(શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (૨૬મી જાન્યુઆરી) પ્રસંગે.)

ઈશ્વરની પ્રાર્થના કર્યા કરવી એ પણ મહત્ત્વનું કર્મ છે. ખરા અંત:કરણથી તમારે તેમ કરવું જોઈએ. તમારી સતત નિરંતર પ્રાર્થના દ્વારા જાણે કે ઈશ્વરને અસ્થિર કરી મૂકો. બાળક માત્ર થોડુંક રડે તો તેની માતા તેની પાસે આવતી નથી. પણ જ્યારે બાળક ખૂબ રડારોળ કરી મૂકે, શાંત થાય જ નહીં, ત્યારે આવીને મા તેને તેડી લે.

બધું ઈશ્વરની ઈચ્છાને લઈને છે :

યશ અપયશ સુયશ કુયશ સકલિ મા તોમારિ ।

રસ થેકે રસભંગ કરો કેનો રસેશ્વરી ॥

‘સ્તુતિ કે નિંદા, જશ કે અપજશ, બધું હે પ્રભુ! તારી પાસેથી જ આવે છે!’

‘મારી બીમારીની બાબતમાં ૨. એ કહ્યું કે, ‘એ બધું કર્મને કારણે છે.’ મેં તરત જ જવાબ આપ્યો, ચંડીમાં કહ્યું છે, ‘તું કર્મ છે; તું ધર્મ છે, તું અધર્મ છે.’ કર્મ વગેરે બધું તેનામાંથી આવે છે, તે એક જ અનાદિ ને અનંત શું બીજું કશું અનાદિ છે? લોકોને સમજાવવા માટે જ એમ કહેવાય છે કે કર્મ અનાદિ છે ઈત્યાદિ. આરોગ્ય કે બીમારી, શુભ કે અશુભ બધું જ તેની ઈચ્છા પ્રમાણે આવે છે ને જાય છે. આ જ અંતિમ સત્ય છે. જેની પાસે જગન્માતા આ સત્ય પ્રકટ કરે તે જ આ સમજી શકે છે. જો તમે ન સમજવાનો નિશ્ચય કર્યો હોય તો તમને ખાતરી કરાવવાની શક્તિ મારામાં નથી.’

‘બધું જ માની ઈચ્છાથી થાય છે. પણ પોતાના જીવનમાં ખરેખર તેનો અનુભવ કરવો જોઈએ. નહીંતર, માત્ર બૌદ્ધિક વિચારથી કંઈ વળે નહીં. એ જ વિચાર જાણે કે, આપણું આશ્રયસ્થાન છે; જ્યારે દુનિયાના ફટકા આપણને લાગે છે, ત્યારે એ ભાવનાથી આપણને શાંતિ મળે છે.’

‘સાધનાનો અર્થ શો છે? એક માત્ર સત્ સ્વરૂપ અંતિમ તત્ત્વ સાથે પોતાનો અભેદ સ્થાપવાના એકરૂપ કરવાના પ્રયાસ સિવાય એ બીજું કંઈ નથી. માત્ર એક માત્ર અદ્વિતીય તત્ત્વ જ છે. એકત્વની અનુભૂતિ તે જ જ્ઞાન છે. બહુત્વની અનુભૂતિ તે અજ્ઞાન છે. આપણે તે એકથી પોતાને જુદા પાડ્યા છે, તેથી જ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. જો કોઈ એ અદ્વિતીય તત્ત્વને સંપૂર્ણ શરણે જાય તો તેને સાચી શાંતિ મળે. બીજે ક્યાંય તમને શાંતિ નહીં મળે. તમે તેના તરફ જેટલા આગળ વધશો, તેટલી વધારે શાંતિ તમને મળશે. છેવટે તેનામાં જ તમારે વિશ્રામ લેવો પડશે, શું તમે ખરેખર તેનાથી જુદા છો? તમે એવું ધારો છો એટલે તમે પોતાને અલગ જુઓ છો, નહીં તો તે પરમાત્મા સિવાય તમે બીજું કંઈ નથી. સફળતા, નિષ્ફળતા બધું જ તેને આધીન છે.’

‘શયતાન પોતાની શક્તિની ખૂબ બડાઈ મારતો હતો. તેથી પ્રભુએ તેને એક ભક્તને લલચાવવા મોકલ્યો. શયતાને ભક્ત પાસે જઈને કહ્યું, ‘મને ભજ તો હું તને ખૂબ ધન સંપત્તિ આપીશ.’ ભક્તે જવાબ આપ્યો, ‘શયતાન અહીંથી ભાગી જા!’ તેથી ક્રોધે ભરાઈ શયતાને તેનો સર્વનાશ કર્યો. એક પછી એક તેનાં બધાં સંતાનો મરી ગયાં. છેવટે તેને પોતાને પણ કોઢ નીકળ્યો તો પણ શયતાન તેને લલચાવતાં અટક્યો નહીં. આથી ભક્તે કહ્યું, ‘પ્રભુએ આપ્યું અને પ્રભુએ લઈ લીધું. પ્રભુની ઈચ્છા જ પૂર્ણ હો!’

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘અધ્યાત્મ-માર્ગ-પ્રદીપ’માંથી, પૃ. સં. ૧૫૮-૧૫૯)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.