો કરીને એ અમરિકી જુવાન બીજી નોકરી મેળવી લે છે. આપણે સખત પરિશ્રમ કરીશું, પ્રવીણતાપૂર્વક શ્રમ કરીશું, બંધુભાવનાથી કામ કરીશું અને આપણી શક્તિઓને સાચી દિશામાં વાળીશું તો, આપણા ભારતમાં પણ એ સ્વાતંત્ર્યની દશા આવશે. દુર્ભાગ્યે, આપણા ઘણા લોકો કામ ટાળનારા છે, ઘણાય પોતાના કાર્યમાં પ્રામાણિક પણ નથી. કામ કરીએ છીએ ત્યારે આપણે રાજ્યને અને સમાજને છેતરીએ છીએ. આપણને મળતા વેતન માટે પણ પૂરતું કામ આપણે નથી કરતા! ભારતની સામાજિક ક્ષિતિજે આ સામાજિક ઊણપો ખૂબ ઉભરાય છે. ભારત આવતા વિદેશીઓ આપણા ચારિત્ર્યની ક્ષતિઓને અને નબળી કડીઓને આપણા કરતાં વધારે સારી રીતે જોઈ શકે છે. આના સંબંધે એક જાપાની મુલાકાતીએ પોતાના ભારતીય મિત્રને કરેલી ટકોર રસિક અને શિક્ષાપ્રદ છે. એણે કહ્યું હતું :

જાપાનમાં ખૂબ પરિશ્રમ કરીને અમે કાંડા ઘડિયાળો અને મોટાં ઘડિયાળો નિકાસ માટે બનાવીએ છીએ. એ નિકાસ અમારા દેશનો આધાર છે. કાચો માલ બહારથી મગાવી એના પર પ્રક્રિયાઓ કરી અમે એને વેચીએ છીએ. અમારો નિર્વાહ અમે આમ કરીએ છીએ. અમારા ઘરમાં એક જ ઘડિયાળ છે. મારાં બા, બાપુજી અને હું એ ઘડિયાળ અનુસાર અમારું દિવસનું કામ ગોઠવીએ છીએ. અમારી પાસે વ્યક્તિગત ઘડિયાળો નથી. અમને એ પરવડે તેમ નથી. અમારા દેશના હિત માટે અમે તેની નિકાસ કરીએ છીએ. પણ ભારત આવતાં મને એ જોઈ ખૂબ નવાઈ લાગી કે, અવિકસિત દેશ હોવા છતાં અહીં દરેકને કાંડે ઘડિયાળ છે, મજૂરોને, રીક્ષાવાળાઓને, શેરી વાળનારાઓને પણ, તો પછી મોટાંઓની વાત જ શી? એક ગરીબ દેશ પોતાની પેદાશનો મોટો ભાગ પોતે જ વાપરે છે એ જોઈ મને અચંબો થયો! પણ એથી વધારે મોટું અચરજ તો મને એ થયું કે, દરેક પાસે ઘડિયાળ હોવા છતાં, અહીં કોઈ નિયમિત નથી.

કેટલું સાચું અવલોકન! આપણો માભો પાડવા આપણે ઘડિયાળ પહેરીએ છીએ, સમયપાલનમાં મદદરૂપ થવા માટે અને આપણે કામને સ્થળે નિયત સમયે પહોંચવા માટે નહીં. જાપાની પ્રજાની જેમ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ, નિયમિતતા, પ્રવીણતા અને પ્રામાણિક શ્રમની દૃષ્ટિએ આપણે કદી વિચાર્યું નથી. આ જાપાની ગૃહસ્થના જેવા આપણા પરદેશી મુલાકાતીઓ અને મિત્રો તરફથી, આપણું સમગ્ર વલણ બદલવાનું શિક્ષણ મળે તે આપણા રાષ્ટ્ર માટે સારું છે.

૧૬. ચૈતસિક શક્તિનું શોધન કરો અને મહત્તા પ્રાપ્ત કરો.

