શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે કે જેને શરીરમાં ‘હું’ પણાની બુદ્ધિ છે, તેને પ્રિય અને અપ્રિય અર્થાત્ સારા-ખોટાના પંજામાંથી છુટકારો નથી.-છાંદોગ્ય ઉપનિષદ, ૮.૧૨.૧)-એવું વેદ વાક્ય છે. अशरीरं वाव सन्तं न प्रियाप्रिये स्पृशत: અર્થાત્ આ જ શરીરમાં અશરીરી આત્મા છે, જેને પ્રિય અથવા અપ્રિય કંઈ જ સ્પર્શી શકતું નથી. ‘હું શરીર છું’ – આવું વિચારીને તો મનુષ્ય સુખ-દુઃખથી હેરાન-પરેશાન થઈ જાય છે. ‘હું શરીર નથી, હું અશરીરી આત્મા છું’ – આવા ચિંતન દ્વારા સુખ-દુઃખની પાર જવાનો પ્રયાસ કરવો એ યોગ્ય છે.

આ સંસારમાં જે કંઈ પણ દૃષ્ટિગોચર થાય છે એ બધું ચિંતનનું જ ફળ છે. જે જેવું ચિંતન કરે છે, તે તેવો જ થઈ જાય છે. સર્વદા શરીર-ભાવનાને બદલે ખરેખર તો વચ્ચે વચ્ચે અશરીર-ચિંતનનો અભ્યાસ વિશેષ લાભકારક થઈ શકે છે.

આપણા ઠાકુર સર્વદા કહ્યા કરતા હતા, ‘જે સર્વદા એવું કહ્યા કરે છે કે મારું કંઈ પણ થયું નહીં, હું પાપી છે વગેરે; તેનું કંઈ જ પણ વળતું નથી અને તે પાપી જ બની જાય છે.’ તેથી હતાશ થવું નહીં અને એ ભાવને દૃઢ કરવાનો પ્રયાસ કરવો કે હું ભગવાનનું નામ લઈ રહ્યો છું, તેથી મને વળી ભય શાનો? તેમની કૃપાથી મારાં બધાં વિઘ્નો દૂર થઈ જશે. ‘જય મા કાલી’ કહેતાં કહેતાં તાળી વગાડીને તેમનું નામ અને ચિંતન કરવા મંડી પડો. આનાથી બળ મળશે, પ્રમાદી થવાથી વધુ પ્રમાદી થવાની જ ઇચ્છા થશે, પરંતુ એક વાર પ્રમાદ ખંખેરીને ઊભા થઈ જતાં ફરી પાછા પડ્યા રહેવાની ઇચ્છા થશે નહીં. ત્યારે પ્રવૃત્ત રહેવાની પણ ઇચ્છા થશે અને દેહમાં શક્તિ પણ આવશે. ખૂબ ઉત્સાહની જરૂર છે. ઠાકુરને ઢીલો-પોચો ભાવ પસંદ ન હતો, તેઓ ડાકુના જેવો ભાવ પસંદ કરતા હતા. એટલા માટે સ્વામી વિવેકાનંદ વિશ્વભર માટે ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’- (અર્થાત્ ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો)નો અથક પ્રચાર કરી ગયા છે. ભયની કોઈ વાત નથી, તેમને પોકારો; તેઓ બધું ઠીકઠાક કરી દેશે. તેઓ પારકા નથી. તેઓ આપણા પોતાનાથી પણ વધુ પોતાના છે આ વાત હૃદયમાં બરાબર જાણીને તેમને પ્રાર્થના કરો. તેનાથી બધું બરાબર થઈ જશે. શરીર તો અત્યારે છે, અને ઘડીમાં નહીં પણ હોય. પરંતુ ઠાકુર તો ચિરકાળ માટે છે, તેમને પોતાના બનાવવા જોઈએ.

નિરુત્સાહિત ન બનવું. મનમાં ખૂબ બળ લાવવું, સર્વદા ભગવાનનું સ્મરણ કરવું. તેઓ બધાનું આશ્રયસ્થાન છે. પોતાને પૂર્ણરૂપે તેમનાં શ્રીચરણોમાં સમર્પિત કરીને નિશ્ચિત બની જાઓ. ભય, ચિંતા પોતાની મેળે દૂર થઈ જશે અને હૃદયમાં નવીન બળનો સંચાર થશે.

Total Views: 611

2 Comments

  1. Shakti Kishorbhai Gohel February 1, 2023 at 8:26 am - Reply

    😇🙏

  2. Kajallodhia January 23, 2023 at 10:11 am - Reply

    જય ઠાકુર ! જય સ્વામીજી!🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.