(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.)

મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્‌-કૃપાથી ઉત્તરોત્તર તમારી હજુય વધુ ઉન્નતિ થશે અને તેને તમારા જીવનના સાર-સર્વસ્વ સમજીને તથા તેમને સંપૂર્ણપણે મન-પ્રાણ અર્પણ કરીને તમે તમારું માનવજીવન સફળ કરી શકશો. મારા કહેવાનો અર્થ આ છે. પ્રભુ તમને આશીર્વાદ આપે. આ કોઈ ઓછા આનંદ અને ભાગ્યની બાબત નથી કે તમે ભગવત્‌માર્ગે રહીને તેમની આરાધનામાં જીવન વ્યતીત કરી રહ્યા છો અને વિશેષપણે તેમની સેવા કરવા ઇચ્છુક છો. તેઓ તેમની આરાધના કરવાનો અધિકાર આપી રહ્યા છે તે જ પરમ ઉપલબ્ધિ છે.

…. પ્રભુ જેવું કરશે તેવું જ થશે. તેમના શરણાગત થવું એ જ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. એવું જ કરવામાં શાંતિ છે, બીજું કંઈ નહીં, પ્રભુ તમને આશ્રય આપે. તેમના શ્રીચરણોમાં શાંતિ છે, બીજે ક્યાંય નહિ.

*****

પિતાની સેવામાં તત્પર રહો, શું આ પણ કંઈ કહેવાની વાત છે?

पिता स्वर्ग: पिता धर्म: पिता हि परमं तप:।
पितरि प्रीतिमापन्ने प्रीयन्ते सर्वदेवता:॥

(પિતા જ સ્વર્ગ છે. પિતા જ ધર્મ છે અને પિતા જ પરમ તપ છે. પિતાની પ્રસન્નતામાં જ બધા દેવતાઓેનું પ્રસન્નત્વ સમાયેલું છે- “મહાભારત” શાંતિપર્વ, ૨૬૬.૨૧)

આ જ શાસ્ત્રવિધાન છે. તમે સેવાધર્મ અપનાવ્યો છે—પિતાની સેવાની શું વાત છે, જીવમાત્રની ભલાઈ તમારું કર્તવ્ય છે.

તમને સત્સંગનો અવસર મળતો નથી એ ચોક્કસ દુઃખની વાત છે, પરંતુ ઉપાય જ શો છે? તમારા હૃદયમાં જે ‘पावनं पावनानाम्‌’ નિવાસ કરી રહ્યા છે, હવે તેમના પ્રત્યે વધુને વધુ અનુરાગ વધારવાનો પ્રયત્ન કરવો. તેઓ જ સઘળી વ્યવસ્થા કરી દેશે…..

તમે ગામડે જઈને કેમ છો? સગાંસંબંધી તમારા વિશે શું વિચારે છે અને તમને ત્યાં કેવું લાગે છે? તેઓ સાથે સદ્વ્યવહાર કરવાનું ન ભૂલતા, નહિતર સેવાધર્મ નિષ્ફળ જશે. બધા જીવોમાં પ્રભુ જ બિરાજમાન છે એ જ્ઞાન જ જીવનનું મુખ્ય લક્ષ છે.

શુભાકાંક્ષી, તુરીયાનંદ

Total Views: 18

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.