જીવન અને કામ પ્રત્યેનું આપણું વલણ હું ઘણી વાર કહું છું તેમ, ‘મધુરજની’નું વલણ છે! ‘મધુરજની’ વધારે પડતી લાંબી હોય તો, એ ઘર માંડવાની, ધંધે વળગવાની અને નિર્વાહ કરવાની બાબતો સાથે સંઘર્ષમાં આવે. એ જ રીતે, રાષ્ટ્રની માનવ સમસ્યાઓ હલ કરવામાં આપણે આઝાદી પછી જે ઢીલીપોચી નીતિ અપનાવી છે તેણે તાકીદના વલણને સ્થાન આપવું જોઈએ. ક્ષુલ્લક મન વડે આપણે આજના કાળમાં માનવ ભવિતવ્યનું નિરાકરણ નહીં લાવી શકીએ. રાષ્ટ્રીય કટોકટીની ભાવના આપણા દરેકના મન પર ઠસાવશે કે : ‘સૌ પ્રથમ હું સ્વતંત્ર ભારતનો મુક્ત અને નિષ્ઠાવાન નાગરિક છું. મારે સમયસર કામને સ્થળે પહોંચવું જ જોઈએ. કામના સમય દરમિયાન ગપ્પામાં અને ચા પીવામાં સમય બરબાદ નહીં કરતાં, મારે સખત પરિશ્રમ કરવો જોઈએ. મારા દેશ પ્રત્યે ફરજ અદા કરવાની મારી જવાબદારી છે અને કુશળતાપૂર્વક તથા નિષ્ઠાપૂર્વક અદા કરવાનો મારો અધિકાર છે.’

આ વલણ, ફ૨જની આ ભાવના, સેવા અને સમર્પણની આ વૃત્તિ, નિયમિતતાની આ ભાવના આપણે કેવી રીતે અપનાવીશું? આપણી ભીતર રહેલા ઊર્જાતંત્રના મુક્ત અને આનંદભર્યા નિયમનથી અને શોધનથી એ પ્રગટે છે. આ શુદ્ધીકરણ વિના, આપણી ઊર્જાઓ પ્રાકૃતિક, બાટલીમાંના વાયુની માફક સ્વયંછેદક રહેશે અને આપણી જાતને તેમજ આપણા રાષ્ટ્રને આપણે નિર્બળ બનાવીશું. આપણી પ્રાકૃતિક ઊર્જાઓ શુદ્ધ થશે ત્યારે, આપણે જાગ્રત નાગરિકતાનું વલણ ખીલવીશું. આપણા મુક્ત સમાજના આપણે મુક્ત અને જવાબદાર નાગરિક બનીશું. આ વલણ સુદૃઢ થતાં, આપણે પ્રામાણિકપણે અને કુશળતાથી કામ કરતાં શીખીશું અને આપણને બહારના ઘોંચપરોણાની જરૂર રહેશે નહીં, આવા સઘળા લોકનું વલણ આવું થશે : ‘મારા કામ પર કોઈએ દેખરેખ શા માટે રાખવી જોઈએ? હું સ્વતંત્ર નાગરિક છું અને પ્રામાણિક કર્મચારી છું. મારામાં માનનું અને ગૌરવનું ભાન છે. મા૨ા કામ ૫૨ કોઈનું પણ નિરીક્ષણ મારા ગૌરવનું અને માનનું અપમાન છે. હું સમયસર જ કામે ચડીશ અને, મને સોંપાયેલું કામ પ્રામાણિકતાથી અને કુશળતાથી કરીશ.’

માનવ ઉત્કૃષ્ટતા, ગૌરવ અને મૂલ્યનો આ સાચો ચહેરો છે, સાચું મન છે. ગુલામ પર જ દેખરેખની જરૂર હોય, સ્વતંત્ર માનવી પર નહીં. અઢારમી અને ઓગણીસમી સદીમાં અમેરિકામાં અને એથી વધારે પ્રમાણમાં ફિજી, મોરિશ્યસ જેવાં સંસ્થાનોમાં, ગુલામીના ખીલા ઊંડા હતા. સો ગુલામો પર એક ચાબુકધારી મુકાદમ રહેતો અને એ મુકાદમ ચાબુક મારીને એમની પાસેથી કામ લેતો. એ ગુલામીની નાબુદી પછી એ લોકો સ્વતંત્ર થયા ત્યારે એમના પરની મુકાદમી અને ચાબુકબાજી અટકી. આપણી જાતને આપણે પ્રશ્ન પૂછવો જોઈએ : રાજકીય દૃષ્ટિએ આઝાદ હોવા છતાં ગુલામોની જેમ વર્તતા આપણે, પ્રામાણિકપણે કામ નહીં કરતા હોઈ અને આપણી પર બીજાની દેખરેખની જરૂર હોઈ આપણે ગુલામ નથી શું? એ પ્રશ્ન આપણી જાતને આપણે પૂછવો જોઈએ. મનુષ્ય સ્વતંત્ર થવાને સર્જાયેલો છે પણ બહારથી કે અંદરથી ગુલામ છે તે સ્વતંત્ર નથી. સ્વાતંત્ર્ય અને જવાબદારીનું ભાન નાગરિકની, આઝાદ માનવીની ઓળખ છે. આ વલણ ચિંતનથી, માનવ અનુભવ પરના વ્યાપારથી, આપણી ચૈતસિક ઊર્જાઓના શુદ્ધીકરણથી કેળવાય છે. કારખાનાંઓમાં, કચેરીઓમાં, કેન્દ્રીય અને રાજ્યનાં સચિવાલયોમાં, જાહેર અને ખાનગી સાહસોમાં અને સર્વત્ર કામ કરતા આપણા શિક્ષિત લોકો આ વલણ પરિશ્રમનું, નિયમિતતાનું, અંગત ગૌરવના મોટા ભાનનું અને રાષ્ટ્રીય નિષ્ઠાનું – અપનાવે તો, આપણા દેશમાં કેવું પ્રચંડ પરિવર્તન આવે! પછી આપણા રાષ્ટ્રના વેગીલા વિકાસ માટે, અત્ર, તત્ર, સર્વત્ર માનવજાતની સેવા માટે આપણી પાસે નિયમિત માનવ ઊર્જાનો મહાસ્રોત આપણને પ્રાપ્ત થશે.

૧૭. માનવ ભવિતવ્ય ઘડવાના ગીતાસંદેશની તાકીદ

અગાઉ કહેલા બધા વિચારોથી સ્પષ્ટ થશે કે, જગતના ઉચ્ચ માનવ ભવિતવ્યને સિદ્ધ કરવાનો આધાર દરેક માનવીમાં રહેલ માનવીય શક્તિ સ્રોતોને વશમાં લઈ, તેની પર પ્રક્રિયાઓ કરી તેને શુદ્ધ કરવા પર રહેલો છે. ડૉ. એસ. રાધાકૃષ્ણન્-ના શબ્દોમાં (‘ઈસ્ટર્ન રિલિજ્યન્સ ઍન્ડ વૅસ્ટર્ન થૉટ’, પૃ. ૨) : ‘સમગ્ર માનવજાતનું તેમજ વ્યક્તિનું ભાવિ જીવનની શક્તિઓની દિશા પર, એને અજવાળતી જ્યોતિઓ પર અને એને ઘડતા નિયમો પર આધાર રાખે છે.’

આ માનવ ઊર્જા તંત્રનું સર્વત્ર બરાબર શોધન થયું અને એને દિશાદોર સાંપડ્યો તો, જગતભરના લોકો સુખી થઈ પામશે. પણ, એને એમ જ રહેવા દઈશું અને આ રીતે વાળીશું શોધીશું નહીં તો, એ પ્રાકૃત – સંસ્કૃત જ રહેશે અને સડવા માંડી એ વ્યક્તિમાં તેમજ સમષ્ટિમાં ઝેર ઊભાં કરશે, જે તનાવો, નિરાશાઓ અને ગુનાનું રૂપ ધારણ કરશે. આખા જગતમાં, પુખ્ત વયના માણસો કરતાં, જેની પાસે પુષ્કળ શક્તિ છે તે યુવાપેઢીને આ ફિલસૂફીના માર્ગદર્શનની જરૂર છે.

પ્રૌઢો માટે બહોત વીતી ગઈ છે અને એમનામાં શક્તિનો હ્રાસ થયો છે, પણ યુવાનો તાજગીભર્યાં છે. એમની શક્તિ કુમળી છે અને વાળી શકાય તેવી છે પણ, એ ઘાટ આપવાનું કાર્ય માનવવિકાસના વિજ્ઞાન અને ટૅકનિક અને દિશા પર આધારિત છે. એ ધર્મનું વિજ્ઞાન છે જે, ભારતમાં વિકસ્યું છે અને જેને સમસ્ત માનવજાત આજે ઉપનિષદો અને ‘ગીતા’ જેવા મહાગ્રંથોમાંથી પ્રાપ્ત કરે છે. શ્રી કૃષ્ણનું આ સર્વોત્તમ પ્રદાન છે. આપણી પ્રાકૃતિક માનવીય ચૈતસિક ઊર્જાને બુદ્ધિમાં પલટાવવાનો આદેશ ‘ગીતા’ આપે છે. બુદ્ધિ એટલે તેજસ્વી પ્રજ્ઞા અને કાર્યશીલ સંકલ્પનું એકત્રિત સ્વરૂપ. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આવી બુદ્ધિ મોટી મૂડી છે. આખીયે ‘ગીતા’, કાચા પ્રાકૃતિક ઊર્જાતંત્રમાંથી બુદ્ધિ કેમ નીપજાવવી તે યુવાનોને સમજાવે છે. પ્રક્રિયાનો આ વ્યાપાર આપણામાંના દરેકે જાતે ક૨વાનો છે. બીજાઓ માત્ર સહાય કરી શકે. મેં અગાઉ કહ્યા પ્રમાણે આ વિજ્ઞાન અને કલા બંને છે. એમ કરવું ખૂબ આનંદદાયક છે. બંધ ઊભો કરવામાં, જલવિદ્યુત પ્રકલ્પ દ્વારા વિદ્યુતશક્તિ પેદા કરવામાં અને નદીનાં નીરને નહેરો વાટે ખેતરોમાં પહોંચાડવામાં આનંદ છે તે જ રીતે પ્રાકૃતિક માનવઊર્જાને રચનાત્મક અને સર્જનાત્મક શક્તિનું રૂપ આપવામાં અને વ્યક્તિગત તેમજ સમષ્ટિગત માનવ ભવિતવ્યની સિદ્ધિ માટે એને વાળવામાં આપણને આનંદ લાધવો જોઈએ. દરેક માનવીનાં એ અધિકાર અને ફરજ છે. આ કાર્યમાં સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનોની જેમ સારાં પુસ્તકો પણ આપણને સહાયરૂપ બની શકે; પણ એ કાર્ય તો દરેકે જાતે જ કરવાનું છે. ‘ગીતા’માં શ્રીકૃષ્ણે આ સંદેશ પર સતત ભાર દીધો છે ને એની આજે આપણા લોકોને ખૂબ જરૂર પણ છે. ‘ગીતા’ના છઠ્ઠા અધ્યાયમાં (૫-૬)એ કહે છે :

ઉદ્ઘરેત્ આત્મનાત્માનમ્,નાત્માનં અવસાદયેત્ ।
આત્મૈવ હ્યાત્મનો બંધુ : આત્મૈવ રિપુરાત્મનઃ॥

તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે, તારી જાતને તારે નબળી પાડવાની નથી; કા૨ણ તું જ તારો મિત્ર છો અને તું જ તારો દુશ્મન છો :

બંધુરાત્મનાસ્તસ્ય યેનાત્મૈન્ આત્મના જિતઃ।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ॥

જાતને જીતનાર પોતાનો મિત્ર છે; ઊલટું, જેણે પોતાની જાતને એ રીતે નિયમનમાં નથી રાખી તે પોતાનો દુશ્મન છે! (ક્રમશઃ)

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.